ન્હાના ન્હાના રાસ/વીરાનાં વારણાં

← પોઢે છે ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
વીરાનાં વારણાં
ન્હાનાલાલ કવિ
બ્હેનનાં શણગાર →


૬૨
ખમ્મા ! વીરાને

ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ:
મોંઘામૂલો છે મ્હારો વીર જો !
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ:
બીજો સુહાગી મ્હારો વીર જો!
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ:
પારણે વિરાજે મ્હારો વીર જો!
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ:
ફુલમાં ખીલે છે મ્હારો વીર જો!
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ:
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો!
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.


એક તો આનન્દ મ્હારા ઉરનો રે લોલ:
બીજો આનન્દ મ્હારો વીર જો!
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.

દેવે દીધી છે મ્હને માવડી રે લોલ:
માવડીએ દીધો મ્હારો વીર જો!
ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ.