નેતાજીના સાથીદારો/ડૉ. લક્ષ્મી સ્વામીનાથન

← શાહનવાઝખાન નેતાજીના સાથીદારો
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ
શ્રી. એસ. એ. આયર →



[૪]

ડૉ. લક્ષ્મી સ્વામીનાથન


[ કર્નલ : ઝાંસીની રાણી રેજીમેન્ટ ]

“શુભ સુખચેન કી બરખા વરસે
ભારત ભાગ્ય હે જાગા. ”

પ્રભાતનાં કુમળાં કિરણો હજી હમણાં જ અવની પર પથરાઈ રહ્યા હતાં. સીંગાપોર-બ્રિટિશ સામ્રાજ્યનો અજેય ગણાતો ગઢ પરાસ્ત થઇને જાપાનના હાથમાં પડ્યો હતો. જાપાનીઓએ એને શૉનાનનું નવું નામ આપ્યું હતું.

એ સીંગાપોરને માથે ઉઘડતી ઉષાના તેજ અંબાર ઝીલતો ત્રિરંગી ઝંડો લહેરાતો હતો. પવનના ઝોલા ઘડીમાં આવીને ઝંડાને ઊંચે લઇ જવા મથતા હતા. એ ત્રિરંગી ઝંડા નીચે, લશ્કરી ગણવેશમાં સજ્જ થયેલી યુવતિઓના કંઠમાંથી, મધુર સ્વરે, હલકદાર બાનીમાં ગીતની સૂરાવલિ નીકળી હતી.

વાતાવરણમાં ગાંભીર્ય છવાયું હતું. હિંદી નારી, નારીદેહને સુકોમળ અને સુયોગ્ય એવો પહેરવેશ ત્યજીને આજે, હાથમાં બંદૂક ઉઠાવીને, લશ્કરી ગણવેશમાં સજ્જ થઈ ઊભી હતી.

આકાશમાં, દેવગણો જાણે આ ભવ્ય દૃશ્ય નિહાળવા, એના પુર આશીર્વાદ ઉતારવાને એકત્ર થયા હતા.

તા. ૨૨ મી ઓક્ટોબર ૧૯૪૭નું એ યશોજ્જ્વલ પ્રભાત હતું, ‘ઝાંસીની રાણી રેજીમેન્ટ’નો ઉદ્‌ઘાટનવિધિપૂર્વેનું એ મંગલાચરણ હતું.

એ સાંજે નેતાજીએ રેજીમેન્ટની વિધિસરની ઉદ્‌ઘાટન ક્રિયા કરી ત્યારે, જગતના ઇતિહાસમાં એક અપૂર્વ એવા પ્રસંગનું આલેખન થયુ. જગતમાં, કોઈપણ ગુલામ દેશની નારીશક્તિએ, વ્યવસ્થિત લશ્કરી તાલીમ હાંસલ કરીને, દેશને ગુલામીમાંથી મુક્ત કરવાને હાથમાં હથિયારો ધારણ કર્યાનો બનાવ બન્યો નથી. હિંદી નારીનું એ સદ્‌ભાગ્ય હતું કે એણે જગતને, નારીશક્તિના, રણચંડી સ્વરૂપનાં દર્શન આપ્યા.

એ છાવણીનું સૂકાન કર્નલ લક્ષ્મીને સુપ્રત થયું. નેતાજીના વડપણ નીચે સ્થપાયેલી આઝાદ હિંદની કામચલાઉ સરકારના કર્નલ લક્ષ્મી એક અગ્રણી સભ્ય હતાં. એણે પોતાની શક્તિના, બલિદાન અને સાહસનો જગતને જે પરિચય આપ્યો છે તેવો પરિચય, ભાગ્યે જ બીજી કોઈ યુવતીએ આપ્યો હશે.

ત્રીસ વર્ષની એ સૌન્દર્યમૂર્તિ લક્ષ્મી, મદ્રાસ પ્રાન્તના વતની છે. એના દેહમાં બ્રહ્માએ જાણે ખોબલે ખોબલે સૌન્દર્ય ભર્યું છે, માત્ર સૌન્દર્ય જ નહિ પણ એનાં બુદ્ધિપ્રભા અને તેજસ્વી વ્યક્તિત્વ, પ્રથમ દૃષ્ટિએ જ જોનારને ચક્તિ કરે તેવાં છે. એનાં નયનોમાં તેજનો ચમકાર છે. દાડમની કળી સમી સ્વચ્છ અને સફેદ દંતાવલી વચ્ચે, જ્યારે એ હાસ્યનાં મોતી વેરે છે ત્યારે જાણે કોઈ જાદુગર પોતાની જાદુકલાનાં કામણ કરે અને સહુ મુગ્ધ બને તેમ એને જોનાર સહેજમાં આકર્ષાઈ જાય છે.

લક્ષ્મીનું જીવન સુવાસભર્યું છે. એના સહવાસમાં આવનાર હરફાઈ મીઠી સોડમ લઈને જાય છે. એનામાં સાહસ ભર્યું છે અને એના સહવાસમાં આવનાર કોઈ પણ વ્યક્તિ સાહસની માત્રા લઈને જ જાય છે.

થોડાં વર્ષો પરની વાત છે; જ્યારે લક્ષ્મીનું તારુણ્ય પ્રગટતું હતું. એના વદન પર મુગ્ધાના ભાવ છવાયા હતા. મદ્રાસના રાજમાર્ગ પરથી એક નવયૌવના, પોતાની ચોકલેટ રંગની મોટર ઝડપભેર દોડવ્યે જાય છે, એની ઝડપ વેગીલી છે. ક્યારેક પોલિસ એને અટકાવે છે, છતાં પણ બેપરવાઈથી એ આગળ ચાલી જાય છે. ક્યારેક એ મોટર થોભાવે છે ત્યારે પરેશાન બનેલા પોલિસ એની સમિપ આવે છે: જાણે ડરતો ડરતો; અને પૂછે છે :

‘આ માર્ગ પર મોટર કેટલી સ્પીડથી ચલાવવી એ આપ નથી જાણતાં?’

‘સ્પીડ !’ લક્ષ્મી હસે છે અને કહે છે, ‘ઝડપને તે વળી બંધન હોય ખરાં ?’

‘પણ અમારી મુશ્કેલીનો તો ખ્યાલ કરો?’

એને એ શબ્દો સાંભળવાની જાણે ચિંતા જ ન હોય એમ એની મોટર સડસડાટ ચાલી જાય છે. પાછળ અનિમેષ નેત્રે મોટરને જોઈ રહેલા પોલિસ બબડે છે, ‘કેવી બેદરકાર ?’

લક્ષ્મી: જાણે સાક્ષાત લક્ષ્મીનો જ અવતારઃ એના પિતા મદ્રાસના જાણીતા બેરીસ્ટર હતા. ધીકતી કમાણી, એથીય ધીકતી પ્રતિષ્ઠા અને વૈભવ; લક્ષ્મી એ વૈભવમાં ઉછળી હતી, પણ લક્ષ્મીની ઉજ્જ્વળ અને યશસ્વી કારકીર્દિ નિહાળવાને તેઓ આજે આ અવની પર મોજૂદ નથી; એની માતાનું નામ શ્રી. અમ્મુ સ્વામીનાથન. પતિના વૈભવ અને એશઆરામભર્યા જીવનમાંથી, પીડિતોને સહાય આપવાના કાર્યમાં તે લાગી ગયાં. જાહેરજીવનનાં એમનાં વર્ષો યશોજ્જ્વલ કારકીર્દિ ભર્યા છે. મહાસભાના વફાદાર સૈનિક તરીકે, આઝાદીની લડતમાં શ્રી. અમ્મુ સ્વાનીનાથને પોતાનો ફાળો આપ્યો છે. માતાની એ બલિદાનભાવના અને સેવાભાવનાના અંકૂરો લક્ષ્મીમાં ફૂટ્યા અને આજે તો એક વટવૃક્ષ જેવા બની ગયા છે. પિતાની દોલત અને પ્રતિષ્ઠા સાથે જ માતાના આ સર્વોચ્ચ સંસ્કારોએ લક્ષ્મીના જીવનઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

શ્રી. અમ્મુ સ્વામીનાથને પોતાની અને પુત્રી લક્ષ્મી અને મૃણાલિનીના જીવનઘડતર પાછળ ખૂબ જ કાળજી રાખી છે. પિતાની ઉણપ પુત્રીઓને ન જણાય એની તકેદારી રાખી છે. સંગીત, નૃત્ય, ચિત્રકલાનો લક્ષ્મીને બાલપણથી જ શોખ લાગ્યો છે. એની રમતમાં ટેનિસ મોખરે છે. બન્ને બહેનો નૃત્યકળામાં નિપૂણ છે; મદ્રાસમાં સ્વામીનાથન કુટુંબ સંસ્કારોનો વારસો સાચવી રહ્યું છે. આ કુટુંબ કલા અને સાહિત્ય, નૃત્ય અને સંગીત, ચિત્રકલા અને લલિતકલામાં પૂર્ણ નિપૂણતા ધરાવે છે અને એ કુટુંબે જેમ શ્રી. અમ્મુ સ્વામીનાથનની દેશની આઝાદીની લડતમાં ભેટ ધરી છે, તેવી જ રીતે, લક્ષ્મીની પણ ભેટ ધરી છે.

પિતાનાં આદર્યા અને અધૂરાં પૂરાં કરે તે પુત્ર. એવી કવિ ઉક્તિને જરાક ફેરવીએ અને આગળ વધીએ તો ‘માતાનાં આદર્યા, આઝાદીના યજ્ઞમાં બલિ બનીને હોમાવાને તત્પર બને એ પુત્રી’ એમ કહેવું હોય તો, લક્ષ્મીના સંબંધમાં જરૂર કહી શકાય.

લક્ષ્મીનો પ્રવાસશોખ અજબનો છે. કોઈવાર જ્યારે એ મોટર ચલાવવા માંડે છે, ત્યારે કલાકો સુધી અવિરતપણે એ ચલાવ્યા જ કરે છે. કોઈપણ જાતના નિશ્ચિત ધ્યેય વિના જ, એ સ્ટીઅરિંગ અને બ્રેક પર કાબૂ રાખીને ખાડાટેકરાવાળા રસ્તાઓ પર પણ મોટર હાંકે છે અને સીધા રસ્તા પર પણ એ જ ઝડપથી ચલાવ્યે રાખે છે.

ઘડી પહેલાં લક્ષ્મીની ચોકલેટ રંગની મોટરને કોઈ બજારમાં નિહાળી હાય તો, ઘડી પછી એ મોટરને કોઈ જંગલમાં જુએ તો નવાઈ પામવાનું કારણ નથી. જ્યાં સુધી એ શ્રમિત ન બને, ત્યાંસુધી એ રખડ્યા જ કરે. એનાં રઝળપાટ અને રખડપાટને કોઈ સીમા નથી.

નિર્બંધજીવન એ એનો જીવનમંત્ર છે. મોટરની કલાકોની સફર પછી તે તરત જ ટૅનિસ રમવાને પણ જાય છે. ટેનિસની રમતમાં શ્રીમતિ માલતી પટવર્ધન એની સાથીદાર હતી.

વળી બીજે દિવસે કોઈ વિશાળ વટવૃક્ષની છાયા નીચે, પોતાની સમવયસ્ક સખીઓ સાથે બુદ્ધિની તેજપ્રભાનો પરિચય આપતી ચર્ચામાં ઊતરે છે, એ પોતે થીઓસોફીસ્ટ નથી પણ થીઓસોફીમાં તેને પૂરતો રસ છે, એનો જ્ઞાનભંડાર પણ એવો જ અપૂર્વ છે, નવું જાણવાનું જ્યાંથી મળે ત્યાં એ પહોંચી જતી અને પોતાના જ્ઞાનભંડારમાં નીત નવા ઉમેરા કર્યા કરતી.

જ્ઞાન અને સાહસનો સુમેળ પણ, લક્ષ્મીમાં જ થયો છે. જ્ઞાનનો ઉપયોગ કરવા સાથે, જ્ઞાનપૂર્વકનું સાહસ કરતાં પણ એ અચકાતી નથી, પરિણામે ગમે તેવા મુશ્કેલ સંજોગોમાંથી એ પોતાના માર્ગ કરી શકે છેઃ નિશ્ચિત અને વિજયભર્યો.

એક પ્રસંગે લક્ષ્મી પોતાની માતા શ્રી. અમ્મુસ્વામીનાથન સાથે એક ટ્રેનના ત્રીજા વર્ગમાં પ્રવાસ કરી રહી હતી. એક સ્ટેશને ટ્રેન થોભે છે અને માતા પુત્રીને પહેલા વર્ગના ડબ્બા આગળ થોભાવીને, કહે છે ‘લક્ષ્મી ! તને થીઓસોફીમાં રસ છે ને? તેં જે. કૃષ્ણમૂર્તિનું નામ તો સાંભળ્યું જ હશે ! જેને થીઓસિફીસ્ટો અવતારી પુરુષ માને છે?’

‘હા ! જરૂર !’ લક્ષ્મીએ ઉત્સાહથી જવાબ આપ્યો.

‘ત્યારે! જે, કૃષ્ણમૂર્તિ આ રહ્યા પહેલા વર્ગના ડબ્બામાં.’

‘આ, કૃષ્ણમૂર્તિ?’ હર્ષાવેશમાં લક્ષ્મી બોલી ઊઠી, માતાએ માત્ર હકરાત્મક શબ્દ બોલીને વિદાય લીધી. લક્ષ્મી થોડી પળો ત્યાં ઊભી રહી અને કાંઇક વિચારને અંતે એ પહેલા વર્ગના ડબ્બા તરફ્ ધસી ગઈ.

‘જેમને વિશે અમે ઘણું ઘણું સાંભળ્યું છે તે, શ્રી. જે. કૃષ્ણમૂર્તિ આપ જ કે?’ લક્ષ્મીએ શ્રી. કૃષ્ણમૂર્તિ ને સીધો પ્રશ્ન કર્યો.

શ્રી. કૃષ્ણમૂર્તિને ભારે આશ્ચર્ય થયું. તેમણે લક્ષ્મીની સામે જોયું અને જવાબ દીધો. ‘હા બહેન ! મારું નામ કૃષ્ણમૂર્તિ. કેમ ?’

જવાબમાં લક્ષ્મીએ કહ્યું: ‘તમારા જેવા ધર્મપ્રચારક એ પહેલા વર્ગમાં શા માટે મુસાફરી કરવી જોઈએ? તમારે તો જનતાના સંપર્કમાં વધુને વધુ આવવું જોઈએ અને જનતા તો ત્રીજા વર્ગના ડબ્બામાં બેસે છે!’

આજ સુધી શ્રી. કૃષ્ણમૂર્તિ ને કોઈએ આવાં સ્પષ્ટ વેણ સંભળાવ્યાં નહતાં, સહુએ તેમની સુંવાળપને પંપાળી હતી અને જનતાથી તેઓ વધુને વધુ દૂર થતા ગયા હતા. આજે પહેલી જ વાર આ શબ્દો સાંભળવા મળ્યા અને એ શબ્દો સંભળાવનાર પણ કોણ? લક્ષ્મી ! પૂરી પચ્ચીસી પણ જેણે વિતાવી નથી એવી એક કોમલાંગી !

શ્રી. કૃષ્ણમૂર્તિની વિસ્મયતાનો પાર ન હતો. થોડીક પળો એ મૌન રહ્યા. તેમણે જવાબ આપ્યો, ‘તમારું કથન સંપૂર્ણ સત્ય છે; મારી જગ્યાએ તમે આવી જાવ, બહેન, તમારી જગ્યાએ હું જઈને બેસું,’

પણ એને કયાં પહેલા વર્ગમાં બેસવું હતું ? એ તો ઝડપથી ચાલતી થઈ.

આવી ચબરાક બાળાને બંધન શાને ગમે? મુક્ત વાતાવરણુ, મુક્ત જીવન અને મુક્ત વિચારણામાં જ એ રાચતી હતી. એના જીવનનું ઘડતર પણ એવા જ મુક્ત વાતાવરણમાં થઈ રહ્યું હતું જીવન પ્રત્યેની બેપરવાઈ, એના સાહસિક સ્વભાવનું પરિણામ હોય એમ જણાય છે. ક્યારેય એણે જીવનની પરવા રાખી જ નથી. એટલે તો એ સંકટ અને આફતને સહજભાવે સ્વીકારીને આગળ વધે છે.

એક વખત પૂર ઝડપે એ મોટર હાંકતી હતી. એની મોટરને ઝડપનાં બંધન તો હતાં જ નહિ અને સીધા સપાટ રસ્તા પર ચલાવવા કરતાં ખાડા ટેકરાવાળા રસ્તા પર જ મોટર ચલાવવામાં એને મજા પડતી હતી. એ મજા લુંટવા જતાં એકાએક મોટરને અકસ્માત નડ્યો અને મોટર ઊંધી વળી ગઈ, સામાન્ય માનવી આવા અકસ્માતમાં પોતાના મગજની સમતુલા ગુમાવી બેસે છે અને પરિણામે અકસ્માતને વધુ ગંભીર બનાવે છે, ત્યારે લક્ષ્મીએ મક્કમતાથી, પરિસ્થિતિનો સામનોના કર્યો, જરા પણ ગભરાટ વિના એ બહાર આવી અને જાણે કાંઈ જ બન્યું નહોય. એવી બેપરવાઈથી એ ચાલતી થઈ, ને રોજના જેટલી જ સ્વસ્થતાથી ટેનિસની રમતમાં તલ્લીન બની ગઈ.

સૌન્દર્ય જેના દેહ પર પૂર્ણપૂણે વિકસી રહ્યું છે, યૌવન જેના અંગે અંગે ડોકિયા કરી રહ્યું છે, એવી રૂપગર્વિતા સમી આ બહાદુર બાળાને ઇન્ટરમાં ઉત્તિર્ણ થયા પછી અનેક યુવાનો પોતાની જીવનસંગિની બનાવવાને તલસતા હતા. કેટલાયે સનંદી નોકરો તેને પ્રાપ્ત કરવાને આતુર હતા, પણ લક્ષ્મીનું દિલ તેઓ કોઈ જીતી શક્યા ન હતા. લક્ષ્મીની માતા પોતાનાં સંતાનોના લગ્નના સંબંધમાં કોઈ જ જૂનવાણી ખ્યાલ ધરાવતાં નથી. પુત્રીને પોતાને જ, તેમનો પતિ પ્રાપ્ત કરી લેવાની અને તેની પરીક્ષા કરવાની છૂટ હતી : એટલે મોટી પુત્રી મૃણાલિનીએ તો પોતાના પતિની પસંદગી કરી લીધી હતી. લક્ષ્મીને પણ તેમ કરવાની છૂટ હતી. એટલે તેને પામવાને, ભિન્ન ભિન્ન યુવાનો એની પાછળ ઘૂમતા. એમાં એની કોલેજના પ્રોફેસર પણ હતા. લક્ષ્મીને પામીને જીવન ધન્ય બનાવવાને તેઓ ઉત્સુક હતા.

લક્ષ્મી લગ્નબંધનમાં જકડાઈ જવાને તૈયાર નહતી, એના દિલને જીતી લે તેવો કોઈ યુવાન હજી એને પ્રાપ્ત થયો નથી એટલે એણે તો વધુ અભ્યાસ ચાલુ રાખ્યો અને મેડિકલ કૉલેજમાં દાખલ થઈ. કોલેજનો અભ્યાસ આગળ વધતો હતો ત્યાં એના દિલ પર ચોટ લાગી. એની હૃદયવીણાના તાર પર એક યુવાન વિમાનીની અંગુલિનો સ્પર્શ થયો અને લક્ષ્મીની હૃદયવીણાના તાર ઝણઝણી ઊઠ્યા, પ્રેમ જાગૃત થયો. એ બેંગલેારનો યુવાન હતો. લક્ષ્મી પ્રત્યે એ આકર્ષાયો હતો. અને તેને પામવાની જે સ્પર્ધા થઈ રહી હતી તેમાં એ વિજય પામ્યો.

લક્ષ્મીનો પ્રવાસ શોખ તો કોઈ ગજબનો હતો, અત્યાર સુધી તેણે મોટર દ્વારા, ટ્રેન દ્વારા ખૂબ પ્રવાસ ખેડ્યા હતા, પણ આ યુવાન વિમાનીએ તેને વિમાનના પ્રવાસ તરફ આકર્ષી.

‘તને વિમાની પ્રવાસનો શોખ ખરો કે ?’ એકદા એ યુવાને લક્ષ્મીને પૂછ્યું,

‘પ્રવાસનો શાખ તો ખરો જ!’ તેણે ગર્વથી જવાબ દીધો.

‘મારું નિમંત્રણ છે, ઉડ્ડયન માટેનું ! તૈયાર રહેજે કાલ સવારે જ ઉડવાનું છે.’ વિમાનીએ નિમંત્રણ દીધું.

ને લક્ષ્મી તો તૈયાર જ હતી.

પહેલી જ વાર એણે વિમાનનો પ્રવાસ ખેડ્યો. એના આનંદનો પાર ન હતો, એની કુતૂહલતાનો પાર નહતો.

ત્યાર પછી તો લક્ષ્મીને એણે ખૂબ વિમાની પ્રવાસો ખેડાવ્યા અને ધીમેધીમે લક્ષ્મીના હૈયામાં એ યુવાન પ્રત્યેના પ્રણય અંકૂરો ફૂટતા ગયા.

લક્ષ્મીએ તેને પોતાના પતિપદે સ્થાપ્યો. સિવિલ કાયદા મુજબ બંને લગ્નગ્રંથીથી ગૂંથાયાં. ત્યારે કાંઈકાંI કલ્પનામાં રમતા યુવાનોમાં ભારે આશ્ચય પેદા થયુ. લક્ષ્મીની માતાને મન એ પ્રશ્ન આશ્ચર્યનો ન હતો, પણ લક્ષ્મી કયા પુરુષનો સ્વીકાર કરશે એ વિશે જે અટકળો થઈ રહી હતી તે ખોટી પડી. એના પતિનું નામ નજ્જુ નંદીરાવ !

પણ અત્યારસુધી જેણે નિષ્ફળતાને જીવનમાં કદિય પહેચાની નથી એવી લક્ષ્મીને પહેલી જ વાર નિષ્ફળતા મળી. જીવનની ભવ્ય કલ્પનાની પાંખે ઉડ્ડયન કરતાં આ યુગલને લગ્નજીવનનો આનંદ વધુ સમય માટે મળી શક્યો નહિ. થોડાક સમય પછી તરત જ લક્ષ્મીએ પોતાના પ્રીતિપાત્ર નજ્જુ નંદીરાવ પાસેથી છૂટાછેડા લીધા. જેટલી ઝડપથી બન્ને વચ્ચે પ્રણયના અંકૂર ફૂટ્યા હતા, એટલી જ ઝડપથી સૂકાઈ ગયા. લગ્નજીવનની એ કરૂણતા હતી, પણ લક્ષ્મી હતાશ થઈ નહતી.

થોડા દિવસોમાં જ એના સૂકાઈ ગયેલાં પ્રેમઝરણાં પુનઃ વહેતાં થયાં અને મદ્રાસ મેડિકલ કોલેજના એના જૂના વર્ગશિક્ષક મિ. અબ્રહામ નામના એક સિરિયન ક્રિશ્ચિયન સાથે ફરીને એણે લગ્ન કર્યા.

૧૯૩૭માં તે મેડિસિન અને સર્જરીની ગ્રેજ્યુએટ થઈ અને તરત જ તબીબી તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી. ધીમે ધીમે એની પ્રેક્ટિસ વધતી જતી હતી, પણ એના સ્વભાવમાં જ સ્થિરતા ન હતી. જ્યાં એની પ્રેક્ટિસ હવે ધીકતી થવાની તૈયારીમાં હતી ત્યાં એનું દિલ ઊઠ્યું.

‘બસ ચલો સિંગાપુરના પ્રવાસે !’ અને એકવાર લક્ષ્મીએ નિશ્ચય કર્યો કે, પછી એને બદલી શકવાની તાકાત કોનામાં હોય ? માતાએ તો ક્યારેય એના માર્ગમાં આડખીલી નાંખી જ નહતી.

૧૯૪૦માં તે પોતાના પતિ સાથે સીંગાપોર ગઈ અને સીંગાપોર એને ગમી ગયું, તેને જ એણે નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુંં.

લક્ષ્મીને પાછા ફરવાને તેની માતા સતત આગ્રહ કરતી હતી. માતૃહૃદય પુત્રીનાં દર્શન માટે ઝંખતું હતું, પણ લક્ષ્મી પાછી ફરવાને તૈયાર ન હતી. એણે તો સીંગાપોરમાં જ પ્રેક્ટિસ શરૂ કરી અને સફળતા એને શોધતી આવી. સાહસિક વૃત્તિની લક્ષ્મી, માતાના સતત આગ્રહ અને માતૃપ્રેમને પણ નમી નહિ.

દરમિયાન વિશ્વયુદ્ધની જ્વાળાઓ સહસ્રધા બનીને વિકસી રહી હતી. હિંદમાં પણ મહાત્માજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો હતો. પરદેશમાં વસતા હિંદીઓનાં હૈયાં પણ માતૃભૂમિ હિંદની આઝાદી માટે ઝંખતાં હતાં. સીંગાપોરના હિંદીઓ પણ જાગ્રત થયા હતા. મલાયામાં વસતી હિંદી સ્ત્રીઓ એ પ્રવૃત્તિને પોષતી હતી. શ્રીમતિ ચેચાદેવી આ પ્રવૃત્તિનાં પ્રાણ હતાં. તે ત્રીચૂરનાં વતની હોવા છતાં પણ વર્ષો થયાં સીંગાપોરને જ પોતાનું વતન બનાવીને રહ્યાં હતાં. એમ. એ. સુધીનો તેમનો અભ્યાસ અને હિંદની આાઝાદીની લડતના આંદોલનોએ તેમના પર જે જબ્બર અસર કરેલી તેના પરિણામે સીંગાપોરમાં પણ તેમણે સ્ત્રીઓને સંગઠીત કરવાની, સ્ત્રીઓના પ્રાણને જાગ્રત કરવાની પ્રવૃત્તિ ઉપાડી લીધી. તેમણે ‘લોટસ ક્લબ’ નામની સંસ્થાની સ્થાપના કરી.

બીજી બહેનો શ્રીમતિ રાઘવન, શ્રીમતિ ગોહો અને શ્રીમતિ નઝાગીની સાથે લક્ષ્મીનો સંપર્ક વધતો ગયો, અને તેના સાહસિક દિલમાં માતાએ સીંચેલા હિંદની આઝાદીના અંકૂરો વિકાસ પામવા લાગ્યા. ‘લોટસ ક્લબ’ દ્વારા હિંદી સ્ત્રીઓને સંગઠ્ઠીત કરવામાં લક્ષ્મીએ અગત્યનો ફાળો આપ્યો છે.

દરમિયાન યુદ્ધનો દાવાનળ પૂર્વ એશિયામાં પણ ભભૂકી ઊઠ્યો. જાપાને જંગમાં ઝુકાવ્યું અને એનો પગદંડો પૂર્વ એશિયાના એક પછી એક દેશમાં જામતો ગયો. સીંગાપોર પણ જાપાનનો કબજો જામ્યો, ત્યારે હિંદીઓમાં ગભરાટ વ્યાપી રહ્યો હતો. નાસભાગ થઈ રહી હતી. ત્યારે હિંંદીઓમાં આત્મવિશ્વાસ પ્રગટાવવાના કાર્યમાં લક્ષ્મી રોકાઈ ગઈ હતીઃ લક્ષ્મીએ આફતોનો શાંત ચિત્તે પરિસ્થિતિનો સામનો કર્યો. સીગાપોરના હિંદીઓમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો.

આમ છતાં પણ જ્યારે જાપાન રેડિયોએ જગતને આઝાદ હિંદ સરકારની રચનાની જાણ કરી, ત્યારે જ લક્ષ્મી વિશે જગતને જાણ થઈ. હિંદીઓને પણ ત્યારે જ તેના વિશે સહેજ ઝાંખી થઈ.

નેતાજીના સીંગાપોરના આગમન સાથે, સીંગાપોરના જ નહિં પણ પૂર્વ એશિયાના હિંદીઓમાં ત્યારે ઉત્સાહ પ્રગટ્યો હતો. સીંગાપારમાં સ્ત્રીઓની વ્યવસ્થિત કાર્યશક્તિનાં તેમને જે દર્શન થયાં અને ત્યાં જ એમને લક્ષ્મીનો પણ પરિચય થયો અને લક્ષ્મીને, નેતાજીએ આઝાદ હિંદની કામચલાઉ સરકારમાં મહત્ત્વનું સ્થાન આપીને, હિંદની આઝાદીની લડતમાં હિંદી વીરાંગનાઓ પણ મહત્ત્વનો ફાળો આપી રહી છે એની જગતને જાણ કરી.

નેતાજીની પ્રેરણા હેઠળ, લક્ષ્મીની વ્યવસ્થાશક્તિએ પૂર્વ એશિયાની સ્ત્રીઓમાં અદ્‌ભુત જાગ્રતિ આવી. શસ્ત્રનું નામ સાંભળીને જે ધ્રૂજી ઊઠે એવી હિંદી નારી, લક્ષ્મીના નેતૃત્વ હેઠળ, ઘરબાર છોડીને, સંસારની માયા અને મમતા છોડી દઈને, હાથમાં હથિયાર પકડીને રણમેદાન પર ધસી જવાને તત્પર બની. તાલિમ છાવણીઓનાં સંકટો બરદાસ કર્યાં અને પોતાના ખૂનથી પોતાના જ મૃત્યુખત પર સહીઓ મૂકી. હિંદની નારી, નેતાજીની પ્રેરણા અને લક્ષ્મીની દોરવણીએ વધુ જાગ્રત બની હતી.

ઝાંસીની રાણી રેજીમેન્ટનાં કેપ્ટન તરીકે પૂર્વ એશિયામાં લક્ષ્મીએ ત્યાગ, શૌર્ય અને બલિદાનનો ભવ્ય ઇતિહાસ સર્જ્યો છે.

મોલ્મીન આગળ આ રેજીમેન્ટે જગતના ઇતિહાસમાં ક્વચિત જ જોવા મળે તેવો ભવ્ય સંગ્રામ ખેલ્યો છે. પોતાનાથી બઢતી તાકાત ધરાવતી મિત્રફેાજોને, એકલી રાયફલ અને ગોળીઓથી સોળસોળ કલાક સુધી જંગ આપીને જ્યાં સુધી ઊભવાની હામ હતી, ત્યાં સુધી મિત્ર સૈનિકોને આગળ વધતી અટકાવી. હિંદને માટે એ ગૌરવભર્યો બનાવ છે. એ રેજીમેન્ટને ‘ઝાંસીની રાણી’નું નામ આપવામાં આવ્યું હતું. એ ઝાંસીની રાણીના વીરત્વનું પ્રતીક આ ટુકડીએ પુરું પાડ્યું છે. રંગુનમાં સ્ત્રીઓની એક જંગી સભા મળી છે. નેતાજી સુભાષ બોઝ સ્ત્રીઓ સમક્ષ પ્રવચન કરવાના છે. સ્ત્રીઓની ઠઠ અપૂર્વ જામી છે. એકલી હિંદી સ્ત્રીઓજ નહિ પણ બર્મિઝ સ્ત્રીઓ પણ મોજૂદ છે. આવી સભાઓમાં માત્ર હિંદીઓ જ નહિ પણ બર્મિઝો અને જાપાનીઓ પણ હાજરી આપતા હતા. સ્ત્રીઓની સભામાં પણ બર્મિઝ સ્ત્રીઓ આવે છે. નેતાજીની પ્રેરકવાણીનાં પાન કરે છે. નેતાજી પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત કરે છે. ત્યારે નેતાજીના પ્રાણ લેવાનો એક પ્રયાસ થાય છે. બર્મિઝ સ્ત્રીઓને રીવોલ્વર આપવામાં આવે છે. નેતાજી વ્યાખ્યાન આપવામાં મશગુલ હોય, ત્યારે ઠાર કરવાની સૂચના અપાય છે.

નેતાજી વ્યાખ્યાન આપી રહ્યા છે ત્યારે એ બર્મિઝ સ્ત્રીઓ નેતાજીને ઠાર કરવાને ઉત્સુક બને છે ત્યાં લક્ષ્મીની શિકારી નજર તેના પર પડે છે. તરત જ ત્યાં ધસી જાય છે. એ શકમંદ હિલચાલ કરતી બર્મિઝ સ્ત્રીઓની ઝડતી લેવાય છે પણ કાંઈ મળતું નથી.

છતાં લક્ષ્મીને સંતોષ નથી. એની શિકારી દૃષ્ટિ તેના દેહ પર પડે છે અને કેશકલાપમાં કાંઈક છુપાયેલું જણાય છે. સાવધ બનીને કેશકલાપની ઝડતી કરે છે. રીવોલ્વર મળે છે. સભા આખી ચકિત થઈ જાય છે. નેતાજીનો જાન લેવાનો પ્રયાસ આમ લક્ષ્મીની ચકોર દૃષ્ટિ અને સાહસથી નિષ્ફળ જાય છે.

પરન્તુ આઝાદી માટેનો આ જંગ નિષ્ફળતા પામતો હતો. વિધાતા જ જાણે એ જંગની વિરુદ્ધ હતી. આથી નેતાજીને અને આઝાદ હિંદ સરકારને રંગુન ખાલી કરવું પડ્યું અને રંગુનનું રક્ષણ કરનાર આઝાદ ફોજે શરણાગતિ સ્વીકારી ત્યારે કર્નલ લક્ષ્મી કાલ્વાની હોસ્પિટલમાં ઘાયલ થયેલા આઝાદ હિંદ ફોજના સૈનિકોની સારવારમાં હતાં. ત્યાંથી રંગુન આવીને તેણે ફરીને તબીબી પ્રેક્ટિસ શરૂ કરી, એની સાથે જ પોતાના બિરાદર આઝાદ સૈનિકોની સેવા કરવાનું પણ્રા ચાલુ રાખ્યું હતું.

હવે તો, પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. ‘જયહિંંદ’ના અવાજોથી રંગુનની શેરીઓ એક વખત ગાજતી હતી, આઝાદ હિંંદ ફોજના સૈનિકોની શાનદાર કૂચ જે રંગુનના રાજમાર્ગો પર ભવ્ય દૃશ્ય બની ગઈ હતી, એ રંગુનમાં ફરકતો આઝાદ હિંદ સરકારનો ત્રિરંગી ઝંડો અદૃશ્ય થયો હતો. મિત્ર ફોજોની હુકુમત સ્થપાઈ હતી અને આઝાદ હિંદ ફોજના સૈનિકો પ્રત્યે કિન્નાખોરી ભર્યું વર્તન ચાલતું હતું. ભયનું સામ્રાજ્ય વ્યાપી રહ્યું હતું. એ સ્થીતિમાં પણ એકલે હાથે લક્ષ્મી પોતાનાથી બને તેટલું કાંઇક કરી છુટવા માંગતી હતી. એ દિવસોમાં જ ગાંધીજયંતી આવી અને આઝાદ હિંદ સરકારે ઉજવેલી ભવ્ય અને શાનદાર ગાંધીજયંતીની યાદ લક્ષ્મીને તાજી થઈ. લક્ષ્મીની દોરવણી હેઠળ ગાંધીજયંતીની એવી ભવ્ય ઉજવણી થઇ, લક્ષ્મીએ એ પ્રસંગે ટુંકું પણ પ્રેરક વ્યાખ્યાન આપ્યું.

આ બનાવે મિત્ર લશ્કરી સત્તાવાળાઓની આંખ લાલ બની. હજી ગાંધીજયંતીની ઉજવણી પ્રત્યેનોના રોષ ઓછો થયો નથી, ત્યાં ત્રણ અઠવાડિયા પછી આઝાદ હિંદ સરકારની સ્થાપનાનો દિન આવ્યો. લક્ષ્મી, આઝાદ હિંદ સરકારનાં એક પ્રધાન રગુનમાં મોજૂદ હતાં, એ દિનની ઉજવણીમાં તેણે અગ્ર ભાગ ભજવ્યો. પોતાના કર્નલના ગણવેશમાં સજ્જ થઇને તેણે સભામાં હાજરી આપી. આ બનાવથી લશ્કરી સત્તાવાળાઓનો રોષ વધ્યો અને લક્ષ્મી આંખના કણાની માફક ખૂંચવા લાગી.

વધુ થોડા, દિવસ ગયા અને લશ્કરી સત્તાવાળાઓને અકળાવે તેવો એક બનાવ બન્યો. દિલ્હીના લાલ કિલ્લામાં આાઝાદ હિંદ ફોજના ત્રણ અફસરો કૅપ્ટન શાહનવાઝ, કૅપ્ટન સહગલ અને ક્રેપ્ટન ધીલાં સામેનો મુકદ્દમો શરૂ થયો હતો, તેના વિરોધમાં રંગુનમાં એક સભા મળી હતી. આ સભામાં આઝાદ હિંદના સૈનિકો અને હિંદીઓએ મોટી સખ્યામાં હાજરી આપી હતી. ડૉ. લક્ષ્મી પણ મોજૂદ હતી.

હવે ડૉ. લક્ષ્મીને રંગુનમાં વધુ વખત રાખવાને લશ્કરી સત્તાવાળાઓ તૈયાર ન હતા. રંગુનની જાગ્રતિ પાછળ લક્ષ્મીની પ્રેરણા હોવાનો તેમને શક હતો. બે ત્રણ દિવસ પછી જ ડૉ. લક્ષ્મી પર બર્મા સંરક્ષણ ધારા હેઠળ એક નોટિસ બજાવવામાં આવી. તેમને રંગુન છોડીને કાલ્વો ચાલ્યા જવાનું ફરમાન હતું. પણ ડૉ. લક્ષ્મીએ ફરમાનને પડકાર દીધો. ‘જો મને રંગુનમાંથી દૂર કરવી હોય તો, જગતના બીજા કોઈ પણ પ્રદેશ કરતાં હું મારી માતૃભૂમિમાં જ જવાનું વધુ પસંદ કરું છું.’

એના જવાબમાં ડૉ. લક્ષ્મીને બીજે દિવસે એક વધુ નોટિસ મળી અને એ જ દિવસે સવારે તો, ડૉ. લક્ષ્મીના મકાન પાસે એક લશ્કરી લોરી આવીને ખડી થઈ; ડો. લક્ષ્મીના વિરોધ છતાં તેને બળજબરીથી ઉઠાવીને લૉરીમાં નાંખવામાં આવી અને નજીકના વિમાની મથકે મૂકી દેવામાં આવી. થોડીક પળો પછી એને એક વિમાનમાં ઉપાડવામાં ખાવી. ત્રણસો માઈલનો પ્રવાસ કર્યાં પછી વિમાન મીકતીલા જઇ પહોંચ્યું. લક્ષ્મીને ત્યાં ઉતારવામાં આવી, એને લઈ જવાને ત્યાં મોટર તૈયાર હતી. સો માઈલના મોટરના પ્રવાસ પછી તેને કાલ્વા ખાતે લઈ જવામાં આવી.

લક્ષ્મીને રંગુનમાંની પ્રવૃત્તિઓથી ગમે ત્યારે પણ પોતાની પર લશ્કરી સત્તાવાળાઓની ખફગી ઉતરશે જ એવો ભય તો પહેલાંથી હતો જ. એટલે આઝાદ હિંદ ફોજમાંના પોતાના મિત્રોને જ્યારે છેલ્લી મળી, ત્યારે પોતાની પાસેની હીરામાણેકજડિત વીંટી સ્મરણચિહ્ન તરીકે આપી હતી.

વિદાય થવાની આગલી રાત્રે મિત્રોએ પ્રશ્ન કર્યો, હવે આપણે પાછાં ક્યારે મળશું ?

એ પ્રશ્ને લક્ષ્મીના ગળામાં ડૂમો ભરાઇ આવ્યો. જે મિત્રો સાથે મળીને હિંદને આઝાદ કરવા માટે જંગ ખેલી રહ્યાં હતાં, એ મિત્રો પાસેથી ફરજીઆત વિદેશી હુકુમત થોડા કલાક પછી પોતાને ઉઠાની જવાની હતી. એનું ભાન થતાં એની આંખોમાંથી અશ્રુબિન્દુ સરી પડ્યાં, છતાં ધીમા સ્વરે, સ્વસ્થતા ધારણ કરતાં લક્ષ્મીએ જવાબ દીધો, ‘કદાચ મળશું, સ્વતંત્ર હિંદમાં કોઈક દિવસ.’

બીજે દિવસે લશ્કરી લોરી જ્યારે તેના મકાન પાસે આવીને ઊભી રહી અને લક્ષ્મીને લોરી સમક્ષ લાવવામાં આવી, ત્યારે એક અફસરે પ્રશ્ન કર્યો. ‘કદાચ હું તમને મોરચા પર મળ્યો હોત તો ?’

‘તો શું? હું મારી ગોળીથી તમને વિંધી નાંખત.’ એવા જ જુસ્સાથી લક્ષ્મીએ જવાબ દીધો.

પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જતી હતી અને હિંદનો અસંતોષ દૂર કરવાનો પ્રયાસ જ્યારે બ્રિટિશ સત્તાવાળાઓ કરી રહ્યા હતા, ત્યારે લાલ કિલ્લાના મુકદ્દમાએ હિંદી પ્રજાને જાગૃત બનાવી. એ બહાદુર અફસરોને મુક્ત કરવા પડ્યા અને ધીમે ધીમે આઝાદ હિંદ ફોજના સૈનિકોનો પણ છુટકારો થતો ગયો. બર્મામાં પડેલા આઝાદ ફોજના અફસરોને હિંદ પાછા લાવવામાં આવતા હતા, તેમની સામેના અંતરાયો દૂર થઈ રહ્યા હતા. છતાં લક્ષ્મીને હિંદ લાવવા માટેના કોઇ ચક્રો ગતિમાન બન્યાં ન હતાં. માદરે વતનથી સેંકડો માઈલ દૂર પડેલી આ બહાદુર બાળા હિંદ આવવાને અધિરી બની હતી, પણ સ્વમાનનો ભંગ કરીને અથવા તા પ્રતિબંધોના બંધનમાં જકડાઈને હિંદ પાછા ફરવા તૈયાર નહતી.

હિંદમાં જબરો ઉહાપોહ જાગ્યો હતો. હિંદના ખૂણે ખૂણેથી અવાજ ઊઠતા હતાઃ ‘લક્ષ્મીને હિંદ આવવા દો.’ અને એ અવાજની સત્તાવાળાઓ પર અસર થઈ. એક દિવસ લક્ષ્મીને લઈને એક વિમાન કલકત્તાના વિમાનઘર પર ઊતર્યું. ગણવેશમાં સજ્જ થયેલી લક્ષ્મીએ વિમાનમાંથી ઉતરતાં જ ‘જય હિન્દ’નો ઉચ્ચાર કર્યો અને સીધા નેતાજીના નિવાસસ્થાને જઈને નેતાજીની તસ્વીરને સલામી આાપી, ત્યાંથી સીધી જ પોતાની માતા શ્રી. અમ્મુ સ્વામીનાનથને મળવા દિલ્હી પહોંચી ગઈ.

લક્ષ્મી ભાષણોમાં માનતી નથી. ક્યારે ય એણે વ્યાખ્યાનો આપ્યાં નથી. મૂંગા મૂંગા એણે કાર્ય જ કર્યું છે. એ કાર્ય માં માને છે, હિંદમાં જ્યારે અખબારોએ તેનો પીછો પકડ્યો, ત્યારે એણે માત્ર એટલું જ કહ્યું હતું કે ‘હું તો નેતાજીની એક અદના સૈનિક છું, નેતાજી સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા હજીયે મારા માટે કાયમ છે. આઝાદીની લડતમાં હું મારો હિસ્સો આપીશ.’

હિંદમાં આવ્યા પછી લક્ષ્મીના બીજા પતિ વિષે કાંઈ જ જાણવા મળ્યું નથી. સીંગાપુરમાં પણ તેના પતિ તેની સાથે જ હતા કે કેમ એ પણ જણાયું નથી, પણ હિંદમાં આવ્યા પછી કેપ્ટન સહગલ સાથે તેનાં લગ્ન થવાનાં છે એવી અફવાએ જોર પકડ્યું, ત્યારે લક્ષ્મીએ માત્ર તેની ઉપેક્ષા જ કરી હતી.

હિંદની સપૂત નારીની આ એક ઉજ્વલ કથા છે.