દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/મજૂરોની ધારા

← સ્ત્રીઓ કેદમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
મજૂરોની ધારા
મોહનદાસ કરમચંદ ગાંધી
ખાણના માલિકો પાસે અને પછી →


૧૭. મજૂરોની ધારા


બહેનોના આ ત્યાગની અસર મજૂરો પર અદ્ભુત થઈ. ન્યૂકૅસલની નજીકની ખાણોમાંના મજૂરોએ પોતાનાં ઓજાર છોડયાં. તેઓની ધારા ચાલી. મને ખબર પડતાં મેં ફિનિકસ છોડ્યું ને હું ન્યૂકૅસલ પહોંચ્યો.

આવા મજૂરોને પોતાનાં ઘર હોતાં નથી. માલિકો જ તેઓને સારુ ઘર બનાવે છે, માલિકો જ તેઓના રસ્તાઓ ઉપર દીવાબત્તી મૂકે છે, માલિકો જ તેઓને પાણી પણ આપે છે. એટલે મજૂરો દરેક રીતે પરાધીન થાય છે. અને તુલસીદાસે કહ્યું છે તેમ –

'પરાધીન સપને સુખ નાહીં.'

મારી પાસે અનેક જાતની ફરિયાદો આ હડતાળિયા લાવવા માંડ્યા. કોઈ કહે માલિકો રસ્તાની બત્તીઓ બંધ કરે છે. કોઈ કહે પાણી બંધ કરે છે. કોઈ કહે તેઓ હડતાળિયાઓનો સરસામાન તેઓની કોટડીઓ બહાર ફેંકી દે છે. એક પઠાણે આવી મારી પાસે પોતાનો વાંસો બતાવ્યો ને બોલ્યો, 'યહ દેખો મુઝે કૈસે મારા હૈ. મૈંને આપકે લિયે બદમાશકો છોડ દિયા હૈ. આપકા યહી હુકમ હૈ. મેં પઠાન હૂં ઔર પઠાન કભી માર ખાતા નહીં હૈ. માર મારતા હૈ.'

મેં જવાબ આપ્યો : 'તુમને બહુત હી અચ્છા કામ કિયા. ઈસીકો મૈ સચ્ચી બહાદુરી કહતા હૂં. તુમારે જૈસે લોગોંસે હમ જીતેંગે.' મેં આમ મુબારકબાદી તો આપી, પણ મનમાં વિમાસ્યું કે આવું ઘણાને બને તો હડતાળ નહીં ચાલે, મારનું છોડીએ તો માલિકોની ફરિયાદ પણ શી કરવી ? હડતાળ કરનારનાં બત્તી, પાણી વગેરેની સગવડો માલિકો કાપી નાખે તો તેમાં ફરિયાદને ઝાઝું સ્થાન નથી. હો કે ન હો, લોકો એવી સ્થિતિમાં કેમ નભી શકે ? મારે કંઈક ઉપાય વિચારી લેવો જોઈએ. અથવા તો લોકો કેવળ થાકીને કામ ઉપર ચડે તો તેના કરતાં તેઓ પોતાની હાર કબૂલ કરીને પાછા કામે જાય એ જ સારું, પણ એવી સલાહ મારે મુખેથી લોકો ન જ સાંભળે. રસ્તો એક જ હતો કે, લોકોએ માલિકોની કોટડીઓ છોડવી. એટલે 'હિજરત' કરવી.

મજૂરો પાંચપચીસ ન હતા. સેંકડો હતા; હજારો થતાંયે વાર ન લાગે, તેઓને સારું મકાન કયાંથી કાઢું? ખાવાનું કયાંથી લાવું? હિંદુસ્તાનથી પૈસા મંગાવવા નહોતા. ત્યાંથી જે પૈસાનો વરસાદ વરસેલો તે હજુ વરસવો શરૂ નહોતો થયો. હિંદી વેપારીઓ એટલા ડરી ગયા હતા કે તેઓ મને જાહેર રીતે કંઈ મદદ આપવા તૈયાર ન હતા. તેઓનો વેપાર ખાણના માલિકો સાથે ને બીજા ગોરાઓની સાથે રહ્યો એટલે તેઓ ખુલ્લી રીતે મને કેમ મળે ? હું જ્યારે જ્યારે ન્યૂકૅસલ જતો ત્યારે તેમને ત્યાં ઊતરતો. આ વેળા મેં પોતે જ તેમનો રસ્તો સરળ કરી મૂકયો. બીજી જગ્યાએ જ ઊતરવાનો નિશ્ચય કર્યો.

હું જણાવી ગયો છું કે જે બહેનો ટ્રાન્સવાલથી આવી હતી તેઓ દ્રાવિડ પ્રાંતની હતી. તેમનો ઉતારો એક દ્રાવિડ કુટુંબ જે ખ્રિસ્તી હતું તેમને ત્યાં હતો. એ કુટુંબ મધ્યમ સ્થિતિનું હતું. તેને નાનો જમીનનો ટુકડો હતો ને બેત્રણ કોટડીવાળું ઘર હતું. મેં અહીં ઊતરવાનો નિશ્ચય કર્યો. ઘરધણીનું નામ લૅઝરસ હતું. ગરીબને કોની બીક હોય ? આ બધા મૂળ ગિરમીટિયા કુટુંબના હોય એટલે તેમને અથવા તેમનાં સગાંને ત્રણ પાઉંડ દેવાના હોય. ગિરમીટિયાનાં દુ:ખોનો તેમને પૂરો પરિચય હોય જ, એટલે તેમના પ્રત્યે લાગણી પણ પૂરી હોય. આ કુટુંબે મને વધાવી લીધો. મને વધાવી લેવો એ કોઈ કાળે મિત્રોને સારુ સહેલું તો રહ્યું જ નથી. પણ આ વેળા મને વધાવવો એટલે આર્થિક નાશને વધાવવો, કદાચ જેલને પણ વધાવવી પડે એવું હતું. આવી સ્થિતિમાં મુકાવાને તૈયાર ધનિક વેપારી થોડા જ હોઈ શકે. મારે મારી અને તેમની મર્યાદા સમજી તેમને કફોડી સ્થિતિમાં ન મૂકવા જોઈએ. લૅઝરસને બિચારાને થોડો પગાર ખોવો પડે તો તે ખુએ. તેને કેદમાં કોઈ લઈ જાય તો ભલે, પણ તે પોતાનાથી પણ ગરીબ એવા ગિરમીટિયાનું દુ:ખ કેમ નિરાંતે સાંખે ? તેને ત્યાં જ રહેલી બહેનો અા ગિરમીટિયાની મદદે આવતાં જેલમાં જતી તેણે જોઈ તેમના પ્રત્યે પણ પોતાની ફરજ છે એમ ભાઈ લૅઝરસે વિચાર્યું ને મને સંઘર્યો, સંઘર્યો તો ખરો પણ પોતાનું સર્વસ્વ આપ્યું. મારા તેને ત્યાં જવા પછી તેનું ઘર ધર્મશાળા થયું. સેંકડો માણસો ગમે તેવા આવે ને જાય. તેના ઘરની આસપાસની જમીન માણસોથી ખદબદી ઊઠી. તેને ઘેર ચોવીસ કલાક રસોડું ચાલ્યું, તેમાં તેની ધર્મપત્નીએ કાળજાતૂટ મહેનત કરી. અને એમ છતાં બંનેનો હસમુખો ચહેરો કાયમ હતો. મેં તેમની મુખાકૃતિમાં કદી અણગમો ન જોયો.

પણ લૅઝરસ કંઈ સેંકડો મજૂરોને ખાવાનું પૂરું પાડી શકે ? મજૂરોને મેં સંભળાવી દીધું કે તેઓએ પોતાની હડતાળ કાયમની સમજી પોતાના માલિકોએ આપેલાં ઝૂંપડાં છોડવાં રહ્યાં, સામાન વેચવા જેવો હોય તે વેચી નાખે. બાકીનો પોતાની કોટડીમાં મૂકી રાખે. માલિકો તેને હાથ નહીં લગાડે, અને વધારે વેર વાળવા સામાન ફેંકી દે તો તે જોખમ પણ મજૂરોએ ખેડવું. મારી પાસે તેઓ પોતાનાં પહેરવાનાં કપડાં ને ઓઢવાની કામળી ઉપરાંત કંઈ પણ ન લાવે. જ્યાં લગી હડતાળ ચાલે ને જ્યાં લગી તેઓ જેલ બહાર રહે ત્યાં લગી હું તેઓની જેડે જ રહીશ ને ખાઈશપીશ. આ શરતે તેઓ બહાર નીકળી આવે તો અને તો જ તેઓ ટકી શકે ને કોમની જીત થાય. તેમ કરવાની જેની હિંમત ન હોય તેણે પોતાના કામ પર જોડાઈ જવું જે જોડાય તેનો કોઈએ તિરસ્કાર ન કરવો. કોઈએ તેની પજવણી ન કરવી. આ શરતોનો કોઈએ ઇનકાર કર્યો હોય એવું મને યાદ નથી. મેં કહ્યું તે જ દિવસથી હિજરત કરનાર – ઘરત્યાગીઓની કતાર જામી. સૌ પોતાનાં બૈરાંછોકરાંને લઈ માથે પોતાનાં પોટલાં મૂકી આવવા લાગ્યા. મારી આગળ ઘરને સારુ માત્ર જમીન હતી. સારે નસીબે આ મોસમમાં વરસાદ ન હતો, તેમ ટાઢ પણ ન હતી.

ખોરાકને સારુ મારો વિશ્વાસ હતો કે વેપારીવર્ગ પાછી પાની નહીં કરે. ન્યૂકૅસલના વેપારીઓએ રાંધવા વાસણો આપ્યાં ને ચાવલ તથા દાળના બસ્તા (ગૂણો) મોકલ્યા. બીજાં ગામોમાંથી પણ દાળ, ચાવલ, લીલોતરી, મસાલા વગેરેનો વરસાદ વરસ્યો. હું ધારતો હતો તેના કરતાં આ વસ્તુઓ મારી પાસે વધારે આવવા લાગી. સહુ જેલ જવા તૈયાર ન થાય પણ સહુની દિલસોજી તો હતી જ. સહુ યથાશક્તિ મદદનો ફાળો ભરવા રાજી હતા. જેઓ કંઈ આપી શકે તેવા ન હતા તેવાઓએ પોતાની ચાકરી દઈને મદદ કરી. આ અજાણ્યા, અશિક્ષિત માણસોને સંભાળવા સારુ જાણીતા ને સમજુ સ્વયંસેવકો તો જેઈએ જ; તે મળી ગયા. અને તેઓએ અમૂલ્ય મદદ કરી. તેમાંના ઘણા તો પકડાયા પણ ખરા. આવી રીતે બધાએ યથાશક્તિ મદદ આપી અને માર્ગ સરળ થયો.

માણસોની ભીડ જામી. આટલા બધા અને નિરંતર વધતા જતા મજૂરોને એક જ સ્થળે ને વગર ધંધે સાચવવા અશકય નહીં તો ભયાનક કામ હતું. તેઓની શૌચાદિની ટેવો તો સારી હોતી જ નથી. આ સંઘમાં કેટલાક ગુનો કરી જેલ જઈ આવેલા પણ હતા. કોઈ તો ખૂનના ગુનાવાળા હતા; કોઈ ચોરીને સારુ કેદ ભોગવી છૂટેલા હતા. કોઈ વ્યભિચારને સારુ કેદ ભોગવી આવેલા હતા. હડતાળિયા મજૂરોમાં મારાથી નીતિના ભેદ પડાય નહીં. ભેદ પાડું તોપણ કોણ કહે રાંપીનો ઘા ? હું કાજી થવા બેસું તો વિવેકહીન બનું, મારું કાર્ય કેવળ હડતાળ ચલાવવાનું હતું, આમાં બીજા સુધારાને ભેળવી શકાય તેમ ન હતું. છાવણીમાં નીતિ જાળવવાનું કામ મારું હતું. આવનારા ભૂતકાળમાં કેવા હતા તેની તપાસ કરવાનો મારો ધર્મ ન હતો. આવો શંભુમેળો સ્થિર થઈને બેસે તો ગુના થયા વિના ન જ રહે. જેટલા દિવસ મેં કાઢયા તેટલા દિવસ શાંતિથી ગયા એ જ ચમત્કાર હતો. કેમ જાણે સહુ પોતાનો આપદ્‌ધર્મ સમજી ગયા હોય નહીં એવી રીતે શાંતિથી રહ્યા. મને ઇલાજ મળ્યો. મારે આ ટુકડીને ટ્રાન્સવાલમાં લઈ જવી, ને જેમ પેલા સોળ પકડાઈ ગયા તેમ આમને જેલમાં બેસાડી દેવા. આ લોકોને થોડા થોડાની સંખ્યામાં વહેંચી નાખી તેમની પાસે સરહદ ઓળંગાવવી, એ વિચાર થયો તેવો જ મેં રદ કર્યો. તેમાં ઘણો સમય જાય ને જે સામુદાયિક પગલાંની અસર પડે તે થોડા થોડાના જેલ જવાની ન પડે.

મારી પાસે લગભગ પાંચ હજાર માણસ એકઠા થયા હશે. તે બધાને ટ્રેનથી ન લઈ જવાય. એટલા પૈસા કયાંથી કાઢું? અને એમાં લોકોની પરીક્ષા ન થઈ શકે. ન્યૂકૅસલથી ટ્રાન્સવાલની સરહદ ૩૬ માઈલ હતી. નાતાલનું સરહદી ગામ ચાર્લ્સટાઉન હતું; ટ્રાન્સવાલનું વૉક્સરસ્ટ હતું. અંતે પગપાળા મુસાફરી કરવી એવો મેં નિશ્ચય કર્યો. મજૂરોની સાથે મસલત કરી. તેમાં સ્ત્રીઓ, બચ્ચાં વગેરે હતાં. કેટલાકે આનાકાની કરી. હૃદય કઠણ કર્યા વિના મારી પાસે બીજો ઈલાજ ન હતો. જેને પાછું ખાણો ઉપર જવું હોય તે જઈ શકે છે, એમ જણાવ્યું. કોઈ પાછા જવાને તૈયાર ન હતા. જેઓ અપંગ હતા તેઓને ટ્રેનથી મોકલવાનો ઠરાવ કર્યો, બાકીના બધાએ પગે ચાલીને ચાર્લ્સટાઉન જવાની તૈયારી જાહેર કરી. આ મજલ બે દિવસમાં પૂરી કરવાની હતી. આમ કરવાથી છેવટે તો સહુ રાજી થયા. બિચારા લૅઝરસ કુટુંબને પણ કંઈક રાહત મળશે એમ પણ લોકો સમજ્યા, અને ન્યૂકૅસલમાં ગોરાઓ મરકીનો ભય રાખતા હતા ને અનેક પ્રકારનાં પગલાં ભરવા ઇચ્છતા હતા તેઓ ભયમુક્ત થયા ને તેઓનાં પગલાંના ભયમાંથી અમે મુક્ત થયા.

આ કૂચની તૈયારી ચાલતી હતી તેવામાં ખાણના માલિકોને મળવાનું મને કહેણ આવ્યું. હું ડરબન ગયો. પણ આ કિસ્સો નવું પ્રકરણ માગે.