દાદાજીની વાતો/લોકસાહિત્યની નવી દુનિયા

← નિવેદન દાદાજીની વાતો
લોકસાહિત્યની નવી દુનિયા
ઝવેરચંદ મેઘાણી
૧. મનસાગરો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


લોકસાહિત્યની નવી દુનિયા


[પ્રવેશક]

લિ રાજાને ઘરે તે દિવસે પ્રભુ વામનરૂપે પધાર્યા અને ત્રણ ડગલાંમાં એ વિરાટે આકાશ, ધરતી અને પાતાળ માપી લીધાં.

માનવીને આંગણે પણ એ જ વિરાટ શક્તિ રોજ રોજ આવીને ઊભી રહે છે : કરોડો વામનોને વેશે : સવા વેંતનાં શિશુઓને રૂપે.

પરંતુ આ સૃષ્ટિ આ વિરાટોને સાંકડી પડે છે. એના મનોરથો આ મૃત્યુલોકની શેરીમાં સમાતા નથી, એના તરંગો આકાશ-પાતળનો બાથ ભરવા મથે છે. એનાં માવતરોને મૂંઝવણનો પાર નથી રહ્યો.


રૂપકકથાઓ

દેશ દેશમાં દાદાઓએ અને દાદીઓએ આ દુઃખ એક જ સરખું અનુભવ્યું. એટલે એમણે પોતાનાં બચ્ચાંઓ માટે નવી નવી, નિત્યનવપલ્લવિત સૃષ્ટિઓ સરજી. એ સૃષ્ટિમાં સંતાનોને રમતાં મેલી દીધાં. મોટેરાંઓ, દુનિયાદારીનાં ડહાપણદારો, નક્કર સત્યોની સાથે જ રમનારાઓ પણ આ સૃષ્ટિમાં લોભાયા અને તેઓએ પણ રોજરોજ રાત્રીએ, દુનિયાદારીમાં ચોળાયેલા સાજ ઉતારી નાખી, કલ્પનાના વાઘા સજી, બાલકોચિત બેવકૂફી ધારણ કરી, આ અનંત ખંડોવાળી દુનિયાની અંદર બાલવિહાર માણ્યો. એ દુનિયા તે આ રૂપકકથાઓની કે પરીકથાઓની.

અને ત્યાં શું શું જોયું?

આભમાં ઊડતા આવતા રથો અને પાંખોવાળા ઘોડા : બાર બાર ગાઉમાં ઝેર પ્રસારે એવા ફણીધરો : વાવકૂવાના ઠંડા નીરમાંથી નીકળતી અગ્નિજ્વાળાઓ : માનવીની ભવિષ્યવાણી ભાખતાં ગરૂડ-પંખીના કે હંસ-હંસલીનાં જોડલાં : હીરાજડિત વીંટીમાથી ખડા થતા સર્પો : સામસામા અથડાતા જીવભક્ષી ડુંગરાઓ : આપોઆપ પડી જતી દરવાજાની કમાનો : ગુપ્ત વાત કરતાં પથ્થર બની જતી માનવ-કાયાઓ : ભૂતકાળની વાર્તાઓ ભાખતી કાષ્ઠની પૂતળીઓ : અધરાતે છઠ્ઠીના લેખ લખવા આવતી વિધાતાદેવી અને ચોરીના માટલા ઉપરના ચિત્રામણ-માંથી સજીવન બનતા સિંહો : સાત કોટડી માયાવાળા રાફડા ઉપર બેસીને માનવીની ભાષામાં વાતો કરતા, માનવસ્વરૂપો ધરતા સર્પો અને વાવનાં બિલોરી નીરમાં મૃત્યુલોકની રમણીઓની પેઠે જ વિલાપ કરતી ઊભેલી નાગપત્નીઓ : સાગરને તળિયેથી ડૂબેલા વહાણને બહાર કાઢનાર દરિયાપીર અને મરેલા ભક્તોને જીવતાં કરનાર દેવી કાળકા : દરિયાને તળિયે બેસીને ઈંડાં સેવતાં દેવાંશી હંસ-પક્ષીઓઃ સર્પોની વિષફૂંકે સળગતી અને અમૃત-ફૂંકે લીલીછમ બની જતી વનસ્પતિઓ : અને મરેલી કાયાના કટકા પર અંજલિ છાંટતાં જ સજીવન કરે તેવા અમીના કૂંપા.


વિશ્રામસૃષ્ટિ

આવા આવા ચમત્કારોથી ભરપૂર એ બાલ-દુનિયા કોને લોભામણી નહિ લાગી હોય? સત્ય જગતને ખેડતાં ખેડતાં કલ્પના-જગતમાંથી પ્રાણબળ મેળવવું એ તો માનવની પ્રકૃતિ છે, માનવજીવનનો વિસામો છે. દુકાને ત્રાજવાં તોળનારો, દુકાનીભાર પણ નમતું ન દેનારો, અધરાતના દીવા બાળીને પણ પાઈ યે પાઈનો હિસાબ માંડનારો, લાગણી કે ઊર્મિને પોતાના જાગૃત જીવનમાં જરાયે સ્થાન ન આપનારો હાડચામડીનો બનેલો મનુષ્ય પણ ઘડિયાળના કાંટા જેવા પોતાના જીવનક્રમમાંથી વારંવાર કંટાળે છે. આવતી કાલે જ જેની આસામી ધૂળ મળવાની છે એવો મૂડીદાર આજે કોઇ ઇશ્વરી અકસ્માતની આશાને નોતરતો હોય છે. આજે જેણે કરોડો ગુમાવી નાખ્યા છે તે આવતી કાલના ગર્ભમાં રહેલી કોઇ માયાવી સમૃદ્ધિના મનોરથો રચે છે. સ્વપ્નમાં એ રૂપિયાની થેલીઓ ઠાલવે છે. તેજુરીઓની ચાવી ખખડાવે છે. મહેલ-મોલાતો ચણે છે. એનેય મનોરથો વિના ન ચાલ્યું. એનેય પોતાનાં આશ્વાસન, આશીર્વાદ અને જગતના રણસંગ્રામમાં ઝૂઝવાનાં જોર કલ્પનામાંથી મેળવવાં પડ્યાં. ત્યારે પછી કુદરતને જ ખોળે રમતાં માયાવિહારી બાળકોનો બીજો શો ઇલાજ?

માનવીની મહત્તા

અને આ કલ્પના-સૃષ્ટિ શું કેવળ બાળકોના વૈભવની ફૂલવાડી સરખી જ છે? બાળકોની નાજુક કુતૂહલવૃત્તિને બે ઘડી નચાવીને જ શું એની ઉપયોગિતા ખતમ થાય? શું આ અસંભવના ભુવનમાં વિચરતાં બાળકો વહેમી, દરિદ્ર, તરંગી અને સ્વપ્નાધીન બની જાય છે? શું દૈવી કે આસુરી અકસ્માતો વાટે વહી જતી આ કલ્પનાની જિંદગી જોઇ જોઇને બાળક્ની દ્રષ્ટિ દૈવાધીન, પ્રારબ્ધાધીન બની જાય છે? નહિ, એક મત એવો પણ છે કે બાળકોની દ્રષ્ટિ તો એ બધી મંત્રમાયાની ઉપર મંડાય છે. એ કુદરતી તેમ જ આસુરી સંકટોની વચ્ચે પોતાની અક્કલ યા ભુજા વાપરીને માર્ગ કાપતાં બહાદુર મનુષ્યો જ બાળકોની આદર્શમૂર્તિઓ બને છે. આ કથા-પ્રસંગોનાં ઘોર જંગલ-ઝાડીઓ વચ્ચે માનવ-શૌર્યના ચમકારા થાય છે. માર્ગ ભૂલીને અઘોર વનમાં મૂર્છાવશ રાજાને જોઇ કે અગ્નિના ભડકા ફૂંકતા નાગને જોઇ અંતરમાં ભયનો થડકારો અનુભવનારો બાળક, બીજી જ ક્ષણે જ્યારે મનસાગરા પ્રધાનને તલવાર ઉઘાડી છલાંગ મારતો અને યુક્તિ-પ્રયુક્તિ યા હાજરજવાબીથી પોતાના મિત્રને સાપના ઝેરમાંથી ઉગારતો નિહાળે છે, ત્યારે તુરત જ એ બાળક સુખનો શ્વાસ મેલે છે, ને પોતે મનસાગરો બનવા તલસે છે. મનસાગરો પથ્થર બની જાય છે, તે ઘટનાની કરુણાજનક ભીષણતા, મનસાગરાના મૂંગા બલિદાનની મહતા આગળ ઝાંખી પડી જાય છે. વિક્રમરાજાના પેટમાં નાગ પેસી જાય તે દુઃખમય વિચાર, એ આશરા-ઘર્મનો બિરદધારી રાજા સાપને ન મારવા માટે કસુંબો ત્યજે એ આત્મભોગના આદર્શ સામે ટકતો પણ નથી. માતા કાળકાની બધી ભૈરવતા એની દયાર્દ્ર વત્સલતાની સામે, ખાસ કરીને તો છેલ્લી વેળાએ ત્રણેય મરેલાઓને ચૂંદડી ઓઢાડી સજીવન કરનાર કરુણામય દેવી-સ્વરૂપની સામે વિસરાઇ જાય છે. ફૂલવંતી સતીના ચોધાર વિલાપમાં પોતાનો સૂર મેળવનારાં બાળકો, એ સતીને, પોતાના સ્વામીના પગ આંસુડે ઘોતી અને ચોટલે લૂછતી ભાળીને ધન્યવાદ ઉચ્ચારે છે; ખૂંધાળી નણંદની ક્રૂરતા પર કે કઠિયારણના ઘાતકીપણા ઉપર સતીના શિયળનું જ્યોતિમંડળ છવાયલું જુએ છે. કસોટીના મેઘાડમ્બર ઉપર વીર-વીરાંગનાઓનાં બલિદાનનું ઈંદ્ર-ધનુષ અંકાયલું નિહાળી બાળ-શ્રોતાઓ આ કલ્પનાસૃષ્ટિની ભયાનકતામાં પણ માનવઆત્માનો વિજય સમજે છે. આ ઘટનાઓમાંથી બાળકો બીકણ બનીને નહિ પણ બહાદુરીના પૂજક બનીને નીકળે છે. અને સીણાની ખાણ પાર કરનાર વીરાજી કે મોટાં જંગલો ખૂંદનાર મનસાગરો, જાણે પોતપોતાની વાતો વર્ણવી વર્ણવીને આપણાં સંતાનોને કહેતાં જાય કે 'નન બટ ધ બ્રેવ ડિઝર્વ ધ ફેર' : સુંદરીઓના હાથ તો શૂરવીરોને જ સાંપડી શકે; સાહસને કંઠે જ સૌંદર્યની વરમાળા શોભે.


નવો પ્રવાહ

લોકસાહિત્યની આ એક નવી દિશા આજે ખુલ્લી થાય છે. શૂરાઓની ઇતિહાસ-ઘટનાઓને લોકોએ પોતાની વાણીમાં વહેતી કરી, તે આપણે 'રસધાર' આદિ ગ્રંથોમાં જોયું. રામાયણ-મહાભારતની પુરાણ-કથાઓને પણ લોકોએ પોતાની શૈલીમાં સ્વાંગ પહેરાવી એક કંઠેથી બીજે કંઠે, એક જીભને ટેરવે થઇ બીજી જીભને ટેરવે રમતી મૂકી. વ્રતોની, ઉખાણાંની, રમૂજની, ઠાવકાઇની, પશુની, પખીની કૈં કૈં કથાઓમાં લોક-આત્માએ અનુભવરૂપી દૂધ દોહી લીધાં. તારા-મંડળો, પક્ષીના સાંકેતીક સ્વરો, પશુઓની કે વૃક્ષોની કૈં કૈં વિચિત્રતાઓ, એ તમામની સાથે કોઇ બલિદાનની, સત્યની કે સીધી સાદી માનવ-ઊર્મિની ઘટનાઓ લોકોએ જોડી દીધી તેને 'કંકાવટી'માં સંઘરેલ છે. ને બીજો એક આખો ઝરો, લોકહૃદયમાંથી 'લોકગીતો'ને નામે રેલાયો તે 'રઢિયાળી રાત' અને 'ચૂંદડી'નાં છ પુસ્તકોમાં ઠાલવેલ છે. આજ આ નવો પ્રવાહ નીસરે છે. આપણાં અભણ ભાંડુઓને અંતરે સુંદર કલાવિદ્યાનમાં સજ્જ થઇને આ વાર્તાઓ મોટાં મોટાં લોકવૃંદોની વચ્ચે એની સંગીતવાણીમાં લલકારાઇ છે. કેટલાં કેટલાં અટ્ટહાસ, નિઃશ્વાસ, ધન્યવાદ અને અશ્રુબિંદુઓ એ વાર્તાની સજીવનતાની સાક્ષી દઇ ગયાં છે.

ઇતિહાસ કે હકીકતના કશાયે આધાર વિનાની આ કલ્પિત કથાઓ માનવ-જીવનના મહિમાની અજરામર ગાથાઓ છે. એ કોણે રચી? કોઇ કર્તાનું નામ એમાં નથી અંકાયેલું; માટે જ એ રચાઇ નથી. કુદરત ધરતીકંપ જગાવીને જેમ ઘાટીલાં નદી-સમુદ્રો, સુંદર ગુફાઓ કે પર્વતો સરજાવે, તેમ લોક-જીવનનાં મંથનોમાંથી આ કૃતિઓ આપોઆપ સરજાઇ હશે. જનતાએ મિત્રભક્તિ અને બલિદાનનાં દ્રષ્ટાંતો દેખ્યાં. તેનો સંચય કરીને મનસાગરો અને વીરોજી ઘડ્યા. જનતાએ ઘેર ઘેર શિયળવંતી અબળાઓને સંદેહનો ભોગ થઇને પાપી કુટુંબીજનોથી પિડાતી ભાળી : તે તમામનાં આંસુ નિતારીને અક્કેક ફૂલવંતી સરજાવી. ને ત્યાર પછી એવાં વીર-વીરાંગનાઓની આસપાસ, એનાં સત્ય, શિયળ કે શૂરાતનને કસવાને માટે, દૈવી કે આસુરી,પશુ કે પંખીની દુનિયા વસાવી દીધી. છતાંયે એ વાર્તાઓની ઉપર, દેવ કે દાનવનો, પશુ અથવા પંખીનો, કોઇનો આખરી અધિકાર નથી. એ હજારો ચમત્કારો મનુષ્યના મનુષ્યત્વને ઢાંકી દેતા નથી. એ અસંભવિતતાનું વાતાવરણ માનવીની મહત્તાને મૂંઝવી મારતું નથી. ચમત્કારોને ખસેડી લો, અને તમે એ જ વીર-વીરાંગનાઓને જેવાં ને તેવાં માનવસહજ, જેવાં ને તેવાં શૌર્યવંત, જેવાં ને તેવાં સબળ-નિર્બળ જોશો. ચમત્કાર તો બલિદાનનાં, પ્રેમશૌર્યનાં ને શિયળનાં સેવકો થઇને ભમે છે.


પશુપંખીની આત્મીયતા

ઊલટું મનુષ્યનો મહિમા તો એ રીતે ઉજ્જવળ બની રહ્યો છે. આસુરી તત્ત્વો સત્યધર્મને રિબાવી રિબાવીને આખરે નમી પડે છે. સિંદૂરિયા નાગની ઘટના જૂઓઃ દૈવી તત્ત્વો તો મનુષ્યના સાહસનાં સાથી બનીને ચાલે છે, વીરાજીની વહારે કાળકા ધાય છે, ને ફૂલવંતીનાં આંસુ નાગપદ્મણી લૂછે છે. પશુપંખીએ મનુષ્ય માટે જ સ્વાર્પણ કર્યાં, જાગરણ કર્યાં, માનવજીવનના અભિલાષ પોષ્યા. રાજાની છ ઘાતો બતાવનાર ગરુડ-બેલડી, ફૂલસોદાગરને વૈશાખી-પૂર્ણિમાએ દીકરો દેવાડનાર હંસ-હંસલી કે વિક્રમને અમીનો કૂંપો દેનાર નાગ-પદ્મણી : એ બધાં જાણે પક્ષી-જગત અને માનવી-જગત વચ્ચેનાં અંતર સાધી લે છે,એકબીજાંને પરસ્પર અપનાવે છે.

ભાષાવૈભવ

આ બધું લોક-રસનાએ જે લોકવાણીમાં ઉતાર્યું એ લોક્વાણી જ એને જગત-સાહિત્યમાં કાયમી આસન અપાવી રહી છે. એ લોકવાણીની કલાત્મકતાના નમૂનારૂપે જ અત્રે એ વાતો અસલી શૈલિમાં મૂકી દીધેલી છે. એની સ્વાભાવિકતા, પ્રાસાદિકતા, વર્ણન-છટા ને ભાવભરપૂરતા તપાસોઃ

'મેઘલી રાત : ગટાટોપ વાદળાં : ત્રમ!ત્રમ! ત્રમ! તમરાં બોલે છે' : આટલા ટૂંકા વર્ણનમાં હૂબહૂ ભાવ ખડો થાય છે.

'સોળ કળાનો ચંદ્ર આકાશે ચડ્યો છે : અજવાળાં ઝોકાર છે' : એટલા શબ્દોની અસર, અસર વાર્તા સાંભળનાર બાળકો ઉપર ઊંડી પડે છે.

'રાજાની કાયામાં બત્રીસે કોઠે દીવા થઇ ગયા' : એ શબ્દ-રચનાની ને એ રૂપકની સચોટતા વિલક્ષણ છે.

'ધો..મ તડકો ધમી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાં અંગારા વરસે છે. ગુલાબનાં ફૂલ જેવાં પગનાં તળિયામાં ઝળેળા પડવા મંડ્યા, ગળે કાંચકી બંધાઇ ગઇ.'

શબ્દો વીણી વીણીને યોજેલાં આ મિતભાષી વર્ણનો આપણને લોકભાષાની કલામય સમૃદ્ધિનું ભાન કરાવે છે. અને જ્યાં જ્યાં એવાં ટૂંકાં ટૂંકાં વર્ણનોની વચ્ચે, અપવાદરૂપે, કોઇ રાજ-સભાનાં, ઝાડીનાં, સજેલી સુંદરીનાં, શસ્ત્રધારી શૂરવીરનાં, કોઇ યોગીનાં કે ગાંગલી ઘાંચણનાં લાંબાં વર્ણનો આવે છે, ત્યાં પણ એના બધા શબ્દાડંબરની અંદર, સજીવ ઝીણવટ, મસ્ત રૂપકો, પદ્યાત્મક ગદ્યના રણકારા અને તોલદાર શબ્દ-પ્રયોગો આપણને લોકવાણીની પ્રભુતાનું દર્શન કરાવે છે. એ વાતોમાં નથી 'કાદમ્બરી'ની એકધારી ક્લિષ્ટતા, નથી 'અરેબિયન નાઇટ્સ'ની નરી સાદાઇ, કે નથી પૌરાણિક અલંકારોનો ઠઠારો. એ તો નિત્ય નવલ છે, વિવિધતાથી ભરપૂર છે, સગવડ પ્રમાણેનાં ટૂંકાં કે લાંબાં સચોટ શબ્દચિત્રો છે.

એ સચોટતામાં પુરવણી કરનારા સ્વરપ્રધાન શબ્દો, જેવાં કે - મધરાતનાં ઘડિયાળાં ટણણન ટણણન : ઝળળળળ તેજનાં પ્રતિબિમ્બ કીચડૂક કિચડૂક હીંડોળા ખાટ : ઘરરરર આકાશને માર્ગે : ઝકાક, બકાક, ગમ ખરરર ઘોડો જાય છે : કડડડ મેડી હલબલી : ઝાળ ધરના જેવી દોમ દોમ સાયબી : એવા સ્વરપ્રધાન શબ્દો કંઠસ્થ વાર્તા-સાહિત્યની વાણીમાં શ્રાવણનો મહિમા પૂરે છે.


વસ્તુસંકલના

જેવી સજીવતા એના ભાષા-પ્રવાહમાં છે તેવી જ સ્વાભાવિક સચેતનતા એની વસ્તુ-સંકલનામાં ધબકારા કરે છે. ઘટનાઓની પરંપરા પૂરા વેગમાં ધસતી જાય છે. નવા ન ધારેલા છતાંયે પરસ્પર તદ્દન સ્વાભાવિક રીતે સંકળાયેલા પ્રસંગો એક પછી એક ફૂટતા જાય છે, ને આખરે તમામ છેડા એકમેકને મળી જાય છે. એમાં આલેખાયેલાં પાત્રો નિર્જીવ પૂતળાં નથી, એ તો ક્ષણે ક્ષણે જીવનના સાહસમાં ઝંપલાવનારાં, ઓછાબોલાં, હસતાં ને રડતાં, ભૂલતાં ને પસ્તાતાં, મૂંઝાતાં ને માર્ગ ઉકેલતાં જીવન્ત માનવીઓ છે. વાર્તાના વસ્તુ-ગૂંથણમાં મર્મ-કટાક્ષોનાં, બુધ્ધિચાતુરીના, ઠાવકાઇના સુંદર પ્રસંગોની ભાત ઊપડતી આવે છે. માટે જ એ આખો જાદુનો નહીં પણ જીવનનો પ્રવાહ છે. જાદુ તો માત્ર નદીના પ્રવાહને બન્ને કિનારે ઊગેલાં વૃક્ષો કે ગાયન ગાતાં નવરંગી પંખી કે સંધ્યા-ઉષાના ખીલતા રંગો જેવો જ ભાગ આ વાર્તાઓના કિનારા પર લઇ રહ્યું છે. પ્રવાહને એ શોભાવે છે, પોતાના પડછાયાથી રમ્ય બનાવે છે, પણ પ્રવાહને રોકતું નથી.

લોક-નીતિ

લોક-નીતિની કેટલીક ભાવનાઓ આ વાર્તાઓ પર અંકાયેલી છે. કસોટીના અગ્નિ સોંસરવી ચાલી જતી એ ફૂલવંતી લોક-નીતિની સાચી સીતા છે. પોતાના જ પ્રભાવ વડે રાજાને પરણાવનારો અને છેક શયનગૃહ સુધી જઇને મિત્ર રાજવીને બચાવનારો મનસાગરો લોકજીવનનો લક્ષ્મણજતિ છે. પ્રથમ દ્રષ્ટિએ જ પ્રેમ જાગ્યા પછી છ-છ મહિના સુધી એ પરદેશી સ્વામીના જાપ જપતી તેમ જ મિલાપ થયા પછી પણ સ્વયંવરે પરણતી પદ્માવતીમાં લોકદ્રૌપદીનાં પુણ્યદર્શન થાય છે. પોતાના વ્રત પૂરાં કરનાર બેપરવા વીરપુરૂષ વીરાજીની પાછળ એકલવાઇ અને ઉઘાડે પગે ચાલી નીકળનાર રજપૂત-પુત્રી પણ એ લોક-નીતિની પ્રતિનિધિ છે.


મુક્ત લહરીઓ

અને તેમ છતાં આ લોક-નીતિને ગૂંગળાવે તેવું પૌરાણિક પવિત્રતાનું આડંબરી વાતાવરણ આ કથાઓમાંથી બાતલ રહ્યું છે. બ્રાહ્મણોનાં ફરમાનો છૂટે તે પ્રમાણે અદબ વાળીને આ વીર-વીરાંગનાઓ નીતિની કવાયત નથી કરતાં. શિયળનાં ભાષણો નથી કરતાં, ઘૂમટા કાઢીને મોં નથી સંતાડતાં, પુરોહિતનાં મંત્રોચ્ચારની વાટ નથી જોતાં. વીરાજીની પાછળ રાજપૂતાણી કોઇની યે રજા લીધા વિના દોટ કાઢે છે, છલંગ મારીને એની પછવાડે ઘોડા પર ચડી બેસે છે. ધુતારાના ઘરમાં પોતાના ગાફલ પતિને ફિટકાર આપે છે. રાજસભામાં પતિ સામે અભિયોગ પોકારે છે; ને છતાં એટલી જ પતિપારાયણ બનીને લગનની પ્રથમ રાત્રીથી માંડીને છ છ મહિના સુધી એકલવાઈ નિર્જન રાત્રીઓ વિતાવે છે. પદ્માવંતી પણ પોતાની મુન્સફીથી જ પેલાં પ્રાચીન દેવળો પાસે સાંકેતિક સગપણ કરી લેવામાં પોતાના ધર્મનો લોપ નથી માનતી. કેમકે એનો ધર્મ કોઈ શાસ્ત્રાજ્ઞાઓમાં નથી, અંતરાત્માની અંદર છે. વીરત્વ એનો ધર્મ છે. વીરત્વને એણે કનકાવતી નગરી શોધી કાઢવાની કસોટીએ ચડાવ્યા પછી જ સ્વયંવર-લગ્ન કીધાં. એ જ રીતે એ સ્વામીભક્ત મનસાગરો -

नाहं जानामि केयुरम
नाहं जानामि कुण्डलम

એવો કશોય શ્લોક બોલવાને બદલે, પોતાના બાંધવને બચાવવા માટે છેક મિત્ર-દંપતીના શયન-ગૃહમાં સંતાઇને રાણીના ગાલ પરથી ઝેર ચૂસવા જેટલો શાસ્ત્ર-નીતિનો લોપ દાખવે છે, છતાં એની આંતરિક નીતિ ઉજ્જવલ રહે છે. માતાને શરીરે સ્પર્શનાર બાળકનો જ એ મધુર ભાવ હતો.

નીતિની એવી ઉન્મુક્ત, સુગંધમય, નિર્મળ લહરીઓ લોક-જીવનમાં વાતી હતી. જીવન સ્વાભાવિક માનવ-ધર્મની સુવાસે મહેકતું હતું, શાસ્ત્ર-ધર્મના તાપથી કરમાતું નહોતું. સાત સમુદ્રો વીંધીને દેશાટન કરનારા ફૂલસોદાગરની સાહસિકતાના સરજનહાર એ યુગને 'સમુદ્ર ઉલ્લંઘન મહાપાપ'ની પંડિત-સત્તા હજુ પહોંચી નહીં હોય. મનુષ્યો સાહસિકતાની છલાંગો ભરતાં હશે.

એટલા પ્રાચીન સમયથી ચાલી આવતી, અને શાસ્રજ્ઞાઓના વિધ-નિષેધોથી મુક્ત જીવનનું પ્રતિબિમ્બ પાડતી આ વાર્તાઓ, માતાઓએ કહી ને પુત્રીઓએ સાંભળી, વૃદ્ધોએ કહી ને યુવાનોએ સાંભળી. કોઈએ કશો યે સંકોચ નથી અનુભવ્યો. હંસારાજા ફૂલસોદાગરને વૈશાખી પૂર્ણિમાએ એની સ્ત્રી પાસે એક પહોર રાત્રી ગાળવા લઇ ગયો, કે ફૂલવંતીનું હૈયું ઉત્તર દિશામાં ઊઘડતાં જ એનાં થાનેલાંમાંથી દૂધની ધારા વછૂટી, કે રાજા-રાણીની છેલ્લી ઘાત વેળાની જે શયન-ગૃહની ઘટના બની, એવી એવી વાતોમાં લોક-નારીઓએ કૃત્રિમ લજ્જા નથી બતાવી. એનાથી આપણી માતા-બહેનો ભડકીને ભાગેલી નથી. કેમકે એ પ્રસંગો કાં તો માતૃત્વના છે, છે કાં નિર્દોષ દામ્પત્યના છે. અને શૃંગારના હોય તોપણ એ શૃંગાર જીવનના સાચા સ્વાભાવિક અંશરૂપ હતા.


વાનગી

કલ્પનાને રમાડતી, બલિદાનને પ્રબોધતી, સાહસ, શૌર્ય ને શિયળના લોક-આદર્શો ઊભા કરતી, અને કલાવિધાનથી વિભૂષિત આવી રૂપકથાઓનો મોટો ખજાનો આપણા સૌરાષ્ટ્રના કોઇકોઇ વૃધ્ધ દાદાજીઓની સ્મૃતિઓનાં ખંડેરો નીચે દટાયેલો પડ્યો છે. કૈં કૈં નવી નવી ઘટનાઓનાં એમાં ગૂંથણકામ છે. એનો લોપ થઇ જવાને હવે ઝાઝી વાર નથી. એના ઊંડાણમાં આપણો વાચક-વર્ગ કેટલો ઉતરી શકે છે તે માપવા આટલા નમૂનાઓ આજે રજૂ થાય છે. આપણા કંઠસ્થ સાહિત્યમાં આ સહુથી પહેલો પ્રયાસ છે. વિક્રમ રાજાની વાતો પણ સોરઠી શૈલીમાં ને સોરઠી ભાવોમાં રંગાઇને બીજે બહાર નથી પડી.


બંગાળી રૂપકથાઓ

બીજા પ્રાંતો પૈકી બંગાળાએ તો પોતાની રૂપ-કથાઓને સાંગોપાંગ હાથ કરી લીધી છે. એ કથાઓનાં નિરનિરાળાં પાઠાન્તરોના કંઇ નહિ તો દસેક સંગ્રહો ત્યાં બહાર પડી ગયા છે. અને 'દાદાજીની વાતો' માફક, અસલી દાદાશૈલીને આબાદ સ્વરૂપે રજૂ કરનારો સંગ્રહ 'ઠાકુરદાર્ ઝુલી' નામનો ગણાય છે.

આટલું જ બસ નથી. આ રૂપકથાઓનું સાચું મૂલ્ય તો બંગાળાએ સંશોધનશાસ્ત્રની દુનિયામાં મૂલવ્યું છે. કલકત્તા યુનિવર્સિટીએ રાય બહાદુર દિનેશચંદ્ર સેનને 'ડૉક્ટર ઑફ લિટરેચર'ની પદવી એનાયત કરીને, 'રામમરતન લાહિરી ફેલો' તરીકે બંગાળાનું લોક્સાહિત્ય વિવેચવા માટે નિયુક્ત કરેલા છે. એ વિદ્વાને આ રૂપકથાઓ ઉપર રસની, સાહિત્યની, જીવનની અને પુરાતત્ત્વની દ્રષ્ટિએ જે તલસ્પર્શી વ્યાખ્યાનો અનુસ્નાતક વર્ગની આપેલાં હતાં, તે વ્યાખ્યાનો 'ધ ફૉક લિટરેચર ઑફ બેંગાલ' નામના પુસ્તકરૂપે કલકત્તા યુનિવર્સિટીએ પ્રગટ કરેલાં છે. બંગાળી રૂપકથાઓનો સંગ્રહ અને આ પુરાતત્ત્વની મીમાંસા વાંચતાં જ્ઞાન થયું કે બંગાળમાં પણ આ-ની આ જ કથાઓ, કેટલાક પ્રાંતોચિત્ત પ્રસંગાન્તરો સાથે જન્મ પામી છે, અને જનતાની નસોનાં રૂધિરમાં રેડાઇ ગઇ છે. બંગાળી રૂપકથાઓ કંઇક વધુ વિશુદ્ધ, વિપુલ વસ્તુભરી, અને શુધ્ધ સંસ્કારોથી સોહામણી ભાસે છે. 'ફૂલસોદાગર'ની આપણી રૂપ-કથા મને અપૂર્ણ લાગવાથી બંગાળી 'શંખમાલા'ની ઘટનાઓ મેં આંહીં અપનાવી લીધી છે. એટલું જ બસ નથી. આ મીમાંસાકાર તો અંગ્રેજી રૂપકથાઓ ટાંકી ટાંકીને પૂર્વ-પશ્ચિમની આ દૌલતને એક જ સ્થળેથી ઉદ્ભવેલી બતાવે છે. અને એ તો બાહ્ય તેમ જ આંતરિક એવા અનેક જાતના પુરાવાઓનું દોહન કરીને એટલે સુધી સિદ્ધ કરે છે કે બંગાળાની જ આ રૂપકથાઓ, પ્રાચીન કાળમાં પરદેશ ખેડતાં આપણાં જહાજોમાં ચડીને, આપણાં મલમલ કે મશરૂની સાથે જ દેશવિદેશને કિનારે ઊતરી - એટલે કે ખલાસીઓની જીભેથી કહેવાઇને પરદેશીઓને કાને પડી, તેમાંથી એ વાર્તાઓએ ત્યાંના યુરોપી સ્વાંગ સજ્યા ને પછી 'ગ્રિમ બ્રધર્સ ટેઇલ્સ'ને નામે પ્રગટ થઇ યુરોપી રમણીઓ બની પાછી હિન્દમાં આવી!

ઝવેરચંદ મેઘાણી