દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/પહેલી ફૂટ

← અહમદ મહમદ કાછલિયા દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
પહેલી ફૂટ
મોહનદાસ કરમચંદ ગાંધી
પહેલો સત્યાગ્રહી કેદી →


૧૭. પહેલી ફૂટ

૧૯૦૭ના જુલાઈની પહેલી આવી. પરવાના કાઢવાની અૉફિસો ખૂલી. કોમી હુકમ હતો કે દરેક ઓફિસને ખુલ્લી રીતે પિકેટ કરવી, એટલે કે ઓફિસે જવાના રસ્તાઓ પર સ્વયંસેવકોને રાખવા અને તેઓએ ઓફિસમાં જનાર લોકોને સાવધાન કરવા. દરેક સ્વયંસેવકને અમુક નિશાની રાખવાની હતી. અને દરેકને ખાસ શિક્ષણ આપવામાં આવ્યું હતું કે પરવાનો કઢાવનાર કોઈ પણ હિંદીની સાથે તે બેઅદબીથી ન વર્તે, તે તેનું નામ પૂછે; ન આપે તો બળાત્કાર કે અવિનય ન કરે. કાયદાને વશ થવાથી થતા નુકસાનનો છાપેલો ખરડો દરેક એશિયાટિક અૉફિસમાં જનાર હિંદીને આપે, તેમાં શું લખ્યું છે તે સમજાવે, પોલીસની સાથે પણ અદબથી વર્તે. પોલીસ ગાળ દે, માર મારે તો શાંતિથી સહન કરે. માર સહન ન થઈ શકે તો ત્યાંથી ખસી જાય. પોલીસ પકડે તો ખુશીથી પકડાઈ જાય. જોહાનિસબર્ગમાં એવું કંઈ બને તો મને જ ખબર આપે. બીજી જગ્યાઓએ તે તે જગ્યાએ નિમાયેલા મંત્રીઓને ખબર આપે અને તેની સૂચના પ્રમાણે કરે. દરેક ટુકડીનો મુખી નિમાતો. મુખીના હુકમ પ્રમાણે બીજા પહેરેગીરોએ (પિકેટે) વર્તવું.

આવો અનુભવ કોમને પ્રથમ જ થયો હતો. પહેરેગીર તરીકે બાર વરસ ઉપરાંતના બધાને પસદ કરવામાં આવતા હતા, એટલે બારથી અઢાર વરસ સુધીના જુવાનિયાઓ પણ સ્વયંસેવક તરીકે ઘણા નોંધાયા હતા. પણ સ્થાનિક કામદારોથી અજાણ્યો હોય એવા કોઈ માણસને લેવામાં આવતો જ નહીં. આટલી ચોકસી ઉપરાંત દરેક સભામાં અને બીજી રીતે લોકોને જણાવવામાં આવતું હતું કે જેને નુકસાનના ભયથી કે બીજા કંઈ પણ કારણસર નવો પરવાનો કાઢવાની ઈચ્છા હોય, પણ પિકટનો ડર લાગે, તેને અાગેવાન તરફથી એક સ્વયંસેવક સોંપવામાં આવશે, કે જે તેની સાથે જઈને તેને એશિયાટિક અૉફિસમાં મૂકી આવશે, અને તેનું કામ પૂરું થયે તેને પાછો સ્વયંસેવકોની બહાર વળાવી આવશે. આ સહીસલામતીનો કેટલાકે લાભ પણ લીધો હતો. સ્વયંસેવકોએ દરેક જગ્યાએ કામ અતિશય ઉમંગથી કરેલું. તેઓ સદાય પોતાના કાર્યમાં ચપળ અને જાગ્રત રહેતા. સામાન્ય રીતે એમ કહી શકાય કે પોલીસની પજવણી બહુ ન હતી. કોઈ કોઈ વખતે એવી પજવણી થતી તેને સ્વયંસેવકો સહી લેતા.

આ કામમાં સ્વયંસેવકોએ હાસ્યરસ પણ રેડ્યો હતો. તેમાં કોઈ કોઈ વખત પોલીસ સુધ્ધાં ભળતી. પોતાનો વખત આનંદમાં ગાળવાને સારુ સ્વયંસેવકો અનેક પ્રકારના ટુચકાઓ શોધી કાઢતા. એક વખત રસ્તો રોકવાને બહાને રાહદારીના ધારાની રૂએ તેમને પકડવામાં આવ્યા હતા. ત્યાંના સત્યાગ્રહમાં અસહકાર ન હતો. તેથી અદાલતોમાં બચાવ ન કરાય એવો નિયમ ન હતો. જોકે કોમી પૈસા ખરચીને વકીલ રાખી બચાવ ન કરાય એવો સામાન્ય નિયમ તો રાખવામાં આવ્યો હતો. અા સ્વયંસેવકોને અદાલતે નિરપરાધી ઠરાવી છોડી મૂકયા હતા. તેથી વળી તેઓનો જુસ્સો વધ્યો.

આમ જોકે જાહેરમાં અને સ્વયંસેવકો તરફથી પરવાનો કઢાવવા ઈચ્છતા હિંદીઓ પ્રત્યે કશો અવિવેક કે બળાત્કાર નહોતો થતો, છતાં મારે એટલું કબૂલ કરવું પડશે કે લડતને અંગે એવી પણ એક ટોળી ઊભી થઈ હતી કે જેનું કામ, સ્વયંસેવક બન્યા વિના, છૂપી રીતે, પરવાનો કઢાવનારને મારપીટની ધમકી આપવાનું કે તેને બીજી રીતે નુક્સાન પહોંચાડવાનું હતું. આ દુ:ખદ હતું. આની ખબર પડતાં એ અટકાવવાને સારુ ખૂબ ચાંપતા ઉપાયો લેવામાં આવ્યા. પરિણામે ધમકી આપવાનું લગભગ નાબૂદ થયું, પણ તેનો જડમૂળથી નાશ ન થયો. ધમકીની અસર રહી ગઈ, અને એટલે અંશે લડતને નુક્સાન થયું એ હું જોઈ શક્યો. જેઓને બીક લાગતી હતી તેમણે તુરત જ સરકારી રક્ષણ શોધ્યું અને તે મળ્યું, આમ કોમમાં ઝેર દાખલ થયું અને જેઓ નબળા હતા તે વધારે નબળા બન્યા. આથી ઝેરને પોષણ મળ્યું, કારણ કે નબળાઈનો સ્વભાવ વેર વાળવાનો હોય જ છે.

આ ધમકીની અસર ઘણી જ થોડી હતી. પણ જાહેર પ્રજામતની, તેમ જ સ્વયંસેવકોની હાજરીને લીધે પરવાનો કઢાવનારનાં નામ કોમમાં જાહેર થશે, એ બે વસ્તુની અસર ઘણી ઊંડી પડી. ખૂની કાયદાને વશ થવું સારું છે એમ માનનાર તો એક પણ હિંદીને હું જાણતો નથી. જે ગયા તે કેવળ દુ:ખ કે નુકસાન સહન કરવાની પોતાની અશક્તિને લીધે. તેથી એ જતાં શરમાયા.

એક તરફથી શરમ અને બીજી તરફથી મોટા વેપારવાળા હિંદીઓને પોતાના વેપારને નુકસાન પહોંચવાનો ભય – એ બે મુશ્કેલીઓમાંથી નીકળવાનો કેટલાક આગેવાન હિંદીઓએ રસ્તો શોધ્યો. એશિયાટિક ઓફિસની સાથે તેઓએ ગોઠવણ કરી કે તેઓને એક ખાનગી મકાનમાં અને તે પણ રાતના નવદસ વાગ્યા પછી એશિયાટિક અમલદાર જઈને પરવાના કાઢી આપે. તેઓની ગણતરી હતી કે, આમ થાય તો કેટલાક વખત સુધી તો તેઓ ખૂની કાયદાને તાબે થયાની કોઈને ખબર જ નહીં પડે, અને તેઓ પોતે આગેવાન રહ્યા એટલે તેઓનું જોઈને બીજા પણ કાયદાને વશ થશે, એટલે કંઈ નહીં તોયે શરમનો ભાર તો ઓછો થશે જ; પાછળથી વાત જાહેરમાં આવે તેની ચિંતા નહીં. પણ સ્વયંસેવકોની ચોક્સાઈ એટલી બધી સખત હતી કે, પળેપળની ખબર કોમને પડતી. એશિયાટિક અૉફિસમાં પણ એવા તો કોઈ હોય જ કે જે સત્યાગ્રહીઓને આવી જાતની ખબર આપે. બીજા વળી નબળા છતાં એવા હોય કે આગેવાનોનું કાયદાને શરણ થવું સહન ન કરી શકે, અને જો તેઓ મક્કમ રહે તો પોતે પણ રહીં શકે એવા સદભાવથી સત્યાગ્રહીઓને ખબર આપી દે. આમ એક વાર આવી ચોક્સાઈને લીધે કોમને તુરત ખબર મળી કે અમુક રાત્રિએ અમુક દુકાનમાં અમુક માણસો પરવાના કઢાવવાના છે; તેથી એવો ઈરાદો રાખનારાને કોમે પ્રથમ તો સમજાવવાનો પ્રયત્ન કર્યો. એ દુકાનની ચોકી પણ કરી. પણ માણસ પોતાની નબળાઈને ક્યાં સુધી દબાવી શકે ? રાતના દસ-અગિયાર વાગ્યે આ પ્રમાણે કેટલાક અાગેવાનોએ પરવાના કઢાવ્યા અને એકસૂત્ર ચાલતી વાંસળીમાં એક ફૂટ પડી. બીજે જ દિવસે એ નામો પણ કોમે પ્રકટ કર્યા. પણ શરમનેય હદ હોય છે. સ્વાર્થ જ્યારે સામો આવીને ઊભો રહે છે, ત્યારે શરમ વગેરે કામ નથી આવતાં અને માણસ લથડી પડે છે. આ પહેલી ફૂટને અંગે ધીમે ધીમે પાંચસોએક માણસોએ પરવાના લીધા. કેટલાક દિવસ સુધી તો પરવાના કાઢવાનું કામ ખાનગી મકાનોમાં જ ચાલ્યું. પણ જેમ જેમ શરમ મોળી પડતી ગઈ તેમ તેમ આ પાંચસોમાંના કેટલાક જાહેર રીતે પણ પોતાનાં નામ નોંધાવવા એશિયાટિક ઓફિસમાં ગયા.