નેતાજીના સાથીદારો
નેતાજીના સાથીદારો પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ ૧૯૪૬ |
‘આજે તમે હિંદની રાષ્ટ્રીય ઈજ્જતના રખેવાળ છો. હિંદની આશાઓ અને અભિલાષાઓના તમે પ્રતિક છો. એટલે તમે એવી રીતે વર્તજો કે તમારા દેશબાંધવો તમારા પર આશીર્વાદ વરસાવે અને ભાવિ તમારા માટે ગૌરવવન્તુ નિવડે. હિંદને આઝાદ થયેલું જોવાને આપણામાંથી કોણ જીવતું રહેશે, એ વાત મહત્ત્વની નથી, હિંદને આઝાદ કરવા માટે આપણે આપણું સર્વસ્વ સમર્પણ કરીશું. પ્રભુ ! આપણી સેના પર આપના આશીર્વાદ ઉતારો અને આવતી લડાઈમાં આપણને વિજય અપાવો’ |
નેતાજીના સાથીદારો
સંપાદક :
પ્રહ્લાદ બ્રહ્મભટ્ટ
: પ્રકાશક :
‘સંદેશ લિમિટેડ’ વતી
નંદલાલ ચુનીલાલ બોડીવાળા
છૂટક નકલ કિંમત રૂા. ૨-૬૨-૦ ( ટ. ખર્ચ જુદૂં )
નિવેદન
‘નેતાજીના સાથીદારો’: આ રાષ્ટ્રીય પ્રકાશનથી ‘સદેશ ગ્રંથમાળા’ ની ચોથા વર્ષની મંઝિલ શરૂ કરવામાં આવે છે.
આ કૃતિના લેખક અને ‘સંદેશ’ ના ઉપતંત્રી ભાઈશ્રી પ્રહ્લાદ બ્રહ્મભટ્ટે આ પુસ્તકમાં આપેલી પરિચય સામગ્રી ખૂબ જ ઝીણવટથી એકઠી કરી ‘નેતાજીના સાથીદારો’ નો સરસ પરિચય આપ્યો છે.
જનતાએ ‘નેતાજી’ને જેવો ઊર્મિભર્યો આવકાર આપ્યો છે, તેવો જ આવકાર આ રાષ્ટ્રીય પ્રકાશનને આપશે, એવી હું આશા રાખું છું. ‘સંદેશ ગ્રંથમાળા’ના ચોથા વર્ષનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ચોથા વર્ષમાં ૧૦૦૦ પૃષ્ઠનું શિષ્ટ અને પ્રેરણાત્મક સાહિત્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. (વિગતવાર યોજના માટે જુઓ આ પુસ્તકનું ટાઈટલ ચોથું).
‘નેતાજીના સાથીદારો’ની સાથે જ શ્રી, રમણલાલ સોનીની અનુવાદિત કૃતિ ‘સંન્યાસિની’ પણ અમારી ગ્રંથમાળાના ગ્રાહકોને મળી જશે. ‘સંદેશ ગ્રંથમાળા’ દિનપ્રતિદિન જનતાની વિશેષ ચાહના પ્રાપ્ત કરતી જાય છે અને આ માટે હું જનતાનો ખૂબ જ આભારી છું.
ગ્રંથમાળાનું ચોથા વર્ષનું આ પ્રથમ પુષ્પ ગરવી ગુજરાતને ચરણે ધરી વિરમું છું.
પ્રાસંગિક
‘નેતાજી’ જ્યારે હું લખી રહ્યો હતો ત્યારે, તેમના કેટલાક જવાંમર્દોના રોમાંચક પ્રસંગોએ મને મુગ્ધ કર્યો હતો. ‘નેતાજી’નું એ ખૂશકિસ્મત હતું કે જે ભાવનાથી તેઓ રંગાયા હતા, તેવીજ ભાવનાથી ઓતપ્રોત થયેલા અને તેની સિદ્ધિ માટે પ્રાણ આપવાને સદાય ઉત્સુક એવા સાથીદારો તેમને મળ્યા હતા. એ સાથીદારોનો પરિચય વાચકોને કરાવવા હું અધિર બની રહ્યો હતો. કેટલાક સાથીદારોની આછી પાતળી વિગતો તો, હું ‘નેતાજી’માં આપી ચૂક્યો હતો, આમ છતાં તેમના વિશે વધુ ને વધુ માહિતીઓ મેળવવાને હું મથી રહ્યો હતો, અને કેટલાક પ્રયાસો પછી જે માહિતીઓ ઉપલબ્ધ થઈ તેના આધારે આ પુસ્તકમાં આપેલા જવાંમર્દોનો પરિચય તૈયાર થઈ શક્યો.
આ પુસ્તક ‘નેતાજી’ના પ્રકાશન પછી તરત જ આપવાની ઈચ્છા હતી, પણ ‘નેતાજી’ની ઉપરા ઉપરી આવૃત્તિઓ નીકળતી ગઈ અને પરિણામે આ પુસ્તક મોડું પડ્યું. પણ એના પ્રકાશનમાં જે વિલંબ થયો છે, એની પાછળ પણ કોઈ ઈશ્વરી સંકેત હોવો જોઈએ. જે વધુ સમય મળ્યો તે દરમિયાન વધુ ને વધુ માહિતીઓ પ્રાપ્ત થતી ગઈ અને તેના પરિણામે કેટલીય ઐતિહાસિક વિગતો અને દસ્તાવેજો આ પુસ્તકમાં આપી શકાય.
‘નેતાજીના સાથીદારો’માં જે સાથીઓનો પરિચય આપવામાં આવ્યો છે તેઓ મુખ્યત્વે, નેતાજીની આઝાદ હિંદ સરકારના સભ્યો હતા. સ્વ. રાસબિહારી ઘોષને, આ પુસ્તકમાં પહેલું સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે, નેતાજી માટે પૂર્વ એશિયામાં જે તૈયાર ક્ષેત્ર હતું, તેના સર્જન પાછળ સ્વ. રાસબિહારી ઘોષનો જ
પુરુષાર્થ હતો. એટલું જ નહિ પણ નેતાજીએ તેમને સર્વોચ્ચ સલાહકારના સ્થાને મૂક્યા હતા. એમની સેવાઓની એ કદર હતી. એ કદરભાવનાને આપણે ભૂલવી ન જોઈએ.
સૌથી છેલ્લે બેટાઈ દંપતીનો પરિચય માપવામાં આવ્યો છે. આ પરિચય માટે પૂરતી વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો છે. એ માટે કલકત્તા, મુંબાઈ અને રાજકોટ સુધી નજર દોડાવી અને આખરે જે પ્રમાણભૂત માહિતી મળી શકી, તેના પરથી એ પરિચય તૈયાર થયો છે. આ પરિચય આપવા પાછળ એક લાભ રહેલો છે. નેતાજીની ભાવનાને ઝીલવામાં ગુજરાતીઓ પાછળ રહ્યા નથી, એને લગતી સાબિતી આથી બીજી વિશેષ કઈ હોઈ શકે? નેતાજીના ‘કરો સબ ન્યોછાવર બનો સબ ફકીર’ સૂત્રને અપનાવીને ફકીર બનનાર માત્ર બે જ હતા. એક હતાઃ શ્રી. હબીબ નામના મુસ્લિમ જુવાન, બીજા હતાઃ શ્રી. બેટાઈ, જેમણે પોતાની લાખોની દોલત નેતાજીને ચરણે ધરી દીધીઃ શ્રી. બેટાઈની માફક જ તેમનાં પત્નીએ પણ એવો જ ત્યાગ કર્યો છે. આપણી પ્રજાને, આપણા જ આવા એક યુગલનો પરિચય થવો જરૂરી છે, એમ હું માનું છું.
અંતમાં આ પુસ્તક તૈયાર કરવામાં જે જે મિત્રોએ મને સહાયતા આપી છે તે સહુનો હું આભાર માનું છું. જયહિંદ.
સૂચિ
ક્રમ | વિષય | પૃષ્ઠ |
૧ | સ્વ. રાસબિહારી ઘોષ | ૧ |
૨ | આનંદમોહન સહાય | ૧૧ |
૩ | શાહનવાઝખાન | ૨૭ |
૪ | ડૉ. લક્ષ્મી સ્વામીનાથન | ૬૩ |
૫ | શ્રી. એસ. એ. આયર | ૮૧ |
૬ | શ્રી. પ્રેમકુમાર સહગલ | ૯૧ |
૭ | શ્રી. ગુરુબક્ષસીંગ ધીલોન | ૧૧૧ |
૮ | શ્રી. જગન્નાથરાવ ભોંસલે | ૧૪૧ |
૯ | બેટાઈ દંપતિ | ૧૫૫ |
૧૦ | સિપેસાલારનાં ફરમાનો | ૧૭૧ |
આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.