દ્વિરેફની વાતો – ભાગ બીજો/દેવી કે રાક્ષસી

← છેલ્લો દાંડક્ય ભોજ દ્વિરેફની વાતો – ભાગ બીજો
દેવી કે રાક્ષસી
રામનારાયણ પાઠક
બે મુલાકાતો →



દેવી કે રાક્ષસી


પાત્રો
સુધીન્દ્ર
ડૉ. કેશવલાલ : તેનો પિતા
ચારુમતી: ડૉ. કેશવની પુત્રી
સુમતિઃ ડૉ. કેશવની પત્ની

સુશીલા : પ્રો. ભેાળાનાથની પુત્રી
પ્રભાવતી : સુશીલાની મા
દયાકોર: સુશીલાની ફઇ
પ્રેા. ભોળાનાથ : ( સૂચિત )
સુશીલાના મૈયત પિતા
મિસ કામટ, મિસ કૉન્ટ્રૅક્ટર, મિસિસ શાહ,
મિસ પંડ્યાઃ
સુશીલાનાં કૉલેજ મિત્રો


સમય: સાંજના ચારપાંચનો
સ્થળઃ સુધીન્દ્રનો અભ્યાસખંડ
 

[ સુધીન્દ્ર એકલો વાંચતો બેઠો છે. સુશીલા એકાએક પ્રવેશ કરે છે. તે આવેશમાં હોય એમ દેખાય છે, અને જરા થાકેલી છે. તેને આવતી જોઈ સુધીન્દ્ર ધીમેથી ચોપડી બંધ કરે છે, અને સુશીલાને ખુરશી બતાવતો બોલે છે.]

સુધીન્દ્ર : બેસો. પરીક્ષાનું પરિણામ સાંભળ્યું ? તમે ફર્સ્ટ ક્લાસમાં આવ્યાં?

સુશીલા : હા. (સુધીન્દ્ર ઊભો થઈ સુશીલાનો હાથ લઈ તેને જોરથી દાબી શેક હૅન્ડ કરે છે. સુશીલાને આ ગમતું હોય છે છતાં અસહ્ય લાગે છે એટલે બોલી ઊઠે છે.) લો બસ કરો. તમને તો અભિનન્દન આપતાં પણ નથી આવડતું.

સુધીન્દ્ર : તમે અભિનન્દનનાં કાયર લાગો છો. ત્યારે સાથે સાથે કહી દો કે મને પરણશો કે નહિ, એટલે ચારુબહેનને બે જુદાં જુદાં અભિનન્દનો આપવાં ન પડે.

સુશીલા : આ તે કાંઈ પૂછવાની રીત !

સુધીન્દ્ર : પશુઓમાં ભાષા નથી એટલે તે લાંબો વખત ચેષ્ટા કરીને એક બીજાની સંમતિ માગે છે અને સમજે છે. આપણે માણસજાતને એમ કરવાની જરૂર નથી.

સુશીલા : તમે જ વિચારો જોઇએ, હું શું કહીશ.

સુધીન્દ્ર : હું તો માનું છું તમે હા જ કહેશો, પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્ત્રીનો વિશ્વાસ નહિ. હવે જોઈએ શાસ્ત્રો સાચાં પડે છે કે શું થાય છે?

સુશીલા : (વ્યંગમાં) ઓ : હો...!...જાઓ ત્યારે શાસ્ત્રો ખોટાં છે.

સુધીન્દ્ર : લો, ત્યારે આ વખતે હાથ નહિ મિલાવું. (આવેશથી ચુંબન કરવા જાય છે. સુશીલા તેને વારતાં—)

સુશીલા : એની પણ શી જરૂર છે? એ પણ એક ચેષ્ટા નથી ?

સુધીન્દ્ર : એ ચેષ્ટા નથી. એ શું છે તે અત્યારે નથી કહેતો. લો ચારુબહેનને બોલાવું. ચારુબહેન, ઓ ચારુમતી !

સુશીલા : આટલી બધી બૂમો શી પાડો છો?

સુધીન્દ્ર : અરે, ચારુ, આવે છે કે નહિં, કે ચારોળી કહીને બોલાવું ?

ચારુ૦ : (પ્રવેશ કર્યા પહેલાં) એટલાં બધાં ચારોળી વિના તમારાં ક્યાં ભોજનો લૂખાં રહી ગયાં છે ? ( પ્રવેશ કરે છે ) ઓહો ! સુશીલાબહેન !

સુધીન્દ્ર : જો એકદમ એમને અભિનન્દન ન આપતી. એ અભિનન્દનથી ગભરાય છે. એ બી. એ.માં ફર્સ્ટ ક્લાસ પાસ થયાં છે, અને મને પરણવાની હા કહે છે.

ચારુ૦ : ( સુશીલાને એકદમ ભેટીને, કપાળે ચુંબન કરતાં સાચે જ હવે ભાઈભાભીના ભોજનમાં હું બહેન તો ચારોળી જેવી જ થઈ ! ઉપર શેાભાની, હોઉં તો ય શું અને ન હોઉં તો ય શું !

સુશીલા : પણ આ શું ? કંઈ ઘેલાં થયાં ?

સુધીન્દ્ર : ( ચારુ૦ને ) એ તને નથી પરણતી હોં !

ચારુ૦ : ( સુશીલાના સામું તાકીને જોતાં ) ખરેખર સુશીલા બહેન, તમે એટલાં રૂપાળાં છો, સ્ત્રીઓ પણ તમને ચુંબન કરે. લો બાને બોલાવું. ગોળધાણા વહેંચે. બા ઓ બા ! આમ આવો એક સારી વાત કહું. ( સુશીલા–સુધીન્દ્ર બન્નેને ) બા તો સાંભળીને ગાંડી ગાંડી થઈ જશે. આવો છો ને બા ! ( સુમતિ પ્રવેશ કરે છે ) બા ! સુશીલાબહેને ભાઈના વિવાહ કબૂલ્યા.

સુમતિ : ( હર્ષનાં આંસુથી સુશીલાનાં ઓવારણા લેતી ) મારા બેટા ! આ ભણેલાં છોકરાંમાં મને તો વહુનું મોઢું જોવાની આશા જ નહોતી. ( વિચારમાં પડી જાય છે. )

સુધીન્દ્ર : તમારા સિવાય બીજાં કોણ કોણ ફર્સ્ટ ક્લાસમાં આવ્યાં ?

ચારુ૦ : બા ! વિચારમાં પડી ગયાં કૈં ?

સુમતિ : મને થાય છે કે હવે હું મરી જાઉં તો સારું. આટલું સુખ મારા નસીબમાં ન હોય ! મને નહોતું લાગતું, મારો સુધી કોઈ દિવસ પરણે, એના ભૂખ જેવા પ્રયોગોમાંથી કદી નવરો જ ન થાય ને ! અને વહેવાર તો કોઈ દી આવડે જ નહિ. પોતાની મેળે પરણવું હોય, તો જરા નવી રીતે હરવું કરવું લોકોમાં સારા દેખાવું, એ તો આવડવું જોઈએ ને ? નહિ તો જૂની રીતે માની જઈ અમે પરણાવીએ એમ પરણવું જોઈએ. જૂની રીત શી ખોટી હતી ?

સુધીન્દ્ર : તમારા સિવાય ફર્સ્ટ ક્લાસમાં બીજાં કોણ કોણ આવ્યાં ?

સુમતિ : આ તું પરણી એમ મારી ચારુ પણ માની જાય તો સારું. મને તો એનું મન જ સમજાતું નથી.

સુધીન્દ્ર : તમને શેનું સમજાય ? પણ મેં બે વાર પૂછ્યું પણ તમે જવાબ પણ એને નથી આપવા દેતાં. તમે વાતો ય ન કરવા દો તો પછી શેનાં કોઈ પરણે ?

[ બધાં હસી પડે છે ]

ચારુ૦ : હજી પરણ્યા પહેલાં જ આટલું બધું લાગી જાય છે ? અમે પૂછીને એને લૂંટી તો નથી લેતાં ને !

સુમતિ : બાપુ, હમણાં મને તો જરા વાત કરી લેવા દે. પછી તો બેઉ વાતોડિયાં છે તે જિંદગીભર વાતો કરવાનાં જ છે તો !

સુધીન્દ્ર : ( ખોટા ગુસ્સાથી ) નહિ મારે જાણવું છે કે બીજાં કોણ કોણ ફર્સ્ટ ક્લાસ આવ્યાં.

ચારુ૦ : સુશી ! કહે કહે. ભાઈને એ વિના કોઈ પ્રયોગ અટકી પડ્યો હશે.

સુશીલા : મિસ કામટ સેકન્ડ ક્લાસ આવ્યાં.

સુધીન્દ્ર : તમે તે શી રીતે ફિલસૂઝીમાં પાસ થયાં ? હું પૂછું છું કોણ ફર્સ્ટ ક્લાસ આવ્યાં ? સેકન્ડ કલાસનું નથી પૂછતો,

સુશીલા : પેલા મિ૦ જોશી. અને એક મિ. ઘારપુરે.

સુમતિ : અરે ! પણ હું કેવી મૂર્ખી ? — ચાંલ્લો કરવાનું અને ગોળધાણા વહેંચવાનું તો ભૂલી જ ગઈ ! જા, ચારુ, લઈ આવ તો. ( ચારુ૦ જાય છે ) આજ સવારે જ તાજા ધાણા લીધા છે. આ ધાણામાં જ આ શુભ પ્રસંગનું નિમિત્ત હશે. દરેક કણ ઉપર ભગવાન તેનું નિમિત્ત લખે છે.

સુધીન્દ્ર : હાસ્તો, તારે મન તો સુશીલા ઉપર પણ મારૂં નામ હતું ખરું ? સુશીલા ! બધાના કરતાં બાને વધારે કોડ હતા.

સુમતિ : હા હતા, હતા; સાત વાર હતા, જા. કહેનાર કહી રહ્યો ? આગલી વાત તમે છોકરાં શું જાણો ? સુશીલા તો આવડી હતી ત્યારની મારી જ હતી. આ તો વળી · · · (ચારુ૦ આવે છે. સુમતિ વાક્ય પૂરું કરવું ભૂલી જાય છે. ચારુ૦ પાસેથી કંકાવટી લઈ સુશીલાને ચાંલ્લો કરતાં તેના સામું જોઈ રહે છે.)

સુશીલા : બા, એમાં શું જોઈ રહો છો ? હું તમારે ઘેર આવતી તેની તે જ છું.

સુમતિ : સુશી ! તારું મોં તો ચણ્યું ને ચૂંટ્યું તારી મા પ્રભાવતી જેવું જ છે '· · · એ આવશે ત્યારે એટલા બધા ખુશી થશે ! એ તો કહેશે મારા ઘરમાં દેવી આવી.

સુધીન્દ્ર : સુશીલા ! આપણે દેવી બેવી નથી થવું હોં ! માણસ માણસ રહે તો ઘણું છે.

[ ડૉ. કેશવલાલ પ્રવેશ કરે છે. ]

સુમતિ : સારું થયું, તમે પણ આવી પહોંચ્યા. લો ગોળધાણા. આપણી સુશીએ સુધીના વિવાહ કબૂલ્યા.

કેશવ૦ : હું ઘણો રાજી થયો. અને તમે ધારો તે કરતાં મારે રાજી થવાનાં બીજાં ઘણાં કારણો છે. પ્રો. ભોળાનાથ અને હું ગાઢ મિત્રો હતા તે તો તમે સૌ જાણો છે. જ્યારે સુશીલાનો જન્મ થયો ત્યારે તેમણે કહેલું કે આપણાં બચ્ચાં મોટાં થયે પરણે તો કેવું સારું?

સુમતિ : લે, જો, સાંભળ, ડાહ્યો થતો હતો તે ! સુશીલા મારી ખરી કે નહિ?

કેશવ૦ : પણ, પછી તો ( અટકીને, શ્વાસ લઈને ) સુશીલાનો વાલી થયો, એટલે એ વાત આજ સુધી અમે તમને કોઈને કરી નહોતી. સુશીલા મોટી ઉંમરની થઈને સ્વતંત્ર રીતે જ નિશ્ચય કરે એમ હું ઇચ્છતો હતો. આજે ભોળાનાથભાઈનો સંકલ્પ પાર પડ્યો. અત્યારે મને એમનાં કંઈ કંઈ સ્મરણો થાય છે.

સુમતિ : તમને નથી લાગતું—ભોળાનાથભાઈએ કૉલેજમાં પ્રોફેસરની જગા લીધી, અને એ અને પ્રભાવતીબહેન બન્ને આપણે ત્યાં ઉતર્યાં, ત્યારે પ્રભાવતીબહેન બરાબર આ સુશીલા જેવાં લાગતાં ? રૂપ રૂપનો અંબાર ! સુશીલા બરાબર મારી બહેન ઉપર ઉતરી છે.

કેશવ૦ : પણ બુદ્ધિમાં તેને ભોળાનાથભાઈનો વારસો મળ્યો છે. એવડી નાની ઉંમરે પણ ભોળાનાથે ફિલસૂફ઼ીમાં નામ કાઢેલું હતું.

સુમતિ : અહોહો ! લોકો તો એમને જોઈને ચકિત થઈ જતાં. બેઉ સાથે ફરતાં હોય ત્યારે ઇન્દ્ર ને ઇન્દ્રાણી જેવાં લાગે ! એમના જેવું સુખી જોડું મેં જોયું નથી.

ચારુ૦ : અત્યારે એ હોય તો આ જોઈને કેટલા સુખી થાય !

સુમતિ : અરેરે, પ્રભાવતીની પણ અત્યારે આ દશા. મારી સુશીલાને છતી માએ નમાઈ થઈને રહેવા દહાડો આવ્યો !

કેશવ૦ : ( ઊઠતાં ઊઠતાં ) ત્યારે સુશીલા ! આજે અહીં જ રહી જા. અહીં જ જમજે. ( હૅટ હાથમાં લઈ જાય છે.)

સુશીલા : હજી તો મેં દયાબાને પણ ખબર નથી આપી. અહીં જ સીધી આવી છું.—( જરા શરમાતાં, સંકોચથી ) આ જ ઢૂકડું પડે એટલે.

સુમતિ : ત્યારે દયાબહેનને ખબર આપ. અને બન્ને અહીં જ જમજો.

ચારુ૦ : અને સાંજે પછી બધાં સીનેમા જોવા જઈશું.

સુશીલા : ઠીક, ત્યારે જઈશ. ( જાય છે )

સુમતિ : ( તેને જતી જોઈ રહેતાં ) અહો ! શી છોકરી છે ને !

[ પડદા પડે છે ]

પ્રવેશ ૨ જો

સમય : સાંજના ૪ વાગ્યાનો
સ્થળ : સુશીલાનું દીવાનખાનું
 

[ સુશીલા દીવાનખાનામાં વાંચતી હોય છે ત્યાં ઘડિયાળમાં ચારના ટકોરા થાય છે. સુશીલા ઘડિયાળ સામું જોઈ ઊભી થાય છે, બારી આગળ જઈ ડોકિયું કરે છે, નિરાશ પગલે પાછી ફરે છે અને ખુરશી ઉપર બેસે છે, ઘડી વાંચે છે, ફરી ઘડિયાળ સામે જુએ છે, અને ઓરડામાં આંટા મારવા લાગે છે ત્યાં ચારુ૦ પ્રવેશ કરે છે. ]

સુશીલા : આવો ચારુબહેન ! હું સમજી ગઈ છું તમે કેમ આવ્યાં તે. ( બન્ને ખુરશીઓ ઉપર બેસે છે. )

ચારુ૦ : કેમ આવ્યાં કેમ વળી ? અમે ચા પીવા આવ્યાં છીએ.

સુશીલા : ના.

ચારુ૦ : ત્યારે જોજે, પીઉં છું કે નહિ !

સુશીલા : ના. ખોટું બોલે છે. હું જાણું છું.

ચારુ૦ : તો ગાંડી ! એટલું સમજી ગઈ તેમાં નવાઈ શી કરી ? કોઈ છોકરાને મારીએ અને કહીએ કે જોજો હમણાં રડશે, એમાં બહુ વરતી ગયાં કહેવાઈએ ? તું કરે એવું તે મારે આવવું જ પડે ને ! સાચું સમજી હો તો માની જા ને ! સુશીલા : આ તમને બધાંને આટલી ઉતાવળ શાથી થાય છે તે મને સમજાતું નથી. જુઓ, સુધી હંમેશ મને મળવા આવે છે, કદી એ વાત નથી કાઢતો. ડૉક્ટર કાકા કદી નથી બોલતા. અને તમને અને બાને બીજું સૂઝતું નથી ! મને લાગે છે હવે મારે સ્ત્રીઓ કરતાં પુરુષો સારા છે. એમ માનવું પડશે !

ચારુ : પણ તું કાંઈ પણ કારણ આપ્યા વિના મોડું કરે તે કેમ કોઈથી ખમાય ?

સુશીલા : ચારુબહેન ! તમે બધાં હૃદયની કવિતા લૂંટી લો એવાં છો.

ચારુ૦ : નહિ, નહિ. અમે તો તારા હૃદયની કવિતા વહેલી શરુ થાય માટે આમ કરીએ છીએ.

સુશીલા : ત્યારે જુઓ, હું તમને કહું, મારી બા એસાઇલમમાંથી આજથી ત્રણ મહિને છૂટી શકે એમ ડોક્ટર કહે છે. બીજું એ, કે મેં મારા પિતાનું સુંદર બાવલું કરવા ઑર્ડર આપ્યો છે. તે પણ તે અરસામાં આવશે. મને એમ કે મારી બા આ બધું જુએ તો તેને આનંદ થાય. મને એવી ઈચ્છા કે આ બધું તમને ઓચિંતું દેખાડું, પણ તમે મારા મનની કવિતા બગાડી નાંખ્યા વિના ક્યાં રહો એવાં છો ?

ચારુ૦ : તો ગાંડી, એકલી એકલી કવિતા કરે તેમાં અમે શું કરીએ ? કવિતા એકલાં કરવાની નથી. સૌને કહ્યું હોત તો શું બગડી જાત ? લે ત્યારે હવે બાને અને દયાફઇને બોલાવું.

સુશીલા : તમે આ બધાં ઘેરો ઘાલવા આવ્યાં છો. એવી ખબર હોત, તો મારો રહસ્યગઢ બે ઘડી ટકાવી રાખત.

[ સુધીન્દ્ર પ્રવેશ કરે છે. ]

ચારુ૦ : ( સુધીન્દ્રને જોતાં ) આ ઘેરામાં નવી કુમક.

સુશીલા : નહિ. એને હમેશ માફક આવવાનો વખત ક્યારનો થઈ ગયો છે.

સુધીન્દ્ર : કેમ આ લશ્કરની શી વાતો કરો છો?

ચારુ૦ : એ તો મેં એને પૂછ્યું કે તમે લગ્નની તારીખ કેમ ઝટ નથી નક્કી કરતાં, ત્યારે કહે છે કે મારા મનની વાત બહાર કઢાવીને તમે મારા હૃદયની કવિતાનો નાશ કરો છો.

સુધીન્દ્ર : પણ જેમ ભણવામાં કવિતાનું ગદ્ય કરવું પડે છે, તેમ જીવનમાં પણ હૃદયની કવિતાનું ગદ્ય કરવું જ પડે જીવનમાં શુદ્ધ કવિતા ભોગવાય એ આશા જ ખોટી છે.

ચારુ૦ : ચાલો હું બાને અને દયાફઈ ને બોલાવી લાવું.

સુધીન્દ્ર : તારે જવું હોય તે જા. નહિ તો મારે કશી ખાનગી વાત કરવાની નથી.

ચારુ૦ : પણ મારે કામ છે. ( જાય છે )

સુશીલા : કેમ ત્યારે હવે ચાનું કરું ને ?

સુધીન્દ્ર : જરૂર. ચા પણ ખરી અને સાથે કંઈ ખાવાનું પણ ખરું.

સુશીલા : મેં તમારી ઘણીવાર રાહ જોઈ. આજે કેમ મોડું થયું?

સુધીન્દ્ર : મિસ કામટ લેબોરેટરીમાં હતાં. તેમને એક થિયરી સમજાવતો હતો.

સુશીલા : તે હજી એ લેબોરેટરીમાં આવે છે ? એને એટલું બધું શું ભણવું છે?

સુધીન્દ્ર : કેમ ભણે નહિ ? હું કેમ ભણું છું?

[ચારુ અને સુમતિ આવે છે.]

સુશીલા : દયાફઈ કેમ ન આવ્યાં ?

સુમતિ : ચા કરવા રોકાયાં છે.

સુશીલા : ના, ના, ચા હું કરીશ. સુધીન્દ્ર માટે ત્રણ પ્યાલા મૂકવાના છે. અને કંઈ ખાવાનું પણ જોઈશે.

ચારુ૦ : જાણે તું જ સુધીની ટેવ જાણતી હઈશ. ચા તો સૌને માટે ક્યારની મૂકી છે અને હમણાં—લે જો, દયાફઈ લઈને આવ્યાં. ( બધાં ટેબલ ફરતાં બેસે છે ) બા ! સુશીલાની ઇચ્છા તો પ્રભાવતી માસી એસાઇલમમાંથી છૂટીને આવે તે પછી લગ્ન કરવાની છે.

[ હવે પછીની વાતચીત ચા પીતાં પીતાં થાય છે. ]

સુમતિ : હં. એમાં શું ખાટું છે ! અત્યાર સુધી કહેતી કેમ નહોતી ? કેમ દયાબહેન !

દયા : પણ મને એમ કે વહેલું થાય તો ઠીક, મારે મારું ઘર પડવા આવ્યું છે તે સમું કરાવવા જવું છે. અત્યારથી સમું કરાવવા માંડીશ ત્યારે ચોમાસા પહેલાં થઈ રહેશે. હવે થોડા દિવસમાં જઈશ. લગનમાં મારી ખાસ શી જરૂર છે? વાજતે ગાજતે લગન કરજો, હું રાજી ને મારી આંતરડી રાજી.

સુશીલા : અરે પણ ફઈ ! તમે ન હો એ કેમ બને? આજ સુધી તો તમે કશું કહ્યું નથી ! વળી તમારે ઘરને શું કરવું છે ?

દયા : ના, બા. મારાથી એમ ન રહેવાય.

સુશીલા : પણ તમારે તો રહો છે એમ જ રહેવાનું છે. (કેશવ૦ પ્રવેશ કરે છે) લો, આ કાકા આવ્યા. એ મારો પક્ષ તાણશે.

કેશવ૦ : કેમ શી બાબત છે?

સુમતિ : સુશીલાને એમ છે, કે પ્રભાવતી એસાઈલમમાંથી ત્રણ મહિના પછી આવવાની છે, તે પછી લગન કરવાં.

ચારુ૦ : અને ભોળાનાથ કાકાનું એક બાવલું પણ તે અરસામાં આવી જશે.

કેશવ૦ : ( વિચાર કરીને ) એમ કરવાનું કાંઈ કારણ નથી.

સુશીલા : કાકા, એ તમે ડૉક્ટરો ન સમજો. હું એક વાર મિસ ગૌરીને મળવા તેની ચાલમાં ગઈ હતી. પડોશમાં એક સ્ત્રીને આંકડી આવી. તેને શુદ્ધિમાં લાવવા ખાસડું સુંઘાડતા હતા. વળી હિસ્ટીરિયામાં ડુંગળી કાપીને સુંઘાડતાં પણ મેં જોઈ છે. હવે તેમાં સિદ્ધાન્ત તો એ જ ને, કે કોઈ પણ ઉગ્ર ગન્ધ લેવરાવવી. ત્યારે સુંદર અત્તર કેમ ન સંઘાડવું? તમે ડોક્ટરોએ વધારે સૌમ્ય ઉપાયો શોધવા જોઈએ.

સુધીન્દ્ર : અશક્ય. એ ખાસડાનું કામ અત્તર નહિ જ કરે. ખરાબ ગંધની જ ત્યાં અસર છે.

કેશવ૦ : બહેન, પણ અતિહર્ષથી કોઈ વાર માણસને ઉન્માદ થઈ જાય છે. હું તો પ્રભાવતીને લગ્ન પહેલાં લાવવાની સલાહ ન આપું.

[ અહીંથી વાતાવરણ ગમગીન, ભારે અને નિરુત્સાહક થતું જાય છે. ]

ચારુ૦ : તે હેં બા ! પ્રભાવતી માસીને ચિત્તભ્રમ શાથી થયો ? અતિહર્ષથી થયો હતો ?

સુમતિ : ના. ભોળાનાથભાઈ ગુજરી ગયા તેના આઘાતથી તે જ વખતે ગાંડાં થઈ ગયાં હતાં.

કેશવ૦ : (શૂન્ય મને ) ના. કદાચ તે પહેલાં ગાંડાં થઈ ગયાં હશે.

ચારુ૦ : ભોળાનાથકાકા શાથી ગુજરી ગયા ?

કેશવ૦ : કંઈ ખબર પડી નથી.

સુમતિ : તમે તો કહેતા હતાને કે હાર્ટ ફેઈલથી ગુજરી ગયા?

કેશવ૦ : એ તો કાંઈ કારણ ન જણાયું એટલે અટકળથી એમ કહ્યું હશે.

સુશીલા : કાકા, તમે ડૉક્ટર થઈને ન જાણો એમ બને? બા, તમને ખબર છે?

સુમતિ : ના, બા. એ તો નોકર આઠ વાગે બોલાવવા આવ્યો. સવાર હતી, અને ટાઢ તો કહે મારું કામ. અમને શી ખબર શા માટે આવ્યો છે. એ ગયો. અને પછી ઠાઠડી બાંધી રહીને જ બધાંને બોલાવ્યાં. હું ગઈ ત્યારે તો પ્રભાવતી સૂનમૂન બેઠી હતી. ત્યારથી એ અવાચક થઈ ગઈ છે.

સુશીલા : મને ડૉ. વ્રજરાય કહેતા હતા, કોઈ કોઈ વાર એકલાં બોલે છે.

કેશવ૦ : ( કાંઈ સાંભર્યું હોય તેમ, પણ ખરી રીતે વાત બદલાવવા ) આ · · · ઠીક લો. પેલા પૈસા તે તારા ખાતામાં જમા કરાવ્યા ? અને · · ·

સુશીલા : (કેશવ૦નું મન સમજી જતાં, ખિન્ન મને ) હવે કરાવીશ. ( હાથમાં પ્યાલો રહી જાય છે. થોડીવાર કોઈ બોલતું નથી.) મારું તો માથું ચડ્યું છે. ( પીધા વિના પ્યાલો નીચે મૂકે છે. બધાં અજાણતાં એ પ્રમાણે કરે છે. )

સુમતિ : કોણ જાણે ક્યાંથી આ વાત નીકળી.

કેશવ૦ : ચાલ ખુલ્લી હવામાં જરા ફરવા. ઘરમાં બેસી રહેવાથી માથું ચઢ્યું હશે.

સુશીલા : ના, જરા એકલી બેસી રહીશ એટલે ઠીક થઈ જશે.

કેશવ૦ : ( કોઈને ઉદ્દેશ્યા વિના ) ભોળાનાથભાઈ ને પણ એવી ટેવ હતી. ત્યારે ચાલો, ( સુશીલાને ) પણ લગ્ન વહેલું કરવાનો વિચાર કરી જોજે. ( ઊઠે છે. સુમતિ ચારુ૦ પણ ધીમે ધીમે ઊઠે છે. તેમની પછી સુધીન્દ્ર નજરથી સુશીલાને પૂછે છે, અને સુશીલા તેને પણ જવાની નિશાની કરે છે. કેશવનું કુટુંબ જાય છે. )

દયા૦ : તું ફિકર ન કર. તને આટલી નાની વયે ચિંતાતુર જોઈને મને કાંઈનું કાંઈ થઈ જાય છે.

સુશીલા : પણ જુઓને, તમે વળી નવું જ પદક કાઢ્યું !

દયા : પણ એ તો ખરી વાત છે. ( થોડી વારે ) ચાલ ઊઠ, પેલી બારી આગળ બેસ,—ફરવા ન જવું હોય તો.

સુશીલા : ( થોડીવાર રહીને, થાકથી ) તમે જાઓ હું બેસું છું. ( દયા જાય છે. ) ખરેખર, આ દુનિયા તો કવિતાને દેખે ત્યાંથી ચગદી ઘાલે એવી છે. બાને સુખી કરવાનાં સ્વપ્નાં રચું છું, ત્યાં દયાફઈ જતાં રહે છે. ( થોડીવાર શાંત રહે છે. ) ખાસડાંની દુર્ગન્ધ જ કામ કરતી હશે એમ ? ( જરા લૂખું હસીને ) ડુંગળી ને ખાસડાં શાથી કહેવતમાં ભેગાં બોલાતાં હશે ? · · · પણ હું તો મક્કમ રહીશ. ભલે સૌને કરવું હોય તેમ કરે. ( ઊઠેને જાય છે. )

[ પડદો પડે છે. ]

પ્રવેશ ૩ જો

સમય : મોડી રાતનો
સ્થળ : સુશીલાનું ઘર, તેનો સૂવાનો ખંડ.
 

[ હાથમાં કંઈક ચોપાનિયું લઈને વાંચતા હોચ એવા આકારનું પ્રો. ભોળાનાથનું બાવલું ખુરશી ઉપર પડ્યું છે. એક ખૂણામાં પ્રભાવતી ખાટલામાં શૂન્ય મોંએ, ઉઘાડી આંખે બેઠેલી છે. બાવલા પાસે સુશીલા દીવે કોઈ ચોપડી વાંચે છે. ]

સુશીલા : ( વાંચવાનું બંધ કરી પ્રભા સામું જુએ છે ) અહોહો, હજી સુધી બેસી રહી છે. એણે આંખનું મટકું એ માર્યું નથી. હજી મને ઓળખતી લાગતી નથી. દયાફઈને પણ ઓળખતી લાગતી નથી ! પણ દયાફઈ હજી તેની પાસે જ ગયાં નથી ને ! મેં કહ્યું ત્યારે કહે, મને જોઈને એને જૂનું દુઃખ સાંભરી આવે કદાચ ! પણ બાપુને ન ઓળખે એમ બને નહિ. ( વિચારીને ) આ મેં દીવો અહીં રાખ્યો છે એ ભૂલ કરી છે. તેજ બરાબર બાપુ ઉપર પડે એમ રાખવો જોઈએ. ( ઊભી થઈ તે પ્રમાણે કરે છે. દીવો જરા મોટો કરે છે ) હજી એનું ધ્યાન આ તરફ ગયું નથી. બાવલા પાસે જરા અવાજ કરું. આ એલાર્મ જરાક જ વગડે એમ બાવલા પાસે મૂકું. ( તે પ્રમાણે કરે છે )

[ થોડી વારે જરા સંગીત જેવું એલાર્મ થાય છે. પ્રભા૦ તે સામું જુએ છે. ]

સુશીલા : હાં ! એણે સામું જોયું.

પ્રભા૦ : ઓહોહો ! એ તો ક્યારના બેઠા બેઠા વાંચે છે ! કેવા સુંદર દેખાય છે ! એમનું કપાળ કેવું ઝગે છે ! એટલા વહાલા લાગે છે ! બધાને જોઈ વળો. કોઈ ભાયડો આવો હોય તો બતાવો. કોઈ બાયડી ભણી એની આંખનો ખૂણો પણ કદી ખેંચાય નહિ. અહાહા, એટલા બધા વહાલા લાગે છે ! જાણે શું કરી નાખું ! ( ખાટલામાંથી ઊઠે છે. નીચેની ઉક્તિઓમાં ધીમે ધીમે બાવલા પાસે જતી જાય છે.)

સુશીલા : ખરેખર, સુમતિ માશી કહેતાં હતાં તેમ મારાં માબાપને બહુ જ બનતું હશે. પણ મારાથી આવું સંભળાય ? કંઈ નહિ, હું તો એના દરદ સારુ જોઉં છું ને !

પ્રભા૦ : જાણે દી રાત બાથમાં જ ઘાલી રાખું. અહાહા ! અહીં આવે તો હમણાં · · · પણ મારી તો સામું એ જોતા નથી. હું તો એમને ગમતી જ નથી. હું ક્યાં એમના જેટલી ભણેલી છું ! એમને તો ખૂબ ભણેલી જોઈએ. જાઓ લઈ આવો, ખૂબ ભણેલી જોઈને.

સુશીલા : આ આટલું ગાંડપણ.

પ્રભા૦ : મને એના પર આટલું વહાલ થાય છે એનું એને કાંઈ નથી. એક ઘડી મારી પાસે બેસતા નથી. કહું તો કહેશે મારી જિંદગી તું એકલી માટે નથી. ત્યારે બીજી કઈ શંખણી માટે તમારી જિંદગી છે? બોલો તો ! અમે કેમ તમારે માટે આટઆટલું કરીએ છીએ ? કેમ કાંઈ અમે મોહીને આવ્યાં છીએ, પરણીને નથી આવ્યાં ? પાછા કહેશે તું પણ સ્વતંત્ર જીવન ગાળ. બળ્યું તમારું સ્વતંત્ર · · · ! એ જુઓ હસે છે. શું વાંચે છે? કેમ હસે છે? પરીક્ષાના પેપરો વાંચે છે. જરૂર કોઈ રાંડનો પેપર હશે. રાંડો કોણ જાણે શા સારુ આટલું ભણતી હશે. રાંડો ભાયડો ન મળતો હોય તો જાઓ · · · ક્યાંઈ મારી જીભ જાય છે ! રાંડો બીજાના ભાયડા આડી શું કરવા આવો છો !

સુશીલા : આ હું શું સાંભળું છું ?

પ્રભા૦ : રાંડ કોઈ અહીં આવે તો ટાંટિયો જ વાઢી નાંખું. જો ને, કેટકેટલું કરું છું તો ય મારી સામું ય જુએ છે ? એ · · · ન તે મજા છે. કૉલેજમાં જવું, જુવાન છોકરીઓમાં ફરવું, સુધરેલાં ગણાવું, અને ઘેર અમારા સામું એ ન જોવું મોઢું ભૂંડું નહિ તો ! માર્યું હોય ના એક !

[ પ્રભા૦ બાવલાને મારે છે. બાવલું પડી જાય છે અને ભાંગે છે. તેના અવાજથી છળે છે, પડે છે. બેભાન થાય છે. સુશીલા ઊઠીને તેને માથે હાથ ફેરવે છે, જરા જરા ભીનું પાણી ચોપડે છે, પ્રભા૦ ઊઠે છે, સુશીલા સામું તાકીને જોઈ રહે છે અને પછી એકદમ ઊભી થઈ સુશીલાના વાળ પકડીને ખેંચતાં ]

પ્રભા૦ : રાંડ દયલી ! પાછી આવી ? રાંડ મેં કહ્યું’તું તારે મારે ઘેર ન આવવું. હું ને મારો ભાયડો હોઈએ ત્યાં ન આવવું. રાંડ આ પટિયાં કોના સારુ પાડ્યાં છે ? રાંડ જા, ટળ્ય અહીંથી કહું છું !

[ પ્રભા૦ સુશીલાને મારવા જાય છે. સુશીલા છટકી જાચ છે, તેને પકડવા જતાં પ્રભા૦ ભીનામાં લપસે છે. નીચે પટકાય છે, ફરી મૂર્ચ્છા ખાય છે. સુશીલા દીવો ઓછો કરે છે. પ્રભા૦ને માથે બરફ મૂકે છે. પ્રભા૦ શાંત થઈ જાય છે. તેને સરખી સુવાડે છે. તેનાં ભીનાં કપડાં દૂર કરે છે. સારી રીતે ઓઢાડે છે. ખુરશી પાસે લાવી તેના સામું જોતી બેસે છે. ]

સુશીલા : ઓહોહોહો એણે મને દયાફઈ ધારી ! મને તો એ ઓળખતી જ નથી. હાંહાં ! સમજાયું. મને તેણે ગાંડી થયા પહેલાં જોયેલી તે જ વખતની હું તેને યાદ છું. હું મોટી થઈ તે તેના ધ્યાન બહાર છે. ત્યારે દયાફઈ તરફ તેનો આવો ભાવ ? હવે સમજાયું, શા માટે દયાફઈ એની નજરે નહોતાં ચડતાં. શા માટે એમણે ઘર ચણાવવા જવાનું કહ્યું ! આજ સુધી હું કશું જ જાણતી નહોતી ! ત્યારે મારી બાએ જ મારા બાપુને · · · ? · · · હાસ્તો. અને છતાં બહાર તો બધે જ એમ ગણાતું કે મારાં માબાપને ઘણું સારું બને છે ! સુમતિ માશી પણ એમ જ માને છે ! જાણવામાં ફક્ત આ દયાફઈ અને ડૉક્ટર કાકા. એટલે જ એ જ્યારે ત્યારે બા અને બાપુની વાત ઉડાવે છે. એટલે જ એમણે લગ્ન વહેલાં કરવાનું કહેલું. ત્યારે હવે લગ્નનું? · · · જગત બધું બહારના ખોટા દેખાવોમાં જ ચાલે છે · · · નહિ નહિ, માણસ પોતાનું હૃદય જ નથી ઓળખતું ! ( ઘડિયાળમાં પાંચ વાગે છે. વિચાર કરે છે. ) એક વાર ડૉ. વ્રજરાય પાસે જઈ આવું. ( જાય છે. )

[ પડદો પડે છે. ]

પ્રવેશ ૪ થો

સમય : સવારના સાતનો
સ્થળ : સુશીલાનું દીવાનખાનું
 

[ પડદો ઉઘડતાં એક ટેબલની આસપાસ મિસ કામટ, મિસ ક્રૉન્ટ્રૅક્ટર, મિસિસ શાહ, મિસ પંડ્યા અને દયાકોર બેઠાં છે. ]

દયા૦ : હવે સુશીલા આવવી જોઈએ. કોઇ કોઈવાર વધારે દૂર ફરવા જાય છે ત્યારે મોડું થાય છે.

મિસ કૉન્ટ્રૅક્ટર : સુશીલાબહેન ‘હિંદુ ધર્મમાં સ્ત્રીની સ્થિતિ’ સંબંધી એક પુસ્તક લખવાનાં હતાં તેનું શું થયું ?

દયા૦ : મને બરાબર ખબર નથી. પણ તે વાંચતી તો હતી. અને ઘણી ચર્ચા કરતી હતી.

મિસિસ શાહ : હમણાં સુધીન્દ્ર તો અહીં નહિ આવતા હોય ?

દયા૦ : ના, લગભગ નિયમિત આવે છે. એ બન્ને એ વિષય ઉપર પુષ્કળ ચર્ચા કરે છે. તમે જરા બેસશો ? હું તમારે માટે ચા અને થોડું ખાવાનું લઈ આવું !

મિસ કામટ : ના, ના; અમે હમણાં જ ઘેરથી ચા પીને નીકળ્યાં છીએ.

દયા૦ : ના, ના; આજ તમારાથી ના ન પડાય.
( જાય છે )

મિસ પંડ્યા : હું તો પહેલેથી જ માનતીએ હતી કે સુશીલા સુધીન્દ્રને પરણશે.

મિસ કોન્ટ્રૅક્ટર : મને ખરું પૂછો તો સુધીન્દ્ર કદી પરણી શકે એ સાચું લાગતું નહોતું. જેને દિવસ રાત પ્રયોગો કરવા સિવાય બીજો ધંધો નહિ, જે માણસ કરતાં તીડિયાં ને પક્ષીઓ ઉપર વધારે ધ્યાન આપે, તે શી રીતે પરણી શકે ? ( ધીમે સાદે ) આવી સુશીલા જેવી ચાલાક છોકરીએ એવાને કેમ પસંદ કર્યો તે જ મને સમજાતું નથી.

મિસ કામટ : કેટલાક પુરુષો બહારથી એવા જડ જેવા દેખાય છે, પણ ખરે જ એવા હોતા નથી. તેઓ મન આડો એક પડદો રાખીને ફરે છે; તે પડદો કોઈવાર જરા ઊંચકાઈ જાય તો તેમનો ખરો સ્વભાવ ઘણો જ માણસાઈવાળો જણાય છે.

મિસિસ શાહ : જુઓ ઘંટડી સંભળાય છે. કાં તો સુશીલા આવી !

[ બધાં તે દિશાએ જુએ છે. સાઈકલ આવે છે. ઉપરથી સુશીલા ઊતરે છે. ચારેય મહેમાનો ઊભાં થાય છે. ]

  ચારેય
મહેમાનો
કોંગ્રેચ્યુલેશન્સ
સુશીલાબહેન,
અભિનંદન.

સુશીલા : હેં ? ! હં ! જરા રહો હોં.

મિસ પંડ્યા : શું હેં હેં. કંઈ ફિલસૂફીમાં પડી ગઈ કે શું ? પરણે. તેના આ ઢંગ હોય ? હું નથી પરણી તો ય એટલું તો સમજું છું.

સુશીલા : નહિ, નહિ, નહિ, નહિ. મને જરા માફ કરો. મેં લગ્ન બંધ રાખવાનો નિશ્ચય કર્યો છે.

મિસ કામટ : ક્યારે કર્યો ?

સુશીલા : ઓ ! તમે આવ્યાં છો ? મેં જાણ્યું તમે નહિ આવ્યાં હો.

મિસ કામટ : એમ કેમ વારુ ?

સુશીલા : મને એમ કે તમે અભ્યાસ છોડી અત્યારમાં નહિ આવો.

મિસ કામટ : પણ આ લગ્નની શી વાત છે ? ક્યારે મુલતવી રહ્યાં ?

સુશીલા : અત્યારે જ, આ ફોન કરીને આવું. ( જાય છે )

[ બીજા ખંડમાંથી દચા૦ ચા અને મીઠાઈની રકાબીઓ લઈને આવે છે. ]

મિસિસ શાહ : દયાબહેન ! આ મીઠાઈ હવે અમારે ન ખપે. અમે તો લગ્નની મીઠાઈ ખાવા આવ્યાં હતાં.

દયા૦ : પણ લગ્નની જ મીઠાઈ હું આપું છું ને ! કેમ આ લગ્નની નહિ ગણાય ?

મિસ કોન્ટ્રૅક્ટર : સુશીલાબહેન તે અમને બનાવે છે કે શું, તે સમજાતું નથી. હમણાં કહે છે કે લગ્ન તા મુલતવી રહ્યાં.

દયા૦ : ના ભાઈ ! લગ્ન તો આજે સાંજના નવ વાગે છે.

મિસ પંડ્યા : ત્યારે સુશીલા તો કહે કે અત્યારે લગ્ન બંધ કર્યા છે. ( સુશીલા આવે છે ) કેમ સુશીલા ! મશ્કરી તે અમે તારી કરીએ, કે તું અમારી કરે ?

સુશીલા : મશ્કરી શેની ?

મિસિસ શાહ : શેની કેમ ? દયાબહેન કહે છે બંધ તો કંઈ નથી રહ્યાં !

સુશીલા : તે મેં એમને હજી કહ્યું નથી. ફઈ, મેં લગ્નનો વિચાર બંધ કર્યો છે. અત્યારે જ મેં સુધીન્દ્રને ફોન કર્યો સુધીન્દ્ર નહોતો એટલે ચારુબહેને ફોન લીધો. બાકી બધાંઓને તમે જરા ફોન કરી નાંખજો. મને આજે શરીરે ઠીક નથી.

દયા૦ : ( ગભરાઈને ) તું જરા ખેસ, મને વાત કર આ બધાં · · ·

સુશીલા : હાં હાં, સાંભર્યું. હું ખાણાવાળાને ફોન કરી ઑર્ડર રદ કરું. આ આવી. ( જાય છે. )

[ બધા શૂન્ય થઈ બેસી રહે છે. દયાકોર ગભરાય છે. ]

મિસિસ શાહ : દયાબહેન, તમને અત્યાર સુધી કશું કહ્યું જ નથી ?

દયા૦: કશું જ નહિ ! આનું મારે શું કરવું તે મને સમજાતું નથી.

મિસ પંડ્યા : તમે કંઈ જ જાણતાં નથી ? કોઈની સાથે કંઈ અણબનાવ થયો કે કંઈ સુધીન્દ્ર · · ·

દયા૦ : ગઈ કાલે સવારે તો હજી સુધીન્દ્ર અહીં આવ્યો હતો. અને અમે એટલા જ આનંદથી વાત કરતાં હતાં.

[સુશીલા આવે છે.]

મિસિસ શાહ : સુશીલાબહેન, અમને માફ કરો, પણ આ તો સારું ન ગણાય. અમને સમજાવો તો ખરાં, તો એનો કાંઈ ઉપાય થાય.

સુશીલા : લગ્ન થાય તેની સાથે સમાજને સંબંધ છે, એટલે લગ્નની વાત જાહેર થવાની જરૂર છે; લગ્ન બંધ રહે તે કેવળ ખાનગી છે. એવી વાત બહાર પાડવાની શી જરૂર ? લગ્ન બંધ કરવામાં કોઈનો પણ દોષ ગણાતો હોય તો હું કહું છું, તેને માટે જવાબદાર માત્ર હું છું. વાંક બધો મારો છે. ( ગાડી અને નર્સ આવે છે. દયા૦ને સંબોધીને ) મારી બાને માટે મેં મગાવી છે. રાતે તેની તબિયત સારી નહોતી. અત્યારે ડોક્ટર વ્રજરાયની મેં સલાહ લીધી. તેઓ બાને પાછાં એસાઈલમમાં મોકલવાનું કહે છે. તમે બાને હળવે રહી બેસારી દો.

દયા૦ : ( હેબક ખાઈ જાય છે. ઝાઝીવારે ) હું એકલીથી એમને લવાશે નહિ, આપણે બન્ને જઈએ.

સુશીલા : હું તદ્દન થાકી ગઈ છું. તમે બહેનો એમને જાળવીને ગાડીમાં બેસારશો ?

[ચારેય મહેમાનો જાય છે. અંદરથી પ્રભા૦ને લઈ આવી ગાડીમાં બેસારે છે. પ્રભા શૂન્ચ જ દેખાય છે. ગાડીમાં તેને રવાના કરીને ]

બધાં મહેમાન : ત્યારે અમે રજા લઈએ ?

સુશીલા : હા. મને માફ કરો.

મિસિસ શાહ : સુશીલાબહેન ! આટલું બધું પોચું મન ન રાખીએ. બાને કાંઈ એવું ખરાબ નથી. માણસોને તો વહાલાં સગાં મરણપથારીએ હોય, ને પરણી લેવું પડે છે.

સુશીલા : એમાં બાનું કારણ નથી. ( ટેબલ પર થાકથી માથું નાંખી દે છે. )

બધાં૦ : ત્યારે અમે રજા લઈએ.

[ સુશીલા હાથથી રજા આપે છે. મહેમાનો જાય છે, તેમનો વાંસો દેખાય છે એટલે સુશીલા ઠુસકું મૂકે છે. જતાં જતાં મહેમાનો તેના તરફ એક નજર નાંખતાં જાય છે. દચા૦ દીન થઈ જોઈ રહે છે. તેના પર હાથ મૂકે છે, તેને પંપાળે છે, પાસે બેસે છે. ફોન સંભળાય છે. સુશીલા દયા૦ને ઊઠવા ઈસારો કરે છે. દયા૦ ઊઠે છે. ]

સુશીલા : હું ઊંઘી જાઉં છું. મને જગાડશો નહિ. મારું શરીર સારું નથી.

[ બન્ને જુદી જુદી દિશાએ જાય છે. પડદો પડે છે. ]

પ્રવેશ ૫ મો

સમયઃ બપોર પછીનો
સ્થળઃ સુશીલાને સૂવાનો ખંડ
 

[ સુશીલા સૂતી છે. ઊંઘે છે. પાસે ચારુ૦ ખુરશી નાંખીને ચૂપ બેઠી છે. હાથમાં પેપર લઈ વાંચે છે અને વારેવારે સુશીલા તરફ જોતી જાય છે. સુશીલા એકદમ ચીસ પાડી ઊઠે છે. તેની આંખો ભયભીત જેવી દેખાય છે. ચારુº તેની પાસે જાય છે, તેને બાથમાં લે છે. ]

ચારુ૦: પણ છે શું ? શું છે સુશી ! ( સુશીલા રડે છે, ડુસકાં ભરે છે. ) કેમ કંઈ સ્વપ્ન આવ્યું ? ( સુશીલા ચારુ૦ સામે જુએ છે. ધીમે ધીમે ડુસકાં દબાવે છે. તેના ખભા પર પડી રહે છે. ) કેમ કંઈ સ્વપ્ન આવ્યું ?

સુશીલા : હા, બહુ ભયંકર સ્વપ્ન !

ચારુ૦ : પણ શું હતું ?

સુશીલા : સુધી ક્યાં છે? તેને કેમ છે?

ચારુ૦ : એ તો મજામાં છે. લેબોરેટરીમાં ગયો છે.

સુશીલા: તેને એકદમ બોલાવ. મને બહુ ભયંકર સ્વપ્ન આવ્યું.

[ચારુ૦ જઈને ફોન કરે છે. સુશીલા ધીમેથી ખાટલા પરથી ઊઠી ટેબલ પાસે ખુરશી ઉપર બેસે છે. ચારુ૦ પાછી આવીને ખુરશી પર બેસીને ]

ચારુ૦ : એવું શું હતું ?

સુશીલા : અરે રે ! હું તે શું કહું ?

ચારુ૦ : જો, સુધી લેબોરેટરીમાંથી નીકળી ગયો છે. આવતાં થોડીવાર થશે ત્યાં સુધીમાં જરા પાણી પી, શાંત થા, પછી કહેજે.

સુશીલા : ના, ના; વાત તો મારે તમને જ કહેવી છે. પછી તમે એને કહેજો. ફઈને કહેશો, ચા મૂકે ? ( ચારુ૦ જાય છે. સુશીલા ઊઠે છે. મોં ધુવે છે. જરા વાળ સરખા કરે છે.) ચારુ૦ : ( આવીને ) લે કહે ત્યારે.

સુશીલા : મને એવું સ્વપ્નું આવ્યું (નિશ્વાસથી ) કે જાણે મને સુધી ઉપર એકદમ હેત ચડ્યું. મેં તેને ઘરમાં લાવીને બાંધ્યો. પછી હું તેને હેતમાં ને હેતમાં ચાટવા લાગી. હું ચાટતી ગઈ તેમ તેમ સુધી ઓગળતો ગયો ( ભડકતી, અનિમિષ નયને ) પછી આટલોક રહ્યો એટલે હું તેને ખાઈ ગઈ. હું ખાઈ ગઈ એમ સમજાયું તે સાથે જ મારાથી ચીસ પડાઈ ગઈ.

ચારુ૦ : બહુ વિચિત્ર સ્વપ્ન ! તું આવા ખોટા ખોટા વિચારો કરતી હઈશ તેથી તને આવાં સ્વપ્નાં આવે છે. અને પછી પાછી સ્વપ્નાંથી ભડકે છે. આવા કોઈ સ્વપ્નાથી તો લગ્ન બંધ નથી રાખ્યું ને !

સુશીલા : ( આ ઉક્તિ તપીને બોલે છે, અને બોલતી બોલતી તપતી જાય છે ) હું અને સુધી કરતાં હમેશાં તમે જ લગ્નનાં વધારે આગ્રહી છો. મને તું બેવકૂફ માને છે ? સ્વપ્નમાં જે ભયંકર વૃત્તિ દેખાઈ તે ખરેખર મારામાં છે એમ હું માનું છું માટે મેં લગ્ન બંધ કર્યા છે.

ચારુ૦ : એવું તે હોય !

સુશીલા : ( મશ્કરી ન સ્વીકારતાં ) અને એ વૃત્તિ મારામાં વારસાથી આવી છે. મારી બા પાસેથી.

ચારુ૦ : આ તે શી કલ્પના તારી સુશી !

સુશીલા : ના કલ્પના નથી, જો બતાવું.

[ સુશીલા ચારુ૦ને લઈ જાય છે અને ભાંગેલું બાવલું બતાવે છે. કકડો હાથમાં લઈ જુએ છે, ચારુ૦ને આપે છે. ]

ચારુ : અરરરર ! આ કોણે ભાંગ્યું !

સુશીલા : મારા બાપુ શાથી ગુજરી ગયા તું માને છે ? ( ચારુ૦ બોલવા જાય છે, તેનો હાથ પકડીને) મારી બાએ તેમનું ખૂન કર્યું હતું. એ બધું જે બન્યું હતું તે મારી બાએ કાલે બેશુદ્ધ અવસ્થામાં કર્યું ! તેને સાચે જ લાગ્યું કે એ મારા બાપુ છે. આટલાં વરસ વચમાં વહી ગયાં તેની તેને ખબર જ નથી.

ચારુ૦ : એ તો ગાંડપણમાં કર્યું હશે. તે સાચું મનાય ?

( બન્ને ખુરશીએ બેસે છે. કકડા ટેબલ પર મૂકે છે. )

સુશીલા : અને આ તો હજી હવે મને સમજાય છે. જો બાપુ કંઈક વાંચતા હોય તેવું બાવલું હતું. મારી બા રાત્રે એમ જ બોલી કે પરીક્ષાના પેપરો વાંચે છે. અને જુઓ. બરાબર એ વખતે પરીક્ષા થઈ રહી હતી. એમના મરણને લીધે પરીક્ષક બદલાવવા પડ્યા હતા એમ કેશવલાલ કાકાએ એક વાર કહ્યું હતું.

ચારુ૦ : ત્યારે તું મારા બાપુને જ શા માટે પૂછતી નથી ?

સુશીલા : તું હજી નથી સમજતી ? એ તો જ્યારે આ વાત નીકળે છે ત્યારે કંઈ પણ આડી વાત શરુ કરે છે. બાપુ શાથી મરી ગયા તે વાત નીકળતાં બાપુની વાતમાં અને બાની વાતમાં કેવો ફેર પડતો હતો?

ચારુ૦ : એ ગમે તેમ હોય. કદાચ માનો કે તારી બાને ભોળાનાથ કાકા સાથે અણબનાવ હશે. પણ તને તો સુધી સાથે દ્વેષ નથી. તું તો ઊલટી તેને ચહાય છે. કેમ ખરું કે નહિ ?

સુશીલા : પણ મારી બાને પણ બાપુ ઉપર ઘણી જ માયા હતી. તે તો મેં જોયું. એ માયાને લીધે જ એને બાપુ ઉપર દ્વેષ હતો. એ ભભૂકતાં એણે એવું કર્યું. સાચું કહું ? મારામાં પણ મને એવું દેખાય છે. પણ ચારુબહેન, ( તપતાં તપતાં ) તમે ફરી ફરીને અમને પરણાવવાને માટે જ જાણે બધું બોલતાં હો એમ દેખાય છે, તે મને અસહ્ય છે. હું કહું છું. અત્યારે જો સુધી હોય તે એમ ન કરે.

[ સુધીન્દ્ર પ્રવેશ કરે છે. ]

સુધીન્દ્ર : ‘સુધી હોય’ શા માટે ? આ સાચે જ છે.

ચારુ૦ : સો વરસનો થા ભાઈ, સંભારતાં જ તું આવ્યો.

સુધીન્દ્ર : કેમ મારા આયુષ્ય વિશે તમને શંકા પડી હતી કંઈ ?

ચારુ૦ : મને તો નહિ, પણ આ સુશીને જરૂર પડી હતી. તેને સ્વપ્ન આવ્યું કે તે તને ખાઈ ગઈ. તે ઉપરથી તેને વહેમ પડ્યો છે કે પોતામાં તને ખાઈ જવાની ગૂઢ વૃત્તિ છે. માટે તેણે પરણવાનું બંધ રાખ્યું છે.

સુધીન્દ્ર : પણ સાચે જ ખાઈ જવાનું મન નથી થયું ને ? સ્વપ્નનો વાંધો નહિ. એક બાઈને એવું સ્વપ્નું આવ્યું હતું કે જાણે તેણે છરીથી ચીરીને પોતાનો ધણી ખાધો, પણ તેનું કારણ એટલું જ હતું કે તે દિવસે તેણે કંઈક ચીરીને પોતાના ધણીને પીરસેલું હતું. સ્વપ્નામાં એમ બે વાતો વિલક્ષણ રીતે ભેગી થઈ જાય છે.

સુશીલા : ( તપીને, જરા ઉપડતે સાદે, ચારુ૦ને ) જુઓ તમે મશ્કરી ન કરો. ચારુબહેન, તમે ઊંધી વાત બોલ્યાં. સરખું કહો. મારો સ્વભાવ તો મેં ગઈ રાત્રે પારખ્યો. સ્વપ્ન તો પછી આવ્યું. બધી વાત તમે બરાબર કરો.

સુધીન્દ્ર : ખરેખર એવું સ્વપ્ન આવ્યું ?

સુશીલા : હા, સુધી ! હું તો રાક્ષસી છું. હવે મને સમજાય છે.

સુધીન્દ્ર : જો એ પણ કવિતા થઈ. જેમ ‘દેવી’ એ કવિતા તેમ ‘રાક્ષસી’ એ પણ કવિતા. ખરી વાત તું એમ નહિ કહી શકે.

[ દયા૦ આવી ચા અને બિસ્કીટ મૂકી જાય છે. આ પછીની વાતચીત ચા લેતાં લેતાં ચાલે છે. ] ચારુ૦ : સુશી ! તું જરા ખાતી થા, સવારની ભૂખી છે. હું વાત કરું છું. જુઓ સુધીભાઈ ! ગઈ રાતે પ્રભાવતી માસી અહીં આવ્યાં હતાં. તેમણે રાત્રે આ બાવલુ ભાંગી નાખ્યું. એટલું તો મને પણ સાચું લાગે છે કે તેમને જ હાથે ભોળાનાથ કાકાનું મહોત થયું હશે. હું કહું છું, પ્રભાવતી માસીનું ગમે તેમ હોય પણ સુશીલાને તેથી શું ?

સુશીલા : ( તપીને ) નહિ, ચારુબહેન જાણે લગ્ન કરાવવાને જ દલીલ કરતાં હોય એમ બોલે છે, તે મારાથી નથી ખમાતું !

સુધીન્દ્ર : પણ ત્યારે તમે પણ એમાં તપી શા માટે જાઓ છો ? તમારે તપવું હોય તો તમારા તાપથી આ ચા ગરમ રહેશે. તમે લડો અને હું વચમાં બેઠો બિસ્કીટ ખાધા કરીશ.

[ સુશીલા ખુરશી ઉપર આરામથી બેસે છે. અહીંથી વાતાવરણ આછું તંગ થતું જાય છે. ]

સુશીલા : લો ત્યારે નહિ તપું ! પણ મને તમે કહો કે આ વૃત્તિ એ સાચી છે કે ખોટી છે?

સુધીન્દ્ર : ત્યારે સાંભળો, મને આમાં કશું જ નવું નથી લાગતું. દરેક સ્ત્રીમાં પતિને ખાવાની ગૂઢ વૃત્તિ હોય છે.

સુશીલા : ( જરા ઉત્સાહથી ) સાચું કહો છો સુધીન્દ્ર ? ખાવાની એટલે શું ?

સુધીન્દ્ર : મને એને માટે ખાવા સિવાય બીજો શબ્દ નથી જડતો. મધમાખી ગર્ભાધાન કર્યા પછી નરમાખને ખાઈ જાય છે. બીજા કેટલાંક જંતુઓમાં પણ માદા એમ નરને ખાય છે. આપણે વધારે સૂક્ષ્મ જીવન ગાળીએ છીએ, એટલે આપણામાં સ્ત્રીઓ પુરુષનું સૂક્ષ્મ સ્વતંત્ર જીવન ખાઈ જાય છે. પુરુષ પોતાનું સ્વતંત્ર ધ્યેય છોડી, માત્ર તેનો પરિચારક થઈ રહે, એવી ગૂઢ ઈચ્છા દરેક સ્ત્રીમાં હોય છે.

ચારુ૦ : જૂના આદર્શ પ્રમાણે જેને પતિવ્રતા કહીએ તે પણ એવી હશે? જે સ્ત્રીને પતિ ઉપર પ્રેમ હોય તે પણ એમ કરે?

સુધીન્દ્ર : પ્રેમ એટલે શું એ જ હું તો સમજતો નથી;— પ્રેમ એટલે કદાચ એ ખાવાની વૃત્તિ. કોઇ સ્ત્રી, પુરુષને મારીને ખાય, કોઈ પૂજીને ખાય. અંગ્રેજો આપણને ખાય છે, તેમાં કેટલાક આપણને ધિક્કારીને ખાય છે, કેટલાક આપણને વખાણીને ખાય છે. કેટલાક જંગલી લોકો પશુને મારવા પહેલાં તેને પૂજે છે.

ચારુ૦ : પણ એ વૃત્તિ સુશીમાં છે?

સુધીન્દ્ર : એને જ પૂછ ને ?

ચારુ૦ : એ તો હા પાડે જ છે.

સુધીન્દ્ર : ત્યારે હું પણ હા પાડું છું.

[અહીંથી વાતાવરણ વધારે ઉલ્લાસમય થતું જાય છે.]

સુશીલા : તમે મારામાં એ જોઈ છે?

સુધીન્દ્ર : હાસ્તો ! તને પણ મિસ કામટની ઈર્ષ્યા આવે છે, એ એ જ વૃત્તિ છે. (સુશીલાથી જરા ચમકી જવાય છે.) તે દિવસે રેસમાં મારે તેની સાથે જોડી બંધાઈ, ત્યારથી તને એ ગમતી નથી.

સુશીલા : ( જરા વિચારીને, પછી જરા હસીને ) તદ્દન ખરું, સુધી ! તું શી રીતે જાણી ગયો ? તેના ઉપરને નંબરે પાસ થવું એ મારા મનનો મોટામાં મોટો નિશ્ચય હતો.

સુધીન્દ્ર : તમે ફર્સ્ટ ક્લાસ વિદ્યાર્થીઓ બધાં જ એવાં હો છો. જેમ સમાજના બૂર્ઝવા કરતાં કામગાર લોકો સારાં, તેમ વિદ્યાર્થીમાં ફર્સ્ટ ક્લાસ કરતાં સેકન્ડ ક્લાસ સારાં. કોઈ ફત્તેહમંદ થયેલા માણસોની ગણતરી કરે તો આ સાબીત થઈ જાય.

સુશીલા : લે રાખ હવે ! પણ હું ખાઈ જવાની છું એમ તું જાણતો હતો તો તું પરણવા શાને તૈયાર થયો ?

સુધીન્દ્ર : પણ હું તારાથી ખવાઈ જાઉં એવો માણસ નથી ને ! જે માણસને પોતાનું ધ્યેય હોય તે બીજામાં લેવાતો નથી. એવા પુરુષની સ્ત્રી પછી ફરિયાદ કરે છે કે મારો પુરુષ મને ચાહતો નથી ! અને એવી ફરિયાદમાંથી દંતકથા શરૂ થાય છે કે સ્ત્રી પ્રેમમૂર્તિ છે, અને પુરુષ પ્રેમનો બેકદર છે.

સુશીલા : ત્યારે કેટલાક પુરુષો પણ એમ શા માટે કહે છે?

સુધીન્દ્ર : જે પુરુષોને સ્ત્રી ખાવી હોય છે, તેઓ સ્ત્રીને પોતાના પાશમાં પકડવા આવાં વચનો કહે છે.

ચારુ૦ : વાહ સુધી ! તું તો કંઈ બોલ્યે જ જાય છે ! પુરુષો પણ સ્ત્રીને ખાય છે એમ?

સુશીલા : પ્રાણીઓના દાખલામાં તો માત્ર માદા જ નરને ખાતી હતી !

સુધીન્દ્ર : પ્રાણીઓમાં જો નર માદાને ખાય તો સૃષ્ટિ જ ન ચાલે. પણ્ માણસોમાં ખાવાની રીતો સૂક્ષ્મ થઈ એટલે બન્ને એકબીજાને ખાઈ શકે છે.

સુશીલા: તું તો આજે કંઈ ગપ્પે ચડ્યો છે !

ચારુ૦ : તું પણ ખાય એવો ખરો કે?

સુધીન્દ્ર : હા ! હું પણ એવો જ છું. આ જેને આપણે ચુંબન કહીએ છીએ તે શું છે? મૂળ તો એકબીજાને બચકાં ભરવાની એ ક્રિયા છે. માણસોએ તેને સૂક્ષ્મ બનાવતાં તેનું ચુંબન કર્યું. અને એ મનુષ્યભક્ષણવૃત્તિથી હું કેવળ નિર્દોષ હોઉં, તો પૂછો સુશીલાને.

[ સુશીલા ચારુ૦ની છાતીમાં મોં છુપાવી દે છે.]
 

ચારુ૦ : સુધી ! તું તો બહુ જ જંગલી છે. ન બોલ ત્યાં સુધી જાણે મોંમાં જીભ જ નથી, જાણે કોઈ મૂરખ મૂંજી બેઠો હોય, અને બોલવા માંડે ત્યાં ઘાસ પણ ન ઊગે એવુ બોલે. સુશીલા : ( ખુરશીમાં સ્વસ્થ બેસીને ) પણ તારે જરા જોવું તો હતું કે ચારુબહેન પાસે તું શું બોલે છે?

સુધીન્દ્ર : દોષ બધો તમારો છે, તમે પૂછો છો ને હું બોલું છું. દુનિયાંની કેટલીક વાતો ગુપ્ત રાખવાથી તે વધારે બગડે છે. માણસોને છે તે કરતાં હકીકતને પ્રકાશની વધારે જરૂર છે. દિવ્યતાની વાર્તા કરીએ તે કરતાં પોતાને એળખીએ તો વધારે સારું. મને તો એમ કે તમે બન્ને આ વાતો સમજો. (ચારુ૦ તરફ જોઈને ) તું પણ પરણવાની તો છે જ. અને આ સુશી મને નહિ, તો બીજા કોઈ — (સુશીલા એકદમ તેનું મોં દાબે છે. ચારુ૦ ટેબલ ઉપર ખુશાલીમાં વારાફરતી હાથ પછાડે છે. )

પડદો પડે છે.