દેશી રાજ્યોનો પ્રશ્ન/ઔંધનું રાજ્યબંધારણ

← રાજકોટ દેશી રાજ્યોનો પ્રશ્ન
ઔંધનું રાજ્યબંધારણ
મોહનદાસ કરમચંદ ગાંધી
હિંસા વિ૦ અહિંસા →







૪૭
ઔંધનું રાજ્યબંધારણ

ઔંધ રાજ્યને માટે જે નવું રાજ્યબંધારણ હમણાં ઘડાયું છે તેમાં કેટલીયે ચોંકાવનારી વસ્તુઓ છે. પણ આ નોંધમાં તો હું એમાંની મતાધિકાર અને ન્યાયની અદાલતો એ બેને જ વિષે લખવા ઇચ્છું છું.

અત્યાર સુધી હું એમ માનતો ને કહેતો આવ્યો છું કે પુખ્ત વયનું દરેક માણસ — પછી તે અભણ હો કે ભણેલું — તેને મત આપવાનો અધિકાર હવે જોઈએ. મહાસભાના બંધારણના અમલનું નિરીક્ષણ કરતાં કરતાં મારો મત બદલાયો છે. હવે હું એમ માનતો થયો છું કે મતાધિકારને માટે અક્ષરજ્ઞાન આવશ્યક ગણાવું જોઈએ. એનાં બે કારણ છે. મત એ એક ખાસ હકરૂપ ગણાવો જોઈએ, અને તેને માટે કંઈક લાયકાત આવશ્યક મનાવી જોઈએ. સાદામાં સાદી લાયકાત એ અક્ષરજ્ઞાનની — લખતાં વાંચતાં આવડવાની — છે. અને અક્ષરજ્ઞાનવાળા મતાધિકારવાળા બંધારણ અનુસાર નિમાયેલું પ્રધાનમંડળ ને મતાધિકારથી વંચિત એવા નિરક્ષર પ્રજાજનોના હિતની કાળજી રાખનારું હશે તો અતિ આવશ્યક એવું અક્ષરજ્ઞાન જોતજોતામાં આવી જશે. ઔંધના રાજ્યબધારણમાં પ્રાથમિક કેળવણીને મફત અને ફરજિયાત બનાવવામાં આવી છે. શ્રી. આપ્પાસાહેબે મને ખાતરી આપી છે કે ઔંધ રાજ્યમાંથી છ મહિનાની અંદર નિરક્ષરતા નાબૂદ થાય એની કાળજી તેઓ રાખશે. એટલે હું આશા રાખું છું કે મતાધિકારને માટે અક્ષરજ્ઞાનની જે લાયકાત ઠરાવવામાં આવી છે તેની સામે ઔંધમાં કશો વિરોધ નહિ થાય.

પ્રચલિત પ્રથામાં બીજો ફેરફાર એ કરેલો છે કે નીચલી અદાલતમાં ન્યાય મફત ને અતિશય સાદો કરી નાંખ્યો છે. પણ ટીકાકારો કદાય નારાજ થશે તે ન્યાયના આ મફતપણા કે સાદાઈથી નહિ પણ બીજી એક વસ્તુથી. તે એ છે કે વચલી બધી અદાલતો નાબૂદ કરવામાં આવી છે, અને દાવાના પક્ષકારો અને આરોપીનું નસીબ એક જ માણસની બનેલી વરિષ્ઠ અદાલતના હાથમાં સોંપવામાં આવેલું છે. પોણો લાખ માણસની વસ્તીમાં ઘણા ન્યાયાધીશો હોવા એ અનાવશ્યક અને અશક્ય બને છે. અને જો યોગ્ય પ્રકારના માણસને મુખ્ય ન્યાયાધીશ તરીકે પસંદ કરવામાં આવે તો તે મોટા પગારવાળા ન્યાયાધીશોના મંડળ જેટલા જ શુદ્ધ ન્યાય આપે એ સંભવત છે. ન્યાયનું સ્વરૂપ આમ સાદું કરવામાં કલ્પના એ રહેલી છે કે અદાલતોનું અટપટું ને લાંબુલચ કામ નાબૂદ કરવું, અને મોટાં કાયદાનાં થોથાં અને બ્રિટિશ અદાલતોમાં વપરાતા કાયદાના રિપોર્ટોનો ઉપયોગ પણ કાઢી નાંખવો.

બારડોલી, ૧૦–૧–૩૯
હરિજનબંધુ, ૧૫–૧–૧૯૩૯