નંદબત્રીશી
નંદબત્રીશી શામળ |
સામળભટ
શ્રી શારદાને નમાવું શિષ, આરાધું ઉમયાપતિ ઈશ;
શ્રી ગણપતિના પૂજું પાય, જેથી કામ સકલ સિદ્ધ થાય. ૧
શ્રી ગણપતિ ને શ્રી રણછોડ, આરાધું બેહૂ કરજોડ;
બટુકનાથ મોટો મહારાજ, લક્ષવસા એ રાખે લાજ. ૨
નોધારાની વહારે ચઢે, સંકટ સમયે આવી અડે;
બહુચર માતની કરુણા ઘણી, કહું કથા નંદબતરીશીતણી. ૩
કવિતા સહૂતણો પરતાપ, ભૂલચૂક સહુ કરજો માફ;
બ્રાહ્મણ ભાટ ચારણ સહુ વરણ, વંદુ શ્રી હરિકેરાં ચરણ. ૪
પદબંધ ચાતુરી લિલાવિલાસ, કહે કરજોડી સામળદાસ.
દોહરા.
પશ્ચિમ દિશાએ નન્દનગર, નન્દસેન રાજાન;
રાજ્યકાજ અધિકાર છે, વૈલોચન પરધાન. ૫
તે રાજા ઘણો શિળગુણી, ભોજસમો દાતાર;
કોકસમાને રુપ છે, કામતણો અવતાર. ૬
સકલશાસ્ત્ર જાણે જુક્તિસું, ચતુર શિરોમણિ સ્હોય;
હંસાનગર નાટક વિષે, નહિ સમોવડ કોય. ૭
મહાભક્ત ભગવાનનો, કામ સમાને રુપ;
અવિદ્યા એકે નહીં, શિલવંત ભડ ભૂપ. ૮
મદ પ્રમાણે મલપતો, છે ઈશ્વર સમ તેજ;
પરજા પાળે પ્રીતશું, સહુથી રાખે હેજ. ૯
દાન દયા કરે ઘણું, લાયક સકલ શુભ ધામ;
ધીરે વીર કવિ ચાતુરી, કરે પરમારથ કામ. ૧૦
સ્ત્રી સેવે ભલી ભાતશું, ચતુર શિરોમણિ હોય;
સહુ નાયક નાટક વિષે, નહીં સમોવડ કોય. ૧૧
પ્રતાપવંત પ્રધાન છે, રાજ્યતણો સૌભાર;
અષ્ટાદશ સહુ વર્ણ જે, દક્ષ અને દાતાર. ૧૨
નગર અતિ રળિયામણું, ઈંદ્ર પુરી નિર્વાણ;
રાજ પંડિત પ્રધાન સૌ, નીતિ સકલના જાણ. ૧૩
ઘેર ઘેર મંડપ દ્રાક્ષના, વારુ એલચી વન;
પાન ફોફળ લીલા ઘણી, કદલી આમ્રનાં વન. ૧૪
કમળ ખીલ્યાં સરોવર વિષે, બોલો ચાતક મોર;
વેલ ફૂલી વાડિયો ભલી, શુક મેના ચકોર. ૧૫
ઘેર ઘેર દદામાં ગડગડે, ઓચ્છવ અધિકો હોય;
વર્ણવ કરીએ કેટલાં, સાચું કહુંછું સોય. ૧૬
રામરાજ સરીખડું, કોઇને ન ગાજે કોય;
રાજા અને રંકજન, ધર્મ રાજે સૌ સ્હોય. ૧૭
ભાર અઢાર ફળે સદા, સુખ પામે સહુ લોક;
વ્યાધિ રોગ વ્યાપે નહિ, નહિ સંકટ નહિ શોક. ૧૮
ચોપાઈ.
એક સમે પોતે રાજન, મહિપતિયે વિચારવું મન:
તેહ સમે ગઈ છે મધરાત, રાય વિચારે હૃદિયા સાથ. ૧૯
બધા નગરની ચર્ચા જોઊં, મારા મનનો સંદેહ ખોઊં;
અનેક વાત તે કેમ બોલાય, ન્યાય અન્યાય કેવો તોળાય. ૨૦
સુણી વાત બધી બહુમુખી, જોઉં પ્રજા સુખી કે દુ:ખી;
ચર્ચા જોવા થયો અસવાર, અંગે ધર્યાં સોળ હથીયાર. ૨૧
વારુ ઘર મંડપ જોઈ વળ્યો, આપ એકલો પંથે પળ્યો;
જોયું ચૌટું ચાવડિ ને ચોક, જોયાં મ્હોલ મેડિને ગોખ. ૨૨
ગલી કુંચી શેરી ને પોળ, જોઈ દુકાન દોશીની ઓળ;
જોયાં વેપારી કોરાં હાટ, જોઈ દશ દિશાની વાટ. ૨૩
જોયું નગર પછિ આવ્યો બહાર, દીઠું સરોવર ભરીયું વાર;
તે વેળા એક ધોબી ધૂવે, તે તો રાજા અચરજ જૂવે. ૨૪
કરે વિચાર નગરનો ધણી, આ વેળા કોણ ધોવાતણી;
ભૂત પ્રેત કે વ્યંતર હશે, બોલાવતામાં નાશી જશે. ૨૫
છાનોમાનો પાસે ગયો, એટલે ધોબી ધોતો રહ્યો;
સંગાથે બોલ્યા બેહુ જણા, ભય પામ્યા તે મનમાં ઘણા, ૨૬
કોણ કોણ કોણ કરી દીધો સાદ, માંહોમાંહે લાગ્યો વાદ;
રાજા જાણે કોઇ ધોબી મુવો, ભડભડતો કે ભૂત જ થયો. ૨૭
પરિયટ જાણે કોઈ આવ્યો પ્રેત, કપટે કરવા મુજશું હેત;
એવો મનમાં સંદેહ પડ્યો, રાજાને મન ક્રોધ જ ચડ્યો. ૨૮
દોહરો.
રાજા કહે તું કુણ છે, આ વેળા આ દિશ;
બોલ સાચું ઉતાવળો, નહિ તો છેદું શીશ. ૨૯
ભૂત ભેગો બીતો નથી, ડાકણ કહાડું દૂર;
રાક્ષસને રોળું અમો, તુજને કરું ચકચૂર. ૩૦
ત્યારે પરિયટ બોલિયો, આણી મનમાં તાપ;
તુજથકી બિહિતો નથી, શું છે ભૂતના બાપ? ૩૧
રાજા કહે પ્રથમ કહું, હું તો મારું નામ;
ત્યાર પછી કહે તાહરું, થાય આપણું કામ. ૩૨
છપ્પો. -સમસ્યા.
કરું રંકને રાય, રાયને રંક કરીજે;
મારે વશ સહુ કોય, કોઈ વશ અમો ન રહીજે;
અનમી ને હંકારિ, વાત સહુ દિલમાં દાખું;
પુત્ર મિત્ર સહુ જન, તેમને લેખે રાખું;
મારણ પાલણ માનવ અમો, પરદેહી જીવ ઘાલું નહીં;
લક્ષ જીવ સાથે નિત નીસરું, તે એકલો આવ્યો અહીં. ૩૩
ચોપાઈ.
તે પરિયટે વિચારવું મન, એ તો મારો નંદરાજન;
ચતુરશિરોમણિ એ છે રાય, હું છું પણ એની પ્રજાય. ૩૪
એણે નામ સમસ્યામાં કહ્યું, લક્ષણ જોતામાં મેં લહ્યું;
હું પણ રાખું મારી મામ, કહું પટતરે મારું નામ. ૩૫
છપ્પો. - સમસ્યા
ઘરે અંગ રાય ને રંક, રંક રાજાશો દીસે;
શોભે શાહ સુલતાન, માન પામે મન હીસે;
એક વસાને જન, કરું હું લક્ષ વસાનો;
મૂજ રીસથી બને, માનવી અધ ટકાનો;
જે ઢાંકણ સહુ જગ વિષે, રુપ સમારે તાહરુ;
અમો સમારું તેહને, નામ સમજી લ્યો માહરું. ૩૬
ચોપાઈ.
અરસ પરસ ઓળખિયા બેય, ભાગ્યો મનતણો સંદેહ;
હરખ બેઉના મનમાં થયો, રાજા પરિયટ પાસે ગયો. ૩૭
આ વેળા તે શું છે કાજ, એકલા કેમ આવ્યા મહારાજ;
નહિ સાથે હસ્તી ઘોડલા, નહિ સાથે પાવક જોડલા. ૩૮
રુપ અનૂપમ કોમળ જાત, કાળી અંધારી માજમરાત;
સુણ રે પરિયટ રાજા કહે, કહું સંદેહ તે મનમાં લહે. ૩૯
નગરચર્ચા જોવા આવિયો, માટે સાથે નથિ કો લાવિયો;
સંદેહ એક ઉપન્યો છે મુને, તે માટે પૂછું છું તુંને. ૪૦
મધ્ય નિશાએ કેમ આવિયો, શા કાજે કોનાં લાવિયો;
મધરાતે તું બેઠો ધૂવે, બીક કોની મનમાં નવ જૂવે. ૪૧
સાચી વાત કહેને આજ, લેશ માત્ર નવ રાખિશ લાજ;
પરિયટ કહે સાંભળીએ રાય, એ સમજી લેજો સમસ્યાય. ૪૨
કહું સમસ્યા તે મનમાં ધરો, સુણી વાત ને પાછા ફરો.
છપ્પો.-સમસ્યા.
લિયે લંક લપટેણ, ઠેઠ નહિ રામ જ રાવણ;
હરણ સીતને નામ, કામ નહિ પતિત રાવણ;
હણ્યા કૌરવ જે વીર, વીર મન જો તું વિચારી;
કામિનીને મન નેહ, ન શોભે તેવણ નારી;
એક દંતધાવનની બે કરો, તેના નામે નામ છે;
નવસેં નવાણું પૂર્યાં હરી, તેહ સમારણ કામ છે. ૪૩
ચોપાઈ.
નવસેં નવાણું પૂરી સુધ લીધી, તેવું કહી સમસ્યા પૂરી કીધી;
નંદરાય.-
દિવસે સમારે નહિ શામાટ, અરધી રાતે કેમ આવ્યો ઘાટ. ૪૪
એ અચરત તો મુજને ઘણું, સાચું વચન સુણવા તુજતણું;
એણી પેરે બોલ્યો રાજન, ત્યારે પરિયટે કહ્યું વચન. ૪૫
છપ્પો.-સમસ્યા.
દો લોચન ખટ ચરણ, વરણ તો શ્યામ સરીખો;
ઘોર નાદ મુખ પીત, સ્વાદિયો તે પુરરસિઓ;
પીએ પ્રેમ નિશદિન્ન, શીશ મોટો સહુ અંગે;
રસિક મધુર કરિ ગાન, રહે સુગંધી સંગે;
સુઘડ છેલ નર સ્વાદિયો, મદ પ્રેમલ છે અતિ ઘણું;
તેથી આવ્યો છું આ સમે, મુજને ભય છે તે તણું. ૪૬
ચોપાઇ.
રાજા મનમાં રીઝ્યો ઘણું, વચન સુણીને પરિયટતણું;
અરે ભાઈ એવી કુણ નાર, મુજને દેખાડો આ વાર. ૪૭
જેના પ્રેમલ પટકૂલ પાસ, દેખી ભમર ઉતરે આકાશ;
એવી રામા રાણી કો તણી, પૂછે એમ નગરનો ધણી. ૪૮
દેવાંગના એવી કોણ હોય, શીઘ્ર મહીપતિ બોલ્યો સોય;
તે સંભળાવો મારા વીર, મારે હૈડે નવ રહે ધીર. ૪૯
કહે પરિયટ સાંભળો હો રાય, મારા મુખથી કેમ બોલાય;
સતિ નિંદા કેમ કરીએ આપ, થાએ સ્ત્રીહત્યાનું પાપ. ૫૦
સ્ત્રીહત્યાથી ખોઇએ પ્રાણ, સમજો કાંઈ ચતુરસુજાણ;
નારીનો નેહ થોડો કરે, તો ભવસાગર સહેજે તરે. ૫૧
श्लोक.
अहिक्रीडा वार्णङ्मित्रं लीलया विषभोजनम ।
त्यनेश्च योषितां संगं याद कल्याणमिच्छति। || १२ ||
ચોપાઇ.
નંદ રાજા એમ પૂછે ફરી, પ્રબોધ શિક્ષા પરિયટે કરી;
રાજા કહે શું દેછે શાખ, એવી હું જાણું છું લાખ. ૫૩
સાંભળજો નરપતિ શ્રી નાથ, આખર તારો ઉપર હાથ;
જે સમસ્યા અમો કીજીએ, તે એંધાણે ઓળખી લીજીએ.૫૪
છપ્પો.-સમસ્યા.
વર્ણ સહુથી રંક, અંક રાજાથી ઝાઝો;
વરતે અધિકી આણ, લોક માને જશ આઝો;
તમને જીતે તેહ, તે તમથી ન જિતાયે;
તેહ વચન તમને કહું, એ નર જિતો હો રાય;
ભોગી તમ સરખો ઘણો, આધ્ય અધિકાર અતિ ઘણે;
પરખો જાત પ્રમદાતણી, પદ્મિની નાર ઘર તે તણે. ૫૫
ચોપાઇ.
રાજસભામાં આવે કામ, તેનું જે કહેવાયે નામ;
રાંધ્યું અંન જેને કહેવાય, તેનુ નામ વિચારો રાય. ૫૬
એ બેનો કરો એક વિચાર, મેં કહ્યું તે નર ઘેર નાર;
પંખી ઉડે જેને જોર, એ વાતનો એટલો અંકોર. ૫૭
જેને આધારે રહે છે પ્રાણ, ચેતો નામરે ચતુરસુજાણ;
એ બે પ્રીછી કરીએ પેર, મેં કહી સ્ત્રી છે તેને ઘેર. ૫૮
ચેત્યો રાજા સર્વે લહ્યું, પરિયટે જે વચન જ કહ્યું;
પ્રીત કરીને લીધો પાર, જુગતે તેને કરિયો જુહાર. ૫૯
સ્ત્રીનું નામ સમજ્યો સાનમાં, ગુણવંત રાય ગયો ગામમાં;
થયાં અંગ ને ચિત્ત પરવશ, જીવ થયો તે સ્ત્રીને હસ્ત. ૬૦
થયું મન ચિંતાતુર અંગ, લાગ્યો તે રામાસું રંગ;
મોહ પામ્યો મન વ્યાકુળ થયો, રંગ મહેલમાં રાજા ગયો. ૬૧
ન આવે નિદ્રા ન ભાવે અંન, વ્રેહે વ્યાકુળ રાજાનું મંન.
श्लोक.
दर्शनाद्धरते चितं स्पर्शनाद्धरते बलम ।
संभोगाद्धरते वीर्य नारी प्रत्यक्षराक्षसी || ६२ ||
છપ્પો.
કાને સુણી તબ ક્રોડ, લાખ જબ નયણે નરખી;
બોલી તબ હજાર, સર્વ વાતે પૂર પરખી;
નજર ભઇ રસબસ, દશ મૂલ પાલવગ્રહી;
આલિંગન તબ એક, છૂટો મોહ નગન જબ જોઇ;
સ્ત્રી ભાર પટંતરે, અમૂલખ કોડી દ્રામકી;
ચાખી તબ ચિત્તથી ગઇ, નહિ કોડી કામકી. ૬૩
ચોપાઇ.
કાને સુણી તવ લાખ કરોડ, માતે મહિપતિને લાગે હોડ;
દુ:ખે પાપે વીતી જામિની, વિચાર કરે જોઇશું કામિની. ૬૪
જો જાણે મારો પરધાન, એ વાતે ઘટે મુજ માન;
આધ્ય હૈયે રચ્યો પરપંચ, સ્ત્રીને મળવા કીધો સંચ. ૬૫
પ્રાતસ્કાલે ઉઠ્યો રાય, સંપૂરણ કીધી સભાય;
તે વેળા આવ્યો પરધાન, મંનથકી દીધાં બહુ માન. ૬૬
કહે રાજા હું કહું તે કરો, કચ્છ દેશમાં જઈ પરવરો;
લ્યો ટકા દશ વીશ કરોડ, લાવો ઘોડા મનગમતી જોડ. ૬૭
સર્વ સૈન્ય સુંઢાડો સાથ, દ્રવ્ય અનંત રાખોની હાથ;
જે જોઇએ તે લેજો સહી, કશી વાતની ન્યુનતા નહીં. ૬૮
બીજી વાત મા કહેશો વળી, ઊઠો શીઘ્ર કરો આ ઘડી;
જો મુજને ઉપજાવો સુખ, એ વાતનું ન ધરશો દુ:ખ. ૬૯
કહે પ્રધાન સાંભળો મહારાજ, શું ઘોડાનું હમણાં કાજ;
રિક્તા તિથિ વૈધૃત્ત વ્યતિપાત, આજ જાતાં થાએ ઉત્પાત. ૭૦
કાલ પરમ માંહે ચાલશું, અશ્વ તમને આણી આલશું;
કહે રાજા સાંભળરે ખ્યાત, મારા મનની ન લહે વાત. ૭૧
જે વાતનો કેડો લીજીએ, સિદ્ધ પાર તેનો કીજીએ;
સભા મદ્ય જો જાય વચન, ત્યારે હું શાનો રાજન? ૭૨
અવજોગ તે તો પહેલો મુંને, ત્યાર પછી નડશે તુંને;
હમણાં જાવાનું ન કરો સહી, આજ થકી પરધાન જ નહીં. ૭૩
ચાકર તે જે પાળે બોલ, માણસ તે જે પાળે કોલ;
સ્ત્રી જે પાળે પતિવ્રતધર્મ, બ્રાહ્મણ જે પાળે ખટકર્મ. ૭૪
પવિત્ર તે પાળે આચાર, હરિજન જે મૂકે સંસાર;
રાજા જેહ પ્રજાપ્રતિપાળ, સત્યવાદી નવ બોલે આળ. ૭૫
પંડિત જે પરખે પુરાણ, સાત્વિક જે હોએ સુજાણ;
જોગી તે જે પાળે જોગ, સંસારી જે સમજે ભોગ. ૭૬
વાર્તિક તે જે વ્રત આચરે, દુ:ખભંજન તે સૌ દુ:ખ હરે;
પુત્ર તે જે ગયાએ જાય, જિત્યો તે જે ગંગા નહાય. ૭૭
ધનપતિ તે જે ધારે ધરમ, સંન્યાસી જે જાણે બ્રહ્મ;
રળ્યો તે જે ખરચે હાથ, સારી સ્ત્રી તે જે સ્વર્ગે સાથ. ૭૮
જ્ઞાની તે જે જ્ઞાને સજે, ભક્ત હોય તે ભગવાનને ભજે;
વૈભવ તે જે વિભૂતિ ધરે, આશાત્યાગી તે આશ ન કરે. ૭૯
મહિપતિનું જે રાખે માન, તેનું નામ પૂરો પરધાન;
મારો વજીર ખાસો છે તું, જા આ વેળા કહું છું હું. ૮૦
કહે પ્રધાન સુણો પુરપતિ, રોષ મા ધરશો રાજા રતિ;
જે પાસો પડે તે દાય, જે રાજા બોલે તે ન્યાય. ૮૧
જે નિર્ધન બોલે તે નોય, બોલ પાળે તે શાહ જ હોય;
પંચ પ્રમાણ કરે તે ન્યાય, જે મારે મરે તે ધાય. ૮૨
નાઠો રાહ જડે ત્યાં જાય, આચાર ભ્રષ્ટ તે તો અન્યાય;
ભૂખ્યો તે જે ગમે તે ખાય, વંઠ્યો તે જે ગમે તે ગાય. ૮૩
અણચાલે થયું તે થાય, બહેક્યો મન ગમે ત્યાં જાય;
ધનવતી ચિતવે તે થાય, અતિ બળિયો જે વજ્જરકાય. ૮૪
આંધળો જાર જે ઘરમાં રમે, બેહ્યા નાર ગમે તે કરે;
આંચળ મુખ આપે તે ગાય, ઓસડ તે જે રોગ મૂકાય. ૮૫
જે પ્રુથ્વી પાળે તે રાય, પયપાન કરાવે તે સત માય;
કાયા ચિત્ત વશ કરે તે મુન્ય, અતિ બળિયો જેનું બહુ પુન્ય. ૮૬
દુખીઓ જેહ વિદેશે જાય, ગૃહસ્થ તે જે લ્હાણું લાય;
પૂજ્ય તે જે પરમારથિ થાય, સુખિયો જે નીરોગી કાય. ૮૭
ભલું કરે તે ભૂપત રાય, વાંક વિના કોપે અન્યાય;
ચાતુર તે જે કીર્તિ ચાહે, વિવેકી જે વિચારે મનમાંહે. ૮૮
રાજા કહે તે સારો દીસ, ચાકર બોલ ચડાવે શીશ;
એમ કહી ઉથ્યો તે ઘડી, સેના સુંઢાડી પોતાતણી. ૮૯
લક્ષ્મી અનર્ગળ લીધી ઘણી, આજ્ઞા માગી મહિપતતણી;
પ્રધાન ચાલી કચ્છમાં ગયો, રાજાને મન ઓચ્છવ થયો. ૯૦
અરુણા અસ્ત પડી છે રાત, રાયે વિચાર્યું હૃદિયા સાથ;
બીજા કોઇને નવ કહિ વાત, આપે એકલો ચાલ્યો જાતો જાત. ૯૧
ક્યાંહાં નર ને વળિ કહિયે નાર, જારને મન શાનો વિચાર;
પહોંચે કે નવ પહોંચે હામ, કરે મનનું ગમતું કામ. ૯૨
श्लोक.
कामातुराणां न भयं न लज्जा ह्यर्यातुराण्यां न अ बंधुमित्रम् ।
इंतातुराणां न सुखं न निद्रा क्षुधातुराणां न बलं न तेजः ॥९३॥
ચોપાઈ.
જાર બુદ્ધિ જેને મન વસી, લાજ મર્યાદા તેને કશી;
ગુણિકાને મન શેની લાજ, આળસુને મન શેનું કાજ. ૯૪
ભિક્ષા તેને શાનો ભોગ, જોરાવરી તે શાનો જોગ;
ભંગીને મન શેની નાત, વ્યસનીને મન શાની જાત. ૯૫
મદ્યપાન પીએ તે શાનો પવિત્ર, ભૂંડું ત્યાગે તે શાનો મિત્ર;
અકરમીને મન ઉદ્યમ કશો, સૂમ હોય તો શાનો હશો. ૯૬
શેઠાઈમાં તે શાનું સત્ય, પટેલાઈમાં શાની પત્ય;
પરમારથમાં શાનું પાપ, સિદ્ધાઈ ત્યારે શાનો શાપ. ૯૭
સત્ય વિના તે શાની સતી, પીડા દે તે શાનો પતિ;
સંતોષીને શાનું દુ:ખ, ધન વિના તે શાનું સુખ. ૯૮
દાતાને મન શાનું ધન, શૂરાને મન શાનું તન;
ભામિની ભલી વિના શો ભોગ, શુદ્ધ ચિત્ત વણ શાનો જોગ. ૯૯
દરિદ્રી હોય ત્યાં ડહાપણ કશું, પુત્ર વિના ઘર સૂત્ર જ કશું;
નાત નહિ ત્યાં શેની રીત, હેત વિના તે શાની પ્રીત. ૧૦૦
ગુણ વિના તે શાનું રુપ, પ્રજા પીડે તે શાનો ભૂપ;
વિવેક વિના તે શી વિદ્યાય, નિર્લજને મન શી નિંદાય. ૧૦૧
કંઠ વિના તે શાનું ગાન, જર વિના તે શાનું જાન;
દયા વિના તે શાનું દાન, મોટમ પાખે શાનું માન, ૧૦૨
હરિજનને શાનો સંસાર, ખરી વાતમાં શાનો ખાર;
કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી. ૧૦૩
ચોર્યું કહે તે શાનો ચાડ, પરઠ્યું લે તે શાનો પાડ;
વેહેવાર નહિ તો શો વેપાર, કમાઈ નહિ તો શાનો કાર. ૧૦૪
જાર જનને ભય નહિ મન, નિર્ભય થઈ ચાલ્યો રાજન;
દરબાર દિવાનનો દીઠો દૂર, આવ્યો રાત ગઈ એક પૂર. ૧૦૫
વજીર મહોલે છે લોહનાં બાર, કીધો રાયે કરનો પ્રહાર;
ધીર પ્રતિહાર ત્યાં જાગિયો, મનમાંહી બિહિવા લાગિયો. ૧૦૬
જાગે જે કોઈ ધનનો ધણી, જાગે જેને ચિન્તા ઘણી;
જાગે રાત અંધારી ચોર, જાગે ધન વરસંતે મોર. ૧૦૭
જાગે જેના ઘરમાં સાપ, જાગે દીકરીઓનો બાપ;
જાગે જેને માથે વેર, જાગે જેહ કરે બહુ કેર. ૧૦૮
જાગે જે જપતો જુગદીશ, જાગે જેને દેવું શીશ;
જાગે જે કોઈ હોયે જાર, જાગે કુલ સકુલની નાર. ૧૦૯
જાગે જેના દેહમાં હોય રોગ, જાગે જે કોઈ સાધે જોગ;
જાગે જે કોઈ ચોકી કરે, જાગે જે પ્રતિહારું કરે. ૧૧૦
કોણ છે રે ભાઈ માઝમરાત, જે હોય તે આવજો પ્રભાત;
નહિ ઉઘાડું મારું બાર, ખોટી થશો ને લાગશે વાર. ૧૧૧
તેવારે બોલ્યો નંદરાય, મનમાં ધરતો બહુ લજ્જાય;
વચનભંગથી લાજે રાય, તપભંગથી યોગી લજવાય. ૧૧૩
લાજે લંપટ મૂકે બોલ, લાજે ત્રિયા ઉતરે જ્યાં તોલ;
નીચ કામે નરપતિ ગયો, લજ્જા પામીને બોલ જ કહ્યો. ૧૧૪
ઉઘાડ ભાઇ હું નંદ નરેશ, પ્રધાન ઘેર કરવો છે પ્રવેશ;
ઘણું જરુરનું મારે કામ, તે માટે આવ્યો આ ઠામ. ૧૧૫
શીઘ્ર ઉઘાડી ચરણે લાગ, જે જોયે તે મૂજપાસે માગ.
દોહરા.
રાય કહે પોળીઓ, સાંભળિયે રાજન;
બાર તો નહિ ઉઘાડીએ, વરત્યું ત્હારું મન, ૧૧૬
આ વેળા તસ્કર નીસરે, (કે) રમવા નિસરે જાર;
માટે જાઓ પાછા ફરી, રાખી આપનો ભાર. ૧૧૭
પ્રધાન ઘેર નહિ માહરો, સ્ત્રી સાથે શું કામ;
અરધી રાતે એકલા, ક્યમ આવ્યા આ ઠામ. ૧૧૮
ચોપાઇ.
ઉંદર બિલાડીને શાનો મેળ, અજા વાઘતણો શો ખેલ;
સિંહ ગજ એકઠાં કેમ રમે, ગરુડ સર્પ એકઠાં કેમ ગમે. ૧૧૯
અગ્નિ ધૃત કેમ થાએ એક, વિપરીત એ દિસે છે વિવેક;
તમો રાય પુરુષની જાત, વિનતાશું શી કરવી વાત. ૧૨૦
રાજા કહે ઘડે શા ઘાટ, ઉઘાડ બાર જાવા દે વાટ;
હું જેમ જેમ રાખું છું ભાર, તેમ તેમ તું લગાડે વાર. ૧૨૧
હમણાં વાત કરું છું સહેલ, નહિ તો ચીરાવું છું મહેલ;
પ્રધાનના તો પ્રાણ જ લેઉં, ભારે દંડ તો તુજને દેઉં. ૧૨૨
ત્યારે તારું શું છે જોર, નગર વિષે તું મારો ચોર;
રુડું ચિંતવ જો સ્વામિતણું, આપ માન મુજને તો ઘણું. ૧૨૩
જો રાખે દોહોણી ને દૂધ, તો તું કાંઇ વિચારની બુદ્ધ;
મારે મન તો નથી કાંઇ ખેદ, તું મનમાં આણે કાં ભેદ. ૧૨૪
મૂરખ મિત્ર વેરીને ઠામ, વણસાડે સ્વામીનું કામ;
મનનું ડહાપણ હોયે આજ, ઉઘાડ તુજનાં સરસે કાજ. ૧૨૫
આવડો શો રાખે છે અંક, આખર હું રાજા તું રંક.
દોહરા.
કહે પ્રતિહાર રાજા સુણો, હું બિવરાવ્યો નહિ જાઉં;
મન સમજી લાલચ દિયો, કાંઇક પ્રસન્ન થાઉં. ૧૨૬
રાય એક જેને કબજ, બીજો તક જે રાય;
ત્રીજો રાજા ગરજીઓ, ચોથો એશિયાળો થાય. ૧૨૭
કુંડળ કાઢ્યાં કાનથી, મૂલ જેનું નવ કોડ;
આપ્યાં રાયે પ્રતિહારને, જેહ અમૂલખ જોડ. ૧૨૮
ચોપાઇ.
દ્રવ્ય દેખી સહુ કરે પ્રીત, દ્રવ્ય દેખીને કરે વિપરીત;
દ્રવ્ય દેખીને નારી ચળે, દ્રવ્ય દેખીને લોભી ભૂલે. ૧૨૯
દ્રવ્યે લાભ ને દ્રવ્યે હાણ, દ્રવ્યે આસવાસના જાણ;
દ્રવ્યે જીવ જાએ ને રહે, દ્રવ્યે ઘેલાને ડાહ્યા કહે. ૧૩૦
દ્રવ્યે કાયર ને દ્રવ્યે શૂર, દ્રવ્યે મેલો ને દ્રવ્યે નૂર;
દ્રવ્યે ચોર અને દ્રવ્યે શાહ, દ્રવ્યે રંક ને દ્રવ્યે રાહ. ૧૩૧
દ્રવ્યે કરપી (ને) દ્રવ્યે દાતાર, દ્રવ્યે ઉગારે ને દ્રવ્યે માર;
દ્રવ્યે શત્રુ ને દ્રવ્યે મિત્ર, દ્રવ્યે નીચ અને દ્રવ્યે પવિત્ર. ૧૩૨
પૃથ્વીનું કારણ તે દ્રવ્ય, દ્રવ્ય થકી તે શોભે સર્વ;
કુંડળ જવ દીઠાં પ્રતિહાર, તવ તેણે ઉઘાડ્યાં બાર. ૧૩૩
ગયો મહેલ મધ્યે રાજન, દીઠું જેવું ઈંદ્રાસન;
દીઠો પ્રધાનકેરો મહેલ, તે આગળ શોભા સહુ સહેલ. ૧૩૪
દીઠું પાંજરું પોપટતણું, પંચરંગે રંગેલું ઘણું;
તે હેઠળ માંડ્યો છે પાટ, રાજા ચાલી આવ્યો વાટ. ૧૩૫
બેઠી દીઠી ત્યાં કામિની, એવી નહિ ભૂતળ ભામિની;
ચંદ્રવદની ભૃકુટિ શુભ વાંક, સિંહાકારે કટિનો લાંક. ૧૩૫
હંસાગામિની ગજગામિની, શરદચંદ્ર શિભે જામિની;
જેવી પુષ્પ લતાની વેલ, જેવી વાડીમાંની કેળ. ૧૩૭
જેવી ચંપાકેરી કળી, જેવી વીજળી ઝબકે ભલી;
જેવી રત્નાકરકુંવરી, જેવી શોભે સુરસૂંદરી. ૧૩૮
જેવી કોઇ દીપે નાગણી, નહિ શામા એની સામણી;
જેવી રત્ન કમળ દીવડી, જેવી કાસ્મીરી પુતળી. ૧૩૯
જેવી ઈંદ્રતણી અપ્સરા, એવી એ માનુની મનહરા;
કામિની તેહ કમળનો વૃંદ, મુખ જાણે પુનમનો ચંદ્ર. ૧૪૦
અંબુજદલ આકારે નેણ, અમૃત જેવાં બોલે વેણ;
પોયણપાન સરીખા પાય, કરેણકાંબ સરખી શ્રીકાય. ૧૪૧
લાયક તેમાં લક્ષણ ઘણાં, જે કહીએ તે સોહામણાં;
રામા રુપતણો ભંડાર, નવ દીઠી એવી કોઇ નાર. ૧૪૨
દોહરા.
ચપળ નેન ખંજન સમાં, ચક્રવાક જુગ જોડ;
કનકકળશ ઉર ઓપતાં, ક્ષણમાત્ર નહિ ખોડ. ૧૪૩
ઉદર ઉપર ત્રિવલી પડી, પેટ તે પિયણ પાન;
ગ્રીવા કપોત સરીખડી, ઉજ્વળ ઓપિત વાન. ૧૪૪
નખશિખ શોભા નિરખતાં, ચતુરા ચતુરસુજાણ;
વ્રેહે વ્યાપિક રાજા થયો, વાગ્યાં મોહનાં બાણ. ૧૪૫
પાષાણ ઘર્ષથી અગ્નિ ઝરે, અગ્નિથી જેમ ધૃત;
અંગ અનંગ અગ્નિ વધ્યો, આકળો થયો તર્ત. ૧૪૬
ધર્મ કર્મ સહુ વિસર્યો, થયું કામવશ અંગ;
બીજું કાંઈ સૂઝે નહિ, રામાશું લાગ્યો રંગ. ૧૪૭
વિસર્યો ઇષ્ટ ગુરુ દેવતા, વિસર્યો કુલ મરઝાદ;
વિસર્યો મહેલ ને મેડિઓ, પ્રેમદાશું લાગ્યો વાદ. ૧૪૮
આવ્યો નિકટ તે નિરખતાં, ભયભિત તે ઘનઘોર;
દૃષ્ટિ ન ચૂકે તે થકી, જ્યમ ચન્દ્રથી ચકોર. ૧૪૯
ચોપાઈ.
પોપટ પદ્મિની બેઠાં જ્યાંય, મહોલે પહિપતિ આવ્યો ત્યાંય;
સમજ્યો પોપટ સમજી નાર, ચતુર મળી બે કરે વિચાર. ૧૫૦
આવતામાં વરત્યું છે મન, કામ આકળો છે રાજન;
ઇશ્વર આપની રાખશે લાજ, કામિની કહે શું કરવું કાજ. ૧૫૧
કહે પોપટ નવ ધરશો બીક, દેઊં છું નંદ રાજાને શીખ;
એમ કરતાં તે બોલ્યો વાનિ, અધિક ચાતુરી મનમાં આણિ. ૧૫૨
તું મુજને જાણે છે અજાણ, આજ થાઉં ચતુરસુજાણ.
દોહરા.
કહે પોપટ ભલે આવિયા, પૃથ્વીપતિ ભૂપાળ;
આનંદકંદ નંદરાયજી, પ્રજાતણા પ્રતિપાળ. ૧૫૩
તાત તમો છો જગતના, પ્રધાન તમારો પુત્ર;
હું જાણું છું નિહાળવા, આવ્યા છો ઘરસૂત્ર. ૧૫૪
તન નથી ઘેર તાહરો, હાજર છે સુતનાર;
પણ તે તારે આસરે, તમ પુત્રીને ઠાર. ૧૫૫
ખબર લેવી તમને ઘટે, ઘેર નથી જવ તન;
પુત્ર પ્રજા સૌ તાહેરી, પિતા નંદ રાજન. ૧૫૬
રાજા તે તો તાત છે, પ્રજા તે તો પુત્ર;
શાસ્ત્ર સાખ પૂરે સદા, સાચો અક્ષર સૂત્ર. ૧૫૭
બાઇ આવો બેસો બારણે, આવ્યા છે તમ તાત;
પિતા પાસે બેસો જઇ, કરો સુખ દુઃખની વાત. ૧૫૮
બાઇ આવોની બારણે, એહ તાત નન્દરાય;
સાસરવાસો લેઇ આવિયા, તેની શી લજ્જાય. ૧૫૯
આપણ એનાં છોકરાં, એહ આપણો તાત;
પિતા પાસ બેસો સુખે, કહો મનની સૌ વાત. ૧૬૦
ચોપાઇ.
નારી બોલી આણી ધીર, સાંભળ પોપટ મારા વીર;
અધિક બોલ તું ના બોલીશ, ચઢશે નંદ રાજાને રીશ. ૧૬૧
હુકમ રાજાજીનો લીજીએ, પછી ઉત્તર તેનો દીજીએ;
એ છે ધર્મતણો અવતાર, જાણે સકળ વિવેક વિચાર. ૧૬૨
એ છે ચૌદ વિદ્યાગુણ જાણ, માટે ઘણું શું કરું વખાણ;
ચતુર પુરુષ માટે સાંખશે, મૂરખ કોઇ મારી નાંખશે. ૧૬૩
તે માટે છાનો રહે ભ્રાત, અધિક શાને કરે છે વાત;
વિવેક વાત માહરે દિલ વસી, નંદરાયની બીક જ કશી. ૧૬૪
કંચન આગળ કથિર તે કશી, ચતુર આગળ કેવી પારશી;
હનુમાન આગળ શા ઠેકડા, કરોડ આગળ શા એકડા. ૧૬૫
ચૌદ જાણે તેને શા ચાર, સત્યવાદીને શાનો ભાર;
પુત્ર આગળ બીજી શી પ્રીત, વેદ આગળ બીજાં શાં ગીત. ૧૬૬
પરબ્રહ્મ આગળ શા પાખંડ, દૈવગત આગળ તે શો દંડ.
દારિદ્ર આગળ બીજું શું દુઃખ, સ્ત્રી સતીથી બીજું શું સુખ ૧૬૭
વિપ્ર આગળ બીજી શી નાત, ખરો કહેવાય તેની શી ખ્યાત;
જાર આગળ સ્ત્રીનું નવ જોર, હેમગિરિ આગળ નવ હોય ચોર. ૧૬૮
ગંગા આગળ બીજી શી નદી, ચકોર આગાળ બીજી શી બુદ્ધિ;
શિવપૂજન આગળ શી સિદ્ધ, રાજસોઇ આગળ શી રિદ્ધ. ૧૬૯
ભીખથકી તે ભુંડું કિયું, દેહ ભુંડી જેહનું રોગીયું;
ચન્દ્ર આગળ તે તારો કશો, રવિ આગળ આગીઓ જ શો. ૧૭૦
મૂરખ આગળ શી દુઃખની વાત, મર્ણથકી બીજી શી ઘાત;
પૂન્ય આગળ બીજું શું કામ, રામ આગળ બીજી શું નામ. ૧૭૧
કાશી આગળ બીજો શો વાસ, સુગંધમાં જેવો બરાસ;
નંદરાયને શિખ દે જેહ, બ્રહ્માએ સર્જ્યો નથી તેહ. ૧૭૨
સ્વર્ગ તણું તે સુખ જ ઘણું, વખાણ કરી શકે કેમ તેતણું;
તેને વશ વરતે સહુ લોક, તે આગળ ડહાપણ સહુ ફોક. ૧૭૩
નારી કહે સુણ પોપટ સહી, એ સરખો કો ભૂતળમાં નહિ.
દોહરા
ત્યારે પોપટ બોલીઓ, સાંભળ મારી બેન;
માબાપ આગળ ચાલે સહી, જે કરીએ તે ચેન. ૧૭૪
બાળક અતિ અન્યા કરે, મન ન ધારે માબાપ;
એવું જાણીને હું કહું, વેદ પૂરાણે છાપ. ૧૭૫
ગાંડું ઘેલું બોલવું, મનમાં ન આણે સોય;
તેમ હું રાજાને કહું, ખેદ મ ધરશો કોય. ૧૭૬
ચોપાઇ.
વાડ થઇને ચિભડાં ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે?
ખળું ખાતું હોય જો અન્ન, તો જીવે નહિ એ કે જન. ૧૭૭
કલ્પવૃક્ષ જો કેરી ખાય, તેનો ચોર ન પેદા થાય;
નવાણ પીતું હોયે નીર, જીવજંતુ ક્યમ ધરે શરીર. ૧૭૮
મા મારે પય પીતાં બાળ. સત્યવાદી જો બોલે આળ,
રાજા થઈને લૂટી લેય, પ્રજા કોણ આગળ જઇ કહેય. ૧૭૯
રામ જપંતા નરકે જશે, કહો કલ્યાણ જ કોનું થશે;
પિતા પુત્રીશું રમશે જાર, તે વાતનો કો પ્રીછે પાર. ૧૮૦
ગંગા નહાતાં પાપી થશે, વેદવચન કેમ સાચાં હશે;
વાહાર ત્યાંથી આવે ધાડ, તો પછી ક્યાંની કરશું આડ. ૧૮૧
મેઘ વરસંતા પથ્થર પડે, તેનો વાંક કોને શિરે ચડે;
ધણીને વિખ દે ઘરની નાર, કોણ સાચવે તેણે ઠાર. ૧૮૨
પુષ્પહાર થઇ વળગે સાપ, ત્યાં તે કોણ જાળવશે આપ;
અમૃત જાણી આપે પીજીએ, વિખ થાય દોષ કેને દીજીએ. ૧૮૩
કુંડળ કરડી ખાએ કાન, કોણ આગળ જઇ કરિએ જાણ;
ચંદન જાણી ધરીએ આપ, થાય અગ્નિ તો પૂરણ પાપ. ૧૮૪
મોટા જાણી જઇએ શરણ, દે ઘાત તો પામિએ મરણ;
ઘરનો દિવાન ચાડી ખાય, તો તે દુઃખ કોને કહેવાય. ૧૮૫
જો રળનારો ચોરી કરે, તો ભંડાર શી પેરે ભરે;
છાની થાપણ લોભે લે, તો શાખ આવી કુણ દે. ૧૮૬
કોઇ જાણી દુઃખ દિયે પ્રચંડ, તેને તો રાજા દે દંડ.
(પણ) રાજા થઇ લૂટી લે આપ, તો પ્રજાનું પૂરણ પાપ. ૧૮૭
રઇયત ઉપર કોપે રાય, રાંક માણસ શું કરે ઉપાય;
તેને પુછનારો ઈશ્વર એક, વેદવચન કરિ જુવો વિવેક. ૧૮૮
રાજા પ્રજાને દુઃખ જ દે, તો તે આગળ નહિ સુખ લે;
મોટા જો કરે કૂડાં કાજ, તો નહિ પામે રૂડા રાજ. ૧૮૯
શામા શુક બે વાતો કરે, રાજા નેવે રુદેમાં ધરે;
ભયભીત થઈને જ આવિઓ, કાંઈક જ્ઞાન રુદે લાવિઓ. ૧૯૦
એ કહે છે પુત્રીની બ્હેન, તે આગળ ક્યમ થાએ ચ્હેન;
એકે વાતનો ન સૂઝે ઘાટ, રાજા જઈને બેઠો પાટ. ૧૯૧
આગતાસ્વાગતાં દીધા માન, આગળ મહેલ્યાં ફોફળપાન;
બોલ્યો શુક સુણ તું સુંદરી, બોલો તાતસું હેત જ કરી. ૧૯૨
પુત્રી ધર્મ કરી થાપશે, મનવંછિત માગ્યું આપશે;
લાવ્યા પસલી આપણે ઘેર, રાજા આવ્યા રુડી પેરે. ૧૯૩
ભ્રાત તાત ને એ મોશાળ, આપણ ઉપર અદકું વ્હાલ;
એ છે નોધરા આધાર, એને શિર પૃથ્વીનો ભાર. ૧૯૪
બેટી બ્હેન ને તું ભાણેજ, આપણ ઉપર અદકું હેજ;
હેત કરીને દગો જો દેય, નરકતણાં ફળ તે તો લેય. ૧૯૫
નાનાં મોટાં વ્યાપક જન, શરણાગતનું એ છે ધન;
દોહરા
માનિની મુખ સનમુખ કરી, શુકસું કીધી વાત;
કામભર્યો જો કોપશે, તો કરશે તુજ ઘાત. ૧૯૬
કામી કામે આંધળો, ન ગણે બ્હેનને બાઇ;
માટે તુજને મારશે, છાનો રહેને ભાઈ. ૧૯૭
ચોપાઈ.
જોબનમદ પ્હેલો આંધળો, બીજો અંધ કામે આકળો;
ત્રીજો અંધ ધનમદ જેહને, ચોથો મદ જેની દેહને. ૧૯૮
પંચમ અંધ જે જીવ આદરે, છઠ્ઠા અંધ જે કોપે ભરે;
સાતમો અંધ દબાણો જેહ, આઠમો અંધ વ્યસનીની દેહ. ૧૯૯
એટલા અંધ વિચાર ન કરે, ન કહિયે તો નિશ્ચે મરે.
દોહરા.
વચન સુણી વનિતાતણું, શુક કહે સાંભળ વાત;
કામમદ જોબન શું કરે, જગતપિતા સાક્ષાત. ૨૦૦
અજ્ઞાન અબળા તું સમી, મેં નવ દીઠી કોય;
કહું વાત પટતરે, મનમાં સમજી જોય. ૨૦૧
ચોપાઈ.
રાજા આવે કપટે કરી, તો કોણ પૂછે એને ફરી;
ગામ પ્રધાનને શિદ મોકલ્યો, આપ કેમ આવે એકલો. ૨૦૨
એને કરવું સઘળું સહેલ, ખરે બપોરે ચિરાવે મહેલ;
પ્રધાનને રાખે કાળાગૃહ વિષે, કોણ જોરાવર છે એ પખે. ૨૦૩
એને માથે બળિયો ધર્મ, તો કૂડાં ક્યમ કરશે કર્મ;
નંદરાયનું જાશે સત્ય, શી થાશે પરજાની ગત્ય? ૨૦૪
જો ચૂકે રાજાની દેહ, તો વૃષ્ટિ કેમ કરશે મેહ;
વણ વાંકે રાજા દે દંડ, નિશ્ચે તુટી પડે બ્રહ્માંડ. ૨૦૫
જો નંદરાય ચડાવે આળ, નિશ્ચે પૃથ્વી જાય પાતાળ;
વાત કહું એક તુજને હું, કાને સાંભળ કામિની તું. ૨૦૬
જોવા કારણ આવ્યો તેહ, આપણે દૂધ વૂઠ્યા મેહ;
આળસુ ઘેર પધાર્યાં ગંગ, ઉચ્છવ આજ થયો નવરંગ. ૨૦૭
આપણે ઘેર એ બ્રહ્મા ઇશ, અન્નદાતા જાણ જગદીશ;
જાણો એમને રુડા તાત, જાણો માડી જાયા ભ્રાત. ૨૦૮
દિયો માન સમજી બહુ પેર, ભલે પધાર્યા આપણે ઘેર;
પોપટે જેહ વચન જ કહ્યું, સુણતાં જ્ઞાન રાજાને થયું. ૨૦૯
બેઠો આસન હેત જ કરી, પાસે ઉભી છે સુંદરી;
માનિની કહે સુણિયે મહારાજ, કાંઇક કહો અમ સરખું કાજ. ૨૧૦
દર્શન થયું પિતા તાહરું, પવિત્ર મંદિર થયું માહરું;
અમો આશરે છું તમતણે, અમપર હેત રાખો છો ઘણે. ૨૧૧
(પછે) પ્રમદા મંદિરમાં પરવરી, શાક પાક સામગ્રી કરી;
કરવા માંડ્યા ઉત્તમ પાક, રસોઇ બત્રિશી સુંદર શાક. ૨૧૨
મીઠાં મધુરાં શુભ્ર સેલરાં, ખાટાં તીખાં અથાણાં ખરાં;
વાર ન લાગી એકે ઘડી, જુગતે કરી રસોઈ ત્રેવડી, ૨૧૩
કસ્તૂરી લેપન કર્યું શરીર, નહાવા કારણ મૂક્યું નીર;
મર્દન કીધું રાયે શરીર, લુછી પીતાંબર પહેર્યું ધીર. ૨૧૪
જ્ઞાન ધારી થયો નરેશ, પછે રસોડે કર્યો પ્રવેશ;
માંડી થાળ જે કંચનતણી, પીરશી માંહે સામગ્રી ઘણી. ૨૧૫
ભાવથકી કીધું ભોજન, રિઝ્યો ઘણો મનમાં રાજન;
ભાત વેળા થઇ જાહરે, સ્ત્રી સામું જોયું તાહરે. ૨૧૬
માનિનીએ વરત્યું છે મન, (હજી) કામ આકળો છે રાજન;
વનિતાએ કર્યો વિવેક, દેખાડ્યું દૃષ્ટાંત જ એક. ૨૧૭
ત્રાંબા પાત્રથી કાઢો ભાત, તેનો રંગ ઉજ્જળ સાક્ષાત;
બીજો પીરસ્યો રુપાથકી, દીધો રંગ પીળો નવલખી. ૨૧૮
ત્રીજો પીરસ્યો સોનાને પાત્ર, લીલો રંગ દીધો તે ભાત;
ચોથો પીત્તળને પાત્ર સુચંગ, દીધો કસુંબીતણો રંગ. ૨૧૯
પાંચમો પીરસ્યો માટીને ઠામ, ત્યાં પણ રંગ દીધો શ્યામ;
જુવે ભાત પચરંગીતણો, રાજા અચરજ પામ્યો ઘણો. ૨૨૦
રંગ જૂવે અતિશે અનૂપ, હૃદિએ વિસ્મય પામ્યો ભૂપ;
ભરે કોળિયો આણી વહાલ, મુખમાં જાતાં એક જ સ્વાદ. ૨૨૧
જમે કોળિયો રંગ વિશેક, મુખમાં સ્વાદ આવે છે એક;
શ્યામ શ્વેત કસુંબી ખાય, મુખમાં એક અમીએ જાય. ૨૨૨
માત્ર દિઠાનું છે સૂખ, ગળે ગયું તવ મોળું મૂખ;
દેખતામાં શોભા છે ઘણી, મુખમાં એક મજા તે તણી. ૨૨૩
રાજામાં લક્ષણ બત્રીશ, હૈડામાં નવ આણી રીશ;
સમજ્યો શીખામણ છે એહ, ભાંગ્યો મનતણો સંદેહ. ૨૨૪
અજ્ઞાન હતું તે સર્વે ખોયું, યુવતીનાં મુખ સામે નવ જોયું;
કામિની કહે કરવો અન્ય ઉપાય, રખે મન કાચો રહે રાય. ૨૨૫
મનમાંહે વિચારી બુદ્ધ, ધોળી ધેનનું દોહ્યું દૂધ;
કાળી રાતી ધેનુ કાબરી, મૂક્યા દૂધના પ્યાલા ભરી. ૨૨૬
વિવિધ પ્રકારે કર્યો વિવેક, સ્વાદ દૂધનો સર્વે એક;
પામ્યો શીખામણ સઘળી તેહ, ભાંગ્યો મનતણો સંદેહ. ૨૨૭
અર્ધું મન પોપટથી પળ્યું, અર્ધું નારી ગુણથી ગળ્યું;
ઉઠ્યો ભોજન સંપૂરણ કરી, આપ્યું બીડું શુભ સુંદરી. ૨૨૮
અમૂલખ અંગુઠી જેહ, પદ્મિની કરમાં સોંપી તેહ;
મનમાં ન આણ્યો બીજો મર્મ, ઈશ્વરે રાખ્યો બેઉનો ધર્મ. ૨૨૯
કરી પ્રણામ તે પાછો વળ્યો, પ્રતિહારને જઇને મળ્યો;
ઉઘાડ રે મંદિર તાહરું, કુંડળ આપ પાછું માહરું. ૨૩૦
તે પ્રતિહારે કહ્યું વચન, સાંભળ હો રુડા રાજન;
સત્યવાદી મોટો છે રાય, તારી શોભા કહી નવ જાય. ૨૩૧
દોહરા.
કહે પ્રતિહાર સુણ નરપતિ, કહાવો ચતુરસુજાણ;
સઘળાં ડહાપણ તુજમાં, કાં બોલો થઇ અજાણ. ૨૩૨
આપી કુંડળ ને ગયા, રાય મંદિર મોજાર;
પાછું માંગો છો વળી, તે ક્યાંનો વહેવાર. ૨૩૩
રાયવચન- જે કામે કુંડળ આપિયાં, કર્યોં ઘરમાં પ્રવેશ;
તે કામ કર્યા વિણ આવિયો, માટે કુંડળ લેશ. ૨૩૪
ચોપાઈ.
કહે પ્રતિહાર સાંભળો રાય, મુજ આગળ અન્યા નહિ થાય;
બોલ્યું અબોલ્યું કરશો તમો, કુંડળ પાછું આપશું અમો. ૨૩૫
વળી કહું બીજાં દૃષ્ટાંત, જો રાજાજી છો એકાંત;
જ્યારે પશુને તરશા થઇ, સઘળાં ઢોર હવાડે જઇ. ૨૩૬
કોઇ પીએ ને કોઇ નહિ પીએ, કોશિયો પીયાવો ભરિ લીએ;
ધેનુ હાંકી ગોવાળો જાય, કોઇ બેશે કોઇ તરણું ખાય. ૨૩૭
ગોવાળાનો શાનો વાંક, લે ચરાઇ તે આડે આંક;
ગામ જમાડે રુડી પેર, દિયે નોતરું ઘેરે ઘેર. ૨૩૮
કોઈના અંગમાં હોયે દુ:ખ, કોઈકને નવ લાગે ભૂખ;
જમાડનારો તે શું કરે, ચતુર હોય તે મનમાં ધરે. ૨૩૯
ખેતર વાવવાને આપિયું, તે ગણવત કરીને થાપિયું;
પડતર રાખ કે બમણું વાવ, પરઠ્યા પ્રમાણે મારું લાવ. ૨૪૦
લીધા હાથી ઘોડા ઠામ, પતીજ જોઇને આપ્યા દામ;
ગળિયો થાય તે મોતે મરે, વેચનાર તેમાં શું કરે. ૨૪૧
રાખે ચાકર ઇચ્છા ધરી, રહ્યો કબૂલ કરી નોકરી;
બેસાડી મેલે કે દે કામ, માસ થયો કે લે તે દામ. ૨૪૨
ગૃહસ્થતણે ઘેર આવ્યો પુત્ર, શોભાવ્યું બધું ઘર સૂત્ર;
વધામણીએ બોલ જ કહ્યો, પામ્યો દામ ને ન્યાલ જ થયો. ૨૪૩
રાજક દૈવક તેને થાય છે, પાછું લેવા કોણ જાય છે;
વેવિશાળીઓ વિવાહ કરે, વર રુડો કન્યાને વરે. ૨૪૪
મોજ કરે કે ભૂખે મરે, વેવિશાળીઓ તે શું કરે;
બાપે સમૃદ્ધિ મૂકી ઘણી, થયો પુત્ર સર્વેનો ધણી. ૨૪૫
રમ્યો જૂગટું હાર્યો સર્વ, ઘરબાર સહિત ખોયું દ્રવ્ય;
તેમાં શું કરે મા ને બાપ, ઊંધું કર્મ કુંવરનું આપ. ૨૪૬
નહાનો પુત્ર મૂકે નિશાળ, ગુરુએ ભણાવ્યો આણી વહાલ;
બત્રીશ લક્ષણો કીધો ઘણો, સંગ થયો પછી ગુણિકાતણો. ૨૪૭
વિસરી વિદ્યા આડે આંક, તેમાં ભણાવનારનો શો વાંક;
એવાં કૌતિક લાખ કરોડ, કહું તમ આગળ બેહુ કર જોડ. ૨૪૮
શું જાણું શું કામે ગયા, સરયો અર્થ કે અમથા રહ્યા;
તે વાતનો હું નહીં જમાન, હું બેઠો રહું મારે સ્થાન. ૨૪૯
ઊઘાડીને જાવા દેઉં, તેટલા માટે કુંડળ લેઊં;
રાખુ બહાર તો પાછા ફરો, બીજે દહાડે જાણો તે કરો. ૨૫૦
મેં તો મારો ધર્મ મૂકીઓ, કુંડળને લોભે ચૂકીઓ;
તેં કુંડળ કેમ આપ્યું જાય, ઘેર જાઓ સમજીને રાય. ૨૫૧
તમે નહિ કરયું હોય કુડું કર્મ, આગળ જાતાં રહેશે ધર્મ;
તરે સત્ય ને બૂડે પાપ, તેની વેદ પુરાણે છાપ. ૨૫૨
ઉપજ્યું રાજાને મન વહાલ, કુંડળ ઉપર આપી શાલ;
સાબાશ કહ્યું તે રુડી પેર, મહીપતિ આવ્યો પોતાને ઘેર. ૨૫૩
સમજ્યો પોતે પુરુષપુરાણ, બીજા કોને ન કરયું જાણ;
રાજા પોપટ ત્રીજી નાર, ચોથો એક જાણે પ્રતિહાર. ૨૫૪
એ વાત એટલેથી રહી, પ્રધાનની ત્યાં શી ગત થઈ;
કવિ કહે હું કાંઈ નવ લડું, પ્રભુ પ્રતાપે આગળ કહું. ૨૫૫
દોહરા.
પક્ષ પંચ પૂરણ થયા, વૈલોચન પરધાન;
રાજસભામાં આવિયો, મહીપતિ દીધાં માન. ૨૫૬
લાવ્યો ઘોડા અતિ ભલા, હરખ્યું સહુનું મન;
વજીર વાસ પધારિયો, હુકમ કરયો રાજન. ૨૫૭
મલપતો મોહોલે આવિયો, પ્રતિહારે દીધાં માન;
કુંડળ જે નવ કોટીનાં, દીઠાં તેને કાન. ૨૫૮
શાલ દીઠી સવા લાખની, જે ઓઢી પ્રતિહાર;
બળીને પ્રલ્લે થઇ ગયો, ક્રોધ વ્યાપો અપાર. ૨૫૯
ચોપાઈ.
પ્રતિહાર ઉપર કીધી રીશ, ભમર આપ ચઢાવી શીશ;
મેં સોંપ્યું હતું તુજને કામ, કેમ સૂનો મૂક્યો તેં ઠામ. ૨૬૦
કોણ આવ્યું ને કોણ જ ગયું, લોભે મન તારું વશ થયું;
રેઢો મૂકે નહિ જે ઠામ, પ્રતિહારનું તે પૂરણ કામ. ૨૬૧
પાપી દ્રવ્યથકી ચિત્ત ચળ્યું, ફટ ફટ તારું જીવ્યું બળ્યું;
અરે પાપી તું ફરતો ફરે, એમ કહીને ક્રોધ જ કરે. ૨૬૨
સાચું બોલ રે કહેને વાત, નહિ તો તારી કરીશ ઘાત;
પ્રતિહાર કહે સુણો વજીર, આપ હૃદેમાં રાખો ધીર.૨૬૩
જુઠા સાથ આવો તાહરો, તલ માત્ર વાંક નથી માહરો;
જે દિવસના ગયા છો ગામ, સૂનો નથી મૂક્યો મેં ઠામ. ૨૬૪
રાંક માણસ નહિ જાએ કોય, આપ મંન વિચારી જોય;
જે પ્રત્યે નવ ચાલે તમો, વારી કેમ શકિએજી અમો. ૨૬૫
અમો તેહ રોક્યો નવ જાય, મૂકું દામ તો માર્યો જાય;
તસ્કર હોય પ્રગટ ક્યમ કરે, ઘરમાં જઈને ખૂણે ધરે. ૨૬૬
હડામાં અન્યા ન સમાઊં, તમ આગળ ચુગલી ક્યમ ખાઊં;
ચુગલફૂપી કુંડળ ને શાલ, સમજો મનમાં જોઇ માલ. ૨૬૭
મેં જાણ્યું હું પામીશ વહાલ, વધામણીમાં પામ્યો ગાળ;
પ્રતિહારનાં વચન સાંભળી, પ્રધાન રહ્યો મનમાંહે બળી. ૨૬૮
બની વાત તે પ્રતિહારે કરી, મેહેલે ગયો તે તેની ઘડી.
દોહરા.
રાખી રીસ હૃદિયા વિષે, આવ્યો મંદિર માંય;
પોપટ પદ્મિની બે જણાં, વાટ જુવે છે ત્યાંય. ૨૬૯
વૈલોચન ત્યાં નિરખિયો, કૃતાંત સરીખો કાળ;
રીશે ભમર ચઢાવિયું, અતિ રાતો વિક્રાળ. ૨૭૦
પોપટ પદ્મિની સમજીયાં, પગે નમાવ્યું શીશ;
ક્ષેમ કુશળ છે આપણે, છાંડો હૃદેથી રીશ. ૨૭૧
કહે પોપટ આ અવસરે, રખે કરો મન ભર્મ;
તારા પુણ્ય પ્રતાપથી, પ્રભુએ રાખ્યો ધર્મ. ૨૭૨
પ્રણામ કરીને પદ્મિની, બોલી પતિની સાથ;
વિંટી ત્યાં નંદરાયની, દીઠી જમણે હાથ. ૨૭૩
અગ્નિ ઝાળ અદકી હતી, તેમાં રેડ્યું ધૃત;
અગ્નિ રાળ ભેગાં મળ્યાં, ભડકો ઉઠ્યો તર્ત. ૨૭૪
નવ ખાએ નવ જળ પીએ, સુખે નિદ્રા નવ થાય;
એકે વાત ઉકલે નહીં, ચિત્ત લાગી ચિંતાય. ૨૭૫
તે તો ટાળી નહિ ટળે, લાગી હૃદયા સાથ;
જમ અક્ષર છઠ્ઠીતણા, (ને) પડી પટોળે ભાત. ૨૭૬
ચોપાઇ.
કહે છે શુક નામીને શીશ, તજો રાજ હૃદેથી રીશ;
સમજો મનમાં આણી પેર, નથી ખાપણ આવી તમ ઘેર. ૨૭૭
તે વાતે પ્રતિજ્ઞા કરું, દેઉં વાચા સત્ય ધી જ હું કરું;
વાત વીરી તે માંડી કહી; વિસ્તારીને સઘળી સહી. ૨૭૮
હરિએ તો રાખ્યું છે આપ, જૂઠું બોલતા બેસે પાપ;
સમજાવ્યો વજીર બહુ રીત, કહે પાણ જોડી બહુ પ્રીત. ૨૭૯
જાર આવ્યો તે જનક જ થયો, પસલી આપી મંદિર ગયો;
કહી બહેન મુખ આણી વહાલ, આપી વિંટી આપી શાલ. ૨૮૦
તે વાતે સુરજ સાખિયો, સતિનો ધર્મ રામે રાખિયો;
સાચી વાત કહૂં તમ સાથ. કહો તો અગ્નિમાં ઘાલું હાથ. ૨૮૧
પદ્મિની પોપટે કહ્યા બહુ ભેદ, તેણે તો નમ મૂક્યો ખેદ;
જેમ જેમ બે જણ વાતો કરે, તેમ તેમ રોશ અદકેરો ધરે. ૨૮૨
એને મારું કે હું મરું, ભારે દુઃખ હૃદયા ક્યમ ધરું;
એને મારું તો કોપે રાય, પ્રધાનપણું તો મારું જાય. ૨૮૩
હળવે હળવે વેર લેઇશું, રાજાને ઘણું દુઃખ દેઇશું;
એવો મનમાં રાખ્યો ક્રોધ, માને નહિ કોઈનો પ્રતિબોધ. ૨૮૪
વૈલોચન વચન-'મૂરખ પોપટ ગુણહિણ ગૂઢ, શું મુખથી બોલે છે મૂઢ;
મુજને કાઢી મૂક્યો જે દન, તે દહાડે મેં વરત્યું મંન. ૨૮૫
કાને સાંભળી તારી ખ્યાત, આપી કુંડળ રહી ગયો રાત;
કામમદ ભરી જેની દેહ, દૃષ્ટિ પડી કેમ મૂકે તેહ. ૨૮૬
ભાઇ બાપની વાતો ઘણી, તે તો મુજને કહેવાતણી;
મૂરખ નારે એ જિત્યો રાય, તેના ગુણ મુજ આગળ ગાય. ૨૮૭
સ્ત્રી ચરિત્ર વખાણો તમો, તે ડહાપણ કેમ માનું અમો;
હું સ્ત્રી ચરિત્ર ભણ્યો છું ઘણું, જાણું ચેન ચતુરાતણું. ૨૮૮
કોઇ ડાહી થઇ કૂડી નવ થાય, શૂરી થઇને બાળી કાય;
સમ પ્રતિજ્ઞા ઝાઝી કરે, દે બાધો અગ્નિમાં ધરે;
વળી દુઃખિણી થઇને રોય, એળે જીવ પોતાનો ખોય;
કોટી લાખ કરે ઉપાય, તેહ આપે જૂઠી નવ થાય. ૨૯૦
ભામિની સ્નેહ માને ભરથાર, ગુણ વાજત ને હોય ગુમાર.
દોહરા.
પ્રતિજ્ઞા હું માનું નહીં, જે જે બોલો બોલ;
કામાતુરની વારતા, ગણવી મૂરખ તોલ. ૨૯૧
જેમ લી લોઢા ઉપરે, પડી પટોળે ભાત;
જેમ અક્ષર છઠ્ઠીતણા, જેમ બીબું જેમ જાત. ૨૯૨
અનેક ઉપાય તમો કરો, પથ્થર ઉપર નીર;
સંદેહ ટલે નહિ માહરો, ક્યમ કરી રાખું ધીર. ૨૯૩
એ પાણીએ મગ નવ ચડે, સો મણ બાળો કાષ્ઠ;
ઇશ્વર આણ માનું નહીં, પડી હૈડે જે ગાંઠ. ૨૯૪
પડે ભાત ફીટે નહીં, સ્ત્રીચરિત્રના ઠાઠ;
છોડી પણ છૂટે નહીં પડે હૃદેમાં આંટ. ૨૯૫
ચોપાઇ.
સ્ત્રીના સમ વ્યસનીની પ્રીત, દ્યૂત સાચું ભંગીની રીત;
ઓરમાઇનું હેત, ગુણિકાની પ્રીત, દુઃખમાં દુઃખ વધે તે નીત. ૨૯૬
મદ્યપાની ડાહ્યો, કાગ પવિત્ર, વિષધર અમૃત રાજા મિત્ર;
સ્વદેહે ઓલગ, પાલક પુત્ર, ઈચ્છે સ્વર્ગ ઉપાસે ભૂત. ૨૯૭
સોની સાહ, ભિક્ષુક શો ભોગ, નાગર સ્નેહ, જતિનો જોગ;
જારિણી જાત, લંપટનો કોલ, સ્ત્રીએના સમ ફોગટાના બોલ. ૨૯૮
મોંઢે મૂંછ, નપુંસકનું નૂર, વેરી વિશ્વાસ કુશકાનો કૂર;
વિપ્ર હીમત, કણબી કુલ રૂપ, ઘર ગોઝારો, ભિક્ષુક ભૂપ. ૨૯૯
નિર્લોભી નાતરાનું પુણ્ય, જોગીનું ગાણું નાપિકનું મુન્ય;
કવિ સાચો, ભોળો જન ભાટ, વાળદ વેશ્યા તે કૃત્રિમ ઠાઠ. ૩૦૦
ચૂગલ સાચો તે ચોરનું ચિત્ત, અસુર આચાર, રજપૂતની પ્રીત;
આચારે અન્યા, ગુણિકા સતી. ભીખ માગતો દીઠો નરપતી. ૩૦૧
એટલાં વાનાં માને જેહ, મૂરખનો મહીપતિ કહિએ તેહ;
શુક કહે એ સાચું કહ્યું, લક્ષણ જોતામાં મેં લહ્યું. ૩૦૨
હું નહીં પક્ષીની જાત, મારી સાચી માનો વાત;
અધિક રાજાનો શો વિશ્વાસ, ફુડ રાખે હૈડાની સાથે. ૩૦૩
સર્વ સરખું નથી ત્યાં કોય, કહું પટંતર તે તું જોય;
એક શંખ નદીમાં પડ્યો, બીજો વિષ્ણુને કર ચડ્યો. ૩૦૪
એક શીપ શંખલા સમતુલ્ય, બીજીમાં મોતી અણમૂલ્ય;
એક પથ્થર દેવળ પૂજાય, બીજો પરિયટ શલ્યા થાય. ૩૦૫
એક કવિ પાખંડ જ ભણે, બીજો ગુણ શ્રીહરિના ગણે;
એક મણિનું ક્રોડે કામ, બીજા મણિનું દોકડે દામ. ૩૦૬
એક નારી હોયે શંખિણી, બીજી પદ્મિણી કે ચિત્રિણી
એક મુત્રથી પરિયા તરે, બીજો કુળ સંહારણ કરે. ૩૦૭
એક પુત્ર ગયા શ્રાદ્ધે જાય, બીજો કુળ ડૂબાડવા જાય;
એક કણબી પસાયતું કરે, બીજા ચોરી ચાડીએ ધન હરે. ૩૦૮
એક વિપ્ર તે ખેતી કરે, બીજો ચાર વેદ ઉચ્ચરે;
એક નીર સરોવર તીર, બીજું ગંગાકેરું નીર. ૩૦૯
એક બધું દુર્બલ હવાલ, બીજો તે બેશે સુખપાલ;
એક કાષ્ઠતણાં ઈંધણાં, બીજાં બાવના ચંદનતણાં. ૩૧૦
એક સૂત્ર સવાયે શેર, બીજું બેશે મોંઘું મેર;
એક તિલ ઘાણી પીલાય, બીજે શિવશંકર પૂજાય. ૩૧૧
એક ડાબો કર અશુદ્ધ ગણાય, બીજે જમણે ભોજન થાય;
એક અગ્નિ હુતદ્રવ્ય હોમાય, બીજો ઠામ કુઠામે જાય. ૩૧૨
એક ધોરી તે હળને વહે, બીજો રાજદરબારે રહે;
એક જળ તે ખાળનું નીર, બીજું ગંગોદક સુચીર. ૩૧૩
એકને પાંચ પુત્ર જ હોય, બીજો વાંઝીયો સુત વિન રોય;
એકને વહાણતણો વેપાર, બીજો શીર ઉપાડે ભાર. ૩૧૪
એક તો નાગરવેલનું પાન, બીજાં રખડે આડે રાન;
એક અમરે ફુલ શ્રીકાર, બીજું ફુલ આવળનો હાર. ૩૧૫
એક નારી સ્વામીસું બળી, બીજી જાર પુરુષસું હળી;
એક ઘર ઘર ભીખે જોડલાં, બીજો લે ઘણાં ઘોડલાં. ૧૧૬
એકને ગામ પોતાનું જાય, બીજો રાય પૃથ્વીપતિ થાય;
એક તુંબીએ જોગી ભિક્ષા ભરે, બીજી જંત્રદરબારે ઉચ્ચરે. ૩૧૭
એક લોઢું શેર પૈસે ઘણું, બીજું અમૂલખ સમશેરતણું;
એક વસ્તુ તે દોકડે ગજ, બીજી વસ્તુ અમૂલખ ધજ. ૩૧૮
એક નર શૂરાતણ ભણે, બીજો કાયર પોબારાં ગણે;
એક શાળ અમૂલખ પ્રમાણ, બીજો સામો કણકી જાણ. ૩૧૯
એક ઓદન ભલું ભોજન, બીજું કુશકાકેરું અન્ન;
એક જન પરમારથ કરે, બીજો પ્રાણ લોકોના હરે. ૩૨૦
એક સદાવ્રત આપે શીખ, બીજો ઘા પર માંગે ભીખ;
એક ભાઇ હસ્તીપર ચઢે, બીજો અણવાણો રડવડે. ૩૨૧
એક શાત્ર નવ નિત્યે ભણે, બીજો ભૂલી ફરી સ્વર ભણે;
એક અનેરાં વાસે ગામ, બીજો ઉદવસ્ત ટાળે ઠામ. ૩૨૨
એક રોપાવે વૃક્ષો આજ, બીજો કાપે સપણ કાજ;
એક કુંજમાં મહાલે રોજ, બીજો રણમાં ઉપાડે બોજ. ૩૨૩
એવાં કહું દૃષ્ટાંત અનેક, જો જો મનમાં કરી વિવેક;
નામ એક પણ ગુણ છે ઘણા, એક રાય બી રજપુતતણા. ૩૨૪
સૌને સરખાં ગણો ન આપ, તે વાતે લાગે મહા પાપ.
દોહરા.
કહે પ્રધાન તું શું કહે, એ તલમાં નહીં તેલ;
મારું મન માને નહીં, મિથ્યા લવરી મેલ. ૩૨૫
પ્રધાને પરહરી પદ્મિણી, તે જઈ રહી પિયેર;
અનેક દિવસ એમ વહી ગયા, કોઇ ન જાણે પેર. ૩૨૬
રાજા તો ભોળવાઇ ગયો, વજીરતણે મન વેર;
હૃદયે વેર જવ વ્યાપિયું, રાખ્યું હૃદેમાં ઝ઼ેર. ૩૨૭
એક વરસ એમ વહી ગયું, થયું રાયને જાણ;
મુજ માટે તો પરહરી, ચતુરા ચતુરસુજાણ. ૩૨૮
પરસ્પરે બહુ પ્રીછવ્યો , વૈલોચન પરધાન;
હેત દેખાડે અતિ ઘણું, દે ભરી સભામાં માન. ૩૨૯
તેણે તો માન્યું નહીં, તેડી નહીં ઘેર નાર;
એક દિવસ નંદ રાયજી, કીધો મન વિચાર. ૩૩૦
રાય પ્રધાન બે નીસર્યા, રમવા શુભ શિકાર;
સૈન્ય સાથે બીજું નહીં, પ્રધાન રાજકુમાર. ૩૩૧
રમી શિકાર પાછા ફરર્યા, નયનાવતી શુભ ગામ;
નેનકમલશા વહેપારીયો, આવ્યો તેણે ઠામ. ૩૩૨
તે સસરો પ્રધાનનો, આવી લાગ્યો પાય;
આદરભાવ અદકો કરયો, બહુ વિધિ કરી પસાય. ૩૩૩
ધન્ય ગામ ધન્ય ગોદરું, ધન્ય આજનો દીસ;
રાય પ્રધાન પધારિયા, પ્રસન્ન થયો મુજ ઇશ. ૩૩૪
ઢાળ્યો પાટ કનકતણો, વેર્યાં પુષ્પ ચોપાસ;
કુંમકુંમ છાંટા દેવડાવિયા, રંગમહોલ અવાસ. ૩૩૫
તરિયાં તોરણ બાંધિયાં, મોતિયે પુરાવ્યા ચોક;
દૂધે ઉમર ધોવડાવિયા, અજુવાળ્યા બહુ ગોખ. ૩૩૬
ચંદન ને વળિ અરગજા, મર્દન કરયું શરીર;
ફુલેલ અંગે સારિયાં, ઉત્તમ ગંગોદક નીર. ૩૩૭
ભાવતાં ભોજન કરાવિયાં, વિવિધ મેવા પકવાન;
મુખવાસ લવિંગ એલચી, બીડલે બાસઠ પાન. ૩૩૮
ભોજન કરિને ઊઠિયા, ઢાળ્યો ઢોલિયો એકાંત;
આણ્યા પાસા સોગઠાં, ભાંગવા મનની ભ્રાંત. ૩૩૯
વહેવારીયો કરે ચાકરી, દીપક સ્ત્રીને હાથ;
રાય પ્રધાન ત્યાં બેઊ છે, અન્ય નહીં કો સાથ. ૩૪૦
રાય વનિતાની વાત જે, જાણે છે સાહ આપ;
સતી કન્યા સુલક્ષણી, પવિત્ર વાત વિચાર. ૩૪૧
વાત કહાડી રમવાતણી, પવિત્ર વાત વિચાર;
ચાર વિના રમવું કશુ, બેનો શો વહેવાર. ૩૪૨
રાય પ્રધાન ભિલ્લુ થયા, જોવા સરખી વાત;
એક મેર તો પદ્મિની, સામો તેનો તાત. ૩૪૩
ચારે જણ બહુ ચતુર છે, જોવા સરખી વાત;
લાગી ઝ઼ડ પાસાતણી, સહુ હરખે મન સાથ. ૩૪૪
પહેલી વાત સસરો કહે, ભાંગવા મનનો ભેદ;
હવે પોબાર પડે જેહના, તે સત્ય સાચો વેદ. ૩૪૫
ન પડે (તો) જૂઠો જાણવો, ખેદ ન કરશો કાંય;
એમ કહીને ઢાળિયા, ચોપટ પાસા ત્યાંય. ૩૪૬
પ્રધાન કહે અરજ કશી, નાંખો પાસા સત્ય;
પડશે તેને પાધરું, નહિતર જાશે પત્ય. ૩૪૭
સાહ કહે સાખી સત્યનો, ઈશ્વર આપોઆપ;
સાચું જુઠું સહેજમાં, પરઠે પુણ્ય ને પાપ. ૩૪૮
વચમાં ઈશ્વર આણિયા, સત્ય સાક્ષી કહેવાય;
રમત ત્યાં હાજર કરી, ન્યાય અન્યાય તોળાય. ૩૪૯
(શેઠ) - ગંગોદક નિર્મળ જસું, સદા પવિત્ર જ સાર;
તેવું કુળ હોય માહરું, પડ પાસા પોબાર. ૩૫૦
(રાજા) - હંસ ગયો સરોવર વિષે, દીઠું અમૃત વાર;
પિધા વિના પાછો વળ્યો, પડ પાસા પોબાર. ૩૫૧
(પદ્મિની) - સિંહ મૂછ ભોરિંગ મણિ, કરતી ધન સતિ નાર;
જીવતાં પર કર જાય નહિ, પડ પાસા પોબાર. ૩૫૨
(વૈલોચન) - જે માર્ગે સિંહ સાંચયા, ઊભાં તરણ અપાર;
તે તૃણ ઊભાં સુકશે, પડ પાસા પોબાર. ૩૫૩
ચોપાઈ.
પ્રથમ નાખ્યા સસરે તે ઠાર, ખરા પડ્યા તેના પોબાર;
વહેવારીયાને હાથે ચડ્યા, તેના તરત પોબાર જ પડ્યા. ૩૫૪
ઢાળ્યા રાય ને ત્રીજી નાર, બહુ વિધથી પડિયા પોબાર;
ચોથી વાર નાંખ્યા પરધાન, ન પડ્યા પોબાર ઉતરયું માન. ૩૫૫
હસી પડ્યા માંહોમાંહિ સાથ, પરસ્પરે તાળી દઇ હાથ;
ત્યારે વજીર વાણિ બોલિયો, મનતણો પડદો ખોલિયો. ૩૫૬
બીજી વારના ખોટા પડે, મારે મન તો અચરત તો અડે;
એક વાર પાધરું આવે સોય, તે સાચું નવ માને કોય. ૩૫૭
ત્યારે સસરો બોલ્યો વાણ, સાંભળો સર્વે ચતુરસુજાણ;
સાચો ઈશ્વર પૂરો સાખ, નાંખો વાર હજારો લાખ. ૩૫૮
ઉન્હાં તેલ તે ટાઢાં કરે, દુ:ખ પડે માણસનાં હરે;
એમ કહી હસિયા સાથમાં, લીધા પાસા સસરે હાથમાં. ૩૫૯
દોહરા.
(શેઠ) - આંબે અંબફળ ઊતરે, કેળાં કદળી સાર;
બરાસ વાસ તજે નહીં, પડ પાસા પોબાર. ૩૬૦
(રાજા) - દેવળ દેખીને ગયો, દર્શન કરવા દ્વાર;
દર્શન પણ સ્પર્શન નહીં, પડ પાસા પોબાર. ૩૬૧
(પદ્મિની) - તેજી ન સહે તાજણો, શૂરો ન સહે માર;
કુવચન સતી સહે નહીં, પડ પાસા પોબાર. ૩૬૨
(પ્રધાન) - શ્યામા સેજે સંચર્યો, સદ્ય દેખિ વળી નાર;
રમવાને ગમ્યું નહીં, તો પડ પાસા પોબાર. ૩૬૩
ચોપાઈ.
સસરો રાજા ત્રીજી નાર, ત્રણ જણના પડિયા પોબાર;
ન પડ્યા પ્રધાનના ઝ઼ાંખો થયો, ક્ષણ એક રહી બોલ જ કહ્યો. ૩૬૪
ત્રીજી વાર પડે પોબાર, તો હું વાત માનું નિરધાર;
કહેતામાં ગ્રહ્યા તે વાર, નાંખે છે લેઇ તેણી વાર. ૩૬૫
દોહરા.
(શેઠ) - સીતા સરિખી સુંદરી, કીધા ધર્મવિચાર;
સોને શ્યામ અડે નહીં, પડ પાસા પોબાર. ૩૬૬
(રાજા) - અમૃત પિરસ્યું થાળમાં, આપે કરવા આહાર.
દીઠું પણ ચાખ્યું નહીં, પડ પાસા પોબાર. ૩૬૭
(પદ્મિની)- ઈશ્વર બેલી સર્વનો, નોધારાં આધાર;
સત્ય રાખે સતીતણું, પડ પાસા પોબાર. ૩૬૮
(પ્રધાન) - મીની આગળ પય રહે, અગ્નિ આગળ ઘૃત સાર;
ભૂખ્યા આગળ ભોજન રહે, પડ પાસા પોબાર. ૩૬૯
ચોપાઈ.
પડ્યા પોબાર હરખ્યા ત્રણ જણ, વજીર વાત સંભળાવે કરણ;
વેદ વચન કહેવાયે ચાર, તો તે વાત માનું નિરધાર. ૩૭૦
સસરો હરખ્યો તત્ક્ષણ લીધ, નાખ્યા દાવ કરીને સિદ્ધ;
રાખ્યું સત્ય જે દેવતજતણું, તે ત્રણ મનમાં હરખ્યાં ઘણું. ૩૭૧
દોહરા.
(શેઠ) - સત્યે બાંધી મોહિની, સત્યે બાંધ્યો સંસાર;
હોય સત્ય જો આ સમે, પડ પાસા પોબાર. ૩૭૨
(રાજા) - રત્ન અમૂલ્ય સુહામણું, લોભે ગયો તે ઠાર;
દીઠું પણ લીધું નહીં, પડ પાસા પોબાર. ૩૭૩
(પદ્મિની) - સત્ય ચુકે જો સાધવી, ધરા ન ઝીલે ભાર;
તે ગુણ હોયે મૂજમાં, પડ પાસા પોબાર. ૩૭૪
(પ્રધાન) - અરુણ આગળ આગિયો, ઈંદુ આગળ અંધકાર;
જાર આગળ જુવતી રહે, પડ પાસા પોબાર ૩૭૫
ચોપાઇ.
પડયા પોબાર ત્રણે જણ તણા, ન પડ્યા પ્રધાન નાંખ્યા ઘણાં;
વજીર અપમાન થયો બહુ પેર, તેણે રાખ્યું હ્રુદિયામાં ઝેર. ૩૭૬
પંચમાં ભૂંડો કહે છે સહુ, મનમાં ખેદ પામે છે બહુ;
પંચ પ્રમાણ કરે છે ખરું, બાકી સર્વ જૂઠું તાહરું. ૩૭૭
પંચ કહે તે જે નવ કરે, તે સુકૃત પોતાનું હરે;
એકવાર સહુ નાખો આપ, ફરિ બોલે તેને શિર પાપ. ૩૭૮
પંચવારથી પાછો જાય, તે હીણો કૂડો કહેવાય;
એવાં વાયક સુણીને કરણ, હરખ્યાં પેલાં જે જણ તરણ. ૩૭૯
લીધા પાસા ત્રણે હાથમાં, નાંખ્યા સત્યવાદી સાથમાં.
દોહરો.
(શેઠ) - અહલ્યા તારા દ્રૌપદી, સીતા મંદોદરી નાર;
તેવું કુળ હોય માહરું, પડ પાસા પોબાર. ૩૮૦
(રાજા) - અમ્રુત પી અમર થયો, રત્ન ધર્યું મન સાર:
અડવા લાલચ નવ કરી, પડ પાસા પોબાર. ૩૮૧
(પદ્મિની) - પાપ રહે કાશી ગયે, બ્રહ્મ નિંદે બ્રાહ્મણ સાર;
સ્વામી વિયોગે સતી રહે, તો પડ પાસા પોબાર. ૩૮૨
(પ્રધાન) - અહીમુખે અમૃત ઝરે, ચોર આગળ ભંડાર;
કામી આગળ રહે કામિની, તો પડ પાસા પોબાર.૩૮૩
ચોપાઇ
ન પડયા બાર ને ઝાંખો થયો, બોલ્યાનો મારગ નવ રહ્યો;
પ્રધાન કષ્ટ પામ્યો બહુ પેર, હ્રદિયામાંહે રાખ્યું ઝેર. ૩૮૪
ઠસી વાત હ્રદયમાં સહી, નારી વેર સહેવાએ નહીં;
શસ્ત્ર તણો ઘા રૂઝે સહી, કુપત્ની વેર વીસરે નહીં. ૩૮૫
કોઇને મુખે નવ કહેવાય, પટાંતરે તે પારખી જાય.
હસતે રમતે વીતી રાત, પોહો ફાટ્યો ને થયું પ્રભાત. ૩૮૬
પ્રધાનનું નવ માન્યું ચિત્ત, અશ્વ ચડીને ચાલ્યો ધીટ;
વનિતાએ કરિયો વાયદો, કાયામાં રાખ્યો કાયદો. ૩૮૭
ઝેર રાખી ચાલ્યો પરધાન, સતીવચન નવ સુણિયું કાન;
મહા ભયાનક વનમાં જાય, નથી બીજો કોઇ સાથ સહાય. ૩૮૮
સુંદર વાવ્ય ને શીતળ નીર, ઝાડ ચંપાનું તેને તીર;
જઈ ઉતરિયા તેની છાંય, પીવા નૃપ પેઠો માંય. ૩૮૯
પીધું નીર ને શાતા થઈ, લખ્યો દોહરો ભીંતે જઈ.
દોહરો.
રાય - હણે વાઘ સહુ જીવને, માંસાહારિ ગણાય;
દ્રઢ વિશ્વાસ કરે સહુ, આપ બચ્ચા નવ ખાય. ૩૯૦
એમ લખી પાછો વળ્યો, આવ્યો જળથી બહાર;
પછી પ્રધાન પીવા ગયો, લખ્યા આંક જે ઠાર. ૩૯૧
વાંચી અક્ષર ખીજ્યો ઘણું, પોતે લખ્યો અંક;
આપે ડહાપણ શું કરે, પરનો કહાડે વંક. ૩૯૨
પ્રતિઉત્તર પોતે લખ્યો, સૂઝે જેવી પેર;
પ્રધાન- સાચો હોય શિદ પરવરે, કપટ કરી મુજ ઘેર. ૩૯૩
ભૂખ્યાને અણભોજ્ય શું?, અનાથની શી આથ;
જારને મન શું દીકરી, ઉન્મત્તને શો સાથ. ૩૯૪
બીજી વાર જળમાં ગયો, રાયે વાંચ્યો લેખ;
ખોટો આણે ખરખરો, દુ:ખ ન ધરતો રેખ. ૩૯૫
રાય- ગજેન્દ્ર વશ અંકુશને, નારી તે વશ શર્મ;
અર્ણવ વશ મરજાદને, રાજા તે વશ ધર્મ. ૩૯૬
ચોપાઈ.
એહ લખી આવ્યો રાજન, જળ પીવા પેઠો પરધાન;
તે વાંચી ઉત્તર આપે લખ્યો, ક્રોધ અતિશે મનમાં રખ્યો. ૩૯૭
દોહરો.
પ્રધાન- તરસ્યો જાય તળાવમાં, દેખી અમૃત તોય;
જોયે તરસ છિપે નહીં, પાછો ન વળે કોય. ૩૯૮
ચોપાઈ.
એમ લખીને આવ્યો બહાર, પછી રાજા ગયો તે ઠાર;
વાંચ્યા અક્ષર ચેત્યો ચિત્ત, કોપ તજીને લખ્યું કવિત. ૩૯૯
દોહરો.
રાય- ઘેર બેઠાં મોતી નવ હોરીએ, પ્રમાણ કરીએ બહુ પેર;
કબુલ સૌ (તે) ખોટું કરે, (જો) ગરજે જાએ ઘેર. ૪૦૦
ચોપાઇ.
વજીરે આપે વિચાર્યું ચિત્ત, જોવા ચાલ્યો વાવડી ભીત;
વાંચી વિચારયું મનડા સાથ, લીધો રાયને આડે હાથ. ૪૦૧
દોહરો.
પ્રધાન - મન વશ હોયે જેહનું, સત્ય તજે ન નિર્વાણ;
કપટ કરી નવ મોકલે, લેવાને કેકાણ. ૪૦૨
ચોપાઇ.
એમ લખી બાહેર આવિયો, ખાર હ્રદેમાં અધિક લાવિયો;
વળી રાયે લખ્યો એક મર્મ, રાખવા શ્યામા કેરી શર્મ. ૪૦૩
દોહરા.
રાય- નીચ દ્રષ્ટિ તે નવ કરે, જે મોટા કહેવાય;
શત લાંઘણ જો સિંહ કરે, તોએ તૃણ નવ ખાય.૪૦૪
રત્ન જડિત હોય મોજડી, શીશ ન બાંધે નેટ;
કનક છરી હાથે ધરી, કોય ન મારે પેટ. ૪૦૫
ચોપાઇ.
વળી પ્રધાને તો વાંચિયું, અદકું વેર દિલમાં સાંચિયું;
ફરી લખ્યું દિલ આણી દુ:ખ, જો મુજને ઉપજાવે સુખ.૪૦૬
દોહરા.
પ્રધાન- હેતે શું વિખ પીજીએ, સૌ અમૃતને ખાય;
પેટે પાળી ન મારિયે, વેળા તેવી રક્ષાય. ૪૦૭
તે વાંચી રાજા લખે, છેલ્લો અક્ષર આંક;
રાય- ચતુર ચિત્ત ક્ષમા કરે, પરનો હોય જો વાંક. ૪૦૮
મૂરખ તો માને નહીં, માને ચતુરસુજાણ;
સત્ય ગયું સર્વે ગયું, બોલે વેદ પુરાણ. ૪૦૯
સત્ય આધારે મેદની, સત્ય દિવાકર સૂર;
તે સત્ય જેણે મૂકિયું, તેને હત્યા પૂર. ૪૧૦
રાખી પ્રીત પટાંતરે, તે વારૂ વહેવાર;
તે પડદો જો ભાગિયો, તો રહે કેમ જ કાર. ૪૧૧
તેહ વજીરે વાંચિયું, લખિયો છેલ્લો ભેદ;
પ્રધાન- અજા બાપડી શું કરે, સિંહસું રાખી ખેદ. ૪૧૨
પુત્ર મિત્ર વહાલા નહીં, નહીં સ્વારથકે દામ;
પંડિત પ્રિય વહાલા નહીં, જ્યારે પ્રગટ્યો કામ. ૪૧૩
સત્ય શીલ ડહાપણ ગયું, જાયે નિર્મળ નામ;
સત્ય પાણી વહેતું રહ્યું, જ્યારે પ્રગટ્યો કામ. ૪૧૪
નાત જાતનો ભય નહીં, ગોત્ર નહીં ગુણગ્રામ;
રાજા પ્રજાનો ભય નહીં, જ્યારે પ્રજાનો કામ ૪૧૫
જુએ ન મરદ ન મેરી એ, જુએ ન શિવ કે શ્યામ;
આત્માનાત્મા નવ જુએ, જ્યારે પ્રગટ્યો કામ.૪૧૬
સુખ નહિં સૂતાં સેજડી, સુખ નહિ આઠે જામ;
જળ ભોજન નિદ્રા નહીં, જ્યારે પ્રગટ્યો કામ.૪૧૭
ગમે ન ઘર પુર મેડિઓ, ગમે ન ઉદ્યમ ઠામ;
ગમે ન વાત વિદ્યાતણી, જ્યારે પ્રગટ્યો કામ.૪૧૮
ચોપાઇ.
એવાં લખ્યાં પ્રધાન વચન, તે રાજાને લાગ્યાં મંન;
કોઈ કોઇને મુખે નવ કહે, લખી પટાંતરે છાના રહે.૪૧૯
રાજા કહે લખું એક વાર, જો મૂરખ મૂકે અહંકાર.
દોહરા.
રાય- કમળ જળમાં નિત્ય રહે, નિમેષ, ન ભેદે નીર;
કામ ન ભેદે તેહને, જેનું શુદ્ધ શરીર. ૪૨૦
જીભને ચિકટ અડે નહીં, સોને ન અડે શ્યામ;
ગુણને અવગુણ નવ અડે, જ્ઞાનીને નવ અડે કામ. ૪૨૧
નીરને અજ્ઞિ નવ અડે, દુષ્ટ હ્રદે નહિ રામ;
લોભને લાજ અડે નહીં, જ્ઞાનીને ન અડે કામ. ૪૨૨
બ્રહ્મને કર્મ અડે નહીં, સંતોષીને ન અડે દુ;ખ;
જોગીને ભોગ અડે નહીં, રોગીને ન અડે સુખ. ૪૨૩
અરુણને તિમિર નવ અડે, સિદ્ધને નવ અડે શાપ;
સિંહને શિયાળ અડે નહીં, પરિબ્રહ્મને ન અડે પાપ. ૪૨૪
વેદને ભેદ અડે નહીં, ખળને ન અડે સત્ય;
સાચાને જૂઠ અડે નહીં, જો પ્રભુ રાખે પત્ય.૪૨૫
અગ્નિ બાળે સર્વેને, જીવ બાળ્યો નવ જાય;
મન્મથ જિતે સર્વને, જ્ઞાની નવ જિતાય. ૪૨૬
વહાલાં પાખંડ અજાણને, હરિ જનને વહાલા રામ;
સત્યને વહાલો ધર્મ છે, પાપીને વહાલો કામ. ૪૨૭
ચોપાઈ.
રાય લખી આવ્યો બારણે, પ્રતિત પ્રધાનતણે કારણે;
પ્રધાને લખ્યો એક જ બોલ, ઉતારવા રાજાનો તોલ. ૪૨૮
દોહરા
પ્રધાન- ઉમયા ઇશે નવ જોત્યો, જિત્યો નહી શ્રીરામ;
બ્રહ્માદિકે જિત્યો નહિ, એવો અજિત છે કામ. ૪૨૯
જિત્યો નહિ મહામુનિવરે, નવ જિત્યો રવિ ચંદ્ર;
જિત્યો નહિ વ્યાસ વિચક્ષણે, જિત્યો નહિ સુર ઈંદ્ર. ૪૩૦
જિત્યો નહિ પાંચ પાંડવે, જિત્યો ન રાવણ રાય;
જિત્યો નહિ જોરાવરે, કામ અજિત કહેવાય. ૪૩૧
જિત્યો નહિ કો દેવતા, જિત્યો નહિ કો લોક.
જિત્યો કોઈ કહે કામને, તે તો જાણવો ફોક. ૪૩૨
વેદ પટન કવિ ચાતુરી, સઘળી વાત છે સહેલ;
કામદહન મન વશકરણ, ગગનચઢણ મુશ્કેલ. ૪૩૩
મૂર્ખ જિત્યો કહે કામને, માનો તેનાં પાપ;
સહુને હૃદે વ્યાપી રહ્યો, કામ અજિત છે આપ. ૪૩૪
કોઈ ડાહ્યો થઇ બોલશે, રાખી પોતાનો ભાર;
તેને લેજો ઓળખી, મૂરખનો સરદાર. ૪૩૫
પંચ કણ પ્રાશે અંનના, ચિત્ત ભંગ થાયે નેણ
ઉઠી બેઠું થવાય નહિ, (પણ) કામ ન મેલે ચેન. ૪૩૬
કાં નારી કાં નર પશુ, વૃદ્ધ જોબન ને બાળ;
કાં મૂરખ પંડિત વડા, કામતણે વશ કાળ. ૪૩૭
મર્યાદાથી માન રહે, અણસમર્થ રહે આપ;
એકાંતે આરાધન રહે, વેદ પુરાણે છાપ. ૪૩૮
કાં મન્દોદરી દ્રૌપદી, અહલ્યા સીતા શરીર;
રાખ્યું આપ જ ઈશ્વરે, કામને વશ છે હીર. ૪૩૯
નહૂષ સરખો સાધવી, શત યજ્ઞનો કરનાર;
કામ અર્થે કર જોડિયા, પૂછી લેજો પાર. ૪૪૦
પારાશર પંડિત ઘણો, નવ ખંડ જેનું નામ;
મચ્છગન્ધા મનમાં વસી, કર્તવ્ય કહિયે કામ. ૪૪૧
ઇંદ્ર સરીખો અધિપતિ, ઈંદ્રાસન સુખ ધામ;
ગૌતમ નારી સંગે રમ્યો, કર્તવ્ય કહિયે કામ. ૪૪૨
ચતુર ચંદ્ર સરીખડો, રોહિણી સરખી રાણ;
ગુરુની નારી ભોળવી, કર્તવ્ય કહિયે કામ. ૪૪૩
કહેતાં પાર ન પામિયે, પ્રકાશિયે શિદ પાપ;
સહુકોને મન સિદ્ધ છે, જાણો આપોઆપ. ૪૪૪
હવે અક્ષર રખે લખો, ડાહ્યા થઈને આપ;
મને સિદ્ધ માન્યું અમો, (લખે) બ્રહ્મહત્યાદિક પાપ. ૪૪૫
ચોપાઇ.
બેઠા બેઉ જણ સ્થાનક ઠરી, હેત પ્રીતશું વાતો કરી;
વીસારી મૂકી તે વાત, સ્નેહ વધાર્યો મનડાં સાથ. ૪૪૬
ઉષ્ણ કાળ અગ્નિની જ્વાળ, ખરા થયા મધ્યાહ્ન જ કાળ;
પ્રધાન ખોળે મૂક્યું શીશ, સૂતો રાજા તેણે દીશ. ૪૪૭
ભર નિદ્રા થઇ જ્યાહરે, વજીર વિચાર કરે ત્યાહરે;
જેના હૈડામાંહે ડાઘ, આવો ક્યાંથી પામીશ લાગ. ૪૪૮
અર્થી દોષ મનમાં કેમ ગણે, જોગી ભોગીને કેમ બને;
શૂરા કાયરનો ન મળે મેળ, પાપી ધર્મીને ન હોય બેલ ૪૪૯
સતી ગુણીકાને ન હોય પ્રીત, રાય રંકની ન હોય એક રીત;
મૂર્ખ પંડિતને ન દે માન, સાચ જૂઠનું ન એક તાન. ૪૫૦
રાજા સાચો વહેમી પ્રધાન, ત્રીજું નહો તેમાં અનુમાન;
અરુંપરું ચોપાસે જોય, માનવી માત્ર મળે નહિ કોય. ૪૫૧
કહાડી પાળી રાખી તળે, મારી તે રાજાને ગળે;
થયો અધર્મી તેહ અજાણ, માર્યો રાજા ચતુરસુજાણ. ૪૫૨
ન ગણી હત્યા પોતે મંન, મૂક્યો અશ્વ છોડીને વંન;
ઘાલ્યો રાયને ભોમી ખણી, પાપ શંકા મનમાં નવ ગણી. ૪૫૩
ચંપે બેઠતો માળી ચડી, દીઠું અચરત નજરે અડી;
મનમાંહે થરથર ધ્રૂજિયો, સઘળી વાતે ત્યાં બૂઝિયો. ૪૫૪
નિશા સમે તજિયો તે ઠામ, આવ્યો વજીર પોતાને ગામ;
પ્રથમ ઘેર રાજાને ગયો, પૂછી વાત ને સાચો થયો. ૪૫૫
સૂતા કે બેઠા છે રાય, ગયા વાડી કે છે ઘરમાંય;
ગયા એકઠા જુજવા વળ્યા, પાંચ દિવસ થયા નથી મળ્યા. ૪૫૬
મળ્યા વર્ણ અઢારે લોક, સહુકોને મન પ્રગટ્યો શોક;
આવ્યો અશ્વ વનથી રડવડ્યો, ધ્રાસ્કો પ્રજા સહુકોને પડ્યો. ૪૫૭
રાણી પુત્રે દુઃખ બહુ ધર્યું, જે કરવું ઘટતું કર્યું;
ચિત્તમાં ચિંતા વાધી ઘણી, આશા મૂકી રાજાતણી. ૪૫૮
વાટ જોતાં થયો એક માસ, મનસા સિદ્ધથી મૂકી આશ;
કાંઇક શોક કર્યો મન ત્યાજ, પછી પુત્ર બેસાડ્યો રાજ. ૪૫૯
મોટો વજીર ને નહાનો રાય, કારભર એમ ચાલ્યો જાય;
માળી આવ્યો પોતાને ઘેર, નિરખી પાપી પ્રધાનની પેર. ૪૬૦
સમજીને રહ્યા હૃદિયા સાથ, વાત ન સોંપી પરને હાથ;
મોટા જનની વતો ક્યમ કરું, શાને વણ ખૂટે હું મરું. ૪૬૧
ચેત્યો પોપટ પોતે મંન, પાપીએ માર્યો રાજંન;
શું કરું જે લૂણ જ ખાઉં, નહિ તો હમણાં કહેવા જાઉં. ૪૬૨
અનેક પાપ બીજાં છે ઘણાં, નથી કો લૂણહરામી સમાં;
એનું કર્યું ભોગવશે એહ, એહ વાતનો નહિ સંદેહ. ૪૬૩
એમ કરતાં સંવત્સર થયું, ત્યાર સૂધી સૌ છાનું રહ્યું;
કો કોને મોઢે નવ કહે, પાપ કર્યું કેમ છાનું રહે. ૪૬૪
છાનો ન રહે થયો પ્રભાત, છાની ન રહે પડે જે રાત;
છાનો ન રહે ખોદ્યો કૂપ, છાનો ન રહે પાપી ભૂપ. ૪૬૫
છાનું ન રહે દેહમાં દુઃખ, છાની ન રહે લાગી ભૂખ;
છાની ન રહે સ્ત્રીની પ્રીત, ઉત્તમ મધ્યમની એ રીત. ૪૬૬
છાનું ન રહે જે અમલ પીએ, છાનું ન રહે જે દાન દીએ;
છાની ન રહે વ્યસનીની જાત, છાની ન રહે ભીંતરની દાઝ. ૪૬૭
છાની ન રહે કીર્તિ કોઇતણી, છાની ન રહે વિદ્યા ભણી;
છાનો ન રહે દાતાર ને જાર, છાનો ન રહે રાગ ગાનાર. ૪૬૮
છાની ન રહે વાતો જે નવી, છાનો ન રહે કહેવાયો કવિ;
છાનો ન રહે કસબી જેહ, રુડો કેપછી ભુંડો તેહ. ૪૬૯
છાનો ન રહે વૂઠ્યો મેહ, છાનો ન રહે દુઃખિયો દેહ;
મની ઉન્દરમાં ન રહે ખીર, છાનું ન રહેનપુંસકનું નીર. ૪૭૦
પારો પડે તેમાં ન રહે ટુકડો, છાનો ન રહે બહુચરનો કુકડો;
છાનું ન રહે કોઇનું આપ, છાનું ન રહે હડકાયું પાપ. ૪૭૧
ઈશ્વર ધર્મ વહાલો સહી, માટે માળીએ દીઠું તહીં.
દોહરા.
ચંપો લેઇને ચાલિયો, વજીરતણે તે ઘેર;
કાં તું અસુરો આવિયો, વજીરે કહી બહુ પેર. ૪૭૨
કર્યો પ્રહાર ત્યાં દંડનો, હૃદે ધરીને રીશ;
આજથકી તું ચૂકશે, છેદીશ તારું શીશ. ૪૭૩
ચોપાઇ.
ઘેર આવ્યો પતિ માલણતણો, વ્યાપ્યો ક્રોધ હૃદેમાં ઘણો;
પેલી વાત થઇ જેટલી, તારુણી આગળ કહી તેટલી. ૪૭૪
એ વજીર પાપી કહેવાય, માર્યો આપણો એણે રાય;
ચંપા ઉપરથી મેં લહ્યું, આજ મેં તુજ આગળ તો કહ્યું. ૪૭૫
માલણ કહે રાણી પાસે જાઉં, તે વાતની વધામણી ખાઉં;
રાજાનું લેવડાવું વેર, કેમ સાંખું હું એવડું ઝેર. ૪૭૬
ત્યારે માળીએ ઘસિયા હાથ, મેં સીદ કરી સ્ત્રીથી વાત;
ત્યારે માળી બોલ્યો અંક, એ મોટા ને આપણા રંક. ૪૭૭
રંક વર્ણ ના જીરવે ધંન, જીરવે લાઘણ કરીને અંન;
કાયરને મન ના રહે ધીર, બિલ્લી પેટમાં ન રહે ખીર. ૪૭૮
વનિતા પેટમાં ન રહે વાત, રુડી કે ભુંડી સાક્ષાત;
માલણ માળીની વારી ન રહી, ચેતાવા રાણી પાસે ગઈ. ૪૭૯
કહ્યું સર્વ પેલું વૃત્તાંત, ભાંગી મનડા કેરી ભ્રાંત,
ચંપા હેઠળ માર્યો રાય, હજી અસ્થિ પડ્યાં છે ત્યાંય. ૪૮૦
માન્યું રાણીએ સાચું સૂત્ર, પાસે તેડાવ્યો પોતાનો પુત્ર;
સર્વ વાત સમજાવી કહી, નિશા કુંવરને પૂરી થઈ. ૪૮૧
અંતઃકરણમાં વ્યાપી રીશ, પગની જ્વાળે ભેદ્યું શીશ;
તેડ્યો વજીર પાસે ત્યાંહાં, કહે તાત માર્યો છે ક્યાંહાં? ૪૮૨
રખે વજીર જૂઠું ઓચરે, આવ્યો કાળ વણ ખૂટે મરે;
નહિ મૂકું તુજને આ દીશ, નીચ પાસે છેદાવું શીશ. ૪૮૩
પ્રધાન ત્યાંહાં નામુક્કર ગયો, કોટી ઉપાયે નવ જૂઠો થયો;
તેને સાથે તેડી પૂર પળે, ગયો વૃક્ષ ચંપાને તળે. ૪૮૪
દાટ્યાં હતાં તે કહાડ્યાં અસ્થ, નિકળી સાચે સાચી વરત;
નગર લોકે તે દીઠું દૃષ્ટ, કોટિ પ્રકારે પામ્યાં કષ્ટ. ૪૮૫
નાખ્યાં અસ્થ ગંગાને તીર, ઘેર આવ્યાં મન રાખી ધીર;
પ્રધાનને બાંધી આણિયો, પિતાતણો ખૂની જાણિયો. ૪૮૬
બોલ સાચું ઉભો રહી ઘાટ,મહીપતિને મારયો શા માટ;
જૂઠી વાત રખે તું કરે, આવ્યે કાળ ખૂટે તું મરે. ૪૮૭
કહે વજીર સુણ નૃપના પુત્ર, સાચું કહું તમ આગળ સૂત્ર;
મુજને હય લેવા મોકલ્યો, રાતે મહોલે આવ્યો એકલો. ૪૮૮
પ્રતિહાર કર કુંડળ દીધ, પ્રવેશ ઘર મારામાં કીધ;
યુવતી સાથે ભોજન જમ્યો, વીંટી આપી રંગે રમ્યો. ૪૮૯
કામ આંધળો થયો તે જાર, તે માટે મુજને લાગ્યો ખાર;
નારી પોપટ ત્રીજો રાય, મારે મુખે નામુક્કર જાય. ૪૯૦
તે તો ખાર હઇડે ધારિયો, તારો તાત તેથી મારિયો;
કામવાસના એણે કરી, પાપ બુદ્ધિ મેં હૈડે ધરી. ૪૯૧
માર્યો મહીપતિ મેં નિસ્શંક, સાચો અક્ષર એ છે અંક;
માર્યો રાજા કીધો સ્ત્રીસંગ, એ વાતનો એટલો છે અંક. ૪૯૨
દોહરા.
કહે કુંવર વજીરને, એવો નહિ મુજ બાપ;
પતી જ પાડો મૂજને, તો ખૂન કરું હું માફ. ૪૯૩
જારબુદ્ધિ થઈ જનકને, તે જો સાચું હોય;
સુખે મંદિર પરવરો, પૂછી ન શકે કોય. ૪૯૪
પોપટ આણ્યો પાંજરેથકી, હત્યા દીધી ચાર;
કોઈની પક્ષ રાખીશ મા, કહેજે સત્ય વહેવાર. ૪૯૫
શુક કહે મેં પહેલું કહ્યું, માન્યું નહિ પરધાન;
શું કહિયે એ મૂઢને, હૃદયે રહી નહિ સાન. ૪૯૬
ચોપાઈ.
કહું સંક્ષેપે શુક કહે વાણ, જૂઠું બોલું તો ઈશ્વર આણ;
સ્ત્રી ઉપર રાયે મન ધરયું, કહાડ્યો પ્રધાનને તે પણ ખરું. ૪૯૭
જારબુદ્ધિ કે જોવા કાજ, તે તો જાણે શ્રીમહારાજ;
કુંડળ બે આપ્યાં પ્રતિહાર, મધરાતે આવ્યો તે ઠાર. ૪૯૮
કહ્યો મેં અતિશય પ્રતિબોધ, નવ આણ્યો નંદરાયે ક્રોધ;
પદ્મિનીએ કીધી બહુ પેર, ભલે પધાર્યા મારે ઘેર. ૪૯૯
દેખાડવું પટાંતરે ઘણું, ગળ્યું મન નંદ રાજાતણું;
રાજા સત્યવાદી તે ગળ્યો, પસલી આપી પાછો વળ્યો. ૫૦૦
જારબુદ્ધિ તે જનક જ હોય, તેમાં ખેદ ન કરશો કોય;
ઘેર વજીર આવ્યો જ્યાહરે, સાચાં દૃષ્ટાંત દીધાં ત્યાહરે. ૫૦૧
મેં ત્યારે સમજાવ્યો મર્મ, રાખ્યો ઈશ્વરે તારો ધર્મ;
એ મૂર્ખતણો શો વાંક, દીઠા સાચા અક્ષર આંક. ૫૦૨
મારું કહ્યું તે એ ક્યમ કરે, સહુકોનું તેજ જ જ્યાં હરે;
એને તો મન માન્યું ખરું, જેનું હૈડું કપટે ભર્યું. ૫૦૩
દુર્બળ પરોણો કોણ રાંધે ખીર, કાંબળીએ કો ન ધીરે ચીર;
એ તો સાચું બોલ્યા અમો, મન જાણો તો તે કરજો તમો. ૫૦૪
એવી વાત પોપટ કહી રહ્યો, ફટ પ્રધાનને સહુએ કહ્યો;
બહુ અન્યા તેં કીધો ખરો; માટે સહુ કહે તે ચિત્ત ધરો. ૫૦૫
દોહરા.
કહે વજીર મેં મારિયો, પોપટને બહુ માર;
માટે મુજને મરાવવા, રાખે છે બહુ ખાર. ૫૦૬
આજ હું સંકટમાં પડ્યો, જે કરશો તે સ્હેશ,
વણ વાંકે જો મારશો, પેલે ભવ વેર લેશ. ૫૦૭
ઈશ્વર આગળ અરજ કરું, પ્રણામ કરું બહુ પેર;
પેલે ભવ તારી કને, લેઇશ મારું વેર. ૫૦૮
ચોપાઈ.
કહે કુંવર સાંભળ રે તું, ખરા વિના નહિ મારું હું;
તેડી આણી વજીરની નાર, તેને હત્યા દીધી ચાર. ૫૦૯
સાચું બોલ જે હોય વહેવાર, ઉગરશે તારો ભરથાર;
નહિ તો એને મારું આ દીશ, તે હત્યા બેશે તુજ શીશ. ૫૧૦
ત્યારે તે બોલી છે નાર, સહુકોને કરીને નમસ્કાર;
સતી જૂઠું બોલે જ્યાહરે, બ્રહ્માંડ તૂટી પડે ત્યાહરે. ૫૧૧
સતી નાર જો બોલે આળ, તો પૃથ્વી જાએ પાતાળ;
સતી સત્ય જો મૂકે આજ, તો વિશ્વાસનું કોણ રહે કાજ. ૫૧૨
અસત્ય નવ બોલું નિર્ધાર, સત્યનો ધરણીને આધાર.
દોહરા.
સતી સત્ય જો ચૂકશે, શેષ ન ઝીલે ભાર;
બ્રહ્માંડ બધું ભાંગી પડે, રહે તે સત્ય આધાર. ૫૧૩
સત્યનો સૂરજ સાખીઓ, સત્યનો બેલી સહુ કોય;
સતી સત્ય ચૂકે નહીં, જો કુળ ઉજ્જ્વલ હોય. ૫૧૪
કહો તો અગ્નિ ઉપાસિયે, કહો તો રાંધું ખીર;
હસ્તી બાંધું (કાચે) તાંતણે, એટલી રાખું ધીર. ૫૧૫
કહો તો જળ બાંધું ગાંઠડે, કહો તે કરું ઉપાય;
કરી દેખાડું પારખું, જેમ પતિજ તમારી થાય. ૫૧૬
ચોપાઈ.
કહે પ્રધાન જેને માથે પડે, તે વણ પાગે મેરુ ચડે;
રાંધે ખીર અગ્નિમાં જાય, સતી નહીં શૂરી કહેવાય. ૫૧૭
કાચે તાંતને બાંધે ગજ, તે સ્ત્રીચરિત્ર ઉપાસે ધજ;
તે માટે જૂઠી છે નાર, જો ગમે તો વણ વાંકે માર. ૫૧૮
એકે વાત ન પહોંચે સાખ, જોઈ સતી કરોડાં લાખ;
અન્યોન્ય ત્યાં વાતો કરે, દ્વિધા ચિત્ત કોનું નવ ઠરે. ૫૧૯
કો જૂઠું કો સાચું કહે, જેવું જેના મનમાં લહે;
કોઇ કહે નારી જૂઠી એહ, કોઇ કહે સાચી સતીની દેહ. ૫૨૦
કોઇ કહે સાચો પરધાન, કોઇ કહે જૂઠો છે રાજાન;
સાચા જૂઠાની પરીક્ષા થાય, ન્યાય અન્યાય ત્યાં તોળાય. ૫૨૧
કોઇ કહે સતવાદી એ ભૂપ, એવી વાતો થાય અનૂપ;
હાલે જીભ જેમ પીપળ પાન, કામિનીએ સાંભળિયું કાન. ૫૨૨
વિપરીત વાત લોકોની સુણી, સ્ત્રી ચાલી તે સરિતાભણી;
કૌતુક જોવા મળિયાં લોક, સાથે ધાઈ ચાલ્યા સહુ થોક. ૫૨૩
નદીમાંહી જઇ નહાવણ કરયું, ઈશ્વરનું તે ધ્યાન જ ધરયું;
રેતતણો કીધો અંબાર, તે ઉપર જઇ બેઠી નાર. ૫૨૪
અગ્નિ ઇંધણ નહીં કંઇ પાસ, સકળ લોક કરે ઉપહાસ;
સ્તુતિ કરે છે સૂરજતણી, તું છે નોધારાનો ધણી. ૫૨૫
જૂઠી લોક કરે છે આળ, ઉતાર મુજ માથેથી ગાળ;
જૂઠી હોઉં તો નિર્મુખ મેલ, નહિ તો સહૂ સતીમાં ભેળ. ૫૨૬
વિના અગ્નિ બાળે મૂજને, પ્રત્યક્ષ દેવ જાણું તૂજને;
સ્તુતિ કીધી ઘટિકા જ્યાહરે, આપ આદિત્ય આવ્યા ત્યાહરે. ૫૨૭
પ્રત્યક્ષ દેવનું પ્રગટ્યું રુપ, ભામિનીએ દીઠો તે ભૂપ;
સાક્ષાત્કાર જગતનો નાથ, આવી આડા દીધા હાથ. ૫૨૮
તે તો અન્ય ન જાણે કોય, નારી એકલી દૃષ્ટે જોય;
કહે પદ્મિણી સુણ હે સ્વામ, મહેલતું મનથી અભિમાન. ૫૨૯
અગ્નિ વિના બાળું હું દેહ, તારા મનનો ભાંગે સંદેહ?
એમ કહીને નારી નમી, તેહ વાત સહુકોને ગમી. ૫૩૦
જો સત્યવાદી હશે પૂરપતિ, વિના અગ્નિ બાળશે એ સતી;
સાચું સાચું કહે સહુ કોય, વજીર તે તો દૃષ્ટે જોય. ૫૩૧
એહ વાત માની સહુ મન, ત્યારે બોલ્યો રાયનો તન;
પ્રધાન પાપી સાંભળ વાત, તારે મુખે કહે સાક્ષાત. ૫૩૨
વિના અગ્નિ સતી બાળે દેહ, તું જૂઠો ને સાચી એહ;
રખે હવે કોઇ સાથે વઢો, લોક દેખતાં શૂળી ચઢો. ૫૩૩
તારે મોઢે નક્કી વાંક, ચઢાવીશ શૂળી આડે આંક;
કુંવર કહે સાંભળરે તું, ઘણું વિચારી મારીશ હું. ૫૩૪
દોહરા.
કહે વજીર સુણ રાયજી, સાચો માનો મર્મ;
સુખે મને તું મારજે, નવ ચૂકિશ તુજ ધર્મ. ૫૩૫
માનિની માથા ઉપરે, વરસે અગ્નિમેહ;
બાધી એહ બળી રહી, શું બળશે હવે દેહ? ૫૩૬
ઉદરમાં અગ્નિ ભરયો, તે બાળે જળ અન્ન;
તેને એહ પ્રગટ કરે, તેથી બાળે તન. ૫૩૭
નિશા જાળ નારી લહે, જાણે નોળી કર્મ;
તેથી દેહ બાળી શકે, તેમાં શાનો ધર્મ. ૫૩૮
એક શૂરાપણું એહમાં, બીજો દેહમાં ક્રોધ;
ત્રીજું કલંક ઉતારવા, દે છે બહુ પ્રતિબોધ. ૫૩૯
જૂઠો રાજા મેં હણ્યો, જૂઠી બળશે નાર;
જૂઠો તું મારિશ મુને, એમાં શો વહેવાર. ૫૪૦
ચોપાઇ
અબળા બળતી હતી જેટલે, કાને વચન સુણ્યું તેટલે;
કલંક મારે માથે કહ્યું, અરે દૈવ આ તે શું થયું. ૫૪૧
અગ્નિમાંથી ઊભી થઈ, કર જોડીને વાણી કહી;
સાંભળો સહુ નગરનાં લોક, વજીરનો સમે કેમ શોક. ૫૪૨
શી વાતે એ માને મૂઢ, પૂછો એ પાપીને પ્રૌઢ;
મહેલી માન કેમ શૂળી ચઢે, એને મન કેમ અચર જ અડે. ૫૪૩
એની કેમ હોલાએ દાઝ, તે પ્રતીત દેખાદું આજ;
સાચું તેમાં સઘળું જોર, જૂઠું તે તો ચિત્તમાં ચોર. ૫૪૪
સહુકોએ પૂછ્યું પરધાન, ઉતારીએ માનિનીનું માન;
તું કહે તે સર્વે કરે એહ, તો સાચી નારીને દેહ. ૫૪૫
પછે વાત માનો નહિ તમો, પંચ ઇટાળી કરશું અમો;
સાચાનો પરમેશ્વર બેલ, જૂઠાતણો વળી શો મેળ. ૫૪૬
એહ વાતનો પાર જ લઉં, પછે શૂળીએ તમને દઉં.
દોહરા.
વૈલોચન કહે સહુ સુણો, સાચી હોય જો આપ;
સતી જાણું હું એહને, જીવે રાયનો બાપ. ૫૪૭
સાચું હશે તો ઊઠશે, સજીવન રાયજી થાય;
તો મન માને માહરું, એ સતવાદી કહેવાય. ૫૪૮
ટાઢાં તેલ ઉનાં કરે, ઊનાં શીતળ હોય;
જળને સ્થાનક સ્થળ કરે, પાર ન પામે કોય. ૫૪૯
બ્રહ્માંડ બાંધે ભાગે ઘડે, આપ છે અકળ સ્વરૂપ;
પતિત મુજને સાચી પડે જો એ જીવે ભૂપ. ૫૫૦
ત્યાર વિના માનું નહીં, સાચો અક્ષર અંક;
જો રાજા થાય જીવતો, તો માનું મુજ વંક. ૫૫૧
(પછે) પંચ ઇટાળી સહુ કરો, મારો મુજને ઠાર;
એને વધાવજો મોતીએ, છે સાચો વહેવાર. ૫૫૨
બાકી પતિત દેખાડવી, એતો આળપંપાળ;
કરે મુવાને જીવતો, એવો દીનદયાળ. ૫૫૩
ચોપાઇ.
સહુ સાંભળીને છાના રહ્યા, પ્રતિ ઉત્તર તેના નવ થયા;
અચરજ વાત અનેરી હોય, સ્ત્રી સામું ત્યાં સહુકો જોય. ૫૫૪
તાળી પાડી લોક જ હસ્યા, મર્મ બોલ વનિતાને વસ્યા;
કામિનીને મન ભેદ્યું કષ્ટ, પ્રત્યક્ષ દેવ દેખાડે દૃષ્ટ. ૫૫૫
મહારાજ મોટો મહીમતિ, સ્તુતિ કરવા તવ મંડી સતી;
સુધન્વા તેલ તળ્યો જ્યારે, શીતળ તેલ કર્યું ત્યારે. ૫૫૬
પંચાળીનાં પૂર્યાં ચીર, અનેક ભક્તની રાખી ધીર;
કાષ્ટ ભક્ષ સીતાએ કર્યું, શાખ દશરથ રાજાએ પૂર્યું. ૫૫૭
મહારાજ સંકટ અતિશે પડ્યું, કલંક વણ વાંકે શિર ચડ્યું;
એમ કહીને જોડ્યા હાથ, ધરતી વેહેર દેજો મુજ માત. ૫૫૮
દીધો વેહેર માતાએ માગ, સ્ત્રીએ જાવાનો જોયો લાગ;
સ્ત્રી ધરતીમાં જાય જેટલે, કૌતુક એક થયું તેટલે. ૫૫૯
થયો કડાકો મહા ઘનઘોર, અંધકાર અધિક જુગજોર;
પ્રલયકાળમાં થાય છે જેમ, આ વેળામાં થયું છે તેમ. ૫૬૦
ધરતીએ જ્યાં દીધો માગ, સાક્ષાત ત્યાં આવ્યો શેષ નાગ;
મહા જોગેશ્વર કેવું રૂપ, અમૃતકુંપ હાથે અકળ સ્વરૂપ. ૫૬૧
નારી ઉપર આણે સ્નેહ, મનુષાકાર દેવાંશી દેહ;
પ્રમદાએ જોડ્યા બેઉ પાણ, બોલ્યા જોગેશ્વર સત્ય વાણ. ૫૬૨
કહે જોગીએ સાંભળ રે સતી, જીવતો થશે નગરનો પતી;
ચંપા તળે દાટ્યો રાય જ્યાં, પડ્યો છે અસ્થિનો કકડો ત્યાં. ૫૬૩
ચંપા ઝાડ તળે તું જા, આશા તૃપ્ત કરવાને ધા;
અમરત છાંટજો જીવશે રાય, શા માટે પાતાળે જાય. ૫૬૪
નંદ નરેશ ત્યાં જીવતો થશે, સહુના મનના સંદેહ જશે;
હું શેષનાગ આવ્યો તુજ સહાય, તારો વધારવા મહિમાય. ૫૬૫
હૃદિયા માંહે રાખ ધીર, અસ્થ ઉપરે સીંચજે નીર;
તારાં દુઃખનો લહ્યો મેં ભર્મ, ઈશ્વર રાખશે સૌનો ધર્મ. ૫૬૬
આશા દીધી શ્રી શેષનાગ, નારી પામી નવલો લાગ;
પછી નાગ અલોપ જ હોય, તે તો અન્ય ન દેખે કોય. ૫૬૭
પ્રકાશ રવિતણો ત્યાં થયો, રાયના પુત્રે બોલ જ કહ્યો;
કાંરે બાઇ સતી છે તું, તે તો એકલો જાણું હું. ૫૬૮
કુડાં આળ બોલે સહુ લોક, આળપંપાળ બોલે છે ફોક;
આ જન માને તેવું કરો, નહિ તો મંદિર પાછાં પરવરો. ૫૬૯
મુવે કલંક તારું નવ જાય, મેણું તારા શિરપર થાય;
સતી નારી પાછી ક્યમ વળે, ગઇ ઝાડ ચંપાના તળે. ૫૭૦
નિકળ્યો અસ્થિનો કકડો એક, જુવે લોક ત્યાં કરી વિવેક;
વિશ્વનાથનું દેહેરું જ્યાંય, નાખ્યું અસ્થ જઈને ત્યાંય. ૫૭૧
તે ઉપર તવ ઢાંક્યું ચીર, સિંચ્યું અમૃતકેરું નીર;
ઘટિકા ત્રણ થઇ જ્યારે, સજીવન પુરુષ થયો ત્યારે. ૫૭૨
સાચાનો બેલી ઈશ્વર એહ, એ વાતતો નહીં સંદેહ;
સાચી વાતે દેવ પ્રગટ હોય, પ્રત્યક્ષ જાણો સહૂ કોય. ૫૭૩
અંતરિક્ષથી ઉતરિયો ધર્મ, જો હોય સાચો મહિમા મર્મ;
સાચી સતી કહે સહુ કોય, સાચી સતીને સૌ જન જોય. ૫૭૪
અધવસો સત્યનો છે સાર, તેણે બધો ચાલે સંસાર;
પાપે બૂડે પાપે તરે, સત્ય થકી સૌ સંકટ હરે. ૫૭૫
સત્ય સ્વર્ગ ને સત્યે મોક્ષ, સત્ય થકી જાયે સૌ દોષ;
સત્ય આધારે રહે છે આકાશ, સત્ય તે જ પૂરણ પ્રકાશ. ૫૭૬
સત્ય જળમાં પૃથ્વી રહે, સત્ય તરે તે સહુકો કહે;
સત્ય સાક્ષી બોલે સહુ વેદ, સાચું સત્ય તેમાં નહિ ભેદ. ૫૭૭
સત્ય ત્યાં ઈશ્વરકેરો વાસ, સત્યે સૂરજ રહે આકાશ;
સત્ય કોટી બ્રહ્માંડ જ જેહ, સત્ય આધારે વરસે મેહ. ૫૭૮
સત્યનું બાંધ્યું પાકે અંન, સત્ય વસે જ્યાં નહિ અભિમાન;
ક્ષણ માત્ર સૂધી સુણે સૌ ધર્મ, એ વાતનો જાણ્યો સહુએ મર્મ. ૫૭૯
સત્યનું મૂળ ગયું જ્યારે, પ્રલય કાળ થયો ત્યારે;
સૃષ્ટિ પહેલું સરજ્યું સત્ય, મોટા પુરુષ વિચારો મત્ય; ૫૮૦
સત્ય હોનાર હોય તે હોય, સત્ય વિના બીજું નહિ કોય;
આદ્ય પુરુષ જેનું છે કૂળ, સતી સત્ય કેરું છે મૂળ. ૫૮૧
અસત્યથકી ઈશ્વર છે દૂર, સત્ય તે નારાયણનું નૂર;
સ્રજનાર તે સત્ય જ હોય, સત્ય વિના બીજું નવ કોય. ૫૮૨
સત્ય તે ઈશ્વર કેરો અંશ, સત્યે સત્ય પૂરણ પ્રશંસ;
આદિ નિરંજન કરતા કામ, સત્ય સ્વરૂપ તે તેનું નામ. ૫૮૩
સત્ય ધરા ધરે નાગેન્દ્ર, સત્યે તપે દિવાકર ચંદ્ર;
અસત્ય ત્યાં અદકેરું દુઃખ, સત્ય વાતમાં સઘળું સુખ. ૫૮૪
જિતો જગ જેનું સત્ય રહ્યું, સત્ય મૂક્યું તેનું સર્વસ્વ ગયું;
સ્વર્ગે જવાની વાટ જ જેહ, સત્ય નામે ઓળખાએ તેહ. ૫૮૫
બ્રહ્મ પદમાં મોટેરી મત્ય, તેનું તત્વ સાચું તે સત્ય;
સત્ય ઉપર જેની હોડ, તે આગળ ઇશ્વર રહે કર જોડ.૫૮૬
સત્ય સોયે જેનો વહેવાર, તે જાણવો ઈશ્વર અવતાર;
સત્ય ઉપરે નિર્મળ સ્નેહ, તે જાણવો ઇશ્વરનો દેહ. ૫૮૭
આળસ મરડી ઉઠ્યો રાય, પુષ્પવૃષ્ટિ તે સ્થાનકે થાય;
સાબાશ સતી સહુકોએ કહી, જેજેકાર જગતમાં થઇ. ૫૮૮
પાપી પ્રધાનને સહુ કેહ, નથી રાયને કંઈ સંદેહ;
નથી નંદ રાજાને જ્ઞાન, કે શા કારણે બાંધ્યો પ્રધાન. ૫૮૯
શા માટે બાંધ્યો પ્રધાનને, શા માટે મારો એ રાંકને;
કહો મુજને એના વાંકને, ત્યારે ખબર થાએ મને. ૫૯૦
પૂર્વે વૃત્તાંત રાજાને કહ્યું, ત્યારે જ્ઞાન પોતાને થયું;
જોતામાં છે મારો વાંક, શું કરે એ બાપડો રાંક. ૫૯૧
અતિ અઘટિત મેં આચરણ કર્યું, એને તેથી દુઃખસાગર ભર્યું;
સ્ત્રી વેર દવ નવ થાય, કામ અજિત તે નવ જિતાય. ૫૯૨
એ શું જાણે સતિ ને રાય, નિસ્સંશય મન કેમ એનું થાય;
ભલે એણે માર્યો છે મને, ભલો ન્યાય સૂજ્યો તને. ૫૯૩
એમ કરતાં સતિપણું સિદ્ધ થયું, કલંક એ નારીનું ગયું;
હવે એને મારશો મા કોય, હોનાર વસ્તુ તે મિથ્યા નવ હોય. ૫૯૪
છોડ્યો વજીર સરપાવ જ દીધો, જીવ્યાથકી તે વહેલો કીધો;
તે ઉપર નવ રાખી દાઝ, નંદ પુત્ર બેસાડ્યો રાજ. ૫૯૫
ભલી ભાત રાખી માનિની, કંથને તે સોંપી કામિની;
જોડ્યા તેહ વજીરે હાથ, સ્તુતિ કરી રાજાની સાથ. ૫૯૬
હું છઊં અપરાધી તારો, હવે સંદેહ ભાંગ્યો માહરો;
મોતી પુષ્પે વધાવી નાર, ગયા સહુ પોતાને ઠાર. ૫૯૭
નિશ્ચે નિષ્કલંક નારી દેહ, સત્યવાદી નંદરાયનો સ્નેહ;
માનતા નારીની ચાલી ઘણી, સાચી શક્તિ તે દેવ તણી. ૫૯૮
દોહરા.
પ્રીત કરે પરનારની, કેવલ જાએ પ્રાણ;
લેશે અંત પરનારનો, તેનું નામ અજાણ. ૫૯૯
નારી કહેશે ફૂટડી, તેને રુઠ્યો દૈવ;
પરનારીની પ્રીતથી, જાશે સુખ સદૈવ. ૬૦૦
ચતુર હોય તો ચેતજો, એક ઘડીનું સુખ;
પરનારીના ભોગથી, લક્ષ કોટિધા દુઃખ. ૬૦૧
પરનારી પાળીથકી, ભુંડી જાણો એહ;
ક્ષણું ક્ષણું કાયા કાંપશે, સદૈવ દમશે દેહ. ૬૦૨
પરસ્ત્રી દીઠે દુઃખ છે, ખોય છે ખેદે જીવ;
પરસ્ત્રી કેરી પ્રીત કરે, જાણે રૂઠ્યો શિવ. ૬૦૩
આ લોકે અતિ દુઃખ છે, પરલોકે બહુ પીડ;
નારી નરકની ખાણ છે, કોટિ લક્ષધા કીડ. ૬૦૪
પરનારી નિરખી નહીં, તે જીત્યો સંસાર;
જોગી જન તે તો ખરો, ઉતર્યો તે ભવપાર. ૬૦૫
ચોપાઈ.
રાવણે દશમુખ કીધાં ત્યાજ, ખોયું લંકાગઢનું રાજ;
સ્ત્રીથી ખાંપણ લગી ચંદ્ર, સહસ્ત્ર ભગ પામ્યો આપે ઈંદ્ર. ૬૦૬
સ્ત્રીથી કૌરવો શોયે શમ્યા, સ્ત્રીથી પાંડવ વનમાં ભમ્યા;
સ્ત્રીથી કીચક હોડે હણ્યા, સ્ત્રીથી દુઃખ પામ્યા નર ઘણા. ૬૦૭
સ્ત્રીસંગથી થયા એ હાલ, સ્ત્રીસંગથી આવેરે કાળ;
પરનારી તે જીવનો કાળ, માથે મૂકે જૂઠું આળ. ૬૦૮
સ્ત્રીને તો પગે લાગીએ, મૂકી માન દૂરથી ભાગિયે;
સ્ત્રી તે આદ્યશક્તિ કહેવાય, અજિત એ જિતી નવ જાય. ૬૦૯
સ્ત્રી ખાણ રત્નાકરતણી, સ્ત્રી બળવંત અતીશે ઘણી;
સૃષ્ટિનું મંડાણ સ્ત્રીથી હોય, તેમાં સંદેહ ન રાખો કોય. ૬૧૦
ઘણાક ગુણ સ્ત્રીમાંહે હોય, નારી જિતી શકે ન કોય;
નિર્ગોખ ને વિક્રમ રાય, તે પરદુઃખભંજન કહેવાય. ૬૧૧
ભોજરાજ જેવો ભડ ભૂપ, સકળ સૃષ્ટિ રામાથી રુપ;
કર્ણ વિકર્ણ યુધિષ્ઠિર જોય, જનક સરખા જુવતિથી હોય. ૬૧૨
વ્યાસ વસિષ્ઠ માર્કંડેય મુની, લાગી વેદતણી ત્યાં ધુની;
અનમી હંકારી જે શૂર, નારીથી પ્રગટ્યાં એ નૂર. ૬૧૩
જોગી ભોગી સિદ્ધ સુજાણ, સૌનાં વનિતા થકી વખાણ;
પંડિત ન્યાયી ડાહ્યા ઘણા, તે સૌ તન છે તરુણીતણા. ૬૧૪
નારી મોટી નરથી ઘણું, સર્વે તેજ તે નારી તણું;
સ્ત્રી અંબે આરાસુરતણી, તેશું પ્રીત કીજે અતિ ઘણી. ૬૧૫
તે આગળ રહીએ કર જોડ, જુગમાં સ્ત્રીકેરી નહિ જોડ;
તેથી જશ જગમાં પામિયે, વેદના દુઃખ સર્વે વામિયે. ૬૧૬
પરનારીપર ન ધરો કામ, રાખે પ્રીત તો રુઠ્યો રામ;
પરનારી તે વિષની શૂળ, ડાહ્યા નર તે રહેજો દૂર. ૬૧૭
પરનારીપર ધરે જે સ્નેહ, તેના તો વાંકા નવ ગ્રેહ;
કામિનીને જિતી જેહણે, જુગ બાધો જિત્યો તેહણે. ૬૧૮
છેલ્લો અક્ષર કહું છું સહી, પરનારી સંગ કરવો નહીં.
દોહરા.
નંદરાયતણી કથા, કવિત ચાતુરી ભેદ;
શ્રોતા વક્તા સાંભળો, કોય ન કરશો ખેદ. ૬૧૯
કથા પુનિત નંદરાયની, સુણે શીખે કે ગાય;
વિજોગ ભાંગે તેહનો, આશા પૂરણ થાય. ૬૨૦
જ્ઞાન હૃદેમાં ઉપજે, કુબુદ્ધિ ન વ્યાપે દેહ;
સત્ય ઉપર મનસા રહે, નારાયણસું સ્નેહ. ૬૨૧
સત્ય રાખ્યું સતીતણું, રાખ્યું જગમાં નામ;
લાજ રાખો સહુ લોકની, કરજો રુડું કામ. ૬૨૨
શ્રીગોડ માળવી વિપ્ર શુભ, અમદાવાદમાં વાસ;
સુત શ્રી વિરેશ્વરતણો, વારુ બુદ્ધિવિલાસ. ૬૨૩
સેવક સહુ કવિતાતણો, શિવ પૂજન પરતાપ;
સામળભટ કવિતા કહે, ઈષ્ટકૃપાથી આપ. ૬૨૪
માતર પ્રગણામાં રવિ, સિંહુજ સકળ શુભ ગામ;
કણબી કરણ સમો વસે, રખીયલ રુડું નામ. ૬૨૫
તેણે કથા એ સાંભળી, સામળ ભટની પાસ;
ગ્રંથ પૂરણ કર્યો સહી, નૌતમ રસિક વિલાસ. ૬૨૬
કવિ રાખ્યો કોડે કરી, સંતોખ્યો દઈ માન;
વસ્ત્રાભૂષણ આપ્યાં ભલાં, ભાવે ભૂમિ દાન. ૬૨૭
ધન કણબી કુળ કાઉજી, માવજી સુત મેરાણ;
રખીદાસ છે ભોજ સમો, સકળ શાસ્ત્રનો જાણ. ૬૨૮
નંદરાયતણી કથા, સુણી ઘણું દઈ માન;
સંસ્કૃતમાંથી પ્રાકૃત કહ્યું, નંદ તણું આખ્યાન. ૬૨૯
ભક્તિ કરો મનભાવશું, ઈષ્ટ ઉપાસી એહ;
સામળભટે શુભ કહ્યું, સહુનો બેલી તેહ. ૬૩૦
ગાય શીખે ને સાંભળે, તેને ગંગાસ્નાન;
આ લોકે જશ પામશે, પરલોકે બહુ માન. ૬૩૧
શ્રીગોડ માળવી વિપ્ર શુભ, વેગણપુરમાં વાસ;
નંદરાય તણી કથા, કહી કવિ સામળદાસ. ૬૩૨
નંદબત્રીશી સમાપ્ત.