← મારી ભૂલ? દેશી રાજ્યોનો પ્રશ્ન
મારી વ્યથા
મોહનદાસ કરમચંદ ગાંધી
હું હાર્યો →







૬૬
મારી વ્યથા

આજ સાંજના દેખાવને અંગે મને સૌથી વધારે દુઃખ એ વાતનું થયું કે દેખાવ કરનારાઓએ જેને હું દિવસનો પવિત્રમાં પવિત્ર સમય ગણું છું તે સમય દેખાવ કરવા માટે પસંદ કર્યો. આખું હિંદુસ્તાન જાણે છે કે, વરસો થયાં હું સાંજની પ્રાર્થના ખુલ્લામાં જનસમુદાય આગળ કરતો આવ્યો છું ને એમાં લગભગ કદી વિક્ષેપ પડ્યો નથી. એમણે મને સતાવવા માટે મારો પ્રાર્થનાનો સમય શા સારુ પસંદ કર્યો ? વળી જે સખ્યાબંધ સ્ત્રી પુરુષ બાળકો દિવસને અંતે આપણા સૌના એક ને અદ્વિતીય એવા ઈશ્વરની નમ્રભાવે પ્રાર્થના કરવા આવ્યાં હતાં, તેમણે આવી દખલને પાત્ર થવા જેવું શું કર્યું હતું ? હું પ્રાર્થના સિવાય બીજે પ્રસંગે બહાર જતો નથી એમ હતું, તો મેં પ્રાર્થનાભૂમિમાં પ્રવેશ કર્યો તે ઘડીએ પોકારો કરીને ને કાળા વાવટા ફરકાવીને એમણે સંતોષ કાં ન માન્યો ? એ પણ સારી પેઠે ભૂંડુ તો ગણાત.

પણ એમણે તો પ્રાર્થના ચાલી તેટલો બધો વખત જોરજોરથી પોકારો કરવા ચાલુ રાખ્યા. એ બધા દેશબંધુઓ હતા. એક તરફ હું પ્રાર્થનાના શબ્દો પર ચિત્ત એકાગ્ર કરવા મથતો હતો, બીજી તરફ એમની બૂમો મારા કાનમાં તીરની પેઠે ભોંકાતી હતી. ગમે તેવા બાહ્ય વિક્ષેપ છતાં તેની મન પર કશી અસર ન થાય એવી અવિચળ ધ્યાનની શક્તિ મેં હજુ પ્રાપ્ત નથી કરી. એમને ખબર હતી કે એમના વિરોધી દેખાવ અને એમનો રોષ નિહાળવાને એમણે મને એમની સભામાં હાજર રહેવા બોલાવ્યો હોત તો, હું શરીરે અશક્ત છતાં, ત્યાં ગયો હોત ને એમને શાંત પાડવા મેં પ્રયત્ન કર્યો હોત.

હું દૃઢતાપૂર્વક કહું છું કે મેં મુદ્દલ વચનભંગ કર્યો નથી. મારી જાણ પ્રમાણે, મારી આખી જાહેર તેમ જ ખાનગી કારકિર્દી દરમ્યાન, મેં આપેલું વચન કદી તોડ્યું નથી. આ પ્રસંગમાં તો વચનભંગને માટે કશો હેતુ જ રહેતો નથી. પણ મેં રખેને ઉતાવળમાં એવું વચન આપ્યું હોય જેમાંથી મેં ૧૧મી માર્ચે ભાયાતોને લખેલા કાગળનો મેં કરેલો એથી બીજો કંઈ અર્થ થતો હોય એમ વિચારીને, મેં રાજકોટમાં જેટલા વકીલ મિત્રોને ભેગા કરી શકાય એટલાને કરીને પૂછી જોયું ને એમનો પૂર્વગ્રહરહિત અભિપ્રાય માગ્યો. મેં એમને કહેલું કે, ‘તમે પૂરા કારણ વિના મારા કાગળના મેં કરેલા અર્થને ટેકો આપવા જશો તો તમારી પ્રતિષ્ઠા ખોઈ બેસશો.’ એમને દલીલો સાથેનો ને એકમતવાળો અભિપ્રાય મારી પાસે પડેલો છે, તે મારા અર્થનું પૂરેપૂરું સમર્થન કરે છે ને બીજો અર્થ થઈ જ ન શકે એમ જણાવે છે.

મને બીક છે કે વિરાધી દેખાવો કરનારાઓએ નિર્દોષ સ્ત્રીપુરુષોની પ્રાર્થનામાં અકારણ ખલેલ કરીને પોતાની હિલચાલને બળ નથી આપ્યું. વડા ન્યાયાધીશના ચુકાદાનો યોગ્ય અમલ કરાવવામાં પહાડ જેવડાં વિઘ્નો આડાં પડેલાં છે. એ વિઘ્નોનું વર્ણન આ ઘડીએ કરવાની મને છૂટ નથી. પણ સરદારની યાદીમાંથી અમુક નામો બાતલ રાખવાના મારા વર્તનથી જેઓ દુભાયા હોય તેમને મારી વિનંતી છે કે તેઓ સબૂરી રાખે. તેમની ફરિયાદો દૂર કરાવવા માટે બધાં વાજબી સાધનોનો ઉપયોગ તેઓ સુખે કરે. તેમણે આજે જે રીત અખત્યાર કરી તે જરાયે વાજબી નહોતી.

રાજકોટ, ૧૬–૪–૩૯
હરિજનબંધુ, ૨૩–૪–૧૯૩૯