← ઝુલાવો ધીમે ? નિહારિકા
યુગલ હંસ
રમણલાલ દેસાઈ
ભોળી કુમુદિનીને →


યુગલ હંસ


૦ સાખી-ગરબી૦

દેહ રજત વાદળી, સમી, ચંચુ ૨ત્નજડિત;
બિલ્લોરી જળમાં રમે, યુગલ હંસ મુજ નિત્ય.


ભેટે ભેટે ને તો ય ભૂખ્યાં એ ભાવનાં !
ચૂમે ચૂમે ને તો ય તરસ્યાં રહે !
ભાળે–નિહાળે તો ય તૃપ્તિ ન નૈનમાં !
આત્માં અનંગ અંગઅંગમાં વહે!-ભેટે


પીધે અમીરસ ના ખૂટે, યુગયુગભરનાં પાન !
જીવન રસ એ પ્રેમનાં કોણે દીધાં દેન ?


આંખમાં ઉજાસ, ભર્યો હૈયે ઉલ્લાસ;
વ્હાલસોયાં એ જોડલાં શેં છૂટ્યાં છૂટે !
દેહમાંહી દીપતા કો હૈયાના રાસ !
સ્નેહતૃપ્તિની લ્હાણ એમ બેલડી લુંટે–ભેટે