← બુદ્ધિવિજય દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો
કેશવરામ
રામનારાયણ પાઠક
શુદ્ધિપત્ર →





કેશવરામ

પોર થવા આવ્યા ત્યાં સુધી પતિ ન આવ્યો, એટલે ગિરજા ફરીવાર ફળિયામાં જઈ લાંબી નજર નાંખી આવી. આજે તેણે પતિને ભાવતી રસોઈ કરી હતી, ખીર રોટલી અને વડાં. વડાં ગરમ ગરમ ખવરાવી શકાય માટે તેણે દાળ વાટીને રાખી મેલી હતી. પણ હજી કેશવરામ ન આવ્યા. તેણે વિચાર્યું કે કૂવે કદાચ ખેડૂત સાથે વાતો કરવા રોકાયા હશે. એ કૂવો યાદ આવતાં તેને પોતાનું પૂર્વ જીવન પણ યાદ આવ્યું. ગામમાં પેસતાં તેમણે એ કૂવે એસી ભાતું ખાધું હતું. કેશવરામ કાશીએથી ભણીને આવ્યા અને વિદ્વાન જોઈ પિતાએ તેને ચાંદલો કર્યો ને થોડા દિવસમાં જ મામાનું નિર્વંશ જતાં આ ગામનાં ધરખોરડાં ગરાસ આવસત્ય બધું તેમને વારસામાં મળ્યું બન્ને ગાડામાં બેસી આવતાં હતાં ત્યાં રસ્તામાં ગામનો જ માણસ મળી ગયો. તેણે ઓળખાણ કરી, પોતાના ગામના ભાણેજ અને હવે તો રહેવા આવનાર કેશવરામ તરફ બહુ ભાવ દેખાડ્યો, સદ્‌ગત મામાનાં વખાણ કર્યા, ગામનાં વખાણ કર્યાં, ગામમાં પહેલાં જ જાઓ છો તે ભૂખ્યે પેટે નવા ગામમાં ન જઈએ કહી કૂવે ભાતું ખાવા બેસાર્યાં, ત્યારે તેણે કહેલું કે ગરાસ તો બહુ સારો છે પણ કોણ જાણે કેમ કોઈ નો વંશ રહેતો નથી. ત્રણ પેઢીથી તો વારસો ભાણેજોને જાય છે એ હું જોતો આવું છું. કૂવો ઘણો રળિયામણો હતો. આસપાસના સૌંદર્યની ગિરજાના મન પર અદ્‌ભુત મંગળ ફસાયેલી ત્યાં આ સાંભળી તેને ઘણો આઘાત લાગેલા. અને અત્યાર સુધી તો તે સાચું પડતું હતું. ગિરજાની ઉંમર બહુ મોટી નહોતી થઈ ગઈ, પણ તેની સમોવડ બેનપણીઓની આંગળીએ ત્રણત્રણ છોકરાં હતાં ત્યારે ગિરજાને કાંઈ નહોતું. પતિનો અદ્વિતીય સ્નેહ, સુખસપત્તિ બધું હતું છતાં છોકરાં નહોતાં. અનેકવાર તેણે પતિને ફરી પરણવા કહેલું પણ કેશવરામે તે હસી કાઢેલું. ‘ન પરણો તો, તમારે ભૈરવની ઉપાસના છે, અનુષ્ઠાન કરી પુત્ર માગો.’ તેણે આ વાત પીરસતાં પીરસતાં, રાતે પરથારે બેસી વાતો કરતાં, કોઈવાર તેની સાથે ખેતરે જતાં, એમ અનેકવાર કરેલી પણ સકામ ઉપાસનાથી કોઈનું સારું થતું નથી એ એક જ જવાબ તેણે હંમેશાં આપેલો. આમ અનેક કોડથી આશાનિરાશા વચ્ચે ઝોલા ખાતાં તે જાણે કાળમાં ફરતી હતી. પતિને અનુષ્ઠાન માટે ફરી વીનવવા તેનામાં અજ્ઞાત સંકલ્પ પણ થયો. એટલામાં દૂરથી તેણે કેશવરામનાં પગલાં સાંભળ્યાં. ઊભી થઈ સામે જાય છે એટલામાં કેશવરામ ઘરમાં આવ્યો. તમારે માટે ક્યારની રાહ જોઈ વડાંની દાળ લઈ બેસી રહી છું એ વાક્ય પૂરું બોલે તે પહેલાં તો કેશવરામે કહ્યું: “હું માત્ર દૂધ જ લઈશ. હું ઉપર જાઉં છું. તું ત્યાંથી આપણી પથારીઓ ઉપાડી નીચે લઈ આવ. તું નીચે જ સૂજે. મારાં પંચપાત્ર, દર્ભાસન, કુંડ, નીચેથી થોડાં અડાયાં છાણાં, પંચગવ્ય, મધ, જવ, તલ, સમિધ, થોડા ઘઉં, અડદ, મારો મોટો પાટલો, બધું ઉપર મેલ. કાઈને ઉપર આવવા દઈશ નહિ. તું પણ ઉપર ન આવતી.”

“કેટલા દિવસ?”

“અગિયાર દિવસ.”

પતિએ જમવાની વાત ઠેલી તે ગિરજાને ગમ્યું નહિં, પણ અનુષ્ઠાન કરી પોતાની કામના પૂર્ણ કરશે એ આશાએ એ કાંઈ બોલી નહિ. પોતાને માટે જ અનુષ્ઠાન થાય છે એવી લગભગ ખાત્રી છતાં તેને પૂછવાનું મન થયું, પણુ કશું પૂછી શકાય એવો કેશવરામનો સ્વભાવ નહોતો. એક વાત મનમાં આવે પછી તેનું મન શિકારી કૂતરો શિકારની ગંધે દોડે એટલા વેગથી દોડતું. જે કંઈ વસ્તુ તેની હડફેટમાં આવે તે પડી જતી. એટલે ગિરજાએ કંઈ પણ પૂછ્યા વિના પોતાની આશામાં જ બધી તૈયારી કરવા માંડી.

પણ ઉપાસનાના ત્વરિત નિર્ણયનું કારણ જુદું જ હતું. કેશવરામ સવારે સંધ્યાપૂજાથી પરવારી હોમને માટે સમિધ લેવા ગયો હતો. સમિધ લઈ પાછો ફરવાનો વિચાર કરતો હતો ત્યાં દૂર તેણે પોતાનો દૂરનો મામો રાઘવ ભટ્ટ દીઠો, તે ઔષધનાં મૂળિયાં લેવા આવેલો હતો.

“કેમ, આટલા દહાડાથી દેખાતા નથી ?”

“કેમ દેખાતા નથી, તે નથી જાણતો ? અજાણ થઈ ને મને પૂછે છે ! આ તો ઠીક છે એકલ ગામમાં રહો છો એટલે નભે છે, પણ અમારાથી તો કોઈને મોં પણ બતાવાતું નથી.”

“કેમ મામા, આમ બોલો છો ! એકલ ગામમાં છું તેમાં કોઈનું શું ગયું?”

“અલ્યા, મારી પાસે પાછો ચાલાકી કરે છે ?”

“મામા, ખરેખર કશું નથી જાણતો !”

“નથી જાણતો, તે નહિ આ નન્દીગઢના રાજાને ત્યાં મોટો યજ્ઞ થયો તેમાં આમન્ત્રણ મળ્યું હોય ? નાતમાં ઘર દીઠ આમંત્રણ હતું, તને હતું ?”

કેશવરામ તેને માંડમાંડ સમજાવી શક્યો કે પોતે કશું જ જાણતો નહોતો અને ત્યારે જ તેણે ‘આવો અહીં બેસીએ’ કહી ઝાડ નીચે બેસી વાત કરવા માંડી.

“મહારાજાએ અને દીવાને કોઈને ટાળવો નહિ કહી, ઘરદીઠ એક બ્રાહ્મણ તો ગમે તેવો અભણ હોય તોય બોલાવવો એવો નિશ્ચય કર્યો. સાથે કીલાભટ હતા, હું હતો, એમ એક બે વિદ્વાન બ્રાહ્મણો હતા. કીલાભટે ટાપશી પૂરી કે હા, અભણ હશે તોય છેવટ માળા ફેરવશે તે છાણું ભાંગવામાંથી નહિ જાય. તું જાણે છે તો ખરો, એને વાત કેવી કરતાં આવડે છે. પછી મુખ્ય કામ કરવા કોને કોને બોલાવવા એ વાત નીકળી, ત્યારે તારું નામ આવ્યું. ત્યારે કીલાભટે કુટું: “મહારાજ બોલાવવો હોય તો બોલાવો. હા, વિદ્વાન છે, કાશીએ જઈને ભણી આવ્યો છે, ઘેર આવસત્થે છે, ઘડીભર ગમે એવા વિદ્વાનનેય કાન પકડાવે એવો છે, પણ એને બોલાવશો તો બીજા કોઈ બ્રાહ્મણો! ઊભા નહિ રહે. પછી તમારે કરવું હોય એમ કરો.” દીવાને પૂછ્યું, “કેમ એમ કહો છો. મહારાજ ?” તો કહે, “મહારાજ, પૂછવામાં માલ નથી. ગમે એવો તોય બ્રાહ્મણનો દીકરો છે. એના ઘરમાં પાંચ પૈસા જશે તો હુંય રાજી છું, પણ આ તો યજ્ઞનું કામ રહ્યું એટલે કહું છું.” “પણ કારણ શું?” કહો કહો એમ સૌએ કહેતાં કહે, "મહારાજ, બ્રાહ્મણના દીકરાનું મારી પાસે શા સારુ બોલાવો છો ?” મારો બેટો એમ કહી કહીને વાતને કસ ચઢાવતો જાય હોં, અને પછી કહે, “વાત તો એમ બની કે એક દી સવારમાં નદીએ નાહીને ઘર તરફ જતો હતો. હાથમાં મોટો લોટો, ખભે ધોયેલાં બે ત્રણ કપડાં લઇને ગામ વચ્ચે થઈને જતો હતો. પાછળ પાછળ એક વાઘરણ ચાલી જાય. તે ચોરા આગળથી વળીને જાય છે એવો વાઘરણે પડકાર્યો. ‘મહારાજ, મારું કાપડું આપતા જાઓ કે, ક્યારની કહું છું સાંભળતા નથી !’ એ... ચોરાના ગરાસિયાએ સાંભળ્યુ, ને ઝાઝું કહેવામાં માલ નથી, ખંભે ધોતિયાં હતાં એ ઉકેલ્યાં તો મહીંથી ડબક દેતુંને કાપડું નીકળી પડ્યું ! મહારાજ કાનને દોષ છે હોં, હું કાંઈ નજરે જોવા નથી ગયો.”

કેશવરામ હાથમાં સળી લઈ જમીન ઉપર લીટા કાઢતો કાઢતો સાંભળતો હતો. તેણે સામું જોયું ! “મામા, તમે પણ કાંઈ ન બોલ્યા ?” “પાછો એવું બોલે છે? કીલાભટ બોલતા હોય ને મારાથી વચમાં બોલાય ? દરબારમાંથી મારો પગ જ કાઢી નાંખે ના ! ઈ તો લાગે આવ્યું લાકડું સૌ ભાંગે, તેં આ ગરાસ ન લીધો હોત તો એને જાત ને ! હું તો કહેતો હતો કે એવું ઉછેદિયું લેવામાં સાર નહિ.”

કેશવરામે કહ્યું: “મામા એને એકલાને ન જાત, તમને ય જાત. બન્ને સરખી પેઢીએ થાઓ ના !” રાઘવ ભટ્ટ જરા ગભરાયો ખરો. “માળા, આવું બોલ છ ? તને વાત કરી ત્યારે મને વળગ છ ? દુનિયામાં કોઈ ને કહ્યામાં સાર જ નથી. લે મોડું થાય છે. હું હવે જઈશ. પણ માળો, બ્રાહ્મણના દીકરાનું ભૂંડું બોલે એનું સારું ન થાય, એમ કહેતો જાય, ને બોલતો જાય હોં.”

“તે મામા એનું નહિ જ સારું થાય. અને હવેથી તમે સુખેથી એનો ને મારો બન્નેનો ગરાસ ખાજો.”

“અલ્યા, તું તો સમજતો જ નથી. આ તો મારે મોઢે બોલ્યો એ બોલ્યો, બીજાને કહીશ, તો લોકો તો કેવા છે ?— અહીંનું અહીં સળગાવે ને બે ઘડી જુએ.” કહી ભટ્ટજી નાઠા તે સામું જોવા ઊભા ન રહ્યા. પણ એ પાતે જ અહીંનું અહીં સળગાવે એવા હતા. કીલા ભટને મળીને કેશવરામે તમારું સારું નહિ થાય એમ કહ્યું છે અને તે સબંધી અનેક તર્કો કહી આવ્યા ત્યારે જ તેમને જપ વળ્યો.

નવ દિવસ સુધી, મોટા પરોડે ઉઠી, કેશવરામ, નદીએ જઈ સ્નાન કરી આવે, તે સિવાય નીચે ઊતર્યો જ નહિ. હમેશાં ગિરજા બપેારના દાદર ઉપર ઊભી રહી ઊંચો હાથ કરી દૂધ મૂકી જાય અને પહોરેક પછી લઈ જાય તે સિવાય તે પગથિયાં ઉપર પગ પણ મૂકતી નહિ. દસમે દિવસે તો બે વાર દૂધનો પ્યાલો લેવા ચડી પણ દૂધ જેમનું તેમ પડેલું હતું. બપોરે ગાય વહેલી દોહી તે ફરી તાજું દૂધ મૂકી આવી, તે ઠેઠ રાતે અરધું પીધેલું પાછું લઈ આવી. અગિયારમે દિવસે તો રાત સુધી દૂધ પીધા વિનાનું જ પડેલું મળ્યું. ગિરજાને ઊંઘ ન આવી. ઉપર કેશવરામ જાગતો જ હતો. જુદાં જુદાં દ્રવ્યો હોમાયાની વાસ આવ્યા જ કરતી હતી. ગિરજા મધરાતે ફરી દૂધ જોવા ધીમેથી દાદર ચડી, ધીમેથી હાથ ઊંચો કરી દૂધના વાસણને અડાડવા જાય છે ત્યાં તેણે કેશવરામનો અવાજ સાંભળ્યો.

“કીલાભટ્ટને એનું જુઠ્ઠાણું રૂંવે રૂંવે ફૂટી નીકળે. અને એ રિબાઈ રિબાઈને મરે. હવે બસ. જા અદૃશ્ય થા.”

ગિરજાએ એ સાંભળ્યું. ઉપરથી વજ્ર પડ્યું હોય એમ તે દાદરથી લથડીને ધમ્મ દઈને નીચે પડી. કેશવરામે દોડતાં દાદર ઊતરી તેને ખેાળામાં લીધી. મોંએ, શરીરે પંપાળી, ધીમેથી નીચે મૂકી, પાણી લાવી, ફરી ખોળામાં લઈ તેના મોં પર ધીમા પાણીનો છંટકાવ કર્યો. ધીમે ધીમે ગિરજા શુદ્ધિમાં આવી. તેણે આંખો ઉઘાડી અને જાણે કોઈ અજાણ્યાને જોતી હોય તેમ કેશવરામ તરફ જોયું. કેશવરામે ફરી પંપાળી આશ્વાસન આપ્યું. અને બરાબર શુદ્ધિમાં આવી ત્યારે તેને પૂછ્યું : “કેમ અંધારાં આવ્યાં ? બરાબર ખાતી નહિ હો.”

“તમે માગી માગીને આવું માગ્યું!”

“અ૨૨૨, તું સાંભળી ગઈ! મેં તને ના પાડી હતી તો પણ ઉપર આવી ?”

“બે દિવસથી તમે દૂધ પીતા નહોતા. તમે પીધું કે નહિ તે જોવા આવી હતી. ત્યાં મેં આ સાંભળ્યું.”

“ભૂડું થયું અલી !. હું કાંઈ ધારતો હતો ને કંઈ થઈ બેઠું. તને એ શું સૂઝ્યું ?”

ગિરજા બેબાકળી બની ગઈ. એ ધ્રૂજતા, જરા લાંબા દેખાતા, હાથ ઊંચા કરી કેશવરામને ગાલે અડાડી તે બોલી : “શું થઈ ગયું ? કહો, તમને કંઈ થશે?”

“ના, ના, મને તો કશુંજ નથી થવાનું.”

“ના, તમે નથી કહેતા. મારાથી છુપાવો છો. તમને કંઈ નથી થવાનું ત્યારે એવું શું ભૂડું થવાનું છે તે કહો.”

“કહું છું કંઈ નથી. કશું કહેવા જેવું નથી.”

“મારા સમ કહું છું. મને ચિંતામાં જ મારી નાંખવા ધારી છે કે શું? કહું છું કહો, નહિ તો અન્નજળ તજીશ.”

“એમ ન કર, જો કહું. ભૈરવ પાસે કોઈનું મૃત્યુ માગ્યું હોય એ જે બીજું સાંભળે તે પણ મરે. હું નહોતો કહેતો કે સકામ ઉપાસના કરે તેનું સારું ન થાય !”

“હું મરું એ જ તમને અનિષ્ટ થાય એ જેવું મારે બીજું કશું ય નહિ. પણ તમે આટલાં વરસ મારે માટે અનુષ્ઠાન ન કર્યું, તે આવા કામ માટે કર્યું, હેં ?”

કેશવરામે બહુ જ વહાલથી ચુંબન કરી કહ્યું : “બહુ કાળ ચઢ્યો અલિ! રહેવાયું નહિ.” અને પછી રાઘવભટ્ટે કહેલી બધી વાત કહી. એ કહેતાં કહેતાં પણ તેના મોંમાંથી ફૂંફાડાની પેઠે શ્વાસ નીકળતો હતો. બધું કહી રહ્યા પછી તેણે કહ્યું : “બોલ, તારા સ્પર્શવાળા અંગથી હું બીજી કોઈને સ્પર્શ કરું? એ હું કેમ સહન કરું?”

“અરે મારા ભોળા બ્રાહ્મણ ! મને કહેવું તો હતું. હું ય કેવી બેવકૂફ કે તમને પૂછ્યું નહિ. તમે મને આ વાત કહી હોત તો કદી તમને આ કામ ન કરવા દેત. થયું, થવાકાળ. પણ હવે જુઓ. હું તો ચાલી. અને મારા જીવતાં મારું કહ્યું નથી કર્યુંં પણ મારા મૂવા પછી બીજી પરણજો. ને મારા જેવી જ તેને સુખી કરજો, ત્યાં રહી રહી યે તમને છોકરું જોઈશ તો રાજીરાજી થઈ જઈશ.” ગિરજાએ સૂતાં સૂતાં કેશવરામને ગળે હાથ નાંખ્યો. “આવાં મિથ્યા સ્વપ્નાં શા માટે સેવે છે? મારા કે તારા ભાગ્યમાં પ્રજા જ નથી.”

“એવું ન બોલશો.” પછી ખોળામાં રહ્યાં રહ્યાં જ જરા ઊંચા થઈ કાનમાં કહ્યું. “જો આ અનુષ્ઠાન ન કર્યું હોત તો આજ પછીથી મેં તમને અનુષ્ઠાન કરવાનું અમુક વખત તો ન જ કહ્યું હોત.” થોડો વખત સામું જોઈ રહીને, “આ દસ દિવસમાં મને ખબર પડી.”

કેશવરામ આ સ્ત્રીનો અગાધ પ્રેમ, સ્વાર્પણ, પ્રસન્નતા, સર્વ જોઈ ચકિત થઈ ગયો. પોતે સ્ત્રીને રાજી કરવા અનુષ્ઠાન તો ન કર્યું, પણ સ્વાભાવિક રીતે તેની જે આશા ફળવાનો સંભવ હતો તે પણ તેણે આ અનુષ્ઠાન કરીને છેદી નાંખ્યો ! અને છતાં એ તો એટલા જ પ્રેમથી જીવે છે, અને પોતે મરશે તેમાં પણ હર્ષ પામે છે! તેને ચૂપ જોઈ ગિરજા ફરી બોલી: “કેમ બોલતા નથી ? તમારું ભાખેલું ભવિષ્ય ખોટું પડે તેમાં આટલા મૂંગા થઈ ગયા ! મને વચન આપો કે પરણશો.”

કેશવરામે કહ્યું : “જો તું કહે છે ત્યારે કહું છું. તું મરીશ એ નક્કી છે, અને તે પછી હું સન્યાસ લઈશ એ પણ નક્કી છે. હું તો એમ માનતો હતો કે હું મરીશ, પણ દૈવને મારું ખરાબ કરવું હોય તો તો ખરે જ તને મારીને જ કરે. પણ આમ થાય કે તેમ થાય, હું રાઘવ ભટ્ટને કહેતો આવ્યો છું, કે મારો ને એનો બન્નેનો ગરાસ તમને મળશે. એ સાચું જ પડશે.”

“મારા ભલા બ્રાહ્મણ ! તું આટલો ભલો ભોળો છે, ને તારામાં કોણ જાણે ક્યાંથી આટલો કાળ ભર્યો છે.”

“ખરેખર, ભાગવતમાં ક્રોધને ચાંડાલ કહ્યો છે, તે ખરું છે !”

“ત્યારે ખરેખર આનો કાંઈ ઉપાય નથી ? એને કોઈ રીતે બચાવી ન શકો?”

“હું પોતે મરીને પણ નહિ જ.” — ખોળામાં સૂતી સૂતી ગિરજા ચમકી ઊઠી. તે બેઠી થઈ, ત્યારે તેને સમજાયું કે તેને ઘણો જ થાક લાગ્યો છે.

કીલાભટ્ટ રાજવૈદ્ય હતો. ત્રણ પેઢીથી તેનું કુટુંબ રાજકુળનું વઈદું કરતું. તેમણે રસ એટલે પારો સિદ્ધ કર્યો છે એમ મનાતું. મોટા અસાધ્ય રોગો વખતે એને બોલાવતા. કેશવરામના અનુષ્ઠાન પછી થોડા જ દિવસમાં એક પડોશના રાજાની આંગળી પાકી, આંગળી પર ચાંદું પડ્યું. તેના વૈદ્યોની સારવારથી એ માટ્યું નહિં, અને ત્રણ વૈદ્યોમાંથી બેની સલાહ કીલાભટ્ટને બોલાવવાની પડી. કીલાભટ્ટ મોટા ઠાઠમાઠ સાથે આવ્યા, અને પોતાના સિદ્ધ કરેલા પારાની વાત કરી. પેલા મતભેદવાળા વૈદ્યે કહ્યું કે પારો મરે છે એ વાત ખોટી છે, પારો સોનું ખાય છે એ વાત ખોટી છે, અને પારો વિષ જ છે. આ રોગમાં એની જરૂર નથી. કીલાભટ્ટે ત્રણ પેઢી ઉપર સિદ્ધ કરેલો પારો પોતાના ઘરમાં છે અને તે રોગીને તો વિષ નથી જ પણ સાજો માણસ પણ તે ખાઈ શકે, એમ પ્રતિજ્ઞા કરી. એટલું જ નહિ, ચડાઉપણે કહ્યું કે આમાં વિવાદ શો ? જૂના સમયમાં રાજકુળમાં વૈદ્ય જે દવા આપતા તે પોતે ખાઈ બતાવતો, તે હું ખાઈ બતાવું; એટલું જ નહિ, તમારા દેખતાં કહું છું કે મહારાજાને આપવાની માત્રા એ જુઓ આટલી છે, અને એ આપતા પહેલાં જુઓ હું તેનાથી દસગણી માત્રા અહીં તમારા દેખતાં લઉં છું. અને બધા હાં હાં કરતા રહ્યા અને પોતે પાણી મગાવી દસગણી માત્રા પેટમાં ઉતારી ગયા. પણ સાંઝે જ તેમની તબિયત બગડી એટલે રાતોરાત નન્દીગઢના રાજ્યે મને બોલાવ્યો છે કહી પાતાને ગામ પહોંચી ગયા અને તરત જ પારાના ઉતારની દવા શરૂ કરી. તેમ છતાં પારો તો ઊડ્યો જ. કીલાભટ્ટે એક બાજુ ખાનગીમાં વિષની પ્રતિક્રિયા માટે બધા ગ્રંથો જોવા માંડ્યા, અને બીજી બાજુ પારો તો બરાબર સિદ્ધ કરેલો, ત્રણ પેઢીના અનુભવનો હતો, કદી ઊડે જ નહિ, આ તો સર્વ કેશવરામની ઉપાસનાનાં ફળ છે, એમ જાહેરમાં વાતો કરવા માંડી. જેમ જેમ વિષનાં ચિહ્નો પ્રત્યક્ષ દેખાવા માંડ્યાં તેમ તેમ તેમણે એ વાતો વધારે ઝનૂનથી કરી. તેમને ત્યાં સાંઝ સવાર મોટો ડાયરો જામતોજ, અને આ દરદથી ડાયરાની સંખ્યા વધતી જતી. અને સાંભળનારા વધતા, તેમ તેમ તેમની પોતાની વાતની પ્રતીતિ અને તેનું કથન વધારે વધારે ઉત્સાહ અને વેગથી થતું જતું હતું.

પણ અંતે તો ભયંકર ચિહ્નો દેખાયાં. દિવસ આખો મોંમાંથી તપેલાં ને તપેલાં ભરાય એટલી લાળ ગળ્યા કરતી. દાંતનાં પેઢાં સૂણીને એવાં થઈ ગયાં કે મોં ઓળખાય નહિ. લાળ ગંધાવા માંડી. શરીર આખે ચાંદાં પડી ગયાં; તદ્દન અપંગ થઈ ગયા. રૂના પોલમાં શરીર રાખવું પડે એટલું ઓછું થઈ ગયું. ઘેર આવતો ડાયરો તદ્દન પાતળો પડી ગયો એટલે રોગનો પણ જે એક ઉત્સાહ હતો તે ઓસરી ગયો. છતાં ઝનૂન વધતું ગયું. અને એક સાથે પારાની સિદ્ધિ અને કેશવરામનું પાપ સાબિત કરવાને એમણે એક ઉપાય શોધી કાઢ્યો. તેમને ખાત્રી હતી કે હવે એક બે દિવસમાં મરી તો જવાશે જ. એટલે એમણે કેશવરામને આંગણે મરીને તેને બ્રહ્મહત્યા દેવાનો નિશ્ચય કર્યો.

સવારનો પહોર હતો. કેશવરામ નિત્યનિયમ પ્રમાણે નદીએ નાહવા ગયો હતો. ગિરજાને કચડપાપડ રહ્યા કરતું. તે ક્ષીણ થઈ ગઈ હતી. તે જરા મોડી ઊઠી એટલે બેસી શાન્તિથી દાતણ કરતી હતી, તેટલામાં બે ભોઈઓએ ઉપાડેલો મિયાનો આવ્યો. કોઈ રાજનું તેડું હશે એમ વિચાર કરતી ગિરજા જોઈ રહી હતી ત્યાં અંદરથી કોઈ વિલક્ષણ પ્રાણીના જેવો મોટો અવાજ થયો. ભોઈઓએ મિયાનાનાં બારણાં ઉઘાડ્યાં અને અંદરથી લોહીમાંસના લોચા જેવું શરીર બહાર નીકળ્યું. જોતજોતામાં ચીસો પાડતું તે પાસે આવ્યું. તે ચાલીને આવ્યું કે દોડીને આવ્યું તે પણ સમજાય નહિ એવી રીતે આવ્યું. કાઈ જૂના ઘર ઉપરથી ગારના પોપડા ઠેકાણે ઠેકાણેથી ઊખડી જાય અને અંદરની ગાબડાં પડેલી ભીંત દેખાય, તેવું તેમનું શરીર દેખાતું હતુંઃ જાણે ભગવાન લોહીમાંસ મજજાનું શરીર બનાવી તેને ચામડાથી મઢવાનું જ ભૂલી ગયા હોય એવું દેખાતું હતું. શરીરમાં માત્ર આંખો ઉપરથી મોઢું છે એમ એળખાય એવું રહેલું હતું, બાકી લોહીમાંસના પીંડા જેવું જ હતું. કીલાભટ્ટને મનુષ્યની વાચા નહોતી, મનુષ્યનું સુખ નહોતું, મનુષ્યની આકૃતિ નહોતી, અને હવે તો મનુષ્યનું માનસ પશુ નહોતું. માત્ર કેશવરામને શાપવાની એક ઝનૂની ઇચ્છાથી તેનું પિંડ એ દિશામાં ઊછળ્યું, એણે માથુ કૂટ્યું, લોહી નાખ્યું, તે પછડાયું અને પછી ત્યાં જ નિર્જીવ થઈને પડ્યું.

ગિરજા તો આ ભયંકર દૃશ્ય જોઈને બેભાન જ થઈ પડી. થોડી વારે કેશવરામ આવ્યો. તેણે એક તરફ મિયાનો,—ભોઈઓ તો ચાલ્યા ગયા હતા—અને મિયાના પાસે કીલાભટ્ટનું મરેલું પિંડ, અને બીજી તરફ ગિરજાને બેભાન પડેલી જોઈ. તે બધું સમજી ગયો. તે તરત જ ગિરજાને ઉપાડી ઘરમાં લઈ ગયો અને તેની સારવાર કરી. બીજી તરફ પાડોશમાં કોઈને કહી ગામના બ્રાહ્મણોને બોલાવ્યા અને બાઈઓને બોલાવી ગિરજાની સંભાળ રાખવા કહી પોતે શબને અગ્નિદાહ દીધો. અને કીલાભટ્ટને પણ કોઈ નજીકનું નહોતું એટલે કેશવરામે પેાતે જ તેની સર્વ ઉત્તરક્રિયા કરી.

ગિરજા શરીરે ક્ષીણ થતી જ ચાલી. આંગણામાં જોયેલું કીલાભટ્ટનું અંતિમ દૃશ્ય તે કદી ભૂલી શકી નહિ. કેશવરામે એ આભાસથી તેને મુક્ત કરવા પરગામ જઈ રહેવા કહ્યું, પણ તેણે માન્યું નહિઃ “જિંદગીનાં સુખીમાં સુખી વર્ષો જ્યાં ગાળ્યાં છે તે જગા છોડીને નહિ જાઉં, અને હવે મરવાની છું ત્યારે તો આ મારા ઘરમાં જ મરીશ.” અંતે કેશવરામના અનન્ય પ્રેમને ઠેઠ સુધી ભોગવતાં તેણે પ્રાણત્યાગ કર્યો.

અલબત, કેશવરામને ઘણું દુઃખ થયું પણ ગિરજાની તે સંભાળ લઈ શક્યો અને ગિરજા એટલા પ્રેમથી ઠેઠ સુધી પ્રસન્ન રહીને ગઈ એમાં એને સાન્તન પણ ઘણું મળ્યું. તેણે હવે કંઈ મૃદુ થયેલા મનથી, મહેણાથી નહિ પણ કેવળ સૌજન્યથી, પોતાનો ગરાસ રાઘવ ભટ્ટને સોંપ્યો અને પોતે સંન્યાસ લઈ નર્મદા કિનારે અજ્ઞાતવાસમાં રહેવા માંડ્યો.

એક વિદ્વાન તરીકે અહીં તેની કીર્તિ થઈ પણ તે કીર્તિનો પણ નિઃસ્પૃહ થઈ રહેતો હતો. તેને બધી વાતની શાંતિ હતી. માત્ર કીલો ભટ્ટ ગમે તેવો દુર્જન હતો છતાં તેનું એવું ભૂડું મૃત્યુ તેણે આણ્યું એનો પશ્ચાત્તાપ તેને સતત રહેતો.

સામાન્ય રીતે અહીં તેને પૂર્વજીવનના સંસ્કારનું કદી ઉદ્‌બોધન– નિમિત્ત મળતું નહિ. ઘણે વરસે એક જુવાન બ્રાહ્મણ આવ્યો અને તેણે કેશવરામ — હવે તો સચ્ચિદાનંદ સરસ્વતી — ને પ્રણામ કર્યાં અને એકાન્ત જોઈ પ્રશ્ન પૂછ્યો કે પૂર્વાશ્રમના કેશવરામ આપ જ? હા કહેતાં તેણે અત્યન્ત આજીજીથી ભૈરવના ઇષ્ટમંત્રની દીક્ષા માગી, કહે છે કે મૃત્યુસમયે માણસના મનમાં તેનું આખું જીવન એક ક્ષણમાં ચિત્રની પેઠે પસાર થઈ જાય છે. કેશવરામને તેમ જ થયું. તેનું ગત જીવન તેની નજર આગળથી પસાર થઈ ગયું. તેને નવાઈ લાગી કે આટઆટલા પશ્ચાત્તાપ છતાં એ મંત્ર તે કેટલા લોભથી અને મમતાથી સાચવી રહ્યો હતો. માલમિલકત, પત્ની, પ્રેમ, કીર્તિ સર્વનો મોહ છોડ્યા પછી પણ આ અદ્વિતીય શક્તિનો મોહ તેને છૂટ્યો ન હતો !

એક દીર્ધ શ્વાસ લઈ તેણે એક સેવક સાથે પંચપાત્ર, આચમની, દર્ભ અને થોડું પાણી મગાવ્યાં. પેલો આગન્તુક પોતાને મંત્રદીક્ષા મળશે એ આશાએ વધારે નમ્ર અને આતુર બની બેઠો. મગાવ્યા પ્રમાણે બધું આવ્યા પછી સચ્ચિદાનંદે તરભાણામાં પાણી રેડી, દર્ભનો ત્રણ આંગળનો ટુકડો કરી, તેના અગ્નથી પાણીમાં એક આકૃતિ દોરી, મંત્ર ભણી એ દર્ભનો ટુકડો, એ આકૃતિને સમર્પતો હોય તેમ, તેના પર મૂક્યો. અને એ ક્રિયાની જાણે કૃતકૃત્યતા ભોગવતો હોય એમ બે ઘડી એ સ્વસ્થ બેસી રહ્યો. થોડીવારે પેલો આગન્તુક ફરી પ્રાર્થના કરવા “સ્વામીજી” એટલું કહે છે એટલામાં સ્વામીએ કહ્યુંઃ “તારા દેખતાં જ મેં એ મંત્ર વિસર્જન કર્યો.”* []

“વિસર્જન કર્યો ?”

“હા. અને બચ્ચા, મારું માન તો એ માર્ગે ન જતો. એ નાશનો માર્ગ છે.”

“પણ સ્વામીજી, મારા જીવનનું એ એક મહાન ધ્યેય છે !” સ્વામીએ પેાતાનું આખું પૂર્વજીવન કહ્યું અને છેવટે કહ્યું : “માણસે માણસની શક્તિથી જ કામ કરવું જોઈએ. પોતે દિવ્ય થયા વિના દિવ્ય શક્તિ નહિ લેવી જોઈ એ.”

“પણ આપે કેમ જાણ્યું કે હું પણ એ શક્તિનો દુરુપયોગ કરીશ જ? હું સંયમ કેમ જાણ્યું નહિ રાખી શકું ?”

“તું બાળક છે. પોતાના લાભ ઉપર સંયમ રાખવો સહેલો છે. બીજાનું ભૂંડું કરવાની વૃત્તિ ઉપર સંયમ રાખવો વધારે અઘરો છે.”

પણ પેલો સાંભળતો જ નહોતો. હવે તે નિરાશ થયો હતો. અને તે સાથે તેની ધીરજ અને કેશવરામ માટેનું આદરમાન સર્વ ચાલ્યાં ગયાં હતાં. તેણે કહ્યું : “કંઈ નહિ. કાશીમાં આપના ગુરુભાઈ છે તેમની પાસેથી હું મંત્ર લઈશ.” તે ચાલ્યો ગયો.

સચ્ચિદાનન્દ સરસ્વતી એક હાથ પાછળ મૂકી, તેના પર અઢેલી કેટલી ય વાર તેને જતો જોઈ રહ્યા. ઓલવાતા ધૂપની છેલ્લી પાતળી સેર થોડીવાર દેખાઈ વાતાવરણમાં અદૃશ્ય થઈ જાય, તેમ તેમના મનમાં ઊંડે વિચાર સ્ફુરી અદૃશ્ય થઈ ગયો : “એક દિવસ મેં પણ આમ જ માનેલું હતું ! ”


  1. *આ મંત્ર વિસર્જન કર્યા પછી એ કોઈને આપી શકાતો નથી, અને તેનાથી કશી સિદ્ધિ પણ થતી નથી એવી માન્યતા છે.