ન્હાના ન્હાના રાસ/બ્હેનનાં શણગાર
← વીરાનાં વારણાં | ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ બ્હેનનાં શણગાર ન્હાનાલાલ કવિ |
દૂધ → |
૬૫
બ્હેનનાં શણગાર
કેસરી કેવડો બ્હેનને માથે,
ઉજળો મોગરો બ્હેનને હાથે ;
હજારી ગોટા, ને ગુલાબી હાર :
બ્હેનને ધરાવશું એવા શણગાર.
કેવડે કેવડે ન્હાનેરા નખ :
બ્હેનના ખમશું આછેરા ડંખ.
મોગરે મોગરે કુમળાં પાન :
બ્હેનના પામશું પુણ્યનાં દાન.
હજારી ગોટાના હજાર બાણ :
બ્હેનને દૂભવાની દેવની આણ.
ગુલાબપાંદડી ફોરે સુવાસ :
બ્હેનને હસવે એવો ઉજાસ.
ફૂલડે ફૂલડે મધની રેત :
બ્હેનને અંગ અંગ એવાં હેત.