દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/અહમદ મહમદ કાછલિયા

← વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
અહમદ મહમદ કાછલિયા
મોહનદાસ કરમચંદ ગાંધી
પહેલી ફૂટ →


૧૬. અહમદ મહમદ કાછલિયા

ડેપ્યુટેશન વિલાયત જતું હતું ત્યારે, દક્ષિણ આફ્રિકામાં રહેલા એક અંગ્રેજ મુસાફરે જ્યારે ટ્રાન્સવાલના કાયદાની વાત મારે મોઢેથી સાંભળી અને અમારું વિલાયત જવાનું કારણ પણ સાંભળ્યું ત્યારે તે બોલી ઊઠયો, "તમે કૂતરાનો પટ્ટો (ડોગ્સ કૉલર) પહેરવાનો ઈન્કાર કરવા માગો છો." આ અંગ્રેજ ટ્રાન્સવાલના પરવાનાને આવું નામ આપ્યું. પોતાનો પટ્ટા વિશેનો હર્ષ ને હિંદીઓ પ્રત્યેનો તિરસ્કાર જણાવવા કે પોતાની લાગણી દર્શાવવા એ વચન કહ્યું, એ હું તે વખતે સમજી નહોતો શકયો, અને આજે પણ એ બનાવની નોંધ લેતાં કંઈ નિશ્ચય નથી કરી શકતો. કોઈ પણ મનુષ્યના કહેવાનો તેને અન્યાય થાય એવો અર્થ આપણે ન કરવો જોઈએ એ સુનીતિને અનુસરીને હું એમ માની લઉં છું કે, એ અંગ્રેજે પોતાની લાગણી બતાવવાને જ પેલા તાદૃશ ચિતાર આપનારા શબ્દો ઉચ્ચારેલા. એ ગળપટ્ટો પહેરવાની તૈયારી એક તરફથી ટ્રાન્સવાલની સરકાર કરી રહી હતી; અને બીજી તરફથી હિંદી કોમ એ પટ્ટો ન પહેરવાનો નિશ્ચય કેમ કાયમ રહી શકે અને ટ્રાન્સવાલ સરકારની કુનીતિની સામે પોતે કેમ ઝૂઝી શકે તેની તૈયારીઓ કરી રહી હતી. વિલાયત અને હિંદુસ્તાનના સહાયકોને પત્ર વગેરે લખવા અને ચાલુ સ્થિતિથી માહિતગાર રાખવા એ કામ તો ચાલી જ રહ્યું હતું. પણ સત્યાગ્રહની લડત બાહ્યોપચાર ઉપર ઘણો થોડો આધાર રાખે છે. અાંતર ઉપચાર એ જ સત્યાગ્રહમાં અકસીર ઉપચાર છે. તેથી કોમનાં બધાં અંગ તાજાં અને ચુસ્ત રહે એ ઉપાયોમાં જ આગેવાનોનો વખત જતો હતો.

એક મહત્ત્વનો પ્રશ્ન, સત્યાગ્રહનું કામ ક્યા મંડળની મારફતે લેવું એ, કોમની સામે ખડો થયો હતો. ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશનમાં તો ઘણા સભાસદો હતા. તેની સ્થાપના વખતે સત્યાગ્રહનો જન્મ પણ નહોતો થયો. તે મંડળને એક નહીં પણ અનેક કાયદાઓની સામે હાથ દેવા પડતા હતા, અને હજુ દેવાના હતા. કાયદાઓની સામે થવા ઉપરાંત બીજાં રાજદ્વારી, સામાજિક અને એવી જાતનાં કામ તેને કરવાનાં હતાં. વળી એ મંડળના બધા સભાસદોએ પ્રતિજ્ઞા લીધી હતી એવું પણ ન કહી શકાય. તેની સાથે તે મંડળને અંગે બહારના જોખમનો પણ વિચાર કરવાની જરૂર હતી. સત્યાગ્રહની લડતને ટ્રાન્સવાલની સરકાર રાજદ્રોહી ગણે તો ? એમ ગણીને એ લડતને ચલાવનારી સંસ્થાઓને ગેરકાયદેસર ગણે તો ? એ સંસ્થામાં રહેલા જે સત્યાગ્રહી ન હોય તેમનું શું? સત્યાગ્રહની પૂર્વે જેણે પૈસા આપેલા હોય તેઓના પૈસાનું શું? આ વિચારો પણ કરવા યોગ્ય હતા. છેવટમાં સત્યાગ્રહીનો દૃઢ નિશ્ચય હતો કે જેઓ અશ્રદ્ધાને લીધે, અશક્તિને લીધે, કે બીજાં ગમે તે કારણસર સત્યાગ્રહમાં જોડાય નહીં તેઓના પ્રત્યે દ્વેષભાવ ન રાખવો, એટલું જ નહીં, પણ તેઓની સાથે વર્તતા સ્નેહભાવમાં કંઈ પણ ફેરફાર ન થવા દેવો અને સત્યાગ્રહ સિવાયની બીજી હિલચાલોમાં તેઓની સાથે સાથે જ કામ કરવું.

આવી જાતના વિચારોથી એક ચાલુ મંડળની મારફતે સત્યાગ્રહની હિલચાલ ન ચલાવવી એ નિશ્ચય પર આખી કોમ આવી. બીજાં મંડળો આપી શકાય તેટલું ઉત્તેજન આપે. બીજાં મંડળો પણ સત્યાગ્રહ સિવાયના બીજા જે જે ઉપાયો ખૂની કાયદાની સામે લઈ શકાય તે લે. એથી 'પેસિવ રિઝિસ્ટન્ટ એસોસિયેશન' અથવા સત્યાગ્રહ મંડળ એ નામનું નવું મંડળ સત્યાગ્રહીઓએ ઊભું કર્યું. અંગ્રેજી નામ ઉપરથી વાંચનાર સમજી લેશે કે જે વખતે આ નવું મંડળ હસ્તીમાં આવ્યું તે વખતે સત્યાગ્રહ નામની શોધ થઈ ન હતી. જેમ જેમ વખત જતો ગયો, તેમ તેમ માલૂમ પડયું કે નોખું મંડળ કાઢવાથી દરેક રીતે પ્રજાને ફાયદો જ થયો, અને જો તેમ ન થયું હોત તો સત્યાગ્રહની હિલચાલને તો કદાચ નુકસાન જ થાત. અા નવા મંડળમાં સંખ્યાબંધ સભાસદો થયા અને પ્રજાએ પૈસો પણ છૂટે હાથે ભર્યો.

મારા અનુભવે મને તો એ જ બતાવ્યું છે કે કોઈ પણ હિલચાલ પૈસાને અભાવે નથી પડી ભાંગતી, નથી અટકતી કે નથી નિસ્તેજ થતી. આનો અર્થ એવો નથી કે દુન્યવી કોઈ પણ હિલચાલ પૈસા વિના ચાલી શકે. પણ એનો અર્થ અવશ્ય એ છે કે જ્યાં ખરા સંચાલકો હોય છે ત્યાં પૈસો એની મેળે જ આવે છે. એથી ઊલટો અનુભવ મને એવો પણ થયો છે કે જે હિલચાલને પૈસાની છોળ થઈ પડે છે તે હિલચાલની તે જ સમયથી અવનતિ શરૂ થાય છે. અને તેથી મારા અનુભવમાં તો એક એ સિદ્ધાંત પણ આવેલો છે કે, કોઈ પણ સાર્વજનિક સંસ્થાએ મૂડી એકઠી કરીને વ્યાજથી પોતાનો વહીવટ ચલાવવો એ પાપ છે એમ કહેતા તો મારી હિંમત નથી ચાલતી. તેથી અયોગ્ય છે એટલું જ કહું છું. સાર્વજનિક સંસ્થાની મૂડી એ જનસમુદાય જ છે. જ્યાં સુધી તેઓ ઈચ્છે છે ત્યાં સુધી જ એવી સંસ્થાઓ નભવી જોઈએ. મૂડી એકઠી કરી વ્યાજ ઉપર કામ ચલાવનારી સંસ્થા સાર્વજનિક નથી રહેતી, પણ સ્વતંત્ર અને આપમતીલી બની જાય છે. જાહર ટીકાના અંકુશને એ વશ નથી રહેતી. વ્યાજ ઉપર ચાલતી અનેક ધાર્મિક અને સંસારી સંસ્થાઓમાં કેટલો બધો સડો પેસી ગયો છે, એ બતાવવાનું આ સ્થાન નથી. એ લગભગ સ્વયંસિદ્ધ જેવી વાત છે.

ફરી આપણે મૂળ વિષય પર આવીએ. ઝીણી દલીલો કરવાનો અને નુકતેચીનીઓ શોધવાનો ઈજારો કેવળ વકીલોને ઘેર જ નથી અને નથી અંગ્રેજી ભણેલા સુધરેલાઓને ત્યાં. દક્ષિણ આફ્રિકાના અણઘડ હિંદીઓ પણ બહુ જ ઝીણી દલીલો કરી શકે છે એમ મેં જોયું. પ્રથમ થયેલો ખૂની કાયદો રદ થયો એટલે નાટકશાળામાં લીધેલી પ્રતિજ્ઞા પૂરી થઈ એવી દલીલ કેટલાકે કાઢી. જેઓ નબળા પડચા હતા તેઓએ તો આ દલીલની છાયામાં આશ્રય લીધો. દલીલમાં કંઈ વજૂદ ન હતું એમ તો ન જ કહી શકાય. છતાં જેઓ કાયદાની સામે કાયદા તરીકે નહીં પણ તે કાયદામાં રહેલા તત્ત્વની સામે થયા હતા તેઓની ઉપર તો આ નુકતેચીની કંઈ અસર કરી શકે એમ ન હતું. આમ છતાં સલામતીને ખાતર, વધારે જાગૃતિ કરવા ખાતર અને લોકોમાં જો કમજોરી આવી ગઈ હોય તો તે કયાં સુધી આવી ગયેલી છે તે તપાસી જોવાની ખાતર, ફરીથી પ્રતિજ્ઞા લેવડાવવી જરૂરી જણાઈ તેથી ઠેકઠેકાણે સભાઓ ભરી લોકોને પરિસ્થિતિ સમજાવવામાં આવી અને ફરીથી પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવી. લોકોનો જુસ્સો કંઈ ઓછો થયો હોય એવું જોવામાં ન આવ્યું.

દરમ્યાન જુલાઈ મહિનો નજીક આવતો જતો હતો. એ જ અરસામાં ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી સભા ભરવાનો ઠરાવ થયો હતો. બીજાં શહેરોમાંથી પ્રતિનિધિઓ પણ નોતરવામાં આવ્યા હતા. સભા પ્રિટોરિયાની મસ્જિદના ચોગાનમાં ખુલ્લામાં રાખવામાં આવી હતી. સત્યાગ્રહ શરૂ થયા પછી સભામાં માણસો એટલા બધા આવવા લાગ્યા કે કોઈ પણ મકાનમાં સભા ભરાવી એ અશક્ય હતું. આખા ટ્રાન્સવાલમાં હિંદીઓની વસ્તી ૧૩,૦૦૦થી વધારે ન ગણાય. તેમાંની દશ હજારથી વધારે તો જોહાનિસબર્ગ અને પ્રિટોરિયામાં જ સમાઈ જાય. તેટલી સંખ્યામાંથી પાંચછ હજાર લોકો સભામાં હાજર થાય એ પ્રમાણ દુનિયાના કોઈ પણ ભાગમાં ઘણું જ મોટું અને ઘણું સંતોષકારક ગણી શકાય. સાર્વજનિક સત્યાગ્રહની લડત બીજી કોઈ શરતે લડી પણ ન શકાય. કેવળ પોતાની જ શક્તિ ઉપર જે લડતનો આધાર રહ્યો છે ત્યાં તે તે વિષયની સાર્વજનિક તાલીમ ન અપાઈ હોય તો લડત ચાલી જ ન શકે. તેથી આવી હાજરી એ અમને કામદારોને નવાઈભરેલી નહોતી લાગતી. અમે પ્રથમથી જ નિશ્ચય કરી લીધો હતો કે જાહેર સભાઓ મેદાનમાં જ ભરવી, જેથી ખરચ કંઈ લાગે નહીં અને જગાની તંગીને લીધે એક પણ માણસને પાછા ન જવું પડે. અહીં એ પણ નોંધવા યોગ્ય છે કે આ બધી સભાઓ ઘણે ભાગે અત્યંત શાંત રહેતી. અાવનારાઓ બધું ધ્યાનપૂર્વક સાંભળતા. કોઈ સભાને છેવાડે ઊભા હોય તે ન સાંભળે તો બોલનારને ઊંચા સાદે બોલવાનું સૂચવે. વાંચનારને જણાવવાની જરૂર ન હોવી જોઈએ કે આવી સભાઓમાં ખુરશીઓ વગેરેની ગોઠવણ તો હોય જ નહીં. સૌ જમીન ઉપર બેસી જાય. માત્ર પ્રમુખ, બોલનાર અને બેચાર બીજા પ્રમુખની પડખે બેસી શકે એવો માંચડો ગોઠવવામાં આવતો અને તેની ઉપર એક નાનકડું ટેબલ અને બેચાર ખુરશીઓ કે સ્ટૂલ હોય.

અા પ્રિટોરિયાની સભાના પ્રમુખ તરીકે બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશનના હંગામી પ્રમુખ યુસુફ ઈસ્માઈલ મિયાં હતા. ખૂની કાયદાની રૂએ પરવાના કાઢવાનો વખત નજીક આવતો હતો, તેથી જેમ હિંદીઓ ઘણા જુસ્સાવાળા છતાં ચિંતાતુર હતા તેમ જનરલ બોથા અને સ્મટ્સ પણ, પોતાની સરકારની પાસે અમોઘ બળ હોવા છતાં, ચિંતાતુર હતા. એક આખી કોમને બળાત્કારે નમાવવી એ કોઈને ગમે તો નહીં જ. તેથી જનરલ બોથાએ આ સભામાં મિ. હૉસ્કિનને અમને સમજાવવા સારુ મોકલ્યા હતા. મિ. હૉસ્કિનની ઓળખાણ હું પ્રકરણ ૧૩માં કરાવી ગયો છું. સભાએ તેમને વધાવી લીધા. તેમણે પોતાના ભાષણમાં કહ્યું, "હું તમારો મિત્ર છું, એ તમે જાણો છો. મારી લાગણી તમારી સાથે છે એ કહેવાની જરૂર ન હોય. મારાથી બની શકતું હોય તો હું તમારી માગણી કબૂલ કરાવી આપું, પણ અહીંના સામાન્ય ગોરાઓના વિરોધ વિશે મારે કઈ તમને ચેતાવવાનું હોય જ નહીં. આજે તમારી પાસે જનરલ બોથાનો મોકલ્યો આવ્યો છું. જનરલ બોથાએ મને આ સભામાં આવી તેમનો સંદેશો સંભળાવવાનું કહ્યું છે. હિંદી કોમને માટે તેમને માન છે. કોમની લાગણીઓ તે સમજે છે. પણ તે કહે છે, 'હું લાચાર છું. ટ્રાન્સવાલના બધા ગોરાઓ કાયદો માગે છે. હું પોતે પણ એ કાયદાની જરૂર જોઉં છું. ટ્રાન્સવાલની સરકારની શક્તિથી હિંદી કોમ વાકેફ છે. આ કાયદામાં વડી સરકારની સંમતિ છે. હિંદી કોમે જેટલું કરવું જોઈએ તેટલું કર્યું ને પોતાનું માન જાળવ્યું છે. પણ જ્યારે કોમનો વિરોધ સફળ ન થયો અને કાયદો પસાર થયો ત્યારે હવે કોમે એ કાયદાને વશ થઈને પોતાની વફાદારી અને શાંતિપ્રિયતા સાબિત કરી દેવાં જોઈએ. એ કાયદાની રૂએ જે ધારાઓ ઘડાયેલા છે તેમાં કંઈ નાનોસૂનો ફેરફાર કરવો હોય તો તે વિશે કોમનું કહેવું જનરલ સ્મટ્સ ધ્યાનપૂર્વક સાંભળશે.' " આમ સંદેશો આપી મિ. હૉસ્કિને કહ્યું, "હું પણ તમને સલાહ આપું છું કે જનરલ બોથાના સંદેશાને તમે માન આપો. હું જાણું છું કે ટ્રાન્સવાલની સરકાર આ કાયદા વિશે મક્કમ છે. તેની સામે થવું એ ભીંત સાથે માથું અફાળવા જેવું છે. તમારી કોમ સામે થઈ ખુવાર ન થાય અને ફોકટ દુ:ખ ન ભોગવે એમ હું ઈચ્છું છું." આ ભાષણનો અક્ષરેઅક્ષર તરજુમો મેં કોમને કહી સંભળાવ્યો. મારી પોતાની વતી પણ સાવચેતી આપી. મિ. હૉસ્કિન તાળીઓના અવાજ વચ્ચે વિદાય થયા.

હિંદીઓનાં ભાષણો શરૂ થયાં. આ પ્રકરણના અને ખરું જોતાં આ ઈતિહાસના નાયકની ઓળખાણ તો મારે હવે કરાવવી રહી. જે બોલનાર ઊભા થયા તેમાં મરહૂમ અહમદ મહમદ કાછલિયા હતા. એમને હું તો એક અસીલ તરીકે અને દુભાષિયા તરીકે ઓળખતો. એઓ અત્યાર સુધી જાહેર કામમાં અગ્રેસર થઈને ભાગ નહોતા લેતા. એમનું અંગ્રેજી જ્ઞાન કામચલાઉ હતું, પણ અનુભવથી એટલે સુધી મેળવી લીધેલું કે પોતાના મિત્રોને અંગ્રેજ વકીલોને ત્યાં લઈ જાય ત્યારે તે પોતે જ દુભાષિયાનું કામ કરતા. દુભાષિયાપણું એ કંઈ તેમનો ધંધો ન હતો. એ કામ તો તે મિત્ર તરીકે જ કરતા. ધંધો પ્રથમ કાપડની ફેરીનો હતો. અને પાછળથી તેમના ભાઈની સાથે ભાગમાં નાનકડા પાયા પર વેપાર કરતા. પોતે સુરતી મેમણ હતા. સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરતી મેમણોમાં તેમની પ્રતિષ્ઠા સરસ હતી. ગુજરાતીનું જ્ઞાન પણ એવું જ હતું, અનુભવે તેમાં ખૂબ વધારો કર્યો હતો. પણ એમની બુદ્ધિ એટલી બધી તેજ હતી કે ગમે વસ્તુ એ ઘણી સહેલાઈથી સમજી જતા. કેસોની આંટીઓ એવી રીતે ઉકેલી શકતા કે હું ઘણી વેળા આશ્ચર્યચકિત થતો. વકીલોની સાથે કાયદાની દલીલ કરતાં પણ એ અચકાય નહીં, અને ઘણી વેળા તેમની દલીલમાં વકીલોને પણ વિચારવા જેવું હોય જ.

બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડયા તેમાં મેં હમેશાં તેમને એકવચની તરીકે જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે જ એ હિંદુ-મુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ યાદ નથી કે જેમાં તેમણે ધમાઁધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુ-મુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરાય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે.

પ્રિટોરિયાની સભામાં બોલનારમાં આ નર પણ એક હતો. તેમણે ઘણું જ ટૂંકું ભાષણ કર્યું. તે બોલ્યા, "આ ખૂની કાયદો દરેક હિંદી જાણે છે. તેનો અર્થ આપણે બધા સમજીએ છીએ. મિ. હૉસ્કિનનું ભાષણ મેં ધ્યાનપૂર્વક સાભળ્યું, તમે પણ સાંભળ્યું મારી ઉપર તેની એક જ અસર થઈ છે. હું મારા કસમમાં વધારે દૃઢ થયો છું. ટ્રાન્સવાલની સરકારની સત્તા આપણે જાણીએ છીએ. પણ આ ખૂની કાયદાના ડર કરતાં વધારે ડર આપણને એ શું બતાવી શકે એમ છે ? જેલમાં નાખશે, આપણો માલ વેચશે, આપણને દેશપાર કરશે, ફાંસી દેશે. એ બધું સહન થઈ શકે એમ છે, પણ આ કાયદો તો સહન ન જ થાય." હું જોતો હતો કે આ બધું બોલતાં અહમદ મહમદ કાછલિયા ખૂબ ઉશ્કેરાતા જતા હતા. તેમનો ચહેરો લાલ થઈ ગયો હતો. ગળાની અને માથાની રગો લોહીના જોરથી ઊપસી નીકળી હતી. શરીર કાંપતું હતું. પોતાના જમણા હાથનાં ખુલ્લાં અાંગળાં ગળા ઉપર ફેરવતાં તે ગરજી ઊઠયા, "હું ખુદાના કસમ ખાઈને કહું છું કે હું કતલ થઈશ, પણ આ કાયદાને વશ નહીં થાઉં અને હું ઈચ્છું છું કે અા સભા પણ એ જ નિશ્ચય પર આવે." એમ કહીને તે બેસી ગયા. માંચડા ઉપર બેઠેલા કેટલાકનું મોઢું, ગળા ઉપર જ્યારે તેમણે અાંગળાં ફેરવ્યાં ત્યારે, મલકયું, મને સ્મરણ છે તે પ્રમાણે હું પણ તેમાં ભળ્યો. જેટલું બળ કાછલિયા શેઠે પોતાના શબ્દોમાં મૂક્યું હતું તેટલું તે પોતાની કરણીમાં બતાવી શકશે કે નહીં એ વિશે મારા મનમાં જરા શંકા હતી. એ શંકાનો વિચાર કરું છું ત્યારે અને એ વિચાર અહીં ઉતારતી વેળા પણ હું શરમાઉં છું. એ મહાન લડતમાં જે ઘણાઓએ પોતાની પ્રતિજ્ઞાનું અક્ષરશઃ પાલન કર્યું એ બધામાં કાછલિયા શેઠ હમેશાં અગ્રેસર રહ્યા. કોઈ દિવસે તેમનો રંગ બદલાયેલો મેં જોયો જ નહીં.

સભાએ તો આ ભાષણ તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. હું તેમને જાણતો હતો તેના કરતાં બીજા સભાસદો એ વખતે તેમને ઘણા વધારે જાણતા હતા, કારણ કે તેઓમાંના ઘણાને તો એ ચીંથરે વીંટેલ રત્નનો અંગત પરિચય હતો. તેઓ જાણતા હતા કે કાછલિયા કરવા ધારે છે તે જ કરે છે અને જે કહે છે તે કરે છે જ. બીજાં પણ જુસ્સાદાર ભાષણો થયાં. કાછલિયા શેઠના ભાષણને તારવી કાઢ્યું છે, કેમ કે તેમની પાછળની કારકિર્દીથી એ ભાષણ ભવિષ્યવાણીરૂપ નીવડયું જુસ્સાવાળાં ભાષણ કરનારા બધાય ટકી ન શકયા. આ પુરુષસિંહનું મરણ, કોમની ધૂંસરી ઊંચકતાં જ, સન ૧૯૧૮માં એટલે લડત થઈ રહ્યા પછી ચાર વરસે થયું.

એમનું એક સ્મરણ બીજે ક્યાંય આવવા સંભવ નથી એટલે તે પણ અહીં જ આપી દઉં છું. વાંચનાર ટૉલ્સ્ટોય ફાર્મની વાત આગળ ઉપર વાંચશે. તેમાં સત્યાગ્રહીઓનાં કુટુંબો વસતાં હતાં. કેવળ દાખલો બેસાડવાની ખાતર અને પોતાના દીકરાને પણ સાદો અને પ્રજાસેવક બનાવવાને સારુ તેમણે તેને એ ફાર્મમાં કેળવણી લેવા મોકલ્યો હતો; અને, તેને લીધે જ કહીએ તો ચાલે, કે બીજાં મુસલમાન બાળકોને પણ તેમનાં માબાપોએ ફાર્મમાં મોકલ્યાં હતાં. જુવાન કાછલિયાનું નામ અલી હતું. તેની ઉંમર તે વખતે ૧૦-૧૨ વરસની હશે. અલી નમ્ર, ચંચળ ને સત્યવાદી તથા સરળ છોકરો હતો. કાછલિયા શેઠના પહેલાં, પણ લડાઈ પછી, તેને પણ ફિરસ્તાઓ ખુદાના દરબારમાં લઈ ગયા. જો તે જીવતો રહ્યો હોત તો પોતાના બાપને જરૂર શોભાવત એમ હું માનું છું.