દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/સ્ત્રીઓ કેદમાં

← વિવાહ તે વિવાહ નહીં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
સ્ત્રીઓ કેદમાં
મોહનદાસ કરમચંદ ગાંધી
મજૂરોની ધારા →


આ બહાદુર બહેનોને હવે કંઈ સરકાર છોડે ? તે પકડાઈ અને પહેલી ટુકડીને મળી. તેઓને પણ એ જ સજા મળી અને એ જ જગ્યાએ કેદમાં રાખી. દક્ષિણ આફ્રિકાના હિંદીઓ જાગ્યા. તેઓની નિદ્રા ભાગી. તેઓમાં નવું ચેતન આવ્યું જણાયું. પણ સ્ત્રીઓનાં બલિદાને હિંદુસ્તાનને પણ જગાડ્યું, સર ફિરોજશા મહેતા આજ લગી તટસ્થ હતા. ૧૯૦૧ની સાલમાં મને તેમણે ઠપકો આપી ત્યાં ન જવા સમજાવ્યો હતો. તેમનો અભિપ્રાય હું અગાઉ જણાવી ગયો છું. સત્યાગ્રહની લડતે પણ તેમની ઉપર થોડી જ છાપ પાડી હતી. પણ સ્ત્રીઓની કેદે તેમના ઉપર જાદુઈ અસર કરી. તેમણે પોતે જ પોતાના ટાઉનહૉલના ભાષણમાં જણાવ્યું કે સ્ત્રીઓની કેદે તેમની શાંતિ પણ ભાંગી છે. હિંદુસ્તાનથી હવે શાંત રહી બેસાય જ નહીં.

સ્ત્રીઓની બહાદુરીની શી વાત ! બધીને નાતાલની રાજધાની મારિત્સબર્ગમાં રાખવામાં આવી. અહીં તેઓને ઠીક દુઃખ દેવામાં આવ્યું. ખોરાકમાં તેઓની જરા પણ કાળજી ન રાખવામાં આવી. મજૂરીમાં તેઓને ધોબીનું કામ આપવામાં આવ્યું. બહારથી ખોરાક આપવાની સખત મનાઈ લગભગ આખર સુધી રખાઈ. એક બહેનને અમુક જ ખોરાક લેવાનું વ્રત હતું. તેને તે ખોરાક ઘણી મુસીબતે આપવાનો ઠરાવ થયો, પણ તે એવો ખરાબ કે ખાધો જાય નહીં. ઑલિવ ઓઈલની ખાસ જરૂર હતી. તે પ્રથમ તો ન જ મળ્યું. પછી મળ્યું; પણ તે જૂનું ને ખોરું. પોતાને ખર્ચે મંગાવવાની વિનંતી કરવામાં આવી તેના જવાબમાં, 'આ કંઈ હોટેલ નથી. જે મળે તે ખાવું પડશે;' એવો જવાબ મળ્યો. આ બહેન જ્યારે જેલમાંથી નીકળી ત્યારે તે માત્ર હાડપિંજર રહી હતી. મહાપ્રયાસે તે બચી.

બીજી એક જીવલેણ તાવ લઈને નીકળી. તેના તાવે જેલમાંથી નીકળ્યા બાદ તેને થોડા જ દિવસમાં પ્રભુને ત્યાં પહોંચાડી. એને હું કેમ ભૂલું ! વાલિયામા અઢાર વર્ષની બાળા હતી. હું તેની પાસે ગયો ત્યારે તે પથારીવશ હતી. તે કદમાં ઊંચી હોવાથી તેનું લાકડી જેવું શરીર બિહામણું લાગતું હતું.

'વાલિયામા, જેલ જવાનો પશ્ચાત્તાપ તો નથી ના ?' 'પશ્ચાત્તાપ શાને હોય ! મને ફરી પકડે તો હું હમણાં જ જેલ જવા તૈયાર છું.'

'પણ આમાંથી મોત નીપજે તો ?' મેં પૂછ્યું.

'ભલે નીપજે. દેશને ખાતર મરવું કોને ન ગમે ?'

આ વાત પછી વાલિયામા થોડા દિવસમાં મૃત્યુ પામી. તેનો દેહ ગયો, પણ આ બાળા પોતાનું નામ અમર કરી ગઈ છે. વાલિયામાની પાછળ શોક દર્શાવનારી સભાઓ ઠેકઠેકાણે થઈ અને કોમે આ પવિત્ર બાઈના સ્મરણાર્થે 'વાલિયામા હૉલ' બાંધવાનો ઠરાવ કર્યો. અા હૉલ બાંધવાનો ધર્મ હજુ કોમે પાળ્યો નથી. તેમાં વિઘ્નો આવ્યાં છે. કોમમાં કુસંપ પેઠો. મુખ્ય કાર્યકર્તાઓ એક પછી એક ચાલ્યા ગયા. પણ પથ્થર ને ચૂનાનો હૉલ બંધાઓ વા ન બંધાઓ, વાલિયામાની સેવાનો નાશ નથી. એ સેવાનો હૉલ તો તેણે પોતાને હાથે જ બાંધ્યો. તેની મૂર્તિ ઘણાં હૃદયમંદિરોમાં આજ પણ બિરાજે છે. અને જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઈતિહાસમાં વાલિયામા છે જ.

આ બહેનોનું બલિદાન વિશુદ્ધ હતું. એ બિચારી કાયદાની બારીકીઓ જાણતી ન હતી. તેમાંની ઘણીને દેશનું ભાન ન હતું. તેમનો દેશપ્રેમ કેવળ શ્રદ્ધા ઉપર નિર્ભર હતો. તેમાંની કેટલીક નિરક્ષર હતી, એટલે છાપું ક્યાંથી વાંચી જાણે ? પણ તે જાણતી હતી કે કોમના માનવસ્ત્રનું હરણ થતું હતું. તેમનું જેલ જવું તેમનો આર્તનાદ હતો; શુદ્ધ યજ્ઞ હતો. આવી હૃદયની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. યજ્ઞની શુદ્ધતામાં તેની સફળતા રહેલી છે. પ્રભુ ભાવનાનો ભૂખ્યો છે. ભક્તિપૂર્વક, એટલે કે નિ:સ્વાર્થ બુદ્ધિથી અપાયેલું પાંદડું, પુષ્પ કે પાણી પણ ઈશ્વર હેતે સ્વીકારે છે ને તેનું કરોડ ગણું ફળ દે છે. સુદામાના ધેલા ચપટી ચોખાની ભેટે તો તેની વર્ષોની ભૂખ ભાંગી. ઘણાના જેલમાં જવાથી ફળ નયે આવો, પણ એક જ શુદ્ધ આત્માએ ભક્તિપૂર્વક કરેલું અર્પણ કોઈ કાળે અફળ જાય નહીં. કોણ જાણે છે કે દક્ષિણ આફ્રિકામાં કોનો કોનો યજ્ઞ ફળ્યો ? પણ એટલું તો આપણે જાણીએ જ છીએ કે વાલિયામાનો તો ફળ્યો જ. બહેનોનો તો ફળ્યો જ. સ્વદેશયજ્ઞમાં, જગતયજ્ઞમાં અસંખ્ય હોમાયા છે, હોમાઈ રહ્યા છે ને હોમાશે. એ જ યથાર્થ છે, કેમ કે કોઈ જાણતું નથી કે કોણ શુદ્ધ છે. પણ સત્યાગ્રહીઓ આટલું તો સમજે જ કે તેમનામાં એક પણ શુદ્ધ હોય તો તેનો યજ્ઞ ફળ નિપજાવવાને સારુ બસ છે. પૃથ્વી સત્યના બળ પર ટકેલ છે. અસત્– અસત્ય–એટલે 'નથી', સત્-સત્ય–એટલે 'છે' અસત્`ને જ્યાં હસ્તી જ નથી ત્યાં તેની સફળતા શી હોય ? અને 'છે' તેનો નાશ કોણ કરી શકનાર છે ? આટલામાં સત્યાગ્રહનું આખું શાસ્ત્ર છે.