દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/કમાલ જમાલની વારતા

← ઉત્તર માર્ગનો લોપ દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તા વિનોદમંડળ : સભા પાંચમી કમાલ જમાલની વારતા
રામનારાયણ પાઠક
મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તા વિનોદમંડળ : સભા છઠ્ઠી પરકાયા પ્રવેશ →





મેહફિલે ફેસાનેગુયાન ઉર્ફે વાર્તાવિનોદ મંડળ

સભા પાંચમી

મેં કહ્યું : કેમ ધીરુબહેન, આજે બોલાવ્યો ?

કેમ શું? મારી વાર્તા તૈયાર થઈ ગઈ છે. પછી ક્યાં સુધી રાખી મૂકવી ? એમનું મન વાર્તામાંથી દહાડે દહાડે ઊઠતું જાય છે. એ હમણાં હમણાં આ લડાઈના અને કહેવાતાં હિંદુ-મુસલમાન હુલ્લડોના વિચારોરામાં પડી ગયા છે. અને પ્રમીલા બહેન થોડા દિવસમાં સાસરે જવાનાં છે. પછી મારે વાર્તા સાંભળનાર શ્રોતાઓ તો જોઈએ ને.

મેં કહ્યું: તમારે ઝાઝા શ્રોતાઓની વળી કે દાડે જરૂર છે? કહેતાં’તાં ને કે તમે તો ચીનુને ઘણીએ વાર્તાઓ કહી છે, તેમાંથી એકાદ કહેવાનાં છો. તમારે તો એક શ્રોતા પણ બસ ગણાય.

ધીરુ બહેન: એ ચીનુ એક હોય તો બસ ગણાય. પણ તમો તો બધાંની જ જરૂર પડે, કારણ કે ઘણા હોય તો તેમાંથી એકાદ પણ અધિકારી શ્રોતા મળી રહે.

ધનુભાઈ : મને લાગે છે આ બધી ભવિષ્યની પેરવી થાય છે. વાર્તા કહી રહ્યા પછી કદાચ એમ કહેશે કે મારી વાર્તા સમજવા માટે બાળક થતાં આવડવું જોઈએ.

મેં કહ્યું : સારા કવિ પોતાના વાચકને અધિકારી બનાવી લે છે. જેમ અનસૂયાએ બ્રહ્મા વિષ્ણુ મહેશને બાળક બનાવી દીધા હતા, તેમ તમારે વાર્તાના બળથી જ અમને બાળક બનાવવા જોઈએ. એમ ન કરી શકો તો તમારી વાર્તાની એ ઊણપ.

ધીરુબહેન : મનુષ્ય મનુષ્ય વચ્ચેના વ્યાપારોમાં એકપક્ષી બળ કદી કામ કરી શકે નહિ. એક બાજુ જેમ કલામાં અધિકારી બનાવવાનું બળ જોઈએ તેમ જ બીજી બાજુ ભાવકમાં અધિકારી બનવાની તૈયારી જોઈએ, ઋજુતા જોઇએ. વિવેચન કરવાનું અભિમાન એ ભાવકને પક્ષે મોટામાં મોટી નાલાયકી, મને તો ખાત્રી છે કે ઘણા લખતા બોલતા વિવેચકો કરતાં નહિં બોલતા ભાવકો કલાના વધારે સારા અધિકારી હશે—જેમ ઘણા નીતિના અભિમાનીઓ કરતાં નીતિવિષયની નમ્રતાવાળા હોય છે તેમ.

ધીરુભાઈ : મને એકલાને જ ભાષણ કરવાની ટેવ છે એમ હવે તો કોઈ નહિ કહે એમ માનું છું. કેમ પ્રમીલા?

પ્રમીલા : મને લાગે છે કે તમારો ચેપ ચારે કોર ફેલાતો જાય છે. તેમાં માત્ર હું અને ધમલો જ અપવાદ રહ્યાં છીએ. અને સારું છે કે હું સાજી સારી અહીંથી નાસી જવાની છું.

ધીરુ બહેન : ચાલો ત્યારે, તમને આવી ચર્ચા નથી ગમતી તો બધી બંધ કરું છું. અને મારી વાર્તા વાંચવી શરૂ કરું છું. જુઓ, મારી વાર્તા માટે એક જ વાત મારે પ્રસ્તાવનારૂપે કહેવાની છે. ના ના, એ પણ નથી કહેવી. વળી ક્યાંક તેમાંથી ચર્ચા થાય. હવે વાર્તા વાંચવી શરૂ કરું છું. અને કહું છું વાર્તા વાંચું તે દરમિયાન કોઈ એ કશો પ્રશ્ન કે ચર્ચા કરવી નહિ.

પ્રમીલા : ભાભી, કહો કે ઉદ્દગાર પણ ન કાઢવો. આ લોકો તો ઉદ્દગારને નામે પણ ચર્ચા કે ટીકા કરે એવા છે.

ધીરુ બહેન : હા, ઉદ્‌ગાર પણ નહિ.

મેં કહ્યું : બાળવાર્તા છે તે કહો તો હાંકારો દેતા જઈએ.

ધીરુબહેન : એ પણ નહિ. હવે સાંભળો.

ઈરાન કરીને એક મોટો દેશ હતો. તેની રાજધાનીનું નામ તહેરાન. એ રાજધાનીથી વીસેક ગાઉ દૂર એક નાનું ગામડું હતું. તેમાં એક કમાલ કરીને છોકરો રહે. તેનાં માબાપ ગરીબ હતાં એટલે એને ભણાવી શકેલાં નહિ, જો કે એ છોકરો બહુ બુદ્ધિશાળી હતો, તેને રમવું ને ફરવું ને જોવું બહુ ગમતું, ઘરનું કામ કરવું ગમતું નહિ. તે આખો દિવસ ગામમાં રખડ્યા કરતો. તે એક આંખે કાણો હતો, ને ગામના લોકો તેને કાણિયો કાણિયો કહી તેની મશ્કરી કરતા. એક દિવસ તેણે તેનાં માબાપને કહ્યું કે તહેરાન સુંદર શહેર છે તે જોવા મને લઇ જાઓ. એનો બાપ તો એને ખૂબ વઢ્યો ને કહે, હરામખોર, ઘરમાંથી જ કાઢી મૂકું.

હવે કાણિયાભાઈએ તહેરાન મફત જવાની એક યુક્તિ શોધી કાઢી. તહેરાનને રસ્તે એક જમાલ કરીને પ્રખ્યાત લૂંટારો માણસોને પોતાના ઘોડા પર મફત બેસાડવાનું કહી, દૂર લઈ જઈ પછી લૂંટી લેતો એમ તેણે સાંભળેલું હતું. એટલે કમાલે પોતાના એક પૈસાદાર દોસ્ત પાસેથી સારાં સારાં કપડાં માગી લીધાં. અને એ પહેરીને પાયજામા અને ડગલાનાં ખીસાંમાં ખૂબ રોકડા સોનૈયા હોય એમ દેખાડવા નળિયાંના ગોળ ટુકડાની કોથળિયો, દેખાય એવી રીતે, ખીસામાં ફાટફાટ થાય એટલી ભરી. ને એમ કરીને તહેરાનને રસ્તે એક ઝાડ નીચે સવારમાં જઈને બેઠો. થોડી વેળા થઈ ત્યારે પેલો લૂંટારો ઘોડા પર નીકળ્યો. તેની પણ એક આંખ કાણી હતી, તે ઉપરથી કમાલે તેને ઓળખ્યો. કમાલે ઊભાં થઈ, જાણે અંદરના સોનૈયાને સંતાડતો હોય એમ ડોળ કરવા ખીસામાં હાથ રાખી, લૂંટારાને ઓળખતો ન હોય એવી રીતે પૂછ્યું, “ભાઈ, તમે ક્યાં જાઓ છો ? હું એકલો છું. મારે સંઘાત જોઇએ છે ને તહેરાન જવું છે.” પેલા લૂંટારાને લાગ્યું કે આજે આ લૂંટવાનો સારો લાગ મળ્યો છે. એણે કહ્યું, “મારે પણ તહેરાન જવું છે. અને મારો ઘોડો સારો છે. તમને વાંધો ન હોય તો મારી પાછળ બેસી જાઓ. એકથી બે ભલા.”

કમાલભાઈ તો હા ના કરતા, ખીસાંની અંદરનો માલ ખૂબ સાચવતા સાચવતા ઘોડા ઉપર જમાલની પાછળ બેસી ગયા. હવે આ જમાલની લૂંટવાની રીત એવી હતી કે રસ્તે વગડો આવે એટલે પોતાના ઘોડાને એક એવી ચાલ ચલાવે કે પાછળ બેસનાર જરૂર પડી જાય. વગડો આવ્યો એટલે એણે ઘોડાને એ ચાલે ચલાવવા માંડ્યો. કમાલ પાછળ બેઠેલો અને તેને તો પગમાં પેંગડાં પણ નહોતાં, એટલે તે તો પડું પડું થઈ ગયો. બીકમાં ને બીકમાં કહે, “અરે બેગ સાહેબ, ધીમે ચલાવો, હું હમણાં પડી જઈશ.” પણ બેગ સાહેબ શેના માટે? બેગ તો કહે, “જુઓ મિયાં સાહેબ, આ વગડો ભયંકર છે. એટલે ઘોડો બીએ છે, એટલે એ એમ જ ચાલશે. તમે ડરતા હો તો એમ કરો. બે હાથે કાંતો ઘોડાનું જીન ઝાલી રાખો, કાંતો મારી કેડ આસપાસ બન્ને હાથ રાખી મને ઝાલી રાખો. મેં ઘણાને આ રીતે બચાવી લીધા છે,” કમાલ સમજી ગયો કે આ ભાઈ સાહેબની લૂંટવાની આ રીત છે. પણ એને તો કશું લૂંટાવાનું હતું જ નહિ ! એટલે એણે જમાલબેગની કેડ આસપાસ હાથ વીંટી દીધા.

જમાલે “બીડીની બહુ તલપ લાગી છે, લાવો કાઢું” એમ કહો ચોકડું મોંમાં લઈ બે હાથ કમાલનાં ખીસાંમાં નાંખ્યા અને અંદર જોવા લાગ્યો. પણ તેને તરત ખબર પડી કે ખીસાંમાં તો ઠીંકરાં ભર્યાં છે. એટલે “અરે મિયાંસાહેબ, મેં ભૂલમાં તમારાં ખીસાંમાં હાથ નાંખ્યો કે શું ?” એમ કહી હાથ કાઢી લીધા. પણ હાથ કાઢે છે એટલામાં ઘોડાને જબરી ઠોકર લાગી, ને ચોકડું એવા જોરથી ખેંચાયું કે જમાલના આગલા બે દાંત તૂટીને બહાર નીકળી. પડ્યા ને લોહીની ધાર થઈ. તેણે તરત ચોકડું હાથમાં લઈ લીધું. ને ઝટ સામે શહેર પહોંચી જવા ઘોડો દબાવ્યો. તે સમજી ગયો કે કમાલે મને છેતર્યો. એટલે હવે શહેરમાં જઈ કમાલ પાસેથી શી રીતે પૈસા કઢાવવા તેની તદબીર રચવા લાગ્યો.

થોડા કલાકે શહેર આવ્યું. પોતાને ઘેર જઈ ઘોડાને બાંધી મોં ધોઈને તેણે કમાલને કહ્યું, “અહીં સુધી આણ્યો તેના ભાડાના ચાર દ્રામ આપ.” પેલો કહે, “આપણે ભાડું ઠરાવ્યું જ નથી.” “કોઈ ભાડા વિના તે માણસને વીસ ગાઉ લાવે ? સારો માણસ ધારીને લીધો ને હવે ફરી જાય છે?” એમ કહી બુમરાણ કરી મૂક્યું ને પછી કહે, “બાદશાહ આગળ ફરિયાદ કરીશ.” કમાલ કહે, “જા, કાલ કરતો હોય તો આજ કર. મને પણ જવાબ દેતાં આવડે છે. ચાલ તારી સાથે આવું. એમ તારાથી બીતો નથી.”

જમાલ કમાલને ખેંચતો ખેંચતો દરબારગઢ તરફ ગયો. થોડી વારે દરબારના દરવાને બહાર આવી બૂમ મારી : “કોઈ ફરિયાદી છે? કોઇ ફરિયાદી છે?” “હાંજી, હું છું.” કહેતો જમાલ બાદશાહના દિવાને આમનાં પગથિયાં ચડી બારણા આગળ ખડો થયો. દરવાન તેને અંદર લઈ ગયો.

બાદશાહ કેખુશરૂ પોતાનો દરબાર ભરીને ન્યાયાસન ઉપર બેઠો હતો. જમાલ આગળ જઈ કુરનિસ બજાવી સલામ કરી બાદશાહની સામે ઊભો રહ્યો. બાદશાહે સામું જોયું ત્યાં તો ફરિયાદીને એક આંખે કાણો દીઠો. તરત બાદશાહે કહ્યું : “જા, તારી ફરિયાદ નહિ સાંભળવામાં આવે. કાણા લોકો જુઠ્ઠા અને લુચ્ચા હોય છે.”

પેલા ફરિયાદીએ કહ્યું : “બાદશાહ સલામત, મારે જેની સામે ફરિયાદ કરવાની છે તે પણ કાણો જ છે.”

આ વાત સાંભળી સભામાં એક માણસ બેઠેલો તેને હસવું આવ્યું. હવે કેખુશરૂ બાશાહનો એવો હુકમ કે સભામાં હસે તેને કાઢી મૂકવો. સભામાં બાદશાહ દેખતાં વળી હસાય? એટલે બાદશાહે વજીરને નિશાની કરી અને વજીરે તેને કાઢી મૂક્યો.

બાદશાહે પેલા કાણાને પૂછ્યું : “તારે શેની ફરિયાદ છે?”

કાણા ફરિયાદીએ કહ્યું : “જુઓ બાદશાહ સલામત ! પેલા કાણાને હું વીસ ગાઉ મારા ઘોડા ઉપર લઈ આવ્યો. તે નીચે ઊતરી મે ભાડું માગ્યું, તો મને મોં પર મુક્કો મારી મારા દાંત પાડી નાખ્યા. જુઓ બાદશાહ, હજી મારા દાંતમાંથી લોહી નીકળે છે.”

બાદશાહે જોયું તો દાંત ખરેખર પડી ગયા હતા અને મહીંથી લોહી નીકળતું હતું. બાદશાહે પૂછ્યું : “તારે જેની સામે ફરિયાદ છે. તે પણ ખરેખર કાણો જ છે ?”

ફરિયાદી કહે : “હા જહાંપનાહ ! જૂઠું બોલતો હોઉં તો મારી ફરિયાદ રદ કરજો, મેં એને દરવાજે પકડી રખાવ્યો છે. આપ બોલાવી તપાસ કરો.”

બાદશાહે સિપાઇને હુકમ કરી તોહમતદારને બોલાવ્યો. થોડી વારે તે પણ કુરનિસ બજાવી સલામ કરી ઊભો. સભામાં બે કાણા એકબીજા સામું જોતા અને બાદશાહ સામે જોતા ઊભા રહ્યા જોઈ સભામાંથી વળી એકને હસવું આવ્યું. વળી વજીરે એ માણસને સભામાંથી ઉઠાડી મૂક્યો.

બાદશાહે ફરિયાદી અને તહોમતદાર બન્નેને તેમનાં નામ પૂછ્યાં તો એકનું નામ જમાલ ને બીજાનું કમાલ ! આ જમાલ કમાલનું નામ સાંભળતાં વળી સભામાંથી એક જણને હસવું આવ્યું. વજીરે તેને પણ કાઢી મૂક્યો.

હવે બાદશાહે તોહમતદારને કહ્યું : “આ ફરિયાદી તને તારે ગામથી અહીં સુધી વીસ ગાઉ લઈ આવ્યો, તારી પાસે તેનું ભાડું માગ્યું, તે ભાડું ન આપતાં મુક્કી મારી તેના દાંત પાડી નાંખ્યા, એવી તારી સામે ફરિયાદ છે. એટલે, આનો શો ખુલાસો કરે છે ?”

કમાલે જવાબ આપ્યો : “જહાંપનાહ, દાંત તો એણે ચોકડું મોંમાં રાખેલું અને ઘોડાને ઠેશ વાગી તેના આંચકામાં પડી ગયા છે. મે નથી પાડી નાંખ્યા. અને મને ઘોડા પર બેસાડ્યો ત્યારે તેણે મને મફત જ બેસાડેલો.”

જમાલ કહે : “જુઓ બાદશાહ બહાદુર ! કોઈ માણસ છતે હાથે ચોકડું મોંમાં લે? અને વીસ ગાઉ, નહિ ઓળખાણ નહિ પિછાન, શા સારુ હું લઈ આવું ?”

બાદશાહે કમાલને પૂછ્યું : “અલ્યા, એ મોંમાં ચોકડું શા સારુ ઘાલે? એને હાથ નહોતા ?”

કમાલે જવાબ આપ્યો : “બાદશાહ, એ એના બન્ને હાથથી મને લૂંટવા માટે ખીસાં તપાસતો હતો, અને એ દરમિયાન ઘોડાની ઠોકરથી એના દાંત પડી ગયા.”

જમાલે કહ્યું : “અયે આલમના બાદશાહ ! એની પાસે શું છે જે હું લૂંટી લેવાનો હતો ? જે માણસ મને મુસાફરીનું ભાડું પણ નથી આપતો એની પાસે લૂંટવાનું શું હોય ?”

આખો દરબાર વિચારમાં પડી ગયો. આ બે કાણામાંથી સાચું કોણ અને જૂઠું કોણ ? બાદશાહ પણ વિચારમાં પડી ગયા. તે એક બાજુથી બન્નેની વાતથી મૂંઝવણમાં પડી ગયો અને બીજી તરફથી આ બન્ને લુચ્ચા કેમ નવી નવી વાતો કરતા હતા તે જોઈ તેને મનમાં મનમાં ખૂબ હસવું આવતું હતું. તેણે કમાલને કહ્યું : “ભાઈ, એ તને લૂંટતો હતો તો તેની પાસેથી મુદ્દામાલ કાઢી બતાવ. અને અત્યાર સુધી તેં એ વાતની ફરિયાદ કેમ ન કરી ? અને તને એ મફત શા માટે બેસાડે તે પણ તું બતાવી શકતો નથી.”

કમાલ કહે : “એ બધાનો ખુલાસો એક જ વાતથી થઈ જાય છે. બાદશાહ સલામત બેઘડી ધીરજથી સાંભળો તો બંદો કહેવાને તૈયાર છે. આ ફરિયાદી અમારી તરફનો મશહૂર લૂંટારો જમાલ છે. હું જાણતો હતો કે તે મુસાફરોને પોતાના ઘોડા પર મફત બેસાડી લઈ જવાનું કહી લૂંટી લે છે, એટલે મેં મારા દોસ્તનાં સારાં કપડાં માગી પહેરી લીધાં અને મને પણ એ બેસાડી લઈ જાય એ માટે ખીસામાં ખોટેખોટી નગદ નાણાંની કોથળીનો દેખાવ કર્યો. જુઓ બાદશાહ બહાદુર! એ જે નાણાંથી લોભાયો, ને જે નાણાં લૂંટવા તેણે મોંમાં ચોકડું લઈ મારા ખીસામાં હાથ નાંખ્યા અને ઠોકર ખાઈ દાંત ખોયા, તે આ રહ્યું.” એમ કહી તેણે ખીસામાંથી એક પછી એક ત્રણ કોથળીઓ ઊંધી કરી અંદરથી ઠીંકરાના ટુકડાનો નીચે ઢગલો કર્યો. એ જોતાં વેંત રાજા પોતાનું હસવું દબાવી શક્યો નહિ. તે ખડખડાટ હસી પડ્યો અને તેને હસતો જોઈ પછી આખી સભાએ હસવા માંડ્યુ. એ ઠીકરાનો ખડખડાટ અને હસવાનો ખડખડાટ ભેગો થઈ ત્યાં કેટલીય વાર ચાલ્યો ! સભા શાંત થઈ ત્યારે રાજાએ કમાલને બધી વાત કહેવાનું કહ્યું. તેણે પોતાની ગરીબીની વાત કરી. તેને શહેર જોવાનું મન થયું, તેણે આ તદબીર રચી, રસ્તામાં જમાલે ઘોડાની ચાલ બદલી કેવી રીતે ખીસામાં હાથ નાંખ્યો તે બધું જણાવ્યું.

બાદશાહને એ ઘોડાની ચાલ જોવાનું કુતૂહલ થયું. તેણે જમાલને કહ્યું કે જા, તારો ગુનો માફ છે. તું તારા ઘોડાની ચાલ બતાવ. તે ઉપરથી જમાલે ઘોડાની નવ જાતની જુદી જુદી ચાલ કરી બતાવી. આવો લૂંટનો ધંધો શા માટે કરે છે, એમ પૂછતાં તેણે કહ્યું કે બાદશાહના ઘોડેસ્વારોમાં દાખલ થવા આવેલો પણ બાદશાહ કાણા માણસોને નોકર નથી રાખતા કહી સેનાપતિએ તેને અસ્વારની નોકરી ન આપી.

તે દિવસે કેખુશરૂ બાદશાહે બે મનાઈના હુકમો રદ કર્યાં: એક તો સભામાં નહિ હસવાની મનાઈ રદ કરી, અને બીજી કાણાને નોકરીમાં નહિ રાખવાની મનાઈ રદ કરી, અને બન્ને કાણાને રાજમાં સારી નોકરી આપવા હુકમ કર્યો. બન્ને કાણાએ બાદશાહને સલામ કરી, અને બહાર નીકળવા જતાં આખી સભા તરફ જોયું. ત્યારે બાદશાહ અને સભા ફરી ખડખડાટ હસી પડ્યાં !

ધીરુ બહેન : હવે તમે બધા મારી વાર્તા ઉપર ટીકા કરો.

મેં કહ્યું: સાંભળો. આને તમે બાળવાર્તા ગણો છો ?

હા.

આ આખી વાર્તામાં બાળક તો છે જ નહિ.

બાળવાર્તામાં બાળક હોવાં જ જોઈએ એવું નથી. હોય પણ ખરાં, અને ન પણ હોય. એથી ઊલટું બાળક વિશે જે કંઈ લખ્યું હોય તે બાલસાહિત્ય નથી બનતું. ઇન્દુકુમારમાં બાળકની લાંબી પ્રશસ્તિ છે, “બાળક ચેતનના ફુવારા છે, કે બાળક ભવિષ્યની થાપણ છે” એ સર્વ બાલસાહિત્ય નથી.

ત્યારે બાલવાર્તા કોને કહેવી ?

જે વાર્તાનો ભોક્તા કે ભાવક બાળક બની શકે તેને.

ધનુભાઈ : ઈન્‌કિલાબ ઝિન્દાબાદ ! અત્યાર સુધી બધા કાવ્યશાસ્ત્રકારોએ કાવ્યનો ભોક્તા સહૃદય કહ્યો છે, અને સાચો સહૃદય વિરલ હોય છે, ત્યારે આ બાળકને સહૃદય કહે છે. બાળકનો સંસ્કૃતમાં અર્થ છે અજ્ઞાન. અને બાળક સહૃદય ! ઇનકિલાબ ઝિન્દાબાદ !

મેં કહ્યું : ધનુભાઈ, તમે કહેતા હતા તે જ નીકળ્યું. આપણે કોઈ આ વાર્તાના યોગ્ય ભાવક નહિ, અને ચીનુ ખરો, કેમ?

ધીરુ બહેન : મેં એમ કહ્યું નથી, બાળક થઈ શકે એટલે બીજાઓ ન થઈ શકે એમ મેં કહ્યું નથી. પછી તમારે ન થવું હોય તો તમે ન થાઓ.

મેં કહ્યું : ત્યારે બાળક થાય એમ કહેવાનો અર્થ શો છે?

અર્થ એ છે કે બાળકનું મન અમુક રીતે અવિકસિત છે. બાળસાહિત્ય એવું હોવું જોઈએ કે એ અવિકસિત મનને એમાં રસ પડે. એના વિભાવો પરિસ્થિતિ એવી હોવી જોઈએ કે જે બાળક સમજી શકે, અને જે બાળકના મનમાં રસ નિષ્પન્ન કરે, અથવા જેમને લાગણી શબ્દ વિના વિવેચન કે કાવ્ય બનતું જ નથી એમ લાગતું હોય, તેમની ભાષામાં કહીએ તો, એના વિભાવો એવા હોવા જોઈએ, કે જેથી બાળકના મનને લાગણી થાય.

મેં કહ્યું : બસ ત્યારે, તમે એમ કહીને વિકસિત મનવાળાને તેમાંથી બાદ જ કર્યાં ને?

ધીરુ બહેન : ના, નહિ જ. વિકસિત મનવાળા, અવિકસિત મનના વ્યાપારો ન જ સમજે એમ નથી. બીજાં કાવ્યોનો સહૃદય બાલવાર્તાનો પણ સહૃદય છે. આપણે કોઈ સુંદર ખાવાની ચીજ માટે રડતાં નથી, પણ બાળક રડે છે તે સમજી શકીએ છીએ તેમ. પણ બાળવાર્તાનું મુખ્ય લક્ષણ એ કે બાળક, કહો કે સહૃદય બાળક તેને સમજીને તેનો રસ લઈ શકે.

ધનભાઈ : ત્યારે બાળકને આ વાર્તામાં રસ પડે એવી આ આ વાર્તા છે?

રસ પડે એવી એમ નહિ. રસ પડ્યો જ છે !

મેં કહ્યું : એટલે શું તમારી વાર્તામાં જ્યાં જ્યાં દરબારી કે રાજા હસે છે ત્યાં ચીનુ હસતો હતો?

ધીરુબહેન : તમે તે કેવા પ્રશ્નો પૂછો છો ? વાર્તામાં પાત્ર હસે ત્યાં દરેક જગાએ હાસ્ય જ હોય ? નહિ જ. પાત્ર હસે ને હોય કરુણરસ, અથવા જુગુપ્સા પણ હોય. પાત્ર તદ્દન લાગણી વિનાનું હોય, ને હોય માર્મિક કરુણ !

ધનુભાઈ : એ સિદ્ધાન્ત તો સાચો. પણ અહીં જો ચીનુ હસતો નહોતો તો તમે કેમ માન્યું કે એને રસ પડે છે?

એણે એ વાર્તા બે વાર કહેવરાવી, અને એકવાર તો તેના મિત્રને આ વાર્તા સાંભળવા લઈ આવ્યો. અને હસતો નહોતો, પણ બધું બહુ કૌતુકથી સાંભળતો હતો.

મેં કહ્યું : પણ મારે એ વાંધો છે કે આ વાર્તામાં રાજા કે દરબારી જ્યાં જ્યાં હસે છે ત્યાં ત્યાં હાસ્યનો પ્રસંગ છે જ નહિ.

આપણે ન હસીએ એ ખરું. પણ આ તો ઈરાનના કેખુશરૂ બાાદશાહ છે. અરેબિયન નાઈટ્સમાં રાજા, રાણીઓને મારી નાંખે છે ત્યાં ખરેખર મારી નાંખવા જેવો પ્રસંગ છે? નથી. પણ એ બાદશાહ છે, તેમ આ પણ બાદશાહ છે. તેણે તો હસવાની મનાઈ કરી છે. અને કાણા વિશે એટલા ચોક્કસ વિચારો કર્યાં છે કે કાણાને નોકરીમાં નથી રાખતો, અને કાણાની ફરિયાદ સાંભળવા તૈયાર નથી ! એવા વિલક્ષણ રાજાને છેવટ એમ જ થાય, અને બાળકો એ વિલક્ષણતા સમજી શકે છે. વળી કાણાપણા જેવી ખોડથી બાળકો હસે છે. બાળકો જ શા માટે ? આપણે પણ કોઈ વાર એ બાળકપણામાં અજાણતાં લપસી જઈએ છીએ. તે દિવસ કદરૂપી ત્રાંસી આંખવાળી છોકરીનું નામ જલજાક્ષી તમે સાંભળ્યું ત્યારે તમે પણ હસી પડેલા. તેમ આ વાર્તામાં બે કાણા અને બન્ને એક બીજાને છેતરવા પ્રયત્ન કરે, તેમાં એક ફાવી જાય અને બીજાને અણધાર્યું નુકસાન થાય, પણ છેવટ બન્નેને અને બધાને ફાયદો થાય એ હસવાનો નહિ પણ ખુશ થવાનો પ્રસંગ તો છે જ.