દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો/કંકુડી ને કાનિયો

← એક સ્વપ્ન દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
કંકુડી ને કાનિયો
રામનારાયણ પાઠક
પોતાનો દાખલો →





કંકુડી ને કાનિયો

રણ્યા પછી એ જ આંબાવાડિયામાં કંકુ ને કાનિયો એક જુદી ઝૂંપડી કરીને રહ્યાં. બન્નેને સુખી જોઈ કંકુનાં માબાપ રાજી થતાં. કંકુને પરણ્યાં ત્રણ વરસ થયાં છતાં તેને છોકરું ન થયું એટલો જ માત્ર તેમને અસતોષ હતો.

એક વરસ આખા ગુજરાતમાં ભયંકર અતિવૃષ્ટિ થઈ. સાત દિવસ સુધી અનરાધાર મે વરસ્યા કર્યો, જરા વરસાદ ઓછો થયો લાગે, ત્યાં તો, જાણે કંઈ રહીને રહીને સાંભરી આવતું હોય, તેમ પાછાં ઊમટી ઊમટીને ઝાંપટાં પડવા માંડે ! પવન ને વરસાદ બન્નેનું જોર! બધી નિશાળો બંધ, કચેરીઓ બંધ, વહેપારીઓના વહેપારો બંધ ! ટ્રેનો બંધ, તાર બંધ, વર્તમાનપત્રો બંધ ! કોઈ ને કશી ખબર પડે નહિ કે બહાર શું થાય છે ! બહાર તો નીકળાય જ નહિ, ને ઘરમાં પણ સલામતી ન લાગે. કોઈ કોઈને મદદ કરી શકે નહિ. જાણે શું થઈ જશે એવી એક પ્રકારની ધાક સૌના મનમાં પેસી ગયેલી. કોઈનો અનુભવ, કોઈની હિકમત, કશુંજ કામ આવી શકે નહિ! કુદરત આગળ માનવજાત કેટલી લાચાર છે એ જ લાગણી સર્વત્ર પસરી રહેલી ! જગતનો પ્રલય પાણીથી થાય છે, ને સર્વ દેવોમાં વાયુ સૌથી બળવાન છે એ સર્વને પ્રત્યક્ષ થતું હતું !

ચોથે દિવસે સવારમાં વરસાદ કાંઈક ઓછો થતો લાગ્યો. કાનિયાના ઘરમાં, કંકુનાં માબાપના ઘરમાં, અંદર અંદર આપલે કરતાં પણ કેટલીક વસ્તુઓ ખૂટી હતી, કેટલીક ખૂટવા આવી હતી. કંકુનો બાપ અને કાનિયો ચીજો લેવા જવાનો વિચાર કરતા હતા, પણ કંકુએ હઠ કરી બાપને બેસાડી દીધો, ને કાનિયા સાથે રેંકડી લઈ નીકળી. બન્નેએ એકેક કોથળો ઓઢ્યો, અને બેત્રણ કોથળા સામાન ઢાંકવા રેંકડી નીચે બાંધી રાખ્યા. દાણા સિવાયનો પરચૂરણ સામાન તેમણે પહેલો લઈ લીધો, તેના પર કોથળા ઢાંક્યા, અને પછી બન્ને તેમના ઘરાક દાણાવાળાને ત્યાં દાણોદૂણી લેવા ઊપડ્યાં. એટલામાં જ પાછો ફરી ત્રમઝીક વરસાદ શરૂ થયો. દાણાવાળાને ત્યાં જઈ વરસાદ ધીમો પડે ત્યાંસુધી રહેવા વિચાર કરી બન્ને દાણાવાળાને ત્યાં ગયાં. પણ ત્યાં તો દાણાવાળાએ બન્નેને ઘડી થોભ્યા વિના તેને તે ઘડી નરોતમ શેઠને ઘેર જવા કહ્યું. “ઘર પડવા થયું છે, ને બાઈ ને વેણ ઊપડી છે, ઝટ જાઓ !” કાનિયો દાણાની ગૂણો પહોંચાડવા ત્યાં વારંવાર જતો. બન્નેને લાગ્યું કે ગયા વિના છૂટકો નથી. વરસતે મેયે બન્ને ગયાં, પણ ત્યાં તો કંઈ જુદો જ રંગ જામ્યો હતો.

આખી સાંકડી ગલ્લી ગાડીઓ ને રેંકડીઓથી સલોસલ ભરાઈ ગઈ હતી. માણસો દોડાદોડ કરતા હતા, સામાન ઉતાવળા ઉતાવળા મૂકતા હતા, એકબીજાને બૂમો પાડીને સામાન મૂક્યાની ને મૂકવાની વાત કહેતા હતા, છોકરાં રોતાં હતાં, ગાડીવાળા એકબીજાને સંભાળવાની, ગાડી હાંકવાની જગા કરવાની બૂમો પાડતા હતા, પણ જાણે આ અવાજ અને ગોટાળા પૂરા ન હોય તેમ માણસો અંદર અંદર લડતાં હતાં અને ગાળો દેતાં હતાં ! કાનિયો કંકુ તો આમાં કશું સમજ્યાં નહિ, અને લડનારા પણ એકબીજાનું સાંભળી શકતા હશે કે કેમ તે કોણ જાણે, પણ ગાળો અને મહેણાંનો તે વખતે પણ કોઈ કમીનો રાખતું નહોતું. મનસ્વીઓ જીવનની છેલ્લી ક્ષણ સુધી પોતાનું કર્તવ્ય કરે છે, તેમ આ મહાપુરુષો પણ પ્રલયની મહાક્ષણે લડીને જીવનનું સાર્થક્ય કરી લેતા હતા !

વાત એમ હતી, કે નરોતમ શેઠને તેના પડોશી કેશવલાલની સાથે એક ભીંત સહિયારી હતી. કેશવલાલ ભીંત સમરાવતા હતા, ત્યાં નરોત્તમે કોઈક હક્કને માટે, કોરટે ચઢી મનાઈ હુકમ મેળવી ભીંત ચણાતી અધૂરી રખાવી હતી, અને તેને લીધે બન્ને વચ્ચે ભારે અંટસ પડી હતી. પણ અત્યારે એ જ અધૂરી મૂકાવેલી ભીંતને લીધે ઘર પડવા જેવું થયું, ને નરાતમને પત્નીની નાજુક હાલતમાં ઘરવખરી ને કુટુંબ ફેરવવાનું આવ્યું તેથી કેશવલાલના ઘરનાં રાજી થઈ મહેણાં મારતાં હતાં. પણ ત્યાં તો કેશવલાલનું ઘર પણ પડવા જેવું થયાથી તેને પણ એ જ વખતે ફેરવવું પડ્યું. સામાન ફેરવતાં સહેજે પુરુષોને અને સ્ત્રીઓને મળવાનો પ્રસંગ મળી ગયો, તેનો બન્ને પક્ષ લાભ લઈ જરા દાઝ કાઢી લેતાં હતાં !

એક માણસ કાનિયા પાસે આવ્યો ને તેને બન્ને ઘરની વચ્ચે એક જગાએ ઊભો રાખ્યો, ને તે માણસ સામાન લેવા ઘરમાં ગયો. ત્યાં બીજો માણસ હાથમાં પોટલી લઈને આવ્યો, ને જરા કાનિયા કંકુને ધમકાવી તેણે રેંકડીના કોથળા નીચે એક નાની પોટલી ઢાંકીને મૂકી, અને “અલ્યા સાચવજો હોં, હજી બીજો સામાન આવે છે” એમ કહી વળી ચાલ્યો ગયો. થોડીવારમાં તો ધમાધમ રેંકડીમાં સામાન ખડકાઈ ગયો ને એક માણસ “એ...હું રેંકડી લઈ જાઉં છું.” કહીને રેંકડી પોતાની પાછળ ખેંચાવી ગયો, દૂર દૂર વરસતા મેમાં એક ઘેર જઈ તેણે ગણીને પોટકાં લઈ લીધાં ને કાનિયાને પૂછ્યું: “અલ્યા, આ કોથળા કોના છે?” કાનિયાએ કહ્યું: “એ તો અમે હટાણું કરવા ગયાં’તાં, તેનો થોડો અમારો માલ છે. દાણા લેવા ગયાં, ત્યાંથી દાણાવાળાએ, અદ્ધર તમારે ત્યાં ધકેલ્યાં.” પેલો માણસ કહેઃ “પણ આવે વખતે તો કામ કરવું જોઈએ, શેઠ રાજી કરશે. હમણાં જાઓ.”

કાનિયો કંકુ મજૂરી લેવાનું પણ બાકી રાખી, દાણાવાળાને ત્યાંથી દાણા લઈ ઘેર ગયાં. પોતાના દાણાના કોથળા ઘેર ઉતારી, ઢાંકેલા કોથળા એક કોર કરી જુએ છે તો અંદર નવતર પોટકી દીઠી. ગાંઠ ઉઘાડી જુએ છે તો સોના મોતી જવાહીરનાં ઘરેણાં ! દાણાનું માટલું ઉઘાડતાં અંદરથી ફૂંફાડા મારતો ફેણ ચડાવી ડોકું કાઢતો સાપ કોઈ જુએ તો હેબકાઈ જાય, તેમ કંકુ કાનિયો હેબકાઈ ગયાં. વરસાદ રહ્યે નરોતમ શેઠને પૂછવા જવું, તે દરમિયાન પોટકી ઝૂંપડીમાં જ દાટી રાખવી ને કોઇને કહેવું નહિ, એમ બન્નેએ નિશ્ચય કર્યો.

આ પોટકી પાડોશી કેશવલાલ શેઠની હતી. તેમણે સામાન ઉતરાવી પોટકી શોધી તો જડી નહિ ! પોટકીમાં વીસ હજારના દાગીના હતા. તેમણે અને તેમના ઘરમાં બધાં માણસોએ એમ જ માન્યું કે નરોતમ શેઠ કે એનાં માણસો પોટકી લઈ ગયાં. કેશવલાલે તરત જ પોલીસમાં ફરિયાદ કરી જડતી લેવરાવવા વારન્ટ મેળવ્યું. અને આ જડતી વરસતા વરસાદમાં, જે મિત્રે નરોતમ શેઠનાં પત્નીની ઓપટી વેળા તેમને ઘરમાં રાખવાનું બન્ધુકૃત્ય કર્યું, તેને જ ત્યાં લેવાઈ, અને શેઠનાં બીજાં માણસો જે સામાન વહેતાં હતાં તેમને પણ તેનો લાભ મળ્યો. કેશવલાલનાં ઘરેણાં ગયાં તેનો તેમને વિચાર ન આવ્યો, પણ પરસ્પર વૈર ખેલવાની બાજીમાં સામા પક્ષના પોબાર પડતા તેમને લાગ્યા. તેઓ અપમાનથી ખૂબ ધૂંધવાઈ રહ્યા !

અલબત જડતીમાં તો કશું હાથ લાગ્યું નહિ, પણ કેશવલાલનો અને પોલીસનો નરોતમ શેઠ ઉપરનો વહેમ ઓછો થયો નહિ. તેની હિલચાલ ઉપર પોલીસે દેખરેખ રાખી. બી તરફ પેાલીસે કેશવલાલ પાસે દાગીના શોધી આપનારને રૂા. ૭૦૧નું ઈનામ જાહેર કરાવ્યું.

વરસાદ રહ્યો તેને બીજે દિવસે કાનિયો કંકુ બીતાં બીતાં નરોતમ શેઠ જેને ઘેર રહેવા ગયા હતા ત્યાં ગયાં. જઈને તેમણે ભાડું માગ્યું. શેઠનો માણસ અંદર પૂછી ભાડું આઠ આના અને બહુ કરે તો બાર આના આપવાને લઈ આવ્યો ને આઠ આના આપવા લાગ્યો. પોટકી સંબંધી કશી વાત છેડાઈ નહિ, એટલે કાનિયાને જરા હિંમત આવી. ને તેણે શેઠને મળવાનું કહ્યું. માણસે બાર આના સુધીનો હુકમ કહી બતાવ્યો છતાં કાનિયાએ તો શેઠને મળવાની જીદ કરી. શેઠને મળ્યો. અને પૂછ્યું: “શેઠ, તમારું કાંઈ ખોવાય છે !”

“ના.”

“તો તમારું નહિ તો તમારા પાડોશીનું હશે, એ ક્યાં રહેવા ગયા ?”

નરોતમ શેઠને એકદમ બધું સમજાઈ ગયું. કાનિયો કેશવલાલને ત્યાં જઈ ઘરેણાં આપે તો પેલા લોકો ગુપચૂપ રાખી લે. કદાચ ઈનામના સાતસોમાંથી પણ બચી જાય. તેને બદલે કાનિયાને પોલિસ આગળ લઈ જઈ ઘરેણાં સુપ્રત કરાવ્યાં હોય તો કેશવલાલને સાતસો તો કાઢવા પડે, તે ઉપરાંત ખોટી જડતી લેવરાવી તેનો સામો કેસ કરાવી શકાય. એક અરધી ક્ષણમાં બધા વિચારો નરોતમશેઠને આવી ગયા. તેમણે બહુ જ ધીમેથી કાનિયાને સમજાવ્યો “સારુ થયું મને કહ્યું, બીજાને કહ્યું હોત તો તને કદાચ પેાલીસમાં પકડાવી દેત, અથવા તારું ઇનામ લઈ જાત. એ ઘરેણાં શોધી આપનારને તો પેાલીસે ઇનામ જાહેર કર્યું છે, રૂપિયા સાતસોનું ! ચાલ તને અપાવું. તેં વરસતે વરસાદે મારું કામ કર્યું, તો તું જિંદગીમાં ન કમા એટલા તને અરધા કલાકમાં કમાવી આપું, ચાલ !”

એ બે શેઠની વૈરબાજી પછી કેટલી ચાલી હશે તેની સાથે આપણે કામ નથી. એ તો સોગઠી ગાંડી કરીને રમ્યા હરશે. પણ બેની લડાઈમાં કાનિયો કંકુ એક અણધારી આફતમાંથી બચી ગયાં, અને રૂપિયા સાતસો કમાઈ ગયાં. તેમણે તરત તો રકમ દાણાવાળાને ત્યાં વ્યાજે મૂકી. આખા આંબાવાડિયામાં આ એક બહુ મોટો બનાવ બન્યો !

હવે આ રૂપિયાનું શું કરવું તેનો કાનિયો ને કંકુ વિચાર કરવા બેઠાં. કાનિયાને સૌથી પહેલાં દેશમાં પાકું ઘર કરાવવાનું સૂઝ્યું. કંકુ કહેઃ “આપણે જનમભર રહેવું અહીં ને ઘર ત્યાં કરાવ્યે શો ફાયદો ? દેશમાં આંટો જતાં જ પચીપચા તો થઈ જાય. અને અહીં શહેરમાં તો એટલાથી ઘર શું ઝૂંપડું ય ન થાય !” એટલે ઘરની વાત પડતી મુકાઈ. કાનિયાએ ઘરેણાં કરાવવાનું પૂછ્યું. કંકુએ કહ્યું: “મારે તો એક વીંટીનું મન છે. એથી વધારે ઘરેણાં આપણને શોભે નહિ ! પણ કાનિયા હું તને પરણી ત્યારનાં આપણે તારે ગામ કોઈ દી ગયાં નથી. તું નહોતો ગાતો ?

લેજૂડી, તારો મલક્ક મારે જોવો છે!

તે તારો મલક મને દેખાડ્ય.”

આંબાવાડિયામાં રમતાં, કાનિયાએ ઘણીવાર, દેશમાં નાનપણમાં પડેલી વિટંબણાઓનું વર્ણન કરેલું, તેનો સાક્ષીભૂત પ્રદેશ જોવાની કંકુને મુગ્ધ ઇચ્છા થઈ આવી ! કાનિયાએ કહ્યું “ત્યાં તો પાણીએ નથી મળતું, ત્યાં શહેરના જેવું રહેવાનું નહિ, ઓઢવા પહેરવાનું નહિ, ખાવાનું નહિ, શાક પાંદડું નહિ.” પણ કંકુ એકની બે થઈ નહિ. છેવટે બન્ને આંબાવાડિયામાંથી સૌની રજા લઈ વાંસળીમાં થોડા રૂપિયા ભરી નીકળ્યાં.

પ્રૌઢ વયનાં દંપતીને પણ મુસાફરીનું સહજીવન અત્યંત મધુર લાગે છે તો અભિનવ પ્રેમવાળાંની તો વાત જ શી ? સંસારની ચાલુ ઘટમાળમાં જાણે થોડા વખત છુટ્ટી પડી ! કાનિયા કંકુને મુસાફરીમાં ખૂબ મજા પડી ! તેમણે ખૂબ વાતો કરી. કાનિયાએ પોતાના વડવાની વાતો કહી. પહેલાં તેમનું ઘર સુખી હતું. તેના દાદાએ વાસમાં કૂઈ કરાવેલી. જીવા દાદાની કૂઈએથી વાસનાં માણસોએ ઘણાં વરસ પાણી ભર્યું. અત્યારે તો એ કૂઈ પુરાઈ ગઈ છે. તેમની નાનમ પડી, ઘર ખોરડાં વાડા બધું તણાઈ ગયું, વગેરે અનેક વાતો થઈ. એ વાતોમાંથી જ બન્નેને એક નવું સૂઝ્યું: દેશમાં જઈ એક કૂઈ કરાવવી.

બન્ને એક દૂરના ઘરડા સગાને ત્યાં ઊતર્યા. શહેરમાંથી પરણીને કમાઈને આવેલા કાનિયાને જોવા વાસનાં સૌ લોક ભેગાં થયાં ને જ્યારે કાનિયાએ કૂઈ કરાવવાની વાત કરી ત્યારે લોકોના આશ્ચર્યનો પાર ન રહ્યો !

કાનિયાના પૈસાથી અને વાસની મજૂરીથી થોડા દિવસોમાં કૂઈ તૈયાર થઈ ગઈ. કાનિયાએ શાહુકારના કૂવા જેવો, ઉપર કઠેરો કરાવ્યો ને ફરતી ગરેડીઓ મૂકાવી. બધું તૈયાર થયે બ્રાહ્મણને દક્ષણા આપી વાસને જમાડ્યો, ને વાસના ઘરડેરાએ કાનિયાને પાધડી બંધાવી !

એક દિવસ બૈરાં પાણી ભરતાં હતાં ત્યાં કાનિયો જઇ ચડ્યો. બૈરાંએ મશ્કરીમાં કાનિયાને કહ્યું: “અલ્યા, આ કૂઈને કાનિયાની કૂઈ કહીએ ને !”

કાનિયાએ હસીને કહ્યું: “ના, ના, કંકુડીની કૂઈ કહેજો ને !”

‘કંકૂડીની કૂઈ’ એ શબ્દો બધાંને એટલા બધા ગોઠી ગયા કે બધાં હસી પડ્યાં, કંકુ પણ પાણી ભરતી હતી, તેની પાડોશણે ‘લે અલી’ કહી કંકુને બરડે ધબ્બો માર્યો. ખરેખર કશા પણ નામકરણવિધિ, કે લેખ વિના એ કૂઈનું નામ ‘કંકુડીની કૂઈ’ છપાઈ ગયું.

થોડું દેશમાં રહી, કાનિયો ને કંકુ પાછાં શહેરમાં આવ્યાં. વરસેકમાં કંકુને છોકરો આવ્યો. કંકુની માએ એ કૂઇના પુણ્યનું ફળ ગણ્યું, ને વાસના લોકોએ છોકરાનું નામ જીવલો પાડ્યું. જીવલો ફેરવવા જેવો થયો એટલે જીવલાને લઈ કંકુ કાનિયા સાથે રેંકડી ફેરવવા જવા માંડી.

એક દિવસ બપોરનો ધોમ ધખતો હતો. મજૂરીથી થાકીને સડકથી ઊતરીને એક ઝાડ હતું તેને છાંયે રેંકડી ઉપર કંકુ છોકરાને ધવરાવતી ઊંઘી ગઇ હતી. મોળિયાનું ઓશીકું કરીને જમીન ઉપર કાનિયો લાંબો થઈ પડ્યો હતો. ઊંઘમાંથી જાગીને તેણે જોયું તો તડડો ફરતો ફરતો કંકુ ઉપર આવવા થયો હતો. તેણે ધીમેથી રેંકડી ફેરવી કંકુ ઉપર છાંયો કર્યો.

અમેરિકાથી કેટલાંક મુસાફરો હિંદુસ્તાન જોવા આવેલાં તે આ દૃશ્ય જોઈ રહ્યાં, તે તેમનામાંથી કોઈએ ડાયરીમાં કાંઈક લખી લીધું !