← આદર્શ મૂર્તિ નિહારિકા
કવિતા
રમણલાલ દેસાઈ
નયનનૃત્ય →




કવિતા


૦ તોટક ૦

મીઠડાં ઝરણું ઝીણું ગાન કરે,
મુજ કંઠ સુરાવટ ત્યાંહી પૂરે.
તરુ કેરી ઘટા મહીં કુંજ રચું,
વિટપે વિટપે રમતી ય હીંચું.

સહકારની મંજરી મીઠી ખીલે,
મુજ કૂજન જો વનરાજિ ઝીલે.
લહરી શીળી મંદ સમીર તણી,
ઊંચકે મુજ રંગીન સાડી ઝીણી.

નભ સામું પ્રતિનભ શો ઊછળે
ઉદધિ-મુજ તાંડવ તાઝ ઝીલે.
રૂપલા રણરેતી તણા ઢગલા,
મહીં દોડી નિહાળતી હું પગલાં.

ગિરિ ગહ્‌વર પહાડ ચઢું ઊતરું;
નદ ધોધ સરોવરમાંહીં તરું.
હિમરાશિ ઊંચે હસતો ઝબકે,
મુજ દર્પણતેજ ત્યહાં ચમકે.

લીલું નીલમ પાથર્યું ઘાસ કૂણું
રૂડી મેતન માળ વડે ય વણ્યું;

કમનીય કુસુમ તણે તકિયે
રસ મસ્ત બિછાયત મારી ઢળે.

નભને નિજ કાળજડે જડીને
સર નીંદ લિયે ધવલું હસીને;
મહીં સ્નેહલ સ્વપ્ન સમાં કમલો
ખીલવી હું રિઝાવું રવિ અટૂલો.

ગગને ઘર અભ્ર બલે ગરજે
પૃથિવી નિજ તેજ બધું વરજે;
ભયકાર તિમિર જગે વસતું,
ચપલા સ્વરૂપે તવ કો હસતું ?

રવિ વાદળી કોટિ કરી વિલસે,
જલનાં કણને કિરણો વરસે;
મુજ નિષ્ફલ જાદુભર્યા રમણે
કિરણો નવરંગ પરોવું કણે.

અલબેલ બસ જલમાંડવડો
હસી નાચવું ત્યાં મુજ દિવ્યતનુ;
રવિને શીખવું ક્યમ અભ્રપરે
ચીતરાય મનોહર ઈન્દ્રધનુ

મણિના કણ વેરી મૂક્યા નભમાં,
દીપમાળ રચી નવલી ઢબમાં;
બની ચન્દ્રી રસાળ રમું તરતી,
ઊછક્ષે શીળી તેજ તણી ભરતી.

મન્દાક્રાન્તા ]

 
ઘેરા ઘેરા ગગન પડને તોડતા શંખનાદ,
રોધે સારા અરિ સમૂહને ઉજ્વલા શસ્ત્રવાદ.
મૃત્યુ પ્રેમી અભય વીરનાં કેસરી યુદ્ધ ચાલે,
મારી મૂર્તિ વીર હૃદયમાં દિવ્ય અગ્નિ ઉછાળે.

એકીલો કો અસિધર ધરી ટેક શત્રુસમૂહે
ભેટે ભાવે મરણ, પણ ના પીઠની પાર જુએ.
રક્તસ્નાને ડૂબકી દઈ એ વીર લેતા સમાધિ;
બુંદે બુંદે વિલસી રહી હું કાવ્ય રાજ્ઞિની ગાદી.

હરિગીત]

 સૌન્દર્યના ઊડતા ફુવારા સુન્દરીના નયનમાં;
જગથી સહુ શોભા પ્રતિબિંબિત રમણીવદનમાં;
ઝબકી જતું સ્મિતમાં પળેપળ સ્વર્ગ નિર્મલ તેજ, ત્યાં
મુજ રમ્ય વાસ પ્રભુ દીધા ! શોધે બીજે મમ મૂર્તિ કાં?

શાર્દૂલવિક્રીડિત ]

નીચાં નેત્ર ઢળ્યાં, ઉન્હા હૃદયથી નિઃશ્વાસ જ્યાં ઊછળે,
અશ્રુ મોતી ભીનાં રહે ટપકતાં, ત્યાં હૈયું મારું ઢળે.
સ્વપ્ને કો યુગનાં મીઠાં સ્મરણને સંભારી આછું હસે,
એવા બાલ ગુલાબી ગાલ ચૂમતાં વાત્સલ્ય મારું ધસે.

શિખરિણી ]

વળી વાળી લેતાં જગત પરથી વૃત્તિ સઘળી,
મહાજ્યોતિરૂપે વિધવિધપણું એક કરતી,
પ્રભુ કે આદર્શો તણી ભજનધૂનો મચી રહી,
ત્યહાં ઘેલા ભક્તો તણી હું બનતી ઘેલી ધીમહી