← દેશી રાજ્યો અને પ્રજા દેશી રાજ્યોનો પ્રશ્ન
રાજકોટ
મોહનદાસ કરમચંદ ગાંધી
ઔંધનું રાજ્યબંધારણ →







૪૬
રાજકોટ

રાજકોટની લડત જેટલી સુંદર રીતે શરૂ થઈ તેટલી જ સુંદર રીતે તે પૂરી થઈ છે. આ લડતના સંબંધમાં અત્યારસુધી હું લગભગ કશું જ બોલ્યો નથી. મારા મૌનનો કોઈ એ અર્થ ન કરે કે મને એમાં રસ નહોતો. રાજકોટ જોડેનો મારો નિકટ સંબંધ જોતાં એમ હોવું અસંભવિત હતું. મારા પિતા રાજકોટ રાજ્યના દીવાન હતા એ બીના ઉપરાંત મરહૂમ ઠાકોર સાહેબ (લાખાજીરાજ) મને બાપને ઠેકાણે માનતા. મારા મૌનનું બીજું એ પણ કારણ હતું કે સરદાર વલ્લભભાઈ આ લડતના પ્રાણ હતા. મારે એમનાં કે એમના કામનાં વખાણ કરવાં એ પોતાનાં વખાણ કર્યાં બરાબર થાત.

રાજકોટની લડતે બતાવી આપ્યું છે કે અહિંસાની ભાવનાથી પ્રજા પૂરતી રંગાયેલી હોય તો એણે કરેલો અહિંસામય અસહકાર કેટલું કામ કરી શકે છે. રાજકોટ રાજ્યની પ્રજાએ જે સંપ, સંગઠન અને ત્યાગશક્તિ દેખાડી આપ્યાં એવાંની મને મુદ્દલ આશા નહોતી. તેમણે બતાવી આપ્યું છે કે, પ્રજા એ રાજાના કરતાં મોટી છે અને અહિંસામય લડતમાં સંગઠિત થયેલી પ્રજાની સામે એક અંગ્રેજ દીવાનનું સુધ્ધાં કશું ચાલી શકે નહિ.

ઠાકોર સાહેબને અભિનંદન ઘટે છે કે અંગ્રેજ દીવાનની સલાહ અને રેસિડેન્ટની ઇચ્છાને કોરે મૂકીને તેમણે લગામ પોતાના હાથમાં લીધી. મારી પાસેના કાગળપત્રો ઉપરથી હું જાણું છું કે રેસિડેન્ટની હૂંફ ભોગવતા સર પૅટ્રિક કૅડેલે ઠાકોર સાહેબના નોકર તરીકે પોતાની શોભા ખોઈ. પોતે ભાન ભૂલ્યા અને માલિકની જેમ વર્ત્યા. પોતે રાજ્યકર્તાની જાતિના છે અને પોતાની નિમણુક ચક્રવર્તી સત્તાની મંજૂરીને આધીન છે, એ બીના પર એમણે મદાર બાંધી, અને પોતે ચાહે સો કરી શકે એમ માની લીધું. આ લખતી વેળાએ હું નથી જાણતો કે ડહાપણુપૂર્વક નિવૃત્ત થવાનું હજું તેમને સૂઝ્યું છે કે શું થયું છે. મારી પાસે પડેલા પત્રવહેવાર ઉપરથી જોઉં છું કે દેશી રાજાઓ વિચારમાં પડી ગયા છે કે ગોરા દીવાનો રાખવામાં કેટલે સુધી ડહાપણ છે. ચક્રવર્તી સત્તાએ પણ જે તેમણે કરેલી જાહેર પ્રતિજ્ઞાઓનું મનવચનથી પાલન કરવું હોય તો રેસિડેન્ટો ઉપર નજર રાખ્યે જ છૂટકો છે.

આપણે આશા રાખીશું કે દેશી રાજાઓ જેઓ હમેશ રેસિડેન્ટોનો ધાક વેઠે છે તેઓ રાજકોટના દાખલાથી જાણશે કે, જો તેઓ પોતે સીધા હશે અને જો તેમની પ્રજા સાચે તેમની ભેરે હશે તો, તેમને રેસિડેન્ટોથી કશું જ બીવાપણું નથી. તેમને સાચે જ દેખાવું જોઈએ કે ચક્રવર્તી સત્તા સીમલામાં કે વિલાયતમાં નથી વસતી પણ તેમની પ્રજાના હૈયામાં વસે છે. અહિંસક બળ ઉપર મુસ્તાક એવી કોઈ પણ જાગેલી પ્રજા શસ્ત્રધારી સત્તાના ચાહે તેવા સંગઠનની સામે પણ આઝાદ છે. રાજકોટની પ્રજાએ દેખાડી આપ્યા તેવા ગુણો પ્રજા દેખાડે તો રાજકોટે ત્રણ માસમાં જે કરી દેખાડ્યું તે દરેક રાજ્ય કરી શકે એમ છે.

હું એવો દાવો નથી જ કરતો કે રાજકોટની પ્રજાએ એવી અલૌકિક અહિંસા કેળવી લીધી છે જે એકેએક કસેાટીની સામે અમોઘ નીવડશે. પણ રાજકોટે એટલું જ બતાવી આપ્યું કે સંગઠિત થયેલી એક આખી પ્રજા સામાન્ય કોટિની અહિંસા ચલાવીને પણ કેટલું સાધી શકે છે.

આમ રાજકોટી પ્રજાએ મોટી કામગીરી બજાવી છે. અને છતાં સત્યાગ્રહીઓ તરીકે તેમની ખરી કસોટી હજુ હવે થવાની છે. જે ગુણોને બળે તેમણે આવડી જીત મેળવી તે ગુણોને જો પ્રજા સ્થાયી રૂપે ટકાવી નહિ શકે તો તેમનું કર્યુંકારવ્યું ફોક નીવડશે. આખા ભારતમાં મહાસભાવાદિઓ વર્ષોંની તાલીમથી હવે સત્યાગ્રહી સામનો કરતાં તો બધે શીખી ગયા છે, પણ રચનાત્મક અહિંસાની આવડત દેખાડવાનું તેમને સારુ હજુ બાકી છે. સવિનય ભંગમાં અવિનયની એટલે કે હિંસાની સેળભેળ ખાસી રીતે થાય અને છતાં તે સત્યાગ્રહ તરીકે વેચાય એમ બને.

પણ રચના હમેશાં કપરું કામ હોય છે. એના પડ ઉપર હિંસા ઝટ પકડાઈ જાય છે. આવી હિંસા જીતને પણ જાળમાં મૂકે અને તેને ભ્રમણા સાબિત કરે એમ બને. રાજકોટની પ્રજા જરૂરી નિઃસ્વાર્થ અને આત્મવિલોપન દેખાડશે? પોતાના અને પોતાના લાગતાવળગતાઓના ઝીણા-મોટા સ્વાર્થ સાધી લેવાની લાલચ સામે લડી શકશે? જેનું કહ્યું સૌ કોઈ ખુશીથી સહેજે માને એવી શાણી અને દૃઢ આગેવાનીની મદદથી આમપ્રજા જે કંઈ સાચે જ મેળવશે તે, સત્તાને સારુ પડાપડી ને હોંસાતોંસી કરવા જશે તો, ખોઈ બેસશે. ખટપટ એ કાઠિયાવાડનો જાણીતો દુર્ગુણ છે. કાઠિયાવાડ જેમ શૂરાઓને નિપજાવનારી ધરતી છે તેમ તે મુસદ્દીઓની પણ ભૂમિ છે. એ વર્ગ પોતાના અંગત સ્વાર્થને આગળ ધપાવવા ઉપરાંત બીજું કશું જ જોનારો નથી. આ વર્ગની જો સરસાઈ થઈ તો રાજકોટમાં રામરાજ્યની આશા સ્વપ્નવત્‌ થઈ જશે. રામરાજ્ય એટલે પહેલેથી આખર સુધી ત્યાગ અને આત્મવિલોપન. રામરાજ્ય એટલે પ્રજાએ પોતાના ઉપર મૂકેલી મરજિયાત શિસ્ત. આવી રચનાત્મક અહિંસા એ રાજકોટની પ્રજા દેખાડી શકશે તો રાજકોટની પ્રભા ચોમેર ફેલાશે અને તેનો દાખલો અનુકરણીય બનશે.

તેથી રાજકોટી પ્રશ્ન આ અવસરે આત્મગૌરવમાં અને નકામા હર્ષાવેશમાં ભાન ન ભૂલતાં પોતાની જીતને નમ્રતાનો, અંતરખોજનો, અને પ્રભુની કરુણા ભાખવાનો અવસર સમજે. હું તેમની પ્રવૃત્તિઓની ખબર રાખ્યા કરીશ, આશા રાખીશ, અને પ્રભુની પ્રાર્થના કરીશ.

બારડોલી જતાં ગાડીમાંથી, ૨–૧–૩૯
હરિજનબંધુ, ૮–૧–૧૯૩૯