← દેશી રાજ્યો દેશી રાજ્યોનો પ્રશ્ન
મારી ભૂલ?
મોહનદાસ કરમચંદ ગાંધી
મારી વ્યથા →







૬૫
મારી ભૂલ?

રાજકોટના મામલામાં ગૂંચવાવાને સારુ કેટલાક મિત્રો મને મીઠો ઠપકો આપી રહ્યા છે. એમની દલીલોનો સાર આ પ્રમાણે છે:

“બીજું બધું છોડીને એક રાજકોટના પ્રશ્નમાં જ આમ રોકાઈ જવામાં તમને પ્રમાણનું ભાન મુદ્દલ રહ્યું જણાતું નથી. ત્રિપુરીમાં હાજર રહેવાની તમારી ચોખ્ખી ફરજ હતી. તમે ત્યાં જાત તો ત્યાંની સ્થિતિ બધી બદલાઈ જાત. વગરનોટિસે રાષ્ટ્રના જીવનમાં આમ ખલેલ કરવાનો તમને કશો હક નહોતો. એક રાજા પાસે તેનું વચન પળાવવા સારુ તમારે અનશન કરવાનું શું પ્રયોજન ? રાજકોટના લોકોનો સત્યાગ્રહ જારી હતો. તમે અચાનક ન અટકાવ્યો હોત તો, ચાહે તેમ થાત તોયે, લોકો એમાંથી પ્રબળ બનીને જ બહાર આવત. તમારી રીત પ્રજાસત્તાકના ચણતરને પોષક નથી. વળી તમે જ હિંદુસ્તાનને વાઈસરૉચ–ગર્વનરો અને એવા જ વડા અમલદારો, જેઓ આપણને તેમના દમામથી અંજાવતા, તેમનાથી છેટા રહેતાં શીખવ્યું. આજે જ્યારે મોટમોટાં કામો તમારા ધ્યાનની બીજે વાટ જુએ છે ત્યારે તમે પોતે વાઈસરૉયની તહેનાત ભરી રહ્યા છો. સમૂહતંત્ર (ફેડરેશન)ના તમે વિરોધી ગણાઓ છે છતાં ફેડરલ અદાલતના વડા ન્યાયાધીશને કબૂલ રાખો છો અને એનો ચુકાદા આવતાં સુધી દિલ્લી છોડતા નથી. સાચે જ મહાત્માઓની લીલા અકળ છે.”

ઉતાવળિયા વાચકને આ દલીલ સચોટ લાગશે, પણ જરા ઊંડે ઊતરીને તપાસનારને અને સત્યાગ્રહનો માર્ગ સમજનારને એનું ખોટાપણું સમજાતાં વાર નહિ લાગે. રાજકોટમાં મેં જે કંઈ કર્યું અથવા કરી રહ્યો છું એમાં નવું કશું નથી. ભૂગોળની નજરે રાજકોટ હિંદુસ્તાનના નકશા ઉપર એક ઝીણું ટપકું માત્ર છે, પણ જે જાતના ક્ષોભ જોડે કામ લેવા હું ત્યાં પ્રેરાયો એ એક સાર્વત્રિક રોગનું લક્ષણ હતું. એ રોગને પ્રારંભમાં જ ડામવાનો રાજકોટમાં મારો પ્રયત્ન હતો. મારા અભિપ્રાય મુજબ એ પ્રયત્નનું અત્યાર લગીમાં જે કંઈ પરિણામ આવ્યું છે તેથી આખા હિન્દુસ્તાનને લાભ જ થયો છે. મને તો લાગે છે કે બચાવની તૈયારીમાં લગારે ગાબડું ન રહેવા દેવાની તકેદારી રાખનાર સેનાપતિના ડહાપણથી હું વર્ત્યો. ખેડા-ચંપારણની લડતો આના દાખલારૂપ છે, જ્યારે તે ચાલી ત્યારે આખા ભારતવર્ષનું ધ્યાન એ પર રોકાયું હતું, અને મારે પણ બધું ધ્યાન ત્યાં જ એકાગ્ર કરવું પડેલું. એકીવારે આખી રણભૂમિ ઉપર કામ કરવું પડે એવું તો જવલ્લે જ બને. આપણે લડાઈની તૈયારી અને ખરેખરી ઝપાઝપી વચ્ચેનો ભેદ ઓળખતાં શીખવું જોઈએ. ત્રિપુરીના મામલા તૈયારીની બાબત હતી, રાજકોટમાં પ્રત્યક્ષ ઝપાઝપી હતી.

અહિંસાના શસ્ત્રાગારમાં ઉપવાસ એ એક ચમત્કારી શસ્ત્ર છે. બહુ થોડા એને વીંઝી શકે છે એટલા સારુ એનો ઉપયોગ ત્યાજ્ય ઠરતો નથી. પરમેશ્વરે બક્ષેલી આ બુદ્ધિશક્તિ બીજામાં નથી અગર તો બધામાં તેમાંની કેટલીક નથી એટલા સારુ મારે તે હોવા છતાં ન વાપરવી, એ તો મૂર્ખાઈ ઠરે. કોઈની પાસે કશી ખાસ બુદ્ધિશક્તિ હોય અને તે તેનો ઉપયોગ પ્રજાસત્તાની સેવામાં આપે તો તેથી પ્રજાસત્તાના વિકાસ રૂંધાય એવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું તો માનું છું કે એથી ઊલટું એને ચેતના મળે છે; અને રાજકોટના ઉપવાસમાંથી બેશક એમ જ થયું છે. વળી અગાઉના ઉપવાસોથી પ્રજાને લાભ થયો છે તો રાજકોટના ઉપવાસને શા સારુ વખાડવો? ટીકાકાર કહી શકે છે કે અગાઉના ઉપવાસો વખતે પણ ટીકા થઈ જ હતી. બેશક થઈ હતી. પણ મારું કહેવું એટલું જ છે કે તે દરેક વેળાએ પ્રજાપક્ષને લાભ જ થયો હતો. પ્રજાસત્તાના વિકાસને જે વસ્તુ અટકાવે છે તે તો હિંસા છે. જાહેર પ્રજા મારું વચન માને કે, મારા ઉપવાસથી બીજું કશું ન થયું હોય તોયે ઘણી હિંસા થતી અટકી એટલું તો ચોકસ છે.

વાઈસરૉય પાસે હું ગયો તેની મને મુદ્દલ શરમ નથી. તાજને અધીન એવા એક રાજ્યકર્તા પાસે આપેલું વચન પળાવવાની બાબતમાં વચ્ચે પડવાની બાબતમાં તેમની ફરજ અદા કરવા તાજના પ્રતિનિધિને મેં નોતર્યા. એક અરજદાર તરીકે દયા માગવા નહોતો ગયો. એવી મધ્યસ્થીની માગણી કર્યાં પછી એમને મળીને ચર્ચા કરવાના તેમના નિમંત્રણને નકારવું એ તો હલકાઈ ઠરત. વાઈસરૉયે મારા ઉપવાસ દરમ્યાન પોતાની વર્તણૂકથી જે દાનાઈ દેખાડી એનો સ્વીકાર આ અગાઉ હું કરી ચૂક્યો છું. ઉપવાસની ઉપેક્ષા કરીને તે વચ્ચે પડવું કે નહિ અગર તો ક્યારે પડવું એ વાતનો નિર્ણય કરવામાં તેઓ સહેજે વખત લઈ શક્યા હોત. પણ તેમણે તેમ ન કર્યું, પ્રજાની ચિંતા ઓળખી, અને ઘટતી ત્વરાએ પોતાનું પગલું નક્કી કરવા સારુ જે રીતે એમણે પોતાનો રજપૂતાનાનો પ્રવાસ ટૂંકાવ્યો તેના મૂળમાં એમની માનવતાની લાગણી હતી, એ વિષે મને શંકા નથી.

ના. વાઈસરૉયની તહેનાતમાં હાજર થવા વિષે મારે કશી ક્ષમાયાચના કરવાપણું નથી. વિરોધીનો હૃદયપલટો કરવાની અગર તો પૂરી માનભરી રીતે તેની જોડે સમાધાની કરવાની એકે તક ન જવા દેવી એ સત્યાગ્રહનું અંગ છે. અત્યારના લૉર્ડ હૅલિફૅક્સ, લૉર્ડ અરવીન તરીકે, હિંદના વાઈસરૉય હતા ત્યારે મેં જે કર્યું હતું તે જ અત્યારે નાના પાયા પર લૉર્ડ લિનલિથગો જોડે વર્તવામાં હું કરી રહ્યો છું.

છેવટે, ઠાકોર સાહેબે સરદારને આપેલા તા. ૨૬-૧૨-૩૮ના કાગળનો અર્થ કરવાને સારુ હિંદના વડા ન્યાયાધીશના મારા સ્વીકાર વિષે. ઠાકોર સાહેબ કાગળનો એક અર્થ કરતા હતા, સરદાર બીજો કરતા હતા. વાઈસરૉયે હિંદના સરન્યાયાધીશ પાસે કરાવવા સૂચવ્યું, મારો ધર્મ શો ? મારે શું એટલા સારુ ના પાડવી કે તે હિંદના નવા કાયદા હેઠળ રચવામાં આવેલ અદાલતના સરન્યાયાધીશ હતા ? આવો વાંધો ઊભો કરવા સામે મારી ઔચિત્યવૃત્તિ બળવો જ કરે. સર મૉરીસ ગ્વાયરને એક દસ્તાવેજનો અર્થ કરનાર પંચ તરીકે મેં સ્વીકાર્યા એથી સમૂહતંત્ર નજીક નથી આવ્યું. જો સમૃહતંત્ર લદાવાનું જ હશે તો તે દેશમાં આજે વધી રહેલાં હિંસાબળોને તેમ જ મહાસભાના તંત્રમાં વધ્યે જતાં નિરંકુશતા અને સડો, જેની સામે હું છેલ્લા બાર માસથી પોકાર કરી રહ્યો છું, તેને અહિંસક અંકુશ હેઠળ આણવાની આપણી નામરદાઈમાંથી જન્મેલી અશક્તિને પરિણામે જ લદાશે.

વાચક એ પણ જાણે કે, સર મૉરીસે લખાણનો અર્થ કર્યો તે ફેડરલ અદાલતના સરન્યાયાધીશ તરીકે નહિ પણ એક નામાંકિત ન્યાયાધીશ તરીકે કર્યો છે. આ કામ કરવામાં તેમણે કેટલો પરિશ્રમ ઉઠાવ્યો છે એ તે ચુકાદો વાંચનારના લક્ષમાં આવ્યા વગર રહે તેમ નથી.

રાજકોટ, ૮–૪–૩૯
હરિજનબંધુ, ૧૬–૪–૧૯૩૯