← ઇન્દુ દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
રેંકડીમાં
રામનારાયણ પાઠક
એક સ્વપ્ન →





રેંકડીમાં

સાં પડ્યાને વખત થઈ ગયો હતો. રાત પડતી જતી હતી. શહેરનો મુખ્ય ભાગ પૂરો થઈ તેના બંગલાની મોટી સડકો શરૂ થઈ હતી. ત્યાં આધેડ વયનાં સ્ત્રીપુરુષ, દિવસનું કામ કરી, ધીમે ધીમે રેંકડી હાંકતાં જતાં હતાં. થોડે દૂર જઈ તેમણે ઊભાં રહી પાછળ જોયું, ને સ્ત્રીએ ‘કંકુડી’ કહીને બૂમ પાડી. જરા દૂરથી અવાજ આવ્યો: “તમે જાઓ, હું આવી પહોંચું છું.” પણ એ તો રેંકડી થોભી ઊભો રહ્યો. થોડીવારે જરા ખોડંગતી ખોડંગતી કંકુ આવી.

“જો હવે શહેર પૂરું થયું. બેસી જા રેંકડીમાં.” સ્ત્રીએ કહ્યું.

“આમ ખોડંગતાં ચાલતાં ઊલટું વધારે પાકશે.” પુરુષે કહ્યું.

“તમે તમારે જાઓ. અને હવે તો આપણું ઘરે ય ઢૂંકડું આવ્યું છે ને ! હું તો ઘડીકમાં પહોંચી જઈશ.” ઢૂંકડું આવ્યું એ વાત એટલી સાચી નહોતી. કંકુનાં માબાપ શહેર બહાર, આંબા પટેલના આંબાવાડિયામાં રહેતાં. આંબા પટેલનું નામ આંબો હતું માટે કે કોણ જાણે શા કારણે, તેણે એક બહુ સારી યુક્તિ શોધી કાઢી હતી. શહેર બહાર તેનું મોટું ખેતર હતું. ખેતરમાં શહેરની બાજુએ કૂવો હતો. શહેરમાં રેંકડી ખેંચવાનો ધંધો કરવા વાઘરી આવતાં તેમને તે ખેતરમાં ઝૂંપડું કરવા દેતો અને ભાડા બદલ તેમની પાસે આંબા ઉછેરાવતો. કુવાથી દૂરમાં દૂર જગાએ તેણે આંબા શરૂ કર્યા હતા, અને જેમ જેમ નવા માણસો રહેવા આવતા ગયા તેમ તેમ જૂનામાંથી સારા કામ કરનારને કૂવાની નજીક આંબા રોપવાનું કામ સોંપી તે પ્રોમોશન આપતો ગયો. કંકુનાં માબાપ તેનાં સૌથી સારાં કામઢાં ભાડુઆત હતાં. શહેરની અને કૂવાની તદ્દન નજીક આવવું, ભાડે રેંકડી રાખતાં હતાં તેને બદલે ઘરની રેંકડી વસાવવી, પાંચ પૈસા ભેગા કરવા વગેરે અનેક મનોરથો તેમણે સિદ્ધ કર્યા હતા, અને ઘણીવાર રાતે તાપણી આગળ બેસી પતિપત્ની આ સુખની વાત કરતાં. કંકુએ તેમની વાતમાંથી જ આ દલીલ આપેલી હતી. દલીલ સાચી નહોતી, ઝૂંપડું એટલું બધું નજીક આવ્યું નહોતું અને હજી ઘણું ચાલવાનું બાકી હતું, પણ કંકુનાં માબાપે વધારે તાણ ન કરી. તે જાણતાં હતાં કે છોકરી ટેકવાળી છે; આટલે વરસે તેનો ભાર માબાપ ઉપાડે તે તેને ગમતું નહોતું, અને માટે જ તે ના પાડતી હતી. તે તો ઘણીવાર પોતાની બાની જગા લઈ બાપની સાથે આગળથી રેંકડી ખેંચવા દેવાનું અને બાને પાછળ રહેવાનું કહેતી, પણ હેતાળ માબાપે તે કદી માન્યું નહોતું. એકની એક છોકરી ઉપર તેમને એટલું હેત હતું !

કંકુનાં માબાપ આગળ ચાલ્યાં ગયાં. તેમની રેંકડીનો અવાજ ઓછો થતો થતો બંધ થઈ ગયો તે સાંભળતી સાંભળતી કંકુ ધીમે ધીમે આગળ જતી હતી. ત્યાં તેને પાછળથી ખાલી ખખડતી ઉતાવળી આવતી નવી રેંકડીનો અવાજ, ખેંચનારના જોડાના ચમચમ અવાજ સાથે સંભળાયો. અવાજ ઉપરથી તે સમજી ગઈ કે એ કાનિયો આવતો હતો.

કાનિયો ને કંકુડી નાનપણનાં દોસ્તો હતાં. કાનિયો માબાપ વિનાનો હતો ને કંકુનાં માબાપના પડોશમાં તેમની મદદથી ઊછર્યો હતો. નાનો હતો ત્યારે આંબા ઉછેરવામાં મદદ કરતો ને કંકુને રમાડતો. જુવાન થયો ત્યારે રેંકડી ખેંચવા માંડ્યો ને હમણાં તેણે નવી રેંકડી વસાવી હતી.

કાનિયાને આવતો જોઈ કંકુ જરા રસ્તાની બાજુમાં સંતાઈ ગઈ. મ્યુનિસિપાલિટીનાં ફાનસો હવે બંધ થયાં હતાં પણ અંધારામાં કાનિયાનાં કાળાં તેલ નાખેલાં ઓળેલાં કાનશિયાં અને તેના પર બાંધેલું લાલ મોળિયું તે જોઈ શકી. કાનિયો ધૂનમાં ગાતો ગાતો પસાર થયો.

ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ.
ઝાંપે તારી ઝૂંપડી ઘાયલ,
આવતાં જાતાંનો નેડો લાગ્યો રે અરજણિયા !

કંકુના મનમાં અજ્ઞાત સંકલ્પ થયો. “જોઉં છું કેટલેક જાય છે!” ગમે તેટલે દૂરથી તેને બોલાવવાનો પોતાનો અધિકાર ભોગવવા તેણે કાનિયાને સાદ પહોંચે તેની અંતિમ હદે જવા દીધો. અને પછી ટહુકો કર્યો: “અલ્યા ઘાયલ!”

કાનિયો રેંકડી થંભાવી ઊભો રહ્યો. તેણે ચારે બાજુ જોયું. કંઈ ન દેખાતાં તે વધારે તાકીને જોવા લાગ્યો. કંકુને બને તેટલી વાર લગાડવી હતી. તે કંઈ બોલી નહિ પણ અંતે તેનાથી હસાઈ જવાયું. કાનિયો રેંકડી લઈ દોડતો તેની પાસે આવ્યો, “કેમ અહીં ઊભી છે, અલી?”

“અમે અમારી મેળે ઊભાં છીએ તેનું તારે શું?”

“પણ ઘેર નથી જવું?”

“તે ધીમેધીમે જઈએ છીએ.”

કાનાને યાદ આવ્યું કે કંકુની આંગળી પાકી હતી. તેણે કહ્યું, “તે લંગડી, આમ તો મારગમાં સવાર પડી જશે. રેંકડીમાં બેસી જા !”

“તું શું મને લઈ જતો’તો ! માંડ માંડ રેંકડી ખેંચ છ ત્યાં!”

“એમ?” કહી તેણે પોતાના સ્પર્શથી હસતી કંકુડીને બાથમાં લઈ રેંકડીમાં નાંખી. જાણે કંકુનો ભાર ન જ ખેંચાતો હોય તેમ ઊંહકારા કરતો ડોલતો ડોલતો તે જાણી જોઈને ધીમેધીમે રેંકડી ખેંચવા માંડ્યો. થોડીવારે કંકુએ કહ્યું: “અલ્યા ઊભી રાખ, આ કરતાં તે હું ખોડંગતી ખોડંગતી વહેલી પહોંચી જાત. પોતાથી રેંકડી ખેંચાતી નથી ને પાછો ઢોંગ કરે છે!”

“એમ?” કાનિયાને ‘એમ’ કહેવાની ટેવ હતી. એ એક જ શબ્દના જુદાજુદા ઉચ્ચારોમાં તે અનેક ભાવો બતાવી શકતો. આ વખતે તેણે ‘એમ’ કહીને એવી તો દોટ મૂકી કે તેના આંચકામાંથી બચવા કંકુને રેંકડીના ઠૂંડા પકડવા પડ્યા. આગળ જતાં નવી સડક કરવા પથરા પાથરી રાખેલા હતા. રેંકડીનો રસ્તો ત્યાંથી નીચે ઊતરી જરા ફેરમાં જતો હતો. એ રસ્તો નજીક આવ્યો પણ કાનિયો એ બાજુ જવા મરડાયો નહિ. કંકુએ “અલ્યા પથરા પર નહિ હંકાય, ઓલ્યે મારગે હેંડ” એમ કહ્યું. કાનિયાએ એ માર્ગે જવાને બદલે વધારે દોડવા માંડ્યું, અને હવે માત્ર એક હાથે રેંકડી ખેંચવા માંડ્યો.

રસ્તો આખો અણીદાર પથરાથી એક સરખો ખડબચડો થઈ ગયો હતો. તેના પર આ નવી રેંકડી ખડખડતી દોડી જતી હતી. આખી ગાડી ધ્રૂજતી જતી હતી. કંકુનું આખું શરીર ધ્રૂજતું હતું. અને તે સાથે જીવનમાં જાણે પહેલી જ વાર, તેનાં નવાં ફૂટતાં લાવણ્યમય અંગો ધ્રૂજી ઊઠ્યાં. તે સાથે તેના હૃદયે પણ જાણે કંપ અનુભવ્યો. આ બાહ્ય અને આંતર પ્રકંપથી, જાણે તેને કોઈ ગલગલી કરતું હોય તેમ, કંકુ ખડખડાટ હસી પડી. નીચે ખડબચડી પૃથ્વી રેંકડીના અવાજથી અટ્ટહાસ્ય કરતી હતી. ઉપર રેંકડીમાં બેઠેલી કંકુ યૌવનનું પહેલું અટ્ટહાસ્ય કરતી હતી.

રેંકડીમાં કેટલું દોડાયું તે બેમાંથી કાઈ એ જાણ્યું નહિ. પણ સડકના પથરા પૂરા થયા, ફરી ચીલાવાળી પોચી જમીન આવી, આંબાવડિયું નજીક આવ્યું, ત્યાં કાનિયાએ રેંકડી ધીમી પાડી. બન્નેએ જોયું તો હજી કંકુના ઘરમાં દીવો થયો નહોતો. કંકુએ કહ્યું, “અલ્યા, હું ના પાડતી’તી કે ગાંડાની પેઠે દોડ્ય માં! હવે આટલો વખત શું કરવું?”

“કેમ, ઘેર નહિ જવાય?”

“ગાંડો ! મારાં માબાપ આગળ જતાં હતાં. તેમણે મને રેંકડીમાં બેસવા કહ્યું ને મેં ના પાડી. ને હવે એમના પહેલાં જઈ ને બેસું તો શું લાગે?”

“ત્યારે એ ક્યાં રહ્યાં !”

“પેલી નવી સડક આગળ હેઠલે ચીલે જતાં હશે ને આપણે આગળ નીકળી ગયાં !”

“ત્યારે એમ કરીએ. આટલા ભેગું વધારે. લે, થોડી વધારે સહેલ કરી લે. આવો લાગ તને ય ફરીને નહિ મળે!”

“ના એમ નહિ. ઓલ્યા ટેકરા ઉપર શરકટ પછવાડે જઈને બેસીએ. દીવો દેખાય એટલે તું મને મારગે મૂકી જજે.”

“ને પછી શેઠાણીબાઈ ડાહ્યાં ડમરાં થઈને લૂલાં લૂલાં ઘેર જશે !”

“હાસ્તો!”

કાનિયાએ ફરી રેંકડી લીધી. ઊંચે શરકટના ઝુંડ પછવાડે રેંકડી ટેકવીને ઊભી રાખી, ને કાનિયો કંકુડી પાસે રેંકડીમાં બેઠો. તેનો હાથ કંકુના હાથને અડ્યો અને કંકુને તે ઘણો જ ઠંડો લાગ્યો. તેણે તેના શરીરે હાથ ફેરવી જોયે, કાનિયાને ખૂબ પરસેવો વળ્યો હતો. કંકુએ કહ્યું: “હું કહેતી’તી અલ્યા આટલું બધું દોડ્ય માં! શો લાડવો ખાવો’તો તે આટલું દોડ્યો?” કાનિયો જાણતો હતો કે કંકુએ એવું કશું કહ્યું નહોતું, ઊલટી હસતી હતી. તેણે આ બધો અર્થ માત્ર “એમ!” કહી દર્શાવ્યો.

બન્ને થોડીવાર બોલ્યા વિના બેઠાં. પછી કંકુએ કહ્યું: “અલ્યા, ઓલ્યા ટેકરા ઉપર તું મને રેંકડીમાં બેસારી રમવા લઈ જતો તે યાદ છે?”

“અને એકવાર પેલા ટેકરા ઉપર તેં મને ચડાવ્યો. પછી રેંકડીમાં બેસીને ટેકરી નીચે રેંકડી દોડવી મેલવાની તેં હઠ લીધી. છેવટે તું રોઈ ને મેં રેંકડી દોડવી મૂકી ને રેંકડીનો ઊંટડો નીચે ભટકાતાં ભાંગી ગયો એ યાદ છે?”

“ખડખડાટ કરતી રેંકડી દોડી ગઈ તે મને બહુ મજા પડી’તી.”

“તને તો મજા જ પડે ને? તારી બા કેટલી વઢી’તી એ યાદ છે?”

બન્ને વચ્ચે થોડા વખત સુધી વિશ્રબ્ધ વાતો ચાલી. નાનપણમાં બોર ખાવા ક્યાં ક્યાં ફરતાં; કેરી ટાણામાં કાનો આંબા ઉપર ચઢી છાનોમાનો કેરી પાડી આપતો; રાત્રે કોઈવાર ઊનાળામાં એ પાસેની રેંકડીમાં સૂઈ રહેતાં; કોઈવાર બધાં સૂઈ ગયા પછી પોતપોતાની રેંકડી દૂર ખેંચી જઈ ચન્દ્રના અજવાળામાં બીજા જાગી ન જાય એમ વાતો કરતાં, વગેરે કંઈ કંઈ સંભાર્યું, એટલામાં કંકુના ઘરમાં દીવો થયો. કાનો રેંકડી લઈ કંકુને તેને માર્ગે મૂકવા ચાલ્યો. ઘરમાં જવાનું નજીક આવતું ગયું તેમ તેમ કાનાને પોતાના કૃત્યનો અર્થ વધારે વધારે ગંભીર લાગતો ગયો. કંકુ રેંકડીમાંથી ઊતરવા જતી હતી, ત્યારે કાનાએ કહ્યું: “હું રેંકડી લઈને દોડતો હતો ત્યારે તારાં માબાપ જોઈ ગયાં હશે તો!”

“તો શું? બહુ બહુ તો તારી સાથે મને પરણાવી દેશે, બીજું શું થશે?”

કાનાએ માત્ર કહ્યું: “એમ!”

અને કંકુએ કહ્યું હતું તેથી વધારે ખરાબ કશું પરિણામ આવ્યું નહિ,– ખરું તો તેણે માબાપનું વલણ જાણીને જ એમ કહ્યું હતું.

લગ્નનાં દસૈયાં પૂરાં થયા પછી કાનો અને કંકુ બંને પોતાના ઝૂંપડામાંથી એ જ રેંકડી લઈ શહેર તરફ નીકળ્યાં. ઘણે દિવસે, આગળ રહી રેંકડી ખેંચવાના કંકુના કોડ પૂરા થયા. તે રેંકડી ખેંચતી હતી અને તે સાથે સંસારનું ગાડું પણ કાનિયાની સાથોસાથ રહી ખેંચતી હતી, તેના અભિમાનની ઝલક તેના મોં પર શોભતી હતી. હંસ હંસી જેમ ધીમેધીમે દરેક પગલે ડોક આગળ ઝુકાવતાં ઝુકાવતાં ચાલે, તેમ રેંકડીને બન્ને હાથથી પકડી બન્ને આગળ ડોકું ઝુકાવતાં ચાલતાં હતાં, અને કંકુ એમ ડોલતી હતી ત્યારે તેનાં કાનનાં લોળિયાં તેના ગાલ પર ખૂબ ઝૂલતાં હતાં. બન્ને રેંકડી લઈ નીકળ્યાં, ત્યારે આખું આંબાવાડિયું તેમને જોવા ભેગું થયું. ડાળીઓમાંથી કોયલો કૂજી રહી; રસ્તે, અને એક ઝાડથી બીજે ઠેકતાં વાંદરાવાંદરી પણ એ રેંકડી ભણી પાછું વાળી જોઈ રહ્યાં.