← મુરલી નિહારિકા
રસડોલન
રમણલાલ દેસાઈ
શું ભાભો તાકી ? →


રસડોલન


૦ નંદજીનો છેલો-જાદૂનો ભરેલો ૦

‘છોડો મારી બૈયાં ! ઓ, આવી મારી સૈયાં !
આવી મારી સૈયાં ! ઘડ્યાં આ શાનાં હૈયાં ?
છોડો મારી બૈયાં !’

જલ ભરેલ ઝારી – ઢોળાવી; હું તો હારી !
જાઓ ને, રીત ના મને ગમે તમારી—
છોડો મારી બૈયાં !’

સાખી ]

‘જલનાં સીંચન સુંદરી ! માગે કુમળાં ફૂલ;
મુજ હૈયું માગી રહ્યું સીંચન પ્રણય અમૂલ.’
‘અલક લટ વિખૂટી ! હું તો ય શે ન છૂટી ?
નાસતાં સોનાની કટિમેખલા આ તૂટી !
છોડો મારી બૈયાં.’

સાખી ]
‘વીખરી લટમાં જો સખી, બંધાયો હું અજાણ;
છો તૂટી કટિમેખલા, કરબંધન લે પ્રાણ.’
‘બ્હાવરી બનાવી, મઝા કહો શું આવી ?
ઘેલછા આ દીજે મનની મનમાં સમાવી.
છોડો મારી બૈયાં.’

સાખી ]

‘શ્યામા ! શ્યામલ નયનથી ઝેર ચઢ્યું મુજ અંગ,
 સંતાડ્યો સખી આંખમાં કહે કો શ્યામલ ભુજંગ?’
‘થાકે ઊભી ડોલું, હૈયું કો પાસ ખોલું ?
જાઓ ને પ્રાણ હું હવે કદી ન બોલું !
છોડો મારી બૈયાં.’

સાખી ]

‘રસભીનાં ડોલન સખી જોઈ રહું અનિમેષ;
અબોલ પણ રસના ભર્યા, રસભીની તુજ રીસ’.