ન્હાના ન્હાના રાસ/ભૂલકણી
← ભમ્મરને ટોડલે | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ભૂલકણી ન્હાનાલાલ કવિ |
મહિડાં → |
ભૂલકણી
હું તો ઉભી'તી આભલાંને આરે વસન્તની વાટ જોતી;
સજી આત્મા ને દેહ શણગારે, વસન્તની વાટ જોતી.
હું તો તારલે તારલે જોતી'તી, વસન્તની વાટ જોતી;
હું તો દક્ષિણપન્થ શોધતી'તી, વસન્તની વાટ જોતી.
ત્ય્હાં તો સૂરજ ચાલ્યા આઘેરા, વસન્તની વાટ જોતી;
મ્હેં તો માન્યા દિનનાથને નમેરા, વસન્તની વાટ જોતી.
હૈયાસૂની ને એકલી અટૂલી, વસન્તની વાટ જોતી;
હું તો વસન્ત માસને ય ભૂલી, વસન્તની વાટ જોતી.
મ્હને સખીઓ ભૂલકણી કહે છે, વસન્તની વાટ જોતી;
તાળી લેઇ-દેઇને સહુ હસે છે, વસન્તની વાટ જોતી.
હું તો ઉભી'તી આભલાંને આરે, વસન્તની વાટ જોતી;
કંઇક ભૂલી સલૂણા સંસારે, વસન્તની વાટ જોતી.