નિહારિકા/પનઘટ
< નિહારિકા
← નીંદમાં ઝૂલો | નિહારિકા પનઘટ રમણલાલ દેસાઈ |
અંતરના સ્નેહ → |
પનઘટ
૦ ગરબી ૦
પનઘટ જાવાના કોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ !
માથે સોનાબેડલું, રેશમી ઓઢણી,
તાણું હું શણગટ સોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.
પાણી ધસે, ને મારી સાહેલડી હસે;
ભાળું હું સારસ સજોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.
શીળો સમીર–કંપી છલકે મારું બેડલું,
પહેરું હું પાણીડાંના મોડ, મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.
છમકે ઘૂઘરી ઠમકી અટકે પાય મારા;
હૈયાની મેં શું બકી હોડ ? મારા રાજ !
મને પનઘટ જાવાના કોડ.