નિહારિકા/બુદ્ધનો ગૃહત્યાગ

← ધૂમકેતુ નિહારિકા
બુદ્ધનો ગૃહત્યાગ
રમણલાલ દેસાઈ
જનનયને જલ →


બુદ્ધનો ગૃહત્યાગ


• વસંતતિલકા • મન્દાક્રાન્તા • અનુષ્ટુપ • શિખરિણી • માલિની •
• ઇન્દ્રવજ્ર • શાર્દૂલવિક્રીડિત • ભુજંગી •


ઘેરા વહે તિમિરધોધ ડુબાવી પૃથ્વી,
તો યે ઊડે ગગનમાં કંઈ તેજબિંદુ;
પાર્થિવ જીવન અનેક ડૂબ્યાં તિમિરે;
તેજસ્વી સાધુ તરી જાય તિમિરસિંધુ.


શીર્ષે ઝીલી ગગનપડને ભવ્ય હિમાદ્રિ રાજે !
અંધારું શું ઘનરૂપ ધરી દૃષ્ટિ રોધંત ઊભું ?
છો તે રોધે દૃગકિરણને ! દૃષ્ટિની દોડ ટૂંકી !
મીચ્યાં નેને ખૂલી જતું મહાવિશ્વ વીંટ્યું વિરાટ !

હિમાદ્રિ અંકમાં પોઢ્યું પૂર કો રાજ્યધાનીનું;
ભોગવે રાત્રિની શાન્તિ થાકેલાં – જડ ચેતના !

સૂતાં નિદ્રાખોળે મનુજ પશુપક્ષી જલચરો;
ભૂલ્યાં સુખોદુઃખો, હરખ વળી શોકે ય વીસર્યા;
મિનારા ને મહેલો ગરીબ ઝૂંપડી એક બનિયાં;
બને જે નિદ્રામાં, ક્યમ ન બનતું જાગૃત મહીં ?


નહિ નહિ નહિ જાગે ભાન વૈષમ્યનું એ,
વિપરિત પરિતાપે ના જળે સુપ્ત હૈયાં.
સઘન શુભ અભાને દ્વંદ્ધ સર્વે ભુલાયાં;
બળશું ઝળવું એ તો લ્હાવ છે જાગૃતિના

.

બળઝળી જાગી રહ્યું છતાં યે
અંધારામાં આર્દ્ર અધીર હૈયું,
મૃત્યુ પીસ્યાં જીવન કેરી યાતના
સહી શકે ના યુવરાજ આજ.


આકાશિકા લટકતી અવકાશમાં ત્યાં
સિદ્ધાર્થ શોચ કરતો ડગલાં ભરે છે.
નિદ્રા મૂકી, ત્યજી સુકોમલ રંગરાગ,
એ આત્મમંથન થકી બનિયો વ્યથિત.


વ્યાધિગ્રસ્ત મનુજ કો તરફડે; કો કાલદંષ્ટ્રામહીં;
વારિબિન્દુ વિના મરે તરફડી; કો અન્ન પામે નહિ;
ખેંચી, છેતરી, છીનવી, પગ પડી, બુદ્ધિતનુ વેચીને,
દંભે પામી પૂજા અરે મનુજ શું જીવે મરે બ્હાવરો !


વળી યજ્ઞે હોમે થરથરી જતાં પામર પશુ-
નહિ વાચા બુદ્ધિ, પણ જીવિત માટે રડી રહ્યાં.
અરે અગ્નિ માંહે જીવિત તનુને શેં ઘસડવું?
અને રોતા દેહે અરર ઝટકો કેમ ઘસવો ?


રેલાતા રક્ત ફુવારે દયાળુ દેવ રીઝતો ?
ભસ્મ નિર્દોષ દેહીની ઉડાડ્યે ઈશ પામીએ ?


વાચા વિહોણાં પશુઆર્તનાદે
જાગે કૃપા ? કે પ્રભુશાપ ઊતરે ?
નિઃશ્વાસ કે શ્વાસ જ ગૂંગળાવતાં
શું સ્વર્ગ ખીલે ! નહિ, નારકી બલો !


ચિંતાચાંપ્યાં નયન નમણાં દુ;ખશ્રેણી નિહાળે,
હૈયે જાગી ઊંંડી ઊંડી મહાવેદનાને વિચારે.

સૃષ્ટિ સૂતી દુઃખ ભૂલવતાં કુમળાં નિંદખોળે,
તો યે જાગે પ્રજળી ઊઠતો અન્ય દુઃખે યુવાન !


ઘૂઘૂઘૂ નાદ તૃપ્તિનો ગજાવી શાંતિ ચીરતો,
વૃક્ષેથી ઊડી પ્રાસાદે આવી બેઠો ઉલૂક કો.


કલબલ કરી રોયાં બાપડાં પંખી માળે;
કુમળી નિજ પસારી પાંખ બચ્ચાં સમાલે.
નથી બલ ક્રૂર પંઝો મોતનો રોકવાનું;
થર થર થતી દેહે તે ય એ બાલ રક્ષે !

કમ્પી ઊઠ્યું કુમળું હૈયું કુમાર કેરું :
રક્ષિત – તો ય અણરક્ષિત પક્ષી કોક
ખેંચાઈ કાલની કરાલ અઘોર દૃંષ્ટ્રા-
માંહી શું તૃપ્ત કરશે અરિની બુભુક્ષા !

કલ્લોલતું ફૂજતું દોષવિહોણું પંખી
સર્જાયું શું અવર જીવન પોષવાને? ―
નિર્દોષ એ જ ખગ જંતુપતંગિયાંને
પીંખી મઝાથી જમતું નહિ શું પ્રભાતે ?

પંખી જીવે કંઈક જંતુ પતંગ મારી;
ઉલૂક બાજ ઊછરે ખગને વિદારી;
વૈચિત્ર્ય આ શું ? કરુણાભર એક મૃત્યુ
કો અન્યનું સુખભર્યું બનતું જીવિત !

વ્યાપી રહી જીવનમૃત્યુપરંપરા શી ?
હિંસાનું તંત્ર ફરતું સઘળી સમષ્ટિ !
જાગ્યું જીવિત - ઝપટાયું કઠોર કાલે !
મૃત્યુ અને જીવનના ગજગ્રાહ ચાલે !

હિંસાની કો મહાજાલે પુરાયું જીવ પંખીડું;
વિસ્તરે પાંખ-તે સાથે વિસ્તરે કાલની કલા.


મૃત્યુ કાજે જીવન ઘડિયાં? આદિના અંત શાને ?
આંસુ પ્રેરે કંઈક હૃદયે કેમ વિકરાળ હાસ્ય?
કે એ મૃત્યુ બૃહદ જીવને ખૂલનારી ગવાક્ષ?
કે કો વ્યાખ્યા જીવનજલમાં મૃત્યુ વિશ્રામઘાટ?


વિશ્રામઘાટ? ― પછી શાની અપાર પીડા?
વ્યાપી રહી મરણમાં ક્યમ આંસુક્રીડા ?
મૃત્યુ ગમે ન નિજનું- ક્યમ અન્ય કેરા
ઘાતે પ્રવૃત્ત બનતી સહુની પ્રવૃત્તિ ?


વ્યાધિમાંહી છુપાઈ કાલ ગ્રસતો આનંદતા જીવને;
હિંસા ક્રૂર કુઠારધાર વસીને છેદી રહ્યો ગ્રીવને;
ડૂબે, વિદ્યુતમાં બળે, જળી જતો દેહી કદા પાવકે,
વાર્ધક્યે થકી શૂન્યતા મહીં સરી લોપાય એ મૃત્યુમાં.


વ્યાધિ ગમે ના, નવ ઘાવપીડા,
દાઝ્યાડૂબ્યાની નવ હોંશ કોને;
વાર્ધક્ય એ યૌવન કેરી ભીતિ;
ના કાલને જીવન સાથ પ્રીતિ.


ન શું શોધાયે એ જીવનઝરણીના શમનને ?
ન શું કો ઉપાયે મરણ તણી પીડા ટળી શકે ?
હશે ક્યાંયે જાદુ જીવન થકી સાંધી નિધનને
ઉઘાડે રોધંતા મૂંઝવણભર્યા ભાવિ પડદા !


બાણ શા સુસવાટે એ ઉલૂકે અવકાશમાં
ડૂબકી મારી – માળામાં ચીંચીકાર મચી રહ્યો !


ઉપાડિયું પંખી શિકારીએ કો !
મૃત્યુ ઊડ્યું ભીષણ વજ્રપંજે !
કારુણ્યથી કંપી રહ્યા કુમારે
લીધી પ્રતિજ્ઞા બસ મૃત્યુ જોવા !


છૂપાં ઉઘાડાં બહુ મૃત્યુસ્થાનો
નિહાળવા જ્યાં ડગલું ભરે છે.
ત્યાં રાત્રિના અંત પહોર કે’તી
ઘંટા બજી ધણણ, ગાજી ઊઠી સમષ્ટિ.


પ્રાસાદ ઘેરી ૨ખવાળ ઊભા;
દ્વારે ખડો જાગૃત કંચુકી કો;
આજ્ઞા ઝીલી – કે વળી વિણ આજ્ઞા
સંભાળવા જાગતી ભર્ત્યશ્રેણી !


જરૂર રોકે યુવરાજ કેરી
મૃત્યુ ભણી દોડી રહેલ કાયા;
ના રાજ્યનાં બંધનમાં રહીને
મૃત્યુ અને જીવનની ખરી ઝાંખી થાતી


નથી નથી વીર હૈયે લાલસા રાજ્ય કેરી;
વિભવ સુખની સામે શૂર દૃષ્ટિ ન ઠેરી;
જીવન જગત આરે ઊભતો વીર ટેરી []
ભય ત્યજી સૂણવાને મૃત્યુની કાલભેરી.


ફરી જઈ શકતો એ મહેલ કેરી દીવાલો;
નવ કદી અટકંતા ભર્ત્યરોક્યા કુમારો.

ડગલું નવ ભરાતું ! ભારે હૈયે શું જામ્યો ?
મન મૂંઝવતી જાગી ઘેરગંભીર વાચા :


‌‘રાજ્યાસનો ? અહ, પગેથી ખસેડી નાખું !
લૂંટાવું હું કિરીટ સોનલ રાજદંડ !
ફૂંકે ઉડાડું ઝગતા વિભવો વિલાસો !
રોધે છતાં ખટક કો હૃદયે રહેલી ?’


ત્યજી દેવાં સ્હેલાં જડ મુકુટ હીરામણિજડ્યા;
ત્યજી દેવાં સ્હેલાં નીલમમણિનાં આસન મઢ્યાં;
ત્યજી દેવા સહેલા નથી નથી અરે સ્નેહકિરીટો!
પ્રભાવન્તાં હૈયાં સમ ન મળતાં આસન કહીં !


વૈરાગ્યથી વળી જગે નિજ વૃત્તિ ચૉંટી;
ઊંડાણથી સ્મૃતિ તણા ઝબકાર જાગ્યા;
એ પૂરમાં હૃદય કૂંણું કુમાર કેરું
ભૂલી વ્યથા જગતવ્યાપી તણાયું જાય.


કોનાં હેત વિસારવાં? હૃદયના ભાવો કયા ભૂંસવા ?
છાપ્યાં સ્નેહલ ચિત્ર નેનપડદે - શી રીતથી લુછવાં ?
કોના મિષ્ટ મધુરવા ટહુકડા કર્ણે પડ્યા વીસરે !
હૈયાં સ્નેહીતણાં વીંધી મનુજ શું કલ્યાણ આશા ધરે ?


ઉઘાડી પાંપણો નીચે સ્વપ્નશ્રેણી વહી જતી;
રેલે સ્નેહ તણો સિંધુ – તરે મૂર્તિ પ્રભાવતી

.

માતાપિતાની મીઠી આંખમાંથી
વાત્સલ્યના ધોધ વહી રહ્યા છે !
સંદેશ શાં શાં ઉચરી રહે છે,
પ્રેમાલ પત્નીની અબોલ વાણી !


મિત્રો તણી શ્રેણી રમી રહી છે,
કટાક્ષની છોળ ઊડી રહી છે;
આનંદ ને ખેલનમાં ઉતારવા
કુમારને એહ મથી રહી છે !


ચઢ્યું તોફાનને ઝોલે હૈયું બે પાસ ઝૂલતું !
વિશ્વસ્નેહ મૂકી પાછું વ્યક્તિસ્નેહ ભણી વળ્યું :


‘મારી મૂર્તિ સ્થપાઈ કોક હૃદયે ! મેં કોક સ્થાપી દિલે;
અન્યો અન્ય તણાં બન્યાં પૂજક ને સ્નેહે પ્રતિજ્ઞા લીધી.
શું પૂજા અધૂરી મુકાવી મૂકીને ત્યાગું બધાં સ્નેહીઓ ?
ના ના, હૈયું સહી શકે પ્રિયતણા નિઃશ્વાસ ઊના જરા !’


એ સ્નેહબંધન નથી જરી યે શિથિલ.
તોડ્યાં ન તે તૂટી શકે – ન છૂટે ય છોડ્યાં;
છે પ્રેમતંતુ સઘળા મૃદુ ને સુંવાળા;
કિંતુ ન ગ્રંથિ છૂટતી દૃઢ વજ્રની એ !


વિસ્તારેલા ગહન ગગને કો ક્ષણે તે નિહાળે;
કે કો વેળા સ્થિર રહી ઊભો ફેરવે હસ્ત ભાલે;
સંકલ્પોનાં ઊછળી રહેતાં મસ્ત તોફાની મોજાં,
ઝોલાં ખાતું, ડૂબતું, તરતું કુમળું હૈયું એમાં.


પ્રારબ્ધશાં તારક ઝૂમખાંને
નક્ષત્રરાશિની વિચિત્ર ગૂંથણી,

આકાશગંગા વળી તેજપાટશી,
હસી રહે માનવ મંથનોને,


ન હાસ્યની હોડી પ્રકાશરંગી
બની તરાવે ડૂબતા મનુજને ?
ગૂઢાશયી પ્રકૃતિતત્ત્વને શું
મનુજ પ્રત્યે સમભાવ ના હશે?


પૃથ્વીના પડછાયામાં ફરતાં ઘન ગોલકો
દઈને દેહઆહુતિ પામે તારક નામને.
રાત્રિની શાન્તિમાં બાળી કાયા પામી પ્રકાશને
ભેદીને ઘન અંધારાં એકાકી તારલો ખર્યો.


અંધારું યે ઝબક્યું ને ઝબકીય પૃથ્વી;
ઝબક્યો ય આત્મન્ સુષુપ્ત કુમારનો ત્યાં !
ક્યાંથી પડે? કહીં પડે? ક્યમ તું પડે છે ?
હેતુ હશે પતનનો કંઈ મિત્ર તારે ?


કાર્યને બાહ્ય દૃષ્ટિનો સહસા સ્પર્શ તો થતો,
કિંતુ કાર્ય તણા હેતુ સંતાડે વિધિ સર્વથી.


વીંધી કાર્ય તણાં પડો વિરલ કો ચક્ષુ જુએ કારણો;
એવાં વેધક નેત્ર પાછળ ઝગે જન્માન્તરોનાં બલો !
ટૂંકી દૃષ્ટિ મથંતી કાંઈ નીરખે ઝીણેરું ઊંડાણમાં;
ખેંચાયો પડદો – વિશાલ નયને હેતુ પ્રકાશ્યા બધા


વ્યક્તિની પાળમાં બાંધ્યાં પ્રેમનાં સર ઊછળ્યાં;
તૂટી માઝા, વહ્યો ત્યાંથી પ્રેમનો જલધિ જગે.


સંબંધ ટૂંકા વળી સ્વાર્થ તૂટ્યા;
વિરાટવીંટ્યા ઊછળે તરંગો;

જ્યહાં જ્યહાં ચેતન હાલતું હતું
અદ્ભુત ત્યાં રાજતી દીઠી એકતા.


વનસ્પતિ કીટ પશુ પતંગ
ને માનવી દાનવ દેવ સર્વ :
ઊંચાનીચા ચેતનના તરંગો
નીચે વહે એક મહાન સિંધુ.


વળી સૂતાં કો સ્થળ સિંધુવારિ
પ્રશાન્ત નિદ્રાધીન ઊર્મિહીન :
અરે ન એ તો જડ-ચેતનાની
સુષુપ્તિ – સિંધુનું અભંગ અંગ.


એ સિંધુની માંહી ભળી જવાને
આતુર સિદ્ધાર્થ બની રહ્યો ત્યાં
સંકલ્પ કીધો ગૃહ મૂકવાનો
લીધી પ્રતિજ્ઞા ગુરુની સમક્ષ.


‘ઓ દેવ ! તારક ! ગુરુ ! તમને પ્રણામ !
અજ્ઞાનના પટ ખસેડી પ્રકાશ દીધો !
નેત્રો ભરી નીરખું છું તમ દિવ્ય પંથ;
એ પંથમાં ચરણ આજ થકી ધરું છું.


આકાશનાં મણિજડિત મહાલયોને
ત્યાગી તિમિર હરવા જગમાં પધાર્યા;
તેજસ્વી સ્તંભ રચિયો – ક્ષણમાંહી લુપ્ત !
તો યે પ્રકાશ મુજ અંતરમાં ઝિલાયો.


હું યે મહાલય તજી જગ ઊતરું ને
અજ્ઞાનના તિમિરમાં પૂરું કૈંક તેજ.

એ તેજ છો પળ રહી પછીથી વિલાય !
શું કોઈના નીકળશે નૂર ઝીલનારો ?


ભલે ન ઝિલાય પ્રકાશ મારો,
અજ્ઞાત છો ત્યાગ તણે ઝગારો;
ઘસી પરાર્થે નિજ જિંદગીને
ઉજાળું હું મૃત્યુતણો કિનારો !’


રડ્યું માતસોડે સૂતું બાલ કાલું,
વીંધી નાખતા સ્નેહનું ગૂંથી જાળું;
૨ખે જાળમાં પાય મુકાઈ જાતો,
વિચારી મહાત્મા ગૃહેથી વિલતો.


માનવીના મિનારેથી ખર્યો તેજસ્વી તારલો
ઝગે છે જ્યોતિરેખામાં આજે યે આત્મઆહુતિ.

  1. ૧.ટેરી=પુકારી