દેશી રાજ્યોનો પ્રશ્ન/મહાસભા અને દેશી રાજ્યો

← હિંસા વિ૦ અહિંસા દેશી રાજ્યોનો પ્રશ્ન
મહાસભા અને દેશી રાજ્યો
મોહનદાસ કરમચંદ ગાંધી
દેશી રાજ્યો →







૪૯
મહાસભા અને દેશી રાજ્યો

[મુંબઈના ‘ટાઈમ્સ ઑફ ઇંડિયા’ ના ખાસ ખબરપત્રીએ ગઈ તા. ૨૪ મીએ બારડોલી મુકામે ગાંધીજીની મુલાકાત લીધી, અને ‘હરિજન’ માં ગાંધીજીએ જયપુર રાજ્ય વિષે લખતાં, જમનાલાલજી ઉપરનો મનાઈહુકમ રાજવાળાઓ ખેંચી નહિ લે તો દેશવ્યાપી મામલો ઊભો થશે, એવી મતલબનું લખ્યું હતું તે વિષે પૂછતાં ગાંધીજીએ નીચે મુજબ ખુલાસો કર્યો હતો. — તંત્રી]

“જમનાલાલજી જયપુરનિવાસી છતાં અખિલ હિંદના આગેવાનોમાંના છે, મહાસભા કાર્યવાહક સમિતિના સભ્ય છે, અને સ્વભાવે જ શાંતિપ્રિય છે, એ વાતનો કોઈ પક્ષ ઇનકાર નહિ કરે. તેઓ જયપુર રાજ્ય પ્રજામંડળના પ્રમુખ છે. આ મંડળ રાજ્યમાં કેટલાંક વર્ષો થયાં કામ કરતું આવ્યું છે. તેને કશી અટકાયત કરવામાં આવી નથી. એની પ્રવૃત્તિઓ બધી ખુલ્લી છે. જાણીતા ઠરેલ કાર્યકર્તાઓ તેમાં છે, જેમણે સ્ત્રીપુરુષોમાં ઘણું રચનાત્મક કામ કર્યું છે. જયપુરમાં વડો સત્તાધીશ આજે એક જાણીતો રાજદ્વારી-લશ્કરી ગોરો હાકેમ છે, જે જમનાલાલજી તથા તેમના મંડળને અંગેના મનાઈહુકમને લગતી નીતિ ઘડી રહેલ છે. જયપુરના આ વડા પ્રધાન સર બ્યુચંપ સેંટ જૉન મધ્યવર્તી સરકાર, જેની સંમતિ વિના તે જયપુર જેવા રાજ્યના પ્રધાન ન થઈ શકે, તેની ચસમપોશી વિના હાલની કારવાઈ ન જ કરતા હોય.

“જો જયપુરના સત્તાવાળાઓ અવલ દરજ્જાનો મામલો ઊભો કરે તો મહાસભાથી એટલે કે દેશ આખાથી જમનાલાલજી તથા પ્રજામંડળની વગરવાંકે ગિરફ્તારી અને બીજાં વીતકો ટગર ટગર ન જ જોવાય. મહાસભાના ટેકાને અભાવે જયપુરની પ્રજાના જુસ્સાને કચડી નાંખવામાં આવે, અને પોતાનામાં તાકાત છતાં તે ન વાપરતાં જો મહાસભા તેમ થવા દે, તો તે પોતાની ચોખ્ખી ફરજ ચૂકે આ અર્થમાં મેં કહ્યું છે કે જયપુરનો અથવા કહો કે રાજકોટનો મામલો કદાચ દેશવ્યાપી થઈ પડે.

“મહાસભાની બિનદખલગીરીની નીતિ, જ્યારે રાજ્યોની પ્રજામાં જાગૃતિ નહોતી ત્યારે, મારી નજરમાં આબાદ રાજદ્વારી ડહાપણના નમૂનારૂપ હતી. એથી ઊલટું, જ્યારે દેશી રાજ્યોની પ્રજામાં ચોમેર જાગૃતિ આવી હોય અને પોતાના વાજબી હકો સ્થાપવાને સારુ લાંબાં દુઃખ વેઠવાનો તેનો નિશ્ચય હોય, ત્યારે એ જ નીતિ ચલાવવી એ નરી ભીરુતા ઠરે. જો આટલું કબૂલ હોય તો પછી આઝાદીની લડત ગમે ત્યાં ઉઠાવવામાં આવે તોપણ તેની જોડે અખિલ હિંદને નિસબત છે જ. તેથી મહાસભાને જ્યાં જ્યાં વચ્ચે પડવાની ઉપયોગિતા સમજાય ત્યાં તેણે તેમ વચ્ચે પડ્યે જ છૂટકો.”

એકાદ રજવાડાના જ નર્યાં પ્રશ્નને ખાતર એક સંસ્થા તરીકે મહાસભા અગર તો જુદા જુદા પ્રાંતનાં મહાસભા પ્રધાન મંડળો સરકાર જોડે કટોકટીનો મામલો ઊભો કરે, એ કેટલે સુધી વાજબી લેખાય, એ સવાલના જવાબમાં ગાંધીજીએ જણાવ્યું :

“ધારો કે બ્રિટિશ હિંદના કોઈ જિલ્લાનો કલેક્ટર ત્યાંના લોકોને રેંસી નાખે, તો એ પ્રશ્ન પર મહાસભા દેશવ્યાપી મામલો ઊભો કરે એ વાજબી ઠરે કે નહિ ? જો હા કહેતા હો તો પછી મહાસભાની કારવાઈનો વિચાર કરવામાં જયપુરને એ જ ન્યાય લાગુ પડે છે. જો મહાસભાને દફ્તરે બિનદખલગીરીનો ઠરાવ ન હોત તો આ સવાલ ઊઠત જ નહિ એ દેખીતું છે. તેથી જ કાયદાની દૃષ્ટિએ દેશી રાજ્યો પરદેશી મુલકો જેવાં છે એમ કહ્યાને સારુ લોકોએ ઘણી વાર મને દોષ દીધો છે. હું તો દેશી રાજ્યોમાં ભ્રમણ કરનારો રહ્યો, તેથી જાણતો કે ત્યાં લોકો તૈયાર નહોતા.

“તેવી તૈયારી ત્યાંની પ્રજામાં આવતાં જ કાયદાની, બંધારણની અને એવી બધી કૃત્રિમ મર્યાદાઓ લોપ પામી. એ બધી વસ્તુઓ પોતપોતાની હદમાં ઠીક છે, પણ માનવીનું મન એ બધાં કૃત્રિમ બંધનો તોડીવછોડીને એથી ઊંચે ઊડવા લાગતાં જ પછી તે માનવી ઉન્નતિને રૂંધનારાં થઈ પડે છે. આ સ્થિતિ હું મારી આંખ સામે પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. કોઈની પણ પ્રેરણા વગર મેં જાતે તત્કાળ જોઈ લીધું કે અત્યારે ચાલુ છે તે જાતની દરમ્યાનગીરી મહાસભાએ કરવી જ રહી છે. અને જો મહાસભા દેશમાં જે જાતનું નૈતિક બળ આજે બની છે તેવી ચાલુ રહેશે, એટલે કે તેની અહિંસા-નીતિને પરાયણ રહેશે, તો તે એવી દરમ્યાનગીરીની મજલો એક પછી એક કાપ્યે જશે.

“લોકો કહે છે કે મારી દૃષ્ટિ બદલાઈ છે, ને વર્ષોથી હું કહેતો આવ્યો છું તેથી જુદું અત્યારે કહી રહ્યો છું. વાત એમ છે કે સ્થિતિ બદ્લાઈ છે; હું તો એનો એ જ છું. મારી ભાષા અને કારવાઈ વસ્તુસ્થિતિને અનુસરીને ઘડાય છે. મારી આસપાસની સ્થિતિમાં રફતે રફતે વિકાસ થયો, અને સત્યાગ્રહી તરીકે તેનો પડઘો મારા મનમાં પડ્યો.”

ખબરપત્રીએ રાજકોટ તથા વડોદરાના તાજા બનાવો તરફ ધ્યાન ખેંચતાં પૂછ્યું કે આ રાજ્યોમાં મહાસભાએ દોરેલ ધોરણ સામે લઘુમતીવાળા વાંધા ઉઠાવી રહ્યા છે તેનું શું? ગાંધીજીએ કહ્યું :

“આ બીના મારા પર અસર કરી નથી શકી. ચાલુ ઘડીને સારુ કહેવાતાં કોમી તડાં પડે એટલા કારણસર આઝાદીનાં આંદોલન ખેંચી કે રોકી ન શકાય. હું તો ઇતિહાસનું પુનરાવર્તન થતું જોઈ રહ્યો છું. હું જોઉં છું કે હારતી જતી સત્તા જીવવા સારુ વલખાં મારી રહી છે અને આપસનાં વેરઝેર ઉત્તેજી રહી છે, જેને પ્રતાપે તે ચાર દિવસ વધુ નભી જાય. પણ લોકોએ અહિંસાની કળા બરાબર કેળવી લીધી હશે તો એ સત્તાઓના હાથ હેઠા પડશે અને અંતે પ્રજાનો જ ડંકો વાગશે.

“દાખલા તરીકે, રાજકોટી પ્રજા આઝાદ થાય એમાં રાજકોટના મુસલમાનોનો બધો લાભ જ છે, ખોવાપણું કશું છે જ નહિ. આજે તેઓ રાજ્યકર્તાઓની નહિ પણ તેમના સલાહકારોની ખુશી પર નભે છે. કાલે તેઓ પ્રજાના કારોબારમાં ભાગીદાર બનશે, કારણ તેઓ પ્રજાનું અંગ છે. પણ રાજકોટમાં મુસલમાનો તરફનો કશો સાચો વિરોધ છે એવું હું માનતો નથી. તેમને હિંદુઓ જોડે હમેશાં મીઠો સંબંધ રહ્યો છે. મને એનો જાતિઅનુભવ છે. છેલ્લી ત્રણ માસની ઝળહળતી લડત દરમ્યાન પણ રાજકોટમાં હિંદુ-મુસલમાન વચ્ચે કશો વાદવિરોધ સાંભળ્યો નથી. તેઓ ભલે મોટી સંખ્યામાં જેલ ન ગયા હોય, પણ એક કોમ તરીકે પ્રજાકીય આંદોલનને એમનું પીઠબળ હતું જ.

“વડોદરાની આ કમનસીબ ફિસાદને તો હું સાચે જ સમજી શક્યો નથી. હજુ એના આઘાતમાંથી મને પૂરતી કળ જ વળી નથી કે હું સ્થિતિને બરાબર સમજી શકું. આમાં પણ વડોદરા સ્વયંંતંત્ર મેળવે તેમાં મહારાષ્ટ્રીઓને ખોવાપણું શું છે? પેાતાની અસર કાયમ રાખવાને તેઓ પૂરતા શક્તિશાળી છે. કહેવાતી ગુજરાતી બહુમતીથી તે કચડાઈ જાય તેવું છે જ નહિ. અને અધિકારની જગાઓના ટુકડાની વહેંચણમાં બહુમતીવાળા કદાચ પોતાનો ભાગ મેળવે તોયે તેમાં આઝાદીની લડતમાં ભાગ લેતા અટકી જવા જેવું મહારાષ્ટ્રીઓને સારું શું છે ? તેથી આ કજિયાનાં મૂળ તપાસ્યા વિના પણ, જ્યાં સુધી પ્રજાસેવકો અહિંસક રહેશે અને મહારાષ્ટ્રીઓએ જે કઈ કર્યું તે બદલ તેમના પ્રત્યે કડવાશ નહિ ધરે ત્યાં સુધી, મને કશી આશંકા નથી. વડોદરાની વસ્તી ૨૫ લાખ છે, અને મહારાષ્ટ્રી માંડ થોડા હજાર અને તે પણ ઘણાખરા વડોદરા શહેરમાં વસનારા છે, એ બીના લક્ષમાં લેતાં આ સવાલને ખાસ મહત્ત્વ રહેતું નથી.”

હરિજનબંધુ, ૨૯–૧–૧૯૩૯