← રેંકડીમાં દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
એક સ્વપ્ન
રામનારાયણ પાઠક
કંકુડી ને કાનિયો →





એક સ્વપ્ન

તે મારી પાસે આવી. દુઃખ, દર્દ, ચિન્તા, જાણે મોટું રાજ્ય ચલાવવાનું હોય એટલી ઉપાધિમયતા, લાચારી તેના મોં પર દેખાતાં હતાં. અને તે બધાની સોંસરું એક પ્રકારનું સૌંદર્ય પણ દેખાતું હતું.

તેણે કહ્યું : “ગામમાં એક પરદેશી આવેલો છે. તે કોઈને પણ મુશ્કેલીઓની સલાહ સ્વપ્નદ્વારા આપે છે. તમે મારે માટે સ્વપ્ન આવવા દેવાનું કબૂલ ન કરો?”

મેં કહ્યું : “તમારી મુશ્કેલીની સલાહનું સ્વપ્ન મને શી રીતે આવે?”

તેણે કહ્યું : “હું તેને મારી મુશ્કેલી સમજાવીશ, પછી તેની સલાહનું સ્વપ્ન એ તમને મોકલે, તે આવી ગયા પછી તમારે મને કહેવું.”

“પણ તમારી મુશ્કેલીના ખુલાસાનું સ્વપ્ન તમે પોતે શા માટે નથી લેતાં?”

“હું પ્રેમના નવા પંથની શોધમાં પડી છું,—એવો પ્રેમ જે નવો જ હોય, જેમાં દરેકને મુક્તિ હોય. મને વખત નથી.”

“પણ સ્વપ્ન તો રાતે ઊંઘતાં આવે છે. તે વખતે કાંઈ તમારી શોધ નહિ ચાલતી હોય!”

“નહિ. એ જ વખતે શોધ કરવાની હોય છે. પ્રેમનો નવો માર્ગ સ્વપ્નાં સેવ્યાથી જ મળે છે.”

“તો. એ ભેગું આ!” મેં કંઇક વાત ઉડાવતાં કહ્યું.

“પણ બીજાનાં સ્વપ્નાં જોવા રહું તો મારાં સ્વપ્નાંમાંનો વખત જ ન રહે ને! અને આવાં સ્વપ્નાં તો હરકોઈ જોઈ શકે છે. દાખલા તરીકે આ સ્વપ્નું તમે જોઈ શકશો ને મને કહી શકશો, પણ મારાં સ્વપ્નાં તો મારા વિના બીજું કોઈ જોઈ શકવાનું નથી!” પણ તેણે મારા મોં પર મારું અભિમાન ઘવાતું જોયું કે કોણ જાણે કેમ, તેણે તરત જ અવાજ બદલ્યો: “તમે આટલું ના કરો? હું ખરેખર દુઃખી છું!”

હું સ્પષ્ટ જોઈ શક્યો કે તેને પોતાના પ્રશ્નનો જવાબ પ્રત્યક્ષ જોવાનો ડર લાગતો હતો અને છતાં સ્વપ્નની જિજ્ઞાસા તેને હતી. આવા કામમાં હું શા સારુ તેનું સાધન બનું એમ ઘડીભર ના પાડવાનું મન થયું. પણ આખરે હું પુરુષ હતો અને તે સ્ત્રી હતી. તેનો ‘ના કરો’નો ‘ના’નો લહેકો, અને તેના મોં પર દેખાતી દુઃખમયતા જોઈ હું ના ન પાડી શક્યો. મેં કહ્યું : “પણ મને આવેલું સ્વપ્ન તમે શી રીતે સમજશો ? અંદર શું પૂછવું શું નહિ, એની મને શી ખબર પડશે”

તે કહે : “એ સ્વપ્નો જ એવાં મોકલે છે કે તેનાથી વસ્તુસ્થિતિ બહુ ઘાટી રેખાઓમાં વ્યક્ત થાય. એની મેળે પ્રશ્નો ઊઠે છે અને તેનો જવાબ પણ મળી જાય છે. પ્રશ્ન પૂછનાર માણસ તરત તેનો મર્મ સમજી શકે છે.”

મેં કહ્યું : “ભલે.”

અમે ચાલ્યાં. ગામને છેડે એક ઝાડ પર, ખેતરોમાં પંખી ઊડાડવા ખેડૂતો માળા કરે છે, તેવા માળામાં તે રહેતો હતો. મને જરા દૂર ઊભો રાખી તે ઝાડ નીચે જઈને ઊભી રહી. નીચેથી તેણે એક પીંછું લઈ ઝાડના થડ ઉપર ત્રણ ટકોરા માર્યા. નવાઈની વાત છે, એ પીંછાના ટકોરે કોણ જાણે કેમ ઝાડમાં સંભળાયા અને બરાબર ત્રીજે ટકોરે ઉપરથી એક માણસની આકૃતિએ નીચે કૂદકો માર્યો. અને તે આખી આકૃતિ એક નાનું બગલું જાણે જમીન પર ઊભું હોય એવી થઈ રહી. થોડી વારે, જાણે જમીનમાંથી ઊગતી હોય, તેમ એ આકૃતિ ઊભી થવા લાગી ને એક દાઢી મૂછ અને ભવાં પણ તદ્દન સફેદ થઈ ગયેલો માણસ તેમાંથી દેખાયો. તેણે કાનમાં બાવાઓની પેઠે, લાકડાની નાની ઠેશીઓ ખોસેલી હતી. તેમાંથી જમણા કાનની ઠેશી કાઢી નાંખી તે કાન પેલી સ્ત્રી તરફ ધર્યો. સ્ત્રીએ ધીમા અવાજે જે કાંઈ કહેવું હતું તે કહ્યું અને છેવટે હું દૂર ઊભો હતો તે તરફ હાથ લાંબો કરી મને બતાવ્યો. સ્વપ્ન મોકલનારે જરા ડોકું ફેરવી મારા તરફ જોયું, પછી સ્ત્રીને આંખથી જવાની રજા આપી, અને એક પક્ષી પેઠે તે પોતાના માળામાં કૂદીને પાછો ભરાઈ ગયો.

તે સ્ત્રી મારી પાસે આવી. મને કહે: “બરાબર આ જ વખતે આજ રાત્રે તમને સ્વપ્ન આવશે. સવારે દી ઊગતાં હું તમારી પાસે આવીશ. તમને બધું સ્વપ્નું યાદ રહ્યું જ હશે. તે તમારે મને કહેવું.” મારો જવાબ સાંભળવા નહિ, પણ જાણે મારો જવાબ મારા મોં પર જોવા, તેણે મારા સામું જોયું, અને સંતોષ થતાં તે ચાલી ગઈ.

બીજે દિવસે સવારે દી ઊગતાં તે મારી પાસે આવી. દુઃખ દર્દ ચિન્તા ઉપરાંત તેના મોં પર તીવ્ર ઉત્કંઠા હું જોઈ શકતો હતો.

મેં સ્વપ્નું કહેવું શરૂ કર્યું.

“આવું અર્થહીન અને ભયંકર સ્વપ્ન મને કદી આવ્યું નથી!”

મારા હાથ પર રૂંવાડાં ઊભાં થયાં. તે સ્ત્રી પણ પુલકના આ ઓચિંતા આવિર્ભાવથી થડકી ગઈ, પણ તેણે તરત પોતાના પર કાબૂ મેળવી લીધો. અને પછી જાણે એવી આડી ટીકા કરવા ના કહેતી હોય એમ ભાવથી દર્શાવી આગળ વાત સાંભળવા તેણે મારા તરફ જોયું.

હું જાણે કોઈ મારા ઓળખાણવાળાને ત્યાં જતો હોઉં એવા મનોભાવથી ચાલતો હતો. ઓળખાણ ક્યાંનું, ક્યારનું, શા માટે જાઉં છું, તે કશું સ્પષ્ટ નહોતું, માત્ર જાણે કોઈક ઓળખીતાની ખબર કાઢવા ઘણે સમયે જતો હોઉં એવો ભાવ મનમાં હતો. રસ્તાની માહિતી નહોતી, તેમ રસ્તો શેાધવો છે એવું પણ મન નહોતું. માત્ર ચાલ્યો જતો હતો.

થોડે ગયો ત્યાં એક ઝૂંપડી જેવું આવ્યું અને એ જ સ્થાને મારે જવાનું હોય તેમ હું અટક્યો. ઝૂંપડીની આસપાસ બધે ખારભોંય હતી. દૂર ક્ષિતિજ ઉપર એક લૂંટી લીધેલા જેવા દેખાતા તાડ સિવાય કશું ય ઝાડ નહોતું. આસપાસ દરિયાની મોટી ભરતીનું પાણી આવતું હોય એવી જમીન ખારી પોચી અને માણસની તેમ ઢોરની નિશાની વિનાની હતી. મેં ઝૂંપડીના બારણા સામે જોયું જાણે મારી આવવાની ખબર હોય એવી રીતે અંદરથી એક સ્ત્રી, મદારી રાખે છે તેવો નાનો ટોપલો લઈ બહાર નીકળી અને તે જમીન પર મૂકી એક બાજુ ખસી ગઈ. તે જ વખતે પહેલાંનો સંકેત હોય તેમ, તેના બોલાવ્યાથી જ હાજર થયો હોય તેમ, એક પુરુષ બહારથી આવ્યો. અને જાણે મારી સમક્ષ અમુક કરી બતાવવાનું પહેલેથી નક્કી કરી મૂક્યું હોય તેમ એક દિશાથી પેલી સ્ત્રી ટોપલા તરફ ગઈ, અને સામેની દિશાથી તેનું અનુકરણ કરતો હોય તેમ પેલો પુરુષ ટોપલા તરફ ગયો. બન્ને ટોપલા આગળ ભેગાં થતાં જ સ્ત્રીએ ટાપલો ઉઘાડી અંદરથી એક જ આંચકે, એક મરેલું બાળક પકડી હાથ ઉછાળ્યો! તે સ્ત્રીની નજરથી પુરુષે પણ પોતાનો હાથ ઊંચો કરી તે મરેલા બાળકને બીજા કોઈ અંગથી પકડ્યું. અને પછી મેં કદી નહિ જોયેલું એવું, એક રૂમાલને પકડીને બે જણાં નાચતાં હોય તેમ એ બાળકને પકડીને, બન્નેએ એક ભીષણ નૃત્ય કર્યું.

હું નૃત્ય તો બીજો શબ્દ નહિ મળવાથી કહું છું. બાકી એમાં કલા નહોતી, સૌંદર્ય નહોતું, માત્ર બંને જણાં ખૂબ જોર અને આવેગથી કૂદતાં હતાં અને અમળાતાં હતાં. શરીરને પ્રતિકૂળમાં પ્રતિકૂળ આમળા આપવા અને આડુંઅવળું ખૂબ કૂદવું, હાથપગને ગમે તે દિશામાં જોરથી વીંઝવા, હલાવવા અને પેલા મરેલા છોકરાને સામસામું ખૂબ ખેંચવું એમાં જ કલા આવી જતી હોય તેમ તેઓ કરતાં હતાં. બંનેના હાથમાં એક જ મરેલું બાળક હતું તે સિવાય બન્નેની ગતિમાં કશો મેળ નહોતો. માત્ર, કલા વિનાનું, અર્થ વિનાનું, એ એક ભીષણ, અમંગળ, તાંડવ હતું !

શરૂઆતમાં તો મને એટલી કમકમાટી થઈ કે મારી બુદ્ધિ કામ કરી શકી નહિ. પણ પછી મને એક પછી એક પ્રશ્નો થવા લાગ્યા, ને કોઈ અગમ્ય રીતે તેના જવાબ મળતા ગયા. હું પ્રશ્નો વૈખરીથી પૂછતો નહોતો, મને જવાબ પેલાં સ્ત્રીપુરુષ આપતાં નહોતાં, છતાં જાણે એ તેમનો જ જવાબ જણાતો હતો, અને મને દરેક વખત જવાબ મળ્યે તેમના મોં પર જવાબ આપ્યાનો સંતોષ જણાતો હતો.

મને પહેલા પ્રશ્ન થયો “આ શેનું નૃત્ય છે?” જવાબ મળ્યો,—કહો કે—સમજાયો, “એ નવીન પ્રેમનું નૃત્ય છે.” વળી પ્રશ્ન થયો : “તો તેમાં આ બાળક શાનું?”

“એ એમના પ્રેમનું પ્રતીક છે.” મને થયું કે બાળક મરી ગયાને લીધે આ આમ કરતાં હશે. અને તેથી પ્રશ્ન થયો : “આ બાળક ક્યારે મરી ગયું?” જવાબ મળ્યો : “એ મરેલું જ અવતરેલું છે!”

વળી હું અજાયબીમાં પડ્યો. ઘડીભર એ બાળક સાચું ન હોતાં માત્ર કોઈ બનાવટી ઢીંગલી હોય એમ વહેમ પડ્યો. પણ ત્યાં તો એ નૃત્યના જ આંચકાથી બાળકની એક આંગળી ઊડીને મારી પાસે પડી. તે ખરેખર એક સાચા મરેલા બાળકની જ આંગળી હતી એમાં જરા પણ શંકા ન રહી. મને થયું : “આ આમ વારંવાર નૃત્ય કરતાં હશે?”

જવાબ “હા.”

“તો તો આ બાળક ક્યારનું તૂટી જ ગયું હોત અને નૃત્ય ફરી વાર ચાલત જ નહિ ?”

“તે બૈરી તેને વારંવાર પાછું સાંધે છે!”

“પણ તોપણ સાંધ્યે કેટલીક વાર ચાલે ?”

“તો. એ બૈરી ફરી વાર કોઈ પુરુષથી નવું મરેલું બાળક પાછું ઉત્પન્ન કરે છે.”

મને આઘાત થયો : “મરેલું ઉત્પન્ન કરે છે !!”

“હા. જીવન જીવનને ઉત્પન્ન કરે તેમાં શી નવાઈ! આ તો મરેલું ઉત્પન્ન કરે છે! એ જ એની નવીનતા છે !”

હજી પેલું તાંડવ ચાલ્યા કરતું હતું. મને લાગ્યું આ બાળક આખું તૂટી જાય ત્યારે જ આ નૃત્ય બંધ થતું હશે. એટલામાં એ બાળકનું એક અંગ તૂટીને મારા પર પડ્યું. એ અંગ એળખાય એવું રહ્યું નહોતું. પણ મને જાણે મૃત્યુનો સ્પર્શ થયો હોય તેમ હું ભડક્યો. અને ભડકવા સાથે જાગી ગયો. જાગ્યો ત્યારે મારે શરીરે પસીનો હતો !

સ્વપ્ન પૂરું કહેવાઈ રહ્યે મેં તે સ્ત્રી સામે જોયું. જાણે મને ત્યારે જ સમજાયું, ને મેં પૂછ્યું: “એ સ્ત્રી તો તું હતી, પણ પેલો પુરુષ કોણ?”

સ્ત્રીએ અત્યંત તિરસ્કારથી કહ્યું : “તદ્દન જુઠ્ઠું.” મને થયું : “સ્વપ્ન એના કહ્યાથી મેં લેવાની હા પાડી. એના કહેવાથી પેલાએ મોકલ્યું. અને પછી આ ‘જુઠ્ઠું’ એટલે શું?”

મારા મોં પરથી મારા મનનો ભાવ કળી જઈ તેણે ફરી કહ્યું : “બન્ને જુઠ્ઠા છો : તમે અને પેલો સ્વપ્નાં મોકલનાર”

જાણે આખા જગતનું મેં એકલાએ કંઈ મહાન અહિત કરી નાંખ્યું હોય તેમ મારા તરફ તીક્ષ્ણ તિરસ્કારની દૃષ્ટિ નાંખી તે ચાલી ગઈ!