નિહારિકા/ચંદ્રીનું વિયોગગીત
< નિહારિકા
← વનદેવી | નિહારિકા ચંદ્રીનું વિયોગગીત રમણલાલ દેસાઈ |
આદર્શ મૂર્તિ → |
ચંદ્રીનું વિયોગ ગીત
૦ ગરબી ૦
સાખી]
ચંદનઅર્ચ્યા ચોકમાં, ચંદા પીરસે થાળ;
મોતી વેર્યાં આંગણે, ના’વે નાથ રિસાળ.
અમે તેજ તણા પાઠ નિત્ય પાથરીને બેસતાં,
મંદિર અમારાં તો ય સૂનાં સૂનાં !
અમે તારલાનાં તારણો રોજે પરોવતાં,
મંદિર અમારાં તો ય સૂનાં સૂનાં !
અમે નીંદ બધી ત્યાગી ભરી આંખ થકી ભાળતાં,
મંદિર અમારા તો ય સૂનાં સૂનાં.
સાખી]
અમૃતરંગી ઓઢણાં, અમૃતભરિયાં અંગ,
ક્ષણક્ષણ અમૃત વહી જતાં, પિયુ ના લેત ઉછંગ !
કરી ચુંબન અંકિત ગાલ જગાડી સુષુપ્ત મને,
વિરમ્યા મનમેહન પ્રાણ દીઠા ન ફરી નયને.
કંઈ અનંત યુગથી એમ હરઘડી તલસું રે,
નવ આવે પ્રિયતમ મુખ મુજ મુખ સરખું રે.
સાખી]
આંખ કાજળ આંજિયાં, વેણી ગૂંથ્યાં ફૂલ,
પિયુને વેળા ના મળ લવા વાસ અમૂલ.