← કડવું ૨૭ નળાખ્યાન
કડવું ૨૮
પ્રેમાનંદ
કડવું ૨૯ →
રાગ: સારંગ.


કડવું ૨૮ – રાગ: સારંગ.

મન ઇચ્છા નૈષધરાય તણી, કન્યા ગઈ નળરાય ભણી;
જુએ તો ઊભા નળ પંચ, કન્યા કહે, ‘આ ખોટા સંચ.
હંસનું કહ્યું અવરથા ગયું, નળનાથનું વરવું રહ્યું!
એક નળ સાંભળિયો ધરા, આ કપટી કો આવ્યા ખરા.

પાંચે નળ ચેષ્ટા કરે, ‘લાવ હાર’ કંઠે આગળ ધરે;
તવ દમયંતી થઈ ગાભરી, વિપરીત દેખી પાછી ફરી.
આવી જાહાં પિતા ભીમક, ‘અરે તાતજી જુઓ કૌતક;
હું એક નળને આરોપું હાર, દીઠા પંચ ને પડ્યો વિચાર.
ભીમક કહે, ‘આશ્ચર્ય ન હોય, તું વિના પંચ ન દેખે કોય!
શકે દેવતા તાં નિરાધાર, થઈ આવ્યા નળને આકાર.
એ પરીક્ષા: નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઊભા અંતરીક્ષ;
વાત સાંભળી ભીમક તણી, કન્યા આવી પંચ નળ ભણી.
પિતાએ મારગ દેખાડ્યો, નારીએ નળ શોધી કાઢ્યો;
દમયંતી જેમ વરવા જાય, ધસી ઈન્દ્ર નળ આગળ થાય.
એકાએકને આગળ કરે, લેવા માળ કંઠ આગળ ધરે;
સંચ ન આવે રે ફરી, તવ દમયંતી થઇ ગાભરી.
ઈન્દ્રે મનમાં શાપ્યો હુતાશન, વાંદરાના જેવું વદંન;
અગ્નિએ જાણ્યું એ ઈન્દ્ર કાજ, ‘રીંછમુખો થજો મહારાજ’.
વરુણે શાપ મનમાં દીધો, જમને માંજરમુખો કીધો;
ધર્મે અંતર ઇચ્છ્યું એવું, વરુણનું મુખ થયું શ્વાનના જેવું.
રીંછ, વાનર, શ્વાન, માંજર, કન્યા કહે વર રુડા ચાર;
ઇન્દ્રરાય વાણી એમ ભણે, આધાવેધ માંડ્યો આપણે;
જમ કહે, ‘કાં હસાવો લોક, શાપા કીધા માંહોમાંહે ફોક;
દમયંતી વિચારે વળી, ‘સમાન શોભે પંચનળી.
કોહોને વરીએ કોહોને ઉવેખીએ, વરમાળા કોહોને આરોપીએ?
જોવા મળીઆ રાજકુમાર, એક નળ દેખે નિરધાર.
બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણુંં;
ચારેને પૂછે કરી પ્રણામ, ‘તમારા તાતનાં શાં શાં નામ?'
લોભ વિષે ગણ્યો નવ પાપ, ‘વીરસેન પાંચનો બાપ!'
કન્યા વળતી કરને ધસે, સખી સામું જોઈ જોઈ હસે.
સખી કહે, ‘શું ઘેલાં થયાં,? શું કપટરૂપને વળગી રહ્યાં?'
બીજા પુરૂષ રૂપનાં ધામ, સાંભળો કહું દેશદેશનાં નામ'.
દેશ સકળ નરેશનાં નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ;
તોયે કન્યાને ન ગમ્યુ કોય, ફરી પંચ નળને જોય.

હું હું નળ,'પાંચે ઊચરે, પણ કન્યા કોહોને નવ વરે;
નારદજી અંતરીક્ષ આવીઆ, ઈંદ્રાણી આદિ તેડી લાવીઆ.
ચારે દેવની ચારે નાર, ગગને દીઠી ભરથાર;
લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ તે નારદ તણું!
કન્યાએ દીઠી દેવાંગના, એમ જાણીને માંડ્યા વના;
‘અમે અલ્પ જીવ કરૂપ, તમો ભારેખમ ભવના ભૂપ.
અમો જમ-જરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ;
તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન.'
એવું કહીને ભરીયાં ચક્ષ, લાજ્યા દેવ થયા પ્રત્યક્ષ;
ઈંદ્ર,વરુણ,વહ્નિ,જમરાય, શોભ્યો મંડપ, જે જે થાય.
નળને તે થયા તુષ્ટમાન, દેવ કહે, ‘માગો વરદાન’;
બે બે વર આપે સુરરાજ, સહજે નળનું સરિયું કાજ.
કમળમાળ આપી ઈંદ્રરાય, લક્ષ વર્ષે નહીં સુકાય;
અશ્વમંત્ર આપ્યો રાજન, દિન એકે હીંડે શત જોજન.'
કહે અગ્નિ,’નવ દાઝે તુંય, જાંહાં સમરે તાંહાં પ્રગટું હુંય,'
ધર્મ કહે, ભોગવે રાજભોગ, ત્યાં લગી નહિ પુર રોગ.
જે કરશે તારી કથા વાચના, તેને નવ હોય જમજાચના.'
વરુણ ભણે,‘ સાંભળ નળરાય, સુકું વૃક્ષ નવપલ્લવ થાય.
સમયુઁ જળ ઊપજે તત્કાળ,'આઠે વર પામ્યો ભુપાળ;
પછે દમયંતીને આપ્યો વર, અમૃતસ્રાવિયા હજો તારા કર.'
સર્વેસ્તુતિ કીધી દેવતણી, વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી;
દમયંતી હરખી તત્કાળ, નળને કંઠે આરોપી માળ.
સાધુ રાજા સર્વે બેસી રહ્યા, અદેખિયા ઊઠીને ગયા;
વરકન્યા પરણ્યાં રીત કરી, ભેમકે પહેરામણી ભલી ભરી.
લાડકોડ પહોંત્યાં આપણાં, નળને વાનાંકીધાં ઘણાં;
નળ-દમયંતી બંને જાય, વોળાવી વળ્યા ભીમકારાય.
વાજતેગાજતે નળ વળ્યા, એવે કળિયુગ-દ્વાપર સામા મળ્યા,
વરવા વૈદર્ભી નારદે મોકલ્યા,આવે ઉતાવળા શ્વાસે હળફલ્યા.
બેઠો મહિષ ઉપર કળિકાળ, કંઠે મનુષનાં શશીની માળ;
કરમાં કાતું લોહશણગાર, શીશ સઘડી ધીકે અંગાર.

જઈ વરું દમયંતી રૂપનિધાન, જુએ તો મળી સાહામી જાન;
કન્યાએ વર જાણ્યા વર્યો, કલિ ક્રોધે પાછો ફર્યો.
‘જો નળે હું પરણવા દીધો નહીં,તો આજથી લાગું પૂંઠે થઇ.'
નળરાજા આવ્યો પુર વિષે, કર રાજ્ય નારીશું સુખે.
ભોગવે ભોગ નાનાવિધ પેર, સ્વર્ગનું સુખ પામે ઘેર;
પ્રભુ-પત્નીને વાધ્યો પ્રેમ, સાચવે તે બહુ સત્ય ને નેમ.
ચારે વર્ણ પાળે કુળધર્મ, ચાલે યજ્ઞાદિકનું કર્મ;
તેણે કલિજુગનું ચાલે નહિ, હીંડે છિંડી જોતો જહીં તહીં.
નગર પૂંઠે ફેરા બહુ ખાય, પણ સત્ય આગળ પ્રવેશ ન થાય;
સહસ્ત્ર વરસ વહીને ગયાં, દમયંતીને બે બાળક થયાં.
જુગ્મ બાલક સંગાથે પ્રસવ્યાં, પુત્ર-પુત્રી રૂપે અભિનવાં;
નળ-દમયંતી હરખે ઘણું, બાળક વડે શોભે આંગણું.
એક દિવસ નળ ભૂપાળ, મંગાવ્યું જળ, થયો સંધ્યાકાળ;
રહી પાની કોરી ધોતાં પાગ, કલિજુગ પામ્યો પેઠાનો લાગ.
સંધ્યાવંદન કીધું રાજન, પ્રવેશ કલિનો થયો તે સ્થાન;
ત્યમ સેજ્યા સૂતો ભૂપાળ, સર્વાંગે વ્યાપ્યો કળીકાળ.

વલણ

કલિકાલ વ્યાપ્યો રાયને, ભ્રષ્ટ થયો નૈષધ નો ધણી રે;
‘હવે વઢાડું પિત્રાઈને,’ કલિ ચાલ્યો પુષ્કર ભણી રે.