ન્હાના ન્હાના રાસ/મહિડાં

← ભૂલકણી ન્હાના ન્હાના રાસ - ભાગ ૨
મહિડાં
ન્હાનાલાલ કવિ
મળિયા મુજને નાથ →



બ્રહ્મના બ્રહ્મમહેલે

હલકે હાથે તે નાથ ! મહિડાં વ્હલોવજો,
મહિડાંની રીત ન્હોય આવી રે લોલ.

ગોળી નન્દાશે, નાથ ! ચોળી છંટાશે, નાથ !
મોતીડાંની માળા તૂટશે રે લોલ;
ગોળી નંદાશે ને ગોરસ વહી જશે,
ગોરીનાં ચીર પણ ભીંજશે રે લોલ :
હલકે હાથે તે નાથ !

ન્હાની શી ગોરસીમાં જમનાજી ઉછળે
એવી ન નાથ ! દોરી રાખો રે લોલ;
ન્હાની શી ગોરસીમાં અમૃત ઠારિયાં,
હળવે ઉઘાડી નાથ ! ચાખો રે લોલ :
હલકે હાથે તે નાથ !