← પ્રકરણ-૩.૩ દિવાસ્વપ્ન
પ્રકરણ-૪.૧
ગિજુભાઈ બધેકા
૧૯૪૨
પ્રકરણ-૪.૨ →


ચંપકલાલ કહે: “એ બધું ઠીક છે. પણ એ એને પાલવે. પૈસાની ચિંતા નહિ અને પરિણામની પરવા નહિ. અખતરો નિષ્ફળ થાય તો એને કયાં નાહવા જવું છે!”

વેણીલાલે કહ્યું: “ ભાઈ, અખતરાફખતરા કયાં કરીએ ! એ તો નવરાશ જોઈએ. આવું બધું વિચારવાનો અને તૈયાર કરવાનો વખત કોની પાસે છે ! આપણે તે ટ્યુશન કરવાં, કે ઉપરી સાહેબ પાસે સાંજની હાજરી ભરવી, કે ઘરનાં છોકરાંછૈયાં સાચવવાં, કે નાતજાતમાં રહેવું, કે કરવું શું ! આ તો રહ્યા ફક્કડરામ તે એને પોસાય.”

હું આખરે બેલ્યો: “જુઓ ભાઈઓ, પ્રાથમિક શિક્ષણમાં આથી યે વધારે શક્ય છે. આજનું પ્રાથમિક શિક્ષણ કેવળ બદલાઈ જાય તેટલું બધું શક્ય છે. પણ વાત એમ છે કે એ બદલવા પાછળ માણસ જોઈએ છે. દુનિયાનું અને પૃથ્વીનું આખું પડ પહેલાં હતું તેથી આજે જુદું છે પણ તે માણસોએ ફેરવ્યું છે. માણસમાં ધગશ જોઈએ, આત્મવિશ્વાસ જોઈએ, અહાર્ય નિષ્ઠા જોઈએ. બાકી અંગ્રેજી ભણવાથી અખતરા વધારે સારા થાય એવું કાંઈ નથી. એ તમારો લૂલો બચાવ છે. તમારે જ્યારે કાંઈ કરવું ન હોય ત્યારે આ બહાનું છે, ખરી વસ્તુ હૈયાઉકલત છે, અને તે તો કોઈ વસ્તુ માટે બળી રહેલા આપણા આત્મામાંથી આવે છે. વળી ચંપકલાલભાઈ, પરિણામની ચિંતા તો અખતરા કરનારને હોય તેટલી બીજા કોઈને ન હોય. તમે તો પગારના વધારા માટે સારું પરિણામ માગો છો; પણ મારે તો સફળતા ન મળે તો બીજો અખતરા કરવાની જગા ન રહે ! વળી મારી નિષ્ફળતા ભાવી અખતરા કરનારાઓની આડે આવે. મારે વેણીભાઈને કહેવું જોઈએ કે ભાઈ, નાતજાતમાં હરવાફરવા અને ફડાકા મારવા ક્યાં ઓછી નવરાશ છે ! વળી ઉપરી સાહેબને ત્યાં ખાસડાં ઘસવાને કોણ કહે છે ! ઉપરીને સાચું કામ આપીશું તો ખુશામત નહિ કરવી પડે. કામ ન આપે તે ખુશામત કરે ! ને નિશાળમાં સારું ભણાવીશું તો ટ્યુશન લેવાની કોને જરૂર રહેશે ! એ તો આપણે શાળામાં ન ભણાવીએ એટલે ટ્યુશનની ગરજ ઊભી થાય છે.”

શિવશંકર વચ્ચે બોલ્યાઃ “પણ ભાઈ, પગાર ઓછો મળે તેનું શું ! તમને તો મોં-માગ્યા પગાર મળે છે; પણ અમારે ક્યાં જવું !”

મે કહ્યું: “તમે પગાર માગો એટલે તમને પણ મળશે.”

વિશ્વનાથ કહેઃ “ખરી વાત; પગારને બદલે નોકરીમાંથી ધક્કો મળે !”

મે કહ્યું: “બધા શિક્ષકો વધારે પગાર માગે તો જોઈએ કેટલાકને ધક્કો મળે છે ! વળી હું તો કહું છું કે ધક્કો મળે તે પહેલાં તમે જ શા માટે નીકળી નથી જતા ! જરા બેપરવા થતાં શીખો. હું બેપરવા છું એમાં મારું ચાલે છે.”

ભદ્રશંકરે કહ્યું: “ ભાઈ, મમ્ મમ્‌ નું શું?”

મેં કહ્યુંઃ “મમ્ મમ્ ? હિંમતે મરદા તો મદદે ખુદા. ધંધા ક્યાં ઓછા છે ! હું તો ઝાડુ વાળીને પણ પેટ ભરું; પણ તમારા જેમ અધ-ભૂખ્યો રહું નહિ. આ કાંઈ તમારા પગાર કહેવાય !”

વિશ્વનાથ કહે: “ભાઈ, એકને બદલે અઢાર જણ અમારી જગા પૂરવાવાળા છે, તમને ક્યાં ખબર છે !”

મેં કહ્યું: “આપણે તેમના આડા ઊભા રહીએ. આપણે તેમને આપણો ચાર્જ આપીએ તો ને ! વળી નવો ચાર્જ લેવા દઈએ તો કે ! એ તો એક વાર શાળા ફરતા રાતદિવસ ચોકી ભરીએ; પણ જે ખાડામાં આપણે પડ્યા છીએ તે ખાડામાં બીજાને કેમ પડવા દઈએ ! તેમને પગે પડીને કહીએ: 'ભાઈ, ધંધો શોધે. આ ભૂખમરામાં ન આવે; આ ખુશામતખાતામાં ન આવે; આ એદીખાનામાં ન આવે.”

પછી તો કેટલી યે વાતો ચાલી. મેં બધા શિક્ષકોમાં ઉત્સાહ જોયો. મને લાગ્યું કે જૂની ઘરેડની ગુલામીના મૂળમાં ચિનગારી લાગી ગઈ છે.