← કડવું ૨૫ નળાખ્યાન
કડવું ૨૬
પ્રેમાનંદ
કડવું ૨૭ →
રાગ:મારુ.


કડવું ૨૬ – રાગ:મારુ.

વાગી સ્વયંવરમાં હાક, તે નળ આવ્યોરે;
ભાંગા ભૂપ સર્વનાં નાક, ઓ નળ આવ્યોરે.
જાણે ઉદયો નૈષધભાણ, તે નળ આવ્યોરે;
અસ્ત થયા સહુ તારા સમાન, ઓ નળ આવ્યોરે.
તેજ અનંત અનંગનું અંગ, તે નળ આવ્યોરે;
જાણે કનક કાયાનો રંગ, ઓ નળ આવ્યોરે.
ઝળકે ઝળહળ જ્યોત, તે નળ આવ્યોરે;
મુગટપર ચળકે ઉદ્યોત, ઓ નળ આવ્યોરે.

જ્યોત રવિને પેર કુંડલ લહેકે, તે નળ આવ્યોરે;
અરગ્જા અંગે બહેકે, ઓ નળ આવ્યોરે.
શોભે વદન પુનેમનો ચંદ, તે નળ આવ્યોરે;
કમળનયન પ્રેમના ફંદ , ઓ નળ આવ્યોરે.
જાણે નાસા કીરની ચંચ, તે નળ આવ્યોરે;
કોયે ન દેખે સરખા પંચ, ઓ નળ આવ્યોરે.
કંઠે ગજમુક્તાનો હાર, તે નળ આવ્યોરે;
કર કુંજર શુંડાકાર, ઓ નળ આવ્યોરે.
હૃદે નાભિકમળ શોભાળ, તે નળ આવ્યોરે;
કટીએ જિત્યો કુંજરકાળ, ઓ નળ આવ્યોરે.
ચાલતો શાર્દૂલની ગત્ય, તે નળ આવ્યોરે;
નિરાશ થયા નરપત્ય, ઓ નળ આવ્યોરે.
એ તો દમયંતીનો પ્રાણ, તે નળ આવ્યોરે;
હવે એ પરણે નિર્વાણ, ઓ નળ આવ્યોરે.
કન્યાને થયું તવ જાણ, ઓ નળ આવ્યોરે;
જેનું હંસે કીધું વિખાણ, તે નળ આવ્યોરે.
તેજે તો તપે જાણે ભાણ, ઓ નળ આવ્યોરે;
શીતળતએ સોમ સમાન, તે નળ આવ્યોરે;
ગતે કરીને જેવો વાય, ઓ નળ આવ્યોરે.
મહિમાએ શંકર રાય, તે નળ આવ્યોરે;
મન સ્થિરતાએ જેમ મેર, ઓ નળ આવ્યોરે.
જાણે ધને બીજો કુબેર, તે નળ આવ્યોરે;
સત્યવાદી શિબિ સમાન, ઓ નળ આવ્યોરે.
ઐશ્વર્યે નિઘોષ રાજાન, તે નળ આવ્યોરે;
એ તો જુદ્ધે જાણે ઈંદ્ર, ઓ નળ આવ્યોરે.
ત્યાગી જેવો હરિશ્ચંદ્ર, ઓ નળ આવ્યોરે;
વિદ્યાયે ગુરુ, શુક્ર જેમ,, ઓ નળ આવ્યોરે.
દુ:ખહર્તા ધંવંતરિ તેમ, ઓ નળ આવ્યોરે;
દમયંતી ઘણું હરખે, ઓ નળ આવ્યોરે.
રખે વાર લાગે મન ફેંકે, ઓ નળ આવ્યોરે;

એક આસને બેઠી નાર, ઓ નળ આવ્યોરે.
દાસી ઉંચલી ચાલે ચાર, ઓ નળ આવ્યોરે;
શોભે સુંદર અતિ સુકુમાર, ઓ નળ આવ્યોરે.
જઇ પહોંતાં મંડપદ્વાર, ઓ નળ આવ્યોરે;

વલણ

બાહેર પધાર્યાં પ્રેમદા. ચતુરાં ઉંચલે ચારરે;
નળ બેઠો સિંહાસન, ચતુરા કિંતતી તેણી વારરે.