દેશી રાજ્યોનો પ્રશ્ન/હિંસા વિ૦ અહિંસા

← ઔંધનું રાજ્યબંધારણ દેશી રાજ્યોનો પ્રશ્ન
હિંસા વિ૦ અહિંસા
મોહનદાસ કરમચંદ ગાંધી
મહાસભા અને દેશી રાજ્યો →







૪૮
હિંસા વિ∘ અહિંસા

ભારતવર્ષમાં આજે ઠેરઠેર હિંસા અને અહિંસાની પદ્ધતિ વચ્ચે દ્વંદ્વયુદ્ધ ચાલી રહ્યું છે. હિંસા પાણીના પ્રવાહ જેવી છે; ક્યાંકે બાકોરું પડ્યું કે તેમાંથી તેનો પ્રવાહ ભયાનક જોસથી વહેવા મથે છે. અહિંસા ગાંડી રીતે કામ કરી જ ન શકે. એ તો સંયમનનું નવનીત છે. પણ જ્યારે તે સક્રિય બને છે ત્યારે પછી ચાહે તેવડાં હિંસાનાં બળો પણ તેને જેર કરી શકતાં નથી. એ સોળે કળાએ ત્યાં જ ખીલે છે જ્યાં તેના આગેવાનોમાં કુન્દન જેવી શુદ્ધતા અને અતૂટ શ્રદ્ધા હોય છે. તેથી દ્વંદ્વમાં જો અહિંસા હારતી દેખાય તો તે કાં આગેવાનોની શ્રદ્ધા ખૂટવાથી, કાં તેમની શુદ્ધતામાં ખામી આવ્યાથી, કે બેઉ કારણે હશે. આમ છતાં અંતે હિંસા ઉપર અહિંસા જય મેળવશે એવું માનવાને કારણ જણાય છે. જે બનાવો બની રહ્યા છે તેની રૂખ એવી છે કે હિંસાની વ્યર્થતા કાર્યકર્તાઓ આપોઆપ સમજી જશે. પણ એક જાણીતા કાર્યકર્તા લખે છે :

“સત્યાગ્રહનો સામનો કરવાની રજવાડી રીત બ્રિટિશ સત્તાના કરતાં જુદી જણાય છે. કેટલાંક દેશી રાજ્યોમાં અખત્યાર કરવામાં આવતી રીતો અતિ અમાનુષ અને જંગલી છે. આવી પશુતા સામે અહિંસા સફળ થશે ખરી ? સ્રીઓની ઇજ્જત આબરૂની રક્ષા કરવાની પણ શું તેમાં રજા નથી? સામાન્ય કાયદો પણ એવી રક્ષાનો હક આપે છે, તો પછી આવા જંગલી અને અમાનુષ તંત્રનો સામનો કરવામાં એ હકનો ભોગવટો કાં ન કરવો? આ મુદ્દાઓ ઉપર આપ ખુલાસો આપશો ?

ઉત્કલના પેલિટિકલ એજન્ટના થયેલા ખૂનને અંગે આપે પ્રદર્શિત કરેલા વિચારો મેં ફરીફરી વાંચ્યા છે. દિલગીરીની વાત છે કે તેમાં ઉત્કલનાં દેશી રાજ્યોની રૈયત પર ગુજરેલા અમાનુષ અત્યાચારોનો ઉલ્લેખ નથી. એજન્ટનું ખૂન એ દેશી રાજ્યના સત્તાવાળાઓને દયાળુ થવાને દૈવી ચેતવણીરૂપ નથી શું? સરવાળે જોતાં, દેશી રાજ્યોની રૈયત અને પોલિટિકલ ખાતું એ બે વચ્ચે કોણ આપની સહાનુભૂતિને વધુ પાત્ર છે? અને જે ભયાનક દમન માટે પોલિટિકલ એજન્ટ જવાબદાર હતા તેનું શું ? એજન્ટનું ખૂન કમનસીબ બીના છે એ સાચું, પણ એને સારુ કોણ જવાબદાર છે? જો એજન્ટે ઉત્કલના દેશી રાજાઓને યોગ્ય સલાહ આપી હોત અને પોતે ભયાનક દમનમાં ભળ્યો ન હોત તો લોકો ખચીત કાબૂ ખોત નહિ.

આ બીના દેશી રાજ્યોમાં કામ કરનારા સૌને સારુ ચેતવણીરૂપ નીવડવી જોઈએ, એ આપના કથન જોડે હું મળતો છું. પણ સત્ય અને અહિંસાના આપના જેવા મહાન ઉપદેશકે હિંદી સરકારના પોલિટિકલ ખાતાને અને ખાસ કરીને પૂર્વનાં દેશી રાજ્યોની એજન્સીને પણ દેશી રાજ્યોની પ્રજા જોડે કામ લેવામાં જંગલી રીતો ન અખત્યાર કરવા સાથેસાથે કાં ન ચેતવ્યા? એજન્સીની કારવાઈ સાચે જ ભયાનક છે, અને પોલિટિકલ એજન્ટનું ખૂન એજન્સીની પશુતાભરી દમનનીતિની અવધિનું પરિણામ છે. અલબત્ત એ દુર્દૈવી ઘટના છે, પણ એજન્ટ પોતે તેને સારુ જવાબદાર હતો. વળી ટોળાને હાથે મૂએલા એજન્ટ માટે સહાનુભૂતિ દર્શાવીએ તો તે જ જગ્યાએ બીજા બે — ઘણું ખરું પોલીસની હિંસાને પરિણામે — મૂઆ તેમને માટે કાં નહિ? મને તો લાગે છે કે એજન્ટ બૅઝલગેટનું ખૂન સૌ પહેલાં હિંદી સરકારને અને પોલિટિકલ ખાતાને તેમ જ દેશી રાજાઓને અને પછી જ આપણને ચેતવણીરૂપ છે.”

આત્મરક્ષાનો હક અલબત્ત સૌ કોઈને છે, અને તેવો જ હક સશસ્ત્ર બળવો કરવાનો પણ છે. પણ ઊંડો વિચાર કર્યાં પછી મહાસભાએ બેઉ ઇરાદાપૂર્વક જતા કર્યા છે. સબળ કારણોસર મહાસભાએ આમ કર્યું છે. અહિંસામાં જો આકરામાં આકરી ઉશ્કેરણી સામે પણ ટકી રહેવાનું અને હાર ન ખાવાનું સામર્થ્ય ન હોય તો તેની ઝાઝી કિંમત નથી. એની સાચી કસોટી જ ચાહે તેવડી ઉશ્કેરણી સામે ટકી રહેવાની એની શક્તિમાં રહેલી છે. સ્ત્રીઓની લાજ લૂંટાઈ હોય અને તે નજરે જોનારા અહિંસાવાદી સાક્ષીઓ હોય તો તે જીવતા ક્યાંથી રહ્યા? અને લાજ લૂંટાયાના બનાવોની પાછળથી જાણ થઈ તો વખતે પછી હિંસક બળના પ્રયોગનો ઉપયોગ પણ શો રહ્યો? અહિંસાની રીત તે પછી પણ કારગત થઈ શકે. અત્યાચારીઓ પર કામ ચલાવી શકાય, અગર તો પ્રજામત જેવું કશું હોય તો તેની આગળ તેમને ઉઘાડા પાડી શકાય. ગુનાખોરોને ઊકળેલા ટોળાને હવાલે કરવા એ તો જંગલીપણું જ ગણાય.

એજન્ટના ખૂનને લગતી દલીલ અપ્રસ્તુત છે. મારે કંઈ એક તરફ રાજ્યકર્તા અને પોલિટિકલ એજન્ટની અને બીજી તરફ લોકોની કારવાઈનો ન્યાય તોળવાનો નહોતો. એજન્ટની હત્યાને ખુલ્લી રીતે વખોડી કાઢવી — અને તે માત્ર સહાનુભૂતિની લાગણીને ખાતર નહિ પણ મહાસભાની ધરમૂળની નીતિના ભંગ અને હડહડતી ગેરશિસ્તભર્યાં કૃત્ય માટે — એટલું જ મારે સારુ બસ હતું. રાજાઓનાં દુષ્કૃત્યોને આ કટારોમાં મેં કંઈ થોડી વાર ઉઘાડાં નથી પાડ્યાં; પણ તે તેમના પર લોકોનો રોષ ઉતારવા નહિ, પણ એ દુષ્કૃત્યોનો અહિંસક સામનો કેવી રીતે કરી શકાય એ લોકોને બતાવવાના જ એકમાત્ર હેતુથી. ઉત્કલમાં સુંદર કાર્ય ચાલી રહ્યું હતું એ વાતનો સંગીન પુરાવો હું આપી શકે એમ છું. આ ખૂનથી ત્યાંના આંદોલનના પ્રવાહમાં વિક્ષેપ પડ્યો. રણુપુર આજે ભેંકાર વગડો થઈ પડ્યું છે, નિર્દોષ દોષી સૌ કોઈ સંતાઈ લપાઈ રહ્યા છે. દમનથી બચવા તેઓ ઘરબાર છોડી નાસી છૂટ્યા છે. એક કે બીજા રૂપમાં ત્યાં થરેરાટી બોલાવાઈ રહેલ છે એમાં શંકા નથી. અને આખા હિંદુસ્તાનને લાચારીપૂર્વક તે આજે નિહાળવું પડે છે. સત્તાવાળાઓને તેમના અમલદારોનાં — ખાસ કરીને તેઓ ગોરા હોય ત્યારે — ખૂનનો બીજી કોઈ રીતે બંદોબસ્ત કરવાની ગમ નથી. અહિંસાનો માર્ગ તેમને ધીમેધીમે નવો રસ્તો શીખવી રહેલ છે. પણ મારી દલીલને વધુ લંબાવવાની જરૂર નથી. હાથના કંકણને આરસીની જરૂર ન હોય. એ રીતોનાં હિંદમાં અત્યારે પારખાં થઈ રહ્યાં છે. કાર્યકર્તાઓએ પોતાની પસંદગી કરવી રહી છે. હું જાણું છું કે ભારતવર્ષની મુક્તિ કેવળ અહિંસાને જ માર્ગે છે. જે કાર્યકર્તાઓ મહાસભામાં રહીને એથી ઊલટું વિચારે છે અગર ઊલટી રીતે વર્તે છે તેઓ પોતાને તેમ જ મહાસભાને ધક્કો પહોંચાડી રહ્યા છે.

બારડોલી, ૧૬–૧–૩૯
હરિજનબંધુ, ૨૨–૧–૧૯૩૯