← વિચિત્ર વેચાણ દીવડી
જાતશત્રુ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
ડુંગરિયે દવ →






જાતશત્રુ

અજાતશત્રુની કલ્પના તો સમજાય એવી છે. હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, ગાંધીજી જેવા મહાપુરુષોને માટે તો કોઈ શત્રુ જન્મતો જ નથી,એટલે એવી વિરલ વ્યક્તિઓ અજાશત્રુને નામે ઓળખાય.

પરંતુ આપણા જેવી સામાન્ય વ્યક્તિઓની ઝેરભરી નજરે તો ચારે બાજુએ દુશ્મનો જન્મેલા દેખાય છે, જે આપણું જીવન, સવાર, બપોર, સાંજ અને રાત ઝેર બનાવી દે છે અને તેમાં ય જ્યારે આપણે આપણી જાતના દુશ્મન હોઈએ છીએ ત્યારે તો આપણા દુઃખનો અવધિ આવતો નથી. દુઃખમાં અને દુઃખમાં રાખી આપણને મારનાર આપણો દુશ્મને આપણે પોતે જ હોઈએ છીએ. જેની જાત જેનો દુશ્મન હોય એવા અસંખ્ય માનવીઓને જાતશત્રુ કહેવા ઠીક છે. નેવું ટકા માનવીઓ જાતશત્રુ હોય છે.

હું ખરેખર બહુ દુઃખી હતો. પિસ્તાળીસ વર્ષે તો મને લાગ્યું કે મારું જીવન આમ ને આમ દુ:ખમાં વીતી જશે તો મારે જરૂર આપઘાત કરવો પડશે. એક દિવસ મધરાતે પડતું નાખી મારા દેહનો અને મારા દુઃખનો અંત લાવવા હું અગાશીમાં ગયો અને રાત્રિની નિઃશબ્દ શાંતિ પડતું નાખવા મને પ્રેરી રહી. મેં ઊંડા આકાશમાં નજર કરી અને તકતકતા હસતા તારાઓ નિહાળ્યા. જાણે એ મને કહેતા ન હોય : 'હા, હા, પડ ! માર કૂદકો ! તારા જેવા કંઈક માનવીઓએ ઊંચાઈથી કૂદી પડી પોતાનાં દુઃખ-દર્દ મિટાવી દીધાં છે.'

મારાથી ગુસાના આવેશમાં તારાઓ સામે જ બોલાઈ ગયું :

'તો હરામખોર ! તમે કેમ પડતા નથી? યુગયુગથી ઉપર રહ્યા રહ્યા સહુને હસ્યા કરો છો તે !'

જવાબમાં તારાઓએ મારી સામે આંખ મીંચકારી અને મને હસી કાઢ્યો. જાણે તેઓ મને કહેતા હોય કે જેને દુઃખ હોય તે મરે ! ચમકતા, હસતા, તેજ:પુંજ સરખા તારાઓને હજી કંઈ દુ:ખ પડ્યું જાણ્યું નથી.

એકાએક મારી પાછળ એક માનવ સાદ મેં સાંભળ્યો :

‘પણ તમને દુ:ખ શું છે? આમ સૂતા કેમ નથી ? રાતની રાત જાગો છો !'

મારી પત્નીનો એ સાદ હતો. એ સાદ હવે મને બહુ જ અણગમતો બની ગયો હતો. પાછા ફરી મેં જવાબ આપ્યો :

'તારે મને સુખે મરવા દેવો પણ નથી; ખરું ?'

'પણ એવું છે શું કે તમારે એવો વિચાર સુધ્ધાં કરવો પડે ? સારી આવક છે, કુટુંબ છે, છૈયાં છોકરાં છે...'

'એ બધાં ય મારાં દુશ્મન છે, અને તું પણ મારી દુશ્મન છે.' મેં કહ્યું. અને મારી પત્નીની આંખમાંથી મોતીની સેર સરખાં આંસુ વહી રહ્યાં.

વર્ષો પહેલાં અમારા લગ્નનાં બેત્રણ વર્ષની જ સીમામાં કોઈ કારણસર મારી પત્નીની આંખમાં આંસુ ઉભરાયેલાં, મારું કાળજું ચિરાઈ ગયેલું, અને મેં એ પ્રસંગ ઉપર એક કવિતા લખી કાઢેલી; એ કવિતા મેં પ્રસિદ્ધ કરી ત્યારે તેનાં બહુ વખાણ પણ આવ્યાં હતાં. વર્ષો વીત્યાં હતાં છતાં મારી પત્નીનું રૂપ ખાસ બદલાયું ન હતું. એની વાણીમાં એની એ જ ઋજુતા હતી, એની આંખોમાં એનો એ આર્જવ હતા, અને મારે માટેની એની કાળજી પહેલાં હતી એના કરતાં તો વધી ગઈ હતી.

પરંતુ એ જ મારા દુઃખનું કારણ હતું. શરૂઆતમાં તો તેનું રૂપ મને ગમતું, પરંતુ ધીમે ધીમે હું જોઈ શક્યો કે એનું રૂપ બહુ માણસોને આકર્ષતું હતું. રસ્તે સાથે જતાં હોઈએ ત્યારે ચારે પાસથી તેની તરફ નજર દોરાતી ! મારા ઓળખીતાઓ મને સલામ કરવી ભૂલી જઈ મને ઉવેખી તેને જ નિહાળતા હતા ! અને મારાં લગ્ન પછી મારા મિત્રોએ મારે ત્યાં વધારે આવવા માંડ્યું ! એનું મુખ્ય કારણ મારી પત્નીને નિહાળી તેની સાથે વાત કરી આનંદ મેળવો એ જ હોઈ શકે ! આ મારું પ્રથમ પરમ દુ:ખ !

હું પત્નીને કહેતો :

'તું કેમ બધાને તારી સાથે વાતો કરવા દે છે? '

મને જવાબ મળતો :

'એમાં હું શું કરું ? તમારા જ મિત્રો અને ઓળખીતાઓ આવે છે અને વાતો કરે છે; તમે જ એમને રોકો ને ?'

નૂતન યુગમાં મિત્રો પરસ્પરની પત્નીઓ સાથે વાત કરતાં રોકાય એમ નથી. એટલે મારાથી કાંઈ બનતું નહિ, અને હું દુઃખી થયા કરતો અને મારી પત્નીનું રૂપ જોઈ બળ્યા કરતો. મને તેના રૂપનો પણ અણગમો આવવા માંડ્યો ! એના કરતાં પત્ની રૂપાળી ન હોત તો સારું થાત એમ પણ મને લાગવા માંડ્યું.

અલબત્ત, પછી તો હું પિતા બન્યો. એક, બે, ત્રણ, ચાર બાળકો પણ થયાં; અને મારા ઘરની શાંતિનો ભંગ થવા માંડ્યો. હું છાપું વાંચતો હોઉં અને બાળકો લડી ઊઠે અને રડી ઊઠે ! બલ્ગેરિયા અને તુર્કી વચ્ચેની લડાઈ વાંચવાથી મને શો ફાયદો થવાનો છે કે તે બન્ને દેશોને શું ફાયદો થવાનો છે એ પ્રશ્ન આપણે વર્તમાનપત્ર વાંચતી વખતે કદી કરતા નથી, છતાં વર્તમાનપત્રના વાચનનો રસ જીવનનો એક મહારસ છે; અને એમાં બાળકો ખલેલ પહોંચાડે એ અસહ્ય બની જાય છે. હું ગુસ્સાથી બૂમ મારતો :

'આ તારાં બાળકો બહુ જંગલી છે!'

'કેમ, શું થયું ? શું કરે છે બાળકો ?'

'જો ને, આ કેટલો ઘોંઘાટ કરે છે ? એક ઘડી જંપીને પેપર વાંચવા દેતા નથી.'

'બાળક છે, રડે પણ ખરાં ! અને ધાંધલ પણ કરે. જરા રમાડો તો ખરા કો'ક કો'ક દિવસ !'

પરંતુ બાળકો કરતાં વર્તમાનપત્ર મને વધારે વહાલું હતું એટલે બાળકો અને બાળકોની માતા પ્રત્યે મારો કંટાળો વધતો જતો હતો. બાળકો આમ નિત્યક્રમમાં ખલેલ પહોંચાડે; ઉપરાંત ઊંઘમાં પણ તેઓ ખલેલ પહોંચાડે ! શાન્ત, સ્વસ્થ નિદ્રા આવતી હોય, અને તેમાંથી હૃદયના ધબકારા વધારી દેતી ચીસ પાડી આપણને બાળકો જગાડે, એ બાળકો આપણને કેટલાં વહાલાં લાગે? અને બાળકોની માતાને તો જીવનમાં બાળકો સિવાય બીજું કંઈ જ હોય નહિ ! — મારી પત્નીની માફક સારું ભણેલી માતા હોય તોપણ ! બાળકનું રુદન એ માતાને મન વિશ્વયુદ્ધ જેવો મહત્વનો બનાવ ! બાળક કેમ રડ્યું ? તેને શું થયું હશે ? તેને શું જોઈતું હશે? એની ધમાલમાં એ આખી દુનિયાને વીસરી જાય. અને દુનિયા સાથે પોતાના પતિને પણ ! મિત્રોએ મારી પત્ની તરફનો મારો અણગમો ઊભો કર્યો હતો, એમાં બાળકોએ જન્મી એ અણગમામાં વધારો કર્યો.

બાળકો કંઈ સતત બાળકો રહેતાં નથી. બાળક જેમ જેમ મોટાં થતાં ગયાં, તેમ તેમ મને લાગવા માંડ્યું કે બાળકો બાલ્યાવસ્થામાં જ રહ્યાં હોત તો વધારે સારું ! બાળકોને શાળામાં મૂકો, તેમને માટે પુસ્તકો મંગાવો, તેમના અભ્યાસ અને વર્તન ઉપર દેખરેખ રાખો, ઝડપથી વધતા તેમના દેહ માટે છ છ મહિને અને વષે વર્ષે કપડાં સિવડાવો. તેમની છબીઓ પડાવો, તેમને સિનેમા-સરકસ દેખાડો, શાળામાં શિક્ષકો ન શીખવે એ પાછું ઘેર શીખવો, તેમને સદ્વાચન તરફ દોરો, પ્રેમનાં અને જાતીય વિજ્ઞાનનાં ચારે પાસ ઊભરાતાં પુસ્તકો તેમના હાથમાં ન જાય એવી વ્યૂહરચના કરો; અને અંતે બાળકો સોળ કે અઢાર વર્ષનાં થાય ત્યારે તેમને યોગ્ય પતિ-પત્ની શોધી આપો ! આવાં આવાં ભયંકર જવાબદારીવાળાં કામોએ મારા જીવનને ઝેર બનાવી દીધું અને આફતોનાં વધતાં જતાં પોટલાંરૂપ બાળકો આપનારી માતા પ્રત્યેનો મારો અણગમો વૈરવૃત્તિ ધારણ કરી રહ્યો.

સવારથી સાંજ સુધીમાં જ્યારે જયારે હું ઘરમાં આવું ત્યારે બાળકોને સ્વચ્છ અને સભ્ય રહેવાનો શું મારે બોધ કર્યે જ જવાનો ? કંઈ મળવા આવે ત્યારે દોડાદોડ અને હસાહસ ન કરવાની શું મારે નિત્ય શિખામણ આપવી ? છાનામાના સિનેમા જોઈ ભ્રષ્ટ ચારિત્ર્યવાળાં બાળકો ન બને એને માટે શું મારે તેમની ચોવીસે કલાક ચોકી કરવાની? કહ્યા વગર રમવા ચાલ્યાં જાય અને દીવા થતાં સુધી ઘરમાં ન આવે એવાં બાળકોને શું હું ધમકાવી પણ ન શકું? કે ધોલ પણ ન મારી શકું ? બાળકોનું સતત ઉપરાણું લેતી બાળકોની માતા પ્રત્યે હવે તો હું નજર નાખતાં પણ ઊકળી ઊઠતો !

હું જોઈ શક્યો કે ધીમે ધીમે બાળકો મારાથી સંતાતાં ફરતાં હતાં. હું બોધવચન કહું ત્યારે તેઓ ઊંઘરેટાં દેખાતાં હતાં, અને હું ઠપકો આપું ત્યારે હું જાણે તેમનો દુશ્મન હોઉં એવી લુખાશ હું તેમની આંખમાં નિહાળતો હતો. એક ચારિત્ર્યવાન, ફરજની ભાવનાથી પ્રેરિત વત્સલ પિતાને બાળકનું આ વલણ કેટલું દુ:ખભર્યું થઈ પડતું હશે તે મારા સરખો પિતા જ જાણી શકે ! ઘરમાં બાળકોને તો એમ જ લાગતું કે પિતા નહિ પણ એક રાક્ષસ છું, તેમનો પોષણહાર નહિ પણ તેમનો દુશ્મન છું. હું ઘણી વખત બૂમ મારતો કે બાળકો મારી સાથે ચા કેમ પીતા નથી, મારી સાથે જમતાં કેમ નથી, મારી સાથે વાતો કેમ કરતાં નથી, મારી પાસે આવી બેસતા કેમ નથી. સતત મારી સામે આવ્યા કરતી મારી પત્ની જવાબમાં એટલું જ કહેતી :

'હશે ! બાળકો છે. તેમનું મન હોય તે ભલે કરવા દો.'

'પણ તું જાણે છે, એથી એ બાળકોને કેટલો ગેરલાભ થાય છે તે ? સુરેન્દ્ર અરધો કલાક મારી પાસે બેસતો હોત તે જરૂર ફર્ટ કલાસમાં પાસ થાત, અને વીણા ગમે તેવી ચોપડીઓ વાંચી કવિતા લખતી થઈ ગઈ છે, તે સારી જગાએ પરણી જાત !' ગુસ્સે થઈ દલીલ કરતો.

પત્ની પહેલાં તો આવી દલીલના જવાબ આપતી; પણ છેલ્લે છેલ્લે એણે પણ જાણે મારી સાથે અબોલા લીધા હોય એમ એ અત્યંત થોડું જ બોલતી અને મારા ઘણાખરા પ્રશ્નોના જવાબ વાળતી જ નહિ. હું સહજ કહેવા જાઉં એટલે તે તરત રડતી અને નાસતાં-ફરતાં બાળકો મને જોતાં ત્યારે એક રોગ તરફ જોતાં હોય એમ ઘૃણા તેમની આંખમાં મને દેખાતી. હું આપધાત ન કરું તો બીજું શું કરું ? અગાશીમાંથી નીચે પડવું સહેલ હતું.

પરંતુ મારી પત્ની અત્યારે મને સુખ મેળવતાં રોકતી હતી. એક વખત મોતી સરખાં લાગતાં તેનાં આંસુ અંગારારૂપી બની ગયાં હતાં. મેં કહ્યું :

'તમને સ્ત્રીઓને ઠીક રડી રડીને દબડાવવાની કળા આવડી ગઈ છે ! શા માટે મારી પાછળ તું અગાશીમાં આવી ?'

'હું તો તમે જ્યાં જશો ત્યાં આવવા માટે સર્જાયલી છું.' રડતી પત્નીએ જવાબ આપ્યો. 'દોઝખમાં પણ આવીશ?'

'હા ! પણ તમારે દોઝખને યાદ કરવું શા માટે પડે ? તમને ઊંઘ આવતી નથી એ જાણી હું તમારે માટે કોકોનો પ્યાલો કરી લાવી છું. ચાલો અંદર અને પી લો.'

આ દુશ્મન પત્ની મને કોકો પાયા વગર મરવા દેવાની નથી, એવી ખાતરી થતાં અગાશીમાંથી હું અંદર મારા સૂવાના ખંડમાં આવ્યો. ખંડ બહુ સુંદર રીતે શણગારાયેલો હતો એવું મારું વર્ષો પહેલાનું માનવું હતું. ઓરડો એનો એ જ હતો; એમાં એનો એ જ શૃંગાર હતો; એની એ જ પત્ની એમાં હતી. છતાં એ શયનગૃહ મને અકારું થઈ પડ્યું હતું. હું અત્યંત ચારિત્ર્યનિષ્ઠ હોવાથી, નીતિનો પરમ નમૂનો બનવા મંથન કરતો હોવાથી, હું અન્ય રૂપવંતી સ્ત્રીઓ તરફ નજર પણ નાખતો નહિ. સૌંદર્યસંપન્ન અન્ય જોડકાંને હસતાં રમતાં જોઈ હું દાઝી ઊઠતો. આમ ઉપરથી કોઈને લાગે નહિ, કઈ માને નહિ, છતાં હું બાળકોથી, પત્નીથી, જગતથી, અને મારી જાતથી પણ કંટાળી ગયો હતો. કમનસીબે કોઈક દર્દ અગર રોગ આવીને પણ મારા જીવનમાં ભાત પાડતાં નહિ ! શરીરની તંદુરસ્તી મને માંદગીનો શોખ પણ ભોગવવા દેતી નહિ.

શયનખંડમાં આવી એક ખુરશી ઉપર બેસી પત્નીએ આપેલ કોકોનો પ્યાલો મેં ધીમે ધીમે પીવા માંડ્યો અને મારી નજર સામે એક અત્યંત બદસૂરત, વિકરાળ ભૂત આવીને ઊભું રહ્યું હોય એમ મને લાગ્યું ! એની આંખ બિહામણી હતી; એના મુખની રેષાઓમાંથી કટુતાના ફુવારા ઊડતા મને દેખાયા; એના કપાળની કરચલી જાણે શોકને આમંત્રણ આપતાં તોરણ હોય એવી મને દેખાઈ. હું ચમક્યો. મને સહજ બીક લાગી એમ કહું તો ચાલી શકે. આવા ભયંકર દેખાવની છબી શા માટે મારી પત્નીએ મારા જ શયનખંડમાં લાવીને મૂકી હશે ? કોકોનો પ્યાલો મેં ટિપાઈ ઉપર મૂકી દીધો, અને અત્યંત ગુસ્સે થઈ મેં પત્નીને પૂછ્યું : 'આ કોની છબી લાવીને મૂકી છે? કોને બિવડાવવા ?'

સહજ હસી મારી પત્નીએ કહ્યું :

‘એ તો આયનો છે ! એમાં કોઈની યે છબી નથી. જે સામું જુએ તે દેખાય.'

એક વીજળીનો ધક્કો મારા મગજને વાગ્યો. હું શું આવો ભયંકર દેખાઉં છું? મારું મુખ આવું વિકૃત બની ગયું છે? બાળકો અને કિશોર સંતાનો મારાથી ભાગે એમાં નવાઈ ન કહેવાય – જો મારું મુખ આયનામાં દેખાય છે એવું સૌને દેખાતું હોય તો ! મારા ઉપરી અને મારા હાથ નીચેનાં માણસો પણ મારા મુખ સામે કેમ જોતા નથી અને મારો કંઠ સાંભળવા કેમ તૈયાર નથી એનું પણ રહસ્ય મને સમજાયું. મારું જ મુખ ભયંકર બની ગયું છે ! મને જ એની બીક લાગી. એ કેમ આવું કુરૂપ બન્યું હશે ?'

'ભદ્રા ! મારું મુખ શું આવું ભયંકર છે?'

મારી પત્ની એકાએક મારી સામે જોઈ રહી. ફરી તેની આંખમાંથી આંસુ ખરેખર સરી પડ્યાં, અને તેણે કહ્યું :

'કેટલે વર્ષે તમે મને મારું નામ દઈને બોલાવી ! મુખ તો એવું રૂપાળું હતું ! પણ કોણ જાણે કેવો સ્વભાવ કરી નાખ્યો છે કે સ્વભાવ જ મોં ઉપર આવીને બેસી ગયો !'

આટલું કહી તે મારી પાસે આવી ઊભી રહી. મારે ખભે તેણે હાથ મૂક્યો, ટિપાઈ ઉપર પડેલો પ્યાલો તેણે હાથમાં લઈ મારા મુખ સામે ધર્યો, અને આંસુભરી આંખે હસીને મને કહ્યું :

'આજ તો હું જ મારે હાથે તમને કોકો પાઈશ.

એક ઘૂંટડો ભરી હું સહજ હસ્યો, અને એકાએક મારી પત્નીએ કહ્યું :

'જુઓ, જુઓ ! કેવું રૂપાળું મોં હવે લાગે છે? ” અને મેં આયનામાં જોયું. હું બહુ વર્ષે હસ્યો, નહિ ? મુખ ઉપરની મને બિવરાવતી કેટકેટલી ભયંકરતા ઓછા હાસ્યથી દૂર થઈ ગઈ? હું હસી શકતો ન હતો. મને, મારા ગૃહને, મારી દુનિયાને, અને મારી ફરજને અતિ ગંભીરતાપૂર્વક, બ્રહ્માંડના ભાર તરીકે ઊંચકીને હું ફરતો હતો, જેમાંથી મેં હાસ્યને, હળવાશને ટાળી કાઢ્યાં હતાં. શું હુ જ મારો દુશ્મન હતો ?

એ રાત્રે એક પણ કટુ શબ્દ મેં મારી પત્નીને કહ્યો નહિ. તેની એક પણ ફરજ મેં તેને સમજાવી નહિ. અને ખરેખર મને બહુ સુખમય નિંદ્રા આવી, જે મને વર્ષોથી આવતી ન હતી.

પ્રભાતમાં ઊઠી મેં મારી પત્નીને આજ્ઞા કરી કે સહુ એ મારી સાથે બેસીને તે દિવસથી ચા પીવાની છે. જે ઢબે મારાં જ સંતાનો મારી આજ્ઞા માનીને બીતાં બીતાં મારી પાસે આવીને ચા પીવા લાગ્યાં તે ઢબ જોઈ મને હસવું આવ્યું, અને મને હસતો જોઈ બાળકોને પણ નવાઈ લાગી. મેં પણ હસતાં હસતાં બાળકોને કહ્યું:

'હવે તમારો દુશ્મન મારામાંથી અલોપ થયો છે, અને ધીરે ધીરે તમે મારામાં એક પિતાને જોશો. પણ જ્યારે જ્યારે તમને એમ લાગે કે હું તમારો દુશ્મન છું ત્યારે ત્યારે તમારે એક આયનો મારી સામે ધરી દેવો.'

આટલું કહી હું હસ્યો. બાળકોને પણ મારી સૂચના હસવા જેવી લાગી. મારી પત્ની સિવાય આ રહસ્યનો સ્ફોટ મેં કોઈની આગળ કર્યો નથી; પરંતુ તે દિવસ પછી હું, મારાં ચારે સંતાનો અને મારી પત્ની અત્યંત કિલ્લોલથી દિવસ અને રાત ગુજારીએ છીએ. અને મારા ઉપરીઓ મારી સલાહ લે છે તથા મારા હાથ નીચેનાં માણસો તેમની મુશ્કેલીઓનો ઉકેલ મારી પાસે માગે છે. આપઘાત કરવાની ઘેલછા સ્વપ્ને પણ મને હવે આવતી નથી. કારણ, આયનાએ સ્પષ્ટ કરેલો મારો દુશ્મન તે દિવસથી અલોપ થઈ ગયો છે.

એ મારો દુશ્મન તે હું પોતે જ ! મારો અકારો, કડવો, અનિષ્ટ સ્વભાવ ! મારી નીતિઘેલછા અને જવાબદારીની અતિ ગંભીરતા ! એટલે મેં આવા સ્વશત્રુ માટે જાતશત્રુ નામ શોધી કાઢ્યું છે. જેમને જેમને એમ લાગે કે તેમની પત્ની, તેમનાં સંતાન, તેમના મિત્રો, તેમના સંબંધીઓ, તેમનાથી નાસતાં ફરે છે, તેમણે ચોક્કસ માની લેવું કે તેમને જાતશત્રુએ જ ઘેર્યા છે.

અને જાતશત્રુનો વિનાશ કરવાનું સાધન એક જ :

આયનામાં સ્વમુખ નિહાળવું !

અરે, આયનામાં ન જોવું હોય તો વગરકારણે પણ સ્મિત કરવું – બાળકથી માંડી વૃદ્ધની સાથે ! અને તમારી પત્ની સાથે તો ખાસ !

સ્મિતરહિત ક્ષણ જતાં જાતશત્રુ તમને જીતી લેશે.

પરંતુ મારી ખાતરી છે સ્મિતભર્યું મુખ રાખવાની ટેવ પડશે તો તમે તમારા મુખને આયનામાં જરૂર નિહાળશો.