← મંગલ સંકલ્પ નિહારિકા
સુહાગી દૃશ્ય
રમણલાલ દેસાઈ
મુખડે ફૂલ →


સુહાગી દૃશ્ય


૦ શાર્દૂલવિક્રીડિત ૦

દીઠાં દૃશ્ય સુહાગી ભવ્ય કુમળાં
ઘેરાં નભોમંડલે,
તારા રાશિ શશી રવિ ગૃહતણી
જ્યોત્સ્ના સદા યે ઢળે.

સંધ્યા ને અરુણોદયે વળી ઉષા
રેલાવી રંગો હસે;
કો વેળા રસમસ્ત વાદળી છકી
રંગી કમાનો કસે.

પુષ્પેગૂંથી સુવલ્લરી લચી નમી
લજ્જાળુ સ્મિતે દીપે;
તેના પાશથી ભાન ભૂલી ઝૂલતા
વૃક્ષે તૃષા ના છીપે

ઘેરાં વારી મહીંથી આવી અડકે
હિમાંશુ ને પોયણી;
ને આવે રવિ ભેટવા કમલિની
ઓઢી લીલી ઓઢણી.

એવાં દિવ્ય અનેક દૃશ્ય નીરખ્યાં,
તો યે ન તૃપ્તિ વળી.

મિત્રોમાંહી રમી સુકીર્તિચરણે
ભાવે દીધી અંજલી.

એ સૌ જીવનલ્હાણ દિવ્ય, પણ ના
હૈયે ઉછાળા શમે;
માગે દૃશ્ય હજી ય દિવ્યતર એ–
જેમાં પ્રભુતા રમે.

સૃષ્ટિનાં સહુ દૃશ્યની સુભગતા,
લાલિત્ય ને ભવ્યતા;
નારી ને નરરૂપમાં વિકસી કો
આ ક ર્ષ ણે ખેં ચ તાં.

જોડે સ્નેહ સ્વરૂપ ધારી પ્રભુ એ
આ ત્મ દ્ર ય વિ ક લ.
લગ્ને એક બને પુરુષપ્રકૃતિ;
એથી કશું કશું મંગલ ?