ન્હાના ન્હાના રાસ/પૂછશો મા
← ફૂલડાંકટોરી | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ પૂછશો મા ન્હાનાલાલ કવિ |
જગતના ભાસ → |
૭૧
પૂછશો મા
પૂછશો મા, કોઇ પૂછશો મા.
મારા હૈયાની વાતડી પૂછશો મા.
દિલના દરિયાવ મહીં કાંઇ કાંઇ મોતી :
ગોતી ગોતીને ત્હેને ચૂંથશો મા :
મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.
ટહુકે છે કોકિલા, પુકારે છે બપૈયો :
કારણોના કામીને સૂઝશો મા :
મારા હૈયાની વાતડી પૂછશો મા.
આંસુનાં નીરના કો આશાના અક્ષરો
આછા-આછા ત્હો યે લૂછશો મા :
મ્હારા હૈયાની વાતડી પૂછશો મા.
જગના જોદ્ધા ! એક આટલું સુણી જજો :
પ્રારબ્ધનાં પૂર સ્હામે ઝૂઝશો મા :
મારા હૈયાની વાતડી પૂછશો મા.