ન્હાના ન્હાના રાસ/રંગધેલી
← મળિયા મુજને નાથ | ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ રંગધેલી ન્હાનાલાલ કવિ |
રાસ → |
રંગધેલી
રાસે રમે રંગઘેલી,
સાહેલડી રાસે રમે રે. ધ્રુવ.
અબિલગુલાલના સાથિયા રે પૂર્યા :
વિશ્વ ભરી છોળ એ ઉડેલી :
સાહેલડી રાસે રમે રે.
ચોળીમાં મોરલા ને ચુન્દડીમાં ચાતકો ;
અંગઅંગ ફૂલડે ફૂલેલી :
સાહેલડી રાસે રમે રે.
આંખોમાં ઉગિયા આશાના ચન્દ્રમા ;
મુખડે શી મોહિની ચ્હડેલી !
સાહેલડી રાસે રમે રે.
ભૃકુટિ નમેલી, કંઠકળી યે નમેલી ;
નમણી નમેલી દેહવલી :
સાહેલડી રાસે રમે રે.
મદે ઢળી ચાલમાં, સોહાગભર્યા ભાલમાં,
કામિનીની કવિતા ઝૂકેલી :
સાહેલડી રાસે રમે રે.
આત્માની પ્રેમજ્યોતે દેહે કીધા દીવડા ,
દીપે દીપે દુનિયાં દાઝેલી :
સાહેલડી રાસે રમે રે.
મેદની ભૂલાવી, મહામાયા સ્મરાવતી,
ફૂદડી ફરે છે અલબેલી :
સાહેલડી રાસે રમે રે.
રાસે રમે રંગઘેલી,
સાહેલડી રાસે રમે રે.