← ગગનનો ઘુમ્મટ બાંધ્યા નિહારિકા
જલિયાવાલા બાગ
રમણલાલ દેસાઈ
નોંધ →



જલિયાનવાલા બાગ


૦ અનુષ્ટુપ-ઈન્દ્રવજ્રા-વસંતતિલકા-શિખરિણી-મન્દક્રાન્તા-ઉપજાતિ ૦

વિકાસ !

રચાવી ઘોર સંગ્રામો આનંદે માનવી પશુ !
ભારતો નિત્યનાં ખેલે ! તો ય ના તૃપ્ત ક્રૂરતા.


આહાર કાજે કંઈ શસ્ત્રધારે,
શોણિત રેડંત વિહાર અર્થે,
સંહારમાં કીર્તિ જ્વલંત ખોળે,
મૃત્યુ મહીં માનવી મત્ત ડોલે !


મુક્તિદ્વાર ઉઘાડી વિશ્વપતિનાં સાયુજ્ય અપાવવા
ધારી ગર્વ ગૃહે ગૃહે વિલસતા ધર્મે જુઓ શું કર્યું ?
ફેંક્યા કૈંક ચિતા મહીં–શૂળી પરે, કૈં કંઠને કાપિયા,
સમશેરો ઝળકાવી શાંતિ બદલે ! નાખ્યાં વધુ બંધનો.


ને દંડ શાસન સહે કિરીટો જ્વલંત
ધારી વિરાજતી સિંહાસન રાજસત્તા !
સોને મઢી ઝલકમાં ન દબ્યાં દબાય
યુદ્ધો ભયાનક, કૃતઘ્ની ખૂનો, નિસાસા.


પ્રજાના સંઘોએ વિકસિત કરી રાષ્ટ્રસ્ફુરણા;
અને વ્યક્તિદોષો સમૂહજીવને વિસ્તૃત બન્યા.

રચ્યાં રાષ્ટ્રો મોટાં મૃદુ મૃદુ પ્રજાઓ ગળી જઈ;
પશુસામર્થ્યોની જગતભર પૂજા થઈ રહી !

બુદ્ધિની કો ચપલ રમતે હાસ્ય મીઠાં હસીને,
ધીમે ધીમે જગતભરમાં ફેલી સામ્રાજ્ય લીધાં,
સ્વાર્થે વીટ્યાં સ્ફુરણ નિજનાં પુણ્ય માનીમનાવી
ઉપાડે છે જગ સકલનો ભાર ગૌરાંગ રાષ્ટ્રો !


સિંહ ને વ્યાઘ્રથી ના ના પેઢી દૂર નથી ખસી !
આકૃતિભેદમાં ઢાંક્યાં હૈયે જે વરુ ઊછળે !

૨. જર્મન યુદ્ધ

પશ્ચિમમાં ગર્જન ઘોર આ શું ?
શું મેઘ માથે પ્રલયો ઝઝૂમે ?
જ્વાલામુખી જાગી ગળે સમષ્ટિ ?
વિદ્યુતશ્રેણી જગને શું બાળે ?

નહીં નહીં એ જડ ક્રૂર ખેલો !
સૃષ્ટિ તણી અંધ ગતિ ન ! એ તો
પરોપકારી સહુ રાષ્ટ્ર ગોરાં
પરોપકારાર્થ જરા રમે છે !


ને એ રૂડી રમતમાં કંઈ તખ્ત તૂટ્યાં !
માટી મહીં ભળી ગયા મણિજ્યોત તાજ !
તારાગણો ઝબકીને ખરતા તિમિરે,
શૂન્યે ડૂબ્યા ઝળકતા નૃપવંશ એમ.

બુદ્ધિવકાસ પણ રાક્ષસી રાહ ચાલે,
સંહારસાધન થકી બની સજ્જ મ્હાલે.

શીળી સમીરલહરી હૃદયો રમાડે,
વંટોળ રૂપ ધરી તે જગને ઉજાડે !

આરંભી યાદવી ભયાનક મધ્ય દેશે
બાહુ બલિષ્ઠ ઊંચક્યો -દીધ વજ્રઘાવ,
સંસ્કારી ને રસિક ફ્રાન્સ ધ્રૂજી ઊઠ્યું ત્યાં,
કંપી ઊઠ્યું જગ સમસ્ત પ્રચંડ ઘાવે.

કોના વિશાલ ઉર ઉપર ઘા જિલાય !
કો સ્નાયુબદ્ધ બલબાહુ ખમે પ્રહારો ?
રાષ્ટ્રીય ગર્વ તણી આસુરી રેલ ખાળી
કોણે ત્વરિત બની સંસ્કૃતિને ઉગારી ?

કર્મો તણા ફલની આશ નિવારી જેણે
અધ્યાત્મ રંગ થકી રંગીન આર્ય દેશ
ઉચ્છંગથી વીર તનુજ ખસેડી હોંશે
જે પાઠવે ભર રણે વિષ અર્થલોભ !


નિચોવિયું રક્ત, નિચોવ્યું દ્રવ્ય,
નિચોવિયા પ્રાણ પરાર્થ કાજે;
વર્ષી ગયેલી જલવાદળી શો
ફિક્કો બન્યો હર્ષથી આર્ય દેશ !

માગે ત્યહાં જીવન અર્પવામાં–
પરાર્થ કાજે સુખ હોમવામાં–
નિર્દોષ કાજે મરી મીટવામાં
આનન્દતી આર્ય પ્રજા સમસ્ત

.

ઝીલીને ઘાવ નિવાર્યું ચંડ વિક્રમ શત્રુનું;
હર્યાં તેજ, ફરી બાજી, મિત્રોને વિજય વર્યો

૩ આશા

અહો વાગ્યા ડંકા, વિજયધ્વજ ખુલ્લો ફરફરે !
મહામંદિરોમાં પ્રભુજગવતા ઘંટ ધણણે !
પ્રભુની સૃષ્ટિમાં પ્રભુમય હવે જીવન થશે;
અઘોરી વીર ક્રૂર કતલ હવે અટકશે

સુખે નિદ્રા લેશે વ્રણપીડિત આ માનવ પ્રજા;
બન્યાં યુદ્ધો હવે ગત જીવનના ભૂતભડકા.
મુત્સદ્દીના લેખે, વળી કદીક વાણીની પટુતા
થકી ના ખેંચાશે ખડગ ! જગમાં આશ ઊભરે.


સંગ્રામશક્તિહીણ કૈં પ્રજાઓ–
દબાયલી અજ્ઞ અશિષ્ટ જાતો–
વળી પરાધીન દુઃખે પિડાતાં
અનેક રાષ્ટ્રો બનશે સ્વતંત્ર.

ગોરા અને શ્યામ સમાન થાશે,
અજ્ઞાની ના જ્ઞાની થકી લૂંટાશે,
બલિષ્ઠનાં જંજીર ના જડાશે.
અશક્તને પાયે ! – ઉમેદ જાગી.


ના ભ્રાતૃભાવ ઘટશે વળી ધર્મભેદે;
દાટી હવે વિષભર્યાં સહુ વેર જૂનાં
આનંદભેર કરી કોટી સમાન ભાવે
પ્રત્યેક માનવ જગે ખીલવે બગીચો.

સત્ પંથમાં વિચરશે સહુ બુદ્ધિશાળી,
વિજ્ઞાન વિષ પર પુટ ચઢાવશે ના,

સંગ્રામ કાજ ધનને વળી માનવીના
અબ્જોની આહુતિ હવે બનશે નિરર્થ.


ભૂખે પીડ્યા લાખો ગરીબ કરમાં અન્ન પડશે,
શીતાગ્નિથી ધ્રૂજ્યાં કંઈક શરીરે વસ્ત્ર અડશે,
મહારોગે દાઝ્યાં, પીડિત વળી ઝેરી જ્વર થકી
કંઈ લાખો ભાંડુ તણી અનલજ્વાલા અટકશે.

કાવ્યો માંહે નવ ચમકશે અશ્રુધારા હવે તો,
ગીતો માંહે કરુણ લય ને સૂરની ઓટ થાશે;
ચિત્રો માંહે હૃદયચીસ કે દૈન્યના ભાવ દોરી
રંગો સંગે રુદન કરશે ચિત્રકારો હવે ના.

ભાવભીના જગે હવે સ્નેહ ઉલ્લાસ જાગશે,
સ્વર્ગને પાથરે નક્કી માનવી પૃથિવી પટે !


૪ આશાના ખંડેર

ગર્જી ગયો મેહ, પરંતુ બિંદુ
છાંટ્યું ન એકે ધરતી લૂખીમાં.
કોકિલ ટહુકી ક્ષણ આમ્રડાળે,
ઉલુકવાણી નભ ફોડી જાગી.

પ્યાલો સુધાનો મુખ માંડતામાં
ઊઠી મહા ઝેર તણી વરાળ.
પુષ્પ તણી સેર ગળે વીંટાળી–
ડોલી રહી નાગફણા ત્યહાં તો

સંગીતના સૂર બન્યા બસૂરા;
સિતાર તારે નવ મેળ જામ્યો;

ના તાલમાં પાચ પડે લગીર,
અંગાર આખો મહીં જો ઝબૂકે !


અલિંગનો બની ગયા ક્રૂર નાગપાશ,
ને ચુંબને વિષ હળાહળ જો ઉતાર્યાં;
હાસ્ય છુપાઈ શઠતા તણી તીક્ષ્ણ ધાર.
મૈત્રી નીચે સળગી સ્વાર્થની આગ જૂની.


મિત્રો અને શત્રુ તણા દ્વિપક્ષ
જીવ્યા. ઢળ્યો દુશ્મનશિર્ષ દોષ.
ને દોષના દંડ – ગુનાની શિક્ષા
પડ્યાં પરાજિત પ્રજા શિરે હો !


સંસ્થાન ઝૂંટ્યાં, કંઈ મુલ્લક તોડ્યા,
ભાંગ્યા સીમાડા રચી રાજ્ય જુદાં,
ને દંડના ભાર ભરી ભરીને
કૈં શત્રુના ખંભ દીધા દબાવી.


બંધુભાવ વધારવા વધી રહ્યા સામ્રાજ્યના શબ્દમાં
હિંંદે આશ સમાનતા તણી ધરી સંબંધને સાચવ્યો;
સંગ્રામે જીતી દેશમાળ નવલી ગૌરાંગ કંઠે ધરી,
ગૌરાંગી હૃદયે પ્રસન્ન બનીને કાળો દીધો કાયદો.


આશાભર્યા ભારત વર્ષ કેરા
લલાટમાં શામલ ચાંદલો કર્યો;
મૈત્રી ઘમંડે ઘૂમતી પ્રજાને
બતાવિયાં જંજીર પાયમાં જડ્યાં.


હાલી ચાલી શકાયે ના, વાણી બોલે જ શીખવ્યું,
પીંજરું એવું રૂપાળું ભેટમાં હિંદને મળ્યું.

૫ વરદાન-ભંગ

મોજી ધનિક ધનનો રણકાર ખેલી
શેં ચીડવે ધન રહિત ગરીબ ટોળાં ?
સામર્થ્ય સ્ફૂર્તિભર વીર હસી રહે શું
દુઃખે પીડાઈ રડતા કંઈ દુર્બલોને ?

આકાશ વીંધી ઊડતા ખગથી ગવાશે
મીઠાં ગીતો, નીરખી પક્ષવિહીન પંખી ?
બેડી જડ્યો શરીરભાર વહી રહેલા
બંદી પરાધીન ભણી હસી શું શકાય ?

મૈત્રી સ્વીકારી, બલિદાન અમાપ માગી
સ્વાતંત્ર્યસિદ્ધિ વરદાન દઈ રૂપાળાં;
બુદ્ધિવિલાસ વળી વાણીની મોહિનીમાં
રોલેટની સ્મૃતિ દઈ વરદાન ભાંગ્યાં !


દુઃખે વીંધ્યા દેહે નવ શું કદી નિઃશ્વાસ મૂકવો !
જ્વરે ઘેર્યા દેહે મુખ થકી ‘અરે’ ના ઊચરવું ?
રૂંધાતા હૈયાની અગન હળવી કૈંક કરવા
અરે આછું આછું નયન પણ ના ભીંજી શકીએ ?

રૂપાળી બેડીના ખણખણ થતા પાશ જીવતા
તુટે એવી ચોખ્ખી ક્યમ ની અભિલાષા ઊચરીએ ?
ભૂખ્યા રાખી અંતે ચકચક થતો પથ્થર મૂકી
ધરાવે થાળી ત્યાં ક્યમ ન હળવી ગાળ દઈએ ?

અશસ્ત્રો ખીજીને કરી શું શકતા ભાષણ વિના ?
અશક્તો રિસાયે મુખ મરડી : ‘મિટિંગ’ ભરશે !

કરી વાતો ભારે, ખુશ થઈ ઠરાવો કરી કરી
સુખે નિદ્રા લેતા અતુલ નિજ વીરત્વથી રીઝી !

.........

ખૂંચાવ્યાં શસ્ત્રોને, ખૂંચવી લીધું હૈયાહીર બધું,
લૂંટાવી લક્ષ્મીને જીવન મહીં દારિદ્ર્ય ભરિયું.
નશો નિર્માલ્યોને મુખ ધરી કહી શાન્તિ સ્થિરતા !
અરે શેં ના જાણ્યું?
ઇતિહાસે નાણ્યું—
પગે દાબેલો કો કીટ પણ મરે તે ય ઝૂઝતો !

હસે જંજીરોથી જડી દઈ ગુલામો ધનપતિ,
તિરસ્કારે ગોરા નીરખી જડ કાળાની વિકૃતિ,
મીઠી મોંઘી વાની
જમી છાની છાની
સુખે સૂતા જાગી કુપિત બની આરામ તૂટતાં
અરે મારે સોટી કળકળી રહ્યા ભિક્ષુક પીઠે !
સત્તાધીશ સદા માને સત્તા સત્ય ! ચળે નહીં.
અને એ મૂર્તિ પારાની કેને હાથ રહી નહિ!


૬ કલેઆમ

અશસ્ત્ર પાસે નવ શસ્ત્ર એકે-
બ્રમાસ્ત્ર હૈયા મહીં તો ય છે છૂપ્યું !
સ્વમાનની વજ્રભરી અણીમાં
સામર્થ્ય છે. શસ્ત્ર સહુ વિડારવા !

જાણ્યું ઝગારે જરી આત્મમાન,
વિરમ શબ્દોની મહીં ઉતારવા,

સમગ્ર હિંદી જનતાની સાથે
પંજાબને એક ખૂણે સભા થઈ


સત્તાધીશો સહી શકેલ વિરોધ લેશ ―
છે એ વિરોધ મહીં પ્રેમ ભરે ઉછાળા;
છો શબ્દ, રીસ, વિનયી સહકાર ભંગ
માંહે વિરોધ તણી જવાલ અને પવિત્ર.


અન્યાય ઝાળે જનતા જલંતી
ફેલાઈ બાગે જલિયાવાલા,
બે શબ્દ તીખા ઘડી બોલી, દાઝ્યા
હૈયા તણી શાંતિ ક્ષણિક લેવા.

સામ્રાજ્યસ્વામિત્વ તણી તુમાખી–
કૌશલ્ય ભાને મદમસ્ત મસ્તી–
પરાજિતોને હસતો ઘમંડ–
એ વૃત્તિના કો અવતાર શો એ

સેનાપતિ ડાયર જો ભભૂક્યો !
ધસ્યો લઈ સૈન્ય સશસ્ત્ર ક્રૂર,
વાંકી બૃકુટી કરી દંત પીસી
ઘેરી લીધો બાગ ભરાઈ રોષે.

આપી નહિ ચેતવણી લગાર,
આજ્ઞા દીધી ના વીખરાઈ જાવા
ના શિષ્ટ આચાર જરા ય પાળ્યો,
નિઃશસ્ત્ર ટોળા પર અગ્નિ છાંટ્યો.

ધાર્યું, વીરવભર્યું અદ્ભુત કાર્ય કીધું,
અગ્ન્યાસ્ત્રવૃષ્ટિ કરી રાજ્ય જતું બચાવ્યું,
વીરોની શ્રેણી મહીં અમ્મર સ્થાન પામ્યો,
જાણે ચઢંત કિરીટે કલગી રૂપાળી !

ભાગ્યો અશસ્ત્ર સમુદાય નિહાળી મૃત્યુ,
ના માર્ગ એક જડતો જરી નાસવાને;
ચોપાસ રૂંધી રહી બાગ તણી દીવાલો,
ખેલી રહ્યો કતલતાંડવ વીર ગોરો.

કૈં માનવી કુમળું મોત સ્વીકારવાને
કૂપે પડ્યાં, વળી બીજાં કચરાઈ ચાલ્યાં !
આશા તજી ખમી પ્રહાર ઢળી પડ્યાં ત્યાં !
ચોપાસ મૃત્યુ તણી જો ફરતી દુહાઈ !

જોયાં ન બાલ વળી વૃદ્ધ અશક્ત કાય,
જોયાં નહીં કુતૂહલે કંઈ આવનારાં,
જોયું નહીં દુષિત કોણ રહિત દોષ,
માર્યા પ્રજાજન અશસ્ત્ર જ એક ધારે.

ના ડાયરે વ્યથિતની સુણી આર્ત ચીસો,
એણે ન જોયું જરી ઘાયલ પીડા સામે,
દુઃખે મરે તરફડી, પણ વીર ગોરો
દૃષ્ટિ કરે છે મસ્તી જનતાની સામે ?

હિંદે નિહાળી હતી નાદીરશાહી કત્લ-
એ તો ઝનૂનભરી શ્યામલ શસ્ત્ર લીલા !
એ કત્લને ભૂલવતું વીસમી સદીમાં
સંહાર ખેલન કરે સુધરેલ શ્વેત !



રુધિર બોળી કલમે લખાયું
પાનું ઇતિહાસ મહીં વધ્યું હવે !
સેનાપતિ ડાયર કેરું નામ
બન્યું ચિરંજીવી – ન હિંદ ભૂલશે !

પ્રજા તણા જીવન માં જડાયો
નવીન કો ભાવ બની સુસ્પષ્ટ;
ભુલાય શું એહ મહાન ભાવ
ઝગી રહ્યો ડાયરશાહી માંહે ?


હિંદની સર્વ ભાષામાં શબ્દ સમૃદ્ધિ જે વધી !
શબ્દકોશે સ્વીકારાય ડાયરી શબ્દ સર્વથા !


૭ પ્રશ્નના પડધા

શસ્ત્રના ઘાવની સાથે હિંદ હૈયા મહીં ખૂંપ્યું
તીણું લોખંડ !–હૈયાના ઘાવ કેરી નથી દવા!

નમાવ્યા દેહોને ચમચમ થતી ચાબુક વડે–
કરાવ્યાં સાષ્ટાંગે નમન ભય પીડા કરી કરી,
સલામો ગૌરાન્ગે બલથી લીધી કાળાશ પરખી–
ઘવાયા આત્માના વ્રણ ઉપર છાંટી લવણને !


ભલે નમે દેહ, નમંતુ શિર્ષ,
ભલે સલામો મુજરા ભરાય,
ન જ્યાં સુધી આત્મ જિતાય પ્રેમે,
નિરર્થ એ ભાવવિહીન ચાળા !

શસ્ત્રો તણી જીત પરાજયોની
કાતિલ શ્રેણી રચતી રહે છે;

જુલ્મે ઝીલેલી સઘળી સલામો
મહીં કટારો છૂપતી સદાય.


નિર્માલ્ય તેજહીન નિર્બળતા ભરેલી
કંકાસ ક્લેશ મહીં માણી રહેલ મોજ,
સામે મુખે મરી શકે ન કદી પ્રજા જે
તેને લલાટ ચીતરી પરતન્ત્રતા હા !

.........

અહો માનવી માનવીને ય કાપે,
રચી રાજ્યને લોહી સ્વસ્તિક જાપે,
ચીરી બંધુની છાતી રાતા રુધિરે
લલાટે કર્યો ચાંદલો શુરવીરે !

સત્તા ભલે બાંધતી કીર્તિ મંદિરો,
પ્રજા ભલે કબ્ર સમાધિ બાંધતી,
શાહી કવીન્દ્રો વીરકાવ્ય છો રચે,
આંસુ ભલે રેડતી હિન્દની કલા.

સત્તા વિરોધી સહુએ શહીદો
પ્રતિનિધિ પામરતા તણા એ–
મૃત્યુ ઝીલ્યા દેહ રહિત ઓળા
ફર્યા કરે છે હજી બાગ માંહે.

ફિલસૂફ, રાજા, વીર, જાલિમોને,
સમાજશાસ્ત્રી વળી સેવકોને,
યાત્રી, પરાધીન, ધનિક સૌને
પુકારતા એ પડછાય પ્રશ્ન :

ગૌરાન્ગ દૃષ્ટિ ફરતી જગમાલિકીમાં,
શ્યામાન્ગની નજર છે નિજ શૃંખલામાં,
ને ગુપ્ત જંગી, વળી ચાસનવ્યૂહ સ્વામી;
એ સર્વને પૂછી રહ્યું જલિયાનવાલા :


સિંહ ને વ્યાઘ્રથી શું ના પેઢી દૂર હજી ખસી ?
હૈયે શું સર્વદા કરી હિંસાની કારમી ગુફા ?