← ગુર્જર વીર નિહારિકા
સાચના સિપાહી
રમણલાલ દેસાઈ
ઇંધન ખૂટ્યાં હો ! →


સાચના સિપાઇ


રસના ભર્યા રે, એ તો રંગના ભર્યા,
શૂર સાચના સિપાઈ ઓ આનંદના ભર્યા.

માથાં મૂકયાં છે કાપી હાથ વડે વેગળાં,
જોગણીનાં ખપ્પરોને ભાવે ભર્યા'.
શૂર સાચના સિપાઈઓ આનંદના ભર્યા.

વાજે છે ડંકા ને ગાજે અનાહત,
સોહં સોહં નાદ શંખે પૂર્યા.
શૂર સાચના સિપાઈઓ આનંદના ભર્યા.

તપનાં તો તીર અને ભક્તિતણા ભાલા,
પ્રેમના પટા રમે એ સંતો નર્યા.
શૂર સાચના સિપાઈઓ આનંદના ભર્યા.

ઝૂઝે છે વીરધીર, ખોલંતા મર્દ ખેલ,
કામક્રોધલોભના ચૂરા કર્યા.
શૂર સાચના સિપાઈઓ આનંદના ભર્યા.

ધારી જે ટેક નેક મરતાં ચૂકે નહિ,
મુક્તિને દ્વાર એ તો જઈને ઠર્યા.
શૂર સાચના સિપાઈઓ આનંદના ભર્યા.

નીરખે છે નેણ ભરી આતમની જ્યોતને,
એવા મરજીવા સાચા મર્યા :
શૂર સાચના સિપાઈઓ આનંદના ભર્યા.