ત્રિશંકુ/માનવસર્જનનાં બે દૃશ્યો

← પગ ઉપર ઊભું રહેતું કુટુંબ ત્રિશંકુ
માનવસર્જનનાં બે દૃશ્યો
રમણલાલ દેસાઈ
ચંદ્ર, કુમુદ અને ભમરો →




૨૧
 
માનવસર્જનનાં બે દૃશ્યો
 

માનવી કઈ કઈ રચના કરે છે?

સમાજમાં તે કુટુંબની રચના કરે છે. ન્યાતની રચના કરે છે, જાતની રચના કરે છે, રાષ્ટ્રની રચના કરે છે. પરંતુ હજી તે રાષ્ટ્રની બહાર આવી. માનવ-રાષ્ટ્ર રસ્થાપી શક્યો નથી.

માનવી કારખાનાની રચના કરે છે, કદી તે કાપડ બનાવે છે, સિમેન્ટ બનાવે છે, શસ્ત્રો બનાવે છે, પરંતુ હજી એકેએક માનવીને પહોંચે એટલું કાપડ બનાવી શક્યો નથી અને શસ્ત્રો બનાવ્યાં ત્યારે એ એવું શસ્ત્ર બનાવી લાવ્યો કે જેમાંથી માનવજાતની આખી જડ ઊખડી જાય.

માનવીએ પોષણ માટે અનાજ બનાવ્યું, ફળફળાદિ ઉછેર્યો, પશુને દોહી દૂધ લીધાં અને જરૂર પડે કે ન પડે તોપણ જાનવરોનાં માંસ કાપી લીધાં. તોય હજી પુષ્ટિ પામતી માનવતા કરતાં ભૂખી માનવતાનો સમૂહ વધારે મોટો છે.

માનવીએ ઔષધ બનાવ્યાં, ઔષધાલયો સ્થાપ્યાં, પ્રયોગ અને વાઢકાપ આદર્યા, વૈદ્યો અને ડૉક્ટરો સર્જ્યા, જાદુઈ દવાઓ શોધી કાઢી, પરંતુ હજી નીરોગી માનવતા કરતાં રોગિષ્ઠ માનવતા વધારે પ્રમાણમાં છે. હજી રોગ જિતાયો નથી, વાર્ધક્ય જિતાયું નથી, તો પછી મૃત્યુ તો જિતાય જ ક્યાંથી ?

હજી માનવીને પોલીસની જરૂર પડે છે, અદાલતની જરૂર પડે છે, ફાંસી અને ગોળીબારની જરૂર પડે છે અને કેદખાનાની પણ જરૂર પડે છે. માણસમાં માણસાઈ આવવા માટે હજી કેટલી મજલ કાપવી રહી ? કેદખાનું હોય ત્યાં સુધી માનવીની માનવતા ઉપર કોણ વિશ્વાસ રાખી શકે ? અને છૂટ્ટાં ફરતાં સ્ત્રીપુરુષોમાં કેદખાનાને લાયક કોણ કોણ નહિ હોય ? લાયકીને ધોરણે તો રાજભવનો, હવેલીઓ, બંગલા, માળા અને ઝૂંપડાં, હજી કેદખાના તરીકે જ ઓળખાવા પાત્ર છે. આ રહ્યું એક કેદખાનું, જેમાં એક સમયે પ્રતિષ્ઠિત ગણાતો કિશોર આજ કેદીનો પોશાક પહેરી મજૂરી કરી રહ્યો છે. મજુરીમાં એ એકલો નથી, એના ભેગા કામ કરનારા બીજા સાથીદારો પણ કેદખાનામાં છે. કેદખાના ઠીકઠીક ભયાનક મનાય છે, અને તે હોય છે પણ ભયાનક, પરંતુ નવી દુનિયા એ ભયાનકતામાં બગીચા પણ સર્જવા મથે છે. બગીચામાં સરસ લીલોતરી હતી. ક્યારીઓમાં ફલ અને શાક થતાં હતાં, જેનો ઉપયોગ મોટે ભાગે કેદખાનાના અમલદારો માટે પણ થતો હતો. બાંધેલી પાળોમાં થઈને પાણી ખળખળ વહેતું દેખાતું હતું. કોઈ પણ આંખને ગમે એવું દૃશ્ય બન્યું હતું. પરંતુ તેના ઉપર કામ કરતા કેદીઓ અને તેમની વાતચીત માનવક્યારીનો કાદવ બની રહ્યાં હતાં. પાણી વાળતાં ન ઓળખાય એવા કિશોરને તેના એક કેદીસાથીએ કહ્યું :

‘અલ્યા, તને બબડવાની ટેવ પડી લાગે છે. રાત્રે પણ તું બોલી ઊઠે છે?'

‘હોય પણ ખરી એ ટેવ ! શું કરું? આ દીવાલની બહારની દુનિયાએ કોણ જાણે. શી શી ટેવ પાડી. છે કે તે આ કેદખાને પણ જતી નથી, અને અહીંથી કોણ જાણે હું કેવીયે ટેવો લઈને જઈશ !'. કિશોરે કહ્યું.

'અરે, ભાઈ ! અહીંની ટેવો પડે તે પહેલાં તમારા સરખા સુખિયાઓ તો બહાર ચાલ્યા જઈ, સુખમાં આળોટતા બની જશે.' બીજા કેદીએ. જવાબ આપ્યો.

'મારે બહાર નથી જવું... જો મને અહીં કાયમ માટે રાખે તો.' કિશોરે જવાબ આપ્યો. તેની સાથે કામ કરતા બન્ને કેદીઓ જરા આશ્ચર્ય પામ્યા અને એક જણાએ તો કહ્યું પણ ખરું :

'કેમ આમ બોલે છે ? અહીં કાયમ માટે કોણ રહેવા માગે ?'

'હું માનું છું. આવી સારી લીલોતરી ! જમીન ભેગું કામ ! અને જમીન એટલે તો ધરતી મા ને ? રોટલાને પણ અમૃત બનાવી દેતી ભૂખ અને તમારા જેવા દોસ્ત ! બહારની દુનિયામાં આ બધું ન મળે. મને બહારની દુનિયા ઉપર તિરસ્કાર આવે છે.' કિશોરે કહ્યું.

'અલ્યા, બૈરાંછોકરાં છે કે નહિ ?' એક કેદીએ પૂછ્યું.

કિશોરે એ કેદની સામે જોયું અને કટુતાભર્યું સ્મિત કરી કિશોરે જવાબ આપ્યો :

“બૈરાં તો નહિ.. એક જ સ્ત્રી છે... મને કેદમાં મોકલનારની સાથે એને મોટરમાં બેસીને જતી મેં જોઈ... મને અહીં કેદમાં લાવતા હતા ત્યારે જ...'

કિશોર હજી અદાલતની બહાર નીકળતાં જોયેલું દૃશ્ય ભૂલ્યો ન હતો. બીજા કેદીએ એની ઢબે કિશોરને ખૂંચતા પ્રશ્નનો નિકાલ લાવવા કહ્યું :  ‘બહાર નીકળે ત્યારે વાઢી નાખજે ને બન્નેને !'

'એનું કહેવું ન સાંભળીશ. વહેમમાં સપડાઈ આ બેવકૂફે એની બૈરીને ઘા કર્યો... અને હવે રોજ યાદ કરીને રડે છે... અલ્યા, છોકરાં તો છે ને તારે ?' એક કેદી મિત્રે તેને શિખામણ આપી અને છોકરાંનો વિચાર કરવા કિશોરને પ્રેરણા કરી. કિશોરના ખ્યાલમાં પણ બાળકો ન હતાં એમ કહી શકાય. તેણે જવાબ આપ્યો :

‘હા, પણ એમને મારું મુખ કેમ બતાવાય ? હું લાજું અને બાળકો પણ લાજે ! એના કરતાં ઝેર ખાવું સારું... મેં તો બૈરાં-છોકરાં કોઈને પણ મળવાની હા પાડી જ નથી... જોકે બાળકોએ માગણી તો ઘણી કરી.'

કિશોરને શિખામણ આપનાર કેદીએ વાત આગળ લંબાવી :

'જો, ભાઈ ! બધી સજા સાચી થતી નથી. મારા જ ભાગીદારે મને ફ્સાવ્યો ન હોત તો આજ હું અને એ બન્ને મહેલાતોમાં રહેતા હોત... હું વિશ્વાસમાં રહ્યો. મારી પાસે એણે ખોટી સહી કરાવી અને મને કેદખાને ધકેલ્યો ! આજ એ મોજ કરી રહ્યો છે... સાચો ગુનેગાર હોવા છતાં.'

'જાણું છું. ભાઈ ! મારો પણ એ જ અનુભવ છે. સચ્ચાઈ બંધન આપે છે અને લુચ્ચાઈ મોજ કરાવે છે... ઓહોહો ! હું મારા શેઠનું જરા, સરખું પણ જૂઠાણું બહાર પાડું તો એ શેઠ પણ આપણી ભેગા આવી જાય!' કિશોરે કહ્યું.

'તારી પત્ની એ નથી જાણતી ?' એક કેદીએ પૂછ્યું.

'જાણે છે.' કિશોરે કહ્યું અને દૂર દેખરેખ રાખતા મુકાદમની બૂમ આ ત્રણ કેદીઓએ સાંભળી :

‘અલ્યા, પાછાં ગપ્પાં હાંકો છો ને ? પડી જાઓ છૂટ્ટા. હજી જૂના કોરડા બાળી નાખ્યા નથી !' મુકાદમ આવીને કોરડો મારે તે પહેલાં ત્રણે કેદીઓએ જગા બદલી. પરંતુ જગા બદલતાં બદલતાં પહેલા કેદીથી ધીમે રહીને બબડી જવાયું

‘એ જ મુકાદમ ! પૈસા લઈ આને ભગાડવા તૈયાર થયો હતો તે ! હજી પણ, એ શું શું કરે છે તે અમે જ જાણીએ !'

કિશોર બીજા કેદીઓથી અલગ પડ્યો અને એકલો એકલો કામ કરવા લાગ્યો. તેની નજર સામે એક જબરજસ્ત કીડીઓની હાર ચાલતી દેખાઈ. ખોદકામ કરતાં તે અટક્યો અને રસપૂર્વક કીડીની હારને નિહાળી રહ્યો. તેના હૃદયમાં વિચારો ઊભરાઈ રહ્યા :

'અલ્પજીવી પ્રાણી... છતાં એની એ જીવંત હાર-કતાર... કેટકેટલી જગાઓ આ કીડીઓએ બદલી ? ઘવાય છે, મરે છે, છતાં વગર બોલ્યે પાછી સજીવન... એના રાફડામાં એનો અન્નભંડાર એ ભર્યોપૂર્યો રાખે છે... માનવીને માનવભંડાર સાચવતાં ક્યારે આવડશે ?... નહિ નહિ, એક્કે કીડી ચોરી કરતી નથી, લૂંટ કરતી નથી. એકલી ખાતી નથી... મેં લીધો એ માલ સાચો તો નહિ જ... ભૂલ મારી કે સમાજની ? અને સમાજે ભૂલ કરી હોય તોય, મારામાં એ સમાજની હારને બદલાવવાની શક્તિ કઈ? શક્તિ ન હતી, એટલે તો હું પકડાયો અને આજ સમાજમાંથી ફેંકાઈ જઈ કેદખાને પડ્યો ! નહિ નહિ, એ પાટે જીવન ન જ ચાલે, કીડીનું પણ નથી ચાલતું તો માણસનું તો કેમ ચાલે ?'

કીડીઓની સતત ચાલી જતી હારમાં એ માનવસમાજના રૂપકને ઘટાવી રહ્યો. સમાજને ફેરવવા માનવી કેદખાને ભલે આવે, પરંતુ એના કેદખાને આવવાથી સમાજનો આખો પ્રવાહ બદલાઈ જવો જોઈએ - જેમ ગાંધીજીના કેદપ્રવાસોએ કર્યું હતું તેમ. પ્રવાહ ન ફેરવાય તો કેદખાને મોકલતું સમાજવિરોધી બંડ નિષ્ફળ હવાતિયું બની રહે છે. તેનાથી બોલાઈ ગયું :

'કોઈ નવું સમત્વ માનવીએ સર્જવું પડશે !'

કેદખાનું સમત્વ આપનારું સર્જન તો નહિ જ ને ? સમત્વ આપનારાં બીજ માનવસર્જનો ક્યાં હશે ?

***

તારાને આર્થિક પોષણ આપતી એક નાનકડી કોટડી ઑફિસરૂમ-ટાઇપિંગરૂમ, જે નામ આપવું હોય તેમાં તારા ટાઇપિંગ કરી રહી હતી. કેટલાક દિવસથી એક જાણીતા વકીલના પુત્રે જાતે વકીલ બની પિતાની સાથે વકીલાતના કામમાં પ્રવેશ કરી આગળ વધવા માંડ્યું હતું. દર્શનની ભલામણ હતી. તારાનું યૌવન આકર્ષક હતું અને કદરૂપા પુરુષ ટાઈપિસ્ટને સ્થાને રૂપાળી યુવતીને ટાઈપિંગ કામે રોકવા માટે યુવાનોને જ નહિ પણ વૃદ્ધોને પણ હરકત ન જ હોય ! કૉલેજમાંથી ભણી રહી તારા ટાઇપિંગનું કામ સાંજે કરતી.

જરૂરી કામ હોવાથી એ યુવાન વકીલ - કે વકીલપુત્ર - ટાઈપિંગનું કામ કરતી તારા સામે બેઠો હતો. એ હતો તો યુવક, પરંતુ તે ફિક્કો, ચિમળાયેલો, ચશ્માંધારી અને વિષયી લાગતો હતો. સતત સિગારેટ પીવી એમાં આજનું યૌવન પુરુષાતન માને છે. આ યુવાન પણ બેઠો બેઠો તારાની સામે નજર કરી સિગારેટના ધુમાડા કાઢી રહ્યો હતો. હજી હિંદના સમસ્ત નારીવર્ગને સિગારેટનો ધુમાડો સર્વાંશે પ્રિય થઈ પડ્યો નથી. ધુમાડાથી તારા કંટાળતી અને મુખ ઉપર કંટાળો પણ વ્યક્ત કરતી હતી. તારા આમ તો ઝડપી કામ કરતી હતી, છતાં યુવક આજે કાંઈ નિશ્ચય કરીને તેની પાસે આવ્યો હતો. કામ પણ એણે જ તારાને આપ્યું હતું, અને કામ કરવાની જુદી કોટડી આપી વળી વધારે ઉપકાર કર્યો હતો.

ઉપકારના બદલામાં માનવી શું શું ન માગી શકે ?

યુવકે પ્રથમ તારા પાસે કામની ઝડપ માગી.

‘તારાબહેન ! આજે રોજ જેટલી ઝડપ કેમ કરતાં નથી ?' યુવકે પ્રશ્ન કર્યો. કામ કરતાં કરતાં ઘણી ઘણી વાતચીત થઈ શકે છે, કેટલાંક કામ જ એવાં હોય છે. ટાઈપિંગ એવું કામ બની શકે છે - જો ટાઇપિસ્ટ સ્ત્રી હોય તો !

'માથા ઉપર કોઈ બેઠું હોય ત્યારે મારાથી ઝડપ ન જ થાય...' ટાઇપિંગ કરતે કરતે તારાએ જવાબ આપ્યો. ઉપકારનો બદલો માગતી આંખ ઓળખવા જેટલો તારાને પણ અનુભવ થયો હતો.

'હું શું એટલો બધો અણગમો ઉપજાવું છું, તારાબહેન ?' યુવકે પ્રશ્ન કર્યો.

'અણગમાનો પ્રશ્ન નથી... કામની ઝડપ અંગે હું કહું છું.'

'કહો જોઈએ, તારાબહેન ! આજ સુધી વધારેમાં વધારે કામ તમને કોણે આપ્યું છે ?'

‘આપે જ.’

‘અને વધારેમાં વધારે રકમ ?'

‘એ પણ આપે જ... એ માટે મેં આપનો આભાર માન્યો જ છે, અને હજી પણ માનું છું...'

'માત્ર જીભથી જ ! ખરું ?' આંખમાં અકથ્ય લાલચ ઉપજાવી યુવાન, વકીલે પૂછ્યું.

'આપનું આપેલું કામ હું પૂરું કરી આપું... બીજું શું થાય ?.. અને જુઓ ને વકીલસાહેબ ! એક તો તમે અહીં બેઠા હો...'

‘તેથી શું?'

'અને વચમાં વાત કરાવો... એટલે કામ ઝડપથી તો ન જ થાય  ?'

‘તમને વાતચીત નથી ગમતી ?'

'ના જી. હું કામ કરતી હોઉ ત્યારે મને વાતચીત ન જ ફાવે.'

'એમ હોય તો... હું તમારા કામને બદલે તમારી વાતચીત જ પસંદ કરું... તમને એમ કહું કે મારું સોંપેલું કામ ન કરશો, તો ?'

‘એ તો જેવી આપની મરજી... હું બીજે કામ શોધી લઈશ.'

'મારું કહેવું કેમ તમે ન સમજ્યાં ?'

‘મને જેમ સમજાય તેમ જવાબ આપું છું. હું શું ન સમજી ?'

‘હું તમારા કામ અને વાતચીત વચ્ચે પસંદગી કરવાનો વિચાર કરતો હતો. કહો... તમારું કામ બાજુએ મૂકીએ... તો તમે મારી સાથે વાત કરો કે નહિ ?'

‘પણ વકીલસાહેબ ! હું તો મહેનતાણાના બદલામાં કામ કરું છું...એ વગર ચાલે એમ નથી.'

‘તમારું મહેનતાણું ચાલુ રહે, પછી શું ?'

'એટલે ?'

‘તમે વાતચીત જ માત્ર કરો. ટાઈપિંગ માટેની ઠરેલી રકમ તમને મળી જશે.'

'હું મહેનત કર્યા વગર મહેનતાણું લેતી નથી.' કહી તારાએ યુવાન વકીલની સામે જોયા વગર પોતાનું ટાઇપિંગ કામ ચાલુ રાખ્યું.

યુવાન વકીલ પણ થોડી વાર વગર બોલ્યે બેસી રહ્યો. તારાનો દેખાવ અત્યારે તેને ગમી ગયો હતો... અત્યારે જ નહિ... એને ઓરડી સોંપી ત્યારથી જ. તારા કૉલેજમાં ભણતી હતી; એને પૈસાની જરૂર હતી; કામ અને મહેનતાણું શોધતી હતી. પરંતુ માત્ર પુરુષનું રૂપ કે પુરુષના પૈસાથી લલચાય એવી એ ન હતી, એમ વકીલની યુવાનીને લાગ્યું. થોડી વારે તેણે તારાની વાતચીત બીજે માર્ગે દોરવા પ્રયત્ન કર્યો.

‘તારાબહેન ! તમને સિનેમા જોવાનો શોખ ખરો કે નહિ ?' વકીલે પૂછયું. સિનેમાનાટક દેખાડી સ્ત્રીઓના પ્રેમને જીતી શકાય છે એવો પુરુષવર્ગમાં ખ્યાલ છે ખરો !

‘હા જી... સારું ચિત્ર હોય તો મને જવું ગમે...' તારાએ ટાઇપિંગ ચાલુ રાખી કહ્યું.

‘આજે એક ઘણું સરસ ચિત્ર છે... આવી શકશો મારી સાથે ? હું હમણાં જ જવા ધારું છું. સમય થવા આવ્યો...' કહી યુવાન વકીલે કાંડાની ઘડિયાળ ઊંચકી નજર નાખી.

‘આજે તો ન અવાય. હજી કામ બાકી છે.' તારાએ કહ્યું.

‘કામ જતું કરો આજે... તમે બહુ થાક્યાં છો, તારાબહેન... હું અહીં જ ચા મંગાવું... ચા પીને આપણે ચાલ્યાં જઈએ, કારમાં સીધાં થિયેટર ઉપર.' યુવાન વકીલે કહ્યું. જેની પાસે કાર હોય છે તે સતત સામા માનવીની દૃષ્ટિએ લાવવા મથે છે. અને કારનું આકર્ષણ પણ જેવુંતેવું નથી ! માનવીના થિયેટર સર્જનની સાથે કારનું સર્જન પણ ભૂલવા સરખું નથી. કારે પોતાની પચાસ વર્ષની કારકિર્દીમાં મહાકાવ્ય લખાય એટલો પ્રેમ વેર્યો છે !

તારાએ એકાએક ટાઇપિંગનું કામ અટકાવી દીધું અને ગંભીરતાપૂર્વક યુવાન વકીલ સામે જોઈ કહ્યું :

'જુઓ, વકીલસાહેબ ! આપના પિતા ઘણા મોટા વકીલ છે એ હું જાણું છું. એમની પાસે ઘણો પૈસો છે, ઘણી મિલકત છે, એક કરતાં વધારે કાર છે અને ભારે પ્રતિષ્ઠા છે એ પણ હું જાણું છું... આપ એમના એકના એક પુત્ર છો એ ખબર પણ મને છે. અને આપને પણ એક પુત્ર છે. એ મારા અને તમારા ધ્યાન બહાર ન જ હોય. આપ આપના પિતા કરતાં પણ વધારે મોટાઈ અને પ્રતિષ્ઠા મેળવો એમ હું ઇચ્છું... મને આટલો ખંડ કાઢી આપી આપે આભારી કરી છે એ હું કબૂલ કરું છું.... પણ...'

‘તારાબહેન ! શાને માટે આટલું બોલો છો ? મને આશીર્વાદ આપવા જેવી. હજી તમારી ઉંમર થઈ નથી ! તમે જોઈ શકો છો કે તમે અને હું બન્ને હજી ઘણાં નાનાં છીએ !' યુવકે તારાના લાંબા ભાષણને અટકાવી તારાના યૌવન તરફ તારાનું લક્ષ ખેંચ્યું. એનું પોતાનું લક્ષ તો ક્યારનું હતું જ.

'પરંતુ તમે એવડા નાના તો નથી જ કે મારી ઈચ્છા વિરુદ્ધ અહીં બેસી રહેવાની મૂખઈ કરો !... વકીલસાહેબ ! હું કેટલાય દિવસથી...'

'ધારો કે એવી મૂર્ખાઈ કરું તો ?' તારાને બોલતી અટકાવી હસતે હસતે સ્વસ્થતાપૂર્વક યુવાન વકીલે પ્રશ્ન કર્યો. તેમના અનેક સરલ અને સહેલા પ્રેમપ્રયોગોમાં તારાનો પ્રસંગ જરા વધારે સાહસ માગતો દેખાયો.

‘તો ?... જુઓ, આમ થાય !' કહી તારાએ ટાઈપ કરેલા કાગળો ચોડો હાથમાં લઈ સામે બેઠેલા વકીલના મુખ ઉપર જોરથી માર્યો. ક્ષણભર યુવાન વકીલ જરા ચમક્યો. ટાઈપ થયેલા કાગળો વીખરાયા અને વેરાયા. સહજમાં તે સ્વસ્થ થયો અને પોતાના દેહ ઉપર ચોંટેલા કાગળો દૂર કરી હસતો હસતો તે ખુરશી ઉપરથી ઊભો થયો. તેનું હાસ્ય બદલાઈ ગયું અને ક્રૂરતા ભરેલા મુખ સાથે તેણે તારાને કહ્યું :

‘કાગળોને હથિયાર માનવાની ભૂલ સ્ત્રીઓ જ કરે !... મારી જ આપેલી ઓરડીમાં મારી સામે થનારને હું ઠેકાણે લાવી શકું છું !'

વાતચીત, ઘરેણાં, ભેટ, પૈસો, ખાણાં, નાટારંગ અને ઠગાઈ એ સર્વ પ્રલોભનો સ્ત્રીને સ્પર્શે નહિ ત્યારે પુરુષ પોતાનું બળ સ્ત્રી ઉપર અજમાવે છે. તારાની સામે થવાનું આ શક્તિહીન વિષયી યુવાનમાં બળ રહ્યું હતું કે નહિ એની ખબર માત્ર ઈશ્વરને જ હોય ! પરંતુ તેણે હિંમત જરૂર કરી. આગળ ધસી, ઊભી થવા જતી તારાનો હાથ પકડી બીજે હાથે તેના મુખ ઉપર પોતાનો હાથ દબાવી દીધો !

પરંતુ તેની પાછળ હાસ્યનો અવાજ આવતાં તેણે એકાએક પોતાના પ્રયત્નો જતાં કર્યા અને પાછળ જોયું તો દર્શનને હસતો ઊભેલો નિહાળ્યો!

'બસ કરો, યુવાન વકીલસાહેબ ! મારી એક સલાહ ગાંઠે બાંધી રાખો. સ્ત્રીઓ સાથે કાંઈ પણ ઝઘડો થાય તો તેમાં હાર કબૂલી બે હાથ ઊંચા કરી શરણ સ્વીકારવું. સારામાં સારો માર્ગ છે... પછી એ સ્ત્રી પોતાની પત્ની હોય કે ન હોય તોપણ !' દર્શને સ્વસ્થતાપૂર્વક સલાહ આપી.

વાંકમાં આવેલો ધનિક કદી, પરાજય કબૂલ ન જ કરે. અણધાર્યો દર્શન આવ્યો એથી તો યુવાન વકીલનો ક્રોધ ઘણો વધી ગયો. તેણે ગુસ્સે થઈ કહ્યું :

‘તેમ નહિ કરું તો ?'

‘ઝઘડામાં ત્રીજા માણસનો પુરાવો તમને ભારે થઈ પડશે.' દર્શને કહ્યું.

‘તારા ચીંથરા સરખા છાપાનો મને ભય બતાવે છે શું ?'

‘તમને ભય લાગતો હોય તો હું જરૂર લગાડું... મારું છાપું કોઈની પણ શરમ કે શેહ રાખતું નથી.'

'અરે, તારા આખા છાપાને... તને અને તારા માલિક સુધ્ધાંને.... હું ખરીદી લઉં એમ છું !... આજની જ રાતમાં !' યુવાન વકીલને પોતાના પિતાના ધનની ઠીકઠીક ખુમારી હતી !

'એ પ્રસંગ જ્યારે આવશે ત્યારે આપણે યોગ્ય શરતો કરી લઈશું... પરંતુ તે પહેલાં આ ખંડ છોડી તમે એકદમ ચાલ્યા જાઓ !' દર્શને પોતાનું સ્વાભાવિક સ્મિત હળવું કરી કહ્યું.

'આ ખંડ મારો છે ! તારા ઉપર મહેરબાની કરી મેં એને એ ખંડ આપ્યો છે... તારી પોતાની ભલામણને અંગે !... તમે મહેરબાનીને લાયક નથી... તમે બન્ને અહીંથી જઈ શકો છો, આ જ ક્ષણે !' યુવાન વકીલે ઘર ઉપરનો માલકીહક્ક વાપરતાં કહ્યું.

'જુઓ, વકીલસાહેબ ! હું અહિંસક છું એટલે તમારા દેહને હું ભારે નુકસાન તો નહિ કરી શકું. પણ... તમે જો પગ હમણાં જ નહિ ઉઠાવો તો અમારા જતા પહેલાં તમને તો તમારા આ ખંડની બહાર જરૂર મોકલી દઈશ.’ દર્શને કહ્યું અને હસતે હસતે પોતાની બાંય જરા ચડાવી.

‘મને આંગળી તો અરાડી જો !' વકીલસાહેબ ધન અને માલકીના બળ ઉપર ભાર મૂકી રહ્યા હતા.

એક નહિ... પાંચે આંગળીઓ... અને દસ પણ જરૂર પડે તો...' કહી દર્શને યુવાન નિર્બળ વકીલને પકડી ધક્કો મારી ઓરડી બહાર ફેંકી દીધો, અને હસતે હસતે તારાને કહેવા લાગ્યો :

‘હજી દુનિયા ગુંડાગીરી માગે છે !'

'કોની ગુંડાગીરી ? તારી કે પેલા વકીલની ?' તારાએ પૂછ્યું.

‘એ તો પાછું અદાલતમાં જઈ નક્કી કરીએ ત્યારે ને ?' દર્શને તારા સાથે બહાર નીકળતાં જવાબ આપ્યો.

કેદખાનું, પત્ર, વકીલાત, પૈસો, અદાલત...એ બધાંય માનવ સર્જન !

કમાણી માટે ભાડે રાખેલી ઓરડી એ પણ એક સર્જન !

કિશોરને પૂરી રાખતી કેદખાનાની દીવાલો સારી કે તારાના દેહ ઉપર ધસી જવાની સગવડ આપતી ભાડૂતી ઓરડીઓ સારી ?