નિહારિકા/ચોર ઊભા
< નિહારિકા
← નિરાશા | નિહારિકા ચોર ઊભા રમણલાલ દેસાઈ |
આશા → |
ચોર ઊભા
૦ ઝંઝોટી - કવ્વાલી o
તુજ નયન મહીં કંઈ ચોર ઊભા ?
હું ગરીબ ફકીરને લૂંટી લીધોા!
નથી મારું કશું મુજ પાસ હવે,
વિણ વાંક શું આવડો દંડ દીધો?
જગલોક પૂછે : ‘તુજ ભાન ક્યહાં?’
મુજ એક જવાબ: ‘લૂંટાઈ ગયું !’
કહે : ‘ભાન વિહીનનું કામ નથી.’
સહુએ મુજને કરી દૂર દીધો.
મુજ અગ્નિભર્યા હૃદયે ઊછળે
કંઈ આહ અનેક ઊના ધીકતા !
મુજ ગાલ ગરીબ સહે નયનો થકી
અગ્નિભર્યા તણખા ખરતા !
ઘર છાંડી ભમું પડછાય સમો,
દિનરાત તણો નવ ભેદ રહે.
મુજ પ્રિય હિંડોળ સૂનો ઝૂલતો,
મુજ પુષ્પબિછાયત સૂની પડે.
તુજ બાગની ફૂલઘટા મહીંથી
રજનીભર જે બુલબુલ રડતું;
રુદને ડૂબતા મુજ જિગરને
તુજ નામ વિના ન કશુ જડતું.
કહે, આત્મન તપ્ત, અતૃપ્ત શરીર
ક્યહાં ડૂબકી દઈ શીત બને ?
સખી ! બારી થકી જો જરાક જુઓ,
તુજ અમૃત – આંખમહીં વિરમે !