← પ્રકરણ-૧.૭ દિવાસ્વપ્ન
પ્રકરણ-૧.૮
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૧.૯ →


: ૮ :

સભા ભરાઈ. આને સભા કહેવી કે કેમ ! ચાળીશ માબાપોને આમંત્રણ કર્યું હતું ત્યારે સાત પિતાઓ આવેલા હતા. મારી નિરાશાનો પાર ન હતો. મેં તો ભાષણ માટે સરસ તૈયારી કરી હતી. પણ મેં ઝુકાવ્યું. મને થયું કે આપણું કામ પ્રયત્નનું છે. ભાષણનો પણ આ અખતરો !

ઘણી ગંભીરતાપૂર્વક એક કલાક સુધી મનનીય ભાષણ કર્યું'. સાત જણમાંથી એકને ઘેર જવાનું તેડું આવ્યું ને તે ગયા; બીજાઓ મહા કંટાળે તે સાંભળી રહ્યા હતા. પણ મારા મુદ્દાઓ અગત્યના હતા ને તે તેમને સમજાવવા જ જોઈએ.

મેં તેમને ખરું ભણતર અને ખોટું ભણતર એનો તાત્ત્વિક ભેદ ઝીણવટથી બતાવ્યો. મેં તેમને આધ્યાત્મિક ઉન્નતિ અને સ્વચ્છતા સાથેને સંબંધ સમજાવ્યો. મેં તેમને રમત અને ચારિત્ર્યગઠનની સાંકળ સાંધી આપી, મેં તેમને અંદરથી આવતા સાચા નિયમનનો મહિમા અને કિંમત કહી. આજની શાળાની શિક્ષણપદ્ધતિ અને નિયમનને વખોડી કાઢ્યાં.

પણ આ હતું તુંબડીમાં કાંકરા જેવું. બિચારા બેપાંચ જણા શરમેભરમે આવેલા, તેઓ ઊઠું ઊઠું થતા હતા; ને ભાષણ પૂરું થયું એટલે ઉતાવળથી ઘર તરફ ચાલ્યા ગયા.

અમે શિક્ષકો ને ઉપરી સાહેબ પાછળ રહ્યા. ઉપરી સાહેબે જરા હસીને કહ્યું: “ લક્ષ્મીરામભાઈ, આ તો ભેંશ આગળ ભાગવત ગાયું ! આ તમારી ફિલસુફી કોણ સમજે !”

પાછળથી કોઈ શિક્ષક હળવેથી બોલ્યા: “ વેદિયો !”

મને સારું ન લાગ્યું પણ ગળી ખાધું; અને મને ખાતરી પણ થઈ કે “હું હજી વેદિયો તો છું જ; મને હજી સાધારણ લોકો પાસે કેવું ભાષણ કરવું જોઈએ તેની પણ ગમ નથી.”

શિક્ષકો હસતા હસતા ઘેર ગયા.