દ્વિરેફની વાતો – ભાગ બીજો/બે મુલાકાતો
← દેવી કે રાક્ષસી | દ્વિરેફની વાતો – ભાગ બીજો બે મુલાકાતો રામનારાયણ પાઠક |
સુરદાસ → |
બે મુલાકાતો
જેલના મોટા દરવાજા બહાર અનેક સ્ત્રીપુરુષોષ પોતાના સ્વજનની મુલાકાત લેવા આવેલાં છે. અત્યંત ઉત્સુક નજરથી તે સર્વ, જાડા સળિયાથી અને અંદરના અંધારાથી લગભગ અપારદર્શક થઈ ગયેલા દરવાજાની અંદરના ભાગમાં નજર નાંખે છે. કોઈ દરવાજાની પાસે આમથી તેમ ફરે છે, કોઈ મેડી ઉપરની બારી તરફ જુએ છે, કોઈ રાહ જોવાના કંટાળાનો સમય કાઢવા જેલની અને જેલની બહારની વાતો કરે છે, જેને મળવા આવેલ છે તેનાં વખાણ કરે છે, કોઈ અમલદારોને શાપ આપે છે, કોઈ તેમના અન્યાયની કડવા શબ્દોમાં ફરિયાદો કરે છે, કોઈ કોઈ વાર પૈસાદારો મોટર કે ગાડીમાંથી ઊતરી કંડિયા લાવી અંદર ખબર આપે છે, ત્યારે એક ઝાડ નીચે લોટામાં પીવાનું પાણી ભરીને બેઠેલી, સાદાં ગામડિયાં લૂગડાં પહેરેલી ડોશી વારંવાર દરવાજા સામે જોતી વધારે દીન બનતી ન સંભળાય તેવા નિશ્વાસો નાંખે છે. પણ આ બહારનાં માણસોની લાગણીની જાણે જરા પણ પરવા કર્યા વિના જેલનું કામ ચાલે છે. બહારની મુક્ત હવા પણ
એકવાર અટકાયત વિના, એક વાર બંધાયા વિના, અંદર ન
જઈ શકે એ જ જેલનું મુખ્ય કામ હોય તેમ, બન્ને સામસામા
દરવાજા એક સાથે ઉઘાડા ન રહી જાય તેને માટે
સૌથી વધારે ધ્યાન અપાતું હતું. કોઈ વાર બહારનો
દરવાજો ખૂલતો પણ તે માત્ર અંદરના કેદીઓને
બહાર કામ ઉપર લઈ જવા અથવા બહારથી કામ કરી
આવેલા કેદીઓને અંદર લઈ જવાને. અને તે વખતે
પીળી ટોપીવાળા અભણ વૉર્ડરોની ‘ગિનતી'ની ધમાલ
એટલા ભાગમાં પસરી જતી. દર ક્ષણે ‘ગિનતી’ થતી, કેટલા
ગયા કેટલા આવ્યા કેટલા બાકી રહ્યા, તેના હિસાબની ભૂલ,
ભૂલની આશંકા, બહારનાની અને બાકીનાની ફરી ગિનતી,
કોઈ ઑફિસરના આવવા કે જવા વખતની, અનેક વાર મારી
મારીને બરાબર પઢાવી દીધેલી સલામો, અંદરના ચાલતા
પંખા, મોટેથી ઉચ્ચારાતા હુકમો અને તેને તેથી વધારે
મોટા જીકારથી આપેલો જવાબ, ટાઇપોનો ખડખડાટ એ
આડે ત્યાં અન્ય કોઈ વ્યાપારને અવકાશ નહોતો.
અંતે વિનાયકનું નામ બોલાયું એટલે એ ડોશી લોટો હાથમાં લઈ ઊભી થઈ. દરવાજાની ભારે જાળી એક પીળી ટોપીવાળાએ ઉઘાડી, ડોશી અંદર ગઈ, અને એ બારી પાછી ધીમે રહીને દેવાઈ ગઈ. ડોશીથી અજાણતાં એ દેવાતી બારી તરફ શંકાની નજરથી જોવાઈ ગયું. પીળી ટોપીવાળા વૉર્ડરે આ જોઈને દરવાજાની અંદરની એક ઓરડી બતાવતાં જેલની ભાષામાં કહ્યું “હ્યાં બેઠો.” જેમ જેલ સમાજની બહાર છે તેમ જેલની ભાષા પણ સમાજની બહાર છે.
ડોશી એ સામાન ભરેલા ઓરડાના બારણા તરફ જોતાં બેઠાં એટલામાં થોડી વારે જેલની વિધિ પ્રમાણે અંદરના દરવાજાની બારી ઉઘડી ને વિનાયક આવ્યો. જાણે તેના શરીરને પણ સળિયાની જાળીમાં જકડી લેવું હોય તેમ તેનાં પહેરણ અને ટૂંકી ચોરણી ઉપર કદરૂપી મોટી ચોકડીની ગળિયલ ભાત હતી. આ વિચિત્ર પહેરવેષ જોઈને તેની માથી એકવાર તો દબાયેલા સ્વરે “બાપુ વીનુ” એવી હાય નંખાઈ ગઈ. વીનુએ આશ્વાસનથી કહ્યું: “આવો બા ! હું મજામાં છું.”
“બાપુ તારું શરીર તો સારું છે ને!”
“હા, બા, મારી ફિકર કરશો નહિ.”
“તને ખાવાનું તો ફાવે છે ને!” ખવરાવવું પોષવું એ અનેક યુગોની સાધનાથી માતાના જીવનમાં જેટલું રહસ્યભૂત પવિત્ર અને ભવ્ય થયું છે તેટલું બીજા કોઈના જીવનમાં નથી થયું. પત્નીને પણ ‘ભોજ્યેષુ માતા’ થવું પડે છે.
“હા ! બા મને મજા પડે છે!”
“તને શું ખાવા મળે છે?”
“રોટલા દાળ શાક બધું મળે છે. અને સવારમાં કાંજી મળે છે તે તો એટલી સરસ હોય છે કે મને લાગે છે કે આપણે ઘેર પણ દાખલ કરવી જોઈએ.”
“મેં તો સાંભળ્યું કે રોટલામાં સરકાર સીમેન્ટ નંખાવે છે.” શરુઆતમાં રોટલામાં કાંકરી આવતી હતી તેનો લોકકલ્પનાએ આવો ખુલાસો કર્યો હતો.
“ના રે બા ! એવું હોય ? મારું તો અહીં વજન પણ વધ્યું છે.”
‘વજન’ શબ્દ આવ્યો એટલે આ વાતચીત ઉપર જે કારકુનને ચોકી રાખવા મૂક્યો હતો તે એકદમ એની નિદ્રામાંથી જાગૃત થઈ બોલી ઊઠ્યો: “વજનની વાત ન કરો.”
વિનાયકે કહ્યું: “પણ હું વજન ઘટ્યાની વાત નથી કરતો. વજન વધ્યાની તો વાત કરાય ને!” જેલના કારકુને હા પાડી. જેલમાં વજન વધ્યાની વાત થઈ શકે અને ઘટ્યાની ન થઈ શકે એ કાયદાના અમંગલ અર્થથી વીનુની મા ફફડી ઊઠી. મૂંઝવણમાં તેની વાત કરવાની શક્તિ કુંઠિત થઈ ગઈ અને તેણે શી શી વાતો કરવાનું નક્કી કર્યું હતું તે સંભારવા લાગી. વીનુએ કહ્યું: “કેમ બા, શો વિચાર કરો છો ?” તેની બાએ વિચાર કર્યા વિના જ પૂછ્યું: “તારે અહીં રહેવાનું કેવું છે ? ઓઢવાનું પૂરું મળે છે કે નહિ ?”
વીનુ “હા બા” પૂરું કહી રહે તે પહેલાં અધિકારીનો હુકમ છૂટ્યોઃ “જેલની કાઈ પણ વાત ન કરતા.”
વીનુ વિશેષ બોલવા જાય તે પહેલાં તેણે ઉમેર્યું: “તમે તકરારી છો. તમારી મુલાકાતનો વખત પૂરો થયો છે. ઊઠો.”
વીનુ અને તેની બા બન્ને ઊભાં થયાં. માતા પોતાના એકના એક દિકરાની આ હાડછેડથી તદ્દન દીન બની ગઈ હતી. હજી તેને દિકરાને મળવાની ઉત્કંઠા જરાએ પૂરી થઈ નહોતી. ઓરડીનાં પથિયાં પર આવતાં વીનુએ કહ્યું: “લ્યો બા હવે જાઓ.” પણ માતાની પ્રેમભરી દીન દૃષ્ટિથી તે એક તસુ પણ ચાલી શક્યો નહિ. અનેક રીતે મૂંઝાયેલી માતા કોઈ નિગૂઢ બળોથી પ્રેરાયેલી એકદમ વીનુને મોઢે ગાલે અને ગળે પંપાળવા માંડી. “લ્યો બા ત્યારે હવે તમે જાઓ” એમ વીનુ બોલતો રહ્યો અને “બેટા આવજે હો” એવું અર્થ વગરનું વાક્ય બોતાં બોલતાં માતાએ તેને કેટલીએ વાર પંપાળ્યા જ કર્યું. આ દેવોને દુર્લભ દૃશ્યથી કંઈક જેલનો કારકુન પણ પીગળ્યેા કે શું, ઘણીવાર સુધી, ગાય વાછરડાને ચાટે તેમ, માતા પુત્રને પંપાળતી રહી. થોડીવારે કંઈક તૃપ્તિ થઈ હોય તેમ પંપાળતી રહી જઈ, વર્તમાન સ્થિતિ સમજી વીનુથી જુદાં પડતાં તેણે કહ્યું: “બેટા આવતે વખતે દિવાળીને લેતી આવું ? તેને બહુ જ મન છે.” વીનુએ માતાને આ વિચિત્ર સ્થિતિમાં જેમ પંપાળવા દીધું હતું તે જ અધીનત્વથી તેણે હા પાડી દીધી. “બાપુ જાળવીને રહેજે ” કહી માતા ચાલી ગઈ. બારણા આગળ તેને બારી ઉઘાડી આપી નહિ તેથી તે ઊભી રહી. સામેની બારીમાંથી વીનુને બહાર કાઢતા હતા એટલે તેને રોકી હતી. આ કાયદાથી ફરી માએ દિકરાને જોયો. દિવાળીને આવવાની રજા આપી એ ડહાપણું કર્યું કે નહિ તેના વિચારમાં વીનુ નીચે જોઈ ચાલતો હતો, માતા તે સમજી પણ ખરી, પણ દિવાળીને લાવી શકાશે તેના ઉત્સાહમાં ચાલી ગઈ.
ગરીબ બિચારો વીનુ ! ત્રણ વરસ ઉપર માના વાત્સલ્ય ભર્યા હઠ આગળ તે પીગળી ગયો હતો તેમ તે આ વખતે બીજી વાર પીગળ્યો અને તેણે પોતાની પત્નીને મુલાકાતે આવવા દેવાની હા પાડી ! તે મુંબઈ યુનિવર્સિટીનો ગ્રૅજ્યુએટ હતો. પૈસે ટકે સાધારણ હતો. તેને નાનો મૂકીને તેનો પિતા દેવલોક પામ્યો હતો અને માતાએ કેટકેટલી આશાએ તેને ઉછેર્યો હતો. પણ એટલા માટે તેને ગરીબ બિચારો કહેવા જેવું નહોતું. આ બધું તેણે સ્વાભાવિક રીતે જ સહન કર્યું હતું, ઊલટું, આ મુશ્કેલીઓએ તે તેનું ચારિત્ર ઘડ્યું હતું, તેને મજબૂત, મહત્ત્વાકાંક્ષી અને દૃઢ મનનો બનાવ્યો હતો. પણ છેલ્લાં થોડાં વરસથી તેના જીવનને અને મનને સોંસરું વીંધી એક શલ્ય પીડતું હતું અને તે જે જાણતો હોય તેનાથી તે યાદ આવતાં જરૂર ‘ગરીબ બિચારો વીનુ’ એમ કહેવાઈ જાય !
નાનપણથી માદિકરાને સારું બનતું. મા દિકરાને મોટો સુખી અને શક્તિશાળી જોવા ઇચ્છતી અને હજી સુધી દિકરાએ માતાને કશામાં નિરાશ કરી નહોતી. પણ જુવાન વયમાં અને તે સાથે કૉલેજમાં પ્રવેશ કરતાં તેના મહેચ્છાના વિચારો જેમ અનેક વિષયામાં વળ્યા, પ્રસર્યા, તેમ લગ્ન તરફ પણ વળ્યા. તેને પોતાને જાહેર જિંદગીમાં ઝુકાવવાનો શોખ થતો જતો હતો, તે સાથે તેને પોતાની ચર્યામાં સહકાર આપે, તેના અર્ધાંગને દીપાવે, અને રસથી તેનો થાક ઉતારે, તેની મહેચ્છા પાર પાડવામાં ઉત્સાહ આપે, એવી એક પત્નીની પણ ઝાંખી કલ્પના થતી જતી હતી. જુવાનની કલ્પના અનુભવહીન, પોકળ હોય છે. વિનાયકને પોતાની આદર્શભૂત સ્ત્રી જેમ સ્થૂલ શરીરે કેવી હોય તેનો ખ્યાલ નહોતો, તેમ કયા વિશેષ ગુણોથી પત્ની તેને એવો સહચાર આપી શકશે તેનો પણ ખ્યાલ નહોતો, માત્ર તે પોતાની પત્ની પોતાની મેળે પસંદ કરવાનું ઇચ્છતો હતો — જો કે પત્ની કેમ પસંદ કરવી તે પણ જાણતો નહોતો.
વીનુની માતા જેમ વીનુને ભણવાની સગવડ કરી આપતી, તેનાં કપડાંની, ખાવાની સગવડ કરી આપતી, તેમ જ વીનુ જુવાન થતો લાગ્યો કે તરત જ તેણે વીનુને માટે કન્યાની શોધ કરવા માંડી. આવી બાબતમાં દિકરાને પૂછવાની કે તેની ઇચ્છા જાણવાની જરૂર હોય એવો તેને તર્ક પણ ન આવ્યો. નાતની એક સારા કુટુંબની થોડું ગુજરાતી ભણેલી છોકરીની સાથે તેણે સગાઈ કરી દીધી, વીનુ કૉલેજમાં હતો ને જ સગાઈ વજવી દીધી અને વીનુ ઘેર આવ્યો ત્યારે તેને કંસાર જમાડતાં આ વાત કરી.
વિશ્વાસથી ચાલતાં કાંટો ભોંકાય ને માણસ ચમકે તેમ વીનુએ ચમકી કહ્યું: “પણ મને પૂછવું તો હતું.”
ચતુર માતા કારણ સમજી નહિ પણ એટલું તો સમજી કે વીનુને અત્યંત દુ:ખ થયું છે. તેણે વહુનાં થોડાં વખાણ કરી જોયાં, તેને એણે જોઈ છે એમ યાદ આપ્યું, પણ કશાથી વીનુને કળ વળતી નથી એમ જાણી, તે વખતે વાતને ખાઈ ગઈ. રજાઓમાં ફરી એ વાત કાઢી નહિ. વીનુ ઘણું મૂંઝાયો પણ શું કરવું તેનો રસ્તો નહિ જડવાથી તેણે પણ ફરી એ વાત ઉચ્ચારી નહિ.
માણસ અણગમતી વસ્તુનો નિકાલ લાવતાં જાણે ડરે છે અને તેથી નિકાલની મુદ્દત પાડ્યા કરે છે. પણ સમજતો નથી કે વખત તેના ગેરલાભમાં વહે છે. એક વરસ પછી રજાઓમાં કન્યાના પિતાએ લગ્ન લીધાં ત્યારે તેણે જોયું કે પરિસ્થિતિ એટલે સુધી પહોંચી છે કે તેની સામે તે એક પણ પગલાનો વિચાર કરી શકે નહિ. છેવટે મૂંઝાઈને તેણે માતાને કહ્યું : “મારે નથી પરણાવું.”
“પણ બેટા, હવે તો દસ જ વરધો બાકી રહી છે. કંકોતરીઓ લખાઈ ગઈ છે. વડીપાપડ થઈ ગયા છે. હવે ના ન પડાય."
વીનુ માની સામે માત્ર ફરી એ જ નકાર બોલવા ઉપરાંત કાંઈ કહી શક્યો નહિ.
માતાએ સાચી સરલતાથી તેને ફેરવી ફેરવીને પૂછ્યું: “ત્યારે તારે કોને પરણવું છે ? શું નથી જ પરણવું? આ વિવાહમાં શું ખોટું છે ?” પણ તેને આ પ્રશ્નો નીચે રહેલ માનસ અને પોતાની વિચાર કરવાની પદ્ધતિમાં એવડો મોટો ફરક લાગ્યો કે તે કશાનો જ ઉત્તર આપી શક્યો નહિ, ખરી રીતે આ બધા સવાલોના ઉત્તરો તેની પાસે હતા પણ નહિ. તેને તો માત્ર પોતાની પસંદ કરેલી સ્ત્રીને પરણવું હતું અને એ ઉત્તર તે આપી શકે તેમ નહોતો, આપે તો પણ તેની મા તે સમજી શકે તેમ નહોતી એ તે જાણતો હતો.
છેક પરણવાના દિવસ સુધી તેણે ના પાડ્યા કરી અને બીજી બાજુ પરણવાને માટે જ જાણે આખી સૃષ્ટિ કામ કરી રહી હોય એમ તેને લાગતું હતું. છેવટને દિવસે માતાએ વાત્સલ્યથી દિકરાને હાથ ફેરવીને કહ્યું: “મારા સમ જો બોલે તો. આટલું માની જા. જો મારા દિકરા મીંઢળ બાંધવા દે.” વીનુ નાનો હતો અને તેને બહાર રમવા જવાનું ઘણું જ મન હોય, પણ ‘જા મારા દિકરા, જરા તપેલું લઈ આવ તો’ એમ તેની મા કહે, અને રમવાની વૃત્તિ જરા રોકી તે તપેલું લઈ આવતો, તેમ જ, તે જ અધીનતાથી તેણે મીંઢળ બંધાવ્યું અને ત્રણ દિવસમાં તો લગ્ન થઈ ગયાં !
માણસ ઘણીવાર લાંબા ચાલતા બનાવનું માત્ર મુખ દેખી શકે છે, આખો બનાવ દેખી શકતો નથી. માણસ સ્થલમાં જેટલું લાંબું જોઈ શકે છે તેટલું પણ કાલમાં જોઈ શકતો નથી. પરણી રહ્યા પછી જ વીનુને સમજાયું કે લગ્ન, બે ત્રણ દિવસ, મા કે બ્રાહ્મણ કહે તેટલું કરી લઈ છૂટી જવાનો બનાવ નથી, પણ જિંદગીભર ચાલતો બનાવ છે. અને એ તેને સમજાતું ગયું તેમ તેમ તેની મૂંઝવણ વધતી ગઈ. આ મૂંઝવણથી તેને પત્નીનું દર્શન પણ અકારું થઈ ગયું, દિવાળી નામ પણ તેને જૂનવાણી લાગ્યું, પોતે કરેલા કાર્યના પરિણામે, તેને પત્ની તરફ કાંઈ કર્તવ્ય કે ફરજ છે એમ તેનું મન જ ન માની શક્યું. અને આ સઘળી કફોડી સ્થિતિના કારણરૂપ તેની મા તરફ તેને ધીમે ધીમે કંટાળો આવતો ગયો. તે પોતે સમજી શક્યો કે તેનો મા તરફનો પ્રેમ ઘટતો જતો હતો, તે ઘણી વાર કેવળ કર્તવ્યબુદ્ધિથી માની સાથે વર્તતો હતો. આથી તેને દુ:ખ થતું હતું પણ મા તરફનો જૂનો પ્રેમ પાછો આવતો નહોતો. બન્ને વચ્ચે જાણે કાઈ અદૃશ્ય પડદો આવી ધીમે ધીમે વધારે ને વધારે અપારદર્શક થતો જતો તેને લાગતો હતો. જેમ નજીક નજીકનાં બે ઘરો વચ્ચે ધીમે ધીમે વાંધુ પડે, તે ઊંડું ને ઊડું ઊતરતું જાય, અને બન્ને ઘર એક બીજાને દુરાસાદ્ય અને છેવટ અનાસાદ્ય થઈ જાય, તેમ બન્ને વચ્ચે અંતર વધતું જતું હતું. કોઈનો પણ દોષ ન હોય છતાં જાણે સર્વને માઠું લાગ્યું હોય, સર્વ અપ્રસન્ન હોય, કોઈને ખબર ન હોય એવા કોઈ બનાવથી જાણે બધાં દુઃખી હોય તેમ આ ઘરનો વ્યવહાર ચાલવા માંડ્યો.
વીનુ બી.એ. થયો, નોકરીને માટે તે કંઈક વિચાર કરે એટલામાં ગાંધીજીએ મીઠાની કૂચ કરી અને આખો દેશ ખળભળી ઊઠ્યો. વીનુએ આ જંગમાં તરત ઝુકાવ્યું. કુટુંબનો ભાર આટલે વરસે ઉતારી દિકરાની કમાણીનો ટેકો લેવાનો વખત આવ્યો ત્યારે જ વીનુએ ઘરનો ત્યાગ કર્યો તેથી માતાને ઘણું માઠું લાગ્યું, પણ તે અજ્ઞાત રીતે જાણી ગઈ હતી કે વીનુને સમજાવી શકાશે નહિ.
જેલની પ્રથમ મુલાકાતે, એ અમાનુષ વાતાવરણમાં વીનુની માતાનું વાત્સલ્ય ફરી એક વાર પ્રગટી ઊઠ્યું, અને વીનુ પણ તેમાં અધીન થઈ નાહ્યો. બે વરસ ઉપર તેણે જેમ વિચાર્યા વિના મીંઢળ બંધાવવાની હા પાડી હતી, તેમ તેણે ફરીવાર દિવાળીને મુલાકાતે આવવાની રજા આપી.
વીનુની વહુ તરફની ઉદાસીનતાથી માતાને વહુ તરફ અત્યંત વહાલ રહેતું હતું. જેલમાંથી મળવા જવાની વીનુએ આપેલ રજાથી કંઈક ઉત્સાહમાં બન્ને પાછાં ઘરનું કામ કરવા લાગ્યાં.
એક દિવસ બપોરના વીનુના ગામમાં એક અપૂર્વ બનાવ બન્યો. વીનુના ઘર આગળ થોડે દૂર ‘ઇનકિલાબ ઝિન્દાબાદ’ની બૂમો ઘણા જ ઝનુનથી બોલાતી સંભળાવા લાગી. દિવાળીને પતિ કેદમાં ગયા પછી, આ હીલચાલ અને તેમાં ભાગ લેતી વ્યક્તિઓ તરફ, સ્વાભાવિક કૌતુક થયું હતું. શેરી ઉપર પડતી અગાસીએ તે જોવા ગઈ. એક યુવાનોનું ટોળું આ બૂમો પાડતું પાડતું ઘર તરફ આવતું તેણે જોયું. ટોળામાં સૌથી આગળ એક યુવાન મોટા વાંસડા ઉપર ત્રિરંગી વાવટો
લઈ ચાલતો હતો. હવે બૂમો બંધ કરી બધા યુવાનોએ ગાયું: ઝંડા ઊંચા રહે હમારા !
દિવાળી જોતી હતી. એટલામાં બીજી તરફથી પોલીસનું ધાડું આવ્યું. જાણે કોઈ ગયા ભવનું વેર હોય તેમ તેણે યુવાનો ઉપર ઘસારો કર્યો. સૌથી પહેલો ફટકો ઝંડો લઈ ચાલનાર પર પડ્યો, પણ તે મજબૂત અખાડિયાએ હાથમાંથી વાંસડો છોડ્યો નહિ. જ્યારે વાંસડો ઝાલી રાખવો પણ અશક્ય થયો ત્યારે તેણે બીજા અખાડિયાને આપ્યો. હવે પોલીસોએ જાણે એ જ મુખ્ય ધ્યેય હોય તેમ ઝંડાધારીને મારવા માંડ્યું. આંખ કરે તેટલામાં એક સામટા વાર પોલીસ એક કબૂલ પણ ન કરે તેટલામાં એક સામતા ત્રણ ચાર પોલીસ એક પર ચડી જતા. તે ઝંડાધારી અશક્ત બનતાં બીજાને ઝંડો આપતો એટલે ફરી મકલાતા મકલાતા, ગાળોદ્વારા વિજય દર્શાવતા તે બીજા પર ચડી જતા. થોડી જ વારમાં એક પછી એક ઘણા જવાનો પડ્યા. હવે માત્ર એકાદ જ બાકી રહ્યો હશે. પોલીસો આ છેવટનો વિજય નજીક જોઈ ઉત્સાહથી ગાળો દેતા માર મારતા હતા. એટલામાં આ ચમત્કારહીન જમાનામાં જાણે ચમત્કાર બનતો હોય તેમ, ઝંડો એકદમ ઉપર ચાલ્યો ગયો. થોડી વાર તો સૌ પોલીસ આભા જ બની ગયા. પછી જ તેમણે જાણ્યું કે વિજય તસુપૂર પણ છેટો નહોતો એટલામાં અગાસી ઉપર ઉભેલી બાઈએ ઝંડો લઈ લીધો હતો. કોણ જાણે દિવાળાને એ એકદમ કેમ સૂઝ્યું, એ ઝંડાવાળો પણ કશી પણ નિશાની વિના કેમ સમજી ગયો, અને દિવાળીએ ઝંડો ઉપર ખેંચી લીધો ! અગાસી ઉપર તેને ઝાલીને ઊભી રહી ! માર ખાધેલા યુવાનો એકદમ ઉત્સાહમાં આવી ગયા અને તેમણે લોહી નીતરતે અને મારથી ખોખરે થયેલે અવાજે પણ ઝંડા સામે હાથ ઊંચા કરી
ઝંડા ઊંચા રહે હમારા !
ફરી ગાયું, પોલીસ હવે નિરુપાય થઈ ગઈ. દિવાળીને ગાળો ભાંડીને અને એક બેને જરા વધારે ‘ચખાડી’ને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા, અદૃશ્ય થઈ ગયા. કોઈ લશ્કર કિલ્લો સર કરે એટલો હર્ષ ત્યાં વ્યાપી ગયો.
કોઈ રાજ્યપ્રકરણનો ‘વેદાન્તી’ વિચારે કે એક નિરર્થક વાવટા માટે આ માર ખાવાનો શો અર્થ ! પણ આમ અનેક માણસોએ માર ખાવાથી वन्दे मातरम् ગીત રાષ્ટ્રગીત બન્યું છે, અને એ જ પ્રમાણે અત્યારે આ ત્રિરંગી વાવटो રાષ્ટ્રધ્વજ બને છે. અને એ બધાથી રાષ્ટ્રભાવ ઘડાય છે.
પોલીસ ગયા જોઈ દિવાળીએ ધ્વજ પાછો આપવા માંડ્યો પણ સ્વયંસેવકોએ એ ધ્વજ ત્યાં જ રાખવા કહ્યું. દિવાળીએ સાસુને બોલાવી. તે સર્વ હકીકત જાણી ચકિત થઈ ગઈ. સ્વયંસેવકોએ વીનુભાઈની ખાતર વાવટો રાખવા કહ્યું અને માતાએ કબૂલ કર્યું. અગાસીમાં એક ઠીંકરાની કાણી કોઠી પડી હતી તેમાં છોકરાંએ ધૂળ ઢેફાં નાખી એ વાવટો ખોડ્યો. આખા ગામમાં સૌથી ઊંચો વાવટો વીનુના ઘર પર ફરકવા લાગ્યો અને દિવાળીને સૌ ઝંડાવાળી દિવાળી કહી ઓળખવા લાગ્યું.
કેટલીક ક્રિયામાં પોતામાં કશી બહાદુરી હોતી નથી પણ તેથી માણસમાં બહાદુરી આવે છે. દિવાળીએ વાવટો ઊંચો લઈ લીધો તેમાં બહાદુરી કરી નહોતી પણ તેથી તે બહાદુર બની, અને તેનાથી આખા ગામની સ્ત્રીઓમાં નવી બહાદુરી આવી.
એક દિવસ દિવાળી સવારમાં પાણી ભરવા જતી હતી ત્યાં તેણે ભાગાળે એક ગાડી અને તેની આસપાસ કેટલાક ખાદીધારી સ્વયંસેવકો જોયા. સ્વાભાવિક કૃતૂહલથી તે જરા રસ્તો મરડી ગાડી પાસે ગઈ. ત્યાં બીજી દિશાથી એક સ્વયંસેવક મારતી બાઇસિકલે આવ્યો, નીચે ઊતર્યો અને હાંફતો હાંફતો કહેવા લાગ્યો કે પોલીસને આપણા મીઠાની ખબર પડી ગઈ છે. બધા સ્વયંસેવકો મૂંઝાવા લાગ્યા કારણકે તેમણે અહીંથી બે ગાઉ દૂર એક ગામમાં મીઠું પહોંચાડી ત્યાં જાહેર રીતે વેચવાની લડત આપવાનું નક્કી કર્યું હતું. સ્વયંસેવકો અંદર અંદર વાતો કરવા લાગ્યા કે ગામમાં ક્યાંઈ મીઠું રખાય એટલું ઓળખાણ પણ નહોતું. દિવાળીને તરતબુદ્ધિ સુઝી અને તેણે કહ્યું કે મારા બેઢામાં ભરી આપો. પાણી ભરવા જતી બધી પાણિયારીઓને તેણે અટકાવી અને મીઠું વહેવાનું કહ્યું. બધી સ્ત્રીઓએ મીઠું સારવા માંડ્યું. એ પાણીશેરડો ઘડીભર મીઠાશેરડો બની ગયો. તળાવની પાળ ઉપર એક સ્વયંસેવકને ધ્યાન રાખવા ઊભો રાખ્યો હતો. લગભગ ગાડી ખાલી થઈ ત્યાં સ્વયંસેવકે નિશાની કરી. સ્ત્રીઓ ત્યાંથી ખસી ગઈ, કેટલીક ગામ તરફ અને કેટલીક કુવા તરફ ગઈ. સ્વયંસેવકોએ, પોલીસને ખોટી દિશાએ ચડાવવા, ગાડી ગામ બહાર ગમે તે મારગે દોડાવી, અને રસ્તામાં જ ગમે ત્યાં થોડું મીઠું વેરી નાંખ્યું. પોલીસોનાં ઘોડાં તેની પાછળ દોડ્યાં. થોડે જઈ તેને પકડી પાડી ઊભું રાખ્યું પણ ગાડીમાં મીઠું મળ્યું નહિ, ગામમાં આવ્યા પણ કશી ભાળ મળી નહિ. પોલીસો નિરાશ થઈ પાછા ગયા.
હવે ઝંડાવાળી દિવાળીની ખ્યાતિ ગામ બહાર પણ ગઈ.
આ ગામના તાલુકાના મુખ્ય શહેરમાંથી સરકારે અત્યારે ઘણાખરા કાર્યકર્તાઓને પકડી લીધા હતા. બીજા તાલુકાઓમાં કોઈ કોઈ જગાએ સ્ત્રીઓની નીમણૂક હવે ‘સરદાર’ તરીકે થતી હતી. ઝંડાવાળી દિવાળીની ખ્યાતિ એટલી થઈ હતી કે તેને હવે તાલુકાની સરદાર નીમી. તેને, નિમાતી વખતે તો, શું કામ કરવું પડશે તેની ગમ નહોતી પણ ધીમે ધીમે તેને બધું સમજાયું, અને થોડા વખત પછી તો તે પોતે લડતનો કાર્યક્રમ ઘડવા માંડી. તેણે ખાદીનું ખાતું ખોલ્યું, દારૂ અને પદેશી કાપડના પહેરા ગોઠવ્યા, વાનરસૈન્યની વ્યવસ્થા કરી, પ્રભાતફેરી અને સરઘસ નિયમિત કર્યાં, અને પોતે જેલ જવા તૈયાર રહી ઘણાને તૈયાર કર્યા અને મોકલ્યા. હવે તો તેનું નામ વર્તમાનપત્રોમાં પણ આવતું થયું હતું.
વીનુની મુલાકાતનો વખત થયો ત્યારે તે પેાતાની સાસુ સાથે જેલમાં ગઈ. જેલની વિધિ પ્રમાણે તેમને દાખલ કરીને અંદર બેસાડ્યાં. થોડીવારે વીનુ આવ્યો. તેણે માતાની પાસે કેસરી ખાદીની સાડીમાં કંઈક પ્રગલ્ભ રીતે ખુલ્લે મોઢે બેઠેલી દિવાળી જોઈ, પણ તે તરફથી આંખ ખસેડી તેણે બાના કુશળ સમાચાર પૂછ્યા, અને પોતાના કહ્યા. આટલા માસના અસહકારીઓના સહવાસથી જેલના અધિકારીઓમાં કંઈક માણસાઈની મૃદુતા આવી હતી. આ વખતે અધિકારીઓની ડખલ નહોતી, પણ દિવાળીને જોઈને વીનુ જરા ઠંડો થઈને બેઠો.
પણ પંદરેક દિવસમાં વીનુ ઘેર આવવાનો છે એ અપેક્ષાએ તેની માતા વધારે ઉત્સાહમાં હતી. તેણે વીનુને કહેવા માંડ્યું કે તું ઘેર આવીશ ત્યારે ઘર ઉપર મોટો ઝંડો ફરકતો જોઈશ.
“એમ કે ? સારું કર્યું બા !” વીનુએ કૃત્રિમ હર્ષ બતાવ્યો.
“પણ જો હવે તું ઘેર આવે ત્યારે દિવાળીએ થોડા દિવસ આપણે ઘેર રહેવા આવે એમ તું ન કહે ?”
“બા, એ તો એનાં માબાપને ફાવે તેમ કરે.”
“માબાપને ત્યાં ક્યાં છે ? એ તો ભામણા ગામમાં છે ને દેશનું કામ કરવા હવે ત્યાં જ રહે છે. ત્યાંની સરદાર થઈ છે!”
“ભામણામાં ઝંડાવાળી દિવાળી સરદાર થઈ છે તે આ દિવાળી ?” વીનુએ જિંદગીમાં પહેલી જ વાર દિવાળી સામું જોયું.
“હા, હા. એની કેસરી સાડી નથી જોતો ?”
“અરે શાબાશ રે શાબાશ.” વીનુએ વેગમાં આવી જઈ કહ્યું અને ઘણા જ જોરથી દિવાળીનો બરડો થાબડ્યો જિંદગીમાં દિવાળીને આ પતિનો પહેલો જ સ્પર્શ હતો. આ આટલી વિચિત્ર જગાએ, લોકોના દેખતાં, સાસુના દેખતાં, પતિએ બતાવેલા ઉમળકાથી તેનું મોં શરમ આનંદ અને સૌભાગ્યના ઓચિંતા ભાનમાં લાલ થઈ ગયું. વીનુએ પહેલી જ વાર જોયું કે દિવાળો જરા ભીને વાન હતી પણ તેજસ્વી અને સુંદર હતી. “આ ઝંડાવાળી દિવાળી તે તું ? અહીં ભામણાથી જગદીશ આવ્યો હતો તે તારી વાત કરતો હતો, પણ મને શી ખબર તું હઇશ. તને ઝંડાવાળી શાથી કહે છે?” વીનુએ માને નહિં પૂછતાં પત્નીને સીધું જ પૂછ્યું. માતા તેના સામું જોઈ રહી. આ પ્રશ્ન પૂછતાં વીનુની શી આંખો, શો હર્ષ, શો ઉત્સાહ ! જાણે કેટલાંએ વર્ષથી, મહત્ત્વાકાંક્ષા, ઉત્સાહ, કોઈ પણ નિર્દિષ્ટ પાત્ર વિનાનો પત્નીપ્રેમ, સંઘરી રાખેલો, એકદમ ધરતી ફાડી સેર ફૂટે એમ ફૂટી નીકળતો તેણે જોયો — તે જોઈ જ રહી !
દિવાળી હવે સ્વસ્થ થઈ હતી. એક સૈનિક સાથે વાત કરતી હોય તેમ “એમાં તે કાંઈ મોટી વાત નથી” એમ કહી બધું વૃત્તાંત કહ્યું.
“અને પેલું મીઠું લઈ આવી’તી એ ય કહેને !” માતાએ વચમાં ઉમેર્યું.
હવે વાતચીતના પહેરેગીરને માટે આ વધારે પડતું થઈ ગયું. તેણે કહ્યું: “મીઠાની વાત ન કરો.”
જરા પણ ડઘાયા વિના દિવાળીએ ચલાવ્યું: “અમે પાણી ભરવા ગયાં’તાં. ત્યાં ઊતરવડથી માલની ગાડી આવી’તી. ગામમાં માલ ક્યાં રાખવો તેની ગાડાધણીઓ ચિંતા કરતા હતા. ઉપર તોફાન ઝઝૂમી રહ્યું હતું. જો વરસે તો બધો માલ બગડે એમ હતું. એટલે હું, નગરશેઠની દિકરી વંજી, ને આપણી પાડોશણ રસિકા, ને ગોરની ડાહી અમે બધાંએ બેઢે બેઢે સાર સાર કર્યું.”
વીનુ, પત્નીની આ કહેવાની ખુબીથી, તરતબુદ્ધિથી પ્રાગલ્ભ્યથી ખુશ થયો અને વળી શાબાશી આપી.
વાત સારી પેઠે થઈ પણ તેમાં મુખ્ય વાતો કરનારાં હવે વીનુ અને દિવાળી હતાં. ઘણીવારે વીનુએ જ કહ્યું: “લ્યો હવે જાઓ. સમય પૂરો થઈ ગયો છે.” સાસુ વહુ ઊઠ્યાં. સાસુ અતિ વહાલથી વહુના ખભા પર હાથ મૂકી ચાલવા માંડી. બારી પાસે આવીને બન્ને ઊભાં રહ્યાં. એ વૉર્ડરો, પોલીસો, બીજા અનેક મુલાકાત માટે આવેલા કેદીઓ, બધાના દેખતાં દિવાળીએ જરા પણ શરમ વિના ઈન્તેઝાર આંખોથી વીનુ સામે જોયું. વીનુ પણ જોઈ રહ્યો. જેલમાં એવી શરમને સ્થાન નથી. અને માતાના ‘સાચવીને રહેજે’ એ શબ્દોથી વધારે, એ મૂક આંખો કહેતી હતી. વીનુ બારી ટપીને અંદર ગયો ત્યારે જ એ આંખોની મુલાકાત બંધ પડી.