નાનું સભાપર્વ
કડવું ૧
કવિ નાકર
કડવું ૨ →


સભા પર્વ

કવિ નાકરકૃત

કડવું ૧ રાગ કેદારો:

ઉમિયા-શિવનંદન ગુણ વર્ણવું, પ્રણમું દુંદલ દેવ,
જેહ તણો પરિવાર પનોતો, સુર, નર મુનિ કરે સેવ.

સિધ્ધ બુધ્ધ શ્રી, લક્ષ લાભ તન, મનકઃમના વધુ જેને,
ગજવદન, મોદિક અતિ વલ્લભ, કરું પ્રણામ હું તેને.

સુંઢાળો સન્મુખ તું સ્વામી, જેને થયો પ્રસન્ન,
મનવાંચ્છિત ફળ આપ્યું તેને, પૂર્યા મનોરથ મન.

એક દંત ઉજ્જવળ મુખ ઝળકે, ઢળકે કુંડળ કર્ણ,
તે નર ભવજળ પાર ઉતર્યા જે, આવ્યા ગણપતિશરણ.

વિધ્નહરણ, અવિરલ મત દાતા, ગુણનિધાન જસવંત,
ભાવ મનોરથ કરે પરિપુરણ, ચૂરણ દુરમતિ ચંત.

કમળભૂતનયા ગુણ સ્તવીએ, હંસવાહિની માત.
વીણા પુસ્તક પાણધારીની, વાણી વેદવિખ્યાત.

આદ્ય કુમારી સ્મરણ માત્રે, મૂંજ મંદ રુદે નિવાસ,
બાહ્ય આભ્યાંતર કળીમલ કાપી, આપો બુદ્ધિપ્રકાશ.

રુપ કળા ગુણ રક્ષક પૂરણ, ષોડશ તન શૃંગાર,
પાયે નૂપર ઝંકારવ કિંકિણી, કટિ મેખલા રણકાર.


સ્તુતિ કરતા કવિ પંડિત કીધાં, કાંઇ ન જાણતા મર્મ.
ત્યેમ મુજને કરૂણા કરી માતા, આપ અખિલ મતિ ધર્મ,

શ્રી ગુરુચરણે પ્રણામ કરી, ધરું રામચંદ્રનું ધ્યાન.
નામ માત્ર ભવબંધન કાપે, આપે નિર્મળ જ્ઞાન.

ભૂમિ તણાં જે જંગમ દેવતા, તેને પૂજી લાગુ પાય,
જેનાં વાયક રુપીયાં તીર્થોદકે, કવિજન નિર્મળ થાય.

વૈષ્ણવ જન વ્હાલા અતિ મુજને, અહોનિશ હરિગુણ ગાય,
જેની સંગતે અબુધ શઠ, મહાપાપી પાવન થાય.

કવિજન કેરી ચરણે રણે, તે વંદી મસ્તક ધરીએ,
દીન દાસ દામણો જાણીને, મુજને અનુગ્રહ કરીએ.

આગે માનુભાવ કવિ જન મેરુ મહા સિંધુ સરખાં,
જેની નિર્મળ વાણી સૂણતાં, અલ્પ મતિ મન ધરતાં.

વામન કલ્પતરુ ફળ વાંછે, અપંગ ગિરી આરુઢ,
નિર્ધન ચિંતામણી ઈચ્છે, કીડી મુખ કોહેળું પ્રૌઢ.

હંસગત વાંછે પૂજનિકા, કેસરી સિંહ શૃંગાલ,
દિનકર જમલો તગે જેમ આગીયો, દીસે આળ પંપાળ.

ક્યાં અવર દેવ સહુ, બીજાં ? ક્યાં સેનાપતિ રઘુનાથ ?
ભવસાગર મધ્ય નામના વરે, તારણ દેવ વિખ્યાત.

તેમ હું મુર્ખ પુરુષ બુદ્ધિવિહોણો, પ્રૌઢ રચું પરપંચ,
હરિગુણ સાગર અગાધ રસ ભરી સમસ્યા માત્ર એક ચંચ.


માનુભાવ કો ખોડ મ દેશો, દીનવચન મુખ દાખે,
બાલક થકો જે માતાપિતાને, જે બોલે તે સાંખે.

ગણપતિ, સરસ્વતી, ગુરુ ઈષ્ટ વિપ્ર રે, વૈષ્ણવ ને કવિજન,
તેહ તણી કૃપા મુજ ઉપર હરિગુણ કેહેવા મન.

શ્રી કૃષ્ણજીએ પાંડવ પ્રતિપાળ્યા, નિજ સેવક મન જાણી,
પાંચ તણી જ્યાં કથા હોય ત્યાં છઠ્ઠા સારંગપાણી.

પાંડુ તણો સુત અર્જુન રાજા, અર્જુનનો અભિમન,
તેહ તણો સુત પરિક્ષિત રાજા, જનમેજય રાજાન.

હસ્તીનાપુર ગંગાતટ પાવન, વૈશંપાયન આવ્યા,
જનમેજય રાયે પ્રણામ કરી, રુષિ ભક્તિ ભલુ મનાવ્યા.