← જાતશત્રુ દીવડી
ડુંગરિયે દવ
રમણલાલ દેસાઈ
૧૯૫૪
સ્ત્રીની કિંમત કેટલી? →






ડુંગરિયે દવ

કાયદાની બહાર જનારને કાયદામાં લાવવા અને વળી કાયદાની બહાર જવા માટે તેને શિક્ષા કરવી એ બંને કામ બહુ મુશ્કેલ છે. કાયદાની ચુંગાલ સુધરેલા દેશો વધારતા જાય છે એવી આશાએ કે જેમ કાયદા વધારે થાય તેમ લોકોની જીવન સરળતા વધી જાય. પરિણામ એથી ઊલટું જ આવે છે. કાયદા ઘડનાર ધારાસભાને ભાગ્યે જ ખબર હોય છે કે તેણે કેટલા કાયદા પસાર કર્યા; કાયદા પ્રમાણે અમલ કરનાર સરકાર અને તેના સત્તાધીશોને ભાગ્યે જ ખબર હોય કે તેમણે કેટલા કાયદાનો કેવી રીતે અમલ કરવાનો છે; અને કાયદાભંગની સજા કરનાર ન્યાયપ્રણાલિકાને ભાગ્યે જ ભાન હોય છે કે તે કાયદાભંગની શિક્ષા કરતાં માનવતાનું કેટલું ખૂન કરી રહી છે ! કોઈ પણ રાજ્યના પ્રધાન, ધારાસભાના પ્રમુખ, અદાલતના ન્યાયાધીશ કે અમલદાર ઉપર માત્ર ચોવીસ જ કલાક ધ્યાન રાખવામાં આવે તો કરેળિયાનાં જાળાં જેવી કાયદાની એક અગર બીજી ભુલભુલામણીમાં સપડાઈ તે ગુનેગાર બનતા જ જતા હોય છે. જેમ કાયદા વધારે તેમ ગુના વધારે અને સાથે ગુનેગારો પણ વધારે.

લખપત આપણા કાયદાએ બનાવેલો એક બહારવટિયો હતો. આમ તો એક નાનકડા ગામડામાં તે રખવાળું કરતો અને થોડી જમીનમાં ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો. પગેરું પારખવામાં તે ઘણો કુશળ હતો એટલે પોલીસ અમલદારો વારંવાર તેની આવડતનો લાભ લઈ ચોરચખારને પકડી પાડતા. લખપતની રખેવાળીના ગામે તો ચોરી થાય જ નહિ એવી સહુની માન્યતા હતી.

લખપત એક વખત સંધ્યાકાળે ગામની સીમમાં રખવાળું કરવા જતો હતો અને તેણે એક સ્ત્રીની ઝીણી ચીસ સાંભળી. ઝડપથી પગ ઉપાડી લખપત ચીસવાળી જગાએ પહોંચી ગયો. ગામડિયા રખેવાળો મોટે ભાગે શબ્દવેધી હોય છે. ચીસની જગા જડતાં એને વાર લાગી નહિ. જગાએ જઈને જુએ છે તો બે પોલીસના સિપાઈઓ પોતાની પેટી અને પથારીઓ એક ગામડિયણ બાઈને માથે ઉંચકાવી લાવતા હતા. બાઈએ પેટી માથેથી ઉતારી નીચે મૂકી દીધી. સુધરેલા રાજ્યમાં વેઠ ઓછી થઈ છે એમ કહેનારની આંખ એક હાથ કરતાં વધારે આગળ જોઈ શકતી નથી. અનિવાર્ય સહાયને વેઠ ગણવાનું દોઢ-ડહાપણ કરનાર નેતાઓ પ્રજાજનો પાસે કેટલી વેઠ લે છે એનો પણ હિસાબ કાઢવા જેવો છે. એક ગામથી બીજે ગામ જનાર પોલીસની પેટીઓ હજી પણ ગામલોકો વગર ફરિયાદે ઉપાડી લે છે, ત્યાં સુધી કોઈને હરકત હોય નહિ; પરંતુ પેટી ઉપાડનાર જુવાન બાઈની ખબરઅંતર પૂછી, તેની સાથે વાતવિનોદ સહ ગમ્મત કરતા અર્ધભણેલા પોલીસના જુવાનો એકાંત નિહાળી અડપલે ચડે ત્યારે ગામડિયા મજૂરણને ચીસ પાડવાનો અધિકાર તો ખરો; જો કે આ આખી કાર્યપ્રણાલીમાં કયા કયા કાયદા પ્રમાણે, કઈ શિક્ષાને પાત્ર, કઈ કલમમાં આવેલો, ક્યા કાયદાનો, કયો ગુનો બને છે એ શોધી કાઢવા માટે કોઈ મહાવિદ્વાન વકીલની ભારે કિંમત આપી સલાહ લેવી પડે. અને છતાં – ગુનો થયા છતાં – ગુનો પુરવાર ન પણ થાય એવી આપણા ન્યાયશાસનની કરામતો પણ છે.

લખપતને જોતાં જ, પેલી જુવાન મજુરણ બૂમ મારી ઊઠી :

'લખપતભાઈ ! જુઓને આ; વેઠ કરાવે છે અને ઉપરથી મશ્કરી કરે છે.'

શહેર, સંસ્કાર અને ભણતર જાતીય સંબંધ અંગે જે હળવાશ, અને કુમળાશ સેવે છે તે હજી ગામડામાં પ્રવેશી શકી નથી; એટલે પરાઈ સ્ત્રી સાથે ગમ્મત કરવામાં ગામડિયા ભારે ગુનો માને છે, જેને માટે શહેરોમાં રચાતા કાયદાઓમાં આધાર ન પણ જડે. લખપત સમજી ગયો. તેણે કહ્યું :

'જા બહેન ! પાછી તારે ગામ ચાલી જા. હું આ જમાદારની પેટી ઊંચકીને મારે ગામ પહોંચાડી આવું છું.'

'તું કોણ, છે, વચ્ચે ડહાપણ કરવાવાળો ? રસ્તે પડ !' એક પોલીસ સિપાઈએ લખપતને ધમકાવ્યો.

પેલી સ્ત્રી જરા હસી, અને બોલી : 'લખપતભાઈને હજી ઓળખ્યા લાગતા નથી !'

'અરે ચાલ, લખપતવાળી ! પેટી ઉઠાવી આગળ ચાલ !' કહી બીજા પોલીસવાળાએ બાઈને ધમકાવી, નીચે મૂકેલી પેટી તેને માથે મૂકવા માંડી એટલે લખપતે વચ્ચે આવી કહ્યું :

'જમાદાર સાહેબ ! હું ઠીક કહું છું. પેટી હું ઉપાડીને લઈ જાઉં; બાઈને જવા દો.'

'ચાલ, આઘો હટ !' કહી લખપતને પોલીસના એક સિપાઈએ ધક્કો માર્યો અને લખપતની આંખ ચમકી ઊઠી. આંખની પાંપણ ઊઘડે અને બંધ થાય એટલામાં તેણે પોતાની કડિયાળી ડાંગનો એકેક ફટકો એવી ઢબે બન્ને સિપાઈઓને અડાવી દીધો કે તેઓ ઢગલો બની નીચે પડ્યા અને પછી તેમને બંનેને ઊભા કરી એકને માથે પેટી અને બીજાને માથે પથારીઓ મૂકાવી લખપતે પોલીસ સિપાઈઓને જ આગળ લીધા.

કાયદાનો અમલ કરનાર સરકારી નોકર ઉપર હાથ ઉઠાવવો એ તો ગુનો ગણાય જ; પરતુ એક ગામથી બીજે ગામ સરકારી કામે જતા પોલીસનાં માણસોને આમ હેરાન કરવાં એમાં સરકારી કામે દખલ કર્યાનો ગુનો થાય છે, એમ પણ કોઈક સ્થળે કોઈક કાયદો છે.

માથે પેટી અને પથારી ઊંચકી પોલીસવાળાને જવું તો પડ્યું. પણ તેથી તેમને એમ લાગ્યું કે હિંદના પ્રમુખથી માંડી આખા રાજશાસનનું એમાં ભયંકર અપમાન થયું છે. બન્ને પોલીસ સિપાઈઓ નવા હતા. તેમણે લખપતની ચાલચલગત વિરુદ્ધ, તેના માથાભારેપણા બદલ, ચોરીઓમાં ભાગીદારી સંબંધી કંઈક કંઈક તપાસ કરી અને અંતે બીજું કાંઈ તો તેમને જડ્યું નહિ, પરંતુ લખપત આ બાજુનો એક માથાભારે માણસ છે, ચોર-લૂંટારાને ઓળખે છે અને કંઈ વખતે તે બહારવટિયો બની જાય તે કહેવાય નહિ એવી કારકિર્દીવાળો ભયંકર માણસ છે, એટલું નિવેદન તો તેમણે જરૂર કર્યું જ.

ગામેથી મુકામ ઉઠાવતાં ઊઠાવતાં પોલીસ સિપાઈઓને લખપતના એક બીજા ગુનાની પણ ખબર પડી. ગામમાં એક અપંગ વૃદ્ધ બાઈ હતી. ભૂખે મરતી એ બાઈને અનાજ આપી લખપત જિવાડી રહ્યો હતો એ હકીકત પોલીસના જાણવામાં આવી. સ્વતંત્ર હિંદમાં, નવા હિંદમાં યોગ્ય અમલદારની પરવાનગી વગર ભૂખે મરી જતા માણસને પણ અનાજ આપી જિવાડવો એ ભયંકર ગુનો બની જાય છે, અને ગુનો ન બનતો હોય, પણ તેને ગુનામાં ફેરવી શકાય છે. બિનઅધિકારે અનાજ આપનાર લખપત ગુનેગાર મનાયો. પોલીસનાં થાણાં અને કચેરીઓમાં તેને વારંવાર બોલાવવામાં આવ્યો. જવાબ લેનારાઓને યોગ્ય લાગ્યું તે પ્રમાણે તેના જવાબો લીધા અને અંતે તેની ઉપર ન્યાયની અદાલતમાં કામ ચાલ્યું. કામ ચાલવાની પ્રથમ ભૂમિકા એટલે મુદ્દ્ત પડવાની ભૂમિકા. એક અગર બીજે કારણે આઠદસ મુદ્દ્તો ન પડે ત્યાં સુધી ન્યાયના કામની ઘટ્ટ ભૂમિકા બંધાય જ નહિ, અને મુદત કેટલાં વર્ષોમાં વહેંચાય એની ખબર બદલ ન્યાય આપનાર વડા ન્યાયાધીશ કે ન્યાયપ્રધાનોને પણ હોતી નથી.

આ બધું કામ ચાલતાં ચાલતાં લખપત બેજાર બની ગયો. જે તે નિકાલ કરીને કાં તો કેદમાં નાખે અગર છોડી દે તો ઈશ્વર મળ્યા, એમ તેના હૃદયનો અણુએ અણુ પોકારવા લાગ્યો અને જ્યારે ગુનેગાર તરીકે કોઈ દલીલ કરવી છે કે કેમ એવું તેને પૂછવામાં આવ્યું ત્યારે ત્રાસી ગયેલા લખપતના દિલમાંથી ઉગાર નીકળ્યો :

'આ તે ન્યાયનું રાજ્ય છે કે રોજ ચીમટો ચીમટો ચામડી ઊતરતા કસાઈઓનું રાજ્ય છે?'

લખપતને ગુનેગાર ઠરાવવા ઉત્સુક બનેલા પોલીસ-વકીલે ન્યાયાધીશનું ધ્યાન દોર્યું કે લખપત સરકારને અને નામદાર ન્યાયાધીશને તિરસ્કાર કરી રહ્યો છે. ન્યાયધીશે તેને ચેતવ્યો :

'વગરસમજ્યે બોલ બોલ કરીશ તો બીજા ગુના માટે પકડવો પડશે.'

લખપત બબડ્યો :

'આટઆટલા ધક્કા ખવરાવ્યા એના કરતાં તે મોતની સજા આપો તો સારું. આ તો ન્યાયનું નહિ પણ બહારવટિયાનું રાજ લાગે છે.'

તેની પાસે ઊભેલા એક સિપાહીએ કોઈ ન દેખે એમ લખપતની કુખમાં ઠોંસો લગાવ્યો અને લખપતની આંખે લાલપીળાં દેખાયાં. કમર ઉપર વીંટાળેલી ભેટમાં સંતાડેલો છરો વીજળીની ઝડપે તેણે બહાર કાઢ્યો અને પોતાને ઠોંસો મારનાર સિપાહીનું નાક એક કુશળ કારીગરની ઢબે કાપી નાખ્યું. ચારે પાસ હો હા મચી રહી. લખપતને પકડવા લોકોએ પ્રયત્ન કર્યો. ન્યાય આપનાર ન્યાયાધીશે પલાયનમાં સલામતી શેાધી. ન્યાયાધીશે વીરત્વ બતાવવું એમ એક પણ કાયદો કહેતો નથી. છરો ઉછાળતા લખપતને કોઈ પકડી શક્યું નહિ, અને તે દિવસથી લખપત બહારવટે ચઢ્યો.

બહારવટે ચઢનારને આખું રાજ્યતંત્ર બહારવટિયાઓનું બનેલું લાગે છે. ન્યાયનો અતિવિલંબ, પુરાવાની આંટીઘૂંટી, કાયદાઓની ભુલભુલામણી, વકીલોના ચક્રવ્યુહ, સાચ અને જૂઠ વચ્ચે રમાતી સાતતાળી અને મોટામાં મોટા ન્યાયાધીશની પણ માનવસહજ શિથિલતા તેમ જ નિર્બળતા આખી ન્યાયપદ્ધતિને એક ઠઠ્ઠાચિત્ર જેવું બનાવી મૂકે છે. વળી ધનરહિત માનવીથી ન્યાય મેળવી શકાય એવી સગવડ જ હવે હિંદમાં રહી નથી અને આપણાં ન્યાયમંદિરો આશ્રય સ્થાન–આશ્વાસનથાનને બદલે પૈસાને જોરે ચાલતાં જુગારખાનાં બની રહ્યાં છે. આજની ન્યાયપદ્ધતિ આટલા ઓછા બહારવટિયાઓ કેમ ઉપજાવે છે એ જ નવાઈની વાત છે. સાચો, તેજસ્વી, પરદુ:ખભંજન માનવી બે જ માર્ગ જોઈ શકે છે. કાં તો વગરબોલ્યે અન્યાયને તાબે થવું અગર બહારવટે ચડવું. લખપત તો બહારવટે ચઢ્યો અને એણે એક લાખ નાક કાપવાની શંકર-સાન્નિધ્યમાં બાધા પણ રાખી.

લખપતના બહારવટાએ વિશાળ ભૂમિમાં ત્રાહિ કરાવી. આજ એ એક ગામ ભાંગે, તો બીજા દિવસે બીજું; એક અઠવાડિયે એક જિલ્લામાં લખપત હોય તો બીજે અઠવાડિયે બીજા જિલ્લામાં તેની બૂમ સંભળાય. પહેલાં કોઈ વાર કોઈ શેઠિયાની પેઢી લૂંટાય, તો કોઈ વાર જાગીરદારનો કોઠાર લૂંટાય; કદી સોનાચાંદીની દુકાનો લૂંટાય તો કદીક રસ્તે જતી સરકારી તિજોરી લૂંટાય; અને બધા ય કરતાં તેણે હાથ કરેલી નાકકટાઈની કળા પ્રજામાં ભયાનક રસને ઉત્પન્ન કરી રહી. એને સાથીદારો પણ ઠીક ઠીક પ્રમાણમાં મળ્યા. બહારવટિયાઓમાં નાતજાતના કે ધર્મના ભેદ બહુ પળાતા હોય એમ દેખાતું નથી. એ રીતે બહારવટિયાને આગળ વધેલા સુધારકોની કક્ષામાં મૂકવામાં આવે તો એ હાસ્યજનક છતાં સાચું તો ગણાય. લખપતની ટાળીમાં ચાંદ ચાઉસ, મિયાં મલેક, કાનિયો સોની, અભરામ આહીર, ભૂરો ભરવાડ, એભલ કાઠી અને શૂરા ભગત નામે જુદી જુદી કોમના ચુનંદા સરદારો ભેગા થયા, જેમાં પછીથી હીરા અને ગોમી નામની સ્ત્રીઓ પણ ચમકવા માંડી.

બહારવટિયાને સિદ્ધિ મળે છે તેના કરતાં પ્રસિદ્ધિ વધારે મળે છે. એની લૂંટફાટને લોકકલ્પના રંગ ચઢાવે છે, એનામાં હોય ન હોય તો પણ વીરત્વ અને ઉદારતા ઉમેરાય છે, અને એનાં કાર્યો પાછળ ગીત, રાસડા, પવાડા અને દુહાઓ પણ રચાય છે. લખપત દુષ્ટોને જ પારખીને લૂંટતો હતો કે કેમ તેની સાબિતી અદાલતમાં થઈ શકે એમ નથી; અને અદાલત તો લૂંટની વ્યાખ્યા બાંધીને બેઠેલી છે એટલે તે પુરવાર થયેલા દુષ્ટોની લૂંટને પણ ગુનો જ ગણે ! નાક કાપવાને પાત્ર માનવીઓનાં જ નાક લખપત કાપતો હતો કે કેમ એને માટે બિનઅદાલતી બિનસરકારી કમિશન નિમાય તો કદાચ સત્ય વસ્તુ જડે. અને વર્તમાન યુગમાં કપાવાને યોગ્ય નાક કેટલાં છે એ કોણ કહી શકે ? અદાલત તો વ્યાખ્યા પ્રમાણે અંગછેદને મહાવ્યથાનો ગુનો ગણે !—જોકે સુધરેલી સરકારો ઍટમ બોમ્બ ભલે સર્જે ! વિનાશિકાઓ ગમે તેટલી ઉપજાવે ! અને તે દ્વારા અનેક માનવીઓનાં અંગછેદન તે કર્યે જ જાય; પરંતુ એ સરકારી રાહે થતાં અંગછેદન સિવાયના અંગછેદનના કાર્યને સરકાર ગુનો ગણ્યા સિવાય રહે જ નહિ, એ વર્તમાન યુગના વિકાસને શોભે એવી ધટના છે

છતાં ધીમે ધીમે લોકોમાં તો એવી જ માન્યતા ચાલી કે લખપતની ટોળી ગરીબોને ઘરબાર કરી આપે છે, ભૂખ્યાંને અનાજ આપે છે અને લૂંટે છે માત્ર કાળાબજારિયાઓને, નફાખોરોને, શોષકોને અને લુચ્ચાઓને. એક દિવસ એણે કોઈક ગરીબ ઘરની દીકરીનું કન્યાદાન આપ્યાની વાત આવે, તો બીજે દિવસે કોઈ ભિક્ષુને ભણવા માટે કાશી મોકલ્યાની વાત આવે; કોઈ દિવસ જમીન ઝૂંટવી લેતા જમીનદારનું લખપતે નાક કાપ્યું એની બૂમ ઊઠે તો બીજે દિવસે સરકારે નાખેલા અવનવા વેરાની ઉઘરાત લૂંટાઈ એવી બૂમ પડે. મંદિરમાંથી સોનારૂપાનાં ઘરેણાં લૂંટાયાં ત્યારે પ્રજાની ધર્મવૃત્તિએ અરેરાટી અનુભવી; પરંતુ એ ઘરેણાં પાછાં એ મંદિરમાં અદૃશ્ય રીતે મુકાયાં ત્યારે લખપત પ્રત્યેના સદ્ભાવની કક્ષા ઘણી ઊંચે ચઢી ગઈ. પ્રધાન અને અમલદારોની કાર્યપ્રશંસા કરવા જેવો પ્રસંગ કદી આવ્યો છે કે કેમ તે તો તેમના કવિઓ જાણે; પણ લખપતની પ્રશંસાના દુહા તો ગામેગામ રચાવા લાગ્યા અને ગવાવા લાગ્યા.

ગુનેગારનાં ગુણગાન પ્રજાવર્ગ ભલે કરે; પણ રાજ્યવ્યવસ્થાથી તેનાં ગુણગાન કદી થઈ શકે નહિ. બહારવટિયાનાં ગુણગાન કરનાર નીકળી એક બ્રિટિશ સલ્તનત ! સામાવાળિયાના ગુણ પરખવાનું શિક્ષણ હિંદવાસીઓને તે જ્યારે મળે ત્યારે ખરું ! રાજ્યમાં હાહાકાર વધતાં લખપતની ટોળીને તોડવા કંઈક જૂના રાવસાહેબ, પુરાતન રાવબહાદુરો, વીસરાઈ જતા સાહેબ બહાદુરો અને વર્તમાન વીર વિક્રમોએ કમ્મર કસી અને લખપતનાં સગાંવહાલાં, ઓળખીતાં અને આશ્રય આપતાં મનાતાં અનેક કુટુંબો ઉપર ધાંસ નાખવામાં આવી. શિકારી પ્રાણી જેમ પોતાના શિકારસ્થાને ફરી ફરી આવે તેમ લૂંટારુ બહારવટિયા અમુક અમુક સંબંધીઓના સ્થાને જરૂર આવે એવી તપાસ કરનાર અમલદારોની જૂના વખતથી ચાલી આવતી સફળ માન્યતા છે. પોલીસે ચારે પાસ બાતમીદારો મૂક્યા અને જ્યાં જ્યાં હવામાં વાત આવે કે લખપત અમુક જગાએ છે ત્યાં ત્યાં પોલીસ ટૂકડીઓનો ધસારો થયેલો હોય જ.

માત્ર એટલું જ કે લખપત કાં તો તે જગાએ બિલકુલ આવ્યો જ ન હોય અગર આવીને હમણાં જ ચાલ્યો હોય એવા સમાચાર પોલીસને મળે ! એકાદ વર્ષમાં પકડાયો હોય એવો બહારવટિયો હજી આપણે ત્યાં જન્મ્યો દેખાતો નથી. બહારવટિયાને પકડવો એટલે યુદ્ધમોરચો રચવા જેટલી તૈયારીઓ કરવી પડે છે. અને તૈયારીઓ છતાં પણ જાદુગર સરખો બહારવટિયો ક્યાં કેવી રીતે અદૃશ્ય થાય છે તે સમજવું–સમજાવવું બહુ મુશ્કેલ છે. ડુંગરા, કોતર, નદીનાળાં, જંગલ અને ખંડેરો બહારવટિયાની તિલસ્મી નાઠાબારીઓ બની રહે છે.

વર્ષ વીત્યું, દોઢ વર્ષ વીત્યું, બે વર્ષ વીત્યાં, છતાં લખપત બહારવટિયો પકડાયો નહિ. અંતે એક મહાકુશળ, અનુભવી, રણવીર નામના પોલીસ અમલદારની લખપતને પકડવા અગર તેની ટાળીનો નાશ કરવા માટે નિમણૂક થઈ. એવી લોકોક્તિ છે બહારવટિયો અંદર અંદરની ફૂટ વગર પકડાય નહિ. ધોળી દુનિયામાં રહી કાળી દુનિયા સાથે અત્યંત નિકટ સંબંધ રાખનાર વ્યક્તિઓને પોલીસ અમલદાર ઠીક ઠીક પિછાનતા હતા, અને તેણે કુનેહપૂર્વક લખપતનું પગેરુ પકડવા માંડ્યું, એટલું જ નહિ, પરંતુ લાલચ અને ધમકી આપી તેના પક્ષકારોમાં ફૂટ પડાવવાની શરૂઆત રણવીરે કરી દીધી. કોઈને તેણે માફી અપાવવાનું કહ્યું, કોઈને પોલીસમાં જમાદારી અપાવવાનું કહ્યું કે કોઈને જમીનની લાલચ આપી અને કોઈને વર્ષાસન બાંધી આપવા જણાવ્યું. અંતે લખપતના એક સાથીદાર શૂરા ભગતે, પકડાવી આપવાનું તો નહિ પણ લખપતને મેળવી આપવાનું વચન રણવીરને આપ્યું. શરત એક હતી કે રણવીર અને લખપત મળે ત્યારે શસ્ત્રરહિત થઈને મળે. એક ગાઢ જંગલમાં આવેલી એક ડુંગરની તળેટીમાં શૂરા ભગતનું મંદિર હતું. લૂંટારા અને બહારવટિયાનો મિત્ર શૂરો એકતારો લઈ ભજન ગાતો, કંઠે તુલસીની માળા પહેરતો અને સામાન્ય મિલનમાં બહુ જ વિનયી, સૌમ્ય, અને ધર્મિષ્ઠ દેખાતો. અને એ જ ગુણોને લઈને લૂંટનો માલ સંતાડવા માટે, લૂંટનો માલ વેચવા માટે, લૂંટવા જેવાં સ્થળોની બાતમી મેળવવા માટે તેનો ખૂબ ઉપયોગ લખપતને થતો. બીજી પાસ શૂરો ભગત પોલીસ અમલદારોને પણ મળતો અને એક વરસ દિવસથી બહારવટિયાને પકડાવી આપવાનું ઝાંખું બિનજવાબદારીભર્યું પ્રલોભન પણ આપતો; તે એટલે સુધી કે અંતે રણવીરે પણ શૂરા ભગત ઉપર વિશ્વાસ રાખ્યો.

તળેટીમાં શૂરાના મંદિરે બે મોટરકાર આવીને એક દિવસે ખડી થઈ, જેમાં રણમલ પોતાની ટુકડી સહ આવ્યો. દિવસનો ત્રીજો પ્રહર હતો. શૂરાએ સાહેબને આવકાર આપ્યો અને પોલીસને તળેટીમાં જ રહેવાની સૂચના આપી, રણવીરને એકલાને ડુંગર ઉપર ચઢવા વિનંતિ કરી. રણવીરને એક ક્ષણ તો એમ લાગ્યું કે બહારવટિયાઓનો અતિવિશ્વાસ કદાચ ખતરનાક પણ નીવડે; છતાં રણવીરે હિંમત કરી. જીવના જોખમ વગર પોલીસની નોકરી ન જ થાય. તળેટીમાં ચુનંદા સિપાઈઓ મોટરમાં તૈયાર જ હતા અને એ ડુંગરમાં થઈને લખપત કે તેના સાથીદારો ભાગી જઈ ન શકે એમ ડુંગરની ચારે પાસ સિપાઈઓની ટુકડી રણવીરે છૂપી રીતે ક્યારની ગોઠવી દીધી હતી. જાતજોખમ વહોરીને પણ બહારવટિયાને મળવું અને લાગ મળે તો તેને પકડવો અગર ગોળીબારથી તેનો વધ કરવો એ તેણે આજ નિશ્ચય કર્યો હતો-કદાચ ને તેમાં પોતાનો ભોગ અપાય તોપણ.

રણવીર અને શૂરો અરધે ડુંગરે ચઢ્યા. શૂરાએ જામીનગીરી આપી હતી કે સાહેબને કાંઈ પણ ઈજા થાય તો પોતે પોતાનું મસ્તક પહેલું કાપી આપશે.

મધ્ય ડુંગરે એક નાનકડું શિવાલય હતું. તે શિવાલય આગળના ટેકરા ઉપર એક પાથરણા ઉપર ગાદી અને તકિયો પાથર્યા હતાં જેના પર વિવેકપુર:સર શૂરાએ રણવીરને બેસાડ્યો અને પછી એક ધીમી પરંતુ દૂર સુધી સંભળાય એવી બૂમ પાડી :

'લખપત !'

એકાંત ડુંગરમાં લખપતના નામની હાક કુમળા સંબોધનરૂપ હોવા છતાં ભયંકર જરૂર લાગી. શિવાલયનું બારણું ઊઘડ્યું અને એમાંથી એક કદાવર, દાઢી મૂછ થોભિયાવાળો, કસાયલો જુવાન બહાર નીકળી આવ્યો. તેના દેહ ઉપર એક પણ શસ્ત્ર ન હતું છતાં તેનો પહેરવેશ દોડવાની પૂરી અનુકૂળતાવાળો સજજતાસૂચક હતો. મંદિર અને ટેકરા વચ્ચે થોડું અંતર હતું.

'એ જ લખપત, સાહેબ !' શૂરાએ કહ્યું અને લખપતે આવી સાહેબને બે હાથ જોડી રામરામ કર્યા.

'રામ રામ, સાહેબ !'

'રામ રામ, લખપતભાઈ!.. અરે! તને તો જોયો લાગે છે !' રણવીરે કહ્યું.

'જી હા. આપ જ્યારે નાના ફોજદાર હતા ત્યારે આપને બે-પાંચ ચોરીઓ મેં પકડાવી આપી હતી, અને આપે મને ઈનામ પણ અપાવ્યું હતું.' લખપતે કહ્યું.

'અરે હા, મને બરાબર યાદ છે. તેં જ મને એક ઘામાંથી ઉગાર્યો હતો. ભૂંડા ! આ શું લઈને તું બેઠો છે? ' રણવીરે કહ્યું.

'એ વાતને તો વર્ષો વીતી ગયાં. સાહેબ ! અને હવે તો બહારવટે નીકળ્યો છું. આપનું નામ સાંભળ્યું એટલા માટે મળવા હું કબૂલ થયો. બાકી હવે તો આપણી વચ્ચે એટલાં છેટાં છે કે મરવું અને મારવું એ એક જ બની જાય.' લખપતે કહ્યું.

'લખપત ! ગમે તેમ કરી આ બહારવટું છોડી દે. હું ખરું કહું છું. આમ ક્યાં સુધી ચાલશે ? તું હવે સપડાવાની તૈયારીમાં છે. જે ચાર ગુના ઓછા થાય તે ખરા, અને જે ચાર જીવ ઓછા મર્યા તે ખરા.' રણવીરે કહ્યું.

'સાહેબ ! એક વચન આપો,' લખપતે કહ્યું.

'વચન તો...મારા અધિકાર પૂરતું હું આપું. પણ કહે તો ખરો કે તું શું માગે છે આ ટોળી વિખેરવા માટે?' રણવીરે પૂછ્યું.

'જુઓ સાહેબ ! હું મારો જીવ માગતો નથી; મને ફાંસીએ લટકાવો; પરંતુ મારા સાથીદારોના જીવ બચે એમ કરો તો હું બહારવટું મૂકી દઉં અને આપને શરણે આવું. આપ આવ્યા છો માટે જ. અમલદારોમાં આપ જ મને વાત કરવા જેવા લાગ્યા છો.' લખપતે કહ્યું.

'લખપત ! વચન તો ન અપાય; મારા હાથની વાત નથી. પણ હા, પુરાવો જરા હળવો થાય અને સજા કદાચ ઓછી પણ થાય.' રણવીરે કહ્યું.

'વચન આપી શકે એવા કોઈ સાહેબ અહીં આવી શકે ખરા?'

'ના ભાઈ ! અહીં આવે એવો ઉપરીમાં ઉપરી અમલદાર હું અને ન્યાયની અદાલત તમારો ફેંસલો કરે એ વાત પણ સાચી. તને – તારા જેવાને ખોટી લાલચ હું નહિ આપું.'

'તો સાહેબ ! મારું બહારવટું ચાલુ અને આપની પકડ પણ ચાલુ. તમારી ન્યાયની અદાલત જેવા પાખંડે તો મને બહારવટિયો બનાવ્યો. પાછો એને આશરે જઈ હું દશગણો બહારવટિયો બની પાછો ક્યાં આવું ? ભગત ! સાહેબને ચા આપો અને સલામત નીચે પાછા લઈ જાઓ.' લખપતે કહ્યું અને શૂરો ભગત શિવમંદિરમાં ચા લેવા માટે ગયો. એ દરમિયાન રણવીર અને લખપત બન્ને એકબીજાને જોતા, એકબીજાથી સમાલતા અને આછીપાતળી વાતો કરતા દેખાયા. ચાના પ્યાલા લઈ શૂરો ભગત આવ્યો અને રણવીરે કહ્યું : 'લખપત ! તું સમજી શકે છે કે તારે હવે બચવું મુશ્કેલ છે !'

'એ તો સાહેબ ! બહારવટે નીકળ્યો ત્યારનો જાણું છું. માથું કાપી મેં હાથમાં મૂકેલ છે.'

'અને જોકે મારા અને તારા હાથમાં હથિયાર નથી, તે છતાં આ ડુંગરાની બહાર હવે તું નીકળી શકીશ નહિ.' રણવીરે સહજ કડકાઈથી કહ્યું.

'સાહેબ ! એ તો જોયું જશે. આપને એક વખત મેં મારા કહ્યા હતા એટલે આપની ઉપર તો હું કદી હાથ નહિ ઉપાડું, પણ દગો થશે તો આપની ટુકડી બહુ બચવાની આશા ન રાખે એ પણ ધ્યાનમાં રાખજો.' લખપતે કહ્યું.

'ટુકડી બચે કે ન બચે, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે નીચે ઊતરતાં આજ નહિ તો કાલ તું જરૂર પકડાશે.' રઘુવીરે કહ્યું.

'આપણે શરત લાગી, સાહેબ ! તમારી ટુકડીને હાથ હું આવું તો અમને બધાંને જરૂર ફાંસી દેજો; અને જો હું હાથ ન આવું તો... આપ જ આપની બાજુની શરત મૂકો.'

'અમે સરકારી નોકરો નિયમ પ્રમાણે ચાલીએ. અમારાથી શરતો ન થાય. તારા અને તારાં બૈરીછોકરાંના લાભ માટે કહું છું કે હવે આવી બન્યું માનીને તું મારે હાથ આવી જા. બનતાં સુધી બચાવીશ.'

'સાહેબ ! આપણે ચા પી લઈએ અને છૂટા પડીએ. કાયદા માણસ માટે છે, મડદાં માટે નહિ.' લખપતે કહ્યું અને તેણે ચા પીવા માંડી, તથા રણવીરને પણ પોતાના ગળાના સેગન ખાઈને ચા પાઈ. ચા પી રહી લખપત ઊભો થયો અને સાહેબને રામરામ કર્યા.

રણવીરે છેલ્લી સમજૂતી કરી જોઈ; પરંતુ લખપતે શરણું સ્વીકારી ફાંસીએ ચઢવા કબૂલ ન કર્યું. અંતે નીચે ઊતરવા માટે રણવીરે પગ ફેરવ્યો અને તે એકાએક આશ્ચર્યમુગ્ધ થઈ ગયો. શિવાલયની પાછળથી એક યુવતી શસ્ત્રસજજ બની ઘોડેસવાર થઈ, ઘોડાની છલંગ સાથે સૌની પાસે આવી, અને લખપતે રણવીરને પૂછ્યું :

'સાહેબ ! હથિયાર છે? હોય તો પકડવાની હિંમત કરો નહિ તો હું...તમને મારી શકત; પરંતુ મારા જૂના સાહેબ ઉપર હું હાથ નહિ ઉપાડું !'

'લખપત ! મારી પાસે શસ્ત્ર નથી, પરંતુ આસપાસ શસ્ત્રધારીઓ નહિ હોય એમ તું ન માનીશ.'

'તેની હરકત નહિ, સાહેબ ! રામરામ. હવે મળીશું બંદૂકની ગોળીએ.' એમ કહી અશ્વારોહી યુવતી સાથે છલંગ મારી લખપત અશ્વ ઉપર બેસી ગયો અને આંખ મીંચી ઉઘાડતામાં તે ડુંગરાઓ અને ટેકરાઓની પાછળ અદ્રશ્ય થઈ ગયો.

રણવીરે શસ્ત્ર તો નહોતું રાખ્યું પણ તેણે સહુને સાવચેત બનાવવાની સિસોટી તો જરૂર રાખી હતી. એ સિસોટી વડે તેણે આખા ડુંગરને જાગ્રત કરી નાખ્યો અને ઠેરઠેર બંદૂકોના અવાજ થવા લાગ્યા તથા ડુંગર નીચે મોટર ઘર્‍ર ઘર્‍ર થવા લાગી. ઝડપથી ઊતરતા રણવીરે શૂરા ભગતને પૂછ્યું :

'અમારી મોટરોની ઝડપ આગળ એની ઘોડી શું કરશે?'

'સાહેબ ! મોટરો તો મરેલી કહેવાય, એમાં જીવ નહિ. અને લખપતની ઘોડી તો જીવતી છે. એનું નામ તેજલ. તોપના ગોળાને પણ એ કૂદી જાય એમ છે.'

આખો ડુંગર જોતજોતામાં યુદ્ધનું મેદાન બની ગયો. ચારે પાસ ગોળીઓ છૂટવા માંડી. રણવીર અને શૂરો ભગત નીચે ઉતર્યા તે પહેલાં તો આખા ડુંગરનાં નાકાં ઘેરાઈ ગયાં હતાં. વિશાળ ટેકરાઓ ઉપર દોડતી ઘોડી કોઈ કોઈના જોવામાં આવતી પણ હતી. કયે સ્થળે અને ક્યાંથી લખપત કૂદી આવશે એની કોઈને ખબર ન હતી છતાં સહુ સાવધ હતા. નીચે આવી રણવીર પણ બંદૂક લઈ એક ઝાડને ઓથે શૂરા ભગતને સાથે લઈ ઊભો હતો. એકાએક મોટર કારમાંથી એક નાકા ઉપર તાકી રહેલી પોલીસની ટુકડીએ બંદૂકની ગોળીઓ છોડી; પરંતુ ગોળીઓને ન ગણકારતી તેજલ ઘોડી લખપત અને તેની સાથમાં જ બેઠેલી સ્ત્રીને લઈ એક ટેકરેથી કુદી તળેટીમાં આવી અને પુરપાટ દોડવા લાગી. રણવીરની બંદૂકમાંથી એક ગોળી છૂટી અને ગતિ વધારતી જતી તેજલ ઊછળીને જમીન ઉપર ઢળી પડી. પડતાં પડતાં તે પાછી ઊઠી અને પાસે જ આવેલા એક ટેકરાની બાજુમાં જઈ ફરી જમીન ઉપર ઢળી પડી. બન્ને પુરુષ-સ્ત્રી સવાર જોતજોતામાં નીચે ઊતરી પડ્યા. લખપતે મરતી ઘોડીને ક્ષણ, બે ક્ષણ થાબડી. આંસુ ઢાળવાનો કોઈને સમય હતો નહિ. લખપતને ઘેરી રહેલી બીજી ટુકડી ઝાડવાં અને ટેકરીઓને આશ્રય લઈ આગળ વધતી હતી. લખપત પાસે ઊભેલી યુવતીને પૂછ્યું :

'ગોમી ! પોલીસનાં ઠીક માણસો પાડ્યાં, પણ હવે ગોળીઓ ખૂટી ગઈ છે; આ બે જ રહી છે. બોલ, કોને હાથે મરવું છે? જીવવું હોય તો...તું બૈરી છે; કદાચ તને ન મારે. જીવવું હોય તો કહી દે.'

'મારે મરવું છે, તારે જ હાથે. એમાં પૂછવાનું શું ? અને તારા વગર જીવવું કેવું ?’ ગોમીએ પ્રસન્ન મુખે જવાબ આપ્યો.

'પણ તે એક શરતે, તું પણ સાથે સાથે તારી ગોળીથી મને વીંધી નાખે તો !' લખપત ગંભીરતાથી બોલ્યો.

‘હત, ભૂંડા ! મારે હાથે મારા ધણીનું મોત? ન બને એ!' ગોમીએ કહ્યું, અને અત્યંત ત્વરા દર્શાવતા લખપતે ગોમીને ઝડપી આજ્ઞા કરી :

‘ગોમી ! મારો હુકમ છે. ધણીનો હુકમ તો માનીશ ને ? નહિ તો હું અને તું કૂતરાને મોતે મરીશું. વાર ન કર. ઉઠાવ બંદૂક...હાં એમ ! ગોમી ! તું મને જીવ કરતાં પણ વધારે વહાલી છે... એ વાત કરી આપણે હાથે થરકાવવો નથી. બોલ રામનામ ને છોડ ગોળી ! નવે જન્મે નવી રમત. રામ...'

રામ શબ્દ પૂરો થાય અગર પૂરો સંભળાય તે પહેલાં એક સાથે ત્રણ ગોળીબાર થયા, અને લખપત તથા ગોમી જમીન ઉપર ઢળી પડ્યાં. કેટલીક વારે આસ્તે આસ્તે રણવીર, શૂરો અને ત્રણચાર નિશાનબાજો બહારવટિયાના પડેલા દેહ પાસે સંભાળપૂર્વક આવી પહોંચ્યાં. જોયું તો લખપત અને તેની પત્ની ગોમી બન્નેના દેહ જીવવિહીન બની ગયા છે ! રણવીરે જરા આશ્ચર્યથી પૂછ્યું :

'મેં ગાળી તો એક છોડી હતી. બે જણ શી રીતે મર્યા ?'

લખપતનો મૃત દેહ જરા હાલ્યો. મહામુશ્કેલીએ તેના હોઠ ફરક્યા અને સહજ સ્મિતભર્યા મુખમાંથી ધીમો અવાજ નીકળ્યો : 'હવે, સાહેબ ! છબીઓ પડાવો....અને છપાવો કે તમારી ગોળીએ લખપત મર્યો. તમે તો નહિ, પણ લોકો તો માનશે.'

રણવીરના હૃદયમાં વિચાર આવ્યો :

'આવી માનવતા મરે એના કરતાં બહારવટિયા બને જ નહિ એવું રાજ કરતાં માનવીને ક્યારે આવડશે?'