← સૃષ્ટિસમ્રાટ નિહારિકા
પ્રાર્થના
રમણલાલ દેસાઈ
તુંહી તુંહી →


પ્રાર્થના

શિખરિણી]

પ્રભો ! મારી નાની મુરલી મહીં તો સૂર બસૂરા !-
ઝીલે ક્યાંથી તારા સૂર-જલધિની ભવ્ય ભરતી ?
અધૂરા આલાપો, ઘડી ઘડી તૂટે તાલ, ગીતમાં
મિલાવું ત્યાં ક્યાંથી લયવિલયની ભીષ્મ રચના ?

ટૂંકી દૃષ્ટિ મારી નીરખી અટકે યોજન થકી;
પિછાને એ ક્યાંથી અટપટી મહા રંગરમણા ?
ઊંચા આભે ફોડી અણકથ ઊંડાણે ઊતરતી.
મહાજ્યોતિ તારી ક્યમ કરી શકે અલ્પ નયને ?

અણુ માંહે વ્યાપી, અણદીઠ વિરાટ વીંટી વળી
રમતી તારી એ ક્યમ પરખું હું નિષ્કલ કલા ?
ટૂંકા મારા હસ્તે ક્યમ કરી ભરું બાથ તુજને ?
પ્રવેશે કો દ્વારે જડ શરીર એ સૂક્ષ્મ ભવને ?

ત્રણે કાલો વચ્ચે વહન કરતી ઝીણી ઝરણી–
વિલાતાં ને વહેતાં જીવનજલ આછાં ઘડી ઘડી.
ટૂંકી ઊર્મિ ક્યાંથી ગગન છલકંતા જલધિનાં
મહામોજાં ભેગી ઊછળી ઊડી ફેલાય સભરે ?

કિનારે બાંધેલાં જીવન છીછરાં માનવ તણાં !
ટૂંકી દૃષ્ટિ ! ક્યાંથી સ્વરૂપ ઊતરે કાચછબીમાં ?



દીવાલો બાંધીને રચી ભુલવણી ! જ્ઞાન અધૂરું
બિચારું શું બોલે તુજ કૃતિ વળી આકૃતિ વિશે ?

ઉપજાતિ]

ખોદી ખણી વળુ પગ ચડાવી
રચી રહ્યાં દેવલ બાલકો કૈં
એવાં અમારા સહુ મંદિરો છે–
અપૂર્ણ ને અલ્પ કુરૂપ ખોટાં !

અરે દયાસાગર ! તો ય તારા
કો અંશની ઝાંખી જરાક દેજે.
કદી અમારાં ગીત તાલહીણાં
મહીં જરા તારી મીઠાશ દેજે.

ક્ષણે ક્ષણે પામરતા અમારી
બતાવતી માનવ બુદ્ધિ સીમા.
લગીર ખોલી પડદો અભેદ્ય
એકાદ દેજે તુજ દિવ્ય રશ્મિ !

વસંતતિલકા]

તારા પવિત્ર ચરણે ધરતો સમસ્તઃ
બુદ્ધિ શરીર મન સંસ્કૃતિ-સૌ અધૂરાં !
ખીલ્યું વિશાળ અભિમાન અહંપણાનું
તે યે ધરું !–સહી શકાય ન ભાર તેનો.

ઉપજાતિ]

દયા ભર્યાં દ્વાર સમીપ બેઠો !
નથી અધિકાર, ન પાત્રતા છે !

અણુ થકી અલ્પ ! છતાં હું શોધું
વિરાટ વ્યાપી તુજ પુણ્યજ્યોતિ.

અનેક જન્માન્તરની ન ભીતિ,–
અનંત યુગો ઊઘડે વિલાય–
અનંત આવૃત્તિ ભલે રચાય–
બેસીશ એ દ્વાર સમીપ હવે !

એકાદ કો દિવ્ય ક્ષણે દયાનાં
કપાટ ખુલ્લાં ઊઘડી જશે, ને
મર્યાદ બાંધી મુજની અહંતા
ભળી જશે તારી અનંતતામાં.