દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો

દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
રામનારાયણ પાઠક
૧૯૪૨
ઇન્દુ →




દ્વિરેફની વાતો

[ ભાગ ત્રીજો ]




લેખક:
રામનારાયણ વિ. પાઠક










પ્રકાશક :
ધ મહાગુજરાત પબ્લિશિંગ કં. લિ.
મુંબઈ–૧


છપાય છે:

પૂર્વ અને પશ્ચિમ

કવિવર રવીન્દ્રનાથે લખેલા પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિ અને સમાજને સ્પર્શતા વિવિધ નિબંધોનો સંગ્રહ.

અનુવાદક: શ્રી નગીનદાસ પારેખ


દ્વિરેફની વાતો

[ ભાગ ત્રીજો ]




કર્તા
રામનારાયણ વિશ્વનાથ પાઠક










ધ મહાગુજરાત પબ્લિશિંગ કં. લિ.
મુંબઈ–૧


પ્રકાશક
શ્રી સારાભાઈ ભોગીલાલ ચોક્સી,
મેનેજિંગ ડાયરેક્ટર,
ધ મહાગુજરાત પબ્લિશિંગ કં. લિ.
સર ફિરોઝશાહ મહેતા રોડ, મુંબઈ–૧.

મુદ્રક :
શા. મણિલાલ છગનલાલ
ધી નવપ્રભાત પ્રિં. પ્રેસ
ઘીકાંટા રોડ, અમદાવાદ
[ ગુજરાત ]




મુંબઈના સોલ એજન્ટસ્
સ્વસ્તિક બુક ડીપો
મુંબઈ
સર્વ હક્કો કર્તાને સ્વાધીન છે, જેમાં ભાષાન્તરનો હક્ક પણ આવી જાય છે.




આવૃત્તિ ૧લી
મે : ૧૯૪૨
કિ. રૂા. ૧–૧૨–૦




પ્રાપ્તિસ્થાન :

ધ મહાગુજરાત પબ્લિશિંગ કં. લિ.
સર ફિરોઝશાહ મહેતા રોડ,
મુંબઈ–૧.

શ્રી નગીનદાસ પારેખ,
મણિભવન, માદલપુર,
અમદાવાદ–૧













અંતર વ્હેતાં વ્હેણ, જોયાં હાથ ઝબોળીને;
તે ત્યારથીજ સેણ, તારાં થયાં મટે નહિ!














એ જ લેખકના પુસ્તકો


પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા સં. ૧૯૭૮
કાવ્યસમુચ્ચય ભા ૧–૨ સં. ૧૯૮૦
ગોવિંદગમન
(સંપાદન અ. નરહરિ દ્વા. પરીખ સાથે)

સં. ૧૯૮૦
કાવ્યપ્રકાશ (ઉલ્લાસ ૧ થી ૬)
(અ. નરહરિ દ્વા. પરીખ સાથે)

સં. ૧૯૮૦
ધમ્મપદ
(અ. ધર્માનંદ કોસમ્બી સાથે)

સં. ૧૯૮૧
પૂર્વાલાપ (સંપાદન) સં. ૧૯૮૩
દ્વિરેફની વાતો સં. ૧૯૮૫
કાવ્યપરિચય ભા. ૧–૨ સં. ૧૯૮૫
સ્વૈરવિહાર સં. ૧૯૮૭
૧૦ અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય સં. ૧૯૯૦
૧૧ દ્વિરેફની વાતો ભા. ૨ સં. ૧૯૯૦
૧૨ નર્મદાશંકર કવિ સં. ૧૯૯૨
૧૩ શેષના કાવ્યો સં. ૧૯૯૪
૧૪ સ્વૈરવિહાર ભા. ૨ સં. ૧૯૯૪
૧૫ અર્વાચીન કાવ્યસાહિત્યના વહેણો સં. ૧૯૯૫
૧૬ કવિ નર્મદનું ગદ્ય સં. ૧૯૯૫
૧૭ કાવ્યની શક્તિ સં. ૧૯૯૬
૧૮ સાહિત્ય વિમર્શ સં. ૧૯૯૬
૧૯ દ્વિરેફની વાતો ભા. ૩ સં. ૧૯૯૮



પ્રસ્તાવના

દ્વિરેફની વાર્તા ભાગ ૨જાની પ્રસ્તાવનામાં મેં લખેલું હતું કે પહેલા ભાગની વાર્તા કરતાં બીજા ભાગની વાર્તા લખતાં લેખકનું માનસ બદલાયેલું છે, તેનો દૃષ્ટિકોણ બદલાયેલો છે. તેને એમ જણાય છે કે જગતમાં ક્યાંક એવી જગાએ અનિષ્ટ રહેલું છે કે તેની પાસે માણસ લાચાર, નિરુપાય હોય છે. માણસમાં એવાં ગૂઢ અંધ બળો રહેલાં છે જેની આગળ વ્યક્તિ બિચારી કશું જ કરી શકતી નથી, અને ઊંટ નકલથી દોરાય તેમ, તેની દોરી દોરાય છે. આમ દોરાઈ ગયેલી વ્યક્તિ તરફ પછી લેખક ઘૃણા કરી શકતો નથી. આ ત્રીજા ભાગની વાર્તાના અંતરમાં પણ એ જ માનસ છે. જગતના અનિષ્ટ સામેના યુદ્ધમાં વાર્તાકારનું માનસ જાણે પરાભવ અને એ પરાભવજન્ય લાચારી અને શરમ અનુભવે છે. બધી વાર્તા જાણે દુઃખકર, ઉદ્વેગકર, મનને અસ્વસ્થ કરનારી છે.

અને છતાં તેમાં અપવાદવાળી ગણી શકાય એવી વાતો પણ છે, ‘રેંકડીમાં’ અને તેના અનુસંધાનમાં લખાયેલી ‘કંકુડી અને કાનિયો’ શુદ્ધ અપવાદ છે. દુનિયાંના અકસ્માતે, દુનિયાંનું અનિષ્ટ પણ આ મુગ્ધ દંપતીને અનુકૂળ નીવડે છે. પણ એ એક જ [કે બે જ] વાર્તા એવી છે. ‘ઇન્દુ’માં દંપતીનો સાચો પ્રેમ, દાંપત્યજીવનના અને મૈત્રીના એક સ્ખલન ઉપર છેવટે વિજય મેળવે છે, પણ તે કેટલી યાતના પછી! વાર્તામાં એક વિજ્યના આનંદ કરતાં, એ યાતનાની કરુણતા જ લેખકના માનસ ઉપર સામ્રાજ્ય ભોગવે છે. ‘પોતાનો દાખલો’ વાતમાં પણ, છેવટે અનિષ્ટ ઉપર પ્રેમનો વિજય થાય છે, પણ ત્યાં પણ એ વિજય પૂર્વેની યાતના એ જ વાર્તાનો મુખ્ય ભાવ છે,—જો કે પોતાનો દાખલો આપનાર પાત્ર પોતાનો કરુણ ઢાંકવા, અને કંઈક પોતા તરફના તિરસ્કારથી, એ આખા કિસ્સાને અવજ્ઞાના કટાક્ષથી ઢાંકે છે. અનિષ્ટ સામેના આ

વિજય માટેની યાતનામાં ન્યાય પણ નથી. ‘ઇન્દુ’ના સ્ખલનનાં બે ભાગીદારોમાંથી સ્ત્રી જ યાતના ભોગવે છે, તેનો પુરુષભાગીદાર તો માત્ર વત્તુઓછું એ દુઃખના સાક્ષી થવાનું દુઃખ જ ભોગવે છે. પણ એવા સાક્ષિત્વનું દુઃખ પણ, ભયંકર રૂપનું અને અત્યંત મર્મભેદક, એ નાયિકાનો નિર્દોષ પતિ ભોગવે છે. તેમ જ ‘પાતાનો દાખલો’માં પણ મિથ્યા પ્રેમમાં મહાલનારાં ઘણું ઓછું, અને દેહમનને શેકી નાંખે એવું દુઃખ, પોતાનો દાખલો કહેનાર પાત્રની પત્ની ભાગવે છે, અહીં ન્યાય નથી એમ કહેવા કરતાં પણ આ પ્રક્રિયામાં ન્યાયનું દૃષ્ટિબિન્દુ અસ્થાને છે એમ કહેવું વધારે યોગ્ય છે,—કહો કે એ કોઈક આધ્યાત્મિક વ્યાપાર છે. માનવ જાતનાં ઘણાં દુઃખો આમ આધ્યાત્મિક હોય છે. એ દુઃખમાંથી જાણે કોઈ બલ ઉદ્ભવે છે, જે એ વસ્તુસ્થિતિને સરખી કરી નાંખે છે. ગરડમાંથી ખસી ગયેલુ દોરડું જેમ જરા આંચકો કે ધક્કો લાગવાથી પાછું ગરડમાં આવી જાય છે, ઊતરી ગયેલા હાડકાને જેમ ઉસ્તાદ એક જ ધક્કાથી પાછું ચડાવી દે છે, તેમ પારકામાં થતા દુઃખના આવા એક આઘાતથી, જાણે ખડી ગયેલું, ઊતરી પડેલું માનસ પાછું ઠેકાણે આવી જાય છે. આને જ હું મહાત્માજીને અભિપ્રેત હૃદયપલટો સમજું છું, જો કે મહાત્માજી જે વિશાલ જનસમુદાય પર એની અસર ઇચ્છે છે તે દૃષ્ટિ અહીં નથી.

બીજી વાર્તાઓમાં તો અનિષ્ટ ઉપર કશું ઢાંકણ પણ નથી. ‘સૌભાગ્યવતી !!’ માં પતિનું જીવન પ્રેમમય રસમય આનંદમય કરી શકે એવી પત્નીને પતિની પશુતા સહન કરવી પડે છે. જેને સામાન્ય લોકો સૌભાગ્ય કહે છે તે તેના જીવનમાં શાપરૂપ છે, એના જીવનની મોટામાં મોટી વિડંબના છે! મે પહેલાં એક જગાએ કહ્યું છે તે ફરીવાર કહેવાનું મન થાય છે કે જગતની યોજનામાં જાણે સ્ત્રીને ભાગ વધારે દુઃખ આવેલું છે,—સમસ્ત જીવનમાં નહિ તો જીવનના અમુક એક પ્રદેશમાં તો ખરું જ!

દુર્ગમ ગણતી આવી છે. એ બન્નેનું સ્વરૂપ એવું છે એ ખોટું પણ નથી. પશુ પછી માણસજાતે બન્નેમાં અનેક કપોલકલ્પિત શક્તિઓનો આરોપ કરી તેનો મહિમા વધાર્યો અને તેને વિશે અટપટી વિધિઓ કરી! આમાં અસત્ય રહેલું છે અને એ અસત્યની પણ માણસજાતને ભારે કિંમત આપવી પડે છે. ‘ઉત્તર માર્ગનો લોપ’ એ એ અસત્યે લીધેલા ભોગની વાર્તા છે.

આ બન્ને વાર્તામાં એક બીજી દૃષ્ટિ પણ છે. જગજીવન પોતાનો અધિકાર અને ધ્યેયનું સ્વરૂપ સમજ્યા વિના ન પરણવાનું વ્રત લે છે. ઉત્તર માર્ગમાં તો બન્ને સાધકો ઉપર એ ધ્યેય અનેક કપોલકલ્પિત શક્તિઓની આશાએ લાદવામાં આવ્યું છે, ધ્યેય અલબત મનુષ્ય જે ભૂમિકાએ હોય ત્યાંથી વધારે ઊંચુ જ હોય. એ એનામાં સિદ્ધ નથી માટે તો એની સાધના કરવાની છે, પણ તે સાથે જ ધ્યેયનું અનુસંધાન માણસના કોઈ પણ અનુભવ સાથે હોવું જોઈએ, ધ્યેય સુધી ઊંચે જવાનું છે, પણ તે અંદરથી ઊગીને જવાનું છે. એ ઊગવાનું બીજ જ ન હોય તો ધ્યેય નકામું છે, ભારરૂપ છે. અને ખીજાં ધ્યેયો કરતાં નૈષ્ઠિક બ્રહ્મચર્યના ધ્યેય વિશે મને આ બતાવવા જેવું જણાયું છે.

‘બે ભાઇઓ’નું રહસ્ય એટલું જ છે કે ભાઈઓ જેવા સંબંધમાં પણ ઈર્ષ્યા કેવું અનિષ્ટ કરે છે! જે બનાવ કુદરત કે અકસ્માતથી બનેલો છે, જેમાં માણસનું કર્તૃત્વ નથી, જેને માટે કોઈ પણ જવાબદાર નહોતું, એવા બનાવમાંથી માણસ કેવળ દૌર્જન્યથી પોતાને માટે કેટલું પાપ અને અન્યને માટે કેટલું દુઃખ ઊભું કરે છે !

‘બુદ્ધિવિજય’માં મુખ્ય વક્તવ્ય એ છે કે, આગળ કહ્યું તેમ, માણસ ધર્મ તરફ ધાર્મિક વૃત્તિ ન રાખતાં, ધર્મને ઐહિક મહત્તાના સાધન તરીકે વાપરે છે અને ત્યારે તેનું પરિણામ વિનાશ જ આવે છે. વળી એ પણ ધ્યાનમાં આવશે કે, આખા વિનાશની જવાબદારી બુદ્ધિવિજયની પોતાની છે, છતાં અનિષ્ટ શરૂ થાય છે તપોવિજયજીની

એક નાનકડી ભૂલથી, કે નાનકડી લાલચની નિર્બળતાથી—જ્યોતિષને મિથ્યાશ્રુત માનવા છતાં જ્યોતિષ ઉપર આધાર રાખી તેમણે વિમલશીલ પાસે માગણી કરી, તેમાંથી.

અને ‘કેશવરામનું’ રહસ્ય તો વાર્તાને અંતે સ્ફુટરૂપે કહેવાયું છે. કેશવરામ સામાન્ય કરતાં ઘણી ઊંચી કોટિનો માનવ છે, અને છતાં માનવોત્તર નથી. તેણે એક માનવોત્તર શક્તિ મેળવી છે—અથવા મેળવી છે એમ માને છે. એવી શક્તિનો ઉપયોગ વ્યક્તિની કામના તૃપ્ત કરવા ન કરવો જોઈએ એમ તે જાણે છે, અને અત્યંત પ્રિય પત્નીના આગ્રહ છતાં પુત્રાર્થે એનો પ્રયોગ નથી કરતો, એટલે અંશે તે સિદ્ધાન્ત ઉપર ટકી રહે છે. પણ દ્વેષના આવેશમાં તે એનો ઉપયાગ કરી બેસે , અને તેમાં પોતાનું સર્વસ્વ ખુએ છે! અને એ સઘળું છતાં, અંત સુધી તેણે એ અનિષ્ટ નીવડેલી શક્તિ સાચવી રાખી છે તેની તેને ખબર પણ હોતી નથી. સર્વ ઐહિક વસ્તુઓમાં એ શક્તિનો તે સૌથી છેલ્લો ત્યાગ કરે છે !

આ સંગ્રહમાં, ગયા સંગ્રહમાં શરૂ થયેલી મેહફિલની બે વાર્તાઓ આવે છે. એના રહસ્ય વિશે મારે પ્રસ્તાવનામાં કહેવાનું હોય નહિ, કારણ કે એ પ્રકાર જ એવો છે જેમાં વાર્તા વિશે લેખક પોતાનાં પાત્રમુખે ઘણું કહેવરાવી શકે છે. એવા પ્રકારમાં તો ઊલટું મારે એમ કહેવાનું થાય છે કે એમાં પાત્ર, જેટલી એકદેશીયતા કે પક્ષિલતાથી બોલે છે તે સઘળી મારી પોતાની નથી.

એકવાર મારી વાર્તાના ઘડતર વિશે બોલવાનું આમન્ત્રણ મળતાં આમાંની કેટલીક વાર્તા વિશે મેં થોડું કહ્યું છે તે અહીં ફરી કહેવાની મને જરૂર જણાય છે. “અમદાવાદમાં એકવાર એક સુંદર જુવાન મારવાડી દંપતી રેંકડી ખેંચતાં જોયેલાં, તે દૃશ્ય ઉપરથી ‘રેંકડીમાં’ વાર્તા લખાઈ છે. તેના અનુસંધાનની ‘કંકુડી અને કાનિયો’ વળી જુદીજ રીતે લખાઈ છે. મારા મિત્ર શ્રી ગિરીશભાઈ એ ‘રેંકડીમાં’ના અનુસંધાનની એક વાર્તા મને લખી મોકલી અને મારો અભિપ્રાય

પૂછ્યો. મેં કહ્યું : “મારાં કંકુડી કાનિયો આમ દુઃખી થાય તે મને નથી ગમતું.” મારા જવાબમાં મશ્કરી હતી, પણ પાત્રો તરફ પણ મમત્વ થાય છે એ ખરું છે. પણ એ પત્ર ઉપરથી મૂળ વાર્તાના વિસ્તાર ઉપર મન ચડી ગયું ને તેમાંથી ‘કંકુડી અને કાનિયો’ લખાયું.

“વળી કોઈવાર—જો કે જવલ્લે જ—વાર્તાનો કેટલોક ભાગ સ્વપ્નમાંથી લીધેલો હોય છે. ‘એક સ્વપ્ન’ની વાર્તાના કેટલોક ભાગ સ્વપ્નમાં ખરેખર જોયેલો હતો. તેમાં સ્વપ્રમાં જોયેલ પ્રદેશનું કરેલું વર્ણન સ્વપ્નમાં જોયા પ્રમાણે કરેલું છે, અને અત્યારે જો કે આખું સ્વપ્ર બરાબર યાદ નથી, પણ એટલું બરાબર યાદ છે કે, એ વાર્તાનું રહસ્ય સમાજમાં જોઈ મને જે આઘાત થયો એ જ આઘાતના પરિણામનું એ સ્વપ્ન હતું. તેમાં કંઈક એક સ્ત્રી આવતી હતી, કંડિયામાંથી મદારીએ એક મરેલું છોકરું કાઢેલું, અને પછી એ છોકરું લઈ નૃત્ય કરેલું એવું ઝાંખું યાદ છે, અને પછી તે જ આઘાતથી એ સ્વપ્નની હકીકતમાં બીજી ઉમેરાઈ એ લખાઈ.

“થોડા સમય પર લખાયેલી ‘સૌભાગ્યવતી !!’ પણ આવી જ રીતે [મનને દુઃખ કે આઘાત થવાથી] લખાયેલી છે, શ્રીમતી શારદા બહેને એક વાર્તા લખીને મને બતાવી. તેના રહસ્ય ઉપર અમે ચર્ચા કરી. એ રહસ્ય સંબંધી તેમણે મને કહ્યું કે ગામડાંમાં કણબણોએ તેમના જીવનની આ કરુણ કહાણી પોતાને ખાનગીમાં કહેલ છે. તેમણે ખાસ કોઈ દાખલો આપ્યો ન હતો, પણ મને એ વાતની અસર થઈ અને તેથી મારા મનમાં ‘સૌભાગ્યવતી !!’ ઘડાઈ. શારદા બહેને ગયા ‘ગુણસુંદરી’ના અંકમાં એ અસલ લખેલી વાર્તા પ્રસિદ્ધ કરી છે. તે સહેજ જણાવું છું.”

આ વાર્તા સુરુચિનો ભંગ કરે છે એવી ચર્ચા કેટલેક સ્થળે થઈ છે. સુરૂચિ અને અશ્લીલતા વિશેના મારા વિચારો મેં આ પહેલાં ચર્ચેલા છે. આ સંગ્રહમાં પણ મેહફિલની છેલ્લી વાર્તામાં તેની ચર્ચા આવે છે તેથી આ સ્થાને હું તેની ચર્ચા કરવા ઈચ્છતો નથી. માત્ર

એટલું જ કહીશ કે આ વાર્તા મેં શ્રીમતી શારદા બહેનને વંચાવી હતી અને તેમણે પસંદ કર્યાં પછી મેં તેને પ્રસિદ્ધ કરી છે. અલબત તેથી મારી જવાબદારી ઓછી થતી નથી. માત્ર સુરુચિની વિચારણામાં એમનું દૃષ્ટિબિન્દુ રજૂ કરવા આટલું લખું છું.

‘ઇન્દુ’ વિશે થોડા ખુલાસા કરવા યોગ્ય ધારું છું. મારાં બે મિત્રો મહીપતરામ અનાથાશ્રમ જોવા ગયેલાં ત્યાં શ્રી ગટુભાઈએ તેમને એક તેમના અનુભવનો કિસ્સો કહેલો : એક સજ્જન અસહકાર યુદ્ધમાં જેલમાં ગયા, અને પછીથી તેમનાં પત્નીએ અનાથાશ્રમમાં એક અનૌરસ બાળકને જન્મ આપ્યો. છતાં એ સજ્જને ઉદાર દિલથી પત્નીનો સ્વીકાર કર્યો. આ વાત સાંભળીને મેં પૂછ્યું : “પણ બાળકનું શું થયું ?” જવાબ મળ્યો : “અલબત એ તો અનાથાશ્રમમાં રહ્યું.” સ્ત્રીને માટે આ કેટલું કરુણ અને આઘાતકારક છે એવી લાગણીમાંથી, સ્ત્રીના દૃષ્ટિબિન્દુથી આ વાર્તા લખાયેલી છે. તે પછી શ્રી ગટુભાઈ એ અનાથાશ્રમના સાચા કિસ્સાની શ્રેણીમાં આ વસ્તુ મૂકેલું છે.

પણ જેને પ્રસિદ્ધ કરતાં મને સૌથી વધારે સંકોચ થયો છે, અને તેથી જ જેને માટે ખુલાસો હું આવશ્યક માનું છું. તે વાર્તા ‘જગજીવનનું ધ્યેય’ છે. તેનું કારણ તેમાં ધ્યેયનો ઉપહાસ કર્યો છે, એવો કોઈનો આક્ષેપ આવે, કે આવું વૃત્તાન્ત કોઈ આશ્રમમાં ખરેખરું બનેલું છે એવું કોઈ અનુમાન કરે, એ નથી,—એવો બનેલો આખો બનાવ ‘ઇન્દુ’ સિવાય કોઈ વાર્તામાં નથી,—પણ પૂજ્ય મહાત્માજીને આમાં પાત્ર તરીકે મૂક્યા છે એ છે. એમ કરવામાં સિદ્ધાન્તની દૃષ્ટિએ કશું ખોટું નથી. મહાપુરુષોનાં નામો, જેમ ભાષામાં વિશેષ નામ મટી અમુક ગુણવાચક સામાન્ય નામ બની જાય છે, તેમ તેઓ પોતે વાર્તા લેખકોની સામાન્ય સામગ્રી પણ બને છે. પણ સંકોચ છે તે એ કે જેવી સૂચના સ્વાર્થાંધ માણસો વ્યવહારમાં કરે, એવી સૂચના આ વાર્તામાં મહાત્માજીના મુખમાં મૂકી છે એમ

કોઈને લાગે. તો તે સંબંધી કહેવાનું કે સામાન્ય રીતે જે કામ પૃથગ્‌જનો સ્વાર્થાંધતાથી કરે, અને સામાન્ય માણસો એમાં રહેલું સ્વાર્થીપણું ઓળખીને, કે સ્વાર્થીપણાનો દોષ આવશે એમ સમજીને ન કરે, તેવું કામ મહાપુરુષો લોકકલ્યાણને અર્થે, પોતાની વૃત્તિની શુદ્ધિની પ્રતીતિના બળથી કરે પણ ખરા. અને તેથી આ વાર્તામાં કોઈ પણ વાક્ય કે કાર્યથી મહાત્માજીના ભવ્ય ચારિત્રને દોષસ્પર્શ થતો હોય એમ હું માનતો નથી.

‘ઉત્તરમાર્ગનો લોપ’ ‘બુદ્ધિવિજય’ અને ‘કેશવરામ’ એ વાર્તાઓ અમુક કારણોને લઈને મધ્યયુગીન વાતાવરણમાં મુકાઈ છે, ગયા સંગ્રહની ‘છેલ્લો દાંડક્ય ભોજ’ જેમ અતિ પ્રાચીન કાળમાં મુકાઈ છે તેમ. તે સંબંધી કહેવાનું કે એમાં ઉત્તર માર્ગની અને તેના વિધિઓની આખી કલ્પના, ‘બુદ્ધિવિજય’માં જ્યોતિષના ફલની અને સુવર્ણવર્ણ પ્રયોગની [૧] આખી કલ્પના, તથા ‘કેશવરામ’માં આવતી આખી બનાવોની કલ્પના મારી છે. કોઈ પુરાણ કે વૈદકના ગ્રન્થમાંથી કશું લીધું નથી. મેહહિલની પાંચમી સભાની વાર્તામાં લાંબી તપશ્ચર્યા સંબંધી લખ્યું છે તે પૌરાણિક લાગે પણ તે કટાક્ષમય છે તે કહેવાની ભાગ્યે જ જરૂર હોય !

પ્રસિદ્ધ થયેલી વાર્તાઓને અહીં સંગ્રહમાં મૂકતાં ક્યાંક થોડો ફેરફાર સ્પષ્ટતા કે એવા કોઈ ગૌણ કારણથી કરેલો છે છતાં, હવેથી આને જ વાર્તાનું પ્રામાણિક સ્વરૂપ સમજવા વિનંતી છે.

તા. ૨-૫-૪૨
વહોરવાડ : ગોપીપુરા
સૂરત


રામનારાયણ વિશ્વનાથ પાઠક
 






સમયાનુક્રમણી


વાર્તાનું નામ

પ્રસિદ્ધિ

વિશેષ હકીકત

ઇન્દુ પ્રસ્થાન વૈશાખ ૧૯૯૩ ‘ઇન્દુ’ અને ‘રેંકડીમાં’ ૧૯૩૭ [સં. ૧૯૯૩]ના માર્ચમાં લખાઈ. ‘એક સ્વપ્ન’ એ પછી પણા તે જ અરસામાં લખાઈ.
રેંકડીમાં

જેઠ ૧૯૯૩
એક સ્વપ્ન

આષાડ ૧૯૯૩
કંકુડી ને કાનિયો

આશ્વિન ૧૯૯૩
પોતાનો દાખલો

જેઠ ૧૯૯૪ આ અને બે ભાઈઓ ૧૯૩૮ [સં. ૧૯૯૪]ની ઊનાળાની રજામાં એક જ સમયે લખાઈ.
સૌભાગ્યવતી !!

ભાદરવો ૧૯૯૪
બે ભાઈઓ

આસો ૧૯૯૫
જગજીવનનું ધ્યેય હજી સુધી અપ્રસિદ્ધ ૧૯૩૯ [સં ૧૯૯૫]ની ઊનાળાની રજાઓ પછી બેક મહિનામાં લખાઈ.
ઉત્તર માર્ગનો લોપ બે ઘડી મોજ ૧૯૯૬ દિવાળી અંક પ્રસિદ્ધિ પહેલાં મહિનાકમાં લખાયેલી
મેહફિલે ફેસાનેગુયાન સભા પાંચમી હજી સુધી અપ્રસિદ્ધ આ છેલ્લી ચાર વાર્તા ૧૯૪૧ [સં.૧૯૯૭]ની ઊનાળની રજાઓમાં લખાઈ.
મેહફિલે ફેસાનેગુયાન સભા છઠ્ઠી હજી સુધી અપ્રસિદ્ધ
બુદ્ધિવિજય મહાવીર જૈન વિદ્યાલય રૌપ્ય મહોત્સવ અંક
કેશવરામ હજી સુધી અપ્રસિદ્ધ











દ્વિરેફની વાતો
ભાગ ત્રીજો














Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
  1. ૧ આટવિક અને અડાચા વચ્ચે જે સંબંધ બતાવેલો છે તે પણ કાલ્પનિક ગણવો. ‘અડાયું’ શબ્દ आटविक માંથી જ આવ્યો છે એમ કહેવાનો ઉદ્દેશ નથી.