દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/હિંદીઓએ શું કર્યું? (ચાલુ) (વિલાયતનો સંબંધ)

← હિંદીઓએ શું કર્યું? (ચાલુ) દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
હિંદીઓએ શું કર્યું? (ચાલુ) (વિલાયતનો સંબંધ)
મોહનદાસ કરમચંદ ગાંધી
બોઅર લડાઈ →


૮. હિંદીઓએ શું કર્યું? (ચાલુ)
(વિલાયતનો સંબંધ)

પાછલાં પ્રકરણોથી વાંચનારે જોયું હશે કે આયાસે અને અનાયાસે કોમે પોતાની સ્થિતિ સુધારવાને સારુ કેટલાક પ્રયત્નો કર્યા, અને પોતાની પ્રતિષ્ઠા વધારી. જેમ દક્ષિણ આફ્રિકામાં પોતાનાં બધાં અંગો ખીલવવામાં કોમે યથાશક્તિ પ્રયત્ન કર્યો તે જ પ્રમાણે હિંદુસ્તાન અને વિલાયતથી મળી શકતી હોય એટલી મદદ મેળવવાનો પ્રયાસ પણ કર્યો. હિંદુસ્તાનને વિશે તો હું થોડું લખી ગયો. વિલાયતથી મદદ મળવા સારુ શું કર્યું એ હવે નોંધવાની જરૂર છે. કોંગ્રેસની બ્રિટિશ કમિટી સાથે સંબંધ તો જોડવો જ જોઈએ; તેથી દર અઠવાડિયે હિંદના દાદાને અને કમિટીના પ્રમુખ સર વિલિયમ વેડરબર્નને સંપૂર્ણ હકીકતના કાગળ લખવામાં આવતા અને જ્યારે જ્યારે અરજીની નકલ વગેરે મોકલવાનો પ્રસંગ આવતો ત્યારે ત્યારે ત્યાંના ટપાલખર્ચ વગેરેમાં અને સામાન્ય ખર્ચમાં સહાય મળવા ઓછામાં ઓછા દશ પાઉંડ મોકલવામાં આવતા.

અહીં દાદાભાઈનું એક પવિત્ર સ્મરણ આપી દઉં. દાદાભાઈ એ કમિટીના પ્રમુખ ન હતા, છતાં અમને તો એમ જ લાગ્યું કે પૈસા એમની મારફતે મોકલવા એ જ શોભે, અને એઓ અમારી વતી ભલે પ્રમુખને આપે. પણ પહેલા જ પૈસા જે મોકલ્યા તે દાદાભાઈએ પાછા વાળ્યા અને સૂચવ્યું કે પૈસા મોકલવા વગેરેનું કમિટીને લગતું કામ સર વિલિયમ વેડરબર્નની મારફતે જ અમારે લેવું જોઈએ. દાદાભાઈની મદદ તો હોય જ. પણ કમિટીની પ્રતિષ્ઠા સર વિલિયમ વેડરબનની મારફતે જ કામ લેવામાં વધે. મેં એ પણ જોયું કે દાદાભાઈ પોતાના પત્રવ્યવહારમાં એટલા બુઢ્ઢા હોવા છતાં પણ બહુ જ નિયમિત રહેતા. એમને કંઈ કહેવાનું ન હોય તો છેવટે પહોંચ પણ વળતી ટપાલે આવી જ હોય. અને તેમાં આશ્વાસનની એક લીટી તો દાખલ હોય જ એવા કાગળ પણ પોતે જ લખતા અને આવા પહોંચવાળા કાગળને પણ પોતાની ટીસ્યુપેપર બુકમાં છાપી લેતા.

ગયા પ્રકરણમાં હું એ પણ બતાવી ગયો છું કે જોકે કોંગ્રેસનું નામ ઈત્યાદિ અમે રાખેલાં હતાં છતાં અમારો સવાલ એકપક્ષી કરવાનો તો કદી ઈરાદો હતો જ નહીં. તેથી દાદાભાઈ જાણે એવી રીતે અમારો પત્રવ્યવહાર બીજા પક્ષોની સાથે પણ ચાલતો અને તેમાં બે મુખ્ય માણસો હતા. એક સર મંચેરજી ભાવનગરી અને બીજા સર વિલિયમ વિલ્સન હંટર. સર મંચેરજી ભાવનગરી એ વેળા પાર્લમેન્ટમાં હતા. એમની મદદ સારી મળતી અને એઓ હંમેશા સૂચના પણ કર્યા જ કરતા, પણ દક્ષિણ આફ્રિકાના પ્રશ્નનું મહત્ત્વ હિંદીઓના કરતાં પણ સૌથી પહેલાં સમજી જનાર અને કીમતી મદદ કરનાર સર વિલિયમ વિલ્સન હંટર હતા. એઓ 'ટાઈમ્સ'ના હિંદી વિભાગના એડિટર હતા. તેમાં એમણે તેમની ઉપર પહેલો કાગળ ગયો ત્યારથી જ દક્ષિણ આફ્રિકાની સ્થિતિને એના ખરા સ્વરૂપમાં જાહેરમાં મૂકી જ્યાં જ્યાં એમને ઠીક લાગ્યું ત્યાં ત્યાં ખાસ અંગત કાગળો લખ્યા. એમની ટપાલ જ્યારે જરૂરનો પ્રશ્ન ચાલતો હોય ત્યારે લગભગ દર અઠવાડિયે આવતી. એમનો જ જવાબ આવ્યો તેમાં એમણે લખેલું, "તમે જે સ્થિતિ જણાવો છો એ વાંચીને હું દિલગીર થયો છું. તમારું કામ તમે વિનયથી, શાંતિથી અને નિરતિશયતાથી લઈ રહ્યા છો. મારી લાગણી સંપૂર્ણ રીતે આ પ્રશ્નમાં તમારા તરફ છે. અને ઈન્સાફ મેળવવા મારાથી જેટલું બને તેટલું ખાનગી અને જાહેર રીતે હું કરવા ધારું છું. મારી ખાતરી છે કે આ બાબતમાં આપણાથી એક તસુ પણ મુકાણ કરી શકાય નહીં. તમારી માગણી એવી છે કે જેમાંથી કાપકૂપ કરવાનું કોઈ નિષ્પક્ષપાતી માણસ સૂચવી જ ન શકે." લગભગ આવા જ શબ્દો એમણે 'ટાઈમ્સ'માંના પોતાના પહેલા લેખમાં પણ લખેલા એ જ સ્થિતિ એમણે છેવટ સુધી કાયમ રાખેલી અને લેડી હંટરના એક કાગળમાં હતું કે એમનો મરણકાળ આવ્યો તે અરસામાં પણ હિંદી પ્રશ્ન ઉપર એક લેખમાળા લખવાનું ખોખું તેમણે તૈયાર કર્યું હતું.

મનસુખલાલ નાજરનું નામ ગયા પ્રકરણમાં આપી ગયો છું. પ્રશ્નની વધારે સમજ પાડવાને સારુ એમને કોમની વતી વિલાયત મોકલવામાં આવ્યા હતા અને બધા પક્ષોને સાથે રાખીને કામ લેવાની તેમને સૂચના હતી. અને એ ત્યાં રહ્યા તે દરમ્યાન મરહૂમ સર વિલિયમ વિલ્સન હંટર, સર મંચેરજી ભાવનગરી અને બ્રિટિશ કમિટીના પ્રસંગમાં રહ્યા જ કરતા. તેમ જ હિંદુસ્તાનના બીજા પેન્શન ખાતાના માજી અમલદારો, હિંદી પ્રધાનમંડળ, સંસ્થાનોનું પ્રધાનખાતું વગેરેના પરિચયમાં પણ રહેતા હતા. આમ એક પણ દિશા જ્યાં પહોંચી વળી શકાય તે પ્રયત્નથી ખાલી ન રાખી. એ બધાનું પરિણામ એ તો ચોખ્ખી રીતે આવ્યું કે હિંદુસ્તાનની બહાર વસનારા હિંદવાસીઓની સ્થિતિ એ વડી સરકારને સારુ વડો પ્રશ્ન થઈ પડી. અને તેની અસર સારી તેમ જ માઠી બીજાં સંસ્થાનો ઉપર પણ પડી. એટલે કે જ્યાં જ્યાં હિંદીઓ વસતા હતા ત્યાં ત્યાં હિંદી અને ગોરા બંને જાગ્રત થયા.