દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ/હિંદીઓએ શું કર્યું? (ચાલુ

← હિંદીઓએ શું કર્યું ? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ
હિંદીઓએ શું કર્યું? (ચાલુ)
મોહનદાસ કરમચંદ ગાંધી
હિંદીઓએ શું કર્યું? (ચાલુ) (વિલાયતનો સંબંધ) →


૭. હિંદીઓએ શું કર્યું? (ચાલુ)

આમ નાતાલ ઈન્ડિયન કોંગ્રેસનું કામ સ્થિર થઈ ગયું. મેં પણ લગભગ અઢી વરસ મોટે ભાગે રાજ્યપ્રકરણી કામમાં નાતાલમાં ગાળ્યાં, અને મેં વિચાર્યું કે જો મારે હજુ વધારે દક્ષિણ આફ્રિકામાં રહેવું હોય તો મારા કુટુંબને પણ સાથે રાખવાની જરૂર છે. દેશમાં ડૂબકી મારી આવવાનું પણ મન થયું. અને તે દરમ્યાન હિદુસ્તાનના આગેવાનોને પણ વિસ્તારથી નાતાલની અને દક્ષિણ આફ્રિકાના બીજા ભાગમાં વસતા હિંદીઓની સ્થિતિનો મુખ્તેસર ખયાલ પણ આપવો. કોંગ્રેસે છ મહિનાની રજા આપી અને મારી જગ્યાએ નાતાલના જાણીતા વેપારી મરહૂમ આદમજી મિયાંખાન સેક્રેટરી નિમાયા. તેમણે કામ અતિશય બાહોશીથી ચલાવ્યું. મરહૂમ આદમજી મિયાંખાન અંગ્રેજી ઠીક ઠીક જાણતા હતા. અનુભવે પોતાનું ચાલચલાઉ જ્ઞાન ખૂબ વધારી દીધું હતું. ગુજરાતીનો સામાન્ય અભ્યાસ. તેમનો વેપાર મુખ્યત્વે હબસીઓમાં હોવાથી ઝૂલુ ભાષા અને તેમના રીતરિવાજોનું તેમને સરસ જ્ઞાન હતું. સ્વભાવ શાંત અને ઘણો મળતાવડો. જોઈએ એટલું જ બોલવાવાળા હતા. આ બધું લખવાનો હેતુ એટલો જ કે મોટી જવાબદારીનો હોદ્દો ભોગવવાને સારુ અંગ્રેજી ભાષાનું કે બીજું ભારે અક્ષરજ્ઞાન હોવાની જરૂર હોય છે તેના કરતાં, ઘણી વધારે જરૂર સચ્ચાઈ, શાંતિ, સહનશીલતા, દઢતા, સમયસૂચકતા, હિંમત અને વ્યવહારબુદ્ધિની હોય છે. અા ન હોય ત્યાં સારામાં સારા અક્ષરજ્ઞાનની સામાજિક કામમાં દુકાનીભર પણ કિંમત નથી હોતી.

૧૮૯૬ની સાલના મધ્યમાં હું હિંદુસ્તાન પાછો આવ્યો. હું કલકત્તાને રસ્તે થઈને આવેલો. કારણ કે તે વખતે નાતાલથી કલકત્તે જનારી સ્ટીમરો સહેલાઈથી મળતી હતી. ગિરમીટિયા કલકત્તેથી અથવા તો મદ્રાસથી ચડતા. કલકત્તેથી મુંબઈ આવતાં રસ્તામાં જ મારી ટ્રેન ચૂકવાથી એક દિવસને સારુ મારે અલાહાબાદ રોકાવું પડયું. ત્યાંથી જ મારું કામ મેં શરૂ કર્યું. 'પાયોનિયર'ના મિ. ચેઝનીને મળ્યો. તેમણે મારી સાથે મીઠાશથી વાત કરી. તેમનું વલણ સંસ્થાનો તરફ હતું એમ તેમણે પ્રામાણિકપણે મને જણાવ્યું. પણ જો હું કંઈ લખું તો તે વાંચી જવા અને પોતાના પત્રમાં તેની નોંધ લેવાની તેમણે પ્રતિજ્ઞા કરી. મેં એટલું બસ માન્યું. દેશમાં મેં દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિ વિશે એક ચોપાનિયું લખ્યું તેની નોંધ લગભગ બધાં છાપાંઓએ લીધી. તેની બે આવૃત્તિઓ છાપવી પડી હતી, પાંચ હજાર નકલો દેશમાં જુદે જુદે ઠેકાણે મોકલાવી. આ જ વેળા મેં હિંદુસ્તાનના આગેવાનોનાં દર્શન કર્યા–મુંબઈમાં સર ફીરોજશાહ મહેતા, ન્યાયમૂર્તિ બદરુદ્દીન તૈયબજી, મહાદેવ ગોવિંદ રાનડે વગેરે, પૂનામાં લોકમાન્ય તિલક અને એમનું મંડળ, પ્રોફેસર ભાંડારકર, ગોપાળ કૃષ્ણ ગોખલે અને તેમનું મંડળ, મુંબઈથી શરૂ કરીને પૂના મદ્રાસમાં મેં ભાષણો પણ કરેલાં. આની વિગતો આપવા નથી ઈચ્છતો.

પણ પૂનાનું એક પવિત્ર સ્મરણ આપ્યા વિના નથી રહી શકતો, જોકે આપણા વિષયની સાથે તેનો કશો સંબંધ નથી. સાર્વજનિક સભા લોકમાન્યના હાથમાં હતી. મરહૂમ ગોખલેજીનો સંબંધ ડેક્કન સભા સાથે હતો. હું પ્રથમ મળેલો તિલક મહારાજને. તેમને મેં જ્યારે પૂનામાં સભા ભરવાની વાત કરી ત્યારે તેમણે મને પૂછયું : તમે ગોપાળરાવને મળ્યા છો ?

પ્રથમ તો હું ન સમજ્યો.. એટલે તેમણે પૂછયું કે મિ. ગોખલેને તમે મળ્યા છો ? એમને જાણો છો ?

મેં કહ્યું : હું હજુ મળ્યો નથી. એમને નામથી જ ઓળખું છું, પણ મળવાનો ઈરાદો છે.

લોકમાન્ય : તમે હિંદુસ્તાનના રાજ્યપ્રકરણથી વાકેફ નથી લાગતા.

મેં કહ્યું: હું ભણી આવ્યા પછી હિંદુસ્તાનમાં થોડું જ રહેલો. અને ત્યારે પણ રાજ્યપ્રકરણી વિષયોમાં હું જરાયે પડયો ન હતો. એ મારી શક્તિની બહાર હું માનતો.

લોકમાન્ય : ત્યારે મારે તમને કંઈક પરિચય આપવો પડશે. પૂનામાં બે પક્ષ છે : એક સાર્વજનિક સભાનો અને બીજે ડેકકન સભાનો.

મેં કહ્યું : એ વિશે તો હું કંઈક જાણું છું.

લોકમાન્ય : અહીં સભા ભરવી એ તો સહેલી વાત છે. પણ હું જોઉં છું કે તમે તમારો સવાલ બધા પક્ષની પાસે મૂકવા ઈચ્છો છો અને મદદ પણ બધાની માગો છો. એ મને પસંદ પડે છે. પણ જો તમારી સભામાં અમારામાંનો કોઈ પ્રમુખ થાય તો ડેકકન સભાવાળા નહીં આવે. અને ડેકકન સભાવાળાનો પ્રમુખ થશે તો અમારામાંના કોઈ નહીં આવે. તેથી તમારે તટસ્થ પ્રમુખ શોધવા જોઈએ. હું તો એમાં સૂચના જ કરી શકીશ. બીજી મદદ મારાથી નહીં થઈ શકે. તમે પ્રોફેસર ભાંડારકરને ઓળખો છો ? ન ઓળખતા હો તોપણ એમની પાસે જજો. એઓ તટસ્થ ગણાય છે. રાજ્યપ્રકરણી કામોમાં ભાગ પણ નથી લેતા. પણ કદાચ તમે તેમને લલચાવી શકશો. મિ. ગોખલેની પાસે આ વાત કરજો. તેમની પણ સલાહ લેજો. ઘણું કરીને તેઓ પણ મારા જેવી જ સલાહ આપશે, જો પ્રોફેસર ભાંડારકર જેવા ગૃહસ્થ પ્રમુખ થાય તો સભા ભરી આપવી એ કામ બંને પક્ષ ઊંચકી લેશે એવી મારી ખાતરી છે. અમારી મદદ તો એમાં તમને પૂરી મળશે.

આ સલાહ મેળવી હું ગોખલેજી પાસે ગયો. આ પહેલા મેળાપમાં તેમણે મારા હૃદયમાં કેમ રાજ્યાધિકાર મેળવ્યો એ તો હું બીજે પ્રસંગે લખી ગયો છું.[૧] જિજ્ઞાસુએ “યંગ ઈન્ડિયા” અથવા “નવજીવન”ની ફાઈલ તપાસી લેવી. લોકમાન્યની સલાહ ગોખલેજીને પણ ગમી. હું તરત પ્રોફેસર ભાંડારકરની પાસે પહોંચી ગયો. એ વિદ્વાન બુઝુર્ગનાં દર્શન કર્યા. નાતાલનો કિસ્સો ધ્યાનપૂર્વક સાંભળીને તેમણે કહ્યું કે “તમે જોયું છે કે હું તો જાહેર જિંદગીમાં ભાગ્યે જ પડું છું. હવે તો બુઢ્ઢો પણ થયો. છતાં તમારી વાતે મારા મન ઉપર બહુ અસર કરી છે. બધા પક્ષની મદદ મેળવવાનો તમારો ઈરાદો મને ગમે છે. વળી, તમે હિંદુસ્તાનના રાજ્યપ્રકરણથી અજાણ્યા જણાઓ છો, અને જુવાન છો, તેથી બંને પક્ષને કહેજો કે તમારી માગણી મેં સ્વીકારી છે અને જયારે સભા ભરાય ત્યારે મને તેઓમાંના કોઈ ખબર આપશે એટલે હું અવશ્ય હાજર થઈશ.” પૂનામાં સુંદર સભા ભરાઈ હતી. બંને પક્ષના આગેવાનો હાજર હતા અને બંને પક્ષના આગેવાનોએ ભાષણ કરેલાં.

હું મદ્રાસ ગયો. ત્યાં જસ્ટિસ સુબ્રહ્મણ્યમ્ આયરને મળ્યો, તેમ જ આનંદચાર્લું, તે વખતના 'હિંદુ'ના અધિપતિ જી. સુબ્રહ્મણ્યમ્, અને 'મદ્રાસ સ્ટેન્ડર્ડ'ના અધિપતિ પરમેશ્વરમ્ પિલ્લે, પ્રખ્યાત વકીલ ભાષ્યમ આયંગાર, મિ. નોર્ટન વગેરેને મળ્યો. ત્યાં પણ સભા થઈ. ત્યાંથી કલકત્તા ગયો.. ત્યાં સુરેન્દ્રનાથ બેનરજી, મહારાજા સત્યેન્દ્રનાથ ટાગોર, “ઇંગ્લિશમેન”ના અધિપતિ મરહૂમ મિ. સૉન્ડર્સ વગેરેને પણ મળ્યો. ત્યાં સભાની તૈયારીઓ થતી હતી તેટલામાં એટલે ૧૮૯૬ના નવેમ્બર માસમાં નાતાલથી તાર મળ્યો: – “એકદમ આવો.” હું સમજી ગયો કે હિંદીઓ વિરુદ્ધ કંઈક પણ નવી હિલચાલ શરૂ થઈ હશે. તેથી કલકત્તાનું કામ પૂરું કર્યા વિના હું પાછો ફર્યો અને મુંબઈથી મળતી પહેલી જ સ્ટીમરમાં હું ચડી ગયો. આ સ્ટીમર દાદા અબ્દુલ્લાની પેઢીએ ખરીદી હતી, અને પોતાના અનેક સાહસમાં નાતાલ અને પોરબંદરની વચ્ચે સ્ટીમર ચલાવવાનું આ તેમનું પહેલું સાહસ હતું. એ સ્ટીમરનું નામ 'કુસ્લેન્ડ' હતું. એ સ્ટીમરની પછી તરત જ તે જ દિવસે પર્શિયન કંપનીની આગબોટ 'નાદરી' પણ નાતાલ જવા રવાના થઈ. મારી ટિકિટ 'કુસ્લેન્ડ'ની હતી. મારી સાથે મારું કુટુંબ હતું. બંને સ્ટીમરમાં મળી દક્ષિણ આફ્રિકા જનારા લગભગ ૮૦૦ ઉતારુઓ હશે.

હિંદુસ્તાનમાં જે હિલચાલ મેં કરી એ એટલા બધા મોટા પાયા પર થઈ પડી – અને તેની નોંધ ઘણાંખરાં મુખ્ય અખબારોમાં લેવાયેલી – કે રૂટરે તે વિશેના તાર વિલાયત મોકલાવેલા એ ખબર મને નાતાલ પહોંચતાં પડી. વિલાયતના તાર ઉપરથી રૂટરના ત્યાંના પ્રતિનિધિએ એક ટૂંકો તાર દક્ષિણ આફ્રિકામાં પણ મોકલાવ્યો. એ તારમાં મેં જે હિંદુસ્તાનમાં કહેલું તેને કંઈ ઢોળ ચડયો હતો. આવી અતિશયોક્તિ આપણે ઘણી વાર જોઈએ છીએ. એ બધું ઈરાદાપૂર્વક નથી બનતું. અનેક કામો કરનારા માણસો વસ્તુઓ ઉપરઉપરથી વાંચી જાય, કંઈક તો પોતાના ખ્યાલ હોય જ, તેનું એક તારણ થાય, તેમાં વળી મગજ બીજું તારણ કરે, એનો વળી જ્યાં જાય ત્યાં નવો જ અર્થ થાય, આ બધું અનાયાસે જ બન્યા કરે છે. સાર્વજનિક પ્રવૃત્તિઓનું આ જોખમ છે, અને આ તેની હદ પણ છે. હિંદુસ્તાનમાં મેં નાતાલના ગોરાઓની ઉપર આક્ષેપો કરેલા; ગિરમીટિયા ઉપરના ૩ પાઉંડના કર વિશે હું બહુ સખત બોલેલો. સુબ્રહ્મણ્યમ્[૨] નામના નિરપરાધી ગિરમીટિયા ઉપર તેના માલિકે હુમલો કરેલો, તેને થયેલા જખમો મેં જોયેલા, તેનો આખો કેસ મારા હાથમાં હતો એટલે એનો ચિતાર મારી શક્તિ અનુસાર હું ઠીક ચીતરી શકયો હતો. આ બધાનું તારણ જ્યારે નાતાલવાસીઓએ વાંચ્યું ત્યારે તેઓ મારી સામે ખૂબ ઉશ્કેરાયા. ખૂબી એ છે કે જે મેં નાતાલમાં લખ્યું હતું તે હિંદુસ્તાનમાં લખ્યું અને કહ્યું તેના કરતાં વધારે તીખું અને વધારે વિગતવાર હતું, હિંદુસ્તાનમાં મેં એક પણ વસ્તુ એવી નહોતી કહી કે જેમાં જરાયે અતિશયોક્તિ હોય. પણ અનુભવથી હું એટલું જાણતો હતો કે કોઈ પણ કિસ્સાનું વર્ણન અજાણ્યા માણસની આગળ કરીએ ત્યારે તેમાં આપણે જેટલો અર્થ સમાવ્યો હોય તેના કરતાં અજાણ્યો સાંભળનાર કે વાંચનાર વધારે જુએ છે, તેથી ઈરાદાપૂર્વક હિંદુસ્તાનમાં મેં નાતાલનું ચિત્ર કંઈક પણ અંશે હળવું જ ચીતર્યું હતું. પણ નાતાલમાં મારું લખેલું તો ઘણા થોડા ગોરા વાંચે, તેની દરકાર તેથી પણ ઓછા કરે. હિંદુસ્તાનમાં કહેવાયેલાને વિશે ઊલટું જ બને અને બન્યું, રૂટરનું તારણ તે તો હજારો ગોરા વાંચે. વળી તારમાં નોંધ લેવા લાયક જે વિષય ગણાયો હોય તે વિષયનું મહત્ત્વ હોય તેના કરતાં વધારે ગણાય. નાતાલના ગોરા ધારે એટલી અસર જે હિંદુસ્તાનમાં મારા કામની પડી હોય તો ગિરમીટની પ્રથા કદાચ બંધ થઈ જાય અને સેંકડો ગોરા માલિકોને તેથી નુકસાન થાય. તે ઉપરાંત વળી નાતાલના ગોરાઓની હિંદુસ્તાનમાં નામોશી થઈ ગણાય. અામ નાતાલના ગોરાઓ ઉશ્કેરાઈ રહ્યા હતા તેટલામાં તેઓએ સાંભળ્યું કે હું કુટુંબ સહિત 'કુસ્લેન્ડ'માં પાછો ફરું છું. તેમાં ૩૦૦-૪૦૦ હિંદી ઉતારુઓ છે. તેની જ સાથે તેટલા જ ઉતારુવાળી “નાદરી' સ્ટીમર પણ છે. અાથી તો બળતામાં ઘી હોમાયું અને મોટો ભડકો થયો. નાતાલના ગોરાઓએ મોટી સભાઓ ભરી. લગભગ બધા અગ્રેસર ગોરાઓએ સાથ આપ્યો. મુખ્યત્વે કરીને મારી સામે અને સામાન્ય રીતે હિંદી કોમ પર સખત ટીકાઓ થઈ. 'કુસ્લેન્ડ' અને 'નાદરી'ના આગમનને 'નાતાલ પર ચડાઈ'નું રૂપ આપવામાં આવ્યું. સભામાં બોલનારાએ અર્થ એવો કાઢયો કે હું એ આઠસો ઉતારુઓને સાથે લઈ આવેલો છું. અને નાતાલને સ્વતંત્ર હિંદીઓથી ભરી મૂકવાના પ્રયત્નનું આ મારું પહેલું પગલું છે. એમ સભાને મનાવવામાં આવ્યું. સભામાં એકમતે એવો ઠરાવ પસાર થયો કે બંને સ્ટીમરના ઉતારુઓને અને મને ઊતરવા ન દેવો. જો નાતાલની સરકાર તેઓને ન રોકે અથવા ન રોકી શકે તો અા તત્કાળે થયેલી કમિટીએ કાયદો પોતાના હાથમાં જ લેવો અને પોતાના જ બળથી હિંદીઓને ઊતરતા અટકાવવા ! બંને સ્ટીમર એક જ દહાડે નાતાલ બંદર–ડરબન –પહોંચી.

વાંચનારને યાદ હશે કે ૧૮૯૬માં હિંદુસ્તાનમાં મરકીએ પહેલવહેલો દેખાવ આપ્યો. નાતાલની સરકારની પાસે અમને કાયદેસર પાછા વાળવાનું સાધન તો ન જ હતું. તે વખતે પ્રવેશપ્રબંધક કાયદો હસ્તીમાં નહોતો આવ્યો. નાતાલની સરકારની લાગણી તો બધી પેલી કમિટીની તરફ જ હતી. એક સરકારી પ્રધાન મરહૂમ મિ. એસ્કંબ એ કમિટીના કામમાં પૂરો ભાગ લેતા હતા. કમિટીને ઉશ્કેરતા પણ તે જ હતા. બધાં બંદરોમાં એવો નિયમ હોય છે કે જો કોઈ પણ સ્ટીમરમાં ચેપી રોગનો ઉપદ્રવ થાય અથવા તો કોઈ પણ સ્ટીમરને ચેપી રોગ ફેલાયેલો હોય તેવા બંદરેથી આવતી હોય તો તે સ્ટીમરને અમુક મુદત સુધી ક્વૉરેન્ટીનમાં રાખે, એટલે કે સ્ટીમરની સાથેનો સંસર્ગ બંધ કરે અને ઉતારુ, માલ વગેરેને અમુક મુદત સુધી ઉતારવાની મનાઈ કરે, આવો પ્રતિબંધ કેવળ આરોગ્યના નિયમોને અંગે જ અને બંદરખાતાને લગતા દાકતરના હુકમની રૂએ જ મૂકી શકાય. આ પ્રતિબંધ મૂકવાના અધિકારનો કેવળ રાજ્યપ્રકરણી ઉપયોગ, એટલે જ દુરુપયોગ નાતાલની સરકારે કર્યો, અને આગબોટોમાં કોઈ પણ એવો ચેપી રોગ નહીં હોવા છતાં ર૩ દિવસ સુધી બંને સ્ટીમરને ડરબનના બારામાં લટકાવી રાખી, દરમ્યાન કમિટીનું કામ જારી રહ્યું. દાદા અબદુલ્લા 'કુસ્લેન્ડ'ના માલિક હતા તેમ 'નાદરી'ના એજન્ટ હતા. તેમને કમિટીએ ખૂબ ધમકાવ્યા. જો સ્ટીમરો પાછી વાળે તો લાલચો પણ અાપી અને ન વાળે તો તેમના વેપારને પણ ધકકો પહોંચાડવાનો ભય કેટલાકે બતાવ્યો. પણ પેઢીના ભાગીદાર ભીરુ ન હતા. ધમકી દેનારને આ સંભળાવ્યું : “મારો બધો વેપાર ફના થઈ જશે, હું ખુવાર થઈશ ત્યાં લગી લડીશ, પણ ડરી જઈને આ નિર્દોષ ઉતારુઓને પાછા મોકલવાનો ગુનો હું કરવાનો નથી. જેમ તમને તમારા દેશનું અભિમાન છે તેમ અમને પણ કંઈક હશે એમ તમે માનજો.” એ પેઢીના જે જૂના વકીલ હતા.[૩] તે પણ હિંમતવાન અને બહાદુર હતા. ભાગ્યજોગે એ જ અરસામાં મરહુમ મનસુખલાલ નાજર (સુરતના કાયસ્થ અને મરહૂમ નાનાભાઈ હરિદાસના ભાણેજ) આફ્રિકા પહોંચ્યા. હું તેમને નહોતો ઓળખતો. તેમના જવાની પણ મને કંઈ ખબર નહીં હતી. મારે ભાગ્યે જ કહેવું જોઈએ કે “નાદરી” "કુસ્લેન્ડ"ના ઉતારુઓને લાવવામાં મારો કંઈ જ હાથ ન હતો. તેઓમાંના મોટે ભાગે દક્ષિણ આફ્રિકાના જૂના રહીશ હતા. તેમાંયે ઘણા તો ટ્રાન્સવાલ જવાને ચડેલા હતા. આ ઉતારુઓને વાસ્તે પણ ધમકીની નોટિસો કમિટીએ મોકલી, કેપ્ટનોએ ઉતારુઓને વંચાવી. તેમાં સાફ રીતે લખેલું હતું કે 'નાતાલના ગોરાઓ ઉશ્કેરાયેલા છે અને તેઓની આવી સ્થિતિ જાણ્યા છતાં પણ જો હિંદી ઉતારુઓ ઊતરવાનો પ્રયત્ન કરશે તો બંદર ઉપર કમિટીના માણસો ઊભા રહેશે અને એકેએક હિંદીને દરિયામાં ધકેલી દેશે.” 'કુસ્લેન્ડ'ના ઉતારુઓને અા નોટિસનો તરજુમો મેં સંભળાવ્યો. 'નાદરીના ઉતારુઓને ત્યાંના કોઈ અંગ્રેજી જાણનાર ઉતારુએ સમજાવ્યો. બંનેએ પાછા જવાની ચોખ્ખી ના પાડી. એમ પણ જણાવ્યું કે ઘણા ઉતારુઓને તો ટ્રાન્સવાલ જવાનું છે. નાતાલમાં ઊતરવા ઈચ્છે છે તેમાંના પણ ઘણા તો નાતાલના જૂના રહીશ છે. ગમે તેમ હો. પણ દરેકને નાતાલમાં ઊતરવાનો કાયદેસર હક છે અને કમિટીની ધમકી છતાં પોતાનો હક પુરવાર કરવા ઉતારુઓ ઊતરશે જ.'

નાતાલની સરકાર પણ થાકી. અયોગ્ય પ્રતિબંધ કેટલા દિવસ ચાલી શકે ? ર૩ દિવસ તો થઈ ગયા પણ ન ડગ્યા દાદા અબ્દુલ્લા કે ન ડગ્યા હિંદી ઉતારુ. એટલે ૨૩ દિવસ પછી પ્રતિબંધ છૂટ્યો અને સ્ટીમરને અંદર આવવાની રજા મળી. દરમ્યાન મિ. એસ્કંબે ઉશ્કેરાયેલી કમિટીને શાંત પાડી. તેમણે સભા ભરી કહ્યું, ડરબનમાં ગોરાઓએ ખૂબ એકતા અને હિંમત બતાવી. તમારાથી જેટલું થયું એટલું તમે કર્યું સરકારે પણ તમને મદદ કરી. આ લોકોને ર૩ દિવસ સુધી પ્રતિબંધમાં રાખ્યા. તમારી લાગણીનું અને તમારા જુસ્સાનું જે દૃશ્ય તમે બતાવ્યું છે એ બસ છે. આની ઊંડી અસર વડી સરકાર પર પડશે. તમારા કાર્યથી નાતાલની સરકારનો માર્ગ સરળ થયો છે. હવે જો તમે બળ વાપરીને એક પણ હિંદી ઉતારુને આવતો અટકાવો તો તમારા કામને તમે જ નુકસાન પહોંચાડશો. નાતાલની સરકારની સ્થિતિ કફોડી કરશો. એમ કરતાંયે અા લોકોને અટકાવવામાં તમે સફળ નહીં થાઓ. ઉતારુઓનો તો કાંઈ વાંક જ નથી. તેઓમાં તો સ્ત્રીઓ અને બાળકો પણ છે. મુંબઈથી ચડયા ત્યારે તમારી લાગણીની તેમને ખબર પણ નહીં હતી. એટલે હવે તમારે મારી સલાહ માનીને વિખેરાઈ જવું જોઈએ, અને આ લોકોને આવતાં જરાયે અટકાયત નહીં કરવી જોઈએ. પણ હું તમને એટલું વચન આપું છું કે હવે પછી આવનારાઓના સંબંધમાં અંકુશ રાખવાનો અખત્યાર નાતાલની સરકાર ધારાસભાની પાસેથી મેળવશે. આ તો મેં ભાષણનો સાર જ આપેલો છે. મિ. એસ્કંબના સાંભળનારા નિરાશ તો થયા, પણ મિ. એસ્કંબનો પ્રભાવ હમેશાં નાતાલના ગોરાઓ ઉપર ઘણો હતો. તેમના કહેવાથી તેઓ વીખરાયા. બંને આગબોટો બારામાં આવી.

મારે વિશે તેમણે કહેવડાવેલું કે મારે દિવસ છતાં સ્ટીમર ન છોડવી. સાંજે પોર્ટના સુપરિન્ટેન્ડેન્ટને મને લેવાને મોકલશે તેની સાથે મારે ઘેર જવું. મારું કુટુંબ ગમે ત્યારે ઊતરી શકે છે. એ કંઈ કાયદેસર હુકમ ન હતો, પણ કેપ્ટનને મને ન ઊતરવા દેવાની ભલામણ હતી અને મારે માથે ઝઝૂમી રહેલા જોખમની ચેતવણી હતી. કેપ્ટન મને જબરદસ્તીથી રોકી શકે એમ તો ન હતું. પણ મેં માન્યું કે મારે આ સૂચના કબૂલ રાખવી જોઈએ. મારાં બાળબચ્ચાંને મારે ઘેર નહીં મોકલતાં ડરબનના પ્રખ્યાત વેપારી અને મારા જૂના અસીલ અને મિત્ર પારસી રુસ્તમજીને ત્યાં મોકલી અાપ્યાં અને તેઓને ત્યાં મળવાનું કહ્યું, ઉતારુઓ વગેરે ઊતરી ગયા તેટલામાં મિ. લૉટન – દાદા અબદુલ્લાના વકીલ ને મારા મિત્ર –આવ્યા અને મને મળ્યા. મને પૂછયું, “તમે હજુ કેમ નથી ઊતર્યા ? મેં મિ. એસ્કંબના કાગળની વાત સંભળાવી. એમણે કહ્યું કે “મને તો સાંજ લગી વાટ જોવી અને પછી ગુનેગારની અથવા ચોરની માફક દાખલ થવું પસંદ નથી આવતું. તમને જો કંઈ પણ ડર ન હોય તો હમણાં જ મારી સાથે ચાલો અને આપણે જાણે કંઈ ન થયું હોય તેમ પગપાળા જ શહેરમાં થઈને ચાલ્યા જઈશું." મેં કહ્યું, "હું માનતો નથી કે મને કોઈ જાતનો ડર હોય. મિ. એસ્કંબની સૂચનાને – સલાહને – માન આપવું કે નહીં એ જ કેવળ વિવેક-અવિવેકનો સવાલ મારી નજર આગળ છે. અને કેપ્ટનની એમાં કંઈ જવાબદારી છે કે નહીં એ પણ થોડું વિચારી લેવું જોઈએ." મિ. લૉટન હસીને બોલ્યા: મિ. એસ્કંબે એવું શું કર્યું છે કે જેથી એની સૂચના ઉપર તમારે જરાયે ધ્યાન આપવું પડે ? વળી એની સૂચનામાં કેવળ ભલમનસાઈ જ છે અને ભેદ નથી એમ માનવાનું પણ તમારી પાસે શું કારણ છે ? શહેરમાં શું બન્યું છે અને તેમાં આ ભાઈસાહેબનો કેટલો હાથ છે તે તમે જાણો તેના કરતાં હું વધારે જાણું છું. (મેં વચમાં ડોકું ધુણાવ્યું.) છતાં ભલે એણે સારા ઈરાદાથી સૂચના આપી હોય એમ પણ આપણે માની લઈએ. છતાં એ સૂચનાનો અમલ કરવાથી તમને નામોશી પહોંચે એમ હું ચોકકસ માનું છું. માટે મારી તો સલાહ છે કે તમે જો તૈયાર હો તો હમણાં જ ચાલો. કેપ્ટન તો આપણા જ છે એટલે એની જવાબદારી એ આપણી છે. એને પૂછનાર કેવળ દાદા અબ્દુલ્લા જ હોય. એ શું ધારશે એ હું જાણું છું, કેમ કે તેમણે આ લડતમાં ખૂબ બહાદુરી બતાવી છે." મેં કહ્યું, "ત્યારે આપણે ચાલો. મારે કશી તૈયારી કરવાની નથી. મારી પાઘડી માથે મૂકવાની જ બાકી છે. કેપ્ટનને કહી દઈએ અને નીકળી પડીએ." કેપ્ટનની રજા લીધી.

મિ. લૉટન ડરબનના ઘણા જૂના અને પ્રખ્યાત વકીલ હતા. હું હિંદુસ્તાન ગયો તેના પહેલાં જ તેમની સાથે મારે ઘણો સારો સંબંધ બંધાઈ ગયો હતો. મારા મુશ્કેલીભરેલા કેસોમાં હું તેમની જ મદદ લેતો અને ઘણી વાર મોટા વકીલ તરીકે તેમને જ રોકતો. તેઓ પોતે હિંમતવાન હતા. બાંધામાં કદાવર હતા. અમારો રસ્તો ડરબનના મોટામાં મોટા મહોલ્લામાં થઈને હતો. અમે નીકળ્યા ત્યારે સાંજના ચાર-સાડાચાર થયા હશે. આકાશમાં સહેજ વાદળાં હતાં, પણ સૂરજને ઢાંકવા બસ હતાં. પગપાળા શેઠ રુસ્તમજીના મકાન સુધી પહોંચતાં કંઈ નહીં તો એક કલાક જાય એટલો રસ્તો હતો. અમે ઊતર્યા કે તરત જ કેટલાક છોકરાઓએ અમને જોયા, મોટાં માણસો તો તેમાં હતા જ નહીં, સામાન્ય રીતે બંદર ઉપર માણસો હોય એટલા જોવામાં આવતાં હતાં. કેટલાક છોકરાઓએ અમને જોયા. મારા જેવી પાઘડી પહેરનારો હું એક જ રહ્યો. છોકરાઓએ મને તુરત ઓળખયો ને “ગાંધી”, “ગાંધી” , “એને મારો”, “ઘેરો", એમ અવાજ કરતા અમારી તરફ આવ્યા. કોઈ કાંકરા પણ ફેંકવા લાગ્યા. કેટલાક આધેડ ગોરા પણ તેમાં ભળ્યા. ધીમે ધીમે હલ્લો વધ્યો. મિ. લૉટનને લાગ્યું કે ચાલતા જવામાં જોખમ ખેડવા જેવું છે. તેથી તેમણે “રિક્ષા” બોલાવી. 'રિક્ષા" એટલે મનુષ્યને ખેંચવાની નાની ગાડી હું તો કોઈ દિવસ 'રિક્ષા'માં બેઠેલ જ નહીં, કારણ કે મનુષ્ય ખેંચતા હોય એવા વાહનમાં બેસવા તરફ મને અતિશય અણગમો હતો. પણ આજે મને લાગ્યું કે 'રિક્ષા'માં બેસી જવું એ મારો ધર્મ છે. પણ ઈશ્વર જેને બચાવવાનો હોય એ પડવા ઈચ્છે તો પણ નથી પડી શકતો એવું મારા જીવનમાં તો મેં પાંચસાત મુશ્કેલીને વખતે પ્રત્યક્ષ અનુભવેલું છે. હું નથી પડયો તેનો જશ મુદ્દલ મારાથી લઈ જ નહીં શકાય. રિક્ષા હાંકનારા હબસીઓ જ હોય છે. છોકરાઓએ અને મોટેરાઓએ રિક્ષાવાળાને ધમકી આપી કે તું જો આ માણસને રિક્ષામાં બેસાડશે તો તને મારશું અને રિક્ષા ભાંગી નાખશું. એટલે રિક્ષાવાળો 'ખા' (ના) કહી ચાલતો થયો અને મારું રિક્ષામાં બેસવાનું રહી જ ગયું.

હવે અમારી પાસે ચાલીને જ જવા સિવાય બીજો રસ્તો ન હતો. અમારી પાછળ સરઘસ જામ્યું. જેમ આગળ વધીએ તેમ સરઘસ પણ વધતું જ જાય. મુખ્ય રસ્તામાં[૪] આવ્યા ત્યાં તો સેંકડો નાનામોટા ભેગા થઈ ગયા. એક બળવાન માણસે મિ. લૉટનને બાથમાં લઈ મારાથી નોખા પાડ્યા, એથી મને પહોંચી વળે એવી તેમની સ્થિતિ ન રહી. મારી ઉપર ગાળોના, પથ્થરોના, જે કંઈ તેઓના હાથમાં આવ્યું તેના વરસાદ થવા લાગ્યા. મારી પાઘડી ઉડાડી મૂકી. દરમ્યાન એક મોટા જાડા માણસે આવી મને થપ્પડ મારી અને પછી પાટુ મારી, તમર ખાઈને પડવા જતો હતો તેટલામાં રસ્તાની પાસે રહેલી એક ઘરના આંગણાની જાળી મારે હાથ આવી. જરા શ્વાસ લઈ તમર ઊતરી એટલે ચાલવા માંડયું. જીવતા પહોંચવાની લગભગ અાશા છોડી બેઠો હતો. પણ મને એટલું બરાબર યાદ છે કે એ વેળાએ પણ મારું હૃદય આ મારનારાઓનો દોષ લેશમાત્ર પણ કાઢતું ન હતું.

આમ મારી મુસાફરી ચાલી રહી હતી. તેટલામાં ડરબનના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની ઓરત સામેથી જતી હતી. અમે એકબીજાને સારી પેઠે ઓળખતાં હતાં. એ બાઈ બહાદુર હતી. જોકે વાદળ હતું છતાં, ને હવે તો સૂરજ પણ નમવા પર હતો તોપણ એ બાઈએ પોતાની છત્રી મારા રક્ષણ સારુ ઉઘાડી અને મારી પડખે ચાલવા લાગી. બાઈ માણસનું અપમાન, અને તે પણ ડરબનના ઘણા જૂના અને લોકપ્રિય ફોજદારની ઓરતનું અપમાન ગોરાઓ ન જ કરે – તેને ઈજા પણ ન જ પહોંચાડે તેથી એને બચાવીને મારા પર માર પડે એ ઘણો હળવો જ હોય. એટલામાં આ હુમલાની પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને ખબર પડવાથી તેણે પોલીસ પાર્ટી મોકલી અને પોલીસે મને ઘેરી લીધો. અમારો રસ્તો પોલીસ ચોકીની પાસે થઈને જતો હતો. ત્યાં પહોંચ્યા એટલે ફોજદાર રાહ જોઈને જ ઊભો હતો. તેણે મને પોલીસ ચોકીમાં જ જવાની સલાહ આપી. મેં ઉપકાર માન્યો પણ તેમાં જવાની ના પાડી. મેં કહ્યું, “મારે તો મારે ઠેકાણે પહોંચ્યે છૂટકો છે. ડરબનના લોકોની ન્યાયવૃત્તિ પર અને મારા સત્ય પર મને વિશ્વાસ છે. તમે પોલીસ મોકલી છે તેને સારુ હું આભારી છું. વળી મિસિસ એલેકઝાંડરે પણ રક્ષણ કરેલું છે." હું સહીસલામત રુસ્તમજીને ત્યાં પહોંચ્યો. અહીંયાં પહોંચતાં લગભગ સાંજ પડી ગઈ હતી. 'કુસ્લેન્ડ'ના દાક્તર દાજી બરજોર રુસ્તમજી શેઠને ત્યાં હતા, તેણે મારી સારવાર શરૂ કરી. જખમો તપાસ્યા. ઘણા જખમ નહીં હતા. એક મૂઢ ઘા પડયો હતો તે જ વધારે ઈજા દેતો હતો. પણ હજુ મને શાંતિ મળવાનો અધિકાર નહોતો મળ્યો. રુસ્તમજી શેઠના ઘરની સામે હજારો ગોરા એકઠા થયા. રાત પડી એટલે લુચ્ચાલફંગા પણ તેમાં ભળે. લોકોએ રુસ્તમજી શેઠને કહેવડાવી દીધું કે જો તમે ગાંધીને અમારે હવાલે નહીં કરો તો તમને અને તમારી દુકાનને તેની સાથે જ સળગાવી મૂકીશું. એ કંઈ કોઈના ડરાવ્યા ડરે એવા હિંદી ન હતા. સુપરિન્ટેન્ડેન્ટ એલેકઝાંડરને ખબર પડી એટલે તે પોતાની છૂપી પોલીસ લઈને ધીમેથી આ ટોળામાં પેસી ગયા. એક માંચડો મંગાવી તેના ઉપર ઊભા. અામ લોકોની સાથે વાતચીત કરવાને બહાને પારસી રુસ્તમજીના ઘરના દરવાજાનો કબજો લીધો કે જેથી તેને તોડીને કોઈ ધૂસી ન શકે. યોગ્ય ઠેકાણે છૂપી પોલીસ તો ગોઠવી જ દીધી હતી. તેણે પહોંચતાંવેંત જ પોતાના એક અમલદારને હિંદીનો પોશાક પહેરી મોઢું રંગી હિંદી વેપારી જેવો દેખાવ કરવા કહી દીધું હતું, અને તેને હુકમ આપ્યો હતો કે મને મળવું અને જણાવવું કે "જો તમે તમારા મિત્રની, તેના પરોણાની, તેના માલની અને તમારા કુટુંબની રક્ષા કરવા ઈચ્છતા હો તો તમારે હિંદી સિપાઈનો વેશ પહેરી પારસીના ગોડાઉનમાંથી નીકળી ટોળામાંથી જ મારા માણસની સાથે સરકી જઈ પોલીસ ચોકી પર પહોંચી જવું. અા શેરીને ખૂણે તમારે સારુ ગાડી તૈયાર રાખેલી છે. તમને અને બીજાને બચાવવાનો મારી પાસે આ જ રસ્તો છે, ટોળું એટલું બધું ઉશ્કેરાયેલું છે કે તેને રોકી રાખવાને મારી પાસે કશું સાધન નથી. જો તમે તાકીદ નહીં કરો તો આ મકાન જમીનદોસ્ત થશે, એટલું જ નહીં પણ જાનમાલનું કેટલું નુકસાન થાય એનું અનુમાન સરખું હું નથી કરી શકતો."

હું સ્થિતિ તુરત સમજી ગયો. મેં તુરત જ સિપાઈનો પોશાક માગ્યો અને એ પહેરીને નીકળી ગયો અને સહીસલામત પોલીસ ચોકીમાં પેલા અમલદારની સાથે પહોંચી ગયો. દરમ્યાન ફોજદાર પ્રસંગને લગતાં ગીતોથી અને ભાષણોથી ટોળાંને રીઝવી રહ્યો હતો. જ્યારે તેને ઈશારો મળ્યો કે હું પોલીસ ચોકીમાં પહોંચી ગયો છું ત્યાર તેણે પોતાનું ખરું ભાષણ શરૂ કર્યું : .

"તમે શું માગો છો ?"

“અમને ગાંધી જોઈએ.”

“તમે શું કરવા ઈચ્છો છો ?"

“તેને અમે સળગાવીશું."

"તેણે તમારું શું બરું કર્યું છે ?"

“અમારે વિશે હિંદુસ્તાનમાં ઘણી જૂઠી વાતો કરી છે. અને નાતાલમાં હજારો હિંદીઓને દાખલ કરવા માગે છે."

"પણ એ બહાર ન નીકળે તો શું કરશો ?"

“તો અમે આ મકાનને સળગાવીશું."

"એમાં તો એનાં બાળબચ્ચાં છે. બીજાં સ્ત્રીપુરુષો છે. સ્ત્રીઓ અને બાળકોને સળગાવતાં પણ તમે નહીં શરમાઓ ?”

“એ તો દોષ તમારો, તમે અમને લાચાર કરો તો અમે શું કરીએ ? અમે તો બીજા કોઈને ઈજા કરવા નથી ઈચ્છતા. ગાંધીને સોંપો એટલે બસ છે. તમે ગુનેગારને ન સોંપો અને તેને પકડતાં બીજાને નુકસાન થાય તેનો દોષ અમારા ઉપર નાખો એ ક્યાંનો ન્યાય ?”

સુપરિન્ટેન્ડેન્ટે હળવેથી હસીને તેઓને ખબર આપી કે હું તો સહીસલામત તેઓની વચ્ચે થઈને જ બીજી જગાએ પહોંચી ગયો છું ! લોકો ખડખડ હસી પડયા અને "જૂઠું" "જૂઠું" એમ પોકાર્યું. સુપરિન્ટેન્ડેન્ટ બોલ્યા, "તમે જો તમારા બુઠ્ઠા ફોજદારની વાત ન માનતા હો તો તમારી ઈચ્છામાં આવે એવા ત્રણ-ચાર માણસની કમિટી નીમો. બીજા બધા વચન આપો કે કોઈ મકાનની અંદર નહીં ઘૂસો અને જો ગાંધીને કમિટી ન શોધી શકે તો તમે બધાય શાંત થઈને પાછા જશો. તમે જુસ્સામાં આવીને પોલીસની સત્તાને આજે કબૂલ ન કરી તેમાં નામોશી પોલીસની નથી પણ તમારી છે. તેથી પોલીસ તમારી સાથે દાવ રમી, તમારી વચમાંથી તમારા શિકારને ઉપાડી ગઈ અને તમે હારી ગયા. એમાં પોલીસને તો તમે દોષ નહીં જ દો. જે પોલીસને તમે જ નીમેલી છે તે પોલીસે પોતાની ફરજ બજાવી છે."

આ બધી વાતચીત સુપરિન્ટેન્ડેન્ટે એટલી મીઠાશથી, એટલા હાસ્યથી અને એટલી દૃઢતાથી કરી કે લોકોએ તેણે માગેલું વચન આપ્યું. કમિટી નીમી. કમિટીએ પારસી રુસ્તમજીના ઘરનો ખૂણેખૂણો તપાસી નાખ્યો. અને લોકોને કહ્યું, 'સુપરિન્ટેન્ડેન્ટની વાત સાચી છે. તેણે આપણને હરાવ્યા છે.' લોકો નિરાશ તો થયા તોપણ પોતાના વચન પર પણ કાયમ રહ્યા. કંઈ નુકસાન ન કર્યું અને પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. આ દિવસ ૧૮૯૭ના જાન્યુઆરીની તેરમી તારીખનો હતો.

એ જ સવારે ઉતારુઓ પરનો પ્રતિબંધ છૂટયો કે તરત ડરબનના એક પત્રનો રિપોર્ટર અાગબોટ પર મારી પાસે અાવ્યો હતો. તે બધી હકીકત પૂછી ગયો હતો. મારી ઉપરના આરોપોનો તદ્દન સ્પષ્ટ ખુલાસો કરવો એ સાવ સહેલું હતું. સંપૂર્ણ દાખલાઓ આપી મેં બતાવ્યું હતું કે તલમાત્ર પણ અતિશયોક્તિ મેં કરી નથી. જે કંઈ મેં કર્યું એ મારો ધર્મ હતો, તેમ ન કરું તો મનુષ્યજાતિમાં ગણાવા પણ હું લાયક ન હોઉં. આ બધી હકીકત બીજે દિવસે પૂરેપૂરી પ્રગટ થઈ અને સમજુ ગોરાઓએ પોતાનો દોષ કબૂલ કર્યો. અખબારોએ નાતાલની પરિસ્થિતિ વિશે પોતાની લાગણી બતાવી, પણ મારા કાર્યનો તેની સાથે જ તેમણે પૂરો બચાવ કર્યો. આથી વળી મારી પ્રતિષ્ઠા વધી અને સાથે સાથે હિંદી કોમની પણ વધી. ગરીબ હિંદીઓ પણ નામર્દ નથી, વેપારીઓ પોતાના વેપારવણજની દરકાર કર્યા વિના સ્વમાનને સારુ, સ્વદેશને સારુ લડી શકે છે, એમ પણ તેઓની પાસે પુરવાર થયું.

આથી જોકે એક તરફથી કોમને દુ:ખ સહન કરવું પડયું, દાદા અબ્દુલ્લાને તો મોટા નુકસાનમાં ઊતરવું પડયું, છતાં આ દુઃખને અંતે તો લાભ જ થયો એમ હું માનું છું. કોમને પણ પોતાની શક્તિનું કંઈક માપ મળ્યું અને આત્મવિશ્વાસ વધ્યો. હું પણ વધારે ઘડાયો અને હવે એ દિવસનો વિચાર કરતાં એમ જાઉં છું કે ઈશ્વર મને સત્યાગ્રહને સારુ તૈયાર કરી રહ્યો હતો. નાતાલના બનાવોની અસર વિલાયતમાં પણ થઈ. મિ. ચેમ્બરલેને નાતાલની સરકાર પર તાર કર્યો કે જે લોકોએ મારી ઉપર હુમલો કર્યો તેમના ઉપર કામ ચાલવું જોઈએ અને મને ઈન્સાફ મળવો જોઈએ.

મિ. એસ્કંબ ન્યાયખાતાના પ્રધાન હતા. તેમણે મને બોલાવ્યો. મિ. ચેમ્બરલેનના તારની વાત કરી, મને ઈજા થઈ તેને સારુ દિલગીરી જણાવી, હું બચી ગયો તેને સારુ પોતાની ખુશાલી જાહેર કરી, અને કહ્યું, "હું તમને ખાતરી આપું છું કે તમને તથા તમારી કોમના કોઈને પણ ઈજા થાય એવું હું મુદ્દલ ઈચ્છતો ન હતો. તમને ઈજા થવાનો મને ભય હતો તેથી જ તમને મેં રાતના ઊતરવા વિશે સમાચાર મોકલાવ્યા. તમને મારી સૂચના પસંદ ન પડી. મિ. લૉટનની સલાહ તમે માની તે વિશે હું જરાયે તમારો દોષ કાઢવા ઈચ્છતો નથી. તમને યોગ્ય લાગે એ કરવાનો તમને પૂરો અધિકાર હતો. મિ. ચેમ્બરલેનની માગણી સાથે નાતાલની સરકાર પૂરી સંમત છે. ગુનેગારોને સજા થાય એ અમે ઈચ્છીએ છીએ. હુમલાઓ કરનારમાંના કોઈને તમે ઓળખી શકશો ?” મેં જવાબ આપ્યો, સંભવ છે કે એકબે માણસને કદાચ હું ઓળખી શકું. પણ આ વાત લંબાય તેના પહેલાં જ મારે કહી દેવું જોઈએ કે મેં મારા મનની સાથે કયારનો નિશ્ચય કરી મૂકયો છે કે મારી ઉપર થયેલા હુમલા બાબત કોઈની સામે અદાલતમાં ફરિયાદ કરવા ઈચ્છતો જ નથી. હુમલો કરનારનો તો હું દોષ પણ નથી જોતો. તેઓને જે હકીકત મળી તે તેઓના આગેવાન તરફથી. એના ખરાખોટાની તપાસ કરવા એ લોકો બેસી ન શકે. મારે વિશે જે તેઓએ સાંભળ્યું તે બધું ખરું હોય તો તેઓ ઉશ્કેરાઈ જાય, અને જુસ્સામાં આવીને ન કરવાનું કરી નાખે, એમાં હું તેમનો દોષ ન કાઢું, ઉશ્કેરાયેલાં ટોળાં એ જ રીતે ઈન્સાફ લેતાં આવ્યાં છે. જો કોઈનો પણ દોષ હોય તો આ બાબતમાં થયેલી કમિટીનો અને તમારો પોતાનો છે, અને તેથી નાતાલની સરકારનો છે. રૂટરે તાર ગમે તેવો કર્યો પણ જ્યારે હું પોતે અહીંયાં આવતો હતો એમ તમે જાણતા હતા તો તમારો અને કમિટીનો ધર્મ હતો કે જે જે તર્કો તમે બાંધેલા તે વિશે મને પૂછવું, મારા જવાબ સાંભળવા, અને પછી જે યોગ્ય લાગે તે કરવું. હવે મારા ઉપર હુમલો થયો તે બાબત કંઈ તમારી ઉપર કે કમિટી ઉપર હું કામ ચલાવી શકું એમ છે જ નહીં. અને તેમ બનતું હોય તોપણ કોર્ટની મારફત એવી દાદ હું મેળવવા ન ઈચ્છું. તમને યોગ્ય લાગ્યું તે પ્રમાણે નાતાલના ગોરાના હક જાળવવાને સારુ તમે પગલાં લીધાં એ રાજ્યપ્રકરણી વિષય થયો. મારે પણ એ જ ક્ષેત્રમાં તમારી સામે લડવાનું રહ્યું, અને તમને અને ગોરાઓને બતાવવાનું રહ્યું કે હિંદી કોમ બ્રિટિશ સલ્તનતના એક મોટા વિભાગ તરીકે ગોરાઓને નુકસાન પહોંચાડ્યા વિના કેવળ પોતાનું સ્વમાન અને હક જાળવવા ઈચ્છે છે." મિ. એસ્કબ બોલ્યા, “તમે કહ્યું તે હું સમજ્યો અને મને ગમ્યું પણ છે. તમે કામ ચલાવવા નથી ઈચ્છતા એવું સાંભળવા હું તૈયાર ન હતો અને તમે ચલાવવા ઈચ્છત તો હું જરાયે નાખુશ ન થાત. પણ જ્યારે તમે તમારો ફરિયાદ નહીં કરવાનો વિચાર દર્શાવી દીધો છે ત્યારે મને કહેતાં સંકોચ નથી થતો કે તમે યોગ્ય નિશ્ચય ઉપર આવ્યા છો. એટલું જ નહીં પણ તમારા એ સંયમથી તમે તમારા કોમની વિશેષ સેવા કરશો, સાથે મારે એટલું પણ કબૂલ કરવું જોઈએ કે તમે નાતાલની સરકારને તમારા પગલાથી વિષમ સ્થિતિમાંથી બચાવી લેશો. તમે ઈચ્છો તો અમે પકડાપકડી વગેરે તો કરીએ પણ તમને તો કહેવું પડે એમ નથી કે એ બધું કરવામાં વળી પાછો ગોરાઓનો પિત્તો ઊછળે, અનેક પ્રકારની ટીકાઓ થાય. અને આ બધું કોઈ રાજ્યસત્તાને ન જ ગમે. પણ જો તમે છેવટનો નિશ્ચય કરી લીધો હોય તો ફરિયાદ ન કરવાનો વિચાર જણાવનારી એક ચિઠ્ઠી તમારે મારા ઉપર લખવી જોઈએ. આપણી વાતચીતનો સાર જ આપીને હું મિ. ચેમ્બરલેનની પાસે મારી સરકારનો બચાવ ન કરી શકું. મારે તો તમારી ચિઠ્ઠીના ભાવાર્થનો જ તાર કરવો જોઈએ. પણ એ ચિઠ્ઠી તમે હમણાં જ આપો એમ હું નથી કહેતો. તમારા મિત્રોની સાથે મસલત કરો. મિ. લૉટનની પણ સલાહ લો. અને પછી પણ તમારા વિચાર પર તમે કાયમ હો તો મને લખજો. પણ એટલું મારે કહેવું જોઈએ કે તમારી ચિઠ્ઠીમાં ફરિયાદ ન કરવાની જવાબદારી સ્પષ્ટ રીતે તમારે પોતાને જ કબૂલ કરવી જોઈએ. તો જ મારાથી તેનો ઉપયોગ થઈ શકે." મેં કહ્યું, "આ વિશે મેં કોઈની સાથે મસલત નથી કરી; તમે આ પ્રસંગને સારુ મને બોલાવ્યો છે એ પણ હું જાણતો ન હતો, અને મારે કોઈની સાથે આ બાબતમાં મસલત કરવાની ઈચ્છા પણ નથી. મિ. લૉટનની સાથે ચાલી નીકળવાનો ઠરાવ કર્યો ત્યારે જ મારા મનની સાથે મેં નિશ્ચય કરી લીધો હતો કે મને કંઈ પણ ઈજા થાય તો તે વિશે મારા દિલમાં ખોટું લગાડવું નથી. એટલે પછી ફરિયાદ કરવાનું તો હોય જ શાનું ? મારે સારુ આ ધાર્મિક પ્રશ્ન છે. અને તમે કહો છો એ પ્રમાણે હું માનું પણ છું કે મારા અા સંયમથી હું મારી કોમની સેવા કરીશ એટલું જ નહીં પણ મને પોતાનેયે એથી લાભ જ છે. તેથી હું મારા પોતાના ઉપર બધી જવાબદારી લઈને અહીં જ તમને ચિઠ્ઠી લખી દેવા ઈચ્છું છું." અને મેં ત્યાં જ તેમની પાસેથી કોરો કાગળ લઈને ચિઠ્ઠી લખી દીધી.

  1. જુઓ “યં. ઈ.” , તા. ૧૩-૭-' ર૧; 'નવજીવન', તા. ૨૮-૭-' ૨૧.
  2. આ સરતચૂક લાગે છે. 'આત્મકથા'માં બાલાસુન્દરમ્ નામ છે. અને એ સાચું છે.
  3. મિ. એફ. એ. લૉટન.
  4. 'વેસ્ટ સ્ટ્રીટ'.