ન્હાના ન્હાના રાસ/મોગરાની વેલ

← વીરાંગના ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
મોગરાની વેલ
ન્હાનાલાલ કવિ
મોરલો →


૩૬
મોગરાની વેલ

મોગરાની વેલ મારી લૂમે ને ઝૂમે :
ખીલ્યાં ગોરાં ગોરાં ફૂલ,
મ્હારી લૂમે ને ઝૂમે.

ભમરો આવ્યો ને બેઠો, અકડી ને ઉડ્યો :
લાગ્યા ભમરાના કાળા ડાઘ,
મ્હારી લૂમે ને ઝૂમે.

ચન્દ્રે લ્હોયા, ને કાંઇ સૂર્યે એ ધોયા :
ધોયા મ્હેં નયણાંને ધાર,
મ્હારી લૂમે ને ઝૂમે.

લ્હોયા લ્હોવાય નહીં, ધોયા ધોવાય નહીં :
કળા ભમરાના કળા ડાઘ,
મ્હારી લૂમે ને ઝૂમે.

જોગી પધાર્યા ભેખધારી કો કારમા :
છાંટ્યા મન્ત્રીને જોગનીર,
મ્હારી લૂમે ને ઝૂમે.

નિર્મળાં ધોવાયાં મ્હારાં ગોરાં ગોરાં ફૂલડાં :
વાસના કંઈ પુણ્યની પમરાય,
મ્હારી લૂમે ને ઝૂમે.